ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/૧૯મી સદીનાં ગુજરાતી પુસ્તકો : વિવેચનના પ્રશ્નો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૯મી સદીનાં ગુજરાતી પુસ્તકો : વિવેચનના પ્રશ્નો

જેની તાકીદે જરૂર હતી એવો પરિસંવાદ અહીં યોજવામાં આવ્યો છે એ માટે ફાર્બસ ગુજરાતી સભાને અભિનંદન.. આદિમુદ્રિત ગ્રંથોની સંભાળના-જાળવણીના પ્રશ્ન જેટલો જ મહત્ત્વનો પ્રશ્ન એના સંશોધન અને વિવેચનનો છે – એ અંગેની આવી મુખોમુખ જીવંત ચર્ચાવિચારણાનો છે. આદિમુદ્રિત ગ્રંથોની વાત આપણે યોગ્ય રીતે જ ઈ. ૧૮૮૭ સુધી લાવ્યા છીએ. અને એટલે એક રીતે તો આ ૧૯મી સદીના ઉત્તરાર્ધના લેખન-પ્રકાશનમાં ફરી વળવાનો ઉપક્રમ છે. આ સમયગાળામાં જે ગુજરાતી પ્રકાશનો થયાં છે એના વિવેચનનો પ્રશ્ન સાહિત્યવિચાર ઉપરાંતની પણ બીજી ઘણી બાબતોને આવરી લેનારો છે. પ્રતિભાવાત્મક ને સમયનિરપેક્ષ વિવેચનનો એકાકી રાજમાર્ગ જ પકડી રાખવો એ પૂરતું નથી. પ્રારંભિક મુદ્રણની, વિચાર અને વિસ્મય બંનેથી પ્રેરિત લેખનની, લેખનની મુગ્ધદશાનાં પરિણામોની, સમાજ-સંસ્કૃતિ અને સાહિત્ય અંગે તે વખતે પ્રવર્તતા સંચારી ખ્યાલોની તેમ જ કેટલીક દૃઢ વિભાવનાઓની – એવી કેડીઓ પર પણ જવું પડે, ને પાછા વળીવળીને પેલા રાજમાર્ગ પર આવવું પડે. એટલે કે વિવેચનદૃષ્ટિને અ-પલક રાખીને ઇતિહાસદૃષ્ટિને અને સંશોધનદૃષ્ટિને પણ ઉઘાડેલી રાખવી પડે. નવલરામે બતાવેલો ‘ઑથારિયો હડકવા’ માત્ર એમના સમયમાં જ હતો એવું તો નથી, પણ નવાનવા આવેલા મુદ્રણયંત્રે એક વિલક્ષણ સ્થિતિ સરજી હતી : ‘જે લખો તે છપાવો’ એટલું જ નહીં, ‘છપાવવા માટે પણ લખો’ એવી મનઃસ્થિતિ હતી. મુદ્રિત અક્ષરનું અપાર કુતૂહલ ને અપ્રતિરોધ્ય લોભ હતાં ત્યારે. દાયકેદાયકે આવાં મુદ્રિત લખાણોનું પ્રમાણ પણ, યોગ્ય અને આવશ્યક લખાણોની સાથે વધતું જતું હતું. વળી એકદમ આરંભે તો વિચારની ઝડપ કરતાંય પ્રવૃત્તિની ઝડપ વધારે હતી. ‘યા હોમ કરીને પડો’ એ નર્મદમંત્ર ચોપડીઓ અને ચોપાનિયાંના ઉત્પાદનમાં પણ ફળ્યો હતો! ઘણાને તો ‘ફતેહ છે આગે’ એવા આસન્ન ભવિષ્ય સુધીની ધીરજ પણ ન હતી – ‘યા હોમ’ એ જ એમને માટે ‘ફતેહ’ હતી. અને એટલે નવલરામે, કશા પણ અભિનિવેશ વિના, આવાં પ્રકાશનોને ‘ચીંથરીઆં લખાણો’ કહેલાં ને વધેલા ઉત્પાદનને ચેતવણી આપતાં કહેલું કે, ‘હવે પુસ્તક બનાવનારાઓને ટોકવાનો વખત આવ્યો છે.’૧ મુદ્રણ-પ્રકાશનનું આ એક વ્યાપક ચિત્ર છે. આ આખા પ્રકાશનરાશિને, ચર્ચાની અને વિવેચનની સ્પષ્ટતા માટે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : ૧. ન વિસરાયેલાં, એટલે કે જાણીતાં, સિદ્ધ પ્રકાશનો; ૨. વીસરવાયોગ્ય, એટલે નવલરામે કહ્યાં છે એવાં કેટલાંક નકામાં, ‘ચીંથરીઆં’ પ્રકાશનો અને ૩. ઓછા-વત્તા અંશે વિસારે પડેલાં પણ ન વીસરવાયોગ્ય પ્રકાશનો એટલે કે, સંશોધનયોગ્ય ગ્રંથો. સાહિત્યના