ગુજરાતી અંગત નિબંધો/બગહરું : ચંદરવે ટાંક્યું મોતી
બગહરું : ચંદરવે ટાંક્યું મોતી -- યોગેશ વૈદ્ય
◼
ગુજરાતી અંગત નિબંધો • બગહરું : ચંદરવે ટાંક્યું મોતી – યોગેશ વૈદ્ય • ઑડિયો પઠન: પાર્થ મારુ
◼
બગસરાનું નામ ગૂગલ-મૅપ લખી, ગામને ગોતીને ઝૂમ-ઇન કરો તો સાતલડી નદીના સાચા સોનાના દોરે બાઝેલું એક માણેક-જડ્યું ચગદું ઊપસીને આવે. પણ આ મારી જનમભોમકા બગસરા, મેઘાણીનું બગસરા, ભાયાણીનું બગહરું જેવું મને જડ્યું છે એવું ગૂગલદાદાને તો શું આ દુનિયામાં બીજા કોઈને નહીં જડે. ગામની અડોઅડ, દુનિયાથી ઊંધી, પશ્ચિમથી પૂરવ વહેતી સાતલડી નદી. ગામ આખું નદીની એક જ બાજુએ વસેલું. સામા કાંઠાનું નદીપરું તો જાણે હટાણું કરવા આવેલાઓએ ગાડાં છોડ્યાં હોય એવો થોડાંક અમથાં મકાનોનો ઉભડક ઢૂંગો. નદીના પુલને અડીને રસ્તા કાંઠે ખાસ્સા એવા ઊંચાણે ઊભું છે કંડોળિયાઓનાં કુળદેવી સામુદ્રીમાતાનું મંદિર. આ પરિસર એટલું ઊંચું કે ફળિયામાં પડતા એક બીજા દરવાજેથી નદીના પટમાં જવું હોય તો પૂરાં પંદર પગથિયાં ઊતરીએ ત્યારે પટમાં પડતી શાંતિમામાની ચાની હોટલ આવે. આ ફળિયામાંય વળી બીજાં આઠ પગથિયાં ઊંચી મંદિરની સફેદ ફરસવાળી એક ઓશરી અને ઓશરી માથે ઊભું છે માતાજીનું મંદિર. ઉપર નળિયાનું છાપરું, ટોચે ચળકતો કળશ અને ધજા. નીચે આદમકદની હમણાં બોલી કે બોલશે એવી સિંહવાહિની મા સામુદ્રી. બાજુમાં બેસણાં મા લક્ષ્મી અને મા ગાયત્રીનાં અને વચ્ચે કુંડલી મારીને બેઠેલા નાગદાદા. મંદિરનાં તોતિંગ બારણાં ઉપર લાકડે મઢેલી જાળી. ઓશરીમાં રણકતા દસ-બાર ઘંટ લટકે. ફળિયામાં એક મોટો ઢાંકણ-ઢાંક્યો યજ્ઞકુંડ અને તેની પડખે ઊભેલો ખખડધજ સરગવો. પટના છેક સામેના ખૂણે ઊંચા ઓટલે શિવનું દેરું. દેરાની પડખે પતરાં જડેલ ઓરડી અને એ ઓરડીનાં પગથિયાં પાસે ખૂબ ઊંચો જાજરમાન ગુલમોર. મંદિર હારોહાર બે મંદિર જેવડા જ મોટા ઓરડા અને તેના કાટખૂણે વળી બીજા બે ઓરડા., આ ચારેય ઓરડા એટલે સમુદ્રીમાતાની ચાર-ચાર પેઢીથી પૂજા કરતા પુરોહિત પરિવારનું વારસગત રહેઠાણ. મોતીમંડળના થાળમાં ચળકતા મોતી જેવું પથરાઈને પડ્યું છે ગામ બગસરા. વિખરાયેલ એક-એક મોતીને હીરના દોરે પરોવી-પરોવી ભાતીગળ ટોડલિયા બનાવવાનો મને ઊજમ ચડ્યો છે આજે. સાતલડી જ્યાં પૂરવમાં દેખાતી બંધ થાય ત્યાં દૂર ભરભાંખળું થવા લાગ્યું છે. હજુ સામુદ્રીના પરિસરમાં અંધારું ઓગળ્યું નથી. ઉપલી ઓશરીએ ચૂલામાં આગનો કાકડો મૂકે છે મામી. માથે બે છાણાં મૂકે છે. ચૂલાને તાંબાવરણે અજવાળે મામી વધારે રૂપાળાં લાગે છે. ઓરડામાં કાશીમા જાગી ગયાં છે. રસોડે ચાનાં ઠામ ખખડે છે. નીચે નદીના પટમાં ખડનું ગાડું આવ્યું છે. કિશલો ગાડાના બળદને હાકોટા દ્યે છે. હજુ શાંતિમામાની હોટલે લાઇટ ઠરી નથી. પાંચ-સાત સાઇકલો ઘોડી ચડાવીને ઊભી છે. શાંતિમામાએ રેડિયો ફૂલ વૉલ્યૂમે મૂક્યો છે. મુગટલાલ જોશીનાં ભજનો નદીના પટને આંટો મારી સામુદ્રીના પરિસરમાં આવી ને વિખરાઈ જાય છે. સાથે મંજીરા બનીને વાગી રહ્યાં છે હોટલે ધોવાતાં ચાનાં કપ-રકાબી. થોડી વારમાં દેવસી તેજના માણસો પરિસરમાં મૂકેલી ત્રણ-ચાર રેંકડીઓને બહાર કાઢશે. બહાર શાકમાર્કેટમાં માણસોની હકડેઠઠ જામશે. હૈયેહૈયાં દળાશે એમાં વળી એકાદી ગાય ઢીંક મારતી ઘૂસી આવશે ભીડમાં. બકાલીઓ નરવે સાદે તાજાં શાકની બૂમ દેશે. ઘમ્મક-ઘૂઘરા ઘમકાવતાં છ-સાત ગાડાંઓ નદીના પટમાં આવીને ઊભશે. બીજે ગામથી હટાણું કરવા આવેલા લોકો પોતાનાં પહેરણ અને ઘાટલીઓ ઝાટકતા-ઝાટકતા ગાડેથી ઊતરી પડશે. ગાડાખેડું ગાડેથી બળદ છોડી તેને ખડનો પૂળો નીરશે. પુરુષો માથાબંધાણું બાંધતાં-બાંધતાં આગળ થાશે. પાછળ બાયું કાંખમાં અને આંગળીએ છોકરાં લઈને ઊભી બજારે ઝાંઝરિયું ઝમકાવાશે. એમાંનાં થોડાંક સામુદ્રીના પરિસરમાં આવશે. માતાજીનાં દર્શન કરી, છૈયાંઓને અને ઘરડાંઓને ગુલમોરના છાંયે બેસાડી બજારની દિશા પકડશે. પીપરમિન્ટની, અગરબત્તીની, અત્તરની, નેઇલપૉલિશની અને કંદોઈની દુકાને તળાતા ગાંઠિયાની સામટી સોડમથી ભભકી ઊઠશે બગસરાની વાંકીચૂકી બજાર. રણકતી બંગડિયું ને રંગબેરંગી બોરિયાં-બક્કલો વહોરાશે. બોપટ્ટીના દડા ઉખેળાશે. આભલાં, ચતારાં અને હીરની આંટીના પથારા થાશે. મોતીની માળાઓને ગળે ઠઠાળતા અરીસાઓ મરક-મરક થાશે. ચળકતા રેપરમાં વીંટેલી ચૉકલેટું ને બિસ્કુટનાં પડીકાં બંધાશે. કંદોઈની દુકાને લસલસિયા પેંડા જોખાશે. કરિયાણાની યાદીઓ મોટેથી વંચાશે અને વસ્તુઓના કોથળા ભરાશે. બકાલીના થડેથી લઈને તાકા ઉખેળતા કાપડિયાની દુકાન સુધી, લુહારની કોડથી લઈને સોનીની હાટડી લગી, ભાવતાલની રકઝક ચાલશે. ઊભા થઈ જતા ઘરાકને હાથ ઝાલી ફરી બેસાડાશે. સામસામાં માન રખાશે અને અંતે વેચવાવાળા અને વહોરવાવાળા