ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કલ્પેશ પટેલ/સહી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સહી

કલ્પેશ પટેલ




સહી • કલ્પેશ પટેલ • ઑડિયો પઠન: દર્શના જોશી


સસરાજી દશ વર્ષથી સરપંચપણું કરતા’તા. આ વખતેય એમને સરપંચ બનવું’તું. પણ મહિલા સીટ આવી એટલે મને આગળ કરી. હું તો ના જ પાડતી’તી. સસરાજી ન માન્યા પણ! ઘેરથી પટલાઈ જતી રહે તો મૂછ નીચી પડી જાય ને પાછી! તોય હું તૈયાર ન થાત. પણ, એમણે ભેગા કુંવરનેય ભેળવ્યા, મારા વરને તો વળી ગતિ જ ક્યાં હતી? બાપા કહે એટલાં ડગલાં ભરે. બે-ચાર દહાડા તો મેં પાછળ જ ફેરવ્યા. પણ પછી દયા આવી એટલે ‘મરશેં’ કહી સહી કરી આપી. બાકી, મને છેક લગી એ વાત કઠતી’તી કે મારે નામે કોઈ બીજું શાનું વહીવટ કરે? નામનો મહિમાય જેવો-તેવો નથી પણ! બીજે જ દિવસે પાણી ભરવા ગઈ તો કંકુ ડોશી મળ્યાં. મને કહે: ‘હાંભળ્યું કે, તું ચૂંટણી લડં છં, વહું?’ મેં હા પાડી તો કહે, ‘તારામાં જ થપ્પો મારીશ પણ સરપંચ થઈને કાંક કરી દેખાડજે પાછી! તારા હાહરાએ તો દહ વરહ ઓટલા તોડ્યા છં, ગોંમના!’ હું હસી જ પડી, ડોશીને ઓછું કહેવાય કે, મારું તો નામ છે બસ! વહીવટ તો એ ના એ સસરાજી… ને એ નહિ તો એમના પાટવી કુંવર કરવાના!…

ચૂંટણી નજીક આવતી ગઈ એમ-એમ ઘરમાં ધાંધલ વધતી ગઈ. ચાનું તપેલું તો ચૂલેથી નીચે ન જ ઊતરે. ચોપાડમાં સસરાજીનો દરબાર ભરાય. વારેઘડીએ ઑર્ડર આવ્યો જ સમજો: ‘ચા લાવજો એ!’ તમાકુની વાસ તો એવી આવે કે માથું ફાટી જાય! ચૂલો ફૂંકતાં મને થાય, ‘આ ચૂંટણી લડે છે કોણ? હું જ કે કોઈ બીજું?’ પાછી મન વાળું — ‘મેલને છાલ મારી બાઈ! તને આ રાજરમતમાં રસેય ક્યારે હતો? એ તો કૂટશે પાણો ને પાંશેરી! આપણે તો સહી કરીને છૂટાં!…’ મત આપવા ગઈ તોય એવી જ રીતે ગઈ. જાણે હું એક મતદાર છું, બસ! મતપત્ર પર મારું નામ શોધ્યું: કોકિલા કાંતિલાલ પટેલ! થપ્પો મારી બહાર આવી. રસ્તામાં તરલિકાબહેન મળ્યાં. વાઘ જેવી બાઈ. મેં એમને કદી નિરાશ નથી જોયાં. જ્યારે જોઈએ ત્યારે હસતાં જ હોય. હાઈસ્કૂલમાં શિક્ષિકા છે. પરણ્યાં નથી. મને ભણેલી જાણી માન આપે છે: ‘કેમ સરપંચસાયેબા! મજામાં ને?’

એમણે મારો હાથ સાહી લીધો — ‘મત આપવા જાઉં છું, બોલો, કોને આપું? ઊગતા સૂરજને કે ગાડાને?’

— તમને ઠીક લાગે એને!

— આ કંઈ જવાબ ન થયો સરપંચસાયેબા! તમારે તો સામેથી કહેવું જોઈએ કે મને મત આપજો!

— મને મત આપજો બસ!

— હવે ખરાં સરપંચસાયેબા! બેફિકર રહેજો, તમને જ મત આપીશ. આપણે સ્ત્રીઓ ક્યાં લગી ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહેશું કે’જો?

