ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અજય ઓઝા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અજય ઓઝા

ડૉ. વિપુલ પુરોહિત

GTVI Image 185 Ajay Ojha.jpg

[‘વન્સ અગેઇન’, લે.અજય ઓઝા, પ્ર. લટૂર પ્રકાશન, ૨૦૧૮, કિ. ૧૭૦]

સંકુલ મનોવલણોનું અનોખું વાર્તાવરણ : ‘વન્સ અગેઇન’ (૨૦૧૮)
સર્જક પરિચય :

વાર્તાલેખન અજય ઓઝાનો પ્રથમ પ્રેમ છે. તેઓ ગુજરાતી અને હિન્દીમાં સાતત્યપૂર્ણ વાર્તાલેખન કરતા પ્રવર્તમાનકાળના નોંધપાત્ર વાર્તાકાર છે. સૌરાષ્ટ્રમાં નાનકડા તાલુકા મથક સાવરકુંડલામાં તા. ૧૨-૦૮-૧૯૭૧ના રોજ અજય ઓઝાનો જન્મ. પિતા જગદીશરાય રતિલાલ ઓઝા શિક્ષક અને માતા વિમલાબહેન ઘરરખ્ખું ગૃહિણી. માતાપિતાના સંસ્કારો અને સૌરાષ્ટ્રના અંતરિયાળ તળપદ જીવનના અનુભવોથી અજય ઓઝાનું વ્યક્તિત્વ ઘડાયું છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં લઈ પી.ટી.સી. થવા સોનગઢ (જિ. ભાવનગર) આવે છે. ભાવનગરમાં શિક્ષક તરીકે કાર્યરત છે. ગદ્યસભા ભાવનગર અને ‘સુજોસાફો’ની વાર્તાલેખન શિબિરોએ અજય ઓઝાની વાર્તાકાર પ્રતિભાને બળ પૂરું પાડ્યું છે. માય ડિયર જયુ, કિરીટ દૂધાત, સુમન શાહ, મહેન્દ્રસિંહ પરમાર, રામ મોરી વગેરે વાર્તાકારોની સંગતમાં અજય ઓઝાની વાર્તાલેખન પ્રવૃત્તિને સતત પ્રોત્સાહન મળતું રહ્યું.

અજય ઓઝાનું સાહિત્ય સર્જન :

સર્જક તરીકે અજય ઓઝાના ગુજરાતી-હિન્દીમાં મળીને (૦૯) નવ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. ‘છીપ’ (૨૦૦૨), ‘આરામખુરશી’ (૨૦૦૭, ‘ક્રીમેટોરિયમ’ (૨૦૧૩), ‘વન્સ અગેઇન’ (૨૦૧૮) અને ‘રોલ નંબર્સ’ (૨૦૨૨) એ તેમના ગુજરાતી વાર્તાસંચયો છે. ‘સિતારો કી ધૂપ’ (૨૦૧૦), ‘મંથન’ (૨૦૧૪), ‘કિરદાર’ (૨૦૧૮) અને ‘રોલ નંબર્સ’ (૨૦૨૨) જેવાં હિન્દી ગ્રંથોમાં પણ ઓઝાની વાર્તાકલાનો પરિચય મળે તેમ છે.

યુગસંદર્ભ અને અજય ઓઝાની વાર્તા વિભાવના :

અજય ઓઝાએ વાર્તા લખવાની શરૂઆત ગઈ સદીમાં કરી પરંતુ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘છીપ’ એકવીસમી સદીમાં એટલે કે ૨૦૦૨માં પ્રકાશિત થયો છે. એ પછીની તેમની બધી વાર્તાઓ વર્તમાન સદીની ઓળખ લઈને આવે છે. ગુજરાતી ટૂંકી વાર્તામાં આધુનિક યુગનાં પાણી ઓસરવા લાગ્યાં અને અનુઆધુનિક યુગનાં વહેણો વહેતાં થયાં એ કાળે અજય ઓઝાની વાર્તાઓ આવી છે. સાહિત્ય સ્વરૂપ તરીકે ટૂંકી વાર્તાનું સ્થાન પુનઃ સન્માનભેર સ્થાપિત કરવામાં નવ્ય વાર્તાકારોની જે મથામણ રહી હતી તેના વારસદાર તરીકે અજય ઓઝાની વાર્તાઓ પણ નવી આબોહવા રચવામાં નિર્ણાયક બની છે. ‘વન્સ અગેઇન’ની પ્રસ્તાવનામાં અજય ઓઝા પોતાની વાર્તાલેખનની નિસ્બત સ્પષ્ટ કરતાં લખે છે, ‘મારા સર્જનકાર્યમાં જીવનના આસપાસના માહોલને પ્રકાશિત કરવાની મારી કોશિશ રહી છે. માનવજીવનમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વનું જે દર્શન મને થયું છે, મારા ભાવકોને પણ એ જ દર્શન કરાવવાના મારા પ્રયત્નો હોય છે, એક કાંટાના ડંખ જેમ વ્યથાનું બીજ મનમાં આપોઆપ વવાઈ જતું હોય છે. ને પછી શબ્દોના સહારે કથા બનીને બહાર આવે છે, ત્યાં સુધી પીડા આપે છે. બહાર નીકળ્યા પછીની વેદના તો ખરી જ! પરંતુ આ સમગ્ર પ્રસવ-પ્રકિયા આપમેળે જ બને છે.’ (પ્રસ્તાવનામાંથી)

GTVI Image 164 Once Again.png

‘વન્સ અગેઇન’ની વાર્તાઓ અને તેની સમીક્ષા :

સંગ્રહના શીર્ષકનું સન્માન પામેલી વાર્તા ‘વન્સ અગેઇન’ સર્જક અજય ઓઝાના સશક્ત વાર્તાકર્મનો પરિચય કરાવે છે. વાર્તાનાયિકા શેફાલી અને ‘વન્સ અગેઇન’ રેડિયો કાર્યક્રમના આર. જે. ઉમંગ વચ્ચેના સંબંધની આ વાર્તા ઉત્તેજનાસભર ચઢાવ-ઉતાર સાથે અંતે એક બિન્દુએ અટકે છે. પોતાના વિકાસ માટે ભાવનગર જેવું નાનું શહેર છોડીને મુંબઈ-ગ્લેમર વર્લ્ડમાં સેટલ થવા પહોંચેલી શેફાલીને થોડા જ સમયમાં મુંબઈની ભ્રામક દુનિયાનો અનુભવ થઈ જાય છે. વિરાગ સાથે લગ્ન કર્યા પછીય પરસ્પરના સંઘર્ષોએ સંબંધોની મર્યાદા દર્શાવી આપી. શેફાલીને પૂર્વપ્રેમી ઉમંગ યાદ આવ્યો. તેની સાથે જિંદગી ફરી શરૂ કરવા ભાવનગર દોડી આવી. પણ ઉમંગના ઘરે પડેલી ડૉક્ટરની ફાઇલ પરથી ઉમંગને ગળાનું કેન્સર થયાનું અનુમાન લગાવતી શેફાલીએ ફરી રંગ બદલ્યો અને પોતે વિરાગ સાથે સુખી હોવાનું સ્વીકારે છે. પરંતુ ઉમંગ શેફાલીના આ રંગ બદલતા વ્યક્તિત્વને પારખી ચૂક્યો હોવાથી કહે છે, ‘યા વન્સ અગેઇન, યુ નો, આઈ એમ સર્વાંઈલ્ડ....વન્સ ગેઇન..’ તેમાં વાર્તાની તિર્યક વ્યંજના સચોટ રીતે ઊપસી છે. ‘ટ્રેડમીલ’ વાર્તાની વિષય સામગ્રી પરિચિત છે પણ વાર્તાની શૈલી પોસ્ટ મૉર્ડન છે. મનુષ્યની મૂળભૂત પ્રકૃતિ ગમે તેટલા વિકાસ-પ્રગતિ પછી પણ કોઈને કોઈ સ્વરૂપે યથાવત જ રહે છે. વિજ્ઞાનના અનેક સંશોધનો-વિકાસ અને સુવિધા-સગવડો છતાં બે વર્ગ વચ્ચેનું અંતર હંમેશા સંઘર્ષ જન્માવે છે. સાકારવાદી કે નિરાકારવાદી, જલપંથી કે હવાપંથી, ધરતીમાર્ગી કે આકાશમાર્ગી – વિગ્રહ તો રહ્યા જ હતા, રહ્યા જ છે અને રહેવાના જ. વાર્તાનાયક સેથોન અને તેના દાદાજીને કેન્દ્રમાં રાખતી આ વાર્તા સમગ્ર માનવજાતની માનસિકતાનો સંકેત આપે છે. ‘ટ્રેડમીલ’ જેવું પ્રતીકાત્મક શીર્ષક વાર્તાને પ્રભાવક બનાવે છે. સમય પસાર જરૂર થાય પણ અંતર ક્યારેય ન કપાય એવી ‘ટ્રેડમીલ’ની લાક્ષણિકતા અને માનવજાતની સ્વભાવગત પ્રકૃતિના વાસ્તવને વાર્તાકારે વાર્તામાં ઢાળવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો છે. ‘રહેવા દે મા, તને એ બધું નહિ સમજાય.’ એવા નિશાના સતત પડઘાતા ધ્રુવવાક્યની સાથે ગૂંથાતી જતી વાર્તા ‘એટેચમેન્ટ’ છૂટી ગયેલાં કહો કે ‘ડિસએટેચેમેન્ટ’ થઈ ગયેલા સહજ-સાચુકલાં પૂર્વજીવન અને બનાવટી સુખના વર્તમાનજીવન વચ્ચેના વિરોધને વાર્તાનાયિકા નિશાના કથનકેન્દ્રથી વ્યક્ત કરવામાં આવ્યું છે. સાસરે દીકરીને મળવા આવેલી મા દીકરીના સુખ-વૈભવને જોઈને રાજી તો થાય છે પરંતુ ‘એ બધું તને નહિ સમજાય’ – એવાં દીકરીના વારંવારના કથનમાં મા પામી જાય છે કે નિશાના જીવનમાંથી શું વિચ્છેદ થઈ ગયું છે. નિશાની લાલ પૂંઠાવાળી ડાયરી લઈને આવેલી મા વાર્તાને અંતે દીકરીની પીઠ પર હાથ ફેરવતાં ધીમા-ભીના અવાજે કહે છે, ‘રહેવા દે નિશું, એ બધું મને નહિ સમજાય!’ – ત્યારે વાર્તા એક ઘેરા કરુણાને વ્યંજિત કરે છે. ‘એસ્કોર્ટ’ મેટ્રોપોલિટન શહેરોની સામાજિક વિષમતાને આલેખતી વાર્તા છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં મોટા હોદ્દા પર કામ કરતા કે પછી તેના માલિક હોય તેવા વ્યક્તિઓના લગ્નેત્તર સંબંધોની સંકુલતાઓને વ્યક્ત કરતી આ વાર્તા વિષય સામગ્રીની દૃષ્ટિએ અનુઆધુનિક અભિગમ ધરાવે છે. એંજલ એસ્કોર્ટ એજન્સીમાં કામ કરતી સારા અને હંમેશા તેની જ કંપની ઇચ્છતા જિગરના વ્યાવસાયિક સંબંધોની