ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા : તેમાં સ્પર્શાયેલા મહત્ત્વના મુદ્દાઓ

નર્મદયુગમાં કાવ્યચર્ચાને લગતી જે થોડીક પ્રવૃત્તિ થઈ તેમાં મુખ્યત્વે બે વલણો જોવા મળે છે : (અ) સંસ્કૃત અને વિશેષતઃ વ્રજના અલંકારશાસ્ત્રની પ્રેરણાપ્રાપ્ત રૂઢ પરંપરાગત કાવ્યવિચારણા (બ) સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યમીમાંસાનો પરિચય થતાં જન્મેલી નવીન દૃષ્ટિની કાવ્યચર્ચા. આપણે બીજા પ્રકરણમાં નોંધ્યું છે કે આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે ગુજરાતીમાં કાવ્યશિક્ષણની એવી કોઈ મોટી પરંપરા નહોતી. નાનકડો કાવ્યજિજ્ઞાસુ વર્ગ કવિતાવિષયક જ્ઞાન મેળવવા કંઈક અંશે સંસ્કૃત અને વિશેષતઃ વ્રજના અલંકારગ્રંથોનો આધાર લેતો. આપણે એ પ્રકરણમાં એમ પણ નોંધ્યું છે કે એ સમયના કેટલાક અભ્યાસીઓએ વ્રજના અલંકારગ્રંથોની ટીકાટિપ્પણીનું કાર્ય કર્યું છે, અથવા એ ગ્રંથોની પ્રેરણા લઈ એની પરિપાટીએ નવો અલંકારગ્રંથ રચવાની પ્રવૃત્તિ યે ચલાવી છે. એમની એ રૂઢ ચર્ચામાં રસ, અલંકાર, નાયિકાવિચાર, શૃંગારરસ, પિંગળ આદિના ખ્યાલો કેન્દ્રમાં હતા. બીજી બાજુ, નર્મદ અને નવલરામથી આરંભાયેલી આપણી નવીન કાવ્યચર્ચામાં સંસ્કૃત સહિત અંગ્રેજી કાવ્યચર્ચાના અનેક બીજભૂત ખ્યાલો પ્રતિષ્ઠિત થયા. એ વિદ્વાનોએ પોતાના અધ્યયનમાં આવેલી પૂર્વપશ્ચિમની કાવ્યચર્ચાનો કંઈક તુલનાત્મક વિચાર આરંભ્યો. સંસ્કૃત અલંકારગ્રંથોના પાયાના ખ્યાલોનું રહસ્ય સ્પષ્ટ કરવાના તેમણે પ્રયત્નો આરંભ્યા. આમ, નવીન કાવ્યચર્ચા પૂર્વપશ્ચિમના મહત્ત્વના ખ્યાલોને સાંકળી લેવા પ્રવૃત્ત થઈ. પ્રસ્તુત પ્રકરણમાં નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચાની ગતિવિધિઓ વિશે ટૂંકમાં નિર્દેશ કરવાનો ઉપક્રમ છે. ઈ.સ. ૧૮૬૩ના ડિસેમ્બરના ‘બુદ્ધિપ્રકાશ’માં એક અનામી[1] લેખ ‘નાટ્યવિચાર’માં નાટક વિશે આછીપાતળી ચર્ચા જોવા મળે છે. એમાં એના લેખકે પ્રાચીન રસ વિષયની પોતાની જાણકારી પણ નોંધી છે.[2] લેખમાંની ચર્ચા કોઈ એક મુદ્દાની આસપાસ કેન્દ્રિત થતી નથી. માત્ર દસ્તાવેજી મૂલ્ય ધરાવતું આ લખાણ, તત્કાલીન સાહિત્યચર્ચાનું ધોરણ કેવું નિમ્ન હતું, તે સમજવા પૂરતું નોંધપાત્ર છે. ઈ.