ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અનુકરણ અન સ્વકીય અંશોનો ઉઘાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩.
અનુકરણ અને સ્વકીય અંશોનો ઉઘાડ

પ્રતિષ્ઠિત કવિઓની છાયા હેઠળથી ખબરદારની કવિતા સંપૂર્ણ પણે તો ભાગ્યે જ બહાર નીકળે છે પણ આરંભકાલીન કવિતા પછીના બીજા તબક્કામાં એમનાં અનુસરણો ઘણાં સંતુલિત થાય છે. કાવ્યબાની આદિ પરત્વે એમની નિજી લાક્ષણિકતાઓ પ્રગટે છે ને એથી છાયામાં પણ એમની કેટલીક રેખાઓ ઊઘડતી જણાય છે. પોતે કેટલાક નવા છંદો જનમાવ્યા છે અને કેટલાક નવા ગીતઢાળો અજમાવ્યા છે એવો દાવો કરીને એમણે કાવ્યક્ષેત્રે પોતાના આગવાપણાની સભાનતા પણ પ્રગટ કરી છે. ખંડકાવ્ય, ગીત આદિ પ્રચલિત કાવ્યસ્વરૂપોમાં કવિતા કરતા રહીને એમણે નવીન અંશોને સતત ઝીલ્યા છે ને એમાં રાસ પ્રકારમાં ઘણા નિજી રંગો પણ પ્રગટાવ્યા છે. સાચી ગુજરાતભક્તિ અને દેશભક્તિના ઉદ્રેકો એમની કવિતામાં સૌથી વધુ બળવાન રીતે પ્રાગટ્ય પામ્યા છે. એમની સર્જકતાના સ્વકીય અંશોનો ઉઘાડ આ પ્રકારની કવિતામાં ઘણો નોંધપાત્ર રહ્યો છે. ‘વિલાસિકા’ પછીના બે દાયકામાં એમની વિવિધ વિષયો પરની કવિતાના બે સંગ્રહો પ્રકાશિત થયા છે – ‘પ્રકાશિકા’(૧૯૦૮) અને ‘સંદેશિકા’(૧૯૨૫)એ દરમ્યાનમાં એક અને એ પછીના તમામ સંગ્રહો એમણે કોઈ એક નિશ્ચિત વિષય કે સ્વરૂપ વિશેના જ કર્યા છે. એટલે, વિવિધ વિષયોની કવિતામાં એમની સર્જકતાની ગતિવિધિ તપાસીને તથા એ સંગ્રહોમાં સૌ પ્રથમ નોંધપાત્ર બનેલી રાસ પ્રકારની કવિતાની લાક્ષણિકતાઓને પહેલાં ચર્ચીને પછી એમની સળંગ એક વિષય-સ્વરૂપની કવિતા વિશે વાત કરવી ઉપયુક્ત ઠરશે. ‘પ્રકાશિકા’માં ખબરદારની કવિતાનો વ્યાપ વિસ્તર્યો છે. ગુજરાતપ્રેમ અને રાષ્ટ્રભાવની કેટલીક ઉત્તમ કૃતિઓ ઉપરાંત અહીં ખંડકાવ્ય પ્રકારની વર્ણનાત્મક રચનાઓ, કેટલાંક અંજલિકાવ્યો અને પ્રસંગલક્ષી લાંબી રચનાઓ, રાસ-ગરબી પ્રકારનાં ગીતો, કેટલાંક ભક્તિપદો અને થોડાંક બાળકાવ્યોનો પણ સમાવેશ થાય છે. માત્રામેળ અને અક્ષરમેળ વૃત્તો, દેશીઓ અને જાણીતા રાગઢાળો ઉપરાંત, અહીં લગભગ છેલ્લી વાર સંસ્કૃત ગણમેળ વૃત્તો એમણે પ્રયોજ્યાં છે. નવા છંદોના પ્રયોગો પણ એમણે મુખ્યત્વે માત્રામેળ છંદો પરત્વે કર્યા છે એ નોંધપાત્ર છે. નરસિંહરાવ, કલાપી અને