કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૦. અલબેલો અંધાર હતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૦. અલબેલો અંધાર હતો



એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો, એ દીપક નહિ પણ પ્યાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો!

જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા:
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું!
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો!

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો બસ મઝધાર હતો:
મન ભીનું ભીનું જલતું’તું એ આતશનો આધાર હતો!
(ગુલઝારે શાયરીઃ મણકોઃ ૧૦ (૧૯૬૨), પૃ. ૬૧)