સ. ૧૮૬૫ના ફેબ્રુઆરીના ‘બુદ્ધિપ્રકાશ’માં ‘નવરસ’ નામે એક અનામી લખાણ પ્રગટ થયેલું. એમાં રસનિષ્પત્તિ અને રસસંખ્યાને લગતી સાવ પ્રાથમિક કોટિની સામગ્રી પ્રાપ્ત થાય છે. એનો લેખક કહે છે : ‘રસ અને અલંકાર વિનાનું કાવ્ય અને નાટક લૂણ વિનાની રસોઈ જેવું કહ્યું છે. માટે કાવ્ય અને નાટક કરનારે પ્રથમ રસ અને અલંકાર જાણવા જોઈએ.’ આ પ્રકારની થોડી ચર્ચા પછી પ્રાચીનોને અભિમત નવ રસનો પરિચય આપે છે : “એ નવ રસ ત્યારે ઉપજે છે કે એ નવ રસનાં કારણરૂપી ભાવ ઉપજે છે. રસની ઉત્પત્તિ ભાવથી થાય છે!”૨ આટલી ભૂમિકા રજૂ કરી એ લેખકે ‘સ્થાયિભાવ’, ‘સંચારિ ભાવ’ અને ‘સાત્ત્વિક ભાવ’ એ ત્રણ સંજ્ઞાઓનો ટૂંકો પરિચય કરાવ્યો છે. ‘સ્થાયિભાવ અને સંચારિભાવ એ બે મનોવિકારથી થાય છે; અને સાત્ત્વિક ભાવ શરીરવિકારથી થાય છે. સભાસદના મનમાં વાસનારૂપે છેલ્લા સમય લગી સ્થિર રહે છે, માટે સ્થાયિભાવ એવું નામ પાડ્યું છે. અને જે એ સમય લગી સ્થિર રહેતા નથી, તેમને સંચારિભાવ (વ્યભિચારિ ભાવ) કહે છે. શરીરવિકારમાં સત્ત્વ ગુણ વધારે હોવાથી, એથી થયેલા ભાવ એવું નામ પાડયું છે.”[3] આ અવતરણની ચર્ચા જોતાં જણાશે કે અહીં એના લેખકે આપણા પ્રાચીન રસસિદ્ધાંતની ચર્ચાને પોતાના સમયની ગુજરાતીમાં ઝીલવાનો ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે. એ પછી રસનિષ્પત્તિ અંગે એ લેખકની વિચારણા નોંધીશું. ‘શૃંગારરસ’ની ચર્ચા કરતાં તે કહે છે : “વાહાલી વસ્તુ ઉપર પ્રીતિ રૂપી મનોવિકાર થાય છે, તેને રતિ કહે છે. એ રતિ ક્વચિત્‌ પ્રિયદર્શનથી, ક્વચિત્‌ પ્રિય સાંભળવાથી અને ક્વચિત્‌ પ્રિય સાંભરવાથી થાય છે.”[4] હાસ્યરસ માટે તે કહે છે : “કૌતુક કરવા માટે વચન અને વેષ પલટતાં જે મનોવિકાર થાય છે, તેને હાસ કહે છે.”[5] આમ, દરેક સ્થાયી વિશિષ્ટ રસનું વર્ણન તે પોતાની હાથવગી સરળ ગુજરાતીમાં રજૂ કરવા ચાહે છે. વિચારણામાં પકવતા નથી તેમ પૂરેપૂરી શાસ્ત્રીયતા પણ જળવાઈ નથી. પરંતુ આપણી આરંભકાલીન કાવ્યચર્ચામાં રસસિદ્ધાંતને રજૂ કરવાના આછાપાતળા પ્રયત્નોમાં આ પ્રયત્ન નોંધી શકાય. આપણી નવી કાવ્યવિવેચનાની માંડણીમાં, રસસિદ્ધાંતની વ્યાખ્યા વિચારણા, એ રીતે મહત્ત્વનું બળ બની રહે છે. ઈ.