ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/‘હિંદસ્વરાજ’ની પશ્ચાદ્‌ભૂ : સુ-રાજ્યથી સ્વ-રાજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હિંદ સ્વરાજની પશ્ચાદ્ભૂ : ‘સુ-રાજ્ય’થી ‘સ્વ-રાજ્ય’
૧૯મી સદીના ગુજરાતનો સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભ

૧૯મી સદીનો ઉત્તરાર્ધ ગુજરાતી સાહિત્યમાં, અને એ જ રીતે બીજી ભારતીય ભાષાઓનાં સાહિત્યોમાં પણ, સાહિત્યસાધના ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક વિચારણાઓનો સમય હતો. એમાં સાહિત્યમૂલ્યો જેટલું જ મહત્ત્વ વિચારમૂલ્યો અને જીવનમૂલ્યોનું પણ રહેલું. આ આખો સમયપટ અંગ્રેજી શાસન અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રવેશનો અને પ્રભાવનો હતો તથા એ પ્રભાવની વચ્ચે મૂલ્યશોધની, આત્મ-શોધની મથામણનો પણ હતો – એ કારણે વિવિધ પ્રકારનાં વિચારપ્રવાહો, દૃષ્ટિબિન્દુઓ એકસાથે અસ્તિત્વ ધરાવતાં હતાં. એટલે, ૨૦મી સદીના પહેલા દાયકામાં ગાંધીજીએ, વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદ રૂપે લખેલી પુસ્તિકા હિંદ સ્વરાજમાં૧ સ્વ-રાજ અંગે જે વિલક્ષણ અને ક્રાન્તિકારી વિચાર રજૂ કર્યો, ને એમાં અંગ્રેજોના યંત્રઉદ્યોગ (ગાંધીજી એને સાંચાકામ - machinery કહે છે) અને અંગ્રેજી કેળવણી અંગે પણ જે તીવ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી – એની પહેલાં, સંસ્થાનીકરણ(કૉલોનાઈઝેશન)ના વ્યાપક સંદર્ભમાં, ગુજરાતનાં સામાજિક-સાંસ્કૃતિક અને સાહિત્યિક વલણો કેવાં હતાં એનું, એક ઝડપી ચિત્ર આપવાનો આ વક્તવ્યમાં મારો પ્રયાસ છે. ૧૮મી સદીના ઉત્તરાર્ધથી અંગ્રેજો સુવ્યવસ્થાના સ્થાપક તરીકેની છાપ પ્રજામાનસ પર ઉપસાવતા જતા હતા અને ૧૯મી સદીના મધ્યભાગ સુધીમાં તેઓ શાસક તરીકે સ્થાપિત થઈ ગયા હતા. ૧૮મી સદીના અંતભાગમાં ગુજરાતની પ્રજા ભયાનક અંધાધૂંધી અને આતંકનો ભોગ બનેલી હતી. મોગલશાસનના પતન પછી સરજાયેલી અનવસ્થામાં પિંઢારાઓ આદિની લૂંટફાટે અને મરાઠી આક્રમણકારોના, લગભગ એવી જ લૂંટ જેવા હુમલાઓએ પ્રજાના આર્થિક અને સામાજિક જીવનને ભય, છિન્નતા અને નરી અસલામતીના ભાર નીચે દબાવી દીધું હતું. આ કપરી પરિસ્થિતિમાંથી અંગ્રેજોએ ગુજરાતને બહાર કાઢ્યું હતું. એથી બંધાયેલા વિશ્વાસે અને સ્થપાયેલી શાંતિએ – એટલે કે રાહતની શાંતિને લીધે – ગુજરાતે અંગ્રેજોની એ છત્રછાયાને ઇશ્વરી વરદાનની જેમ સ્વીકારી લીધી હતી. બીજું, ભારત અને ગુજરાતમાં તે સમયે જે રાજા-પ્રજા-પરંપરા, જે સામંતશાહી પરંપરા હતી તેમાં કાં તો સુ-રાજ્ય કે પછી કુ-રાજ્ય એ જ સમગ્ર પ્રજાવર્ગની નિયતિ હતી. ત્રીજો વિકલ્પ (જેમકે સ્વ-રાજ્ય) એમના મનમાં ન ઊગે એ સ્વાભાવિક હતું. એટલે અંગ્રેજી શાસનને – અંગ્રેજો પરદેશી છે એવી સભાનતા સાથે ને થોડાક કચવાટ સાથે – પ્રજાએ સુ-રાજ્ય તરીકે સ્વીકારી લીધું હતું. આ સમયગાળામાં લેખકો-વિચારકોનાં પ્રતિભાવ-પ્રતિક્રિયા, એમનાં દૃષ્ટિબિન્દુ, કેવાં હતાં? અંગ્રેજ શાસકોને એમણે પણ, શરૂઆતમાં તો, સમગ્ર પ્રજાની જેમ, શાંતિ-દાતા તરીકે સ્વીકારેલા. વળી, આ ‘સારા’ શાસકોએ એમને બીજા કેટલાક લાભ પણ સંપડાવ્યા