ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સાહિત્યવિવેચન : અર્થ અને પરંપરા : ‘વિવેચન’ના સ્વરૂપ વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય-વિવેચન : અર્થ અને પરંપરા
‘વિવેચન’ના સ્વરૂપ વિશે

સાહિત્યકૃતિ અંગેના વિચારણીય પ્રતિભાવથી લઈને સાહિત્યના સિદ્ધાંતોની વિચારણા સુધીનાં અનેક ઘટકો અને સ્તરોને સમાવતા વિચારવ્યાપારને સાહિત્યવિવેચન એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ પ્રત્યેક ઘટક વિશેની સ્વતંત્ર, તેમજ એ ઘટકોને પરસ્પર સાંકળતી વિચારણાઓની એક સુદીર્ઘ અને સતત વિકસતી રહેલી પરંપરા બંધાયેલી છે. આ અર્થમાં, વિવેચન એક શાસ્ત્ર છે. જોકે આત્મલક્ષી આસ્વાદન અને વસ્તુલક્ષી તત્ત્વગ્રહણ – એવા બંને છેડે પ્રવર્તતું હોવાથી વિવેચનના શાસ્ત્રનું રૂપ લાક્ષણિક છે.

સંજ્ઞા : અર્થ અને પરંપરા વિવેચન શબ્દ સંસ્કૃત ભાષાનો છે. ‘વિ+વિચ્’ ધાતુને નામસાધક પ્રત્યય લગાડીને બનાવેલો આ શબ્દ ‘વિવેક, સંતુલિત વિચાર’ –એવો અર્થ સૂચવે છે. અલબત્ત, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પરંપરામાં ‘વિવેચન’ શબ્દ સંજ્ઞા તરીકે રૂઢ થયો નથી. ત્યાં ‘ટીકા’, ‘ભાષ્ય’, ‘મીમાંસા’ એવી સંજ્ઞાઓ ટિપ્પણ, સમજૂતી, શબ્દવિચાર, અર્થવિસ્તાર, સ્પષ્ટીકરણ, વિવિધ વિચારપરંપરાઓના અનુસંધાન સાથેનો સાહિત્યવિચાર કે સિદ્ધાંતવિચાર – એવા વિચાર-વ્યાપારોને સમાવે છે. ગુજરાતીમાં સર્વપ્રથમ કવિ નર્મદે વિવેચનપ્રવૃત્તિ માટે ‘ટીકા’ શબ્દ (૧૯મી સદી ઉત્તરાર્ધમાં) યોજેલો. એમાં મુખ્યત્વે, સાહિત્યલેખકના કાર્યને સુધારવા-વિકસાવવાના સદ્-આશયથી કરેલું દોષદર્શન અને વિવરણ ઉદ્દિષ્ટ હતું; પરંતુ આ પ્રવૃત્તિને અધિકાર વિનાની કેવળ સ્વૈર કે છાપગ્રાહી પ્રવૃત્તિ ગણવાને બદલે એને શાસ્ત્રનો દરજ્જો આપતી ‘ટીકાવિદ્યા’ એવી વિચારણીય સંજ્ઞા પણ નર્મદે, અંગ્રેજી ‘criticism’ સંજ્ઞાના પર્યાય રૂપે યોજી હતી. અલબત્ત, એ પછી ગુજરાતીમાં નવલરામ પંડ્યા (૧૯મી સદી ઉત્તરાર્ધ)થી માંડીને ‘વિવેચન’ સંજ્ઞા જ ‘criticism’ના પર્યાય લેખે પ્રચલિત રહી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ભરત(ઈ.પૂ. બીજી સદી) થી જગન્નાથ (ઈ.૧૭મી સદી) સુધીની પરંપરામાં કાવ્યનો ‘આત્મા’ કયો એવા મૂળગામી પ્રશ્નને લક્ષમાં રાખીને કાવ્યવિચાર રજૂ થયેલો છે. એમાંથી રસ, અલંકાર, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ, ઔચિત્ય, રમણીયતા એવી વિભિન્ન વિચારધારાઓ આકાર પામી છે. આ વિચારધારાઓ પૂર્વપક્ષ-પ્રતિપક્ષ, વાદ-પ્રતિવાદ, ઊહ-અપોહ એવી ચુસ્ત તાર્કિક સરણીઓથી તીક્ષ્ણ અને સ્પષ્ટ થતી રહેલી ને ન્યાય, વ્યાકરણ, દર્શન એવી સંલગ્ન વિચારધારાઓને પણ વિચાર-સમર્થન માટે યોજતી રહેલી. સંસ્કૃત કાવ્યમીમાંસાની આ પરંપરા સૂત્રાત્મક પદ્ધતિએ સાહિત્યસિદ્ધાંતો ઉપસાવતી રહી હોવા છતાં પ્રત્યેક તબક્કે, સર્જનાત્મક સાહિત્યનાં અનેકવિધ દૃષ્ટાંતોથી, સ્પષ્ટ રેખાવાળું મૂર્તરૂપ પણ પામતી રહેલી એ એનો વિશેષ છે. પશ્ચિમમાં પ્લેટો-એરિસ્ટોટલ (ઈ.પૂ. ચોથી-ત્રીજી સદી)ની સાહિત્ય-તત્ત્વ-વિચારણાથી આરંભાયેલું કાવ્યશાસ્ત્ર (poetics) જીવનદર્શન-કેન્દ્રી ભૂમિકાએ શરૂ થયું હતું. એ પછી ક્રમશઃ, કર્તા (author), કૃતિ (work) અને પાઠ (text)ને કેન્દ્રમાં લેતી અનેકવિધ ભૂમિકાએ, ‘criticism’ (વિવેચન) સંજ્ઞાનો વ્યાપ વિસ્તરતો રહ્યો છે. અનુકરણવાદ, વાસ્તવવાદ, પરાવાસ્તવવાદ, પ્રતીકવાદ, અસ્તિત્વવાદ, સંરચનાવાદ, ભાષાકીય તત્ત્વજ્ઞાન તથા માર્ક્સવાદ, મનોવિશ્લેષણવાદ, નારીચેતનાવાદ, વગેરે વિભિન્ન વિચાર-વાદોના પ્રકાશમાં સાહિત્યકૃતિ-વિચાર તેમજ સાહિત્યતત્ત્વ-વિચારની સંકુલતાઓ ઊઘડતી અને સ્પષ્ટ થતી રહી છે. બહુવિધ અભિગમોમાં વિસ્તરતી રહેલી આ વિચાર-વિવેચન-પરંપરાએ દુનિયાભરમાં અર્વાચીન વિવેચન-વિચારને પ્રભાવિત કરેલો છે.