કાન્તની કૃતિઓની શૈલીલઢણોને અનુસરતી ખંડકાવ્ય પ્રકારની કેટલીક રચનાઓ એમણે કરી છે. એમાં ‘દશરથ અને શ્રવણવધ’ શિષ્ટ અને પ્રાસાદિક બાનીમાં કથાઘટકનું નિર્વહણ કરતું ને કંઈક ગંભીર પ્રભાવ જન્માવતું સારું કાવ્ય છે. બાકી આ પ્રકારની અન્ય રચનાઓ ખંડકાવ્યની સુશ્લિષ્ટતાને કે કૃતિના સૌંદર્યને નીપજાવી શકતી નથી. આવાં કેટલાંક કાવ્યોનો મોટો દોષ તો એનું કલ્પનોત્થ કથાવસ્તુ છે. ‘માતા અને એનું બાળ’ તથા ‘અટૂલી બાળા’ નામનાં કાવ્યોમાં સપાટી પરની ભાવના શીલતા અને અકસ્માતોમાંથી નીપજતી કરુણતાને અવલંબીને એમણે સાદી ને પરિચિત ઘટનાઓને વર્ણવી છે. (‘અટૂલી બાળા’ તો એમણે વર્તમાનપત્રના કોઈ કિસ્સાને આધારે રચ્યું હોવાનું પણ નોંધ્યું છે.) આને કારણે, ખંડકાવ્યમાં અપેક્ષિત એવો, સંઘર્ષથી તીવ્ર થઈ ઊઠતી પાત્રચિત્તની સંવેદનાનો સંસ્પર્શ કે એમાંથિ નિષ્પન્ન થતો જીવનની માર્મિક્તાનો પ્રભાવ એમાં અનુભવાતાં નથી. વિવિધ છંદોમાં પ્રસંગના ટુકડાઓ ગોઠવ્યા જેવું વિશેષ લાગે છે. ઉપરાંત, આ બે કાવ્યો પૈકી એકમાં એમણે ગણમેળ વૃત્તો સાથે દેશીઓનો ને બીજામાં રેખતાને પણ, નવીનતા ખાતર, ઉપયોગ કર્યો છે એ આ પ્રકારની કવિતાના ગંભીર ભાવપ્રવાહને વિશૃંખલિત કરે છે. આ કાવ્યપ્રકારને પછી એમણે ઝાઝો અજમાવ્યો નથી પરંતુ ‘સંદેશિકા’માંનું ‘પુરોહિતની રાજભક્તિ’ એમનાં આ પ્રકારનાં કાવ્યોમાં સારી રચના બની આવી છે. ઐતિહાસિક પ્રસંગને આલેખતાં શૌર્યપ્રધાન કાવ્યો તથા અંજલિરૂપે કે પ્રશસ્તિ રૂપે લખાયેલાં વ્યક્તિલક્ષી કાવ્યો જેવી અન્ય લાંબી રચનાઓમાં એમણે, ખંડકાવ્યોની અપેક્ષાએ, વધુ કવિત્વ દર્શાવ્યું છે. ‘શૂરા બાવીસ હજાર’ એ ધ્રુવપંક્તિથી વધુ જાણીતું થયેલું ‘હલદીઘાટનું યુદ્ધ’, આ જાતની કવિતામાં ખબરદારની સૌથી વધુ સફળ રચના છે. પ્રતાપ અને એના શૂર સૈનિકોના મોગલો સામેના વિજયી યુદ્ધના આ કથાનકમાં પ્રસંગની તાદૃશતા ઊપસી છે, એની લયવાહી છંદગતિમાં એક પ્રકારની પ્રેરકતા અને ઉત્તેજના અનુભવાય છે, કાવ્યની બાની પણ કાવ્યભાવનું ખૂબ સુરેખ અંકન કરે છે. ગોવર્ધનરામને અંજલી આપતું ‘ગુર્જરીનો અશ્રુપ્રવાહ’ રૂપકાત્મક રીતિએ નિરૂપાયેલું, પલટાતાં ભાવોર્મિને વિવિધ વૃત્તોમાં આલેખતું એક સુઘડ – સુંદર કાવ્ય છે. આ પ્રકારનાં કેટલાંક અન્ય કાવ્યોમાં કવિના હૃદયનાં