મેં પરાણે હસતો ચહેરો રાખ્યો. બીજું કરુંય શું? સસરાજીના નાટકને અબુધો સાચું માનીને ચાલે એ સમજ્યાં પણ તરલિકાબહેન જેવી શિક્ષિત બાઈ પણ સાચું માને?… વધારે વાર ઊભીશ તો ભાંડો ફોડી બેસીશ ક્યાંક… હસીને આગળ વધી ગઈ.

હું જીતી એ દિવસેય તરલિકાબહેન મળવા આવ્યાં, બહુ ખુશ હતાં. ચોપાડ આખી પુરુષોથી ભરાઈ ગયેલી. મારા વર પર તો ટેકેદારોએ એટલું બધું ગુલાલ છાંટેલું કે ઓળખાતા જ નહોતા. જરાય ક્ષોભ વગર બેન મને મળવા અંદર આવ્યાં. મને ચા ઉકાળતી જોઈ કહે — ‘તમારી જવાબદારી વધી બેન! રસોડું ઝાલી બેસી રહે નહિ ચાલે હવે. ખોબલે ને ખોબલે મત મળ્યા છે એ શું એમ જ? સાચું કહેવું શક્ય ન બન્યું પણ? કહીનેય શું? હું જ કદાચ ભ્રમમાં જીવવા માગતી હતી…

એવામાં જ પંદરમી ઑગસ્ટ હતી. તરલિકાબહેને મને ધ્વજવંદન માટે લેખિત નિમંત્રણ મોકલ્યું. સહી કરી આપી મેં છોકરાંને વિદાય કર્યાં. રોમાંચ થયો. સ્ત્રી ધારે તો શું ન કરી શકે? ભાખરી બનાવવા બેઠી એટલામાં એ આવ્યા — ‘સરપંચપણું કરવા માંડ્યું, કેમ?… મને જલદી ખબર ન પડી: મને પૂછ્યા વગર સહી કેમ કરી આલી?’

— ‘તમે ઘેર નહોતા એટલે મને એમ કે, છોકરાંને નાહક ધક્કો ખવરાવવો!’ માંડ-માંડ હું એટલું જ બોલી. એક સામાન્ય વાતનું આવડું સ્વરૂપ? કલ્પના બહારનું હતું મારે માટે આ બધું!

— કોંન ખોલીને હાંભળી લે. હવે પછી મને પૂછ્યા વગર તારું ભણતર દેખાડતી નહિ!’ પગ પછાડીને ચાલ્યા ગયા! આમને તે શું કહીએ? મારાથી સરખું રડાયું પણ નહિ. પછી થયું. મારો જ વાંક છે ભૂલી ગઈ કે, પુરુષ નથી. સરપંચ બની તેથી શું? મોડેથી પાછો તરલિકાબહેનનો ફોન આવ્યો. સહી કરી આપી છૂટાં ન થઈ જતાં પાછાં? સમય કાઢીને આવજો. અમે તમારું સન્માન પણ કરવાનાં છીએ. ગામનાં પહેલાં મહિલા સરપંચ છો ને! શું છે કે, કન્યાઓને પ્રેરણા મળે!…

— આવીશ! કહી ફોન મૂક્યો. મન વાળ્યું — બે-ચાર દિવસની વાર છે હજુ તો. એમને સમજાવીશ. આ ક્યાં રાજકારણ છે? આ તો શિક્ષણનો કાર્યક્રમ! હું સાવ ન જાઉં એ તો કેવું લાગે?

સ્વાતંત્ર્ય-દિનની સવારે પૂછ્યું — ‘હું આવું?’ તાજા જ સીવડાવેલા ઝબ્બા-લેંઘામાં વર તો અદ્દલ નેતા જેવા દેખાતા હતા. મારી સામે કતરાતી આંખે જોઈ બોલ્યા — ‘તારે જવું હોય તો હું મરવા દઉં પછી!’

— હું એમ નથી કહેતી. આપણે સાથે જ જઈએ!… એમની આંખોમાં પશુનું ખૂન્નસ ઊભરી આવ્યું — ‘આખા ગોંમ વચીં નેંચો દેખાડવો છં મનં? કોંમે વળ છોંનીમોંની! બૈરાં પંચાત કૂટશીં તો ભાયડા ચ્યાં જશીં?’… ગયા. મેંય ન વાળ્યું પછી. નહિ જાઉં તોય શું ખાટું-મોળું થઈ જવાનું છે? નહાઈને બહાર આવી ત્યાં જ બે છોકરીઓ આવી — ‘બેન તમને બોલાવે!’

