કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૩. પાનીને પગરસ્તે
Jump to navigation
Jump to search
૩૩. પાનીને પગરસ્તે
તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
આજ પીઉં દર્શનનું અમરત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવોઃ
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.
પાંખોની પડખે જ પરબડી, આંખો જુએ પિયાવો,
અદલબદલ તન-મનની મોસમ, ચાતકનો ચકરાવોઃ
તારા રંગનગરનો રસિયો નાગર એકલો.
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતીઃ
તારાં હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો.
ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતોઃ
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો.
(દીપ્તિ, પૃ. ૯૨)