કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૪૬. સ્મરો છો કે? –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. સ્મરો છો કે? –
(શિખરિણી)

`સ્મરો છો કે?' `અંતે પૂછી પૂછી મને આ શું પૂછિયું?
ઘટે, એવું આવા પરિચય પછી પૂછ્યું સજની?
જહીં રંગાયું આ જીવન સઘળું રાગ તુજથી,
તહીં છૂટી છૂટી ક્ષણ સ્મરણની હોય પૂછવી?
કૂવાના અંતર્‌માં જલની ફૂટી કો સેર નવલી :
સ્મરે કે વિસારે ક્યમ, બની રહ્યું જીવન જ જે?
સરાફી પેઢીમાં રકમ ધણીને નામ ખતવી :
પુછાયે ત્યાં, આમાં દ્રમ મુજ કયો ને નહિ કયો?'
`ગમે ના નામામાં રકમ ગણિને માત્ર ખતવી,
`ગમે હા પ્રત્યેક દ્રમદ્રમ રણત્કાર સુણવો!'
`ભૂલે, ભાખ્યું `રાઈપરબત' તણા એ સુકવિએ,
`ફરે બન્ને ચક્રો રથની ગતિમાં એક સરખાં.'
ગણીને તારાં તું સ્મરણ, ગણજે એમ મુજનાં!'
`અરે આ શું બોલો? કહું છું સુણવાં છે તમ મુખે.
કહો ક્યારે ક્યારે સ્મરણ મુજ–' `ક્યારે? કદી નહિ.
મને જીવ્યા આડે સ્મરણ કરવા ફુરસદ નથી.
સ્મરું હું તો કદ્દી નહિ, નહિ, ન આ પંક્તિ માંહીયે!'

(વિશેષ કાવ્યો, પૃ. ૫૪)