— તબિયત ઠીક નથી. નહિ તો આવત!

— બેને કહ્યું છે ને કે દશ મિનિટ માટેય આવો! જોખમ જાણતી’તી. પણ આગ્રહ સામે ઝૂકી જ જવાયું. ‘જાઓ આવું છું. તમ સરખા ગલગોટા બોલાવે ને ન આવું?’ બનતી ત્વરાએ તૈયાર થઈને ગઈ. શાળામાં અરધું ગામ તો હશે જ. મોટાભાગના તો પુરુષો જ પણ! સૌની નજરોથી વીંધાતી હું મંચ પાસે ગઈ. મને જોઈ મારા વર અંદરથી ધૂંધવાઈ ગયા હશે. બધાંની હાજરામાં શું કરે પણ? તોય મેં તરલિકાબહેનને કહી જોયું — ‘એમને હાથે ધ્વજવંદન કરાવો તો સારું!’ આચાર્ય પણ એવું જ ઇચ્છતા હોય એવું લાગ્યું. બેન ન માન્યાં પણ! રોકડો સવાલ! ‘સરપંચ તમે છો કે કાંતિભાઈ?…’ મૂંઝાઈને બેઠી રહી. સાચું કહી દેતાં સંકોચ નડતો’તો. બહેન કેવું ધારે?… એટલે પછી હિંમત રાખી ધ્વજવંદન કરાવ્યું. તરલિકાબહેને મારો પરિચય આપ્યો. હું આવડ્યું એવું બોલી. મને આવેલી જોઈ થોડીએક સ્ત્રીઓ વરંડા પાસે આવી ઊભેલી. બેને એમને અંદર બોલાવી. સંકોચાતી એ આવી. મને એથી સારું લાગ્યું. અચાનક જ મારી નજર પુરુષોની બેઠક ભણી ગઈ. મારા વર નહોતા! સહન ન જ થયું ને આખરે!… કાર્યક્રમ સરસ ચાલતો’તો પણ મન જ ન લાગ્યું. બેનની રજા લઈ ઘેર આવી. ભરી બંદૂકે તૈયાર હતા.

— બૈરાની જાત જ સાલી નપાવટ! આખા ગોમ વચીં આબરૂ કાઢી મારી!

— તમારી આબરૂ જાય એવું મેં શું કરી નાખ્યું?

— ના કર્યું હોય તો કર… પેલી મે’તીના વાદે ચડી છે એની ખબર છે.

— મને ભલે ગાળ આપો. પણ બેન વિશે એલફેલ ન બોલો, ભૈસાબ!

— ચ્યમ? એ રાંડ તારી વાલેશરી છં? તાલ આવે એટલી વાર છં!

— એ મહેતીને ગોંમાંથી વહેતી ના કરી દઉં તો હું મગન રાંમાનો કાંતિ નહિ!…

થૂંક ઉડાડીને ગયા. બીજું કરેય શું? પાછા કહે છે, બેનને ખબર પાડી દઈશ… ખબર પાડવી તો દૂર, નજર ઊંચી કરીને જોઈ તો જુઓ! એમને શું પણ? બોલવું જ છે ને?