વિવેચન : મુખ્ય બે પાંખ વિવેચન મુખ્યત્વે બે દિશામાં પ્રવૃત્ત થાય છે : પ્રત્યક્ષ (practical) વિવેચન અને સિદ્ધાંતવિચાર (theory). સાહિત્યકૃતિનો આસ્વાદ, એનું વર્ણન અને વિવરણ, એનાં પરિચય-અવલોકન-સમીક્ષા, એનું અર્થઘટન અને મૂલ્યાંકન; કર્તા(લેખક)ના સમગ્ર સાહિત્યકાર્યનું સ્વતંત્ર રીતે કે એના સમય અને જીવનસંદર્ભે મૂલ્યાંકન; ભાષાની સળંગ સાહિત્યપરંપરાનું કે એના કોઈ સમયખંડ(યુગ)ના સાહિત્યનું સમાલોચન (એટલે કે સાહિત્યનું ઐતિહાસિક અધ્યયન કે સાહિત્યનું પ્રવાહ-દર્શન) – એ પ્રત્યક્ષ વિવેચનનો કાર્યપ્રદેશ (area) છે તો સાહિત્યનાં મૂળભૂત તત્ત્વોની તપાસમાંથી ઊપસતા રહેતા સિદ્ધાંતો, સાહિત્યના પ્રકારો અને રીતિઓની ઓળખ; એક સૌંદર્યબોધક કલાપ્રવૃત્તિ લેખે સાહિત્યને અધિકૃત રીતે તપાસતું સૌંદર્યશાસ્ત્ર (aesthetics); વિવેચનની પોતાની ઓળખ આપનારું વિવેચનનું તત્ત્વજ્ઞાન (philosophy of criticism); અન્ય માનવવિદ્યાઓ, સામાજિક શાસ્ત્રો અને વિજ્ઞાનોની વિચારધારાઓ અને વાદોના અનુલક્ષમાં સાહિત્યતત્ત્વની તપાસ; એ તપાસને આધાર આપતા વિચારસંપ્રદાયોની સૈદ્ધાંતિક ભૂમિકા; વિવેચનનાં પ્રયોજનો, એની પ્રસ્તુતતા અને અર્થઘટનમાંથી ઊભી થતી અધિકૃતતા(validity)નો વિચાર – એ સિદ્ધાંતવિવેચનનો કાર્યપ્રદેશ છે. વિનિયોગલક્ષી વિવેચન (applied criticism) પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સિદ્ધાંતને કૃતિવિવેચન સાથે જોડે છે. આ રીતે આ બંને પાંખો સ્વતંત્ર હોવા છતાં, પરસ્પર-આધારિત ને પરસ્પર-પોષક છે.

વિવેચનની પ્રક્રિયા સાહિત્યકૃતિનું વાચન એની પ્રાથમિક ભૂમિકાએ તો આસ્વાદજન્ય આનંદનો અનુભવ છે. એ અનુભવ પ્રતિભાવની બૌદ્ધિક ભૂમિકાએ સક્રિય થાય ત્યારે વિવેચનની વૃત્તિ-પ્રવૃત્તિ આરંભાય છે – એમ કહી શકાય. વિવેચન આમ, સૌથી પહેલાં તો, પ્રતિભાવનો આલેખ છે. વિવેચનની આ પ્રક્રિયા અંગત આનંદના આલેખનથી આરંભીને કલાકૃતિની સમજ તરફ પ્રસરે છે. ઉમાશંકર જોશીએ વિવેચનને આથી ‘આસ્વાદમૂલક અવબોધકથા’ તરીકે ઓળખાવ્યું છે. કૃતિના આત્મલક્ષી અનુભવકથનથી એના વસ્તુલક્ષી વિશ્લેષણ તરફ ગતિ કરતી વિવેચનની પ્રક્રિયા ‘સૌંદર્યભક્તિ’થી ‘સૌંદર્યપરીક્ષણ’ સુધીના ફલકને આવરે છે એથી એને માટે વિશ્વનાથ ભટ્ટે ‘પૂજા અને પરીક્ષા’ શબ્દો યોજ્યા છે. વિવેચનની પ્રક્રિયાની બીજી ભૂમિકા સાહિત્યકૃતિના વિવેચનની મૂર્તતાથી લઈને સાહિત્યકળાની તાત્ત્વિક તપાસ અને તારણોની અમૂર્તતા તરફની છે ને ત્યાં એ વિજ્ઞાનનો દરજ્જો મેળવે છે. આ ભૂમિકાની ઓળખ આપતાં રેને વેલેક કહે છે કે, વિવેચન એ વિભાવનામૂલક જ્ઞાન છે અથવા એવા જ્ઞાનને લક્ષ્ય કરનારું છે : ‘Criticism is conceptual knowledge or aims at such knowledge.’

