કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૪. ગઝલની ધા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૪. ગઝલની ધા

આ દાદના ધખારાથી બ્હાર મને કાઢો,
આ છીછરા દુબારાથી બ્હાર મને કાઢો.

ઠાલા બધા ઠઠારાથી બ્હાર મને કાઢો,
આ તાલીઓના મારાથી બ્હાર મને કાઢો.

આ ઘાણ ઉપર ઘાણ ઉપર ઘાણ ઉતારે છે
કાચા અને કુંવારાથી બ્હાર મને કાઢો.

લટકી પડી છે રદ્દીફ ને કાફિયા યે ઢીલા,
આ બેવડા બફારાથી બ્હાર મને કાઢો.

આ કોણ તરન્નુમને ચાળે ચડી ગયું છે?
ધોરણ વગરના ધારાથી બ્હાર મને કાઢો.

ગરવું છે આ ઘરાણું, થોડી અદબ તો રાખો,
આ ટોળ ને ટપારાથી બ્હાર મને કાઢો.

અજવાળું આ શમાનું ફેલાવવું છે મારે,
આ જૂઠના ઝગારાથી બ્હાર મને કાઢો.

છાજે તો અહીં છાજે – મહોબત, મિજાજ, લિજ્જત,
દાદાગીરી ને ડારાથી બ્હાર મને કાઢો.

બે વાત મારે ઊંચી કહેવી છે નજાકતથી,
આ ઢોલ ને નગારાથી બ્હાર મને કાઢો.

મળવું છે ગુણીજનને શીળી કો છાંયડીમાં,
આ તોર ને તપારાથી બ્હાર મને કાઢો.

કુંદનની કસોટી તો કરનાર કરી જાણે,
નુગરે લગાવ્યા નારાથી બ્હાર મને કાઢો.

આ વાયદા વફાના, ફીશિયારીઓ ફનાની,
લખલૂટ આ લખારાથી બ્હાર મને કાઢો.

એવાં ધરે તખલ્લુસ કે પોત જાય પ્રગટી
ઉધમાતિયા અકારાથી બ્હાર મને કાઢો.

‘શાયર’ થઈ જવું છે, ખખડાવી કાણી કોડી;
આ બાપડા બિચારાથી બ્હાર મને કાઢો.

આ તાલીઓ ટપાકા, આ નાચ અને નખરાં,
આ નાટકો નઝારાથી બ્હાર મને કાઢો.
૨૩-૯-૨૦૦૩
(જળમાં લખવાં નામ, પૃ. ૨૫૨-૨૫૩)