ગુજરાતી અંગત નિબંધો/શ્યામરંગ સમીપે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭
શ્યામ રંગ સમીપે -- હર્ષદ ત્રિવેદી



ગુજરાતી અંગત નિબંધો • શ્યામ રંગ સમીપે – હર્ષદ ત્રિવેદી • ઑડિયો પઠન: પાર્થ મારુ


ફળિયા વચ્ચોવચ ઊભેલા ઘેઘૂર જાંબુડાને જોઈને ઘણાં પૂછેઃ ‘આ જાંબુડો તમે જાતે વાવેલો કે એની જાતે ઊગેલો? હું હસતાંહસતાં કહું, ‘આ જાબુંડો ને પેલા ખૂણા પરની લીમડી એ બંને અમને વારસામાં મળેલાં!’ આ જવાબ એક રીતે સાચો હોવા છતાં પૂરતો નથી. ધારો કે જાંબુડો કોઈએ વાવ્યો હોય ને લીમડી કોઈએ ઈરાદાપૂર્વક ન વાવી હોય, પણ વૃક્ષ ઊગે તો એની જાતે જ ને? આપણે બહુબહુ તો એને ખાતર-પાણી દઈએ, સમયેસમયે ગોડ કરીએ, ક્યારેક એના થડ ઉપર કે ઝૂકેલી એકાદ ડાળી ઉપર હાથ ફેરવીએ, પણ ઊગવું-વિકસવું તો એને જ હાથ! [...] ભગવાન જાણે એને કોણે વાવ્યો હશે, પણ મારે માટે તો એ છે એટલું જ બસ છે. એક દિવસ વિચાર આવ્યો આને મારા સહિત સહુ જાંબુડો જ કેમ કહે છે? જાંબુડી શા માટે નહીં? વિચાર લંબાવતાં એમ સમજાય છે કે ઘણીવાર આપણે વૃક્ષના કદ અને આકારને ધ્યાનમાં રાખીને કદાચ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એવું નક્કી કરી લેતાં હોઈએ છીએ. એમ જોવા જઈએ તો જાંબુડાની બાજુમાં જ ઊભેલી લીમડી પણ ઊંચાઈમાં કંઈ જાય એવી તો નથી જ. જાંબુડા સાથે એ પણ બરાબરની જુગલબંધી કરે છે. બંને એકબીજાંની ડાળીઓ લંબાવીને ક્યારેક હસ્તધૂનન પણ કરી લે છે. કૂણીકૂણી ટશરોનો ચમકતો તામ્રવર્ણ એકબીજામાં ભળી જાય એવો લાગે, પણ પાનની કાકર એ બંનેનાં વ્યક્તિત્વને અડીખમ રહેવા દે. લીમડીનું થડ હજી જાડું થયું નથી. એની પાતળી કમર અને સહજ એવી બંકિમ મુદ્રાને કારણે કોઈ રમણીનો ખ્યાલ મનમાં ઊંડેઊંડે પડ્યો હોય, એને લીધે કદાચ એને ‘લીમડી’ કહેવા પ્રેરાયો હોઉં એવું બને. પણ, આ જાંબુડો તો જાંબુડો જ. ક્યારેક લહેરમાં આવીને હું એને જાંબુવાન પણ કહું. ઘણી વાર રાત્રિના અંધકારમાં એમ લાગે કે એ રામસેનામાંથી છૂટો પડીને સીધો જ અહીં આવી ગયો છે. [...] અમારા મકાનનું બાંધકામ ચાલતું હતું ત્યારે, કોઈ દાડિયાએ કે એના અલ્લડ છોકરાએ રમતરમતમાં જ એના થડમાં ચારેબાજુ અસંખ્ય ખીલીઓ ઠોકી દીધેલી! કેટલીક વળી ગયેલી, કેટલીક ત્રાંસી ને કેટલીક તો જાણે જાંબુડામાંથી જ ફૂટી નીકળી હોય એમ જડબેસલાક બેસી ગયેલી. રોજ એના ઉપર નજર જાય ને પીડા થાય. એકેય ખીલી હાથથી ખેંચી લેવાય એવી નથી