કુંવરબાઈનું મામેરું/કડવું ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧૪

[ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વડસાસુએ ભયાનક યાદી કરીને ઠાવકી કુટિલતાથી કહેલું – ‘આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક’ એનો સચોટ ઉત્તર હોય એમ કુંવરબાઈ કહે છે : ‘જો લખ્યાથી આશ હોય ઘણી, માગી લેજો બાઈ, પહેરામણી’. લોભી નાગરોનાં મનની દરિદ્રતા પણ અહીં ઉઘાડી પડી જાય છે, એમાં કવિનું આલેખનકૌશલ છે. ]



(રાગ મારુ)
મહેતાજીએ તેડી દીકરી, ‘જુઓ, છાબ આ શામળિયે ભરી;
પહેરાવો સરવ નાત નાગરી, આ અવસર નહિ આવે ફરી.’          ૧

કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી;
હાસ કરી ગર્વે ઉચ્ચરી : ‘બાઈ વસ્ર આપો વહેંચી કરી.          ૨

વૈષ્ણવ કહીને દેતાં ગાળ : "એ શું મામેરું કરશે કપાળ?"
તમો નિંદતાં તુલસી ને તાળ, તેણે વશ કીધા ગોપાળ.          ૩

જુઓ, કમાઈ[1] દુર્બળ તણી, જીવે છે હરિના ગુણ ભણી;
જો લખ્યાથી હોય આશા ઘણી, માગી લેજો, બાઈ! પહેરામણી.’          ૪

સાંભળી કુંવરવહુની વાણી, સાસુએ તેડ્યાં ગોર-ગોરાણી;
પૂજ્યા પાય બહુ આદર કરી, આઠ વસ્ર આપ્યાં કર ધરી.          ૫

ભીડ નાગરની ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી[2];
આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.          ૬

મહેતોજી કહે : ‘લો આ, દીકરી! સસરાને આપો પામરી;’
ગડી જરકથી વાઘાની કરી, હેમ સાંકળી ઉપર ધરીઃ          ૭

‘વરના મુખ આગળ જૈ ધરો, નીચું જોઈને પાછાં ફરો;
પહેરામણી મનગમતી કરો, રખે પગલું પાછું ભરો.’          ૮

સજોડે તેડ્યાં જેઠ-જેઠાણી, આઠ વસ્ત્ર પહેરાવ્યાં આણી;
પ્રીતે પૂજ્યાં દિયર-દેરાણી, બુસટિયો[3] તવ બોલ્યો વાણી :           ૯

‘જ્યહાં નરસૈંયો ત્યહાં નવનિધિ,’ દિયરિયો બેઠો હઠ કીધી;
પાંચ મહોર સોનાની લીધી, પછે પહેરામણી ચાલવા દીધી.          ૧૦

‘કુંવરબાઈ પિતા કને આવી, નણદીએ પહેરામણી અટકાવી;
રાખડી બે તોલાની લાવી, દસ તોલા આપી સમજાવી.          ૧૧

આપ્યા સાસુને સોળે શણગાર, પહેરાવી કીધો નમસ્કાર;
તવ કોપ્યાં વડસાસુ અપાર, સરવ કુટુંબનો કીધો તિરસ્કાર.          ૧૨
વલણ
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં;
વડી વહુ આગળ થઈ, હું ઘરડી તે પાછળ રહી!’          ૧૩



  1. કમાઈ = કમાણી, વળતર
  2. પલવટ વાળી = કમર ઉપર કપડું બાંધી
  3. બુસટિયો = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર)