કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/આત્મા! જા, તું...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. આત્મા! જા, તું...

સૃષ્ટિના જે પ્રથમ દિવસે, દ્યૌ-પૃથિવી દીઠાં’તાં
આશ્લેષોમાં, તહીંથી પ્રણયી હું અનંત પ્રવાસી-
સૈકાઓથી પ્રણયી યુગલે હું હતો પૃથ્વીએ આ
યાત્રી પેલો અમર-પથનો સર્જનોમાં કવિઓ
શિલ્પીઓ ને ફલક ઉપરે ચિત્રકારો સૃજે છે.
આજે જીવે પ્રણયી યુગલો તે મહીં પ્રાણ મારો
તેવો યાત્રી પ્રણય-જીવને ભાવિ યુગ્મે અનેક.

કલ્પો વીત્યા પ્રણયની વહી શી તરંગાવલિએ,
તેજોમેઘો ઉપરથી કદી, વા કદી ગર્તમાં એ
અંધારાનાં અખૂટ વમળોમાં ડૂબી ને વહી એ.

તારાઓ સૌ ગગનતલના મંત્ર એના સ્તવે છે,
વેદોચ્ચારો સમ સ્વરિત, ઉદાત્ત ’નુદાત્ત રાગે,
તેનાં આંદોલન પ્રકટીને વિશ્વ આખું ભરે આ –
એકાન્તોમાં ગગન નીરખે નિસ્તલે અંધકારે
તારે હૈયે પ્રતિધ્વનિય એના ઊઠે મંદ મંદ.
પ્રેમોર્મિ એ યુગયુગ તણી માગતી કોઈ બાળ
જે પાછો આ ત્રિભુવન બધું એક પાદે સમાવી
લોપી દૈને સમય સઘળો, લાખ લાખો યુગોનો
એનો એવો અનુભવ બધો શિલ્પ–કાવ્યે વહાવે.

આત્મા! જા, તું ચિરવિરહના એ પ્રયાણે ફરીથી
આનંત્યે તું ભ્રમણ કરજે દુઃખ–આનંદમાં તું.
દેહોની જે ભૂખ જગવતો અગ્નિ સ્ફુલિંગ તે લૈ
બાળી એને, અરૂપરૂપમાં આત્મ તું પ્રેમ પીજે.
પારાવારો નયન નીરખે અબ્ધિ-આકાશ જેવાં
તોયે તારો, પ્રણય! ન કદી તાગ માપી શકે એ.
આત્મા ધન્ય ક્ષણે કો અરૂપરૂપની એ–અબ્ધિ આકાશની એ
ઝાંખી લેતો, મુઝાયે ક્ષણ બ ક્ષણ, ને સ્તબ્ધ નિશ્ચેષ્ટ દેહ
અશ્રુસ્રોતો વહાવી અવશવિવશ થૈ ક્રન્દને લે સમાધિ.

૯-૬-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૭૮-૭૯)