એની ખાતરી હોવા છતાં વારેવારે હાથ એની ઉપર જાય, ખીલી ખેંચવાનો પ્રયત્ન થાય ને છેવટે હાથ ભોંઠો પડે ને એમ પીડા વધતી ચાલી. અનેક વાર ખાંખાખોળા કર્યા પણ ઘરમાં ક્યાંયથી પક્કડ જડતું નહોતું. એ વખતે આખી સોસાયટીમાં અમારા સિવાય કોઈ રહેવા નહોતું આવ્યું, એટલે માગવું પણ કોની પાસે? પછી તો એવું થયું કે જાંબુડાની પીડા જાણે અમારી થઈ ગઈ. રોજ એની સામું ભાળીએ ને મનમાં ધ્રાસકો પડે! બીજાં કામો આડે પક્કડ લાવવાનું ભુલાઈ જાય. રોજ સાંજ પડે ને સંકલ્પ કરીએ, કાલે તો ચોક્કસ... એક દિવસ દીકરાએ ક્યાંકથી શોધી કાઢ્યું ને એક પછી એક બધી જ ખીલીઓ ખેંચવા માંડ્યો. નહીં નહીં તોય ચારસો-પાંચસો ગ્રામ જેટલી ખીલીઓ નીકળી. મને લાગ્યું કે શરૂઆતમાં કદાચ દીકરાએે અમારા મનની શાંતિ માટે આ કામ શરૂ કર્યું હતું, પણ જેમજેમ ખીલીઓ ખેંચાતી ગઈ, એનો મનોભાવ બદલાતો રહ્યો. છેલ્લી ખીલી કાઢ્યા પછી એના ચહેરા ઉપર જે આનંદ હતો! એની મમ્મીને કહે, ‘આજે જાંબુડાને બહુ રાહત લાગતી હશે, નહીં?’ મમ્મી હોંકારો ભણીને ચૂપ થઈ ગઈ. થોડી વારે બોલી, ‘તું એને જ પૂછ ને!’ દીકરાએ ડોક ઊંચી કરીને નજર જાંબુડા ઉપર માંડી. કંઈ જવાબ મળ્યો નહીં એટલે એણે મારી સામે જોયું. મારી ભીની આંખો જોઈને એ પક્કડસોતો ઘરમાં અંદર ચાલ્યો ગયો. કોઈએ કાંટો કાઢ્યો હોય એનોય ગુણ ન ભૂલવો એ આપણી પરંપરા. બીજે વર્ષે ચૈત્ર બેસતાં-બેસતાંમાં તો એ લગભગ મહોરી ઊઠ્‌યો. સુંગધનો પાર નહીં. ઝાંપામાં પ્રવેશીએ ત્યાં જ એ બાઝી પડે! ઘરમાં જવાનું મન ન થાય. ઊંચે નજર કરીએ તો ડાળીએડાળીએ મહોરનાં ઝૂમખાં! ક્યાંક મધમાખીઓ ય ઊડતી હોય. મહોરનો સફેદમિશ્રિત લીલો રંગ આભૂષણો જેવો લાગે. નીચે ખાટલો ઢાળીને આડા પડ્યા હોઈએ ને એનો વૈભવ જોઈએ તોય સભર થઈ જવાય. મહેમાનો આવ્યાં હોય તોય બહાર જ બેઠાં રહીએ. છેક અંધારું થાય ત્યારે નાછૂટકે જ ઘરમાં જઈએ. પછી તો એવી સ્થિતિ થઈ કે બધાં જ કામ જાંબુડા નીચે. કંઈ વીણવાનું હોય, રૂમાંથી દીવેટો બનાવવાની હોય, શાક સમારવાનું હોય કે કશુંક વાંચવું હોય. જાંબુડો સર્વ કાર્યનો સાક્ષી જ નહીં, પ્રેરણાત્મક બળ. મહોરના લીધે રૂપાળો ય બહુ લાગે. જાણે હાર-તોરા-કલગી સાથે આંગણે ઊભો કોઈ વરરાજો! એ રૂપાળો એટલો જ ઉતાવળો. હજી તો ચોમાસાના અણસારેય નહીં ને એણે જાંબુડાં દેખાડ્યાં. એકદમ લીલાંછમ્મ. ચણીબોર જેવડાં. ક્ષણભર એમ લાગે કે આ બાજુમાં ઊભેલી લીમડીની ઝીણી ઝીણી લીંબોળીઓ જાંબુડાને વળગી