જ્યારે છૂટા પડશે ત્યારે બેય પક્ષનાં મનમાં ખાટી ગયાની લાગણીના લાડવા ફૂટશે. થેલિયું, થેલા, કોથળા, હારે ઘાટલિયું અને માથાબંધણામાં બંધાઈ-બંધાઈને હટાણાં થાશે. વચ્ચે-વચ્ચે સામુદ્રીના પરિસરમાં છોડેલાં છૈયાંઓની ખબર લેવાશે. શક્કરટેટી ને ચીભડાંની ચીરું ખવાશે. બપોરે ગુલમોરના છાંયડે તે સહુનું ટીમણ થાશે. મામી ઠંડાં પાણીની બોઘરડી ભરીને આપશે, જાણે ઘેર પરોણાં થઈને આવ્યાં હોય એમ તેમની ખબરઅંતર પણ પૂછશે! રોંઢો થતાંથતાંમાં તો સહુ પોતપોતાનાં ઠામઠેકાણે પાછાં ફરી જાશે. સૂની પડી ગયેલી શાકમાર્કેટમાં બકરાં બેં બેં કરી સાંજને લાંબી કરશે અને દુકાનોના થડાઓ પર ફરીથી ઝાપટણીઓ લાગશે. એક તરફ બાળાપીર શેરીમાં મોટાં-મોટાં ટેબલો પર બ્લૉકપ્રિન્ટિંગ થઈ રહ્યું હોય. ભાત કોતરેલાં લાકડાનાં બીબાં ચીવટપૂર્વક કપડાં પર મૂકીને હાથની મુઠ્ઠીથી બે-ત્રણ વખત ઠપકારાય. નવાંનક્કોર સફેદ કપડાં પર મોર, પોપટ, ગાય, વૃક્ષ ને ફૂલવેલના બુટ્ટાઓની મીણ (પેરાફિન)ની ભાત પડી રહી હોય. આ ભાત પહેલા કપડાને પહેલાં તો જમીનમાં ઉતારેલી રંગની કુંડીઓમાં ઝબકોળીને રંગ ચડાવાય. પછી મંગાળા પર દેગડામાં પાણી સાથે ઉકાળી-ઉકાળીને એ કપડાના રંગને વધુ પાકા કરાય. બીજા દિવસે આ રંગીન ઘટલીઓ, ઓછાડ વગેરેને આખી શેરીમાં પાથરી દેવાય. પથ્થર જડેલી આખી શેરી ઘેરા લાલ, લીલા કે કથ્થાઈ કપડાથી ઢંકાઈ ગઈ હોય. બગસરાવાસીઓને તો આ રોજનો વૈભવ. શેરી આખી ખાસડાં પહેરીને ઠાઠથી ચાલે આ કપડા પર. હારે સાઇકલો અને ભટભટિયાં પણ દોડાવે. આ ભાતીગળ જાજમ પરથી ચપચપ ચાલવાની મને ભારે મજા પડતી. હું એ જ શેરીમાં આવેલ મારા ભૂપતમામાના ઘરે હોંશેહોંશે બે વખત વધારે જાઉં. ક્યારેક ચંપલ ઉતારીને મારા પગને રાતા પણ કરી લઉં. એકાદ દિવસ આમ રગદોળ્યા પછી બધા કપડાંના વીંટલાને સાઇકલે ચડાવી સાતલડીના એક નિશ્ચિત ઘાટે લઈ જઈ, છીપર પર ફેરવી-પછાડીને ધોવાય. ત્યારે એના પડઘા પડતા હોય છેક રત્નેશ્વરના મંદિરમાં. બધો જ કાચો રંગ ધોવાઈ જાય એટલે કપડાંઓને નદી કાંઠે સૂકવી, બપોરે ઘરે લાવી ને ઘડી કરાય. [...] હું ઘણા વખતે બગસરામાં આવ્યો છું. મંદિરેથી નીકળીને વિજયચોક સુધી પહોંચી ગયો છું, પણ આખી બજારમાંથી મને હજુ કોઈએ સાદ પાડીને કે હાથ પકડીને આંતર્યો નથિ. ચોકમાં થોડું રોકાઈ અમૃતા ટૉકીઝ તરફ આગળ ચાલું છું. પેટ્રોલપમ્પ, મોટું