સ. ૧૮૬૫ના નવેમ્બરમાં ‘બુદ્ધિપ્રકાશ’માં “કવિયોને વિનતિ’ નામે પ્રગટ થયેલું એક લખાણ કવિતા અને નીતિને સાંકળવા ચાહે છે. એના લેખકે સમકાલીન ગુજરાતી કાવ્યપ્રવૃત્તિને અનુલક્ષીને રજૂ કરેલું મંતવ્ય નોંધપાત્ર છે : “હવણાના પ્રાકૃત કવિયોને એક વિનતિ કરિયે છિએ કે તમોએ હવે નીતિને અનુસરતી કવિતા કરવી, પૂર્વના કવિયોની પેઠે શ્રીકૃષ્ણાદિના વ્યભિચારની કવિતા કરવી નહિ. વ્યભિચારની કવિતા શીખી સાંભળીને ઘણા લોકો વ્યભિચારી થઈ ગયા છે. કેટલાએક પ્રાકૃત કવિયોની કવિતામાં ધર્મજ્ઞાન, વૈરાગ્ય, નીતિ, ઈશ્વરભક્તિ, સદાચરણ ઇત્યાદિ વિષયો શોધ્યા જડતા નથી. પૂર્વે ઘણાએક વિષયી કવિઓ થઈ ગયા. તેમણે, પોતાના વિષયની કવિતા કહી શકાઈ નહિ, ત્યારે શ્રીકૃષ્ણને વિષયી ઠરાવીને તેની કવિતાઓ કરી છે.”[6] આ લેખના લેખક મધ્યકાલીન પ્રેમલક્ષણાભકિતની પરંપરાને અનુસરતી શૃંગારપ્રચુર રચનાઓથી વ્યગ્ર બન્યા જણાય છે. પોતાની ચર્ચા પૂરી કરતાં તે માર્મિક મુદ્દો રજૂ કરે છે. : “જો અમારી વિનતી સાચી લાગે તો હવણાના કવિઓએ નીતિ ભરેલી કવિતા કરવી. નીતિ ભરેલી કવિતા કરવી, અને તલાવ કુવો ખોદાવવાં એ સમાન છે, જેથી અનેક માણસોનું શુભ થાય છે.”[7] અહીં એમણે કવિતામાં નીતિ અને સદાચાર બોધનો આગ્રહ રાખ્યો છે. લોકજીવનમાં નીતિપરાયણ કવિતા ઘણો સુધારો લાવી શકે, એવી એમની સમજણ રહી જણાય છે. (નવલરામે ‘કવિ ક્‌લાન્ત’નું અવલોકન ન કરવાની વૃત્તિ પ્રગટ કરેલી તે પાછળ પણ તેમનો કડક નીતિપરાયણતાનો આગ્રહ જ રહ્યો છે.) ઈ.સ. ૧૮૬૯ના માર્ચના ‘બુદ્ધિપ્રકાશ’માં ‘હંસકાવ્યશતક’ નામે દલપતરામનું લખાણ પ્રગટ થયેલું. એમાંની એક પ્રશ્નોત્તરી એટલી જ નોંધપાત્ર છે : “હંસ : તમે એવો રસનો ગ્રંથ એકે બનાવ્યો છે કે નહિ? કોવિદ : એવો ગ્રંથ મેં બનાવ્યો નથી. અને મારી એવો ગ્રંથ બનાવવાની ઇચ્છા પણ નથી. કેમકે તેમાં જેને શૃંગારરસ કહ્યો છે તેવાં વ્યભિચારકર્મને હું તો બિભત્સ રસ સમજું છું”[8] અહીં ‘કોવિદ’ પણ શૃંગારરસના નિરૂપણમાં ‘બિભત્સ રસ’ જુએ છે! આ ચર્ચા આપણી તે સમયની કાવ્યરુચિની નિર્દેશક છે. વ્રજનાં અલંકારશાસ્ત્રોની પ્રેરણા લઈ જે રસચર્ચાના ગ્રંથો નિર્માણ થયા હશે, અથવા રસચર્ચા નિમિત્તે શૃંગારનું જે રીતે નિરૂપણ થયું હશે, તેમાં ‘કોવિદ’ને વ્યભિચારનું દર્શન થાય છે. પરંપરાગત રસચર્ચા શૃંગારમાં અને તે નિમિત્તે નીતિના પ્રશ્નમાં બંધાઈ જવા પામી હતી એ અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે. ઈ.