કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨૪. એક રાજપુત ટેકના મધ્યકાલીન દુહા
‘સાંભળો છો કે શાયબા, મારી કાયા કરમાણી,
એક માખીને કારણે, મારી ઊંઘું વીંખાણી. ૧
પોઢી હતી પલંગમાં વસમા દી વૈશાખ,
વાયરો ર્હૈ ગ્યો વાલમા, મારે મોઢે બેઠી માખ! ૨
ઉડાડું તો ઊંઘ ઊડે, ને ઓઢું તો અકળાઉં,
ધાડ પડે ધોળે દિયે, હું લાખેણી લૂંટાઉં. ૩
રે’વું ન તારા રાજમાં, મર કાળા કળેળે કાગ,
નીંદર નાવે નેનમાં, મારે અંગે ઊઠે આગ.’ ૪
ડાબો મેલ્યો ડાયરો, ને જમણી જળની વાટ,
પરણી પિયર સંચરી, અરે દૈવે વાળ્યો દાટ! ૫
હાલકહૂલક થૈ રહ્યું, જાણે ચૌટે પેઠો ચોર,
ગરજ્યો ગઢવી ઓટલે, જ્યમ ગરકે ગિરમાં મોર. ૬
‘કાળી ટીલી કનકની, ખોટ ખતરિયાં વટ્ટ,
ધિંગાણાં ધોળે દિએ, તેને ઝીંકે નહિ ઝાપટ્ટ. ૭
ધિક્ હજો ધરણીપતિ, તું મૂછો શેની મરડ,
પરણી પોસાણી નહિ, તારો ઠાલો મેલ્યને ઠરડ.’ ૮
‘વે’લો આવે વીઠલા, મારે હાથ નથી હથિયાર,
આ મે’ણાથી મુકાવવા, તું ચઢજે મારી વાર.’ ૯
વેગે ધાયો વીઠલો, કરતો કપરી કૂચ,
મેણિયતે માથું ધર્યું, તેથી મૂંડી નાખી મૂછ! ૧૦
ધન રાણી ધન ચારણા, ધન રાજા ભરથાર!
ધન વાળંદા વીઠલા, મે’ણાં ફેડણહાર! ૧૧
(શેષનાં કાવ્યો, પૃ. ૭૨)