કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/તમારા પત્રો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. તમારા પત્રો

તમારા પત્રોમાં ઝરમર ઝરે વ્હાલ નભનું.
અહો! શબ્દે શબ્દે સજલ ઊઘડે શાન્ત તડકો.
તમે પાસે પાસે તદપિ દૂરના દૂર રહીને
અહીં મારી વીણા રણઝણી રહે એમ અડકો!

તમારું જોઉં હું મુખ, ચરણ ને સાદ સુણતી.
તમારા પત્રોને પથ વિચરતી, કલાન્ત ક્ષણમાં
રચું નાનું મારું વન મધુર એકાન્ત રણમાં.
તમારા પત્રોનું જતન કરીને જીવી લઉ છું.

તમારા શબ્દોમાં સતત છલકે સાગર અને
પહાડો ઊભેલા પલક પીગળે; ઈન્દ્રધનુઓ
રચી આપે સેતુ વનકુસુમની સૌરભ લઈ
તમે તો શબ્દોની સરહદ વટાવી અહીં ઊભા.

તમારા પત્રો તો શયનગૃહના દર્પણ સમા
તમારા દીધેલા પ્રથમ શિશુના અર્પણ સમા!

૧૯૭૦(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૦૪-૧૦૫)