ગુજરાતનો જય/૨૨. ચંપી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨. ચંપી

ઉત્સવમાં પડી ગયેલા ખંભાતને યાદ નહોતું રહ્યું કે એના સાચેસાચા દુશ્મનનું શું થયું. એ દુશ્મન સદીક હતો. વસ્તુપાલનું ચિત્ત ઉત્સવમાં નહોતું પણ સદીકનો પીછો લેવામાં રોકાયું હતું. શંખ આવ્યો હતો સદીકનો તેડાવ્યો. લક્ષ્મી લૂંટી હતી સદીકે. સદીકને છેલ્લો જોયો હતો યુદ્ધની સંધ્યાએ, શત્રુની છાવણીમાં. અને ભુવનપાલ જ્યારે એક પછી એક ભરૂચી યોદ્ધાને પટકતો હતો ત્યારે શંખના સૈન્યની પાછળ નાસભાગ કરતો એ માનવી પણ સદીક જ હતો. એ જોતો હતો, કોનો જય થાય છે તેની વાટ. પણ તે પછી એનો પત્તો નહોતો. એ પત્તો મેળવવા ત્રણ દિવસથી હેરકો છૂટ્યા હતા. તેમણે ખબર લાવી આપ્યા કે સદીક શેઠ પોતાના વહાણમાં ચડીને દૂર દરિયે જઈ બેઠા છે. "કેમ હજુ રોકાયો છે?” “એની અઢળક સંપત્તિ આંહીં પડી છે. મૂકીને ક્યાં જાય? શંખના માણસોએ એને સંઘર્યો નહીં એટલે હવે સદીકને દરિયા સિવાય કોઈનું શરણું નથી.” "આંહીં આવવા માગે છે?” “હા, કહે છે કે મને મારી ન નાખે તો પાછો આવું.” “અરે, ગાંડો!” વસ્તુપાલે વિષ્ટિકારોને કહ્યું, “એ ક્યાં દુશ્મન હતો? દુશ્મન તો શંખ હતો. સદીક શેઠ તો પ્રજાજન છે, વેપારી છે. અહીં આવતો એને કોણ અટકાવે છે? ભલેને આવે!” સદીકનાં હિતસ્વી જનોએ આવીને અભયદાન માગ્યું: “પણ મંત્રીજી! એને મારી નહીં નાખોને?” “ના રે ના. મારું વચન છે. જાઓ લઈ આવો.” એટલે સદીકને પાછો તેડી લાવવા એના સ્વજનો દરિયે ગયા, ને આંહીં પાછળ લોકો ભયભીત બની મંત્રી પાસે આવ્યા; કહ્યું, “આપે આ શી ભલાઈ બતાવી? સદીક શેઠ તો વિશ્વાસઘાતનો અવતાર છે. ગુજરાત સમસ્તનું નિકંદન કાઢશે.” “નહીં, સદીક શેઠ તો બાપડા સ્તંભતીર્થને બચાવવા જ મથતા હતા,” મંત્રીએ મોં પર ભોળપણ ધારણ કરીને જવાબ દીધો, “તમને સૌને સદીકનો દોષ કેમ લાગે છે? તમે બધા જ એને અળખામણો કરો છો. સદીક ન હોત તો શું શંખ સ્તંભતીર્થ પર ક્યારેય ન ત્રાટક્યો હોત?” એવો જવાબ સાંભળી સાંભળીને પાછા ફરનારા પ્રજાનાયકોએ આ વાતની ચર્ચા કરી. ને પવન એ ચર્ચાને છેક દરિયાકાંઠે ઉપાડી ગયો. સદીકને ખબર પડી કે આખા ખંભાતના લોકમતની સામે જઈને પણ મંત્રીએ પોતાને નિર્દોષ માન્યો છે. સદીકને પગલે પગલે પ્રતીતિ થઈ કે હવે પોતે સલામત છે. સદીકે મંત્રીની મૂર્ખાઈ પર મનમાં હસી લઈ, મંત્રીને આંજી દેવાના, અને પોતાના અપરાધો ઉપર ધૂળ વાળી દેવાના સંતલસ મનમાં ગોઠવી રાખ્યા. પછી મંત્રીએ તો ભોળપણની અવધિ બતાવી. મંત્રી સદીક શેઠને વાજતેગાળે માનપાનથી ગામમાં લાવવા જાતે દરિયાકાંઠે ગયા. અને મંત્રીનું વલણ ફરેલું દેખ્યું કે લાગલી જ પ્રજા પાછી સદીકના સામૈયામાં શામિલ થઈ ગઈ. મંત્રી અક્લ વગરનો છે ને ભયાનક ભૂલ કરી રહ્યો છે, એવું અંદરખાનેથી બોલનારા પ્રજાનાયકોએ જ પ્રકટપણે સદીક શેઠના આ સન્માનકાર્યમાં સાથ દીધો અને સદીકની કૃપા મેળવવાના પ્રયત્નો પણ આદરી દીધા. એ બધો તમાશો જોતો-સમજતો. વસ્તુપાલ લોકસ્વભાવનું અલભ્ય આંતરજ્ઞાન મેળવતો મનમાં રમૂજ પામ્યો. એણે પોતાના વર્તનમાં વધુ ને વધુ બોઘાપણું જ બતાવવું ચાલુ રાખ્યું. મંત્રી સદીક શેઠને પોતાને ઉતારે જ ભોજન લેવા તેડી ગયા. તે વખતે પણ કેટલાક શ્રેષ્ઠીઓએ મંત્રીને ગાડે ચડી બેસવા જેવું કર્યું – “સદીક શેઠને અમે ભોજન આપીએ.” "હા, એ કાલ ઉપર રાખો. સદીક શેઠ તો આપણા જ છેને?” મંત્રીએ જવાબ વાળ્યો. ભોજનનો સમારંભ રાત્રિના ઠાઠમાઠ વચ્ચે સોએક જમનારાઓના સાથમાં સમાપ્ત થયો. જમનારા પોતપોતાને ઘેર પહોંચ્યા. સદીક શેઠને મંત્રીએ પોતાને ઉતારે જ શયનગૃહ કાઢી આપ્યું. અને સૂવાટાણે એની ચંપી માટે ચાર મલ્લો હાજર થયા. મલ્લોએ સદીક શેઠના હૃષ્ટપુષ્ટ દેહની ખૂબીદાર ચંપી માંડી. ત્રણેક દિવસનો થાકેલો અને ચિંતાગ્રસ્ત એ ભીમકાય નીંદરે ઘેરાવા લાગ્યો. તે પછી ચંપીનો પ્રકાર બદલાયો. પ્રથમ તો સદીકને લાગ્યું કે શરીરના જડ બનેલા સાંધા ને સ્નાયુઓની આ શાસ્ત્રીય પ્રકારની કચ્ચર છે. પણ પછી એને એનો એક પછી એક સાંધો ખડી જતો, હાડકાંનો માળખો પીંખાઈ જતો અને અંગેઅંગ ખોટાં પડતાં લાગ્યાં. એણે વારવા છતાં ચંપી ચાલુ જ રહી. એણે ત્રાડ મારવા છતાં ચંપી અટકી નહીં. એને ભયાનકતાનું ભાન આવ્યું. તેટલામાં તો એના દેહના અવયવો ખોટા પડ્યા. એણે બૂમો પાડી, મંત્રી એની પાસે આવ્યા, હસ્યા, પૂછ્યું: “કાં જનાબ! કેમ મારી અત્યારે જરૂર પડી?” “આ શું થઈ રહેલ છે, મંત્રીજી?” એ માંડ માંડ પૂછી શક્યો. “ચંપી. આપને તો શેઠ, ચંપી બહુ પ્યારી છે, ખરું!” મંત્રીએ કહ્યું. “મને મારી નાખવાનો નથી એવો કોલ દઈને આ કર્યું?” “તને મારી નથી નાખતો હું. મારો કોલ મેં પાળ્યો છે. તું ઝાઝાં વરસનું જીવન ભોગવ એવી ખુદા પાસે મારી બંદગી છે.” “પણ મારું બદન જીવતે મરેલું બનાવ્યુંને?” "બાપ! તેં તો આખી ગુજરાતને જીવતે મૂએલી બનાવી છે, તેનો બદલો તો હું ગરીબ બીજી કઈ રીતે વાળી શકું? વળી તારી પાસે તો શક્તિવર્ધનની ઊંચી ઊંચી દવાઓ છે. ખાજે ને સાજો થજે.” “હવે તો હું સાજો થઈ રહ્યો.” “સમજી શકાય છેને? બસ ત્યારે. જાઓ શેઠજી, જીવતા રહો.” "આવી દગલબાજી?” “એનો જવાબ હું માલિકના દરબારમાં દેવા ખડો થાઉં ત્યારે સાંભળજે, ભાઈ. આજ તો એ 'દગલબાજી' શબ્દ જ તારા મોંની નારકી દુર્ગંધથી ભ્રષ્ટ થાય છે.” “મને મારે ઘેર પહોંચાડો.” "તારું ઘરબાર હવે અહીં રહ્યું નથી. તારા માણસો કેદ છે, ને તારાં સગાંને વહાણમાં બેસાડી વિદેશ રવાના કરી દીધાં છે. હમણાં જ વહાણ રવાના થઈ ગયું.” "મારી દોલત? માલમિલકત?” “રાજમાં જમા કરાવવા માટે એની ટીપ તૈયાર થાય છે. તું મૂંઝાઈશ મા. તારા ઉપર રાજ વધુ લેણું નહીં કાઢે. જાઓ,” મંત્રીએ મલ્લોને કહ્યું, “એને ઉપાડી ગામની બજારમાં બરાબર માણેકચોકમાં મૂકી આવો. લોકો એને રોટીના ટુકડા દેશે તો એ ખાશે. એને કોઈ પણ વહાણવટી જો વહાણમાં લે તો વહાણને આગ લગાવી દેજો.” પાંત્રીસ વર્ષોની ગુજરાતદ્રોહી જિંદગીનો એ અંજામ આવ્યો. ઘણા દિવસ સુધી સદીકને જન્મખોડ જેવી અપંગ હાલત ભોગવતો ખંભાતની પ્રજાએ જોયો. શહેરની બજારમાં જ શરીર ઢરડી ઢરડીને એની જિંદગી ખતમ થઈ.