વિવેચનનાં સ્તરો કે સોપાનો વિવેચનની પ્રવૃત્તિ જુદાં જુદાં સ્તરોએ પ્રવર્તે છે ને એમ અલગ અલગ સોપાનો ધરાવે છે : (૧) કૃતિનાં રસ-સ્થાનોનો આસ્વાદ – આ ભૂમિકાએ વિવેચક સાહિત્યના સૌંદર્યલોકમાં પ્રવેશીને પોતાના એ આનંદને અન્ય વાચકોમાં વહેંચવા, એ આનંદને સંક્રાન્ત કરવા ઇચ્છે છે. વિવેચકની ભાવક-કલ્પના અહીં, કૃતિના વિશ્વની અંદર રહીને, સક્રિય થાય છે ને એનાં રુચિ-બુદ્ધિની સજ્જતા પણ અપ્રગટ રહીને રસ-આસ્વાદના તંતુઓમાં વહેતી રહે છે. (૨) સાહિત્યના બાહ્ય અને આંતરિક અંશોનો પરિચય વિવેચનનું એક બીજું સ્તર છે – એક રીતે તો એ કૃતિનો વર્ણનાત્મક આલેખ હોય છે પણ એમાં આસ્વાદ-પ્રતિભાવનાં તત્ત્વોય દાખલ થતાં હોય છે. (૩) કૃતિપરિચયમાં જ્યારે વિવેચકનો વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ પ્રવેશે ત્યારે એને અવલોકન તરીકે ઓળખાવી શકાય. અવલોકન કંઈક સંક્ષેપમાં કૃતિની લાક્ષણિકતાઓ વર્ણવે છે. (૪) કૃતિનાં સર્વ કે નોંધપાત્ર પાસાંને પૂરી રીતે ને સમુચિતતાથી જોવાં તે સમીક્ષા. વિવેચકના દૃષ્ટિકોણનો ને એની સાહિત્ય-સજ્જતાનો એમાં એક અધિકૃત આલેખ મળી શકે છે. વિવેચક પોતાનાં વાચન-અધ્યયનનો અને સાહિત્યતત્ત્વની સમજનો વિનિયોગ કૃતિના વિશેષો અને એની મર્યાદાઓ સ્પષ્ટ કરી આપવામાં અને એ રીતે કૃતિનું સ્થાન ચીંધવામાં પણ કરતો હોય છે. કૃતિકેન્દ્રી રહીને પણ વિવેચકે એમાં વસ્તુલક્ષી બનવાનું હોય છે. વળી, કૃતિ દૂરના સમયની હોય કે સાંપ્રત સમયની, એની મુલવણીમાં વિવેચકના અધિકારની સાથે એ અંગેની જવાબદારી પણ સંકળાયેલી હોય છે; એથી સમીક્ષા એ વિવેચનની મહત્ત્વની, ક્યારેક તો એની કેન્દ્રીય પ્રવૃત્તિ ગણાય છે. (૫) કૃતિ કે કર્તાને લઈને થતું અધ્યયન પણ વિવેચનનું એક મહત્ત્વનું સોપાન છે. કૃતિનું સ્વરૂપ, એનો પ્રકાર, એની સામગ્રી અને એનું સંકલન-સંયોજન, એનાં ઉપકરણો-સાધનો, એની પ્રયુક્તિઓ-પદ્ધતિઓ, કર્તાના સર્જક/વિવેચક તરીકેના વિશેષો – એવા આંતરિક વિશ્વની તપાસ ઉપરાંત એને અનુષંગે લેખકના સમયસંદર્ભ અને જીવનસંદર્ભની તપાસ કરવી તથા એ બધાંને અંતે કૃતિ/કર્તાનું સાહિત્યમાં સ્થાન અને પ્રદાન ચિહ્નિત કરી આપવું – એમ અધ્યયનનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ હોય છે. કૃતિને આધારે થતી સર્વસામાન્ય સિદ્ધાંતોની તારવણીથી વિવેચન શાસ્ત્રના સ્તરે પ્રવેશે છે અને સાહિત્યનું સ્વરૂપ, એના પ્રકારો, વિભાવનાઓ-વાદો-સંપ્રદાયો, પદ્ધતિઓ, વગેરે પ્રદેશોમાં ગતિ કરે છે.