હતા : એક તે, રૂઢિ અને અંધશ્રદ્ધાની સામાજિક-ધાર્મિક સંકડાશ અને સીમિતતામાંથી છોડાવનારી વૈજ્ઞાનિક દૃષ્ટિનો લાભ. આ સુધારક સાહિત્યકારોને માટે અંગ્રેજી સંસ્કૃતિનો આ લક્ષણવિશેષ પ્રેરક બળ બન્યો. બીજું તે, મુદ્રણયંત્ર વગેરે જેવી શોધો-સગવડો સંપડાવનારી યંત્રસંસ્કૃતિનો લાભ. જેના વિપરિત આશયો અને ખરાબ પ્રભાવોનો ગાંધીજીએ હિંદ સ્વરાજમાં પ્રબળ વિરોધ કર્યો એ યંત્ર-વિદ્યા આ લેખકો-વિચારકોને રૂઢ સંકડાશમાંથી છોડાવીને મોટા વ્યાપ તરફ લઈ જનારી લાગી હતી. ત્રીજો અને સૌથી મહત્ત્વનો લાભ હતો અંગ્રેજી કેળવણી, અને એના દ્વારા ખૂલી ગયેલાં વિભિન્ન વિદ્યાઓનાં દ્વાર. ઇંગ્લેન્ડ અને યુરપના ઉત્તમ સાહિત્ય, ચિંતન, સંસ્કૃતિનો, એમને બહુમૂલ્ય અને અવિસ્મરણીય લાગેલો ઉપહાર આ અંગ્રેજી શાસકોના માધ્યમથી એમને મળ્યો હતો. શાસકો તરીકે અંગ્રેજો એમને કંઈક તૉરીલા લાગ્યા હતા તો પણ આ વિદ્યાલાભની ગરજ તો આ લેખકો-વિચારકોને હતી જ. એટલે, એકદમ આરંભે તો, સંસ્થાનવાદનું રૂપ નિંદ્ય નહીં પણ આવી વિધાયકતાને સેરવી લેનારું હતું. અર્વાચીનતાના બીજા તબક્કે, યુનિવર્સિટીઓ સ્થપાતાં (૧૮૫૭ આસપાસથી) લેખકો સામે બીજા સાહિત્યિક-સાંસ્કૃતિક વિકલ્પો પણ ઊભા થયા. સંસ્કૃત ભાષા-સાહિત્ય-ચિંતનનું અરૂઢ અધ્યયન શરૂ થવાથી, પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં ઉચ્ચતર જીવનમૂલ્યો અને એની વિચારણા તરફ આ નવી પેઢીના ચિંતકો-વિદ્વાનોની નજર ગઈ. એ કારણે, પશ્ચિમી સંસ્કૃતિનો એકાંગી સ્વીકાર કરી લેવાના વલણ સામે એક પ્રતિરોધ જાગ્યો. સ્વ-મૂલ્યના, સ્વ-સ્થાપનના અને છેલ્લે સમન્વયના ખ્યાલો ઊઘડતા ગયા, ચિકિત્સાથી દૃઢ થતા ગયા. એણે નિજી સાંસ્કૃતિક ઓળખની શોધની દિશા પણ ખોલી. બીજી બાજુ, સમય જતો ગયો એમ એમ, જેને એ સુ-શાસક ગણતા હતા એ અંગ્રેજોનાં પક્ષપાતી વલણોનો, એમના અતડાપણાનો ને ક્યાંક સત્તાધીશ તરીકેના એમના અહંનો અનુભવ થતાં કેટલાક સાહિત્યકારોએ નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યાં હતાં. તેમ છતાં, વિચાર-અભિવ્યક્તિના સ્વાતંત્ર્યથી આગળ, ‘સ્વ-રાજ્ય’નો ખ્યાલ કરવા સુધી એ ગયા ન હતા. અંગ્રેજો દેશ છોડી જાય તો, એમના દ્વારા જે વિદ્યા અને સંસ્કૃતિનો વિકાસ થતો હતો, ને એને જે પોષણ મળતું હતું એ અટકી જશે એવી દહેશત કે એવી સંભાવનાને લીધે, છેક ૨૦મી સદીના આરંભ લગી, કેટલાક લેખકો-વિચારકોનેય સ્વરાજ્ય માટેના ટિળક, ગાંધીજી વગેરેના આગ્રહો બિનજરૂરી લાગતા હતા! આમ આ આખા સમયખંડનું ચિત્ર ભાતીગળ હતું ને એની અંતર્ગત સંસ્થાન-રાગિતાનું રૂપ પણ કંઈક વિલક્ષણ પ્રકારનું હતું. એ સમયના ગુજરાતી સાહિત્યમાંથી થોડાંક દૃષ્ટાંતો લઈને આ ચિત્રને કંઈક સ્પષ્ટ કરવા પ્રયાસ કરું. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રારંભક કવિઓ દલપતરામ (૧૮૨૦-૧૮૯૮) અને નર્મદ (૧૮૩૩-૧૮૮૬) – બંનેએ બ્રિટીશ સામ્રાજ્યને, રાણી વિક્ટોરિયાના આગમનને વધાવેલું – વ્યવસ્થાપનના તેમ જ નવી વિદ્યા-વિજ્ઞાનલક્ષી સભ્યતાના સંદર્ભમાં. વિક્ટોરિયા-શાસનના આરંભે, ત્યાં સુધીના આખા ઇતિહાસપટને સંકેતતાં દલપતરામે એમના એક જાણીતા થયેલા કાવ્યમાં કહેલું :