ગઈ કે શું? આ લીલાંછમ્મ જાંબુ ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે તો એનું રૂપ કંઈ ઓર ખીલી ઊઠે. સાચા પન્ના જ જોઈ લો ને! ખિસકોલી કે તોતારામ એકાદ જાંબુ ખેરવે ને આપણી નજર જાય તો મોંમાં મૂક્યાં વિના ન રહેવાય. પણ, એનો સ્વાદ તૂરો, જીભને બહેરી બનાવી દે એવો. તરત જ થૂંકી નાંખવું પડે. પણ, પછી બે-ચાર દિવસમાં જ જાંબુનો રંગ બદલાવા માંડે. શરૂઆતમાં આછાં ગુલાબી, પછી ગાઢાં રાની રંગનાં! એક જમાનામાં બહેનો શ્યામ ગુલાલ કુંકુંમનો ચાંદલો કરતી, એવો કંઇક એનો રંગ. જો કે આ રંગની જામનગરી બાંધણીની યાદ અપાવી જાય. આ બંને રંગ અલગ અલગ તો સારા લાગે જ પણ પરસ્પરની સંનિધિ વિશેષ આનંદ આપે! હજી તો તમે આ સંનિધિ જ માણતાં હો ને એ અચાનક, કોઈનેય ખબર ન પડે એમ શ્યામ રંગ ધારણ કરી લે. આ કાળા રંગને કેવો કાળો કહીશું? જાંબુડિયો કાળો જ કહેવો પડે! ક્યા બાત હૈ! ઉપમાન એ જ ઉપમેય. બસ હવે તો આ કાળાં જાંબુ પુષ્ટ થાય એની જ વાટ જોવાની. થોડા દિવસ પછી પાકેલાં પાંચ-પંદર નીચે પડેલાં એ જાંબુ વીણ્યાં, ધોયાં ને ભગવાનને ધરાવ્યાં. મનમાં એવું ખરું કે કોઈ પણ ઋતુનું પહેલું ફળ દેવને ધરાવીને પછી જ ખાવું. આ તો થઈ આરંભની વાત. હવે તો દર ચોમાસે જાંબુના ઢગલા થાય છે. પ્રારંભનું તૂરાપણું એકાદ વરસાદ થયો કે ગાયબ! સ્વાદ-રસ અને રંગ બધું જ બદલાઈ જાય. એની ડાળીઓ તો એટલી હદે નીચે આવી જાય કે ઊભાંઊભાં જ ફળ તોડી લો! છેલ્લેછેલ્લે તો એ પોતે જ ગાઈ ઊઠેઃ ‘કોઈ લ્યો...કોઈ લ્યો...’ સવારે બારણું ખોલીને જોઈએ તો જાંબુની પથારી પડી હોય. પગ મૂકવાનો માગ નહીં. ચમકતાં જાંબુ ઉપર પડતો સૂર્યપ્રકાશ મનને લોભાવે. ઊઠતાંની સાથે જ વીણવાનું શરૂ. થાળી ભરાવાથી શરૂ થયેલો ક્રમ ડોલ સુધી પહોંચે. નાનાં હોઈએ ત્યારે વડીલો આપણને ખોબો ભરીને કંઈ ને કંઈ ખાવાનું આપે. બસ, આ વડીલનું પણ એવું જ. આખું ફળિયું જ એનો ખોબો! બહારથી પણ જે કોઈ આવે, એના ચરણને એ સ્પર્શ કર્યાં વિના રહી ન શકે. આવનાર માણસ ગમે તેટલો વિતરાગી કેમ ન હોય, નીચે પડેલાં પાકાં જાંબુ એને લલચાવી-નમાવીને જ છોડે! એક પછી એક જાંબુ વીણતાં તો કેડ્યેાનો કઢિયારો રહી જાય. તમે થાકો પણ એ ન થાકે. જાંબુ પણ એવાં મીઠાં કે તમે ખાતાંખાતાં વીણો છો કે વીણતાંવીણતાં ખાવ છો એનો ખ્યાલ ન રહે. ખાઈખાઈને ય તમે કેટલાં ખાવ? ઘેર ફલવતું વૃક્ષ હોય તો ભલભલો કંજૂસ પણ આપોઆપ ઉદાર બની જાય. પહેલાં તો એમ થાય કે