ચારેક દિવસ પછી પાછું નિશાળેથી તેડું આવ્યું. સસરાજીને લઈને અમારા વહીવટદાર દવાખાને ગયેલા. નાછૂટકે મારે જવું પડ્યું. મેદાનમાં મોટું ટોળું જમા થયેલું. વાતમાં કશો દમ ન મળે. કાગનો વાઘ થયેલો. મોહન રેવા છોકરાની ફરિયાદ લઈને નિશાળમાં ગયેલો. આચાર્ય હાજર નહોતા. ફાવે એમ બકતો હશે એટલે તરલિકાબહેને એને ધમકાવ્યો. પછી તો એ ગાળો બકવા લાગ્યો. બહેન ચલાવી લે? લાફો લગાવી દીધો. મોહને ભાગોળમાં આવી ટોળું ઊભું કર્યું — ‘મહેતી બઉં ફાટી છં એને કાઢોં બસ!’… મેં ટોળાને વિખેરી નંખાવ્યું. મોહનનેય સંભળાવ્યું — ‘બેનને કાઢવાવાળા તમે કોણ છો? એમને તમે નોકરી આપી છે કે સરકારે? સરસ્વતીના ધામમાં આવી તમે વિવેક ચૂક્યા એનું શું?…’ માંડ-માંડ બધું થાળે પાડી હું આવી. ઘેર પણ વાત ન કરી. ચોળીને ચીકણું કરવાની શી જરૂર? મોહન પાછો સસરાજીનો જ સાગરીત. પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છે. સખણો રહે એ વાતમાં માલ નહિ… થયુંય એવું જ. એક સાંજે મારા વર હાથમાં કાગળ લઈ મારી પાસે આવ્યા — ‘લે, આમાં સહી કર!’ હું સફાઈ કરતી’તી. એટલે કહ્યું — ‘મૂકો. કરું છું પછી!’ કાગળ પલંગમાં મૂકી સ્મિત કરીને ગયા. મને કશુંક ભેદી જણાયું. તરત કાગળ જોયો. વાંચીને તો પગ તળેથી જમીન ખસકી ગઈ. આવી નીચતા? આવું છળ?… આ લોકો તો સાવ અધમ નીકળ્યા. સીધા રસ્તે ન ફાવ્યા એટલે કેવો હલકો માર્ગ શોધી પાડ્યો! તરલિકાબહેન ચરિત્રહીન છે? કન્યાઓના સંસ્કાર બગાડે છે?… તરલિકાબહેનની હાકલપટ્ટી માગતી અરજીમાં મારે સહી કરવાની?… મારી સહી થશે એટલે નીચે બીજી સહીઓ પણ થવાની… એક સુશિક્ષિત અને સંનિષ્ઠ મહિલાને ગામમાંથી કાઢવામાં હું નિમિત્ત બનું?…

— કોકિલાબેન!… જોયું તો તરલિકાબહેન જ આવી ઊભાં’તાં.

— આવો…. આવો બેન!

— બેન, શું આ વાત સાચી છે?… બેન સાવ ઢીલાંઢફ હતાં. વાઘ જેવી લેખાતી બાઈ આટલી પોચટ? એનો વાંક નથી પણ! આ તો અમને સ્ત્રીઓને સદીઓથી મળેલા સંસ્કારો. ચારિત્ર્યનો સવાલ આવે એટલે હથિયાર રાખી દેવાં!… મેં એમને સધિયારો આપતાં જણાવ્યું કે અરજી થઈ છે એ વાત સાચી છે પણ, તમે ચિંતા ન કરતાં બેન! આપણે છેક સુધી લડી લઈશું!

— પણ… પણ આ લોકો તમને હેરાન કરશે તો? નાહક મારે માટે થઈને તમારે શું કામ આફત વહોરવી જોઈએ?

— તમે ને હું જુદાં છીએ બેન?… ખોટું એ તો ખોટું જ છે ને? ખોટાનો સાથ તો દેવાય જ કેમ?

— પણ બેન! તમને તકલીફ થાય એવું કશું ન કરતાં. સહી કરશો તોય મને ખોટું નહિ લાગે!

— પણ મને પોતાને લાગશે એનું શું, બેન?… પણ ઊભાં કેમ છો બેન! બેસો, હું ચા બનાવું!

— ના બેન! હું જાઉં… એમને વધારે આગ્રહ ન કરી શકી. આવ્યાં હતાં એમ જ ઢીલે પગલે તરલિકાબહેન ગયાં. પાછી હું એકલી પડી. મારા જ ઘરમાં મને જાણે બીક લાગવા માંડી. અંધારું વધવા લાગ્યું. મેં ફરીવાર અરજી વાંચી. સહી ન કરવાની વાત તો કરું છું, પણ પરિણામ જાણું છું?… બરડો સુઝાડી દેશે!… એમનો ગુસ્સો ક્યાં અજાણ્યો છે?… કોઈકના માટે થઈને મારા જ ઘરમાં શું કામ હોળી સળગાવવી?… પણ… તરલિકાબહેન ઓછાં ‘કોક’ છે? … મારું ને એમનું દુઃખ ક્યાં જુદું છે? … ના! સહી તો નહિ જ કરું… ધરાર ખોટી વાતમાં હામી શી રીતે ભરવી? … પતિ હોય તો વહેવારે… પણ આ મુદ્દે તો હું બેન બાજુ છું…

અરજી ઓશીકે મૂકી કામે વળી… કામમાં ચિત્ત જ ન ચોંટે પણ! વળી-વળીને થાય કે, અરજી ફાડીને કટકા કરી નાખું! પણ ‘એ આવીને માગશે તો શું આપીશ?’

