કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૫. માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૫. માણસ


કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.

બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,
તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીનાં માણસ.

ખેતરનાં ડૂંડાંમાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દૂણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં —
તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણી ને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી…
(આચમન, પૃ. ૩૭)