વિવેચનાત્મક વિધાનો કૃતિ-વિવેચનનાં વિવિધ સ્તરે રહીને વિવેચક જે વિવેચનાત્મક ઉદ્ગારો કે વિધાનો (statements) કરે છે એની ત્રણ ભૂમિકાઓ વ્યાપક રીતે પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે. એ ભૂમિકાઓ છે – વર્ણન (description), અર્થઘટન (interpretation) અને મૂલ્યાંકન (evaluation). વિવેચનમાં આ ત્રણ પૈકી કોઈ એક કે એકથી વધારે વિધાનો પ્રવેશતાં હોય એ શક્ય છે. વળી આ ત્રણેય વિધાનો પરસ્પર-આધરિત ને પરસ્પર-પ્રભાવી પણ હોય છે; તેમ છતાં, દરેક વિધાનનું સ્વતંત્ર રીતે પણ આગવું મહત્ત્વ રહે છે. વિવેચનના તત્ત્વજ્ઞાનમાં એનું વિગતે વિશ્લેષણ-નિરૂપણ મળે છે. સાહિત્યની કૃતિમાં એનો પ્રકાર, એનાં છંદ-અલંકાર, એમાંનાં કલ્પન-પ્રતીક-રૂપક; એની રચનાપ્રયુક્તિના ઘટકો; એની વસ્તુસામગ્રીનાં વિષય, પાત્ર, પરિસ્થિતિ, માનવસંબંધો અને એના સમય-સ્થળના સંદર્ભો આદિ અંગે વર્ણનાત્મક વિધાનો થઈ શકે. એ વર્ણનના વિસ્તરણ રૂપે એમાં વિવરણ, સ્પષ્ટીકરણ, સમજૂતી તરફ પણ જવાતું હોય છે. સંસ્કૃત વિવેચન-પરંપરામાં ‘ટીકા’ અને કંઈક અંશે ‘ભાષ્ય’ પણ વર્ણનાત્મક વિધાનની કોટિએ આવે; ગુજરાતીમાં કેટલાંક કૃતિ-વિવરણો (જેમ કે, બલવંતરાય ઠાકોરના ‘આપણી કવિતાસમૃદ્ધિ’માંનાં વિવરણો) પણ વર્ણનની ભૂમિકાનાં ગણાય. અલબત્ત, સાહિત્યકૃતિના વિવેચનમાં વર્ણન એ કેવળ વર્ણનની કક્ષાએ ન રહે, એમાં અર્થઘટનના, મૂલ્યાંકનના સંકેતો પણ ભળતા રહે એ સંભવિત છે; જેમ કે, ‘કાન્ત’નાં ખંડકાવ્યોમાં વિવિધ છંદો પ્રયોજાયા છે’ – એ વર્ણનાત્મક વિધાન છે, પણ એ વિવિધ છંદો ‘ભાવાનુસારી’ છે એમ કહેવામાં અર્થઘટન થાય છે તો કાન્તનું છંદોવિધાન ‘સમર્થ’ છે એમ કહેવામાં મૂલ્યાંકનદર્શી સંકેત ઊપસે છે. તેમ છતાં કોઈ વિવેચન મુખ્યત્વે વર્ણન-વિધાન-કેન્દ્રી પણ હોઈ શકે. વર્ણનાત્મક વિધાન બહુધા વસ્તુલક્ષી રહે પણ અર્થઘટન વિવેચકે વિવેચકે જુદું પડતું હોઈ શકે ને એ રીતે એમાં વૈયક્તિકતાનો પ્રવેશ જોઈ શકાય. અલબત્ત, એની ત્રિજ્યાઓ કૃતિના કેન્દ્રમાંથી જ પ્રસરતી હોય. વિવેચકને અભિપ્રેત અર્થ, એટલે કે વિવેચકે જોયેલો-ખોળેલો કૃતિનો અર્થ તે અર્થઘટન. અર્થઘટન બાહ્ય સ્તરે, તથ્યોની મદદથી પણ થાય અને આંતરિક સ્તરે કૃતિના રસ-બોધની પ્રક્રિયામાંથી પણ જન્મે. અર્થઘટન રીતિલક્ષી, વિચારધારા-પ્રેરિત કે કોઈ વાદ/સંપ્રદાયના ઉપલક્ષ્યમાં પણ થઈ શકે. વિવિધ દૃષ્ટિબિંદુઓથી થતાં રહેલાં ‘હૅમ્લેટ’ અને ‘સરસ્વતીચંદ્ર’નાં અર્થઘટનો આનાં દૃષ્ટાંતરૂપ છે. અર્થઘટન સ્વૈર થવા માંડે કે અર્થઘટન કોઈ વાદ કે વિચારના વિસ્તરણ-સમર્થન માટેની ખીંટીરૂપ થવા લાગે ત્યારે અર્થઘટન-પ્રવૃત્તિ સામે પ્રશ્નો થાય. સુઝાન સોન્ટાગે ‘Against Interpretation’ દ્વારા કરેલો વિવાદ બહુ જાણીતો છે. એમના મતે, કળાકૃતિમાં જો રચનામૂલ્યને સર્વોપરિ ગણીએ તો વસ્તુસામગ્રીના પૂર્વસ્વીકારરૂપ અર્થઘટનપ્રવૃત્તિ કળાકૃતિની – એના સર્જનાત્મક રૂપની – અવગણના કરીને બાહ્ય સ્થાપનાઓેને આગળ કરે છે. એક નિયંત્રક પ્રતિવાદ તરીકે સુઝાન સોન્ટાગનો મત યોગ્ય છે; પરંતુ કૃતિના મર્મગ્રહણ માટે, તાર્કિક અને પ્રતીતિકર ભૂમિકાએ રહેતું અને વિવેચકના વિશિષ્ટ દૃષ્ટિકોણને પ્રયોજતું અર્થઘટન ઘણી વાર તો એક સમર્થ વિધાન પુરવાર થતું હોય છે. મૂલ્યાંકનમાં વિવેચકનો અભિગમ તુલનાકેન્દ્રી હોય છે. સારું-નરસું, ચઢિયાતું-ઊતરતું, અપૂર્વ-રૂઢ એવાં તુલનાત્મક ધોરણો એમાં આગળ તરી આવે છે અને કૃતિ કે કર્તાના સ્થાન અને મહત્ત્વ અંગેનો નિર્ણય કે ચુકાદો એમાંથી ઊપસી રહે છે. મૂલ્યાંકન સાહિત્ય-પરંપરા-સાપેક્ષ હોય ને એથી આગળ સંસ્કૃતિ-સાપેક્ષ પણ હોય. સાહિત્યપરંપરામાં ઉત્કૃષ્ટ કે ઉત્તમ નીવડતી કૃતિ અંગેનો નિર્ણય એ આપે છે અને વ્યાપક ભૂમિકાએ કૃતિમાં નિરૂપાયેલાં જીવનમૂલ્યોનો અને એમાંથી નિષ્પન્ન થતા કર્તાના દર્શનનો મહિમા પણ કરે છે. આ વિવેચનાત્મક વિધાનમાં સાંસ્કૃતિક મૂલ્યબોધની વિચારણાનું મહત્ત્વ સ્થપાય છે. ટી. એસ. એલિયટે કૃતિની ‘સાહિત્યિકતા’ અને ‘મહાનતા’ના માપદંડોને અલગ પાડતાં કહેલું કે, કૃતિની સાહિત્યિકતાનો નિર્ણય સાહિત્યનાં ધોરણોએ થાય પણ કૃતિની મહાનતાનો નિર્ણય કેવળ સાહિત્યિક ધોરણોએ ન જ થઈ શકે. સાહિત્યના સાંસ્કૃતિક મૂલ્યને એમણે આગળ કરેલું. નૉર્થોર્પ ફ્રાય તો મૂલ્યાંકનને જ વિવેચન તરીકે ઘટાવીને વિવેચનને માનવવિદ્યાઓના અધ્યયનનો એક ભાગ (‘a part of the study of humanities’) ગણાવવા સુધી જાય છે. વિશ્વસાહિત્યના સંદર્ભમાં કૃતિનું અંતિમ મૂલ્યાંકન માનવજીવનનાં ગહન અને શાશ્વત મૂલ્યોના સંદર્ભે થાય એ એક રીતે બરાબર છે, પરંતુ કેટલાંક સાંસ્કૃતિક મૂલ્યો સમય-સાપેક્ષ હોય છે – સમય જતાં એમનો મહિમા કે એમની પ્રસ્તુતતા રહેતાં નથી ત્યારે સાંસ્કૃતિક મૂલ્ય દ્વારા નિર્ધારિત કૃતિનો મહિમા પણ આધાર વિનાનો બની જાય છે. આ કારણે, એલન ટેઈટે વિવેચનમાં મૂલ્યાંકનની પ્રવૃત્તિ વિશે ફેરવિચાર કરવો જોઈએ એવો મત પ્રગટ કર્યો છે એ વિચારણીય લાગે છે.

