કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૩. – તો એની તુમાખી
Jump to navigation
Jump to search
૪૩. – તો એની તુમાખી
ગઝલ ગાઈ નાખી તો એની તુમાખી,
ને ખિસ્સામાં રાખી તો એની તુમાખી.
દુબારા… દુબારાઃ ભમ્યો કોક ખૂણો;
ફરી વાર ભાખી તો એની તુમાખી.
મળ્યા કાફિયા, શેઅર, મત્લા ને મક્તા,
રચી એમ આખી તો એની તુમાખી.
ન’તી હોકલી, ચુંગી, સિગરેટ, સાફી;
પછી પીધી ખાખી તો એની તુમાખી.
હતી મંચ પર ભીડ કંઈ શાયરોની,
સભા ઝાંખી-પાંખી તો એની તુમાખી.
તપ્યા અંગુલિ ડાયરી મધ્ય રાખી,
ધૃતિ એમ દાખી તો તેની તુમાખી.
કવનની બધી બારીઓ દીધ વાખી,
ખૂલી એક રાખી તો એની તુમાખી.
અમદાવાદ, તા. ૧૭-૬-૯૭
(જળમાં લખવાં નામ, પૃ. ૨૫૧)