‘... વળી કાળા કૅર ગયા કરનાર.
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન.

***
લંકાથી હિમાચલ લગભગ, કલકત્તાથી કચ્છપ્રવેશ,

પંજાબી સિંધી સોરઠીઓ, દક્ષિણ માળવ આદિક દેશ,
દિવસ ગયા ડરના ને દુખના, સુખના દિનનું દીધું દાન... એ ઉપકાર...
(દલપતકાવ્ય :૨)

કવિ નર્મદે પણ વિક્ટોરિયાનું પ્રશસ્તિગીત ‘જય જય વિક્ટોરિયા’ લખ્યું હતું.૨ વળી દલપતરામને તો ફૉર્બ્સ (Forbes) જેવા વિદ્યાપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી અમલદારનો ગાઢ સંપર્ક હતો – ગુજરાતનાં સાહિત્ય-સંસ્કૃતિનો ઘણો પ્રારંભિક વિકાસ દલપત-ફાર્બસના સંયુક્ત પ્રયાસોથી, રાસમાળાના સંપાદનથી લઈને ઠેરઠેર ગુજરાતી કવિતાનાં સંમેલનો કરવા સુધી, થયો હતો. એ દિવસોમાં ડ્રમંડ, કર્ટિસ, હોપ જેવા અન્ય અમલદારોએ પણ ગુજરાતનાં શિક્ષણ, સંસ્કાર, ભાષા અને સાહિત્યમાં ઘણો ઊંડો રસ લીધેલો. હિંદ સ્વરાજમાં ગાંધીજીએ કહ્યું છે કે, ‘તમે હિંદમાં આવનાર અંગ્રેજો તે અંગ્રેજ પ્રજાનો ખરો નમૂનો નથી.’ (અંગ્રેજી આવૃત્તિ : You English, who have come to India are not a specimen of English Nation.)૩ પરંતુ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આવેલા આ વિદ્યાપ્રેમી સજ્જનો તો ઉત્તમના પ્રતિનિધિ રૂપ હતા જ. એમના પ્રભાવે ને સહવાસે ગુજરાતી લેખકોના મનમાં અંગ્રેજી શાસન માટે વિશ્વાસ અને ચાહનાનું વલણ પ્રગટ્યું હતું. તેમ છતાં આ લેખકોને જ્યારે એમ લાગ્યું કે બીજા ઘણા અમલદારો શોષક ને સત્તાખોર છે ત્યારે એમણે વિરોધ વ્યક્ત કરેલો. દલપતરામે ‘પ્રજાનું દુઃખવર્ણન’ નામના કાવ્યમાં, પરોપકારી નામના એક મધ્યસ્થી પાત્રના મુખમાં, (ગદ્ય અને પદ્યરૂપે) આવા પ્રજાનુભવને વાચા આપી છે : ‘ઓહો! હો! આ રાજ્યમાં જુલમ નથી એમ હું જાણતો હતો, પણ જુલમ છે ખરો.’ (દલપતકાવ્ય, ખંડ-૨, પૃ. ૧૬) તથા ‘નથી જુલમ આ રાજ્યમાં, ભુલ્યો એવી વાત’ (પૃ.૨૩) ફાર્બસે એક વાર દલપતરામને પૂછ્યું હશે કે, અમે તમારા પ્રાચીન રાજાઓ જેવા ખરા કે? એના ઉત્તરમાં, એક કાવ્યમાં દલપતરામે લખેલું : ‘વિક્રમસમ જે વાર, પ્રજાપ્રેમ પામો તમે; સુખથી શ્રીસરકાર લાયક ગણી લખશું અમે.’ (પૃ. ૨૯) એમાં પણ નર્યા અહોભાવની જગાએ તટસ્થતા, અને સહેજ ટોણો પણ, જોઈ શકાય છે. નર્મદને જ્યારે લાગ્યું કે ગોરા-હિંદી વચ્ચે ભેદભાવ કરનાર અંગ્રેજોનું ન્યાયતંત્ર પણ પક્ષપાતી છે – ‘ધની કુલીનનો ન્યાય ચૂકવે નીચી કોરટ; ગોરા નીચનો ન્યાય ચૂકવે ઊંચી કોરટ’(નર્મકવિતા, પૃ. ૩૫૨) – ત્યારે ‘દેશાભિમાન’ અને ‘સ્વતંત્રતા’ જેવા વિચારો એનામાં મથામણ રૂપે, પણ તીવ્રતાથી, પ્રગટે છે. ‘વીરસિંહ’ કાવ્યમાં છંદના વેગમાં એની પ્રબળ લાગણી વ્યક્ત થઈ છે :

