ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ રાઠોડ/વિપર્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિપર્યાસ

પારુલ રાઠોડ

ઑફિસેથી આવીને થોડી વાર આરામ કરી તે હીંચકા પર બેઠી. આ તેનો નિત્યક્રમ હતો. હળવાશભરી આ ક્ષણોમાં સૂર્યાસ્ત અને ચંદ્રોદયની લીલાને તે રસપૂર્વક જોયા કરતી. દોડાદોડી કરતાં બાળકો જેવા આ સાંધ્યરંગો, ગુલમ્બોર શો રતુંબડો થઈ ડૂબી જતો સૂરજ, રાતરાણીની સુગંધ લઈને આવતો ચંદ્ર, ઘેરાતા જતા અંધકારમાં તારકગણ શાં ચમકતાં મધુમાલતીનાં ફૂલો, રોજ માની જેમ તેના પર વહાલથી હાથ ફેરવતાં શીતળ ચંદ્રકિરણો — કોણ જાણે કેમ પણ આજે આ બધું તેને અકળાવતું હતું.

ઘરમાં તેણે નજર ફેરવી. આ ઘરને તેણે પોતાની પસંદગીથી ગોઠવ્યું હતું. કહો કે સજાવ્યું હતું. સામે ફ્લાવરવાઝમાં તાજાં પઘમઘતાં રજનીગંધા-ફૂલો. ખૂણામાં શો-કેસમાં ગોઠવાયેલાં પુસ્તકો. તેની પાસે જ એની મનપસંદ રોકિંગ ચૅર, કૅસેટપ્લેટર, ટી.વી., તેના અતિપ્રિય સાથીદાર શો, ઘેર મિસ્ત્રી બેસાડીને પોતે ડિઝાઈન આપીને બનાવરાવેલો હીંચકો, ઑફિસેથી આવીને રવીન્દ્ર સંગીત કે પંડિત જસરાજને સાંભળતાં સાંભળતાં હીંચકો પર બેસી તે આકાશના બદલાતા રંગોને જોયા કરતી. ખીલતી આવતી મધુમાલતી અને રાતરાણી, મોગરો અને જૂઈની સુગંધના દરિયાની છાલકમાં તે ભીંજાતી અને ઑફિસનો બધો જ થાક ઓળંગીને ક્યાંય વહી જતો. એની સવાર હંમેશાં તાજાં ખેલેલાં મોગરાનાં ફૂલ જેવી ઊગતી. સવારે તે વાંચતી અને િચ્છા થાય તો ડાયરીમાં કશુંક ટપકાવતી. પહેલી નજરે જ મનમાં વસી જાય એવું આ ઘર તેણે વર્ષોથી સેવેલી ઝંખના મુજબ વસાવ્યું હતું. આમેય એને પહેલેથી વિશિષ્ટથી સહેજ પણ ઓછું-ઊણું ફાવ્યું નથી. એટલે જ જીવનના ધોરી રાજમાર્ગને છોડી તે દોડી આવીહતી આ કેડી પર. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાં તે વાઇસ ચેરપર્સન હતી. ઘર અને બહાર બધે જ તેનું એકચક્રી સામ્રાજ્ય હતું. બધા જ તેનો પડ્યો બોલ ઝીલતાં અથવા કહો કે ઝીલવા તૈયાર રહેતાં. ‘ગુડ મૉર્નિંગ’, ‘મોર્નિંગ’ કહેતી તે ઑફિસમાં પ્રવેશતી અને ‘કુલકર્ણી’, આ ફાઇલ સાંજ સુધીમાં તૈયાર થઈ જવી જોઈએ, યસ, મેડમ, મારી ઍર-ટિકિટ આવી ગઈ? યસ મેડમ, વિશાલ ફૂડ કંપની વિશે આપણે માહિતી મંગાવી હતી તેની આ ફાઇલ છે. સરસ, ગુજરાતની બધી જ ફૂડ કંપનીઓને આ આવેદનપત્ર મોકલી આપો, યસ મેડમ… સ્વતંત્ર રહેતી હોવા છતાં ઘરમાં પણ તેને પૂછ્યા વિના મહત્ત્વના નિર્ણયો ન લેવાત. માનસીબહેનને પૂછી જુઓ, એ કહે એમ કરો. જ્યારે લોપાને ત્યાં તો…