ઇતિહાસમાં જેમનું પ્રદાન અંકિત થયેલું છે એ દલપતરામ, મહીપતરામ, કરસનદાસ મૂળજી, નર્મદ, નવલરામ, રણછોડભાઈ, ઇચ્છારામ દેસાઈ તેમ જ આ સમયગાળાના ઉત્તર છેડે રહેલા બાળાશંકર, નરસિંહરાવ, ગોવર્ધનરામ વગેરેના ગ્રંથોની વિવેચનાત્મક ચર્ચા કરવાનું અહીં પ્રસ્તુત નથી પણ એટલું કહેવું તો જરૂરી છે કે એ ગ્રંથોએ, એમને પ્રારંભિક કૃતિઓ અંગે કૃપાગુણ ન આપીએ તો પણ, નિરપેક્ષ રીતે સર્જકતાની તેમ જ વૈચારિકતાની શક્તિઓ બતાવી છે ને અંગ્રેજી ગ્રંથોના વાચનનો – ને પરોક્ષ પરિચયનો – એક મોટો ઉદ્રેક ઝીલીને ઘણાં વિધાયક પરિણામો આપ્યાં છે. એ સંધિકાળની વૈચારિક ભૂમિકા જ એવી હતી કે સ્વરૂપો અને એની શિસ્ત અંગ્રેજીનાં રહ્યાં પણ સામગ્રીમાં ને એના વક્તવ્યમાં ગુજરાતી અને ભારતીય વિલક્ષણતાઓ પણ આકાર પામતી રહી. સાહિત્ય જ નહીં, વિદ્યાજગત અને વ્યાપક પ્રજાજીવન પ્રત્યેના ઉત્તરદાયિત્વના ખ્યાલથી આ લેખકોએ પોતાની શક્તિ એકાધિક વિષયો/સ્વરૂપોમાં પ્રયોજી હતી. કવિ દલપતરામ નાટક અને નિબંધ ઉપરાંત ‘દલપતપિંગળ’ રચવા અને ‘કાવ્યદોહન’ કરવા પ્રેરાયા ને વળી ‘કથનસપ્તશતી’નું સંકલન પણ એમણે કર્યું. કવિ-ગદ્યકાર નર્મદે ‘દશમસ્કંધ’નું સંપાદન કરવા ઉપરાંત ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’નું સંકલન પણ કર્યું, ‘પિંગળપ્રવેશ’ અને ‘નર્મકોશ’ જેવાં મોટાં કામોમાં પણ બાથ ભીડી; દુરારાધ્ય વિવેચક નવલરામે રમૂજકટાક્ષવાળી કવિતા ‘બાળલગ્ન બત્રીશી’ રચી; વળી, એમની નજર મોલિયરના નાટકના રૂપાંતર તરફ પણ ગઈ તથા એમણે ‘મેઘદૂત’નો મેઘછંદમાં અનુવાદ આપવાનો પ્રયોગ પણ કર્યો; મહીપતરામે ચરિત્રો ને નવલકથાઓ આપવા ઉપરાંત ‘ભવાઈસંગ્રહ’ સંકલિત કરવાનું સંશોધનકાર્ય કર્યું ને ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ પણ આપ્યું. આવાં દૃષ્ટાંતો તો ઘણાં છે, પણ અહીં આટલાં બસ થશે. આમાં, વિવિધ સ્વરૂપો/વિષયોને બોટી લેવાની મુગ્ધ અજમાયશવૃત્તિ ન હતી; કર્તવ્યભાન અને પરિશ્રમ હતાં. અને એનું ચાલકબળ હતાં ચોખ્ખી વિદ્યાપ્રીતિ તેમ જ પ્રજાપ્રીતિ. મહત્ત્વાકાંક્ષા અને અશક્તિ ભેગાં થાય ત્યારે, દરેક જમાને, લેખક થવાની લાલસા અનુકરણનુું તરણું ઝાલે છે. વિવિધ સૂચિઓ૨ બતાવે છે કે ‘કરણઘેલો’ (૧૮૬૬)થી ‘સરસ્વતીચંદ્ર-૧’ (૧૮૮૭) સુધીના બે દાયકામાં પાંચ-સાત ધ્યાનપાત્ર અને ચર્ચાપાત્ર નવલકથાઓ પ્રગટ થઈ હતી પણ નવલકથા નામનાં બીજાં ૬૦ ઉપરાંત પ્રકાશનો થયાં હતાં. કવિતાનાં પુસ્તક/પુસ્તિકાઓ તેમ જ વ્યાકરણો અને શાળા-ઉપયોગી-માહિતી પુસ્તકો ઘણા મોટા પ્રમાણમાં પ્રકાશિત થતાં હતાં. આવાં પુસ્તકોનો ગંજ ખડકાયેલો જોઈને નવલરામે આકરી રીતે, પણ નિરાશ થઈને કહેલું કે ‘ગુજરાતી ભાષામાં ઘણી ચોપડીઓ નવી નવી થાય છે, પણ તે સઘળી જ નકામી હોય છે.’