આ વાર્તા છે. સારાનાં શારીરિક સહવાસની જિગરની અપેક્ષા સંતોષાતી નથી, કારણ કે સારાએ પોતાના પ્રોફેશનલ ઈથિક્સને જાળવીને એંજલ એસ્કોર્ટ એજન્સીમાંથી રાજીનામું આપી પોતાની સ્વતંત્રતાને અકબંધ રાખી. સાંપ્રત સમયમાં સ્ત્રી-પુરુષ સંબંધોનું જુદું જ ગણિત ઉજાગર કરતી આ વાર્તા અજય ઓઝાની પ્રતિભા પ્રગટાવે છે. ‘પિત્ઝાબોય’ પણ મલ્ટીનેશનલ કંપનીઓમાં બહારથી ‘દેખાતા’ બિઝનેસની પશ્ચાદ્‌ભૂમાં ચાલતા લોહીના વેપારની દારુણ સ્થિતિને આલેખતી વાર્તા છે. ‘પેટનેમ’ અર્ણવથી જાણીતો ‘પિત્ઝાબોય’(પુરુષ-વેશ્યા) ઑર્ડર મુજબ મિસિસ મિત્તલ શર્માની સર્વિસમાં પહોંચી તો જાય છે પરંતુ મિત્તલને જોઈને અર્ણવ પોતાની ગુમાવેલી ‘ઓળખ’ પાછી મેળવતો હોય તેવું અનુભવે છે. અર્ણવ ત્યાંથી નાસી છૂટે છે. મિત્તલે પોતાને ઓળખવાની કોશિશ ન કરી નહિતર શું થાત? એમ વિચારી હાશકારો અનુભવે છે. આમ માનવશરીર અને માનવ સંબંધોના રહસ્યમય મનોવેગોની આ વાર્તા અજય ઓઝાની ‘રેન્ઝ’-પરિસીમા દર્શાવી આપે છે. પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિમાં રચાયેલી ‘એકલો’ વાર્તા મનુષ્યની એકલ સ્થિતિની નિયતિને આલેખે છે. ‘ગભરાઈશ નહિ બેટા, તું એકલો નથી હોં!’ એવા શબ્દોથી સતત પોતાને એકલો ન અનુભવનાર વાર્તાનાયક-કથકને સતત પોતાના એકાકીપણાની પીડા ડંખે છે. અભ્યાસ, નોકરી, છોકરી, લગ્નજીવન, સંસાર, સંઘર્ષ એમ બધી જ જગ્યાએ એકલા ન હોવાનો દંભ પંપાળતો વાર્તાનાયક પત્નીની ગંભીર બીમારીનો ઇલાજ કરવા રૂપિયા દસ લાખની વ્યવસ્થા કરવા અસમર્થ હોઈ, પત્નીના જ સૂચનથી તેની સાથે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડવાનું સ્વીકારે છે. પરંતુ યમદૂત જણાવે છે કે મૃત્યુને સ્વીકારીને જીવનથી મુક્ત થવામાં પણ પત્નીએ સાથ ન આપ્યો અને તે એકલો જ એકલવીર યાત્રી બનીને નીકળી પડે છે. વાર્તાને અંતે આવતું વાર્તાનાયકનું વિધાન ‘ના, હવે તો હું ખરેખર એકલો નથી – આજથી, અત્યારથી હું જ મારી સાથે છું! હંમેશા.. ને સતત!’ એક નવું જ સત્ય પ્રગટ કરે છે. આમ, ‘તું એકલો નથી હોં!’ના અન્ય કથનથી શરૂ થયેલી વાર્તા ‘હું જ મારી સાથે છું’-ના આત્મવિશ્વાસી સ્વકથન સાથે પૂર્ણ થાય છે. જેમાં આત્મા જ આપણો હંમેશનો સાથી-સંગાથી છે અન્ય કોઈ નહિ એવું જીવનસત્ય સહજ પમાય છે. પ્રણયવૈફલ્યની ભાવસ્થિતિને કથક-નાયકના પક્ષેથી ‘પહેલાં અને પછી’ વાર્તામાં આલેખવામાં આવી છે. શિવાની સાથેના સંબંધની પૂર્વસ્થિતિ અને મોબાઈલ નંબર સિવાયનું બધું જ પરિવર્તન સ્વીકારીને જીવનાર નાયકની મનઃસ્થિતિને વાર્તાનો ઘાટ આપવાનો વાર્તાકારનો પ્રયાસ ખાસ કોઈ વિશેષતા પ્રગટાવતો નથી. ‘ધ અધર સાઇડ’ માનવજીવનના બીજી બાજુના સત્યને ઉજાગર કરતી વાર્તા છે. વાનપ્રસ્થાશ્રમ ભવનનું સંચાલન કરતો વાર્તાનાયક, વૃદ્ધાશ્રમ પ્રવેશ માટે વૃદ્ધ-દંપતીની અધિરાઈ જોઈને આશ્ચર્ય અનુભવે છે, તેનાથી ય વિશેષ આશ્ચર્ય તો એ જ દંપતીનો પુત્ર વૈભવ જ્યારે વૃદ્ધાશ્રમને એક લાખ રૂપિયાનું દાન આપે છે ત્યારે અનુભવે છે. વાર્તાકથક સ્વયં વૈભવના ઘરે એક દિવસ રહીને ખાનગીમાં વૃદ્ધ-દંપતી સાથેના દીકરા અને પુત્રવધૂના વર્તન-વ્યવહારને જુએ છે ત્યારે તેને જીવનની બીજી બાજુનું સત્ય પ્રત્યક્ષ થાય છે. પોતે પણ મા અને બહેનની વાતોમાં આવીને પત્ની ઉપાસનાને કરેલો અન્યાય યાદ આવી જાય છે. વૃદ્ધ-દંપતીને વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરી લે છે અને તેમની સમક્ષ જ ઉપસ્થિત થઈ તેઓને વૃદ્ધાશ્રમ લઈ જવાનો નિર્ધાર પ્રગટ કરે છે. પોતે આ વાનપ્રસ્થાશ્રમ બનાવીને કોઈ ભૂલ નથી કરી, પણ એક પેઢીને બીજી પેઢીના ત્રાસમાંથી મુક્ત કરવાનું કાર્ય કર્યાનો સંતોષ અનુભવે છે. વૃદ્ધાશ્રમો માટે સંતાનો જ જવાબદાર હોય એ સાર્વત્રિક સમજને વાર્તાકારે આ વાર્તામાં બીજી દિશાના સત્ય સમેત ઉજાગર કરવાનો કલાકીય પ્રયાસ કર્યો છે. ‘ફોબિયા’ વાર્તા તેના શીર્ષક મુજબ ફોગટલાલના કાલ્પનિક ભયને હળવી શૈલીએ આલેખતી વાર્તા છે. કબજિયાતથી શરૂ કરીને હૃદયની બીમારી, ગળાની બીમારી, રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાનો ઇલાજ, અસુરક્ષિત જાતીય સંબંધોથી થતાં એઇડ્‌સની ચિંતા, સ્વાઈન ફ્લુ અને છેલ્લે મનોચિકિત્સા વિભાગ સુધીની બીમારીના કાલ્પનિક ભયમાં જીવતા ફોગટલાલનું વ્યંગ્યભર્યું વ્યક્તિચિત્ર ‘પીકૂ’ જેવી ફિલ્મના પ્રભાવે રચાયું હોય તેમ લાગે છે. હળવી રીતે કહેવાયેલી મનોગ્રંથિની ગંભીર સ્થિતિને વાર્તાકારે ‘ઈસબગુલ’થી થતું કામ પરાણે ‘એનીમા’ લઈને શા માટે કરવું? – એવા બોદ્ધિસત્ત્વ સાથે પૂરી કરી છે. પિતા-પુત્રના ભાવાત્મક સંબંધની વાર્તા છે ‘કિરદાર’. લાંબા સમયથી માંદગીના બિછાને અને આંખ, કાન અને પગ અંશતઃ ગુમાવી ચૂકેલા પિતાની વખતોવખતની હરેક ઇચ્છાઓની પૂર્તિ અર્થે પુત્ર ટપાલી, ડૉક્ટર, મોટોભાઈ – કિરદાર (પાત્રો) બનીને આવે છે. પિતાને છેતરવાનું પુત્રને દુઃખ છે. પત્ની મિતા અને પુત્ર સંજૂ ‘કિરદાર’ની રમતમાં સધિયારો તો આપે છે પરંતુ પત્ની જ્યારે વાર્તાનાયકને પિતાના અવસાનની વેળાએ દીકરાની ફરજ નિભાવવાની ઘડી આવી હોવાનું યાદ કરાવે છે ત્યારે વાર્તાનું શીર્ષક ‘કિરદાર’ વધુ ધારદાર રીતે વ્યંજિત થાય છે. ‘વંઢાપો’ સામાજિક સમસ્યાનો નિર્દેશ કરતી વાર્તા છે. વાર્તાકારે ‘બુઢાપો’, ‘રંડાપો’ના પ્રાસમાં ‘વંઢાપો’ શીર્ષક રચ્યું હોવાનું અનુમાન કરી શકાય છે. વાર્તાનાયક વિજય ૩૮ વર્ષનો લગ્નોત્સુક કુંવારો (વાંઢો) છે. મેરેજ બ્યુરોના માધ્યમે જીવનસાથી પસંદ કરી જિંદગીમાં સ્થિર થવા ઝંખે છે. પરંતુ નસીબ તેનાથી બે ડગલાં આગળ ચાલે છે. લગ્નનો મેળ પડતો નથી. ગરજ અને લાલચને કારણે મેરેજ બ્યુરોમાં ખૂબ રૂપિયા પણ વેડફે છે, છેતરાય પણ છે. આખરે મેરેજ બ્યુરોના પ્રસ્તાવ મુજબ પ્રોફાઇલની કૉલમમાં સજાતીય લગ્નની જગ્યા સામે ‘હા’ લખવાનું પણ સ્વીકારે છે. વાર્તાકારે ચતુરાઈથી મેરેજ બ્યુરોના સંચાલકના સ્ત્રૈણ વાણી-વર્તનને અંતની ચમત્કૃતિ માટે રચનાગત પ્રયુક્તિથી યોજ્યા છે. વાર્તાને અંતે આવતો વિજયનો ઉદ્‌ગાર – ‘શરત એ છે કે ગે-મેરેજ કર્યા પછી હું ને મારા ‘લાઇફ-પાર્ટનર’ એક દીકરીને જન્મ આપી તો શકીશું ને? હેં??’ – ઘેરા કરુણને વ્યંજિત કરે છે. સમાજમાં દીકરીઓ (સ્ત્રીઓ) વિનાનું પુરુષોનું જીવન કેવું બની જાશે તેના ભાવિ વર્તારા જેવી આ વાર્તા સાંપ્રત સમયની સામાજિક સમસ્યાનો વાર્તાગત સંકેત આપે છે. ‘લવસ્ટોરી’ સામાન્ય વાર્તા છે. વાર્તા લખવાની હથોટીથી લખાયેલી. પુત્રની નિષ્ફળ લવસ્ટોરી પાછળ લેખક-પિતાની પણ એક ‘લવસ્ટોરી’ હોવાનું રહસ્ય વાર્તાના અંતે ખૂલે છે. પુત્ર પ્રતીકની લવસ્ટોરીથી ઊઘડતી વાર્તા અંતે પિતાની લવસ્ટોરીની રહસ્યમય ચમત્કૃતિ સાથે પૂર્ણ થાય છે. શિક્ષક-વિદ્યાર્થીના સંબંધને ભાવાત્મક