લોપા, મારું નાહવાનું પાણી મૂક્યું? લોપા, મારો ટુવાલ ક્યાં? મમ્મી, મારી હોમવર્કની નોટ ખોવાઈ છે. હવે હું સ્કૂલે કેમ જાઉં? હજી ચા નથી બનાવી? તને ખબર તો છે કે મારે નવ વાગ્યે પહોંચી જવાનું હોય છે, મમ્મી… જો આ અપુડો મને મારે છે… મારીશ, મારીશ, જા, મારી પેન્સિલ કેમ લઈ લીધી?… શ્રુતિના રડવાનો અવાજ. લોપા, જો આ બંને કેમ ઝગડે છે? હું ઘરમાં હોઉં એટલી ઘડીય તું એને શાંત રાખી શકતી નથી! ને મારું ઘડિયાળ આપ તો જલદી! મારે મોડું થાય છે. પપ્પા, મારી નોટબુક લાવવાની છે. મમ્મીને કહેજે બેટા, એ લાવી આપશે… ભઈલો નહીં, પહેલાં હું નાઈશ. ના, આ ફ્રોક નથી પહેરવું. એને ઇસ્ત્રી નથી… આટલી ટેણકીને વળી, ઇસ્ત્રીવાળાં કપડાં જોઈએ છે, અપૂર્વે શ્રુતિની ચડીવી જીભડો કાઢ્યો. શ્રુતિએ સામો જીભડો કાઢ્યો અને બંને ફરી મારામારી પર આવી જાય તે પહેલાં લોપાએ છૂટાં પાડ્યાં, તૈયાર કર્યાં અને સ્કૂલરિક્ષા આવતાં વિદાય કર્યાં.

માનસી તો સ્તબ્ધ બનીને જોઈ રહી. ક્યાં પેલી મોગરાના ફૂલ જેવી સવાર અને ક્યાં અહીં ઘડીક વિવેક ને ઘડીક અપૂર્વ-શ્રુતિ પાછળ દોડાદોડી કરતી હલોપા. શ્વાસ પણ લેવાનો સમય નથી તેની પાસે.

‘શું કરું માનુ, ત્રણેયનો સમય એકસાથે અને કોઈનેય કશું જાતે લેવાની ટેવ નહીં. તું હીંચક પર બેસી છાપું વાંચ ત્યાં હું આ બધું ગોઠવી દઉં. તારે ચા પીવી છે ફરીવાર? તો બનાવી આપું.’

‘હા, પીવી તો છે. પણ તું બધું ગોઠવ. હું કાંઈ તારો વિવેક-અપુ નથી કે કશું જાતે કરી ન શકું. ચા તો હું બનાવીશ અને આફમે બંને નિરાંતે બેસીને વાતો કરતાં રેલિશ કરતાં પીશું. ઓ કે?’

‘મારાં એવાં ભાગ્ય ક્યાંથી? પણ માનુ, તને ચા બનાવતાં આવડે છે?’

‘હા લોપાજી, મને માત્ર ચા જ નહીં, રસોઈ પણ આવડે છે. કોઈના હાથની ચા અને રસોઈ મને નથી ગમતાં. એ બંને મને મારાં જ ટેસ્ટનાં જોઈએ. આ લોપા, આ રીતે તો તું બધાંને પરાધીન કરી દે છે. જાણે તારા વિના કોઈને ચાલે જ નહીં, અપુ-શ્રુતિ તો બરાબર પણ વિવેક પોતાની વસ્તુ જાતે લઈ ન લે?’

‘એ બધાં બધું જાતે જ લઈ લે તો પછી મારે શું કરવાનું? માનસી, આ બધાંની સોઈ-સગવડો સાચવવી, પૂરી પાડવી એ જ તો મારું જીવન છે. જેની સાથે પ્રેમની જોડાઈ છું એમનાં આ બધાં નાનાં-મોટાં કામ કરવાનો આનંદ આવે છે મને.’