૩ દસ્તાવેજ તરીકે ટકી રહેવા માટેય સર્જકતાનો કે વિચારશીલતાનો નાનોસરખો સ્પંદ પણ આવશ્યક છે, એ દૃષ્ટિએ જોતાં નવલરામનું આ નિરીક્ષણ યથાર્થ જણાશે. પરંતુ ૧૯મી સદીના ઉત્તરાર્ધનું સાહિત્ય બેત્રણ રીતે વિસારે પડતું રહ્યું છે. જૂના શિષ્ટ સાહિત્યની એક કમનસીબી એ હોય છે કે એ વંચાયા વિના જ પ્રતિષ્ઠા કે ટીકા પામતું રહે છે. સાહિત્યના ઇતિહાસમાં સ્થિર થતાં ગયેલાં – બલકે, સ્થગિત થતાં ગયેલાં કેટલાંક અભિપ્રાયો-મૂલ્યાંકનો આગળ ખેંચાતાં રહ્યાં હોય છે કે ખ્યાત લેખકનાં એકબે જાણીતાં પુસ્તકો સિવાયનાં પુસ્તકો માત્ર યાદીરૂપે જ નોંધાતાં ગયાં હોય છે. એનું કારણ એ છે કે, સ્થિર અભિપ્રાયો-મૂલ્યાંકનોનું પુનર્મૂલ્યાંકન કરવા માટે કે કૃતિઓના પુનર્વાચન માટે આપણે ઝાઝી તત્પરતા અને નક્કર સંશોધનાત્મક સજ્જતા દાખવી શક્યા નથી. વળી, પક્ષીની આંખ પર જ કેન્દ્રિત થયેલી ‘આધુનિકતા’એ પણ ક્યારેક જૂના સાહિત્યને હ્રસ્વમૂલ્ય કરવાની, એને વિસારે પાડવાની સ્થિતિ સરજી. કૃતિલક્ષિતાએ અને શુદ્ધ-સાહિત્ય-લક્ષિતાએ એક બાજુ સાહિત્યની દોદળી સમજને સંસ્કારીને એને ધાર કાઢી આપી તો બીજી બાજુ સાહિત્યના ઇતિહાસની ને સંશોધનની આવશ્યકતાની પણ બિનજરૂરી ઉપેક્ષા કરી – લોનમૂવર ફરે ત્યાં સુધી તો બરાબર હતું પણ એને બદલે ક્યારેક કોદાળી ફરી વળી! વિવેચનનો ગજ ટૂંકો કરીને જૂના સાહિત્યને કૃપાદૃષ્ટિએ જોવું જોઈએ નહીં – પણ એને માટે, એના વિવેચન માટે, એક યોગ્ય પરિપ્રેક્ષ્ય રચવો જોઈએ. અને એ રચવા માટેના કેટલાક ઉપાયો છે. પણ એની વાત કરતાં પહેલાં. ૧૯મી સદીના ઉત્તરાર્ધના આ ‘આદિમુદ્રિત ગ્રંથો’ના સમયમાં જે વિવેચનપ્રવૃત્તિ થઈ છે એના પર પણ એક નજર કરવી જોઈએ. નર્મદ અને નવલરામ બંનેએ, સાહિત્યની ઉત્તમતાનાં ધોરણો નજર સામે રાખીને, આકરા ગ્રંથપરીક્ષણ પર ભાર મૂક્યો હતો. નર્મદની વિવેચનપ્રવૃત્તિનો તબક્કો ટૂંકો અને પ્રસંગોપાત્ત હતો પણ નવલરામે એ આખા સમયગાળાને આવરતું સાતત્યભર્યું ને સજ્જતાવાળું વિવેચન કર્યું છે. એમના કેટલાક ઉદ્ગારો, કેટલાક આગ્રહો, કેટલાંક નિરીક્ષણો સર્વકાલીન વિવેચન ઠરે એવાં છે. એમણે વિવેચનનાં ધોરણોને કદી પાતળાં કર્યા ન હતાં – પુસ્તકોને અવલોકવા-તપાસવામાં, એમના જ શબ્દોમાં કહીએ તો, કોઈ ‘રહેમીઅત’ રાખી ન હતી. નબળા ગ્રંથોના વધતા જતા ઉત્પાદનથી એ વ્યથિત થયા હતા ને એટલે એવી જ મક્કમતાથી એનો સામનો કરવા માટે એ ઉદ્યુક્ત થયા હતા – એકેએક વિષયના પ્રત્યેક ગ્રંથની સમીક્ષા કરવી એ એમનો સંકલ્પ હતો. પણ એ માટે એમને તત્કાલીન ચોપાનિયાં ને માસિક સામયિકો – ‘શાળાપત્ર’ સુધ્ધાં – પાછાં પડતાં, અક્ષમ ને અપર્યાપ્ત લાગતાં હતાં. એમણે લખેલું – ‘આ પ્રસંગે બેશક શખ્ત ટીકાકારની જરૂર છે, પણ ટીકા [વિવેચન] એ આ ચોપાનિયાનો મુખ્ય વિષય નથી તેથી તે ઘણી વાર જતી કરે છે, એ ફક્ત પહોંચ કબુલ કરીને [સ્વીકારનોંધ કરીને] જ બેસી રહે છે. પણ અમારી ગુજરાતના બીજા વિદ્વાનોને ભલામણ છે કે, હવે પુસ્તકપરીક્ષાના જ એક ત્રૈમાસિક ગ્રંથનો સમય આપણા દેશમાં આવ્યો છે. ભાષા બગડી જાય છે ને નઠારી ચોપડીઓ બહુ વધવા લાગી છે, તેનો સૌથી વધારે નઠારો પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને ખરી વિદ્વત્તાનો શોક [શોખ] ઘટે છે.’