કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૩૬.બટકતી ભાષાના ધાગાથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૬.બટકતી ભાષાના ધાગાથી

લાભશંકર ઠાકર

બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ રે
છે શિયાળો.
નિર્વસન, વસન આશનું પકડી
એકાગ્ર આંખથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.
નથી માપપટ્ટી કે કાતર,
કાનામાતરના રણકારે, કાન સહારે
ગણગણતી,
વગર અણીની સોય લઈને કોડભરી ઉત્સુક
સીવતી કોટ રે, છે શિયાળો.
સીવતાં સીવતાં ધાગો બટકી જાય
પરોવતાં રે ગાંઠ વગરનો ધાગો સરકી જાય
શતકોનાં શતકો ઊંટોનાં
સોયના કાણામાંથી
સરક સરકી જાય રે.
વ્હાણાથી બેઠી બેઠી, કાણાને શોધી
મમળાવી ધાગો મોંમાં
ધીરજ ખંતથી પરોવવા તત્પર
દરજણ કવિતા
સફળ યત્નથી સ્મિતભરી, સીવતી કોટ રે,
છે શિયાળો.
કંપિત અંગ-આંગળાં
લયમાં
સંકોરી કાવ્યભાન
ખંતીલી તંતીલી
વેદના વારાથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.

(‘કવિતા’માંથી, ખંડ : ૭૯)
(હથિયાર વગરનો ઘા, ૨૦૦૦, પૃ. ૭૦)