કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૫. દુહા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૫. દુહા

ઝંઝા ડોલે ઝાડવાં વસિયર મહુવરથી જ,
તૂં એક ઝીણી બીજ તેં ડોલાવ્યો શેષને!

તૂં ઝાંખી બીજ પાતળી, કિરણ અડ્યાં જૈ શિર,
ઉરસાગરનાં આંધળાં તેં અજવાળ્યાં નીર.

હિય દેતાં ચોર્યું નહીં, શિર ધીર્યે ના ક્ષોભ;
મુખ ધરતાં મોડ્યું નહીં, (એક) વચન તણો શો લોભ?

વાનું સરજ્યું અંગ વા ભેળું જાતું ઊડી,
નહીં રૂપ કે રંગ (પણ) લાખે લેખાં વચનનાં!

દીવાની અળખામણી, કાળી ભીતર બ્હાર,
(પણ) એક જ રેખા નેણમાં : દીપકમાળ હજાર.

હૈયે માણકહાર, અધર ઝગે નથમોતીડું,
ચળકે ચન્દ્ર નિલાડ, (પણ) આંજણ વણ અધૂરું બધું.

દીવાની અળખામણી, કાળી ભીતર બ્હાર,
(પણ) રેખા તાણી કાગળે, ઉર ઉજાળણહાર.

દીવાની અળખામણી એને આઘેથી કોઈ અડે નહીં.
(પણ) કલમે તાણી રેખ (એની) ઊપટે કે ઊખડે નહીં.

(વિશેષ કાવ્યો, પૃ. ૪૬)