ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન્ત રાવલ/ખોયડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખોયડું

સુમન્ત રાવલ

પ્રાણગઢમાં પ્રવેશો એટલે પહેલાં તૂટી ગયેલો દરવાજો આવે, દરવાજાના ફક્ત ખીલા રહ્યા છે. કાટ ખાઈ ગયેલા અને વળી ગયેલા, પથ્થરનું ચણતર અને તેના પરનું શિલ્પ કદાચ તમને ઘડી-બે ઘડી રોકી રાખે. પણ હવે તો તેય તૂટીફૂટી ગયું છે. નૃત્યાંગનાની અદાથી ઊભેલી, પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિઓ પણ હવે ઠેર ઠેર તૂટી ગઈ છે. તેના પર ચોમાસાના વરસાદને કારણે લીલ બાઝી ગઈ છે અને ફૂગ ચડી ગઈ છે. હા, એક જમાનો હશે જ્યારે તે નિયમિત સાફ થતી હશે. તેને જુદા જુદા રંગોથી રંગવામાં આવતી હશે… પણ હવે એ જમાનો નથી. ગામમાં એક રસ્તો સીધો જાય છે. રસ્તો ઊબડખાબડ છે. આ મુખ્ય રસ્તો છે. રસ્તામાં વચ્ચે ચબૂતરો આવે છે, બજાર આવે છે, અંગ્રેજ જમાનાની ‘ઈસ્કૂલો’ આવે છે. અને એક ચોકમાં એક ખખડધજ મકાન આવે છે. કહેવાય છે કે અહીં અંગ્રેજનું થાણું હતું. થાનદાર બેસતા. અત્યારના મામલતદાર કરતાં વિશાળ સત્તાઓ હતી. ગામલોકો તેને થાનદારની કોઠી કહેતા. બહારના ભાગમાં કચેરી અને પાછળ નિવાસસ્થાન. ઘોડાનો એક બિસ્માર તબેલો પણ છે. હવે તો નાનાં છોકરાંઓ ત્યાં જાજરૂ જવા બેસે છે. મોડી રાતે સ્ત્રીઓ પણ અંધારાનો લાભ લઈ લઘુશંકા કરી આવે છે.

થાનદાર માટે અહીં સવાર-સાંજ કુર્નિસ બજાવાતી. બે ઘોડાની બગી રહેતી. બજાર વચ્ચે કોઈ થાનદાર બગીમાં બેસી નીકળતા ત્યારે આસપાસની દુકાનોમાંથી વેપારીઓ નીચે ઊતરી ઝૂકી ઝૂકી સલામો કરતા હતા. થાનદાર કચેરીમાં બેસતા ત્યારે હવા નાખવાના પંખાની દોરી એક ગુલામ ખેંચ્યા કરતો, ક્યારેક ક્યારેક પાેસની ક્લબમાં ખાણીપીણીનો ‘પરોગરામ’ પણ થઈ જતો. મોડી રાત સુધી જલસો ચાલતો. અંગ્રેજ મેમો તેના હસબન્ડના ગળામાં હાથ ભરાવી નાચતી, સંગીતની તર્જ હવામાં વહેતી, મોડી રાત સુધી હાહાહીહી થતું રહેતું. ત્યારે?

હા, ત્યારે ત્યાં પાસેના મકાનમાં જટાશંકર મહાશંકર જોશીની આંખનાં ‘તેવર’ અધ્ધર ચડી જતાં. તે મોટેથી હરિઓમ્ હરિઓમ્ બોલવા લાગતાઃ કળિયુગ-ઘોર કળિયુગ… તે ધારે તો થાનદારના બાપને પણ ખખડાવી શકે તેમ હતા. અસલ બ્રાહ્મણનું ખોળિયું હતું. ફક્ત પ્રાણગઢમાં જ નહિ, આજુબાજુનાં વીસ ગામના લોકો તેમની પાસે હાથ જોડીને ઊભા રહેતા. તેમનું એક તૈલચિત્ર ગામની શાળામાં દીવાલ પર લટકાવ્યું છે. તેના પર પણ હવે ધૂળ ચડી ગઈ છે. કહેવાય છે કે આ શાળા બાંધવા માટે તેમણે કુલ ખરચાની અડધોઅડધ રકમ આપી હતી. પણ ત્યારની આ વાત અલગ હતી. ત્યારે તો વૈદ્ય જટાશંકર મહાશંકરને ઘેર ઘી-દૂધની નદીઓ વહેતી હતી. સમૃદ્ધિ સલામ કરતી હતી. આબરૂ આંગણામાં આળોટતી હતી. તેમનો ફોટો જોતાં આજના વિદ્યાર્થી પણ ‘તાજુબ’ થઈ જાય છે. આવું વિશાળ કપાળ, આવો પડછંદ દેહ, એંશી વર્ષની ઉંમરે આટલું તેજ. આટલી ખુમારી… મૂછોના આવા વીંછી જેવા આંકડા… આંખોમાં અમાપ શાંતિ… તેને જોઈને ભલભલા ખેરખાંઓને ઝૂકી જવું પડે તેમાં જરાય શંકા નહીં. વિશાળ ભાલપ્રદેશ, ભાલમાં ત્રિપુંડ અને પાછળ લાંબી શિખા… ગુસ્સે થાય ત્યારે સિંહની જણક તેમના ગળામાંથી નીકળતી હશે તેમ જોનારને સ્વાભાવિક લાગે.

બરાબર ચોકમાં જ તેનું ખોરડું, જોકે પ્રાણગઢના લોકો ખોરડાને ‘ખોયડું’ કહે છે. ગોરભાનું ખોયડું એટલે બસ વાત જ નો થાય? વીઘો એકનું લાંબું ફળિયું, ફળિયાની વચમાં તુલસીક્યારો. એક તરફ ગાયો-ભેંસો બાંધવાનું ગમાણિયું, અને બીજી તરફ ગોરભાની પૂજાની ઓરડી. પૂજાની ઓરડીમાં આગળ પોતીકું દવાખાનું. સામે ઊંચી ઓસરી, ઓસરીની દીવાલે કૃષ્ણલીલાના, રામલીલાના ફોટાઓની હારમાળા. આજુબાજુમાં બે મોટા ઓરડા, ફળિયામાં ઘેઘૂર લીમડો અને ઘણીવાર તો સાંજે ગોરભા લીમડા નીચે ખાટલામાં લંબાયેલા નજરે પડે, ફક્ત ધોતલીભેર. કોઈ બીમાર આવે તો નાનકડું ભાષણ પણ આપે કે લીમડા નીચેની હવા ખુલ્લા ડિલે લેવી જોઈએ એમ ચરકસંહિતામાં લખ્યું છે. સમજ્યો કાના! ફક્ત આહાર નહીં, વિહાર પણ યોગ્ય હોવા જોઈએ.

પાંચ વાગ્યે વૈદ્યરાજ જાગી જાય. સવારમાં ઠંડા પાણીએ સ્નાન કરવા નદીએ જાય. ત્યાંથી ચાલતા આવે. પૂજાપાઠ કરે. તેમના મંત્રોગ્ચાર સાથે ટોકરીનું ટણણણ સાંભળીને આડોશી-પાડોશીઓ આંખ ચોળે અને બગાસાં ખાય… ઊઠો, છ વાગી ગયા, ગોરભા તો નાહીધોઈને તૈયાર થઈ ગયા, જ્યારે આપણે ‘આળસુના પીર’ હજુ ઊંઘીએ છીએ… પછી ગાયો-ભેંસો દો’વાય, દૂધ થાય, માખણ ઊતરે, છાશ થાય, ગામનાં પચાસ ટકા કુટુંબોને ગોરભાનું ‘ખોયડું’ છાશ પૂરી પાડતું. દસ વાગે એટલે ઘેરથી માબાપ છોકરાને લોટો આપી તગેડી મૂકે, જો ગોરભાના ઘેર છાશ થઈ ગઈ હશે. માથે આંટીઆળી પાઘડી મૂકી ગોરભા બહાર નીકળે ત્યારે શેરીના છોકરા-છોકરી બારણાની પાછળ લપાઈ જાય, કોઈની ‘દેન’ નથી કે આડાં ઊતરે… કારણ કે ગોરભા રસ્તામાં જ પૂછેઃ લ્યા કોનો દીકરો?