હા, વિવેક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં તેણે. વાંકડિયા વાળવાળા, શાંત ઓછાબોલા આ યુવાનને જોઈને પહેલી વાર તેણે અનુભવ્યું હતું કે આ જ છે એ નાવિક, જે પાર ઉતારશે તેની નૈયાને, અને પોતાનું પરિચિત, વહાલસોયું વિશ્વ છોડીને, વિવેકનો હાથ પકડીને તે નર્યાં અપરિચિત જગતમાં પ્રવેશી હતી, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી. પાણીના રેલાની જેમ વહી ગયાં હતાં દસ વર્ષ. પહેલાં અપૂર્વ અને પછી શ્રુતિ. બે સુંદર બાળકોની મા હતી તે. વિધાતાની અંજલિમાંથી ટપકી પડેલા અમૃતબિંદુ સમું આ સુખ, માનસી શું જાણે એના સ્વાદને? કશાય કોલાહલ વગર, સિતારના શાંત સૂરોની અનુગૂંજ જેમ વહેતા ા જીવનનો લગીરેય અનુભવ એને ક્યાં છે? એનું જીવન એટલે તો એકાકીપણું, ટેન્શન અશાંતિ, દોડધામ…

એ ક્ષણે જ તેની સામે તરવરી ઊઠ્યો માનસીનો આત્મવિશ્વાસથી છલકતો ચહેરો. આંખોમાં બુદ્ધિની આભા. આગામી વર્ષોમાં ઊભી થનારી ખાદ્યાન્નની તંગીને કેમ પહોંચી વળાશે? એ પ્રશ્નની વિચારણા માટેની મિટિંગમાં આવેલી માનસીને મળવા તે ગઈત્યારે તેણે જોયું તો પૂરી તન્મયતા અને એકાગ્રતાથી માનસી પોતાનો મુદ્દો સમજાવી રહી હતી. એને સાંભળી રહેલા બધા ઑફિસર્સ જાણે ક્લાસ રૂમમાં બેઠા હોય એટલી શાંતિથી તેને સાંભળતા હતા. તેનું વક્તવ્ય પૂરું થયું અને પ્રશ્નો પુછાયા ત્યારે પણ કેટલી સ્વસ્થતાથી એકએક કરીને બધાના જવાબ આપ્યા હતા માનુસીએ. અને પછી તો અભિનંદનની વર્ષા વચ્ચે, કોઈની સાથે હાથ મિલાવતી તો કોઈને ગરદન ઝુકાવીને સ્મિત આપતી માનસી આખરે તેની પાસે આવી પહોંચી હતી. ‘બોલ, મને તારે ઘેર ક્યારે લઈ જાય છે?’, ‘અત્યારે જ’ લોપાએ ઉમળકાથી કહ્યું હતું ‘પણ તને પાછી નહીં જવા દઉં, મારે ઘેર એક અઠવાડિયું તો રોકાવું જ પડશે.’ માનસી રોકાઈ હતી પણ માત્ર એક દિવસ, અને આ ચોવીસ કલાકમાં તો જાણે દસેય દિશાઓમાંથી વાદળો ગડગડાટ કરતાં ધસી આવ્યાં હતાં. અપૂર્વ અને શ્રુતિ તો પૂર્વજન્મની ઓળખાણ હોય તેમતેને વળગી પડ્યાં હતાં અને વિવેક પણ…

એકવાર તેણે વિવેકને નોકરી કરવા વિશે કહ્યું હતું. વિવેક પ્રેમભર્યા અવાજે તેની આંખોમાં જોઈને કહ્યું હતું. ‘જો લોપા, હું માનું છું કે નોકરી કરતી સ્ત્રી ઘર ન સાચવી શકે. એ ઘર અને ઑફિસ વચ્ચે વહેંચાઈ જાય. રહેંસાઈ જાય. અને મારે મારા આ નાજુક ફૂલને એમ કરમાઈ જવા નથી દેવું. હું છું ને પછી તારે શી ચિંતા છે?’ સારું લાગ્યું હતું લોપાને. બગીચાનાં મખમલી ફૂલોની જેમ વિવેકે તેની આજુબાજુ રચેલી મહેંદીની વાડમાં તે સુરક્ષિત હતી. એ જ વિવેક આજે માનસી સાથે ચર્ચાકરે છે સ્ત્રીની સ્વતંત્રતા ને સ્વાધીનતા વિશે, એના બિઝનેસ અને રાજકારણમાં સંકળાવા વિશે, સાહિત્ય વિશે. ખડક પરથી પડતા ધોધની જેમ વહે છે વાતોનો અવિરત પ્રવાહ. લોપાને લાગ્યું કે તે તણાઈ જશે. એક એક ઈંટ ખસતી જાય ચે અને… ત્યાં જ માનસીની બૂમે તેને બચાવી લીધી. ‘ઓ રસોડાનાં રાણી, હવે બહાર પધારો જરા…’