૪ આ ઉદ્ગાર એમણે ઈ.સ. ૧૮૭૫ આસપાસ કર્યો જણાય છે પણ એકાદ દાયકા પછી ફરી એમને આ વાત દોહરાવવી પડે છે કે ગ્રંથવિવેચનને પહોંચી વળવા, એવી વૃત્તિ ને ક્ષમતાવાળા નવા સામયિકની જરૂર છે ને પછી ઉમેરે છે કે ‘હવે ગુજરાતની પ્રજાએ આશા રાખવી કે એ કામ ચાલુ માસિકોથી થઈ શકશે એ કેવળ મિથ્યા છે. ગ્રંથકારો ગમે એટલા ચીડવાય, પણ વર્તમાનપત્રોએ તો એ કામ ક્યારનું છોડી દીધું છે, અને તે કામને યોગ્ય પણ નથી. માસિકો હજુ ઉપરઉપરથી ગ્રંથાવલોકન કરે છે.... વળી હાલ કેટલાંક પુસ્તકો તો એવાં પ્રગટ થાય છે કે તે ખાસ વિસ્તીર્ણ વિવેચનને યોગ્ય છે – જેમ કે મિ. ત્રિપાઠીકૃત સરસ્વતીચંદ્ર...’૫ (‘સરસ્વતીચંદ્ર’ની પ્રશંસા કરવા સાથે એમણે એ વાત પણ નોંધી છે કે ‘અલબત્ત, એમાં કેટલાક ગંભીર દોષો પણ છે.’) યોગ્ય માધ્યમની – સામયિકની – ઊણપ છતાં નવલરામે થઈ શક્યુું એટલું ગ્રંથવિવેચન અતંદ્રપણે કર્યું છે. ને સમગ્ર સમયપટ પર તીક્ષ્ણ નજર રાખી છે. સાહિત્ય અંગેનાં ઊંચાં ધોરણોના આગ્રહને લીધે નવલરામની છાપ દુરારાધ્ય તરીકેને બંધાઈ હતી. ‘રામારત્નનિરૂપણ’ નામના એક કાવ્યપુસ્તકની સમીક્ષાનો આરંભનો એક અંશ વાંચીએ : ‘સુંદર પૂંઠાવાળી, સુંદર રીતે છાપેલી, સુંદર ભાષામાં લખેલી, સુંદર કવિતાની એક નાજુકડી ચોપડી અમને હમણાં મળી તે વાંચી અમે પ્રસન્ન થયા છીએ.’ પછી લખે છે, ‘અમારા વાંચનાર જાણે છે કે આવા બોલ અમારા મુખમાંથી ગ્રંથવિવેચન વેળા નીકળવા સાધારણ નથી.’ આ ધોરણો અંગેના એમના આવા આકરા આગ્રહો એ વખતે ઘણાને પસંદ ન હતા પણ નવલરામ તો બેધડક કહે છે કે ‘પણ કવિતા એવો ઊંચો વિષય છે કે તેમાં નાદાન છોકરાં કકલાણ કરવા આવે તો તેને ધમકાવી કાઢવાં એ જ ઉત્તમ માર્ગ છે’.૬ નવલરામના આકરા પરીક્ષણમાં શાસ્ત્રીયતાનો આગ્રહ પણ ભળતો રહ્યો છે એ કહેવું જોઈએ. મહીપતરામે લખેલાં કરસનદાસ મૂળજી અને દુર્ગારામ મહેતાજી એ બંને વિશેનાં ચરિત્રો, પૂરી શોધખોળના અભાવે સાવ એકપરિમાણી થઈ ગયેલાં હોવાથી નવલરામે હળવાશથી પણ સ્પષ્ટ રીતે એ મર્યાદા ચીંધી બતાવી છે. કરસનદાસના ચરિત્ર વિશે એમણે લખ્યું છે, ‘સર્વ સ્થળે કરસનદાસ સુધારકને જ [આપણે] જોઈએ છીએ પણ કરસનદાસ માણસરૂપે દેખાતા નથી. સુધારાની પાઘડી હેઠે મૂકી કરસનદાસ કેવા દેખાય છે તે જોવાનો અવસર આવતો જ નથી.’૭ છોટાલાલ સેવકરામના ‘ગુજરાતી શબ્દમૂળદર્શક કોશ’ની સમીક્ષામાં, ગ્રંથમાં થયેલું શાસ્ત્રીયતાનું ઉલ્લંઘન નવલરામને અકળાવે છે. વ્યુત્પત્તિ ક્યાંક સમજાવવી, ક્યાંક ન સમજાવવી એવી યાદૃચ્છિકતા, અને શબ્દના અર્થો કરવામાં ક્યાંક પ્રવેશેલી મનસ્વિતા, વગેરેની ટીકા કરતાં એમણે કહ્યું છે કે ‘આ ઉપરથી સાફ જણાય છે કે આ વ્યુત્પત્તિકારનું અટકળ સિવાય બીજું કોઈ ધોરણ નથી.’