ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કૃતિ-પરિચય

‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’

‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ (૨૦૧૩) રમણ સોનીનો નવમો વિવેચનસંગ્રહ છે. પુસ્તકમાં ૧૫ લેખો સાહિત્યવિચાર અને સાહિત્યપ્રવાહો સંબંધિત છે જ્યારે ૧૧ ગ્રંથસમીક્ષાઓ છે. આ ગ્રંથમાં મહત્ત્વના વિવેચનાત્મક અને સર્જનાત્મક ગ્રંથો વિશેના વિશ્લેષણમૂલક અભ્યાસલેખો પ્રાપ્ત થાય છે. ‘સ્વૈર આસ્વાદ-આલેખો’ કે ‘અહેવાલિયા ઉપરછલ્લા સારસંક્ષેપી પરિચયો’ નહીં પરંતુ જે તે કૃતિનું તાત્ત્વિક ભૂમિકાએ પરામર્શન કરીને, અહીં એની મુદ્દાસર છણાવટ કરીને વિશદ અને રસપ્રદ રીતે માણી-પ્રમાણી છે. લેખક પોતે એક સજ્જ સૂચિકાર, કોશકાર, સંદર્ભવિદ્ અને એક પ્રતિષ્ઠિત સામયિકના સંપાદક હોવાથી તે અંગેના લેખોમાં તેમના મૌલિક દૃષ્ટિકોણનો લાભ ‘૧૯મી સદીનાં સામયિકો : સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાહો’, ‘સહાયક જ્ઞાનસાધનો અને એનું પદ્ધતિશાસ્ત્ર’, ‘કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ’, ‘સાહિત્યસામયિકની ધરી : સંપાદકલેખકવાચક-સંબંધ’ જેવા લેખોને મળ્યો છે. ‘નર્મદનું નિબંધલેખન : પદ્ધતિવિશેષ અને ભાષાવિશેષ’, ‘સાહિત્યમાં ઇતિહાસલક્ષી વાસ્તવિકતા : ગાંધીયુગીન કવિતા’, ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ’ વગેરે તેમના વિવેચનસામર્થ્યના નિર્દેશક લેખો છે. સઘન અભ્યાસશીલતા, મૌલિક વિચારશક્તિ, અભિનિવેશ વગરનાં અવલોકનો, સમતોલ દૃષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, રસજ્ઞ એવી સાહિત્યદૃષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ અનોખો બની રહે છે.

— અનંત રાઠોડ