હા, એ રાણી જ હતી; ભલે રસોડાની. વિવેકને સરસ જમવાનો અને મિત્રોને જમાડવાનો શોખ. વળી, તેને હોટલમાં જમવાનું ન ગમે. એટલે લોપાએ સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનિઝ બધી જ ડિશીઝ બનાવતાં શીખી લીધી હતી. વિવેક તેની રસોઈની પ્રશંસા કરતાં થાકતો નહીં, લોપા ખુશખુશાલ થઈ જતી. ક્યારેક ઢોંસા-ઇડલી, ક્યારેક ચાઇનિધ તો ક્યારેક વળી, ટ્રેડિશન સ્ટાઇલથી કેળનાં પાન પરનું ભારતીય ભોજન. વિવેકની ઇચ્છા મુજબ લોપા આનંદપૂર્વક બધું જ બનાવતી. ભાભી, તમે જો હોટલ ખોલો તો આ શહેરની બધી જ હોટલ બંધ થઈ જાય… મારે તમારી પાસે ચાઇનિઝ શીખવા તો આવવું જ પડશે… મિત્રો અને મિત્રપત્નીઓના આ શબ્દો સાંભળીને વિવેક એવી રીતે લોપા સામે જોતો કે લોપાને લાગતું. આખુંય આકાશ એની હથેળીમાં છે. વળી, વિવેકને લોપા વિના એક ક્ષણ ન ચાલે. તેને ન જુએ તો આકુળ-વ્યાકુળ થઈ જાય. પડોશીે ત્યાં દસ મિનિટ વાતો કરતી બેઠી હોય ત્યાં વિવેકનું તેડું આવે, ‘હું ઘરમાં હોઉં ત્યારે તારે ક્યાંય નહીં જવાનું.’ ઊંડા સંતોષ અને સંયત ગર્વથી લોપા આ સાંભળીને મલકતી. આ બધું યાદ આવતાં તેના ચહેરા પર મલકાટ વ્યાપી ગયો હતો. તેણે વિચાર્યું કે માનસીને તે સંભળાવશે ઊડતાં રંગીન પતંગિયાં જેવી દાંપત્યપળોની આ સુખભરી વાર્તા. એ સંતોષ અને ગર્વથી છલોછલ થતી લોપા માનસીે પ્રશ્ન પૂછી બેઠી હતી. ‘તેં લગ્ન કેમ ન કર્યાં, માનુ?’

ખડખડાટ હસી દઈને માનસીએ જવાબ આપ્યો હતો, ‘તારી જેમ કોઈની સાથે પ્રેમ ન થયો માટે.’

એવું તો નહોતું કે કોઈની અથાગ — ઊંડી આંખોની જળજળ ચમકે તેને આકર્ષી નહતી કે પછી એનું હૃદય પણ દોલાયમાન થઈને ઝંકૃત થયું જ ન હતું. પણ એ જે રીતે કોઈ વિરલ ક્ષણે સધાયેલા લક્ષ્ય તરફ, તેની દિશામાં ગતિભેર આગળ વધી રહી હતી તેમાં પેલું હૃદયનું દોલાયમાન થવું અને આંખોનું અતલ ઊંડાણને… ને… એવું બધું તણખલાંની જેમ ક્યાંય ઊડી ગયું હતું. અને પચી તો તેની સાથે કદમ — બદમ તાલ મિલાવીને ચાલી શકે — જીવી શકે, હાથ લંબાવીને એનો માર્ગ રોકી શકે — એનું કોઈ જીવનમાં પ્રવેશ્યું જ ક્યાં હતું? કેટલાંય પગલાં પાછળ રહી ગયાં હતાં અને પાછું વાળીને જોવાનો તો સમય જ ક્યાં હતો માનસી પાસે? હા, એ એકલી હતી પણ એખલવાયી ન હતી. તેનું એકાંત, તેની એકલતા તેને વધુ ને વધુ સમૃદ્ધ કર્યે જતાં હતાં, પહાડના જે શિખરે તેણે પગ મૂક્યો હતો તેની ઊંચાઈ, ભવ્યતા અને વિશાળતાનો પણ એક નશો હતો. વિશાળ અવકાશમાં સાગના વૃક્ષની જેમ ઊંચે ને ઊંચે ચડ્યે જતી તેની દૃષ્ટિ, પેલાં પાછળ રહી ગયેલાં ભરચક વનોનાં વૃક્ષોને છેક નીચે ક્યાં છોડી આવીતેની એને ક્યાં જાણ હતી?