૮ ને સાવ ખોટી વ્યુત્પત્તિનો ઊધડો લેતાં કહે છે, ‘લડ્ડુ પરથી લાડુ તો થયો છે, પણ લૂંડો શી રીતે થાય?’ કયો ઉત્સર્ગ લાગ્યો?’ પછી નિર્દયતાથી માર્મિક કટાક્ષ કરતાં કહે છે કે, ‘કયો યુરોપના ભાષાશાસ્ત્રનો નિયમ લાગ્યો?’૯ પણ નવલરામે ઇતિહાસ-દૃષ્ટિ પણ દાખવી છે. આ જ કોશનાં ક્ષતિસ્થાનો ચીંધ્યા પછી, આવા મોટા વિષયને હાથ ધરવાનો ‘પ્રયત્ન કરવો એ સ્તુતિપાત્ર છે, અને તે એવું વિકટ હતું કે તેમાં ભૂલોનો સંભવ ઘણો જ હતો!’ નવલરામના વિવેચનની આટલી ભૂમિકા ચીંધવા પાછળનું પ્રયોજન એ કે એ સમયે જ, એ સમકાલીન લેખનપ્રવૃત્તિનું, આજની દૃષ્ટિએ પણ પ્રતીતિકર નીવડે એવું પરીક્ષણ થઈ ચૂક્યું હતું. વળી નવલરામ એ સમયની લેખન-પ્રકાશન-પ્રવૃત્તિનું મોટું પ્રોત્સાહક તેમજ નિયંત્રક પરિબળ હતા ને કલા તેમ જ શાસ્ત્રોનાં ધોરણોની અતંદ્ર જાળવણીને વધારવામાં એમનું મોટું અર્પણ છે. સાહિત્યમૂલ્યની દૃષ્ટિએ જોતાં નવલરામની વિવેચનાને, સુધારકયુગમાંથી પંડિતયુગમાંની સંક્રાન્તિ માટેનું પણ, એક મહત્ત્વનું પરિબળ ગણાવી શકાય. આટલા સમયને અંતરેથી હવે એ સમયગાળાના ગ્રંથરાશિને જોઈએ ત્યારે સ્વાભાવિક રીતે જ, સંશોધનદૃષ્ટિથી એનો વિચાર કરવાનો રહે – એવી સંશોધનદૃષ્ટિ, જે વિવેચનના મહિમાને હ્રસ્વ ન કરે પણ એને પુષ્ટ ને સંપન્ન કરે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં કેટલાંક પુસ્તકો તે જ સમયગાળામાં પુનર્મુદ્રણ પામેલાં, કેટલાંકની તો ઘણી આવૃત્તિઓ પણ થયેલી એ તો એ સમયમાં એની ઉપયોગિતા ને લોકપ્રિયતા હતી એ કારણે. પરંતુ આજે આપણે એમાંના ગ્રંથો ફરી મુદ્રિત કરીએ ત્યારે એની પાછળનાં પ્રયોજનો ભલે વિવિધ હોય પણ એ પુનર્મુદ્રણોમાં સંશોધનની પદ્ધતિ ને એનાં કાળજી-તકેદારી કેવાં પ્રયોજાય છે એ મહત્ત્વનું છે. એ કેવળ સંશોધનનો જ નહીં, વિવેચનનો પણ એક મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. આજે, પુનર્મુદ્રણનું એક પ્રયોજન શૈક્ષણિક રહ્યું છે. શિષ્ટ ગ્રંથો અભ્યાસક્રમમાં પ્રવેશતાં પુનર્મુદ્રણ પામે એ બરાબર છે, પણ એની સામગ્રી – એ text – જતનપૂર્વક, ક્ષતિઓ કે ગોટાળાઓ વિના – છાપવાની કાળજી આપણે કેટલી રાખી છે? ઉતાવળે થયેલી ને પ્રકાશન-સ્પર્ધાનો ભોગ બનેલી આવી કેટલીક પાઠ્યસામગ્રીની વિશ્વસનીયતાના ઘણા પ્રશ્નો ઊભા થયેલા છે. આપણી સાહિત્યસંસ્થાઓ ને વિદ્યાસંસ્થાઓએ, દુષ્પ્રાપ્ય ને અપ્રાપ્ય થયે જતા મહત્ત્વના ગ્રંથોનું પુનર્મુદ્રણ હાથ ધર્યું છે એ છેલ્લા બેત્રણ દાયકાની એક આવકાર્ય પ્રવૃત્તિ છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ દલપતરામનું સમગ્ર સાહિત્ય; ‘મુંદ્રા અને કુલીન’, ‘કરણઘેલો’ આદિ નવલકથાઓ; ‘ઇંગ્લાંડમાં