સ. ૧૮૬૯ના નવેમ્બરના ‘બુદ્ધિપ્રકાશ’માં ‘કાવ્યગ્રંથ’ નામે (અનામી) લેખમાં કવિતાનું સ્વરૂપ અને કવિપ્રતિભા વિશેના ખ્યાલો નોંધવામાં આવ્યા છે. પ્રથમ કવિતાનું સ્વરૂપ વર્ણવતાં એનો લેખક કહે છે : “રૂડા શબ્દાર્થ હોય, એ તો કાવ્યનું શરીર છે. અને તેમાં રૂડા રસ આવે, એ તો કાવ્યનો જીવ છે. શબ્દાર્થ નિર્દોષી હોય, એ તો કાવ્યના ગુણ છે. અને શબ્દાર્થમાં દોષ હોય એ તો કાવ્યનો દોષ છે, કાવ્યમાં રીતિઓ સારી હોય એ તો કાવ્યના અવયવ છે. ઉપમા આદિક અલંકારો એ તો કાવ્યનું ઘરેણું છે. એ સહુ સામગ્રી વડે કવિ કાવ્યને રચે છે. જેમ કોઈ મહારૂપવંત પુરુષ હોય તેવું કાવ્ય છે.”[9] પ્રસ્તુત કાવ્યવ્યાખ્યામાં શબ્દાર્થ, રસ, ગુણ, રીતિ, અલંકાર આદિ સર્વ સ્થૂળસૂક્ષ્મ કાવ્યતત્ત્વોને સાંકળી લેવામાં આવ્યાં છે. (એ ખ્યાલ સંભવતઃ રાજશેખરની આ પ્રકારની કાવ્યચર્ચાથી પ્રેરાયેલો છે.) કવિપ્રતિભાની વિરલતા દર્શાવતાં એનો લેખક કહે છે. : “ઘણા વિદ્વાનોમાં કોઈક જ કવિ નીપજે છે. વિદ્યા શીખતાં વિદ્વાન થવાય છે. પણ કવિતા શીખ્યે કાંઈ કવિ થવાતું નથી. કૃપા કરીને પ્રભુએ કવિ થવાનાં જેના અંતઃકરણમાં ગુણ મૂક્યા હોય તે જ કવિ થાય છે.”[10] કવિપ્રતિભા ઈશ્વરદત્ત છે, તે શાસ્ત્રાભ્યાસથી કે કાવ્યાભ્યાસથી પ્રાપ્ત થતી નથી એ ખ્યાલ અહીં રેખાંકિત કરવામાં આવ્યો છે. આ લેખકે પોતાની વિચારણામાં કવિતાના શ્રોતાને મળતાં યશાદિ ચતુષ્ફળની સિદ્ધિ, કવિતા દ્વારા નીતિધર્મની સાધના, કવિએ જાણવાં જોઈતાં જ્ઞાનવિજ્ઞાન આદિ મુદ્દાઓનો ય સ્પર્શ કર્યો છે. અને, ખાસ તો, વચમાં યથાવકાશ રસવિષયક ખ્યાલો ય ટૂંકમાં નોંધ્યા છે. ઈ.સ. ૧૮૭૩ના જૂનના ‘બુદ્ધિપ્રકાશ’માં એક લખાણ ‘અલંકારિક વાતો વિશે’ એ નામે પ્રગટ થયું હતું જેમાં કવિતાના અલંકાર વિશે અછડતી ચર્ચા જોવા મળે છે. જોકે એમાં કાવ્યશાસ્ત્રનો કોઈ પ્રશ્ન વ્યવસ્થિત રીતે રજૂ થયો નથી. ઘણુંખરું તો, એના લેખકની પ્રાસંગિક નોંધ હોય તેવું વ્યસ્ત લખાણ છે. એમાં અલંકારના સત્યાસત્યને લગતો એક વિચાર રસપ્રદ જણાય છે : “જેઓ અલંકારનો મર્મ સમજતા નથી, તેઓ કાં તો વહેમથી શબ્દાર્થ તે જ સાચો માને છે, અને કાં તો એવું બોલે છે કે ગ્રંથોમાં જુઠાં ગપ્પાં માર્યાં છે. પણ જો અલંકારનો મર્મ સમજે તો તેમાંની એકે વાત જુઠી લાગે નહિ.”