કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૫. ઉદધિને
Jump to navigation
Jump to search
૫. ઉદધિને
મને ઉદધિ! માન છે – પૃથિવી આખી વીંટી વળી
અગાધ, ગરજ્યા કરે તું અવિરામ કો ઘોષણા!
ઉરે પ્રગટિયા પ્રચંડ અનલો કંઈ ઢાંકીને
સદા ઉપર તો અનંત લહરી સ્મિતોની ધરે!૪
વસ્યાં તુજ નિવાસથી કંઈ ઊંચે શું એ ગર્વથી
કદી તું પર આક્રમે જગતનાં બીજાં ભૂત તો,
બધી ખળભળાવી નાંખી દુનિયા મહાગર્જને
ગિરિગિરિ સમા તરંગ ઉપરે તરંગો તણાં
ભયંકર ઉછાળી લશ્કર, ટકી નિજ સ્થાન રહે! ૯
મને સુબહુ માન એનું! પણ સ્નિગ્ધ આશ્ચર્ય કે
– સદા વિહસતો મહાન શશી સૂર્ય ને તારલા –
અતિ હલકી નાનીશી ફરતી નાવડીનીય તું
ધરે વિરલ સૌકુમાર્ય થકી સ્પર્શરેખા ઉરે! ૧૩
(શેષનાં કાવ્યો, પૃ. ૧૦)