ભાવ અને ભાવનાનો અભિષેક પામતા કાવ્યનાયકના જીવનકાર્યનું તેમજ, એ સંદર્ભે, રાષ્ટ્રીય ઘટનાઓનું આલેખન થયેલું છે. ‘પ્રકાશિકા’માંનાં થોડાંક બાળકાવ્યો નોંધપાત્ર છે. બકરીનું બચ્ચું, કૂકડો વાંદરી જેવા વિષયો પરની સરલ-મધુર રચનાઓ સ્વભાવોક્તિપૂર્ણ ચિત્રાત્મક નિરૂપણ રીતિથી અને ચોપાઈ આદિ છંદો તથા સહજ પ્રાસરચનાથી આકર્ષક બની છે. આ કાવ્યોમાં તથા ભુજંગીમાં લખાયેલા ‘પ્રભાતની ઈશ્વરસ્તુતિ’ કાવ્યમાં દલપતરીતિનો ખૂબ સફળ વિનિયોગ કવિએ કર્યો છે. કોઈ અંગ્રેજી કવિતાને આધારે રચેલું, ‘પાણીના ટીપાના પ્રવાસદ્વારા પદાર્થવિજ્ઞાન શિખવતું’, પ્રસાદ-મધુર પદાવલી અને વિશિષ્ટ છંદોલયથી રચના તરીકે પણ આસ્વાદ્ય બનતું ‘એક પ્રવાસ’ નામનું કાવ્ય તો, ગુજરાતીની કેટલીક સારી બાળકાવ્ય રચનાઓમાં સ્થાન પામે એટલું સરસ છે. વિષય અને સ્વરૂપના વૈવિધ્યની દૃષ્ટિએ ‘પ્રકાશિત’નું સીધું અનુસંધાન ‘સંદેશિકોમાં મળે છે. ખબરદારની કવિતા અહીં ઘણે અંશે વિકાસશીલ પણ જણાય છે. અભિવ્યક્તિની ઘણી કચાશો દૂર થાય છે, કાવ્યબાની પણ વધુ સુઘડ ને પ્રૌઢિયુક્ત બને છે ને કેટલાંક કાવ્યોમાં ખબરદારની કવિ તરીકેની નિજી મુદ્રા ઊપસે છે. આ સંગ્રહમાં પણ કેટલીક પ્રસંગપ્રધાન અને ચરિત્રાત્મક રચનાઓ વધુ નોંધપાત્ર છે. આવી કૃતિઓમાં લંબાણ ક્યારેક શિથિલતામાં પરિણમતું હોય છે. પરંતુ એના કોઈ ને કોઈ અંશમાં ખબરદારના કવિત્વનો કોઈક વિશેષ જરૂર પ્રગટતો હોય છે. ‘પુરોહિતની રાજભક્તિ’ નાટ્યાત્મક ઉપાડવાળું ને નિરૂપતિ ઘટનાના ભાવતીવ્રતાવાળા પ્રસંગોને છંદવૈવિધ્યથી ને બાનીની સુરેખતાથી આસ્વાદ્ય બનાવતું સારું ખંડકાવ્ય છે. આ ઉપરાંત દિવ્ય છંદમાં ભાવનું યોગ્ય વહન કરતું, વિચાર અને ઊર્મિનું સરસ નિર્વહણ કરતું ‘કાન્તનું સ્વર્ગપ્રયાણ,’ ખંડ હરિગીતના લયમાં ઉદ્‌બોધનના આરોહ-અવરોહને સંવાદી રાખતું ને કવિની ઊર્મિતીવ્રતાને સુપેરે વ્યક્ત કરતું ‘સ્વર્ગને બારણે’ તથા પ્રેરકતાનો સંદેશો આપતું ને માનવીના પુરુષાર્થનો મહિમા આંકતું, કંઈક બોધક બની ગયેલું પણ લય-બાનીની નિજી મુદ્રા ઉપસાવતું ‘માટીનું મૂલ’ ખબરદારના વિકાસનાં દ્યોતક છે. પરંતુ, નવાં સ્વરૂપોને અજમાવતાં કે નવા ભાવજગતને આલેખતાં ખબરદારની કલમ વારંવાર સિદ્ધ કૃતિઓનાં અનુકરણ તરફ પણ વળી જાય છે એ તેમની મોટી નિર્બળતા