કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/માણસ મને હૈયા સરસો લાગે
Jump to navigation
Jump to search
૪૫. માણસ મને હૈયા સરસો લાગે
ક્યારેક સારો લાગે, ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે
દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે
એને ઓળખતાં વરસોનાં વરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે
ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગે
ઘડીક લાગણીભર્યો, ઘડીક બુઠ્ઠો લાગે
ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે
ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે
ક્યારેક માણસભૂખ્યો, લોહીતરસ્યો લાગે
તોયે મારો સ્વભાવ હૈયાસરસો લાગે
૧૪-૫-૧૯૮૮(હું તને લખું છું, ૧૯૮૮, પૃ. ૪૮)