સ્તરેથી આલેખતી ‘રોલ નંબર નવ’- વાર્તા અંતે જતાં કથળી ગઈ છે. જેને સાંભળવાની શક્તિ નથી અને બોલવાની અધકચરી ક્ષમતા છે તેવો વિદ્યાર્થી વિક્રમ, વાર્તાનાયક-શિક્ષકની સહાનુભૂતિ અને પ્રેમનું કેન્દ્ર તો બને છે. બીજા લોકો માટે તોફાની ‘મૂંગલો’ વાર્તાનાયક માટે તો લાડકો છે. પણ વાર્તાને અંતે શિક્ષકના પ્રેમ અને પ્રયાસથી મૂંગો-વિક્રમ બોલતો થયો તેની સાથે વાર્તાકાર એક બીજું રહસ્ય ઉમેરી વાર્તાને ચોટ આપવાનો જે પ્રયાસ કરે છે તે અસ્વાભાવિક લાગે છે. ‘ભિખારી’ માનવવૃત્તિને ઉજાગર કરતી વાર્તા છે. ઑફિસમાં સહકર્મી ગ્રીષ્મા તરફ આકર્ષિત થયેલો વાર્તાનાયક દર્પણ તેના સ્નેહને પામવા રોજ જુદા જુદા તરીકાઓ અપનાવે છે. બીજી તરફ ઑફિસના દરવાજે બેસી ભીખ માંગતા ભિખારીને દર્પણ રોજ હડધૂત કરે છે. વાર્તાકારે દર્પણની મનઃસ્થિતિ અને ભિખારીની ભાવસ્થિતિને ગ્રીષ્માના મધ્યબિન્દુથી પ્રગટ કરી છે. ગ્રીષ્માનો બોયફ્રેન્ડ હોવાનું જાણ્યા પછી પીડા અનુભવતા દર્પણને દાઝ્યા પર ડામ દેતો હોય તેમ પેલો ભિખારી ગ્રીષ્મા દ્વારા મળેલી સો રૂપિયાની નોટ દર્પણને બતાવી અંગૂઠો બતાવે છે ત્યાં વાર્તાની વેધકતા ઉપસી આવે છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘આસ્થા’ આપણી જાણીતી સામાજિક માનસિકતા કુટુંબના વારસદારની અપેક્ષાને રજૂ કરે છે. પતિ અને સાસુની સાથે આસ્થા પૂરી કરવા બાર-પંદર કિલોમીટરનું દુર્ગમ ચઢાણ સગર્ભાવસ્થામાં ચડવા જતી વાર્તાનાયિકા અકસ્માતે ભયથી ભાગેલી ભીડના પગ નીચે ચગદાય છે. હૉસ્પિટલમાં નર્સના મુખે માતાજીની માનતા અધૂરી ન રખાય પૂરી તો કરવી જ પડે એવું સાંભળતી વાર્તાનાયિકાનું મનોગત ચિત્કાર કરી ઊઠે છે. તેની ચીસથી દવાખાનું ધ્રૂજી ઊઠે છે અને અંતે વાર્તાનાયિકા આંખો બંધ કરી દે છે. વાસ્તવજીવનમાં બનેલી ઘટનાનો આધાર લઈને વાર્તાકારે પોતાનો કસબ બતાવ્યો છે. પ્રથમ પુરુષની કથન રીતિ અને સ્વપ્ન-વાસ્તવની ટેક્‌નિકને કારણે વાર્તાનું સંવેદન ધારી અસર ઉપસાવે છે. અજય ઓઝાની આ વાર્તાઓ સમકાલીન માનવસમાજનું સંકુલ ભાવજગત આલેખે છે. તેમની વાર્તાઓ મુખ્યત્વે નગરજીવનને તાકે છે. શહેરીસમાજ, તેમાંય શિક્ષિત-વર્ગની માનસિકતા અને સમસ્યાઓ આ વાર્તાઓની સામગ્રી બની છે. સંગ્રહની પંદર પૈકીની નવ વાર્તાઓ અંગ્રેજી શીર્ષક ધરાવે છે. અહીં મલ્ટી-કલ્ચરલ અને મેટ્રો-પોલિટન શહેરમાં જીવતાં માનવીઓની સંવેદના છે, તો કસ્બાઓ જેવાં શહેરોમાં કણસતાં માનવીઓની પીડા પણ છે. પ્રથમ પુરુષની કથનરીતિ પ્રત્યે અજય ઓઝાને વિશેષ લગાવ હોય તેમ લાગે છે. સંગ્રહની નવેક જેટલી વાર્તાઓમાં પ્રથમ પુરુષની રીતિ નિરુપિત થઈ છે. તેને કારણે વાર્તાઓની સંવેદનામાં વાસ્તવજીવનનો રંગ ભળ્યો છે. વાર્તાકારની ભાષા મોટેભાગે શિષ્ટ-પ્રશિષ્ટ સ્તરની રહી છે. અંગ્રેજી ભાષાના શબ્દપ્રયોગો સહજ આવ્યા છે તેથી રચાતું વાતચીતનું ગદ્ય ધ્યાન ખેંચે છે. શીર્ષકોની પ્રતીકાત્મકતા સર્જકના કલા-કસબનો પરિચય કરાવે છે. મોટાભાગની વાર્તાઓ કરુણરસની છે. ‘વંઢાપો’ જેવી વાર્તામાં આવતું મર્માળુ વ્યંગ્ય હાસ્યરસની સબળ અનુભૂતિ કરાવે છે પરંતુ અંતે તો કરુણની લકીર જ ઉપસાવે છે. સાંપ્રત ગુજરાતી ટૂંકીવાર્તા અનેકવિધ પ્રયોગો અને સર્જનશીલતા સાથે સમૃદ્ધ થઈ રહી છે ત્યારે અજય ઓઝાનું સાતત્યપૂર્ણ વાર્તાલેખન ગુજરાતી વાર્તાવિશ્વને સમૃદ્ધ કરતું રહેશે.

