કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૫. નિરાશા વિજયસ્મિતા
૧૫. નિરાશા વિજયસ્મિતા
ગેબી નોબત આભની ગડગડે, ને વીજ ને ઝાપટાં
ચારેકોર કરે જમાવ, તરસી પૃથ્વી પ્રસન્ના બને,
ત્યારે આ ઉર ક્લિન્ન ખિન્ન બનતું કેવું વિનાકારણે!
કેવી તીવ્રપણે બધે ફરી વળે ઊંડી ઉદાસીનતા!
જેવી ઝમઝમ રણઝણાટ કરતી ખાલી ચડે અંગને,
તેવું દર્દ પરાસ્તના જ્વલનનું ઝીણું ધરૂજ્યા કરે:
કૈં કૈં આગત ને અનાગત બધાં કલ્પી અનિષ્ટો, અહો
પંપાળ્યા કરવું અને ગરકવું અંતે નિરાશા મહીં!
ને જો એમ જ છે, ભલે, જીવનની કાળી નિરાશા! ભલે,
ચાલી આવ અહીં લગીર થડકો રાખ્યા વિના, ઘેરી લે.
બીડી હોઠ દબાવ આ જિગરને, લે દાંતના ગ્રાહમાં;
કિન્તુ મા કરજે તું ઠાર, નહિ તો, રે તું જ ત્યાં હારશે.
જો તું કેસરિયાં કરી ઝઝૂમતું ના જોમ પ્રેરી શકે,
તો તો તું ન જયસ્મિતા, ફટ તને, શાની નિરાશા જ તું?
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૧૫)