કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/તું સારથિ, તું જ પરંતપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૪. તું સારથિ, તું જ પરંતપ

સંમોહથી જીવનયુદ્ધ મહીંય જ્યારે
હેઠાં પડે કરથી શસ્ત્ર અજાણ, તારી
શક્તિ હણાય, તુજ ભેરુ કરીશ કોને?
તું પાર્થ છે : જીવનમાં લડનાર સૌયે
છે પાર્થ, તોય નહિ સારથિ પાર્થનો સૌ
પામે સદા; કરમહીં ફરી શસ્ત્ર આપી
જે પ્રેરતો, વિજિગીષા બઢવે, રહીને
યુદ્ધે અદીઠ, પણ જે જયપ્રેરણા છે.
ના, પ્રેરણા નહિ જ; એ સ્વયમેવ જેતા,
ને પાર્થ માત્ર જયનું હથિયાર એનું.

જીવ્યું ભલે તુજ સદા કુરુક્ષેત્ર થાયે,
એમાં જ પૌરુષની સિદ્ધિ ગણી બધાની.
તારો જ તું જય થજે, તું જ પ્રેરણાયે,
તું સારથિ, તું જ પરંતપ, વિશ્વજિત્ તું.

૮-૭-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૪૯)