ઓ સ્વતંત્રતા જનદેવી! રૂઠી ગઈ ક્યાંહ?
મુજ જંન થયા પરતંત્ર, હું પણ પરતંત્ર,
પ્રદેશીતણી ખાઈએ લાત... (પ્રદેશી = પરદેશી)
(નર્મકવિતા)૪

ઈ.સ. ૧૮૫૬માં ‘સ્વદેશાભિમાન’ નામના મહત્ત્વના નિબંધમાં નર્મદે રાષ્ટ્રવાદનો પણ પુરસ્કાર કરેલો છે. રાજકીય સ્વાતંત્ર્યનું વધુ હિંમતપૂર્વક ને વધુ વિગતે આલેખન કરનાર લેખક હતા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૮૫૩-૧૯૧૨). એ પત્રકાર, સંશોધક અને નવલકથાકાર હતા. સુરતમાંથી એ સમયે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રગટ થતા એમના સામયિક ‘સ્વતંત્રતા’ના માર્ચ ૧૮૭૮ના અંકમાં એક લખાણ પ્રગટ થયેલું તે સંભવતઃ ઇચ્છારામનું જ હતું. એનો કેટલોક ભાગ જોઈએ : અંગ્રેજોને સંબોધીને તે કહે છે, ‘અમને રાજકીય સ્વાતંત્ર્ય આપો[...] તમારાથી ગમે તેટલું રક્ષણ મળ્યું હોય તો પણ તમે પરદેશી[...] તમે અમને દબાવતા રહો છો એ અમારાથી કેમ સહન થાય? અમે પણ શૂરવીર છીએ.[...] માટે રાજકીય સ્વાતંત્ર્ય માગવાનો અમારો હક છે.૫ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં ‘ગુજરાતી’ નામનું સામયિક પણ પ્રગટ કરતા હતા એના જૂન ૧૮૮૩ના અંકમાં એમણે અંગ્રેજી શાસકોને સ્પષ્ટ પરખાવેલુંઃ ‘We owe you no political debt. and if we do, better take it and clear off. But as among men, there must be independence, equality and friendship... (તમારો એવો કોઈ ઉપકાર અમારા પર નથી, ને કદાચ કોઈ હોય તો એ પાછો લઈને માંડવાળ કરો. માણસમાણસ વચ્ચે સ્વતંત્રતા, સમાનતા અને મિત્રતાનો જ સંબંધ હોવો ઘટે.)૬ પ્રબળ સ્વાતંત્ર્યેચ્છા વ્યક્ત કરતું એક બહુ જ મહત્ત્વનું ને પ્રભાવક પુસ્તક ઇચ્છારામે લખેલું – હિંદ અને બ્રિટાનીઆ. ૧૮૭૯થી ‘સ્વતંત્રતા’ સામયિકમાં પ્રકાશિત થવા લાગેલા આ પુસ્તકને લેખકે First political novel in Gujarati તરીકે ઓળખાવેલું. લોર્ડ રિપનને અર્પણ કરવામાં આવેલું આ પુસ્તક ‘રાષ્ટ્રીયતાના ઉદયકાળનો એક સંવાદ-પ્રબંધ’ છે. એમાં હિંદ દેવી અને બ્રિટાનીઆ વચ્ચે ઉગ્ર સંવાદ થાય છે ને એમને સમજાવીને સ્વતંત્રતાદેવી સંવાદિતા રચે છે. વિચારોની સ્પષ્ટતા અને તીવ્રતા વ્યક્ત કરવા માટે સંવાદની પ્રયુક્તિ કેવી અસરકારક નીવડે એનું આ, હિંદ સ્વરાજ પહેલાંનું, એક નોંધપાત્ર ઉદાહરણ છે. એ સમયનાં ઘણાં અંગ્રેજી પત્રો-સામયિકોએ આ પુસ્તકની ચર્ચા ઉપાડેલી ને એના પર રાજદ્રોહનો આરોપ મુકાયેલો, ને પછી પાછો ખેંચાયેલો.