છે. ‘પુરોહિતની રાજભક્તિ’ જેવી સારી રચનામાં પણ ક્યાંક નરસિંહરાવ અને કાન્તનું અનુકરણ સંભળાય છે તો સંગ્રહની ગઝલોમાં કલાપીની અસરો સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત, વિજયરાયે નોંધ્યું છે એમ ‘ગોલ્ડન ટ્રેઝરી ઓફ મૉડર્ન લિરિક્‌સ’ અને ‘પોએમ્સ ઑફ ટુ ડે’ માંની ફ્રાંન્સીસ ટૉમ્સન આદિનાં કાવ્યોની, લગભગ અનુવાદરૂપ ઘણી પંક્તિઓ ‘સંદેશિકા’માં શોધી શકાય છે. આવી પરાયત્તવૃત્તિએ એમની કવિકીર્તિને નુકસાન પહોંચાડ્યું છે. વળી, પોતાનાં આવાં અનુકરણો વિશે જાગેલા વિવાદ વખતે એમણે, ‘સર્જક લૂંટનો બેતાજ બાદશાહ’ ગણાય એમ કહીને પોતાનો જે બચાવ કરેલો છે એમાં એમનું ગૌરવ પણ જળવાતું નથી. કવિતા વિશેના ખબરદારના આવા વિલક્ષણ ખ્યાલોએ પણ ‘સંદેશિકા’ની સર્જકતાને મર્યાદિત બનાવી છે. વિવિધ વિષયો ને સ્વરૂપો અજમાવવાના તથા પદ્યને બાહ્યસ્તરે રહી નવીનતા સિદ્ધ કરવાના ઉત્સાહમાં એમની કવિતા ગાંભીર્ય કે ઊંડાણ ઝાઝાં પ્રગટાવી શકી નથી. અભિવ્યક્તિની દૃષ્ટિએ એ કંઈક સુઘડ-સુરેખ બની છે એ એનો મોટો ગુણપક્ષ છે.

*

આ તબક્કાની કંઈક વધુ નોંધપાત્ર કવિતા રાસ-ગરબી પ્રકારની ગીતરચનાઓ છે. આ સ્વરૂપની કવિતા પણ આરંભાય તો છે અન્ય કવિઓની જાણીતી કૃતિઓનાં અનુસરણોથી, ને એ અનુસરણમાંથી સંપૂર્ણપણે તો ખબરદાર બહાર નીકળી શક્યા નથી, પણ આ કાવ્યપ્રકાર કવિને પ્રિય નીવડેલું સ્વરૂપ છે. એથી એમાં ક્રમશઃ વિકાસ દેખાય છે. કેટલીક સિદ્ધ કૃતિઓમાં તો એમની સર્જકતાનું પ્રવર્તન થયાનો પણ આહ્‌લાદક અનુભવ થાય છે. ખબરદારને સૌ પ્રથમ લોકપ્રિયતા અપાવનાર આ કૃતિઓ એમની સર્જકતાનો પણ સૌથી પહેલો નિજી આવિષ્કાર છે. ‘પ્રકાશિકા’થી રાસકવિતા લખવાનું એમણે આરંભેલું છે. સ્રીહૃદયના કોમળ ભાવોનું સરળ આલેખન એમાં થયું છે ને કવિકલ્પનાનાં કેટલાંક તેજસ્વી બિંદુઓ પણ એમાં જરૂર દેખાય છે. પરંતુ સ્વરૂની દૃષ્ટિએ એમાંનાં મોટા ભાગનાં કાવ્યો ન્હાનાલાલના નિષ્ફળ અનુકરણ આગળ અટવાય છે. ન્હાનાલાલનાં ગીતોના જાણીતા થયેલા રાગ-ઢાળો, એમની કેટલીક રૂઢ શબ્દાવલી અને કાવ્યબાની સુધ્ધાંને કવિ એમનાં આ ગીતોમાં અનુસરે છે. પણ આ બધું એમની રચનામાં સમરસ થતું નથી, અતડું રહી જાય છે. આથી ન્હાનાલાલનાં ગીતો લાલિત્ય અને માધુર્યનો જેવો અનુભવ કરાવે છે એવો અનુભવ ખબરદારનાં ગીતો