[11] આ ચર્ચા કાવ્યશાસ્ત્રના એક પ્રાણભૂત પ્રશ્નની દિશામાં અભિમુખ છે. અલંકારની અતિશયોક્તિપૂર્ણ રજૂઆતમાં કેટલાક કાવ્યરસિકોને શબ્દશઃ સત્ય જણાતું હોય તો કેટલાક તેને સર્વથા મિથ્યારૂપ લેખવતા હશે. કવિતામાંની અલંકારરચના તો તેની રસચમત્કૃતિને પોષવા આવે છે, કવિતાના વાસ્તવને આગવું સત્ય હોય છે, અને રસાનુભવ એ લૌકિક પ્રતીતિથી વિલક્ષણ બોધ છે એ ખ્યાલ કદાચ ત્યારે વ્યાપક સ્વીકાર પામ્યો નહિ હોય. ઈ.સ. ૧૮૮૩ના જૂનના ‘બુદ્ધિપ્રકાશ’માં સાં.ગો. મહેતા નામના કોઈ અભ્યાસીનો ‘માણસની કવિત્વશક્તિ’ નામે લેખ પ્રગટ થયો હતો. તેમની ચર્ચાવિચારણામાં કેટલાક નવીન મુદ્દાઓ ધ્યાનપાત્ર છે. કવિપ્રતિભા વિશે ચર્ચા આરંભતાં એઓ કહે છે : “કવિતાશક્તિ એ ઈશ્વરી બક્ષિસ છે. પરમેશ્વરથી મળેલી વિશેષ શક્તિ વગર કવિ થઈ શકાતું નથી, એવું જે તમામ લોકોનું સાધારણપણે માનવું છે એમાં કાંઈક સચ્ચાઈ હોય એમ જણાય છે. એ શક્તિ ઈશ્વરે જેને બક્ષી નથી તેઓ કવિતા બનાવવાની રીતનો અને રસાલંકારાદિનો ગમે તેટલો અભ્યાસ કરીને કવિતા કરવા જાય છે, પણ તેમની કવિતા ઉંચા પ્રકારની થતી નથી એ તો સર્વ જાણે છે. કેવળ અભ્યાસથી કવિ થવાતું જ નથી, એના પુરાવા માટે કેટલાક તો એટલે સુધી કહે છે કે જેમ સુધારો ને કળા વધતાં જાય છે, તેમ કવિતા બગડતી જાય છે.”[12] પ્રસ્તુત અવતરણમાંનું છેલ્લું વિધાન ધ્યાનપાત્ર છે. ‘સુધારો ને કળા વધતાં’ કવિતા ‘બગડતી’ જાય છે, એ પ્રકારનો ખ્યાલ નર્મદે[13] પણ રજૂ કરેલો. વળી આપણે રમણભાઈની[14] વિચારણામાં જોઈશું કે તેઓ પણ મેકોલેનો મત ટાંકી આ મતલબની ચર્ચાનો નિર્દેશ કરે છે. મેકોલેના મતે માનવબુદ્ધિના વિકાસની સાથે માનવીની કવિત્વશકિત કુંઠિત થતી જાય છે. પ્રસ્તુત લેખના લેખક આ જ પ્રકારની વિચારણાનો પડઘો પાડતા જણાય છે. માનવજીવનની વિભિન્ન પ્રવૃત્તિઓમાં કવિતાનો મહિમા કરતાં એ લેખક કહે છે : ‘તત્ત્વજ્ઞાનનાં અને ન્યાયનાં મોટાં મોટાં પુસ્તકો, માણસની નીતિ ઉપર જેટલી અસર કરે છે, તેના કરતાં વધારે અસર નાની પણ હૃદયભેદક કવિતા વડે થાય છે. તર્કશાસ્ત્રને આધારે ન્યાય કરનાર પોતાની કળા વડે માણસ પાસે વખતે કબૂલ કરાવી શકે; પરંતુ તે કવિતાની પેઠે માણસની વજ્ર થઈ ગયેલી છાતીમાં પ્રવેશ કરી તેને પીગળાવી શકશે નહિ. મોટા ધર્મોપદેશકો પોતાના વક્તૃત્વ અને બોધ વડે જે કાંઈ વિચાર જગતકર્તા પરમેશ્વર સંબંધી માણસના મગજમાં મૂકે, તેના કરતાં ચઢતા વિચાર, કવિતાની વાણી, માણસને પ્રાપ્ત કરે છે.”