કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૫. પાઠકની છીંકે
(અંજની)
પૂછ્યું શ્રી શુકસનકાદિકે;
પ્રાસ નહિ મળવાની બીકે,
રાખ્યું ચોથા ચરણ તરીકે,
‘પાઠકની છીંકે’? ૧
પ્રાસ મળે છે ધોબી ઝીંકે,
મલ્લ લડે જ્યાં ઢીંકે ઢીંકે,
એક ન લૂલે પગ અંજનીકે.
‘પાઠકની છીંકે’? ૨
જગત બધું બેલડીએ વિહરે,
ને જોઈએ બે લડીએ ત્યારે,
એક રહી જાશે અડવી કે
‘પાઠકની છીંકે’? ૩
મેરુજીની ભેંસો ભડકી,
માનશુકનથી ટ્રેનો અટકી,
શું વળ્યું પ્રાસ ન શોધ્યો ભટકી,
‘પાઠકની છીંકે’? ૪
જન ભડક્યાં સૂતાં ઓશીકે,
પાણી થંભ્યાં વહેતાં નીકે,
ગોરસ ફૂટ્યાં અધ્ધર શીકે,
‘પાઠકની છીંકે’? ૫
(શેષનાં કાવ્યો, પૃ. ૭૪)