૭ અલબત્ત, આવી તીવ્રતમ વૈચારિક પ્રતિક્રિયા વ્યક્ત કરી હોવા છતાં એ સમયના લેખકો માટે સ્વતંત્રતા આદિ માટેની પ્રવૃત્તિ, ગાંધીજીની જેમ, અગ્રિમ જીવનકાર્યરૂપ ન હતી – એમની અગ્રિમતાઓ જુદી હતી. નર્મદ જેવાની સક્રિયતા એક બાજુ, એક સર્જક લેખે, નવાં સાહિત્યસ્વરૂપો ખેડવાની – એ દિશામાં નવપ્રસ્થાનોની – હતી તો બીજી બાજુ, એક સુધારક લેખે, એની સક્રિયતા ધાર્મિક-સામાજિક રૂઢિઓ પર આક્રમણ કરવા અંગેની હતી. અને આ બંને બાબતોમાં પશ્ચિમી વિદ્યા અને સંસ્કૃતિ એનાં પ્રેરક બળ હતાં. ઇચ્છારામ દેસાઈ પણ સાહિત્યિક પત્રકાર તરીકે વધુ સક્રિય હતા. ઉપરાંત, એમની મુખ્ય ક્રિયાશીલતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન-સંપાદનની દિશામાં હતી. યુનિવર્સિટી-શિક્ષણના પહેલા પરિપાકરૂપે ગુજરાતી લેખકોની જે પેઢી ઉદય પામી તે ‘પંડિત’ લેખકોની હતી. ગુજરાતીના આ પંડિતયુગે બહુ મોટા કવિઓ, નવલકથાકારો, વિવેચકો આપ્યા. આ લેખકોનાં લક્ષ્ય ઊંચાં – ‘બૃહત્તર’ – હતાં. નરસિંહરાવ દિવેટિયા (૧૮૫૯-૧૯૩૭) જેવા કવિ-વિવેચકને તો દેશાભિમાન જેવા ભાવો સાહિત્ય માટે બહુ સંકુચિત લાગ્યા હતા – તત્ત્વચિંતન કે સંસ્કૃતિમૂલ્યોના ઉચ્ચતર જગત તરફ એમનું ધ્યાન વળેલું હતું. ઉપરાંત આ લેખકો અંગ્રેજો અને અંગ્રેજી શાસન સાથે ગાઢ રીતે જોડાયેલા સરકારી અમલદારો હતા. કેટલાકને વળી અંગ્રેજ સરકારે ‘રાવબહાદુર’ જેવા ખિતાબો(titles) આપેલા. એવો એક વર્ગ નવા સુધારક વલણવાળો એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનો, સંસ્કારોનો પક્ષપાતી હતો. સંસ્થાનીકરણનું આ પણ એક વિલક્ષણ રૂપ હતું. ઇતિહાસના દરેક તબક્કે, સત્તાધારીની પડખે રહેનારો એક નાનકડો પણ મહત્ત્વાકાંક્ષી ‘ઉચ્ચ’ વર્ગ હોવાનો. એમનાં વલણો, બલકે તરફદારી પણ ગુલામી મનોદશાવાળાં રહેવાનાં. ૧૯મી સદીના આખાયે ઉત્તરાર્ધમાં આ પ્રકારનું ‘સંસ્થાન’-તરફી માનસ પણ દેખાતું હતું. એવી માનસિકતા પર કટાક્ષ કરતું એક લાક્ષણિક લખાણ ૧૮૭૪માં મળે છે એનો અહીં નિર્દેશ કરવો જોઈએ. ‘અંગરેજ સ્તોત્ર’ નામની એક નાનકડી પુસ્તિકા અર્ધ-સંસ્કૃત ભાષારૂપમાં લખાયેલી. એનો અનુવાદ હિંદી તેમ જ ગુજરાતીમાં થયેલો. એનો થોડોક જ ભાગ અહીં ઉતારું છું : હે અંગરેજો ! તમે... કાયદાના કરનાર અને નોકરીના આપનાર છો તેથી અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે ઇન્દ્ર છો, તમે ચંદ્ર છો તો હે માન-દ! અમને ટાઈટલ (ખેતાબ) આપો. હે ભગતવતસલ! અમે તમારું જૂઠણ ખાવાની ઇચ્છા કરીએ છીએ [...] હે અંતરજામી! તમે અમને વિદ્વાન કહો એ જ હેતુથી અમે વિદ્યા ભણીએ છીએ! હે સરવ-દ! અમને નોકરી આપો,... અમને રાવબહાદુર બનાવો [...] કદાચિત એવું ન બની શકે એમ હોય તો છેવટે અમને રાતના ખાણાનું નોતરું આપો. પુસ્તિકાને અંતે, કટાક્ષની તીવ્ર ધારવાળો ‘ફળલાભ’ તળપદા સંસ્કૃતમાં છે :