વિવેચન : અભિગમો અને પદ્ધતિઓ કવિતા – કે સાહિત્યમાત્ર – શું છે એ અંગેના ખ્યાલો અને વિભાવનાઓ બદલાતાં ગયાં એમ એમ વિવેચનનું રૂપ અને તેની પરંપરાઓ પણ બદલાતાં ગયાં. પરંપરાગત વિવેચન – સંસ્કૃત-પરંપરાનું તેમજ ગ્રીક-પરંપરાનું – વ્યાપક નૈતિક મૂલ્યને લક્ષ્ય કરતું હતું. એમાંથી ક્રમશઃ કર્તા(લેખક)ના જીવનદર્શન તરફ, કૃતિના અર્થ તરફ, કૃતિની રચના તરફ વિવેચનનાં લક્ષ્યો ખસતાં રહ્યાં. એની સાથે સાથે અન્ય વિદ્યાક્ષેત્રોની, જગતને પ્રભાવિત કરનારી (કેટલીક તો જગતને પરિવર્તિત કરનારી) વિચારધારાઓ પણ સાહિત્યની તપાસ માટેનાં નિદર્શનો બનતી ગઈ. આવી બંને સ્થિતિઓએ વિવેચનના વિવિધ અભિગમો અને પદ્ધતિઓને જન્મ આપ્યો. ૨૦મી સદીના આરંભથી, માનવીય પરિસ્થિતિઓમાં વિજ્ઞાનનાં વિધાયક-વિઘાતક પરિણામોને કારણે એટલાં ઝડપી પરિવર્તનો આવતાં ગયાં કે એણે અનેકવિધ વિચારકેન્દ્રોને અનિવાર્ય બનાવ્યાં. સાહિત્યના અંતર્ગત તેમજ બહિર્ગત મૂલ્ય અંગેનાં આવાં વાદો-અભિગમો-પદ્ધતિઓને સમયક્રમે, આ રીતે નોંધી શકાય : ૨૦મી સદીના બીજા દાયકાથી માક્ર્સવાદ અને ત્રીજા-ચોથા દાયકામાં રશિયન સ્વરૂપવાદ; ચોથા-પાંચમા દાયકા દરમિયાન પુરાકથાપ્રતીક (myth) કે આદ્યબિંબ-(archetype)-કેન્દ્રી વિવેચન; પાંચમા-છઠ્ઠા દાયકામાં ન્યૂ ક્રિટિસિઝમ અને પ્રતિભાસવિજ્ઞાનકેન્દ્રી (phenomenological) તેમજ શૈલીવિજ્ઞાનકેન્દ્રી (stylistic) વિવેચન-અભિગમો; સાતમા દાયકા દરમિયાન સંરચનાવાદી અભિગમ અસ્તિત્વમાં આવ્યો અને નારીકેન્દ્રી (feminist) વિચાર-વિવેચનનાં બીજ રોપાયાં. આઠમા દાયકા દરમિયાન વિઘટન/વિરચન (deconstruction)નો સિદ્ધાંત, વાચકકેન્દ્રી (reader-response) સિદ્ધાંત તેમજ ૨૦મી સદીના છેલ્લા બે દાયકાઓમાં નવ્ય ઇતિહાસવાદ અને સાંસ્કૃતિક-અધ્યયનકેન્દ્રી અભિગમો અસ્તિત્વમાં આવ્યા. અનુ-આધુનિકતાવાદની તથા દેશીવાદની વિચારણાઓએ પણ સાહિત્યવિવેચનનાં દૃષ્ટિકોણો અને પદ્ધતિઓને પ્રભાવિત કરેલાં છે. સાહિત્ય-વિવેચનમાં પ્રયુક્ત થતા રહેલા કે સાહિત્ય-વિવેચનને પ્રભાવિત કરતા રહેલા આ અભિગમો અને પદ્ધતિ-આગ્રહોની લાક્ષણિકતા એ છે કે એ જેટલા નવા વિચારને વિવેચનના પ્રતિમાન તરીકે ઉપાડી લેનાર રહ્યા છે એટલા જ ક્રિયા-પ્રતિક્રિયા રૂપે પણ ઊપસતા રહ્યા છે – એક વિચારધારા આત્યંતિક બનતાં કે રૂઢ થતાં જ એની એકદમ સામેનો દૃષ્ટિકોણ સક્રિય બનતો રહ્યો છે. આ અભિગમો/પદ્ધતિઓની કેટલીક લાક્ષણિકતાઓ, સમયક્રમે નહિ પણ (૧) સાહિત્ય અને જીવનમૂલ્યલક્ષી, (૨) વિચારમૂલ્યલક્ષી અને (૩) સાહિત્યના આંતરિક રૂપલક્ષી – એવાં વ્યાપક વિભાજનના ક્રમે આ રીતે જોઈ શકાય :

ચરિત્રલક્ષી (biographical) અભિગમ કર્તાની ચરિત્રાત્મક વિગતો, એનું મનોબંધારણ તથા એનું વિચારજગત એની કૃતિમાં શોધવાની દિશામાં પ્રવૃત્ત થયેલો અભિગમ. સાહિત્યલેખન જીવનલક્ષી હતું ત્યારે પ્રસ્તુત રહેલી આ પદ્ધતિ, કૃતિના સ્વાયત્ત વિશ્વની, એના કલ્પનાવિશેષની વિચારણા કેન્દ્રમાં આવતાં જ, જીર્ણ થતી ગઈ. અલબત્ત, અનુ-આધુનિક સમયમાં ફરીથી ચરિત્રાત્મક તથ્યો કૃતિના ભાવવિશ્વને સમજવા-ઉકેલવામાં અમુક હદે આવશ્યક લેખાવા માંડ્યાં છે. નીતિવાદી (moral) અભિગમ આ અભિગમ મૂલ્યાંકનલક્ષી છે. નીતિનાં પ્રવર્તમાન ધોરણોને આધારે કૃતિની તપાસનું વલણ ધરાવતી આ પરંપરાગત પદ્ધતિ છે. અર્વાચીન નીતિમૂલ્યવાદી વિવેચકોએ એક વિવેક કર્યો કે નીતિમૂલ્ય એ માનવમૂલ્ય કે વ્યાપક જીવનમૂલ્ય છે ને એ પરિવર્તનશીલ હોવું ઘટે; પરંતુ આ અભિગમે જ્યારે કૃતિમાં સામાજિક નીતિમત્તાના નિરૂપણનો આગ્રહ રાખવા સુધીની – નીતિમૂલ્યને સાહિત્યમૂલ્ય લેખવાની – આત્યંતિકતા દેખાડવા માંડી ત્યારે એની સામે વિદ્રોહ થયો. નીતિ-મૂલ્યની સમય-સાપેક્ષતા તેમજ કલાકૃતિની નીતિ-નિરપેક્ષતા આ વિદ્રોહના મુખ્ય આધાર-વિચારો છે.