પ્રવાસ’ (કરસનદાસ મૂળજી)એ પ્રવાસ-ગ્રંથ; મહીપતરામે-સંકલિત કરેલા ‘ભવાઈસંગ્રહ’, આદિ ગ્રંથો તથા નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે રમેશ શુક્લના સંપાદનમાં નર્મદના મહત્ત્વના ગ્રંથો ‘નર્મકોશ’, ‘મારી હકીકત’ અને ‘ડાંડિયો’ની પૂરી ફાઈલ ગ્રંથરૂપે, તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવને ‘મહેતાજી દુર્ગારામ ચરિત્ર’ તથા ‘નવલગ્રંથાવલિ’ જેવા ગ્રંથોનાં સંશોધન-સંપાદિત પ્રકાશનો કર્યાં છે એ આ દિશામાંની એક મહત્ત્વની પ્રવૃત્તિ છે પણ એનું વિગતે મૂલ્યાંકન થવું જોઈએ. છતાં અહીં એની એક-બે બાબતોનો નિર્દેશ કરવો જરૂરી માનું છું. આમાંના મોટા ભાગના ગ્રંથો અભ્યાસક્રમની કોઈ જરૂરિયાતના ભાગ રૂપે પ્રગટ થાય છે. જ્યાં કાવ્ય-વાર્તા-નિબંધ, આદિ કૃતિઓમાંથી ચયન-સંકલન હોય ત્યાં તો બરાબર છે પણ નવલકથા, નાટક, આત્મકથા સ્વરૂપના સળંગ ગ્રંથો પણ સંપાદકના નામે પ્રગટ થતા હોય ત્યારે સંશોધનના તેમ વિવેચનના કેટલાક પ્રશ્નો સામે આવી જાય છે. ગ્રંથમાં સંપાદકે મૂકેલો અભ્યાસલેખ એનું વિવેચનાત્મક મૂલ્યાંકન આપવાની સાથે તે ગ્રંથને વળગેલા તત્કાલીન સંદર્ભોને આવરી લેતો સંશોધનાત્મક અભ્યાસ પણ રજૂ કરે છે ખરો? જેમ કે, ધારો કે ‘ભદ્રંભદ્ર’નું સંપાદિત પુનર્મુદ્રણ થતું હોય તો એ કૃતિના રચના-સમયે થયેલા ઊહાપોહો અને વિરોધો, એના અનુકરણમાં લખાયેલી કૃતિઓ, એ કૃતિ પર પડેલા અંગ્રેજી હાસ્ય-કટાક્ષ રચનાઓના પ્રત્યક્ષ-પરોક્ષ પ્રભાવો – એ બધાને આવરી લેતો, તુલનાલક્ષી ને વળી પુનઃમૂલ્યાંકનલક્ષી કોઈ અભ્યાસલેખ એમાં સામેલ છે? પાઠ્યસામગ્રી તરીકે પ્રગટ થયેલા ‘ભદ્રંભદ્ર’ના આવા એક સંપાદનમાં તો પુસ્તકનું કદ ઘટાડવા માટે, આગળનાં કેટલાંક મહત્ત્વનાં પાનાં જતાં કર્યાં છે ને પ્રકરણઃ૧થી એનો આરંભ કર્યો છે! આપણે જાણીએ છીએ કે ‘ભદ્રંભદ્ર’નો સેટાયર તો મુખપૃષ્ઠથી શરૂ થાય છે ને અર્પણપૃષ્ઠ સુધ્ધાંને આવરી લે છે.૧૦ આ કેવળ બેકાળજી જ નહીં, ગંભીર પ્રકારનો અપરાધ છે – ઇતિહાસનો, સંશોધનનો તેમ જ વિવેચનનો. અલબત્ત, ઉત્તમ રીતે અને વળી વિશિષ્ટ રીતે સંપાદિત થયેલા ગ્રંથોનાં દૃષ્ટાંતો પણ આપણી સામે છે જ : વાચનાની, textની કાળજી રાખી હોય, ઇતિહાસ-સભાનતાથી ને વિવેચનદૃષ્ટિથી અભ્યાસલેખો થયા હોય ને જરૂરી પરિશિષ્ટો અપાયાં હોય એવાં સંપાદનો પણ છે. દલપતરામના, અકાદમી-પ્રકાશિત ને ચિમનલાલ ત્રિવેદી સંપાદિત ગ્રંથો એનું એક દૃષ્ટાંત છે. દલપતરામનાં કાવ્યોની, એમની હયાતી પછી થયેલી એક આવૃત્તિમાં, દલપતરામની કવિતાનું સંમાર્જન થઈ ગયેલું – એમનાં છંદ, ભાષા આદિ સુધારી દેવામાં આવેલાં! ચિમનલાલ ત્રિવેદીએ, મૂળ આવૃત્તિઓ શોધીને, આ ખોટા પ્રચલિત થયેલા પાઠો મૂળ પ્રમાણે ફેરવી લેવાનાં આવશ્યક શ્રમ-દૃષ્ટિ બતાવ્યાં છે. અહીં મારે એક-બે વિશિષ્ટ સંપાદનોની વાત પણ કરવી છે, છૂટીછવાઈ પડેલી, શતમ્ પ્રકારે હાથવગી બની શકનારી, ૧૯મી સદીના ઉત્તરાર્ધની લેખનસામગ્રીને તુલનાત્મક અભ્યાસ માટે એકત્ર કરી આપનારાં બે વિશિષ્ટ સંપાદનો રમેશ શુક્લે આપ્યાં છે : નર્મદકૃત ‘મારી હકીકત’નું પુનઃપ્રકાશન કરતી વખતે એમણે ખરી સંશોધનવૃત્તિથી, એ પુસ્તકમાં જ નર્મદના પત્રવ્યવહારને પણ સામેલ કર્યો છે ને ઘણા સહાયક સંદર્ભો આપ્યા છે. એથી આદિમુદ્રિત સામગ્રી વિશિષ્ટ રીતે પુનઃપ્રકાશન પામી છે. એવું એમનું બીજું સંપાદન ‘મહેતાજી દુર્ગારામ ચરિત્ર’ છે. મહીપતરામનું દુર્ગારામચરિત્ર, અગાઉ નોંધ્યું છે એમ, એકપરિમાણી રહેલું છે ને નવલરામે એને ચરિત્રાલેખનનો ગંભીર દોષ ગણાવેલો છે. દુર્ગારામના અવસાન પછી દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના સળંગ ચાર અંકો સુધી, શ્રદ્ધાંજલિ મિષે, દુર્ગારામનું બહુપરિમાણી વ્યક્તિચિત્ર ઉપસાવેલું. એ લાંબા ચરિત્રલેખને પણ રમેશભાઈએ મહીપતરામના દુર્ગારામ-ચરિત્ર સાથે સામેલ કર્યો છે ને નવલરામની સમીક્ષા પણ એમાં મૂકી આપી છે. આથી, સંશોધકો-વિવેચકો માટે એક ઘણી ઉપયોગી અધ્યયન-સામગ્રી સુલભ થઈ છે. મૂળનું જતન કરીને પણ, સંશોધકનો આગવો દૃષ્ટિકોણ દાખલ કરતી આવી સંપાદનપદ્ધતિ અલભ્ય થયે જતાં પ્રકાશનોને નવા પ્રકાશમાં રજૂ કરે છે. જૂનાને પુનઃપ્રકાશિત કરવામાં થોડાક વિવેક અને સંયમની પણ આવશ્યકતા રહે છે. સંશોધનદૃષ્ટિ વિનાના વિવેચને જેવાં નુકસાન કર્યાં છે એવાં જ નુકસાન વિવેચનદૃષ્ટિ વિનાનું સંશોધન પણ કરી શકે. કાર્યાન્વિત (ફંક્શ્નલ) ન બની શકનારી વિગતોનો ગંજ, નિષ્પ્રાણ કોઠાઓ ને તાલિકાઓમાં ખડકાતી માહિતી, વૈજ્ઞાનિક વર્ગીકરણ વિનાની ને સાહિત્યની તદ્વિદતાની સહાય ન લેતી ને એમ પ્રમાણનો સંભ્રમ રચતી સૂચિઓ – એ બધું યોજતી વખતે ને એનો ઉપયોગ કરતી વખતે પૂરી તકેદારી રાખવી જોઈએ. નહીં તો એ બધું વિવેચનાત્મક તારણો અને મૂલ્યાંકનોને ગેરમાર્ગે દોરશે. દસ્તાવેજીકરણ અને મૂલ્યાંકનલક્ષી વિવેચનની વચ્ચે ઉચિત સંતુલન બલકે સંયોજન રચવાનું રહેશે. અંધ-અપંગ-ન્યાય પણ અહીં કામ નહીં લાગે. સાહિત્ય અને વિવેચનની પાકી સમજ ધરાવતો સંશોધક અને સંશોધનપદ્ધતિની તાલીમ પામતો રહેલો વિવેચક જ જૂના સાહિત્યને જાળવવા, પુનર્મુદ્રિત કરવા, એનું મૂલ્યાંકન કરવા માટે અધિકારી ગણાય. પુનઃસંપાદનો જેટલું જ મહત્ત્વ એવાં અધ્યયનોનું છે જે આપણને મૂળ સામગ્રીમાંથી પણ પસાર કરતું રહે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કોશ, પિંગળ, વ્યાકરણ, અનુવાદોનાં પણ પુષ્કળ પ્રકાશનો થયાં છે. એમાંનાં મુખ્ય ને મહત્ત્વનાં પુનઃપ્રકાશનને યોગ્ય છે. બાકીનાં વિદ્યાપરંપરાના અધ્યયન માટે ઉપયોગી છે. એવા એક એક વિષયક્ષેત્રને લઈને થનારાં અધ્યયનો દ્વારા આવશ્યક સામગ્રીને જાળવી લેવાનું ને એને યોગ્ય વિવેચનાત્મક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનું બનશે. કર્તા-અધ્યયનોમાં પણ હજુ આપણે મુખ્ય લેખકોના જ અભ્યાસ કર્યા છે. ગૌણ ગણાયેલા પણ ઘણાં ક્ષેત્રોમાં ફરી વળેલા લેખકોને આપણે અભ્યાસવિષય બનાવ્યા નથી. એકાદ દૃષ્ટાંત લઈએ તો – કરસનદાસ મૂળજીને આપણે ‘સત્યપ્રકાશ’થી, મહારાજ લાયબલ કેસથી, ‘ઇંગ્લાંડમાં પ્રવાસ’થી જાણીએ છીએ પણ એમણે ૧૮૬૬માં ઇંગ્લેન્ડના પ્રવાસનું પુસ્તક આપ્યું એનાં ૧૩ વર્ષ પહેલાં (ઈ.