કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૧. સાંજ પહેલાંની સાંજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. સાંજ પહેલાંની સાંજ


હજી આ કોકરવરણો તડકો છે,
સાંજ તો પડવા દો!
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે,
દિવસને ઢળવા દો!
          — સાંજ તો પડવા દો!

હજી ક્યાં પંખી આવ્યાં તરુવર પર!
અને ક્યાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવમંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો!
          — સાંજ તો પડવા દો! દિવસને ઢળવા દો!

હજી ક્યાં દુનિયાદારી થાકી છે!
હવાની રૂખ બદલવી બાકી છે!
હજી આ કિરણોમાં કરડાકી છે,
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો!
          — સાંજ તો પડવા દો!

હજી આ ધરતી લગરીક ઊભી છે,
ગગનની મખમલ તારકસૂની છે,
સાંજ તો શોખીન અને સમજુની છે.
કનકકિરણને નભવાદળમાં
અદ્ભુત રંગ રગડવા દો
          — સાંજ તો પડવા દો! દિવસને ઢળવા દો!

(આચમન, પૃ. ૧)