સાંજે ફરવા જતાં માનસીએ નવા — નિરાળા જ રૂપનો અનુભવ કર્યો. વિવેક — લોપા, અપૂર્વ અને શ્રુતિ — પહેલી નજરે જોતાં એક સાધારણ એવા પરિવારની પહેલાં ક્યારેય સાંભળી, સાંભળી તો શું, જાણીય ન હતી એવી સિમ્ફનીએ માનસીને તરબતર કરી દીધી હતી, એક હાથમાં અપુ અને બીજા હાથમાં શ્રુતને લઈને દોડતાં વિવેકને તે જોઈ રહી હતી. એ ત્રણેયને જોતી લોપાના ચહેરા પર લાલ ગુલાબની ભરી ભરી રતાશ હતી. આછા આસમાની રંગની ભોંય અને સફેદ રેશમી હીરથી ભરેલી કિનારીવાળી સાડી લોપાએ પહેરી હતી. સેંથીમાં આછોતરું કંકુ ને ગળામાં મંગળસૂત્ર. ‘વિવેકને ગમે છે’ — લોપાએ માનસીની નજર નોંધતા કહ્યું હતું.

‘અને તને?’ માનસી તીવ્ર સ્વરે પૂછી બેઠી.

‘વિવેકને ગમે એ બધું મને ગમે. પણ માનુ, તું ક્યારેય સાડી નથી પહેરતી?’

‘સાવ એવું નહીં. ક્યારેક પહેરી પણ લઉં. પણ સાડી સાથે ચાંદલો, બંગડી,ચેન વગેરે વગેરે જોઈએ જ એવું કશું નહીં. લોપા, આ બધાંને મેં જિંદગીમાં ક્યારેય મહત્ત્વ આપ્યું નથી. પણ આજે તું સાચ્ચે જ આ સાડીમાં શોભે છે.’

‘સાડી તો તને આ સરસ લાગે. તેં આજે પહેરી હોત તો!’

‘ના રે ના, મને તો મારો પંજાબી ડ્રેસ જ મુબારક. સાડી એ ખરેખર તો અવૈજ્ઞાનિક અને સ્ત્રીઓ માટે એકદમ પ્રતિકૂળ ડ્રેસ છે. ન બસમાં ચઢતાં ફાવે, ન સ્કૂટર ચલાવતાં ફાવે અને સાડી પહેરીને રસોઈ તો કરાય જ કેવી રીતે? વળી, આજે તો આપણે ચોપાટી પર જવાનાં છીએ, સમુદ્રનાં મોજાં સાથે ઊછળવાનો આનંદ તું સાડીમાં તો માણી જ કેવી રીતે શકે?’

‘પણ હું તો કાંઠે રેતીમાં જ બેસીશ. વિવેકને હું એમ સમુદ્રમાં ભીંજાઉં તે નથી ગમતું.’

અને દૂર રેતીમાં બેસીને લોપાએ દરિયાનાં મોજાં સાથે ઊછળતાં — કૂદતાં વિવેક, અપૂર્વ, શ્રુતિ અને માનસીને જોયાં કર્યાં હતાં. એકવાર તો માનસી તેને ખેંચી લાવી હતી દરિયા પાસે પણ વિવેકની ક્ષણાર્ધમાં બદલાયેલી આંખો જોઈ લોપાએ પોતાનો હાથ સેરવી લીધો હતો અને એક અસીમ અવકાશમાં…