ડૉ. વિપુલ પુરોહિત,
પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર
મો. ૯૧૦ ૬૫૦ ૬૦૯૪
Email : v૧૩purohit@gmail.com

અજય ઓઝા

ડૉ. વિજયરાજસિંહ જાડેજા


[‘છીપ’, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨]

GTVI Image 165 Chheep.png

‘છીપ’નો પરિચયઃ

‘છીપ’ અજય ઓઝાનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. જેમાં ૧૭ વાર્તાઓ પ્રકાશિત થઈ છે. ભાવનગરના આ વાર્તાકારે આ સંગ્રહ ભાવનગર ગદ્યસભાને અર્પણ કર્યો છે. કારણ કે અજય ઓઝાને વાર્તાલેખનની તાલીમ ભાવનગર ગદ્યસભા અને ત્યાં આવનાર લેખકો તરફથી મળી છે. જેનો ઉલ્લેખ પ્રસ્તાવના ‘તલાશ એક બુંદની – મોતીની શોધમાં’ તેઓએ કર્યો છે. પ્રસ્તુત સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત થયો છે. પ્રથમ વાર્તા ‘ઓળખ’માં અજાણ્યા ગામમાં નોકરી અર્થે આવનાર કથકની વતનઝંખના કેન્દ્રમાં છે. સતત અણગમા વચ્ચે નોકરી કરતા યુવાનને અંતે બદલીનો કાગળ મળે છે, પછી સચ્ચાઈનો ખ્યાલ આવતાં તેનું સ્વપ્નભંગ થાય છે. ‘પ્રેમ’ વાર્તામાં કથકનો મુસાફરી દરમિયાન બાજુમાં બેઠેલ નિશા પ્રત્યેનો લગાવ રજૂ થયો છે. પરંતુ નિશા અંધ છે, ખબર પડતાં તરત ‘પ્રેમ’ની પોકળતાનાં દર્શન થાય છે. અંતે વાર્તાનો ઉઘાડ ચમત્કૃતિ દ્વારા વાર્તાકારે કર્યો છે. ‘સમજણ’ પતિ-પત્ની વચ્ચેના પારસ્પરિક સંબંધોને દર્શાવતી વાર્તા છે. રોજિંદા પ્રશ્નો, ઝઘડાઓ, માગણીઓ, આશા-અપેક્ષા બધું જ હોવા છતાં અંતે કામ લાગે તે છે બે વ્યક્તિની સમજશક્તિ. વિષયની દૃષ્ટિએ ‘છેડો’ની વાર્તા ‘સમજણ’ સાથે સરખામણી કરી શકાય તેમ છે. અહીં વાર્તાકારે ‘ધરતીનો છેડો ઘર’ કહેવતને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. વાર્તામાં પતિને સમજાય છે કે શારીરિક ભૂખથી બીજું ઘણું બધું પતિ-પત્ની વચ્ચેનાં સંબંધમાં અગત્યનું હોય છે. ‘બારી’ અને ‘વડલો’ પ્રતીકાત્મક વાર્તા છે. બંને વાર્તાનું કથાનક આમ જોવા જતાં વિરોધાભાસી લાગે. ‘બારી’ વાર્તામાં પત્ની મૂકીને ચાલી ગઈ છે, પછી નાયકના મિત્ર સાથે પરણે છે. બીજી તરફ નાના ભાઈઓ માટે વેઠેલી તકલીફો ભાઈઓ સમજતા નથી. બધા પ્રસંગોની સાક્ષી ‘બારી’ છે. વાર્તાનાયક સતત બારીમાંથી રાહ જોઈ રહ્યો છે, પોતાની સાથે કશુંક સારું થવાની. ‘વડલો’ વાર્તામાં પતિ-પત્ની તરીકે પટેલ-પટલાણી છે. પટેલ નાનપણથી ઉછેરેલ વડલાને પોતાનાથી દૂર કરવા નથી ઇચ્છતા, પત્નીના અવસાન પછી પણ વડલો જ પટેલનો સાથી બની રહ્યો છે. દીકરાની ઘર વહેંચવાની મનમાની સામે પટેલ લાચાર બની જાય છે. પારિવારિક પરિસ્થિતિને લીધે પીડાતા-ભીંસાતા નિર્દોષ પાત્રની વાર્તા એટલે ‘અસર’. ‘એક દિવસ’ સામાન્ય માણસના દિવસભરના પ્રશ્નોને વાચા આપતી વાર્તા છે. જેમાં વાર્તાનો કથક વાર્તાન્તે રાતની સવાર થાય જ નહીં તેવી ઇચ્છા વ્યક્ત કરે છે. પ્રણયવૈફલ્યનો સામનો કરતો યુવક બીજા કોઈને પોતાના જીવનમાં સ્વીકારી શકતો નથી. પોતાની જાત સાથે ‘સમાધાન’ સાધતો જોવા મળે છે. વાર્તાનું શીર્ષક એટલે જ ‘સમાધાન’ વાર્તાકારે પસંદ કર્યું હશે. અજય ઓઝા વાર્તાની સમાંતરે બગીચામાં ચકો-ચકી અને તેમના માળાની વાત નાયકની સ્થિતિ સાથે આલેખતા આવ્યા છે. સંબંધમાં બહાર દેખાતા કચરાની સામે વૈચારિક કચરાની વાત ‘ઉકરડો’ નામક વાર્તામાં સરસ રીતે રજૂ થઈ છે. ‘પ્રેરણા’માં જીવનને જોવાનો દૃષ્ટિકોણ છે. ‘વૈરાગ’ વાર્તામાં સાંપ્રત સમયમાં પાખંડી સ્વામિની આસક્તિની વાત કરવામાં આવી છે. આ વાસ્તવિકતાની જાણ થતાં ધીરુ સંન્યાસ લેવાનો વિચાર છોડી સંસારમાં પાછો ફરે છે. કથકના વતનાનુરાગને આલેખતી વાર્તા એટલે ‘ભ્રમ’. જાણીતાં અજાણ્યાં બન્યાં છે, જ્યારે અજણ્યાં જાણીતાંને શરમાવે તેવી આગતા-સ્વાગતા કરે છે. વ્યક્તિનો એક નિર્જીવ વસ્તુ પ્રત્યેનો લગાવ નાનપણથી લઈને છ દાયકા સુધી કેવી રીતે રહ્યો છે તેની વાત ‘વાંદરાટોપો’ વાર્તામાં છે. ‘ડાયરીના પાનાં’માં પ્રણયકથા છે. વેપારીની ભાષામાં કથક દ્વારા તારીખ-વારની વિગતો સાથે પોતાની વેપારી ભાષામાં કોઈને ન કહેવાયેલી વાત લખી છે. ‘સંકેત’ વાર્તામાં દૈહિક આકર્ષણને કારણે મેહુલ-શિલ્પાભાભી છેક ભાગી જવા સુધી પહોંચે છે. પછી ખોટા મનના ‘સંકેત’ને પામી જતાં તેઓ સ્વકીય રીતે પાછાં વાળે છે.

અજય ઓઝાની વાર્તાકળા :