[15] અહીં ન્યાય, તર્કજ્ઞાન, ધર્મોપદેશ આદિ કરતાં યે કવિતાની શક્તિ બલવત્તર છે એ ખ્યાલ રેખાંકિત થયો છે. કવિના અનુભૂતિરૂપ ‘રસ’નું વર્ણન કરતાં એ લેખક એમ કહે છે : “જ્યારે કવિતા, તેના સાંભળનારને તદરૂપ કરી આનંદના પૂરમાં ઘસડી જાય છે ત્યારે તે તેના બનાવનારને કેટલો આનંદ આપતી હશે! જે વખતે એકાંતમાં સર્વ શાંત હોય છે, જે વખતે તર્કના તરંગમાં કવિનું મન ડૂબોડૂબ થઈ તે સાથે જોરથી ઘસડાતું ચાલ્યું જાય છે, જે વખતે કોઈ અમુક રસમાં નિમગ્ન થએલા મનને સંસારની વ્યાધિઓ કે ગરબડો અસર કરી શકતી નથી, અને જે વખતે પોતાના અમુક વિચારોમાં જ પોતે તલ્લીન થએલા હોય છે, તે વખતે, રસજ્ઞ કવિને કેટલો આનંદ થતો હશે? તેનો ચિતાર કવિથી જ અપાય, અને તે આનંદની ગણના પણ તેનાથી જ થઈ શકે. સારા કવિની કવિતાનો વિષય જ્યારે ઈશ્વર સંબંધી હોય છે, ત્યારે જાણે ઈશ્વર સાથે તે સાક્ષાત્‌ વાત કરતો હોય, તેના ગુણ તે પોતાની નજરે નિહાળી લેતો હોય, અને તેની મહત્શક્તિ તેને અનુભવસિદ્ધ માલમ પડતી હોય, એ રીતે તે પોતાની કવિતામાં વિચાર દર્શાવી શકે છે. ખરેખર, એવા વિષયોમાં કવિ જેટલો ઊંડો ઊતરી શકે છે, તેટલી ઊંડાઈએ બીજાથી ભાગ્યે જ પહોંચી શકાય.”[16] પ્રસ્તુત અવતરણની ચર્ચા એકથી વધુ દૃષ્ટિએ મહત્ત્વની છે. એના લેખકે રજૂ કરેલી વિચારણામાંના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે : (અ) કવિતાના ભાવકને તેમ તેના સર્જકને રસ-આનંદનો અનુભવ થતો હોય છે. (બ) એ રસાનુભૂતિ અલૌકિક રહસ્યાનુભવ છે. કવિ જ (પોતાની પ્રતિભાના બળે) એ રસનું નિરૂપણ કરી શકે. (ક) પરમાત્માની અનુભૂતિના વિષયમાં કવિ ગૂઢતમ રહસ્યોની પ્રતીતિ કરે છે. આ ચર્ચાવિચારણાના સંદર્ભમાં નવલરામની ‘પૂર્ણ રસ’ની કલ્પના તરત જ યાદ આવશે. જોકે તેમણે કવિતા સામે સંગીતનો મહિમા કરતાં એમ કહ્યું છે કે ‘પૂર્ણ રસ’ એ સંગીત દ્વારા જ વ્યક્ત થઈ શકે. અહીં પ્રસ્તુત લેખનો લેખક એમ માને છે કે કવિ જ પોતાના રસાનુભવને વ્યક્ત કરી શકે છે. (આપણે આગળ જોઈશું