કાના મેરનો! સામો જવાબ આપે.

ભણવા નથી જતો?

ના. અગર ડચકારો કરે.

ગોરભા કાન પકડે, ચાલ દફતર લઈ લે… ભણ્યા વગરના જીવતરમાં શું ટાંડી મૂકવી છે.

હાલ આગળ થા, અને છેક નિશાળ સુધી મૂકવા જાય, ઉપરથી માસ્તરને ‘ખાસ કેસ’ તરીકે સોંપતા આવે. જો જો હોં માસ્તર… આ છટકવો ના જોઈએ.

પ્રાણગઢમાં ગોરભાનું ખોયડું એટલે જીવતું ખોયડું. રાત-દી ગમે ત્યારે ત્યાં જ્ઞાનની, આરોગ્યની વાતો થતી જ હોય. નવરા પડે એટલે લીમડા નીચે ખાટલો ઢાળી બેસે અને આવનાર તેમની સામે નીચે બેસી જાય. ગોરભા અલકમલકની વાતો કરે, થોડાક મોકળા મને હસાવે પણ ખરા… ગોરભાને ત્રણ દીકરા જયંતી, બળદેવ અને કેશવ. છેલ્લી એક દીકરી ગૌરી.

પ્રાણગઢમાં તે જમાનામાં મૅટ્રિકની પરીક્ષા એટલે ઘણું કહેવાતું. તેનું ભણતર પણ શહેરમાં અને પરીક્ષા પણ શહેરમાં લેવાતી. પ્રાણગઢમાં સૌથી પહેલી મૅટ્રિકની પરીક્ષા ગોરભાના જયંતીએ પાસ કરી. તે દિવસે ગોરભાએ પેંડા વહેંચેલા, જયંતીને કાંડા-ઘડિયાળ પણ અપાવેલી. એ વખતે તો કાંડા-ઘડિયાળ પૈસાદારના છોકરા જ પહેરતા. બાકી સમય જોવો હોય તો લોકો ટાવરમાં જ જોઈ લેતા. હા, પ્રાણગઢનો મુખ્ય રસ્તો પૂરો થતાં ત્યાં મંદિરની પાસે એક ટાવર પણ બંધાવેલું. અંગ્રેજની કોઈ મેમ મરી ગયેલી તેની યાદમાં અંગ્રેજે બંધાવેલું. તેના પર તેનું નામ પણ કોતરેલું. હણ હવે તો તે નામ વંચાતું નથી અને ટાવર પણ ખોટો સમય બતાવે છે. તેનું મશીન બંધ પડ્યું છે. તે સમું કરવાની કોઈને સૂઝ નથી, એવું જૂનું અને પુરાણું મશીન છે. ગામમાં વરઘોડો નીકળતો ત્યારે ગોરભાને થાનદાર બાજુમાં બેસાડતા. ક્યારેક દશેરા જેવા પ્રસંગે ઘોડા ખેલાવવાનો કાર્યક્રમ થતો, ત્યારે બહારથી કેસરી સાફા બાંધીને રજપૂત રાજાઓ આવતા. આ રાજાઓ ગોરભાના પગમાં પડતા પણ વૃદ્ધોએ નજરે જોયા હતા. ‘ભૂદેવ આશીર્વાદ આપો.’ કહી તેમની ચરણરજ પણ લેતા.