શૉપિંગ કૉમ્લેક્સ, નવી ઇમારતમાં ઊભેલ મેઘાણી હાઈસ્કૂલ, ત્રણ માળણું હીરાઘસતું કારખાનું અને વરસોથી બંધ અમૃતા ટૉકીઝ. પગ ભારે થઈ ગયા છે. શીતળામાતાના મંદિરે જઈ જરા બેસવાની ઇચ્છા થાય છે, પણ સિમેન્ટ પાથરેલ પેલા પહોળા ઓટલે બેસવા ટેવાયેલા મને ત્યાં મૂકેલા બાંકડે બેસતાં અડવું લાગશે અને ઉપરથી મંદિર માથે વાગતું લાઉડ સ્પીકર! હું આગળ વધ્યે જાઉં છું. સામે દેખાય છે બગસરાનું જર્જરિત રેલ્વેસ્ટેશન. એક સમયે અહીં દિવસની ચાર-ચાર ટ્રેનો આવતી. જૂનાગઢથી બગસરા આવવા વચ્ચે ટ્રેન બદલવી પડતી. એ ટ્રેનમાં હું ઘણી વાર મારાં બા-બાપુજી સાથે જૂનાગઢથી આવતો. સ્ટેશનનાં પગથિયાં ઊતરીએ એટલે ડાબી બાજુ ચાર-પાંચ ઘોડાગાડીઓ ઊભી હોય. અમે ઘોડાગાડીમાં બેસતાં. હું ગાડી ચલાવનારની બાજુમાં ગોઠવાયો હોઉં. ગામ આવે ત્યારે રસ્તાની બન્ને બાજુઓને ઝીણવટથી તપાસું. ક્યાંય કશું બદલ્યું દેખાય તો તાળો મેળવું. બાજર આવતાં સુધીમાં તો હું ઊભો જ થઈ ગયો હોઉં. જ્યાં એ ઘોડાગાડીઓ ઊભી રહેતી તે સ્થળે આજે પથ્થરનો એક ઢગલો ખડકાયો છે. હું સ્ટેશનનાં પગથિયાં ચડું છું. આખીયે ફરસ પંખીઓની હગારથી ચીતરાઈ પડી છે. બારી-બારણાંને કોઈ ઉતરડી ગયું છે. સખત રીતે બંધ થઈ ગયેલી ટિકિટબારી અને તેની સામે હારબંધ ઉભવા માટે બનેલા લાકડાના કઠોડા. સ્ટેશન સામે દસેક રેલવેનાં સ્ટાફ-ક્વાર્ટર્સ હતાં. મારા અને જિતુના થોડા ઓળખીતાઓ તેમાં રહેતા. રેલવે જ ના રહી તો રેલવે સ્ટાફ-ક્વાર્ટર્સનું શું કામ? પડીને પાદર થઈ ગયું છે બધું. દરવાજો વટાવીને ધૂળ ઊડતા પ્લૅટફૉર્મ પર પહોંચ્યો છું. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં ‘બગસરા’ લખેલા બોર્ડને વાંચવાની કોશિશ કરું છું, પણ આખાયે બોર્ડ પર કોઈ છાણાં થાપી ગયું છે. અહીં સુધી ‘ભાકછૂક... ભાકછૂક...’ પહોંચતા પાટાઓ તો વીંટલો વળીને દૂર દિશામાં ક્યાંક ગાયબ થઈ ગયા છે. મારી સામે સાંજનું ભગવું આકાશ છે. પ્લેટફૉર્મથી નીચે ઊતરું છું તો જાણે કોઈ ઊંડા કળણમાં ગરકી રહ્યો હોઉં તેવો ભાસ થાય છે. હું ઝડપથી ફરી પ્લેટફૉર્મ પર આવી જઈ ધીમે પગલે સ્ટેશનના ઊંચા ઓટલે આવી ને ઊભું છું. મારી સામે પથરાઈને પડ્યું છે મારું આખુંય બગસરા. એક નિશ્ચેષ્ટ અને નર્યું નિર્લેપ ગામ. તેને તો જાણે કશું થયું જ નથી!
[સંપાદિત]
[‘નવો ઉતારો’,૨૦૨૪]