કે મણિલાલે પણ સ્વયં કાવ્યાનુભૂતિને રસરૂપ લેખાવી છે.) કાવ્યસ્વરૂપનું વર્ણન કરતાં એ લેખક કહે છે : “રસ એ કવિતાનું ચૈતન્ય છે, માટે તે વગરની કવિતાને પાષાણની નિર્જીવ મૂર્તિ જેવી સમજવી. અલંકાર – શબ્દના કે અર્થના – તે કવિતાના બહારના શણગાર એટલે લૂગડાં-ઘરેણાં છે. કેટલીક વાર શબ્દાલંકારને કેવળ હસી કાઢવામાં આવે છે તે બરાબર નથી. અલબત્ત, જીવરહિત ખોળીઆ પર લૂગડાં ઘરેણાં પહેરાવ્યાં હોય તે નકામાં જેવાં છે. પરંતુ જો રસરૂપી જીવથી ભરેલી કવિતારૂપી અનુપમ સ્ત્રીને વસ્ત્રાલંકાર વડે બહારથી પણ શોભાવી હોય, તો તેથી તેની ખૂબી વધારે નજર આવે એમાં નવાઈ નથી.”[17] અહીં આ લેખકે કવિતાના જીવાતુભૂત તત્ત્વ લેખે રસની પ્રતિષ્ઠા કરી છે. નર્મદ, નવલરામ આદિ વિદ્વાનોની જેમ આ લેખકે પણ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની ચમત્કૃતિનો આદર્શ રજૂ કર્યો છે. રમણભાઈ નીલકંઠની કાવ્યવિવેચના આરંભાઈ તે પૂર્વે આ પ્રકારનાં પ્રકીર્ણ લખાણો પ્રગટ થયેલાં. અહીં આપણે જે કેટલીક વિચારણાઓનો ઉલ્લેખ કર્યો તે પરથી તે સમયની કાવ્યચર્ચાનું ધોરણ કેટલું સામાન્ય હતું તે સમજાશે. ઈ.સ. ૧૮૮૮માં રમણભાઈએ ‘કવિતા’ નિબંધના આરંભમાં એવી ફરિયાદ કરી છે કે ગુજરાતીમાં કાવ્યચર્ચાને લગતું કોઈ ખાસ લખાણ છે જ નહિ, તે એક રીતે સમજી શકાય. તેમની પૂર્વેની આ સર્વ કાવ્યચર્ચા એટલી સત્ત્વશાળી ન હોવાથી રમણભાઈને તે પ્રભાવક લાગી ન હોય. કદાચ આ લખાણો ટૂંકા ગાળામાં જ કાળના સ્તરમાં દટાઈ જવા પામ્યાં હોય. ગમે તે હો, આપણી આરંભકાલીન કાવ્યચર્ચામાં નર્મદ અને નવલરામનાં લખાણોના અપવાદ સિવાય નોંધપાત્ર વિચારણા સાવ અલ્પ જ છે.

પાદટીપ

  1. ૧૯મી સદીમાં આપણાં સામયિકોમાં એક પ્રથા એ પણ હતી કે તેના તંત્રી લખે તે લેખકના નામ વગર છપાતું. ક્યારેક ‘મળેલું’ એવી નોંધ પણ અપાતી. શ્રી ઉમાશંકર જોશીએ ‘ક્‌લાન્ત કવિ’ની પ્રસ્તાવનામાં બાલાશંકરની રચનાઓના કર્તૃત્વનો પ્રશ્ન છણતાં આ હકીકત પર પ્રકાશ પાડ્યો જ છે. શ્રી ભૃગુરાય અંજારિયાએ પણ ‘ક્‌લાન્ત કવિ’ના સંપાદન વિષયક લેખ નિમિત્તે પ્રસ્તુત મુદ્દાની ચર્ચા કરી છે. આ હકીકત લક્ષમાં લેતાં એમ અનુમાન કરી શકાય કે આ પ્રકારનાં અનામી લખાણોમાં અમુક કદાચ તંત્રીપદેથી લખનાર દલપતરામનાં હોઈ શકે.