અહીં સમાવિષ્ટ દરેક વાર્તાઓ માનવમનને તાગે છે. બાહ્ય બનતી ઘટનાઓની તુલનાએ વાર્તાકારે પાત્રોનાં મનોજગતને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. મહદ્‌અંશે તેમાં તેઓ સફળ થયા છે. ઘણી ખરી વાર્તાઓ અંત તરફ પહોંચતાં અણધાર્યો વળાંક લે છે. અહીંની દરેક વાર્તાનાં કથાબીજ અજય ઓઝાને આસપાસના જગતમાંથી મળ્યાં હોય તેવું લાગે છે. કોઈક વાર્તામાં ગામડું તો વધુ પ્રમાણમાં નગરસભ્યતા પરિવેશ તરીકે આવી છે. દરેક વાર્તા એક વિચાર લઈને આવે છે. ગરીબી, એકલતા, કૌટુંબિક પ્રશ્નો, નોકરીના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, કેટલીક વરવી વાસ્તવિકતાઓ વાર્તાઓનો વિષય બનીને આવે છે. ‘છીપ’ સંગ્રહની વાર્તાઓમાં અભિવ્યક્તિની દૃષ્ટિએ વૈવિધ્ય ઓછું જોવા મળે છે. અજય ઓઝાએ પોતાની કથા-કથકને પસંદ કરી રજૂઆત કરી છે. ‘ડાયરીનાં પાનાં’ અને ‘પરપોટો’ એ રીતે જુદી તરી આવતી વાર્તાઓ છે. ‘ડાયરીનાં પાનાં’ પ્રયોગશીલ વાર્તા છે. અહીં વાર્તાકારે તારીખ અને સમયની વિગતો આપીને ડાયરીનાં પાનામાં પ્રેમકથાને આલેખી છે. ‘પ્રેમ...!’ વાર્તાના શીર્ષકમાં આવતા ઉદ્‌ગાર (!) કરતાં વાર્તાનું વિષયવસ્તુ પ્રશ્ન (?) પૂછતું હોય કે : ‘આ પ્રેમ છે ખરો?’ તેવું લાગે છે. શીર્ષકો વાર્તાના હાર્દને રજૂ કરનારાં બન્યાં છે. વાર્તા પૂર્ણ થતાં શીર્ષકની યથાર્થતા વાર્તાકારે સાબિત કરવાનો સારો એવો પ્રયાસ કર્યો છે. ‘વડલો’, ‘બારી’, ‘ઉકરડો’ અને ‘વાંદરાટોપો’ જેવી વાર્તાઓ પ્રતીકાત્મક અને સહોપસ્થિતિની છે. જેમાં એક સાથે બે ઘટનાઓ દ્વારા અજય ઓઝા પોતાની વાત રજૂ કરતા જોવા મળે છે. વાર્તાકારને વાર્તા કહેતી વખતે ઘણીવાર પોતાની વાર્તાનાં પાત્રોનાં નામોલ્લેખની જરૂરિયાત રહેતી નથી. મુખ્ય પાત્રોની સાથે વાર્તાનાં ગૌણ પાત્રો વધુ અસરકારક લાગે છે. જેમ કે ‘સંકેત’ વાર્તાનાં ઉજીમા.

અજય ઓઝાની વાર્તા વિશે વિવેચકો :

‘અજયની મોટા ભાગની વાર્તાઓનો વિષય પાત્રગત મનઃસંચલનોનો હોય છે. કહો કે પાત્રના ચૈતસિક વાસ્તવને એ બરોબર તાકે છે. પણ ખરી ખૂબી એ છે કે એનું અનુસંધાન સહજ (ફેચ્યુઅલ) વાસ્તવ સાથે બરોબર જાળવે છે અને એ સહજ વાસ્તવ સહેજે અ-સાધારણ કે આકસ્મિક હોતું નથી. જીવાતા જીવન સાથે, દૈનંદિન જીવન સાથે, રોજિંદી ઘટના સાથે એનો નાભિ-નાળનો સંબંધ હોય છે. આમ, અજયની વાર્તાઓના વિષય સામાન્ય માનવીના સામાન્ય જીવનવ્યવહારમાંથી જન્મે છે. એ ઘટના જ વાર્તાજગતનું આશ્ચર્ય છે.’

સંદર્ભ :

‘ભાવનગર ગદ્યસભા અને છીપ’ – માય ડિયર જયુ
‘છીપ’, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨.

[‘આરામખુરશી’, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ ૨૦૦૭]