ઐતિહાસિક (historical) અભિગમ આ અભિગમનું મુખ્ય ગૃહીત એ છે કે સાહિત્યકૃતિ સમયના, એટલે કે ઇતિહાસના કોઈ એક બિંદુએ અસ્તિત્વમાં આવતી હોવાથી એ એક ઐતિહાસિક નિર્માણ છે. એથી સાહિત્યકૃતિની તપાસ ઇતિહાસસંદર્ભે થવી જોઈએ. કર્તાએ ઝીલેલો અને નિરૂપેલો યુગસંદર્ભ વિવેચકના ધ્યાનકેન્દ્રમાં હોય છે. વળી, કૃતિની તપાસ સાંપ્રત-વિભાવનાથી કે આજનાં વિવેચન-ઓજારોથી નહિ પણ તત્કાલીન સામાજિક વિભાવનાઓ તેમજ સાહિત્ય-વિભાવનાઓથી થવી જોઈએ એવું દૃષ્ટિબિંદુ પણ આ અભિગમનું મહત્ત્વનું વલણ છે. પ્રાચીન-મધ્યકાલીન તેમજ પ્રારંભિક અર્વાચીન કાળનાં કર્તા અને કૃતિની (જેમ કે, પ્રેમાનંદ, દલપતરામ, ‘સરસ્વતીચંદ્ર’ વગેેરેની) તપાસ આવા પરિપ્રેક્ષ્યમાં થાય એનું એક ઔચિત્ય છે. સાહિત્યનો ઇતિહાસકાર આ પદ્ધતિનો સૌથી વધુ આધાર લેતો હોય છે. વળી, આ અભિગમ કૃતિમાંથી તત્કાલીન ઇતિહાસની તારવણીને પણ લક્ષ્ય કરે છે. આ પદ્ધતિની એકાંગિતા એ છે કે, એ જેટલો સમયની ચેતના પર ભાર મૂકે છે એટલો વ્યક્તિચેતના પર કે વ્યક્તિસંવેદન પર ભાર મૂકતી નથી. એ કારણે કૃતિનાં કેટલાંક રસસ્થાનોની અને સૌંદર્યતત્ત્વોની તપાસ ચૂકી જવાય છે.

સાહિત્યસ્વરૂપલક્ષી (generic) અભિગમ કૃતિનું સ્વરૂપનિર્ધારણ કરીને સ્વરૂપગત લાક્ષણિકતાઓ તારવતી આ પ્રાચીન પદ્ધતિ છે. મહાકાવ્ય અને ટ્રૅજેડીની વિગતે થયેલી વિચારણા એનું એક મહત્ત્વપૂર્ણ દૃષ્ટાંત છે. સ્વરૂપલક્ષી અભિગમે પરંપરાગત રીતે પણ કૃતિના રૂપને કેન્દ્રમાં રાખ્યું; પરંતુ આ પદ્ધતિએ એની આત્યંતિક ભૂમિકાએ સ્વરૂપલક્ષણોના ચુસ્ત માળખાને આધારે કૃતિનું મૂલ્યાંકન કરવાનું વલણ લીધું. કૃતિના સર્જનાત્મક સ્વરૂપની તરલતાને તેમજ એની નવીનતા/અપૂર્વતાને અવગણીને સ્વરૂપની નિશ્ચિત સરહદોને એણે અચળ અને નિયંત્રિત બનાવી ત્યાં સ્વરૂપલક્ષી પદ્ધતિ નર્યો વિદ્યાવ્યાયામ પણ બની રહી. અલબત્ત, સાહિત્ય-સ્વરૂપની બદલાતી ને વિકસતી રેખાઓનો સ્વીકાર, એટલે કે વ્યાવર્તકતાના આગ્રહ સાથે પણ પ્રયોગશીલ વલણોની સાભિપ્રાયતાનો વિચાર, એ સ્વરૂપલક્ષી અભિગમનું એક અર્વાચીન લક્ષણ છે. સાહિત્યના સ્વરૂપલક્ષી ઇતિહાસ(generic history of literature)નો ખ્યાલ એનું એક નવું પરિમાણ છે. સમાજ-સંસ્કૃતિલક્ષી (socio-cultural) અભિગમ આ અભિગમ સાહિત્યકૃતિને સમાજ-સંસ્કૃતિમાંથી પ્રગટી આવેલી ને સમાજપ્રભાવી બનતી એક ઘટના તરીકે જુએ છે ને એ રીતે તપાસે છે. સંસ્કૃતિ-વિચારકો-ચિંતકોની વિચારણાનો પ્રભાવ આ અભિગમથી થતા વિવેચન ઉપર પડ્યો છે. એની બે ભૂમિકાઓ રહી છે : સામાજિક વિચારકોએ સાહિત્યકૃતિને કોઈ વિચારધારા (ideology)ના દસ્તાવેજ રૂપે ઘટાવીને એમાંથી પોતાની વિચારણાનાં તત્ત્વો સમર્થિત કર્યાં. બીજી ભૂમિકાના વિવેચકોએ કોઈ વિચારધારાને કે સામાજિક સંદર્ભને સાહિત્યસર્જક કલાકૃતિ દ્વારા કેવી આગવી, વિશિષ્ટ રીતે સંક્રાન્ત કરે છે એની તપાસ પર ભાર મૂક્યો, એથી સામાજિક-સાંસ્કૃતિક વિચારતંત્ર અને સાહિત્યવિશ્વ – બંનેનો સ્વીકાર થતો રહ્યો. મહાન સાહિત્યકૃતિ કોઈ એક વ્યક્તિ-ચેતનાની નીપજ ન હોય. આખા સમાજનાં સાંસ્કૃતિક સંચલનોથી સક્રિય થતી એક સામૂહિક ચેતનાથી એ નીપજે – એ આ અભિગમનું એક મહત્ત્વનું ગૃહીત છે. એટલે આ વિવેચનનાં ઓજારો સાહિત્ય-અંતર્ગત જ નહિ, બહિર્ગત પણ હોવાનાં.