એ નહોતી ઇચ્છતી તો ચહેરા પરના ખીલની જેમ એ સ્મરણ ઊપસી આવ્યું તેના મન-ચક્ષુ સાેમ. મિત્રપત્નીઓ સાથે છૂટથી મજાક-મશ્કરી કરતો વિવેક લોપા કોઈની સાથે સહેજ પણ છૂટથી બોલે એ સહન કરી શકતો નહીં, તેના આ સ્વભાવને જાણતી એણે પોતાની આસપાસ એક આવરણ રચી દીધું હતું. પણ એક વાર વિવેકના જન્મદિવસની રાત્રિએ એની અંદર રહેલી ઉન્મુક્ત સ્ત્રી પ્રચંડ વેગથી વિવેક તરફ ધસી ગઈ હતી. પણ વિવેકની આંખોમાંના પ્રશ્નાર્થ અને મૂંગો અણગમો જોઈને એ ઓટના દરિયાની જેમ દૂર ફંગોળાઈ ગઈ હતી. એ પછી દિવસો સુધી પોતે…

પવનની આછી લહેર અડતાં હોલવાતી ધૂણી પ્રજળી ઊઠે એમ જ છતું થઈ ગયું હતું તેની સામે એક સાવ અનાવૃત કારમું સત્ય. આજ સુધી એણે જે કાંઈ કર્યું હતું તે બધું માત્ર વિવેક માટે. એને કેન્દ્રબિંદુ બનાવી એક નાનકડા વર્તુળમાં તે દસ દસ વર્ષોથી ઘૂમતી રહી હતી. જીવનની શ્રેષ્ઠ પળો આ જ છે અને વિશ્વની સૌથી સુખી સ્ત્રી પોતે જ છે, એવું માનતી અને ક્વચિત્ મનાવતી રહી હતી. આજે સાવ અચાનક, એક નાની એવી ઘટના પછી, પોતે પણ ધાર્યું હોત તો શું માનસી જેવી ન બની શકત — એ પ્રશ્ને વીજળીની જેમ એના ચિદાકાશને ઊભું ચીરી નાખ્યું. એવું નહોતું કે માનસી લોપા કરતાં વધારે હોશિયાર હતી. લગભગ બંને આગળ પાછળ જ રહ્યાં હતાં. વક્તૃત્વસ્પર્ધામાં તો લોપા જ પહેલી હોય અને માનસી એના પછી તરત. આજે તો માનસી એનાથી એટલી બધી આગળ છે કે… માનસીએ તેને કહ્યું હતું, ‘યાદ છે લોપા, કૉલેજના મેદાનમાં અમલતાસના ઘટાદાર વૃક્ષની નીચે ઊભાં રહીને આપણે ભવિષ્યનાં સ્વપ્નો જોતાં ત્યારે તું કહેતીઃ ‘હું ખૂબ ખૂબ ભણીને વિદ્વાન અધ્યાપક બનીશ. દેશના યુવાનોનું ભાવિ ઘડીશ…’

લોપાએ જોરથી માથું હલાવ્યું. આમ માથું હલાવતાંની સાથે જ પાકેલા બોરની જેમ બધા જ વિચારો ખરી જાય તો કેટલું સારું? પણ ના, તે તો ડૂબી રહી હતી ઊંડે ને ઊંડે, કશોક આધાર મળે તે માટે તેણે ચારેકોર ફાંફાં માર્યાં… તો વિવેક એના ધંધામાં રોકાયેલો હતો. અપૂર્વ મિત્રો અને ક્રિકેટ રમવા ગયો હતો, શ્રુતિ એની રૂમમાં નૃત્યની પ્રેક્ટિસ કરી રહી હતી.

તેને થયુંઃ જેને ધૂપછાંવ રંગની નવપલ્લવિત મહેંદીની વાડ માનતી હતી તે નરી કાંટાળા તારની વાડ તો નથી ને? તો અહીં સાચું શું છે આ… આ… વિવેક — અપુ — શ્રુતિથી રચાયેલો હૂંફાળો માળો કે પેલું, અસીમ ઉડ્ડયન માટે નિમંત્રિત કરતું નિરવધિ આકાશ?

માનસીએ આકાશ સામે જોયું. ઘડીપળ એ નાનાં નાનાં મદનિયાં શાં વાદળોથી ગોરંભાતું હતું તોવળતી પળે પાદળોનું એ દળકટક વિખેરાવા પણ લાગતું હતું.