ફરાવી શકતાં નથી. ‘સંદેશિકા’માંની ગીતકવિતા આ અનુકરણોની ચુસ્તીમાંથી છૂટવા મથતી જણાય છે ને એના કેટલાક વિશેષો પણ એમાં ઊઘડવા માંડે છે. ન્હાનાલાલની રીતિ અને પ્રયુક્તિઓને બરાબર આત્મસાત્‌ કરી લઈને તથા લોકગીતોનાં લય-ઢાળનો વિનિયોગ કરીને આ સ્વરૂપને એના બાહ્યસ્તરે તો કવિએ એટલું સિદ્ધ કરી લીધું છે કે એ જમાનામાં ન્હાનાલાલ પછીના બીજા લોકપ્રિય રાસકવિ તરીકે એ જાણીતા થયેલા – એમની કેટલીક આગવી વિશેષતાઓનો પણ એમાં, અલબત્ત, ફાળો રહ્યો જ છે. ‘પ્રકાશિકા’ અને ‘સંદેશિકા’ની આ પ્રકારની કૃતિઓ ઉપરાંત નવી રચાયેલી કૃતિઓને સમાવતો સંગ્રહ ‘રાસચંદ્રિકા-૧’ (૧૯૨૯) એની લોકપ્રિયતાને કારણે થોડાક જ સમયમાં બીજી આવૃત્તિ પામે છે. ૧૯૪૧માં તો કવિ ત્યાં સુધીની એમની તમામ રાસકૃતિઓનો એક મોટો સંગ્રહ ‘રાસચંદ્રિકા : ૧–૨’ પ્રકાશિત કરે છે. આ બધી રચનાઓને એક સાથે જોતાં એમાં એક વિકસતી રેખા તો જોઈ શકાય છે. સ્વરૂપની દૃષ્ટિએ એ ઉત્તરોત્તર વધુ સાફ બનતી ગઈ છે. કાવ્યગુણની રીતે પણએ કંઈક વિકાસમાન જણાય છે. પણ સંતર્પક રચનાઓ તો એમાં ઘણી થોડી છે એમ કહેવું જોઈએ. પ્રેરણાનું બળ ઓછું હોય ને કૃતિ સ્વરૂપની રૂઢતા જ ઉપસાવી રહેતી હોય એવી અસંખ્ય કૃતિઓ અહીં છે. એટલે જાણીતી કૃતિઓના પંક્તિખંડોને પણ ક્યાંક સ્વીકારી લેતી અને કેટલીકનાં તો વિષય અને ભાવનિરૂપણનું પણ આભાસી અનુકરણ કરતી કૃતક રચનાઓ તરફ એ બહુવાર વળી ગયા જણાય છે. ગીતમાં તો આરંભની પંક્તિ જ એના સૌંદર્યને ખોલી આપતી, સર્જક પ્રેરણાના ધક્કાથી જન્મેલી હોય. આવી ઉપાડની પંક્તિ પણ ખબરદારમાં ક્યારેક પોતાની નથી હોતી! એથી બીજો ગેરલાભ એ થાય છે કે પહેલી પંક્તિ ક્યારેક લયમધુર તો હોય છે પણ પછી ગીતનું નિર્વહણ લથડાતી–ખોડંગાતી ચાલે થતું જાય છે. ક્યારેક આત્મા, બ્રહ્મ, રસ, પુણ્ય જેવા શબ્દો લયઢાળમાં કે ગીતભાવમાં ઓગળ્યા કે ગોઠવાયા વિના ખડકાયે જાય છે. આયાસી અંશો વધુ હોવાથી પ્રાસરચના પણ રુચિકર બનતી નથી. ગીતની અંતર્ગત શબ્દ અને નાદનું જે વિશિષ્ટ સૌંદર્ય પ્રગટતું હોય છે એનો કોઈ ઊંડો પરિચય ખબરદારને ભાગ્યે જ થયો જણાય છે. ક્યારેક તો ભાવાભિવ્યક્તિ પણ નબળી રહે છે. કેટલીક પંક્તિઓ ખબરદારની આ બધી મર્યાદાઓનો કંઈક ખ્યાલ આપી શકશે :

ઘુંટડા ભરી ભરી પીઓ, કો રસનાં સરોવરો છલકાય.