ગોરભાના ઘરમાં પણ રાજાઓએ આપેલી ભેટસોગાદો હજી હમણાં સુધી હતી. અસલ ચાંદીની પાનદાની, ચાંદીની થૂંકદાની, જર્મનસિલ્વરનાં કપ-રકાબીના બે સેટ, હાર્મોનિયમ, થાળીવાજું-પટારામાં આ બધું પડેલું હતું. કેશવ ક્યારેક ક્યારેક આ બદો અસબાબ બહાર કાઢતો. બળદેવ શહેરની કૉલેજમાં ખૂબ ભણ્યો, ગ્રેજ્યુએટ થયો. પ્રાણગઢના લોકોને ખબર નહોતી કે ગ્રેજ્યુએટ એટલે શું? તેમણે તો છાપામાં છપાયેલો તેનો ફોટો જોયો હતો અને ક્યારેક એકબીજા બજારમાં મળી જતા ત્યારે વાતો કરતા કે ગોરભાનો છોકરો ગોરભાનું નામ કાઢશે, મોટો ‘બાલિસ્ટર’ બનશે. કેશવે ડૉક્ટરી લાઇન લીધી.

સમય વીતતો ગયો, જમાનો કરવટ બદલતો રહ્યો, દીવાવના રંગ ઊખડતા રહ્યા અને લીમડાનાં પાંદડાં ખરતાં રહ્યાં. યુનિયન જેક ઊતરી ગયો અને ત્રિરંગો લહેરાવા લાગ્યો. ગોરભાની આંખે ઝાંખપ આવી ગઈ. પણ મોતૈયો નહોતો. ઘી-દૂધ ખાધેલું, નિયમિતતા જાળવેલી તેથી શરીરની તંદુરસ્તી અકબંધ રહી હતી.

ત્રણેય પુત્રોનાં લગ્ન પણ થઈ ગયાં. આગલું ધમધમવા લાગ્યું. તેમના ખોળામાં પૌત્રો રમવા લાગ્યા. ગાયોનાં વાછરડાં કૂદાકૂદ કરવા લાગ્યાં. વહુઓ જાતે દૂધમાથી દહીં બનાવતી હતી. ગાયો દો’તી હતી. એક ભરતી આવી, મોજાંઓએ ઘુઘવાટ કર્યો, ગોરભાની જાહોજલાલીની હેલી ચડી. બાળકોની કિકિયારીઓ, રહેંટના અવાજો, ગાયોનો ભાંભરવાનો અવાજ… આખું પ્રાણગઢ જાણે આ એક ખોયડાના પ્રતાપે જ જીવતું હતું.

અંગ્રેજ સરકાર ગઈ અને જમાનો બદલાઈ ગયો, પણ જમાનાની તાસીર પારખવા એ ન રોકાયા. નાની ગૌરીના હાથ પીા કરવા જ એ રોકાયા હોય તેમ હાથ પીળા કરીને એ ચાલી નીકળ્યા. ત્રણેય છોકરા પણ શહેરમાં ચાલ્યા ગયા. એક શિક્ષક બન્યો, ટ્યુશનના રવાડે ચડી ગયો. બીજાએ વકીલાત કરી. ત્રીજાએ ડૉક્ટરી કરી… પૈસો આવતો ગયો… તેમ ભુલાતું ગયું કે પ્રાણગઢ નામનું એક ગામ છે. ત્યાં આપણું એક ઘર પણ છે…

ચોમાસાના ભારે વરસાદે જીવાલોના પોપડા ઉખાડી નાખ્યા. પહોળા ફળિયામાં જાતજાતનું ઘાસ ઊગી નીકળ્યું. લીમડાના મૂળમાં તિરાડો પડી ગઈ અને તેમાં પાટલા ઘો રહેવા લાગી. ફળિયામાં સાપના રાફડા બાઝી ગયા. સમય જતાં દીવાલનો એક ખૂણો પડી ગયો. બુઢ્ઢા ત્યાં પેશાબ કરવા બેસી જતા.