विद्यारथी लभते विद्यां, धनारथी लभते धनम् ।
स्टारार्थी लभते स्टारम्...
भवपाशविनिर्मुक्त: अंगरेजलोक॑ स गच्छति ।॥* उपला:

સંસ્થાનવાદના સમયમાં આવી વિલક્ષણ સભાનતા પણ હતી એને શું કહીશું – પ્રતિસંસ્થાનવાદ? પ્રજાના શિક્ષિત વર્ગની તેમ જ લેખકો-વિચારકોની મનોદશા આવા મિશ્ર રૂપની – બંને બાજુ ઝૂકેલી હતી. અંગ્રેજોના ‘સુ-રાજ્ય’ પરત્વે એમનું કૂણું વલણ હતું. ક્યાંક તો એક પ્રકારની આસ્થા હતી. એમાં પશ્ચિમની એમને સમૃદ્ધ લાગેલી સંસ્કૃતિ તરફનું અને ઉત્તમ સાહિત્ય તરફનું ખેંચાણ પણ જવાબદાર હતાં. આમ છતાં, ગુજરાતી સાહિત્યના આ પંડિતયુગના વિચક્ષણ લેખકોએ ઝીણી પરીક્ષકબુદ્ધિથી અંગ્રેજી શાસનનું ને અંગ્રેજોના વલણનું યોગ્ય મૂલ્યાંકન પણ કર્યું હતું. મણિલાલ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮) જેવા, વિદેશોમાં પણ ધ્યાનપાત્ર બનેલા તત્ત્વચિંતક અને લેખકે એક તરફ, સ્ત્રીસન્માનની ભાવનાને તેમજ સંસ્કૃતના અધ્યયનને પ્રોત્સાહન – એવી બાબતોને, આ વિદ્યાપ્રેમી અને વિચારક અંગ્રેજોના એક મહત્ત્વના પ્રદાનરૂપ ગણાવેલાં તો બીજી તરફ, રાષ્ટ્રીય કૉંગ્રેસમાં પણ એમણે રસ લીધેલો ને ટિળક જેવા ઉદ્દામવાદી વિચારકને સરકારે ગિરફતાર કરેલા ત્યારે એનો વિરોધ કરેલો. ગોવર્ધનરામ ત્રિપાઠી (૧૮૫૫-૧૯૦૭) જેવા એ સમયના ઉત્તમ ગુજરાતી ચિંતક-સર્જકે એમની વિખ્યાત નવલકથા ‘સરસ્વતીચંદ્ર’માં દેશી રજવાડાંનું બહુપરિમાણી ચિત્ર આલેખેલું ને એ રજવાડાં છેલ્લે નાબૂદ થશે એવું ભાવિદર્શન કરેલું. પણ અંગ્રેજો અને પશ્ચિમી સંસ્કૃતિ દ્વારા આપણો પ્રજાવિકાસ વધતો જશે એવો દૃષ્ટિકોણ પણ રજૂ કરેલો! પંડિતયુગમાં કેટલાકે પશ્ચિમની અને કેટલાકે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની તરફદારીનું આત્યંતિક વલણ પ્રગટ કરેલું ત્યારે સ્વસ્થ પણ ઊંડી ચિકિત્સા સાથે ગોવર્ધનરામે તેમ જ આનંદશંકર ધ્રુવે (૧૮૬૯-૧૯૪૨) ઉત્તમના સમન્વયનું સ્થાપન કરેલું – ચિંતન તેમ જ સર્જનના માધ્યમથી. ઇતિહાસના અભ્યાસી ને ગુજરાતીના એક સમર્થ કવિ-વિવેચક બલવંતરાય ઠાકોરે (૧૮૬૯-૧૯૫૨) ઈ. ૧૯૦૫માં પ્રિન્સ ઑફ વેલ્સને આવકારતાં એમને અંગ્રેજી સામ્રાજ્યના ભાવિ રાજા – ‘ભવિષ્યનૃપ’ – કહેલા.૯ ગાંધીજીના સમવયસ્ક અને સહાધ્યાયી આ કવિએ, જોકે પાછળથી ગાંધીજીની ઉત્તમ શક્તિઓની ને એમનાં રાષ્ટ્રકાર્યોની પ્રતીતિપૂર્ણ તરફદારી પણ કરેલી. આવા કેટલાક નિર્દેશો પણ સ્પષ્ટ કરે છે કે ૧૯મી સદીનો ઉત્તરાર્ધ તથા ૨૦મી સદીના પ્રારંભિક એક-બે દાયકા સુધીના ગુજરાતના સાહિત્યમાં અંગ્રેજ-પ્રશસ્તિ, પશ્ચિમી સંસ્કૃતિ અને વિદ્યા તરફનું આકર્ષણ – એવાં વલણોની સાથે જ અંગ્રેજો પર-દેશી હોવાનાં સભાનતા ને એ અંગેની નારાજગી; ક્યારેક એમનાં ગુરુતાગ્રંથિવાળાં ભેદક વલણો સામેનો રોષ અને એમાંથી જાગેલી સ્વ-તંત્રતા અને સ્વ-દેશ-અભિમાન અંગેની પ્રાથમિક પ્રતિક્રિયાઓ ઊપસતાં રહ્યાં છે, એટલું જ નહીં, પોતાની એક સાંસ્કૃતિક ઓળખ ઊભી કરવાની મથામણ પણ એમાં જોવા મળે છે. એ સમયના સમગ્ર ઐતિહાસિક સંદર્ભમાં એ પર્યાપ્ત હતું. અલબત્ત, પ્રજાના નાનામાં નાના માણસ સુધી સ્વ-રાજનો ખ્યાલ પહોંચાડવાની ભાવના અને એ માટેની સંપૂર્ણ વૈચારિક ભૂમિકા રચતી એક ક્રાન્તિ તો હિંદ સ્વરાજ દ્વારા જ થઈ શકી હતી – એ વિચારણાની કેટલીક મર્યાદાઓ છતાં. એ અર્થમાં, આ નાનકડી પુસ્તિકા એક નવી દિશામાં લઈ જનારું મહત્ત્વનું સ્થિત્યંતર, એક નોંધપાત્ર વળાંક (turning point) બની રહે છે.