ધીરી, ઓ ધીરી, હા ધીરી
ન થા તું અધીરી,

અમીરી ફકીરી.

સખીરી ! ગા તું વીરી.
ધીરી ધીરી દિનરેન, ધીરી તું બોલ, મારી બંસરી.

કૂવામાંનાં પાણી આવે હવાડાની માંય,

મારા હઈડાનાં હેત એવાં આંખે છલકાય
સખી પંખીડું તે બોલે મારે બારણે રે લોલ.

આમ ન્હાનાલાલની ગીતકવિતાની પણ જે મર્યાદાઓ છે તે અહીં ઉમેરાય છે ને ન્હાનાલાલનાં કલ્પનાશીલતા ને લયમાધુર્ય અહીં અનુભવવા મળતાં નથી. એથી એ વધુ મર્યાદાયુક્ત બને છે. પરંતુ, જે થોડીક પણ સંર્તપક રચનાઓ છે એમાં ખબરદારની સાચી સર્જકતાનું રૂપ ઊઘડેલું જોવા મળે છે – સ્વરૂપગત નિર્બળતાઓ પણ એમાં ઘણી ઓછી છે. આવાં ગીતોમાં પ્રેમસંવેદનની નાજુકમધુર રેખાઓ મુખ્યત્વે પ્રકૃતિના સંદર્ભે ઊપસે છે ને ત્યાં લયમધુર કલાવ્યબાનીમાં દૃશ્ય કલ્પનોનું સૌંદર્ય નીખરી રહે છે. ‘હૈયાને કાંઠડે આંસુનાં પૂર’ એવી અલંકારોક્તિથી આરંભાતું ‘આંસુનાં પૂર’, ઊર્મિના લયમધુર રૂપને આલેખતું સરસ ગીત છે. તો, ‘સંધ્યાનાં સોણલાં’માં જીવનની સંધ્યાએ સંતુષ્ટ, સાયુજ્યની, ક્ષણે સ્મરણમાં મધુર રીતે સંચરતી પ્રેમના આરંભની ક્ષણો પ્રકૃતિના એવા જ તાજગીપૂર્ણ દૃશ્યસામ્યથી ઊઘડે છે :

કુંળી ઉષા કુંળાં આભલાં, મુજ વહાલમજી
કુંળા કુંળા સૂરજના પાદ, ભૂલશો સોણલાં
તે, મુજ વાલમજી?