મોડેથી એ આવ્યા, હું મનથી તૈયાર હતી. ઊલટથી જમવા બેસાડ્યા. સંભાર્યા વિના તો રહે? અરજી? મેં કહ્યું — ‘પહેલાં શાંતિથી ખાઈ લો. મોઢા સામે તો જુઓ! કેવા ઓગળી ગયા છો…! ખાવા માંડ્યા. મને એમ કે, પ્રેમથી પતી જાય એના જેવી મજા નહિ. કંકાસ તો બળ્યો કોને ગમે? … ઘરમાંથી આ પટલાઈ નહિ જાય ત્યાં સુધી જયવારો નથી. પણ બાપ ને દીકરો માને જ ક્યાં છે? ઓછું હતું ને ભેગી હું… સરપંચ હોઉં નહિ ને તરલિકાબહેન પાછળ પડેય નહિ. ના. પણ બેનનો ક્યાં વાંક છે? પાડાને વાંકે પખાલીને ડામ દેવાય એ તો કેમ ચાલે?’

ઓડકાર ખાઈ કહે — લાય તો અરજી!

— ઓશીકે મેલી છે. લઈ લો! બોલતી વખતે ફડક તો હતી જ.

જોઈને બોલ્યા — ‘ઓંમાં સહી તો કરી નહીં!’

‘નથી જ કરી તો!’

— લે, કરી દે… એમને તો ક્યાંથી સમજાય?

— આમાં સહી કર્યામાં મજા નથી. મેં કહ્યું… અવાજ ધ્રૂજી ગયો.

— ચ્યમ?

— આવો આક્ષેપ મૂકવામાં તો આપણે જેલના સળિયા ગણવા પડે. આ તો સરકારી કર્મચારી. પાછી સ્ત્રી!

— માદરબખત! હામું ચપચપ બોલે એટલા ખાતર તને સરપંચ બનાઈ’તી? બરડા પર વાગેલો મુક્કો એવો જોરુકો હતો કે હું તો બેવડ વળી ગઈ!

— નહિ કરું! મારી-મારીને તોડી નાખશો તોય આમાં તો સહી નહિ જ કરું…! કાંઈક સાચું તો હોવું જોઈએ ને!

— મારી તો નહિ નોંખું ને… …માં મરચું ભરે… નેંકળ… બા’ર નેંકળ. મારું કીધું ના કરવું હોય તો ભર બિસ્તરો હેંડ!

— તમે મારી વાત તો સાંભળો.

— મારં કશું હાંભળવું નથી. તું નેંકળ બસ!

— આ ઘર જેટલું તમારું છે એટલું જ મારું છે!

— મારીની માશી! ફોતરું ફેરવી નોંખીશ હા. કહી એમણે મને ધક્કો માર્યો.

— નેંકળ! આવું વંઠેલું બૈરું મારા ઘરમાં ન જોઈએ!

— બૂમો ના પાડશો. ભાઈસા’બ! વાસમાં સહુ સાંભળે છે!

— હાંભળે તો હમણાં કહું ઈના મારી!… તું સહી કર કાં તો બિસ્તરા બાંધ! નાલાયકનં આંગળી આલી એકઅ્ પોંચો કૈડયો! સરપંચપણું કરવા હેંડ્યાં છં! … લે, કરં છં કં, લાકડી લઈ આવું માંયથી?

એમની આંખોમાં પશુનું ખૂન્નસ ઊભરી આવ્યું.

મારા સંકલ્પો બરફ જેમ ઑગળતા કળાયા. હું… મારું ઘર… પિયર… સંતાનો… ગોળ ને મારી આબરૂ… મેં પેન લેવા માટે ધ્રૂજતો હાથ લંબાવ્યો.