પડોશીઓને આપીએ. પછી યાદ કરીકરીને નિકટનાંઓને આપીએ. કેટલાંયને તો એમને ઘેર જઈને આપી આવીએ. ડાયાબિટિસવાળાંઓનો તો વળી વિશેષ અધિકાર. જાંબુ પાડવાં, વીણવાં, ધોવાં, કોરાં પાડવાં, કોથળીઓ ભરવી અને ખરાબ થઈ જાય તે પહેલાં લાગતાં-વળગતાંને પહોંચાડવાની પ્રક્રિયા પણ ખૂબ રસપ્રદ. એ જાંબુદિનોમાં તો જાણે બીજું કંઈ કામ જ નહીં! ગણાવ્યાં એ બધાં કામ આમ તો કડાકૂટિયાં, થોડો કંટાળો ય આપે પણ છેવટે તો પ્રકૃતિનો પ્રસાદ વહેંચ્યાનો આનંદ![...] મહાકવિ કાલિદાસે પણ જાંબુમહિમા કર્યો છે. ‘મેઘદૂત’માં વિંધ્યપર્વત ઉપરથી પસાર થતા મેઘને યક્ષ કહે છેઃ ‘જાંબુનાં વૃક્ષોની ઘટાઓમાં ખળી રહેવાથી કંઇક તુરાશવાળું એવું નદીનું પાણી તું તારામાં ભરી લેજે!’ વાતપ્રકોપને અટકાવનાર આ કટુ, કષાય, તિક્ત રસનું પાન મનુષ્યની જેમ તારે માટે પણ હિતકર છે. આ પાણી ભરી લીધાથી તારામાં વજન આવતાં પવન તારો પરાભવ કરી શકશે નહીં. કાલિદાસે વ્યાવહારિક ભાવબોધ પણ આપ્યો છે. જેનામાં ભાર હોય છે તે જ ગૌરવને પામે છે. હમણાંહમણાંથી જોઉં છું તો લાગે છે કે અરે! આ જાંબુડાએ શું રૂપ કાઢ્યું છે! બરછટપણુંતો કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું! થડ અને ડાળીઓએ આંગી કરી હોય એવો ચળકાટ ધારણ કર્યો છે. દૂરથી તો એમ જ લાગે જાણે ભૂર્જવૃક્ષ. એમ થાય કે જઈને એની છાલ લઈ લઈએ ને એ જામ્બપત્રમાં આપણા કોઈ પ્રિયને લખી દઈએઃ ‘આ ખટમધુરા જાંબુડિયા દિવસોમાં પ્રિય તમે યાદ આવો છો, બહુ યાદ આવો છો!’ ઘણી વાર, રવિવારની સવારે નવ-દસ વાગ્યે હું ખાટલો ઢાળીને જાંબુડા નીચે આડો પડ્યો રહું. એની ડાળીઓ વચ્ચેથી આવતો સૂરજ અવનવા રંગો ને આકારો દેખાડે. એ ક્રીડામાં વળી પવનદેવ પણ ભળે. ડાળીઓ હલતી જાય ને આકારો બદલાતા જાય. આપણે એની લીલામાં તદ્રુપ થઈ જઈએ ને કોઈ બોલાવે તો ય ન ગમે. રાત્રિની લીલા અલગ. કોઈ વાર મોડી રાત્રે જાંબુ નીચે જઈને ઊભાં રહીએ તો એ ચાંદની સાથે અડપલાં કરતો હોય એવું લાગે! ચંદ્ર તો ક્યાંય હોય, પણ એની અમીવર્ષા આ જાંબુડો એવી રીતે ઝીલે કે આપણે ય ધન્ય થઈ જઈએ! [...] આપણે કંઇક ભૂલ કરીએ ત્યારે વડીલો ટપારે કે ટપલી મારે એવું તો આ ભાઈએ ઘણી વાર કર્યું છે. અચાનક એ માથામાં કે વાંસામાં એકાદ-બે જાંબુની ટપલી મારી લે છે ને એનું જાંબુલાંછન પણ છોડી જાય છે. એ આવું કરે ત્યારે સાચેજ ભૃગુઋષિ જેવો લાગે છે. આપણે ઊંચે જોઈએ ત્યારે, એની હસતી આંખો જેવાં એક-બે પંખી