સંદર્ભનોંધ ૧. ૧૯૦૮માં લખાયેલી આ પુસ્તિકા ૧૯૦૯માં ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લેખમાળા રૂપે પ્રગટ થતી ગયેલી. ૧૯૦૯ના અંત ભાગમાં એની ગુજરાતી આવૃત્તિ હસ્તાક્ષર-મુદ્રણ(Facsimile) રૂપે તેમ જ બીબાં-મુદ્રણ (typeset) રૂપે પ્રગટ થયેલી. ગાંધીજીએ જ કરેલો એનો અંગ્રેજી અનુવાદ Hind Svaraj or Home Rule ૧૯૧૦માં પ્રકાશિત થયેલો. ૨. કવિ ન્હાનાલાલે નોંધ્યું છે કે, દલપતરામે અને નર્મદે આ પ્રશસ્તિકાવ્યો, ૧૮૫૯ની ૨૮જુલાઈએ મળેલી એક સભામાં, સાથે જ ગાયેલાં! જુઓ : કવીશ્વર દલપતરામ, ભાગ-૨ ઉત્તરાર્ધ, પૃ.૧૧૮. અહીં ઉદ્ધૃત જાડેજામાંથી, પૃ. ૨૮. ૩. હિંદ સ્વરાજ, છેલ્લું પ્રકરણ (૨૦૦૭ની આવૃત્તિ) પૃ. ૭૪ ૪. સ્વતંત્રતા વિશેનો નર્મદનો ખ્યાલ થોડોક વિલક્ષણ છે. એની એક પંક્તિ તો જાણીતી છે :