  2. પ્રાચીન આચાર્યોએ વર્ણવેલા વિભિન્ન રસનો પરિચય આ રીતે આપ્યો છે : “સ્ત્રી અને તેના પતિની પરસ્પર પ્રીતિનું નામ શૃંગારરસ કેહે છે...જે થકી સામાને હસવું આવે તેનું નામ હાસ્યરસ કેહે છે...આક્રોશથી કરૂણારસ થાય છે..અત્યંત ઉદ્યોગ ઉત્પન્ન થયાથી વીરરસ ઉત્પન્ન થાય છે. વિસ્મય પામવું તેનું નામ અદ્‌ભુત રસ છે,..ડર ઉત્પન્ન થાય તેનું નામ ભયાનક રસ કેહે છે, ...ક્રોધ ઉત્પન્ન થાય છે તેને રૌદ્રરસ કેહે છે..અત્યંત ખરાબ વસ્તુની નિંદાથી બીભત્સરસ ઉત્પન્ન થાય છે. ઉત્તમ જ્ઞાન થવાથી શાંતરસ થાય છે.” (પૃ. ૧૭૩ - ૧૭૪)
  3. “બુદ્ધિપ્રકાશ’ : ફેબ્રુઆરી, ૧૮૬૫ પૃ. ૪૦
  4. એજન : પૃ. ૪૦
  5. એજન : પૃ. ૪૦
  6. બુદ્ધિપ્રકાશ : નવેમ્બર ૧૮૬૫ : પૃ. ૨૫૩-૨૫૪
  7. એજન : પૃ. ૪૦
  8. બુદ્ધિપ્રકાશ : ૧૮૬૯ માર્ચ : પૃ. ૫૫
  9. બુદ્ધિપ્રકાશ : ૧૮૬૫ નવેમ્બર : પૃ. ૨૫૫.
    (અ) સરખાવો રાજશેખરની ‘કાવ્યપુરુષ’ની કલ્પના :
    ‘પુરા પુત્રીયન્તી સરસ્વતી તુષારગિરૌ તપસ્યામાસ |
    પ્રીતેન મનસા તાં વિરિશ્ચઃ પ્રોવાય - ‘પુત્રં તે સૃજામિ |
    અથૈષા કાવ્યપુરુષં સુષુવે |’
    Kavya-mimansaઃ Chaukhamba Vidyabhavan
    ૧st Edition, ૧૯૬૪ઃ pp. ૧૫
    (બ) વિશ્વનાથની કાવ્યચર્ચા સરખાવો.
  10. બુદ્ધિપ્રકાશ : ૧૮૬૯ નવેમ્બર : પૃ. ૨૫૫
  11. બુદ્ધિપ્રકાશ : લેખ સંગ્રહ ભા. ૧ : પૃ. ૧૮૪-૧૮૫
  12. બુદ્ધિપ્રકાશ : ઈ.સ. ૧૮૮૩ જૂન : પૃ. ૧૧૨
  13. જુઓ પ્રકરણ ૩ની ચર્ચા.
  14. જુઓ પ્રકરણ ૭ની ચર્ચા
  15. બુદ્ધિપ્રકાશ : જૂન ૧૮૮૩ : પૃ. ૧૨૨-૧૨૩
  16. બુદ્ધિપ્રકાશ : ઈ.સ. ૧૮૮૩ જૂન : પૃ. ૧૧૨-૧૨૪
  17. બુદ્ધિપ્રકાશ : ૧૮૮૩ જૂન : પૃ . ૧૨૨-૧૨૪.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.