બેઠાં હોય! અમે એની, ઊંટની ડોક જેવી એક ડાળ ઉપર પરબડી બાંધી છે. નીચે ઓટલા ઉપર માટીની મોટી કથરોટમાં દાણા અને કૂંડી ભરીને પાણી. એને લીધે ઘણાં પંખીઓનો પરિચય થયો. ભાગ્યે જ જોવા મળે એવાં પંખીઓ પણ આ જાંબુડાની છાંય તળે આવે ને જાય. કાબર, ચકલી, કબૂતર, બુલબુલ અને લેલાં જેવાં રોજબરોજનાં તો ખરાં જ પણ તે ઉપરાંત ખેરખટ્ટો, કાળો કોશી, પિદ્દો, દૈયડ, પીળક, કંસારો, ભારદ્વાજ, તેતર, કલકલિયો, લટોરો ને હરિયાલ જેવાંઓની પણ ઓળખાણ થઈ. અરે! ઓળખાણ માત્ર ક્યાં? હવે તો એ બધાં આત્મીય સ્વજનો થઈ ગયાં છે. દરેકના અવાજો ને સંગીત અલગ. અમે રસોડામાં હોઈએ તોય અવાજ ઉપરથી ખ્યાલ આવી જાય કે ફલાણાભાઈ આવ્યા ને તરત ફલાણીબહેન ઊડ્યાં! એ બધાં ય જાંબુડાનાં મહેમાન. કોઈની ય તમા રાખ્યા વિના હવામાં ચાસ પાડતાં આવે ને જાય. કોઈની ઉડાન આપણું મન હરી લે તો કોઈની ચાલ. કોઈની ચતુરાઈ તો કોઈનું ભોટપણું. કોઈની ગભરામણ તો કોઈની દાદાગીરી. એમનું સંગીત, સભર બનાવી દે આપણી ક્ષણેક્ષણ. ઘરમાં ઘરડું માણસ હોય તો કોઈ ને કોઈ આવતું-જતું રહે. અરે! ક્યારેક તો સાત પેઢીએ દૂર હોય એવું યે આવી ચડે. એકલાં હોઈએ તોય એકલું ન લાગે. એમ થાય કે આ જાંબુડો છે ને! હીંચકા ઉપર બેઠાંબેઠાં એની લીલા જોયા કરીએ તોય સમય ક્યાં ચાલ્યો જાય એની ખબર ન પડે! બાપુજીના અવસાનનો ખાલીપો હજી એવો ને એવો જ હતો ત્યાં બા પણ અચાનક ચાલી ગયાં. ઘણી વાર સાંજને સમયે એકદમ નિરાધાર હોઈએ એવું લાગે, એવે ટાણે આ જાંબુડાએ અમને આધાર આપ્યો છે. એણે અમને અઢળક આપીને બીજાંને આપતાં કર્યાં છે. મન ઉદ્વિગ્ન હોય ત્યારે ઓટલા ઉપર કે હિંચકે બેસીને શાતા મેળવી છે. ઘણી વાર એના થડને બાથ ભરીને ભેટવાનું સુખ પણ લીધું છે. નજીકનાંઓના દુર્વ્યવહારોને હળવાશથી લેવાનું પણ એણે જ શીખવ્યું છે. અમારો દીકરો કશીક વાતે વ્યથિત હોય તો એની માને વળગે છે. માના ખોળામાં માથું મેલીને વહાલ મેળવે છે. અમે વ્યથિત હોઈએ ત્યારે જાંબુડાને ખોળે જઈએ છીએ. એ કશું જ બોલ્યા વિના ઘણું કહે છે. વેઠવાની તાકાત આપે છે. સહિષ્ણુ અને ઉદાર બનાવે છે. એની છાયા – છત્રછાયામાંથી કશુંક મેળવીને અમે ઘરમાં જઈએ છીએ. ઘરમાં કોઈ વડીલ નથી એવો ભાવ હવે ભાગ્યે જ ડોકાય છે. મનને ધરપત છે, હૈયાધારણ છે. કંઈ નહીં તો ય જાંબુડો તો છે ને? દયારામની ગોપીએ ભલે ના કહી હોય તો પણ અમારે તો શ્યામ રંગ સમીપે જ જાવું...!

[સંપાદિત]
[‘માંડવીની પોળના મોર’, ૨૦૨૦]