લોપાના હર્યાભર્યા સંસાર વિશે વિચારતાં જ તેને અપુ અને શ્રુતિ યાદ આવ્યાં. માની બહેનપણી તે માસી, કહીને કેવાં તેની આગળપાછળ વીંટળાઈ વળ્યાં હતાં. લોપાએ કહ્યું કે મારી બહેનપણી આવવીને છે એ વાત પહેલાં તો એ માનતાં જ ન હતાં. મમ્મીને કે કાંઈ બહેનપણી હોય? સવારે તેને જોઈ શ્રુતિ વિસ્ફારિત આંખે તેને તાકી રહી હતી. બાપ રે, આવડાં મોટાં બહેનપણી! લોપાની સાડીનો પાલવ ઓઢીને સંતાયેલી શ્રુતિને જોઈને તેને આપોઆપ વહાલ ઊભરાઈ આવ્યું હતું અને શ્રુતિને ઊંચકી લીધી હતી. પછી તો અપૂર્વ પણ આવીને ઊભો રહ્યો હતો. એના હાથમાંનું બેટ લઈને માનસીએ લેઈટ કટ મારવા કર્યું એ જોઈને કહે, માસી, મારી સાથે રમશો? બોલો, હું તમને એક ઓરમાં બેવાર આઉટ કરી દઉં તો! મારવી છે શરત? પણ શ્રુતિ એના પહેલા પરિચયનો હક જતો કરે એમ ન હતી. કહેઃ માસી, મારી ડ્રોઇંગબિક જુઓ। મેં ગોયરો કરેલી ગર્લ દોરી છે. ના, પહેલાં તારી નહીં, પહેલાં મારી. હું તો આજે માસી પાસે જ સૂઈશ. માસી, મને તો બધી જ પોએમ આવડે છે, શ્રુતિને કશું જ નથી આવડતું. જા, જા, જૂઠાડા, જો. મને પોએમ આવડે છેઃ ‘વન ટુ, પિક અપ ધ શૂ’… આજે તો હું માસી પાસે જ તૈયાર થવાની. અને બાલસુલભ એ તોફાનમસ્તીના પૂરમાં અપૂર્વ અને શ્રુતિ સાથે એમના જેવડાં ને જેવાં બની જવાની એ ક્ષણો. એને લાગ્યું કે વસંત સાવ અણધારી — અચાનક આવી ચડી છે ને જાણે બગીચાનાં બધાં જ ફૂલો એકસાથે એને માટે ખીલી ગયાં છે. બધાં જ પંખીઓ ટહુકી રહ્યાં છે એકસાથે એને માટે ખીલી ગયાં છે. બધાં જ પંખીો ટહુકી રહ્યાં છે એકસાથે. આ ટહુકારને પોતાનો કરી લેવાની, સુગંધના એ ઊછળતા દરિયાને પોતામાં સમાવી લેવાની એક ટીસ જાગી ઊંડે… ઊંડે એના લગભગ થીજી ગયેલા અંતરતમમાં…

તેણે હીંચકાને ઠેસ મારી. હીંચકો જોરથી ચાલવા લાગ્યો. આકાશ સામે જોયું. આકાશ આખુંય ગોરંભાયું હતું. ઝૂલતા હીંકચા પરથી તે એકદમ જ કૂદકો મારીને ઊતરી ગઈ. પળભર એમ જ ઊભી રહી. પછી ડગલું દેતાં પગ ઊંચકાયો ને ડ્રેસિંગ ટેબલની દિશામાં વળ્યો. અવશપણે એણે એની સૌથી ગમતી, સાંત વાયલેટ કિનખાબમાં ઝીણી કાશ્મીરી ભરતની કિનારીવાળી સાડી પહેરી, લાંબા વાળનો અંબોડો વાળ્યો. બરાબર ચોકસાઈપૂર્વક બે નેણની મધ્યમાં શ્યામ ગુલાલનો ચાંદલો કર્યો. કંકુવાળી આંગળી લૂછવાનું કપડું શોધવાને બદલે દર્પણમાં જોતાં જોતાં જ સેંથા તરફ વળી. આછોતરા શ્યામગુલાલ કંકુભર્યા અપરિચિત જણાતા પોતાના સેંથા તરફ એ જોઈ રહી! (‘પરબ’ ૧૯૯૮માંથી)