સ. ૧૮૫૩માં) દેશાટન વિશે નિબંધ વાંચેલો ને પ્રકાશિત કરેલો; વળી ‘ધ પોકેટ ઇંગ્લિશ ગુજરાતી ડિક્શનરી’ (૧૮૨૨) એમણે કરેલી; ‘કુટુંબ મિત્ર’(૧૮૮૭) નામના પુસ્તકમાં હાસ્ય-કટાક્ષભર્યા, હેતુલક્ષી સંવાદપ્રધાન પ્રસંગો આલેખેલા. ‘સત્યપ્રકાશ’ ઉપરાંત એમણે બીજાં ચાર સામયિકો ચલાવેલાં – એ બધું, સૂચિઓનાં દ્વાર ઉઘાડીને જોવા જેવું છે. આપણાં યુનિવર્સિટી-સંશોધનો સાવ આજના સાહિત્યને હાથ ધરનારાં, સામગ્રીસંચયને જ સંશોધન સમજનારાં, સાહસભીરુ અને નિર્માલ્ય થઈ ગયાં છે. એમને કોઈ આ ૧૯મી સદીમાં ઊતરવા મનાવી શકે? ખરેખર તો પદવી-ઉત્તર (post-doctoral) કાર્યો હાથ ધરીને, પાકી સમજવાળા પીઢ અભ્યાસીએ આમાં પડવું જોઈએ. તો વિવેચનનાં કેટલાંક ન થયેલાં કામના પ્રશ્નો હલ થશે, ને વળી વિવેચનના નવા પ્રશ્નોનો મુકાલબો આપણી શક્તિઓને ધાર કાઢી શકશે. આ ફાર્બસ સભાએ, જેણે આવો એક ઉચિત પરિસંવાદ આજે હાથ ધર્યો છે એ સંસ્થાએ પણ કેટલાક પ્રકલ્પો હાથ ધરવા જેવા છે – ગ્રંથપ્રકાશનના, ગ્રંથો અને સામયિકની સૂચિઓના, કલાકેન્દ્રી અને વિદ્યાપ્રવૃત્તિ-કેન્દ્રી કાયમી સંશોધનોના. સભા હજુ અલસગમના છે એને ત્વરાતત્પર કરવી જોઈએ. એના ગ્રંથાલયમાં ૧૯મી સદીનાં પુસ્તકો છે એની એક વર્ગીકૃત સૂચિ તો હવે સત્વરે થાય – એવી અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું.

સંદર્ભનોંધ ૧. નવલગ્રંથાવલિ ભાગ : ૨, સંપા. રમેશ શુક્લ, સુરત, ૨૦૦૬, પૃ. ૧૦૨ ૨. જેવી કે, ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ, સંપા. અચ્યુત યાજ્ઞિક, કિરીટ ભાવસાર, અમદાવાદ, ૨૦૦૪; નંદશંકરથી ઉમાશંકર, ધીરેન્દ્ર મહેતા, અમદાવાદ, ૧૯૮૪ માં પરિશિષ્ટ : ગુજરાતી નવલકથાઓની કાલાનુક્રમી સૂચિ; મુંદ્રા અને કુલીન, સંપા. મધુસૂદન પારેખ, અમદાવાદ (પુનર્મુદ્રણ) ૨૦૦૨માં પરિશિષ્ટ : ‘પારસી નવલોની ભાષાવાર યાદી.’ ૩. નવલ ગ્રંથાવલિ : ૨, પૃ. ૧૦૨; ૪. એ જ , પૃ, ૧૦૨; ૫. એ જ, પૃ. ૨૩૬-૨૩૭ ૬. એ જ, પૃ. ૧૦૧; ૭. એ જ, પૃ. ૧૦૮; ૮. એ જ, પૃ. ૧૩૦; ૯. એ જ, પૃ. ૧૩૦ ૧૦. આની વધુ વિગતો-ચર્ચાઓ માટે જુઓ ‘પરોક્ષે પ્રત્યક્ષે’ (૨૦૦૪, રમણ સોની)માં ‘કૃતિસંપાદનના ગંભીર પ્રશ્નો’ એ લેખ

● ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈમાં ૧, ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ યોજાયેલા પરિસંવાદ ‘૧૯મી સદીના પુસ્તકો’માં કરેલું વક્તવ્ય. ● ‘એતદ્’, જાન્યુ., ૨૦૦૮