વર્ષો પસાર થતાં ગયાં, તેમ પ્રાણગઢ પણ પલટો લેતું ગયું. વૈદ જટાશંકર મહાશંકરના ખોરડાના પડી ગયેલા ખૂણામાં લોકેએ હાજતે જવાનું શરૂ કર્યું. ક્યારેક તો તેનાથી આગળ વધીને પણ દુરુપયોગ થવા લાગ્યો. કૂતરાંઓ બખોલ ગાળીને પડ્યાં રહેતાં હતાં. લોકો પસાર થતાં ત્યારે તે ખંડિયેર તરફજોતાં પણ ગભરાતાં કે રખે ને તેમાં ભૂત બેઠું હોય. લોકો તેના તરફ નજર નાખ્યા વિના ઝડપથી પસાર થઈ જતાં. ગ્રામપંચાયતના સરપંચે મોટા દીકરા જયંતીને પત્ર લખ્યો કે આ ખંડિયેરનો ઝડપથી નિકાલ કરો તો સારું… ખોરડાનાં નળિયાં ઊડી ગયાં હતાં અને ચોરલફંગાને છુપાઈ રહેવાનું સાધવ બની ગયું હતું. હવે તો બધી દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. લીમડો પણ બિહામણો અને ખોડો ભાસતો હતો.

ખોરડાના કરા પડી ગયા હતા તેથી અંદર લોકો સહેલાઈથી આવ-જા કરતા હતા. પણ બારણું અકબંધ ઊભું હતું અને તેના પર કાટ ખાધેલું બંધ તાળું લટકતું હતું. લોકો હસી પડતાંઃ આ જોયું કૌતુક! ખાળે ડૂચા અને દરવાજા મોકળા તે આનું નામ!

મોટા દીકરાનો સરપંચ ઉપર કાગળ આવ્યો કે મકાનનો બારોબાર સોદો થઈ ગયો છે. હવે તેના પર અમારો અધિકાર નથી. અમે અઠવાડિયા પહેલાં જ દસ્તાવેજ કરી લીધો છે. લોકોમાં વાત પ્રસરી ગઈ. કોમે આવું ભૂતિયું મકાન લીધું હશે? એક વખત જમાનો હતો, હવે તો કેવળ ગોરભાના નિસાસા સિવાય કશું નથી. લોકો પણ તેને જોઈને નિસાસા નાખવા લાગ્યા. વૃદ્ધ પુરુષો ત્યાં નીકળતા અને છાજલી કરીને જોતા… અરેરે કેવું બની ગયું! અમે તો સાક્ષી છીએ આ ‘ખોયડાના…’ પ્રાણગઢમાં પુછાય તેવું આ એક ખોરડું હતું… એટલું બબડી લાકડીના ટેકે ટેકે આગળ વધી જતા, જાણે વધારે ઊભા રહેવાથી ચક્કર આવી ન જતા હોય! થોડી દિવસો પછી તો મશીન દ્વારા કાટમાળ ખસેડવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ. ઘરડા લોકો આંસુ લૂછી રહ્યા હતા. કેવું ઘર હતું અને કેવું વેરણછેરણ થઈ ગયું… કોઈનું ઘર કદી તૂટશો… વગેરે વગેરે. થોડા દિવસોમાં સંપૂર્ણ કાટમાળ ખસેડી લેવાયો અને ગોગલ્સધારી સાહેબે આવી મજૂરોને સમજાવ્યા, ખોદકામ શરૂ થઈ ગયું. હવે લોકોને ખ્યાલ આવ્યો કે પાયા નંખાઈ રહ્યા હતા, કદાચ ગોરભાના છોકરા બંગલો બનાવી રહ્યા હોય… કેમ ન કરે! આખરે બાપીકું ગામ છે. યાદ તો આવે જ ને… અહીં તેઓ નાનેથી મોટા થયા છે…

કામ ઝડપથી ચાલ્યું. બે માસના તો એક નાનકડું મકાન બંધાઈ ગયું… વહેલી સવારે લોકો હાજતે જવા નીકળ્યા તયારે તે બધા મકાન પાસે જમા થઈ ગયા. મકાન પર એક બોર્ડ લટકતું હતું. જેમાં ઝાંખા ઝાંખા લીલા અક્ષરે લખેલું હતુંઃ ઘર બાંધનારી મંડળી. (‘મૃતોપદેશ’માંથી)