‘ગૃહદ્વારનાં બેલડિયાં’માં પણ દામ્પત્યનું આવું, સંતૃપ્તિની પ્રસન્નતાથી છલકાતું ભાવા લેખન આસ્વાદ્ય બને છે. આવાં રાસગરબીમાં ગોપકાવ્યોની રીતિએ પ્રેમનિરૂપણ થતું હોય એ આપણી કવિતામાં સર્વસાધારણ રહ્યું છે. ખબરદારનાં કેટલાંક ઉત્તમ ગીતોમાં ગોપીની કૃષ્ણ પ્રત્યેની પ્રેમાભિવ્યક્તિ ઝંખના, પ્રતીક્ષા, ઉપાલંભ, પ્રેમક્રીડાઓ જેવા વિવિધ ભાવાંશોમાં આલેખન પામી છે. એમાં પ્રચલિત રીતિના પણ ઘણા ઘટકો કવિએ સ્વીકાર્યા છે ને પોતાની આગવી નિરૂપણરીતિ પણ જન્માવી છે. કલ્પન–અલંકરણથી ઉપસાવાતી દૃશ્યાત્મકતા અહીં આસ્વાદ્ય હોય છે. ‘દૂધડાં દોહતી’ નામની એક જાણીતી થયેલી રચનામાં ગોપી-કૃષ્ણ સંદર્ભે ગોરા ને શ્યામ રંગના કેટલાક સંકેતો એક મધુર ભાવરૂપ રચે છે. ‘કાળાં તળાવ, ગોરા હંસલા’ જેવા કલ્પનરમણીય દૃશ્યાંકનમાં મૌલિકતાની તાજગી પણ વરતાય છે. આવાં ગોપકાવ્યોમાં એક સંકેત આધ્યાત્મિકતાનો પણ ઊપસે છે જે એ મધ્યકાલીન પરંપરાનો પ્રચલિત અંશ પણ છે. પરંતુ ખબરદારે આ ઉપરાંત અધ્યાત્મભાવને રૂપકથી ગૂંથતાં કેટલાંક ગીતો આપ્યાં છે તે વિષય કરતાં એના સ્વરૂપની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર બન્યાં છે, રાસકવિતાની લાક્ષણિકતાઓ જ એ વધુ ઉપસાવી રહે છે. ‘તલાવડી દૂધે ભરી’ અને ‘કમળ તલાવડીનો હંસલો’ એ જાણીતી રચનાઓ આ પ્રકારની છે. ‘તલાવડી દૂધે ભરી’માં પ્રસાદ-મધુર શબ્દાવલી એના લયહિલ્લોલમાં વધુ આકર્ષક બને છે. પ્રગટતી ઉષાનું ‘નાહી ભરે કેશ મોતીડે’ એવું તાજગીભર્યું ચિત્ર અને આખા કાવ્યમાં ઊપસતી દૃશ્યાત્મકતા એમાં ગૂંથાતા રૂપક કરતાં વધુ નોંધપાત્ર રહે છે. ‘કમળ તલાવડીનો હંસલો’ તો વિષયદૃષ્ટિએ કંઈક બોધક રૂપક ધરાવે છે પણ એમાં ગીતલય જ મુખ્યત્વે વધુ આસ્વાદ્ય બને છે. કવિના ઊર્મિસ્પર્શની તાજગીથી અને લલિતમધુર બાનીથી, પૂરેપૂરી નહીં તો એના કેટલાક અંશોમાં, આસ્વાદ્ય નીવડતી બીજી થોડીક રચનાઓ પણ ઉલ્લેખપાત્ર છે : ‘ગરાસિયો ને ગરાસિયણ’, ‘ગગનનો ગરબો’, ‘પનિહારી ચંદા’, ‘ગોપિકા’, ‘વ્હાલમજીનો રાસ’ વગેરે. ખબરદારની રાસકવિતા, આમ, સામાન્ય અનુકરણ વાળી નિષ્ફળ રચનાઓથી માંડીને નિજી મુદ્રા વાળી સંતર્પક રચનાઓ સુધીના, ઉચ્ચાવચતાના એક લાંબા ફલક પર વિસ્તરેલી છે. એમાં, અલબત્ત, સંતર્પક રચનાઓ ઓછી છે, રૂઢતાના અંશોવાળી વિશેષ છે. ઉત્સાહપૂર્વક કરેલું વિપુલ લેખન એ માટે જેટલું જવાબદાર છે એટલો જ સર્જકતાના ઉત્તમ આવિષ્કારોનો અભાવ પણ એ માટે કારણરૂપ છે. ન્હાનાલાલની રાસકવિતાની હરીફાઈ કરતી આ કવિતામાં ખબરદાર ન્હાનાલાલ જેટલા સૌંદર્યલુબ્ધ કવિ પ્રતીત થતા નથી.