માર્ક્સવાદી (Marxist)અભિગમ એક રીતે તો એ સમાજ-સંસ્કૃતિલક્ષી અભિગમ છે પણ અહીં સવિશેષપણે સાહિત્યનું અર્થઘટન વર્ગસંઘર્ષના સંદર્ભે થાય છે. મૂડીવાદના વિરોધે વર્ગવિહીન અને શોષણવિહીન સમાજ અંગેની કાર્લ માર્ક્સની ક્રાંતિકારી વિચારણા ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જન્મી હતી પણ સાહિત્યવિવેચન પર એનો પ્રભાવ ૨૦મી સદીના બીજા દાયકાથી આરંભાયો અને દુનિયાનાં ઘણાં સાહિત્યો ઉપર એણે પ્રભાવ પાડ્યો. સાહિત્યવિચાર સામાજિક દૃષ્ટિકોણથી યુક્ત ન હોય તો એનો કશો અર્થ નથી – એવા વિચારવલણ તરફ એની ગતિ રહી છે. સામાજિક અસ્તિત્વ જ મનુષ્યની ચેતનાને નિર્ધારિત કરે છે એ એનું ગૃહીત છે. એક બીજી રીતે જોતાં, માર્ક્સવાદી વિવેચન કૃતિતપાસથી વધુ તો કૃતિરચના પાછળનાં, કૃતિની ભૂમિકા રૂપે રહેલાં માનવીય-સામાજિક પરિબળોની મીમાંસા કરે છે.

મનોવિશ્લેષણલક્ષી (psychoanalytic) અભિગમ સાહિત્ય-વિવેચકને માટે જ નહિ, સાહિત્યસર્જકને માટે પણ આ અભિગમ પ્રેરક બનેલો છે. ૨૦મી સદી પર માર્ક્સ જેટલો જ પ્રભાવ પાડનાર ચિંતક સિગ્મંડ ફ્રૉઇડની માનવમનનાં બાહ્ય-આંતરિક સ્તરો અને એના બંધારણ વિશેની ચિકિત્સાકેન્દ્રી વિચારણાએ, સાહિત્યકૃતિઓનાં પાત્ર-પરિસ્થિતિઓના વિશ્લેષણની દિશા ઉઘાડી. ખુદ ફ્રૉઇડે પોતાની વિચારણાનું સમર્થન કરતી સાહિત્ય-તપાસ રજૂ કરેલી છે. (જેમ કે, ૧૯૨૭માં ‘દૉસ્તૉયેવ્સ્કી અને પેરીસાઇડ’માં). માનવવર્તનમાં જાતીય સ્ફુરણો અને દમનને કેન્દ્રીય બળ ગણાવતી ફ્રૉઇડની વિચારણાનો પ્રભાવ કેટલીક સાહિત્યકૃતિઓ (જેમ કે, મુનશીની ‘પૃથિવીવલ્લભ’)ની રચના ઉપર પણ પડ્યો છે. ફ્રૉઇડ પછી પણ વિકસતી – સંશુદ્ધ થતી માનસશાસ્ત્રીય વિચારણાઓએ સમાન્તરે અન્ય સાહિત્યિક વિચારો-વાદોને પણ પ્રભાવિત કરેલા છે; જેમ કે, માનવની આંતરચેતનાના એક આવિષ્કારરૂપ પરાવાસ્તવવાદ અને પિતૃસત્તાક મનોવલણોની ચિકિત્સા કરતા નારીવાદ ઉપર મનોવિશ્લેષણવાદના તંતુ પ્રસરેલા છે.

નારીવાદી (feminist) અભિગમ પિતૃસત્તાકેન્દ્રી સંસ્કૃતિ સામેના (નારીશોષણ સામેના) વિદ્રોહ રૂપે આવેલી નારીવાદી વિચારણાને આ અભિગમ વિવેચનના એક દૃષ્ટિકોણ તરીકે સ્વીકારે છે. આ પદ્ધતિ નારીમીમાંસાકેન્દ્રી સિદ્ધાંતવિચારથી લઈને નારીચેતનાના કૃતિગત વિશેષોની તપાસ સુધી વિસ્તરેલી છે. પુરુષકેન્દ્રી સમાજરૂપની જ નહીં, પુરુષકેન્દ્રી ભાષારૂપની ચિકિત્સા સુધી પણ આ વિવેચન વિસ્તરેલું છે.

પુરાકલ્પન (myth) અને આદ્યબિંબકેન્દ્રી (archetypal) અભિગમ પૌરાણિક કથાઓ અને એમાં પ્રચ્છન્ન રહેલાં માનવચેતનાનાં આદ્યબિંબો અભ્યાસવિષય બનવા લાગ્યાં ત્યારથી સાહિત્યવિવેચનમાં આ પદ્ધતિ પ્રયોજાતી રહી છે. પૌરાણિક કથાગત કલ્પનો સાંસ્કૃતિક વિચારકોના, ને એ પછીના મનોવિજ્ઞાનના અભ્યાસીઓના રસનો વિષય બન્યાં. ફ્રૉઇડ ઉપરાંત ખાસ તો યુંગની, સામૂહિક અવચેતના (collective unconciousness)ની વિચારણા આદ્ય બિંબો/રૂપો(archetypes)ના વિશ્લેષણને કેન્દ્રમાં લાવી હતી. અર્વાચીન કૃતિઓમાં વિનિયોગ પામેલી પુરાકથા/પુરાકથાપાત્રોનું અર્થઘટનલક્ષી વિવેચન કરતી પદ્ધતિ રૂપે પણ આ અભિગમ વિકસતો રહ્યો છે. માનવસંબંધો અને માનવચિત્તને લક્ષતા સાહિત્યની વિચારણા કરતી આ પદ્ધતિઓ ઉપરાંત સાહિત્યકૃતિના આંતરિક સ્વરૂપને અને એના કલાસૌંદર્ય-બોધને લક્ષતી વિવેચના પણ અનેકવિધ અભિગમો અને પદ્ધતિઓથી થયેલી છે.