જેટલા દિસે છ માનવીહકો ઘણા ઘણા;
મુખ્ય છે સ્વતંત્રતા નથી જ તેહમાં મણા.
આવશે દિ કે દિ કે છૂટશું ગુલામીથી? (નર્મકવિતા પૃ. ૧૦૦)

પણ આ ગુલામી તે અંગ્રેજ રાજ્યની નહીં પણ સામાજિક-ધાર્મિક રૂઢિપરસ્તીની અને સંકુચિતતાની. ધિઃક ધિઃક દાસપણું, દાસપણું; બળ્યું તમારું શ્હાણપણું’ (એ જ, પૃ. ૫૭૧) – તે આ રૂઢિદાસ્યતા. જોકે રૂઢિ ધરમ ને રાજ તણાં સહુ, છૈયે જ નીચા દાસ ‘(પૃ. ૫૬૮)માં રાજ શબ્દ પણ સંકળાયો છે. અંગ્રેજો સામે તે સ્પષ્ટ વિચારની રજૂઆત’નું સ્વાતંત્ર્ય ને અલગ ન્યાયતંત્ર માગે છે એમાં એનો સ્વતંત્રતા અંગેનો નવો સંકેત દેખાયછે. અંગ્રેજોને સ્વીકારી લઈને તે સ્વાતંત્ર્ય (છૂટ, મોકળાશ) ઇચ્છે છે. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ કહ્યું છે તે આની સાથે વિચારવા જેવું છે : ‘તમે (અંગ્રેજો) મારા દેશમાં રહો તેનો પણ મને દ્વેષ નથી. પણ તમારે રાજા છતાં નોકર થઈને રહેવું પડશે. તમારું કહ્યું અમારે નહીં પણ અમારું કહ્યું તમારે કરવું પડશે[...] તમારી જ કહેવત પ્રમાણે તમારે અમારા દેશમાં દેશી થઈને રહેવું જોઈએ.’ (પૃ. ૭૩, ૨૦૦૭ની આવૃત્તિ) ૫. The Source Material for a History of the Freedom movement in India. vol. I, pp. ૩૭૦-૩૭૧. અહીં ઉદ્ધૃત જાડેજામાંથી, પૃ. ૭૯ ૬. એ જ, પૃ. ૩૬૦; જાડેજા, પૃ. ૮૦ ૭. વિશેષ ચર્ચા માટે જુઓ : આ પુસ્તકની નવી આવૃત્તિ (૨૦૦૭, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)માં, એના સંપાદક રમેશ શુક્લનો પ્રાસ્તાવિક અભ્યાસલેખ, એ અભ્યાસલેખનું શીર્ષક છે : રાષ્ટ્રીયતાના ઉદયકાળનો એક સંવાદ-પ્રબંધ ૮. જુઓ : ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા (દિલાવરસિંહ જાડેજા) પૃ. ૭૮

૯.

આવો ભવિષ્યનૃપ હિંદ તટે પધારો;
આ ભાવસ્નિગ્ધ જનતાઉર-તખ્ત મ્હાલો (ભણકાર ધારા : ૨)


સંદર્ભસૂચિ : ગાંધી, મોહનદાસ કરમચંદ, હિંદ સ્વરાજ (૧૯૦૯), અમદાવાદ. જાડેજા, દિલાવરસિંહ, અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્ર્ીય અસ્મિતા, વલ્લભવિદ્યાનગર, ૧૯૭૪. Nageshwar Prasad (Ed.) Hind Swaraj, A Fresh Outlook, New Delhi, ૧૯૮૫ Parel, Anthon(Ed.) Hind Swaraj (English Text) and other Writings, Cambridge University Press, ૧૯૯૭ સોની, રમણ (સંપાદક : સંવર્ધિત આવૃત્તિ), ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૩, (ગુજરાતી સાહિત્ય પરિષદ) અમદાવાદ, બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ, ૨૦૦૫.

● સાહિત્ય અકાદેમીએ દિલ્હીમાં યોજેલા પરિસંવાદ Swaraj in Literature : Decolonization, Social Justice & Cultural Identityમાં ૨૨, ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે રજૂ કરેલું વક્તવ્ય. એ અંગ્રેજી નિબન્ધનું શીર્ષક હતું : The Backdrop of Hind Swaraj : A voyage from ‘Su-rajya’ to ‘Swarajya’ (in the context of ૧૯th century Gujarati Literatuer and Culture.) ● ‘સમીપે’ નવ તથા ‘અર્થાત્’ના હિંદસ્વરાજ વિશેષાંકમાં પ્રકાશિત