કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/સ્થલ સ્થલ મહીં વિશ્વે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૫. સ્થલ સ્થલ મહીં વિશ્વે

સ્થલ સ્થલ મહીં વિશ્વે વ્યાપી રહી કવિતા-કળા,
પ્રતિઉર સદા ઇચ્છે એના પ્રતિધ્વનિ ઝીલવા —
કુસુમ-ફૂલના રંગો, રંગો વનસ્પતિ-સૃષ્ટિના,
ઋતુ-વસનથી શોભે નારી સદા શુભ પ્રકૃતિ,
ઉદધિ છલતો, ઊંચા શૈલે ગિરિ નભ વીંધતો,
સુરસરિતની હૃત્તંત્રીને વગાડતી અંગુલિ,
મનુજ વપુનાં સૌન્દર્યો, ને કથા ગતકાલની,
સરવર ભરે ચંદા તેવી કથા ઉરરાગની.

પ્રતિઉર દહે જ્વાલા, પીવા બધું અણદીઠ એ
ઉર-મન અને આત્મા ચક્ષુ નહીં ઊઘડે યદિ
કહીં થકી પીએ સૌન્દર્યો એ, વસ્યાં સચરાચરે?
‘પુલિન’ તુજ આ થાઓ, થાઓ પ્રયત્ન યશસ્વી, ને
શિશુ ઉર મહીં રોપ્યા ભાવો ફરી પ્રકટી રહી
નિજ અનુભવે સૌન્દર્યો એ ઝીલી સ્મરશે તને.

૧૦/૧૩-૧-૧૯૪૨(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૫૫)