સૌંદર્યવાદી (aesthetic) અભિગમ જીવનકેન્દ્રી સાહિત્યવિચારની સામેના ‘કળા ખાતર કળા’ના વિદ્રોહમાંથી આ અભિગમ આવિષ્કાર પામ્યો છે. સામાજિક-સાંસ્કૃતિક વિચારણાઓનો કંઈક આદેશમૂલક દાબ વિવેચન પર પડ્યો હતો એની સામેની તીવ્ર પ્રતિક્રિયા રૂપે કળાને કેવળ સૌેંદર્યસર્જન તરીકે તપાસવાનું વલણ બળવત્તર બન્યું. જો કે, કૃતિબાહ્ય વિચાર-આરોપણોમાંથી બહાર કાઢનારો આ અભિગમ બીજે છેડે આસ્વાદક વિવેચકની અંગતતાના, સ્વૈરતાના પ્રક્ષેપમાં પણ ફસાયો છે. પ્રભાવવાદી (impressionistic) વિવેચને આમ ઉત્તમ-કનિષ્ઠ બંને બાજુઓ પ્રગટ કરી છે. જોકે પાછળથી, કૃતિના સ્વાયત્ત વિશ્વને જ કેન્દ્રમાં લાવનારી વિવેચનાએ સૌંદર્યવાદને વસ્તુલક્ષી ભૂમિકાએ રાખ્યો છે.

રશિયન સ્વરૂપવાદી (formalistic) પદ્ધતિ એનું પ્રધાન લક્ષ્ય સાહિત્યવિવેચનને ચિંતનલક્ષી વિચારધારાઓથી નિરપેક્ષ રીતે સ્વાયત્ત બનાવીને સાહિત્યનું વિજ્ઞાન રચવાનું રહ્યું. ૨૦મી સદીના બીજા દાયકામાં રશિયામાં જન્મેલો આ વાદ પણ એક આંદોલન રૂપે આવેલો છે પણ એણે છેવટે કૃતિની સાહિત્યિકતા (literariness)ને સમજવાની દિશામાં, સાહિત્યની ભાષાના આગવાપણાનો તેમજ છંદ, અલંકાર, કલ્પન, પ્રતીક, આદિ સાહિત્ય-પ્રયુક્તિઓનો મહિમા કરવાની દિશામાં ગતિ કરી એ આ વિવેચનરીતિનું મહત્ત્વનું પ્રદાન છે. આ વિચારણાઓ-પદ્ધતિઓનો વિકાસ ૨૦મી સદીના પાંચમા દાયકામાં આકાર પામેલા નવ્ય વિવેચન (new criticism)માં વિવેચનને કૃતિની સ્વાયત્ત સત્તાને લક્ષ્ય કરતા (ontological) સાહિત્યવિચારમાં પ્રતિષ્ઠિત કરે છે.

પ્રતિભાસલક્ષી (phenomenological) પદ્ધતિ કૃતિ સર્જનારી ચેતનાની રીતિનો પરિચય કરાવનારા વિવેચનને આ અભિગમ કેન્દ્રમાં લાવે છે. ફિનૉમિનૉલૉજીએ આત્મલક્ષિતાનું વિજ્ઞાન રચવા માંડ્યું એમાં જર્મન ફિલસૂફ હુસેર્લની ભૂમિકા મહત્ત્વની છે. કૃતિના અર્થઘટનમાં વૈયક્તિક મનુષ્યચેતના (નહિ કે વસ્તુલક્ષી વાસ્તવિકતા) પર ભાર મૂકવાનું વલણ આ અભિગમને કારણે વિકસ્યું.

સંરચનાવાદી (structural) અભિગમ એક રીતે તો આ અભિગમ કૃતિના ભાષાવિશ્લેષણાત્મક વિવેચનને લક્ષ્ય કરે છે. સોસ્યૂરના ભાષાવિચાર પર આધારિત આ પદ્ધતિ ૨૦મી સદીના ૭મા દાયકામાં ફ્રાન્સના વિવેચનવિચારના શિખરે હતી. આ વિવેચનવિચારમાં પણ જીવનકથાપરક કે ઇતિહાસપરક વિચારણા સામેનો વિદ્રોહ પડેલો છે. ભાષા એ સામગ્રી નથી પણ સ્વરૂપ છે, એક સુગ્રથિત વ્યવસ્થા (structure) છે એથી કૃતિની તપાસ એ ઓજારોથી થવી જોઈએ એ એનું ગૃહીત છે. અનુસંરચનાવાદ (post structuralism)માં ભાષિક રચના સુધી ઊતરીને અર્થની મુક્તતા પર ભાર મુકાયેલો. આ ઉપરાંત, વિવેચનની તત્ત્વવિચારકેન્દ્રિતા (logocentrism)માંથી સાહિત્યવિચારને મુક્ત કરવાની દિશામાં ઝાક દેરિદાએ (૨૦મી સદીના આઠમા દાયકામાં) રજૂ કરેલી વિરચન/વિઘટન (deconstruction)ની વિચારણાએ; એ જ સમયગાળામાં ઉદ્બુદ્ધ થયેલા વાચક-કેન્દ્રી (reader response) સિદ્ધાંતે; નવ્ય વિવેચન, વિરચનવાદ આદિની ઇતિહાસ-નિરપેક્ષ બનતી ગયેલી વિચારણા સામે, ૨૦મી સદીના નવમા દાયકામાં, ઊંચકાયેલી નવ્ય-ઇતિહાસવાદ (new historicism)ની વિચારણાએ અને છેલ્લે સાંસ્કૃતિક અધ્યયનો (cultural studies)ના વિકસતા ગયેલા માનદંડોએ વિવેચનવિચારને નવી પદ્ધતિઓ આપી છે. ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં તો વિચારવલણો એટલાં ઝડપથી જન્મતાં ને નવાં પ્રતિક્રિયાજન્ય વિચારવલણોને જગા આપતાં રહ્યાં છે કે કોઈ એક વિચાર-સ્થિતિ સામેના વિદ્રોહે બીજી વિચાર-સ્થિતિ જન્માવી છે એ સંજોગોમાં પ્રત્યેક વિચારધારા કોઈ ને કોઈ રીતે એકાંગી પણ પુરવાર થઈ છે ને ત્યારે સાહિત્યનાં સર્વ પરિમાણોને તપાસવા માટે બહુવાદ (pluralism)ની દિશા ગ્રહણ કરવાની હિમાયત પણ થઈ છે. સાહિત્યકૃતિના વૈયક્તિક પ્રભાવ અને આસ્વાદમાંથી જન્મેલી વિવેચન-પ્રવૃત્તિએ આમ બહુમુખી વિકાસ કરીને વિવેચનની પોતાની એક સત્તા-મુદ્રા ઊભી કરી છે એ સાહિત્યવિવેચનનું એક મહત્ત્વનું છતાં લાક્ષણિક પરિણામ છે.

● ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ ૨૧, ૨૦૧૦