GTVI Image 166 Aaram Khurashi.png

‘આરામખુરશી’નો પરિચયઃ

‘છીપ’ (૨૦૦૨) બાદ ‘આરામખુરશી’ (૨૦૦૭) અજય ઓઝાનો બીજો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ વાર્તાકારે તેમનાં પૂ. બાને... અને ભાવનગર ગદ્યસભાને અર્પણ કર્યો છે. આગળના સંગ્રહની જેમ અહીં પણ ૧૭ વાર્તાઓ સમાવેશ પામી છે. તેમાં પણ અંતિમ ‘પ્રેરણા’ નામની વાર્તા ‘છીપ’ સંગ્રહમાં હતી, તેમ છતાં અહીં પુનરાવર્તિત થઈ છે. બાકીની ૧૬ વાર્તાઓને વિષય અને અભિવ્યક્તિની દૃષ્ટિએ તપાસતાં અજય ઓઝાની કલમે સત્ત્વ દેખાડ્યું છે. પ્રથમ વાર્તા ‘કી-મૅન’ શીર્ષકથી છે. જેમાં પિતાની જગ્યાએ કી-મૅન તરીકે કામ કરતો ધમો છે. પિતાના અવસાન પછી બેરોજગાર બનેલ ધમાનો લાભ બીજી રીતે જીતુ લે છે. ધમાની પત્ની અને જીતુના અવૈધ સંબંધની વાત અંતે રજૂ થઈ છે. જેમાં કથાનાયક ધમો જીતુને માટે કી(ચાવી) બની રહે છે. ‘આરામખુરશી’માં પિતાની દીકરી માટેની મનોવ્યથા છે. દીકરી દર્શના અને તેની કૉલેજના પ્રોફેસર વચ્ચે કંઈક છે, જેની ચિંતા સતત જશવંતરાયને થયા કરે છે. છેલ્લે એ ચિંતા સાચી પડતી લાગે છે. આરામખુરશીનો આરામ માત્ર કહેવા પૂરતો રહે છે. પંદર વર્ષ પૂર્વે કથકની સાથે બની ગયેલ ઘટનાનો ‘બદલો’ લેવાની વાત ત્રીજી વાર્તામાં છે. આગળની વાર્તાની જેમ યુવાવસ્થાના પ્રશ્નોને અહીં વાચા આપવામાં આવી છે. પહેલાં કથક-જયશ્રીને શરદકાકા મળતાં જોઈ લે છે. પંદર વર્ષ પછી યુવક-દિવ્યાને એવી જ રીતે કથક જુએ છે. આમ, તેનામાં બદલો લેવાની ભાવના જન્મે છે. પછી દિવ્યામાં પોતાની પ્રેમિકા જયશ્રીનાં દર્શન થતાં કથક પાછો વળે છે. ‘સત્તર સેકન્ડની વાર્તા’માં એકથી સત્તર સેકન્ડમાં વર્તમાન-ભૂત-વર્તમાન કાળનાં આવર્તનોથી આગળ વધી છે. જેમાં કથક પોતાની પ્રેમિકા વનિતાને યાદ કરે છે. ‘મગર બિલાડીને ખાઈ ગયો’ અને ‘દહીંમાં કે દૂધમાં?’ બાળસહજ મનોવૃત્તિનું આલેખન છે. અંગ્રેજી માધ્યમની આંધળી દોટને કારણે બાળક પોતાની માતૃભાષાથી વિલુપ્ત થતું જાય છે. તેની અભિવ્યક્તિ દબાતી જાય છે. માટે અહીં વાર્તાકારે બાળગીતની પંક્તિ ‘મગર બિલાડીને ખાઈ ગયો’ પસંદ કરી છે. માતા-પિતા વગરનો દીપુ કાકા-કાકી પાસે રહી મોટો થાય છે. કાકી તેને નાનો ગણી સાથે રાખે છે જ્યારે કાકા મોટો કહી દૂર રહેવા કહે છે. અહીં બાળકની અસમંજસ વાર્તાનો વિષય બની છે. તેથી વાર્તાનું શીર્ષક ‘દહીંમાં કે દૂધમાં?’ છે. એક આંખ ખોટી હોવાને લીધે પ્રેમમાં વિફળતા મેળવતા ત્રિલોકની વાર્તા એટલે ‘ત્રણ’. ‘સાતમી થાળી’ પરિવારમાં માત્ર કહેવાતા સંબંધો જ રહ્યા છે તેનું ઉદાહરણ પૂરું પાડતી વાર્તા છે. છ થાળી ઉટક્યા પછી મંજુને સાતમી થાળી ન જોતાં મોટાભાઈ નથી રહ્યા, તેનો ખ્યાલ આવે છે. બીજાં ઘરનાં સભ્યોને કશો ફેર પડતો નથી, જ્યારે એક કામવાળી (બહારની વ્યક્તિ)ને મોટાભાઈ પ્રત્યે અનુકંપા થાય છે. ‘ખરબચડાં પાણી’ વાળ કાપી ગુજરાન ચલાવતા ગરીબ ભાઈઓની વાર્તા છે. પૈસાની જરૂરિયાત કોને નથી હોતી? મોટો ભાઈ સતત ગાળો દે તો પણ બંને વચ્ચે ઝઘડો નથી થતો. અંતે ચા મંગાવી અડધી-અડધી કરી પીવે છે. ‘સ્ત્રી’ લગ્ન કર્યા પછી અણબનાવને કારણે એકલા રહેતા ડૉક્ટરની કથા છે. જેમાં નોકર તેમને સ્ત્રી હોવાના ફાયદા ગણાવે છે. વાર્તાન્તે નોકરને પ્રશ્નનો જવાબ મળી રહે છે, શા માટે ડૉક્ટર એકલા રહે છે. ‘આરાધના’ વાર્તામાં રવિ અને ચાંદનીની પ્રેમ કથા છે. જેમાં મિલન-વિચ્છેદ-પુનર્મિલનના સંયોગ રચાયા છે. રવિ કે ચાંદની જે-તે સમયે પોતાની વાત કહી શકતાં નથી. તે બધી વાત પત્રકથન દ્વારા રવિ ચાંદની, ચાંદની-રવિને કહે છે. માતા-પિતાના પ્રેમને એકસાથે ન પામી શકનાર સોનુની વાત ‘માળો’ નામક વાર્તામાં છે. અહીં કાગડો-કાગડી-માળો-ઈંડાની સામે માતા-પિતા-પરિવાર-સોનુની સામ્યતાનો વિચાર કરી શકાય તેમ છે. ‘ચારે તરફ’ વાર્તા વિખરાયેલા પ્રણયસંબંધોની છે, જે કૅમેરાના ફરતા ઍંગલથી આપણને બતાવવામાં આવી છે. એકબીજાને પ્રેમ કરતાં પાત્રોને વાર્તાકારે કવિસંમેલનમાં સામસામે મૂકી આપ્યાં છે. ‘ભગત બોઘાની શેરી’ સ્થળવિશેષનું મહત્ત્વ રજૂ કરતી વાર્તા છે. ત્યાં પાંગરેલો પ્રેમ એક ચક્ર પૂરું કરીને ફરીથી ત્યાં મળે છે. દસકો વટાવી ચૂકેલ નિસંતાન દંપતી હરેશ અને દક્ષાની વચ્ચે રાજેન આવે છે. જેના લીધે તેમના દાંપત્યજીવનમાં અંટસ ઊભી થાય છે. હરેશની મનોવ્યથા અંતે મોબાઈલમાં લખાઈને આવતાં ‘નૉ નૅટવર્ક’ સાથે થંભી જાય છે. ‘મારે પણ એક મન હતું’ નારીવાદી વિચારસરણીને વ્યક્ત કરતી વાર્તા છે. જેમાં સ્ત્રીનાં મનઃસંચલનો સ્મરણ અને વાસ્તવિક પરિસ્થતિની સાથે સહોપસ્થિત થઈને રજૂ થયાં છે.

અજય ઓઝાની વાર્તાકળા :

પ્રસ્તુત વાર્તાઓમાં સાંપ્રત સમયની ઝાંખી સતત થતી રહે છે. કોઈક વાર્તામાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોની આંટીઘૂંટી છે, તો વળી ક્યાંક યુવાવસ્થાના પ્રશ્નો. પ્રેમ એટલે શું? તેના જવાબ ઘણીખરી વાર્તાઓ આપે છે. પ્રશ્ન પણ ઊભા કરે છે કે આને પ્રેમ કહેવાય? ગરીબ-લાચાર લોકોનાં જીવન અહીં વાર્તાના માધ્યમે પ્રગટ થયાં છે. નાની-મોટી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢી લેવાની આવડત તેમની પાસે હોય છે. વાર્તા પૂર્ણ થતાં તેનો ખ્યાલ વાર્તાકાર આપી દે છે. બાળસહજ મૂંઝવણ સંગ્રહની બે વાર્તાઓનું વિષયવસ્તુ છે. અનુઆધુનિકયુગીન નારીવાદી વિચારને સર્જકે વાર્તામાં વણવાનો પ્રયાસ કર્યો છે. અહીં સમાવિષ્ટ મોટાભાગની વાર્તાઓમાં નગર સમુદાય જોવા મળે છે. વાર્તાકારે પસંદ કરેલ પાત્રો પણ સામાન્ય-મધ્યમ વર્ગનાં હોય તેવું લાગે. ‘આરામખુરશી’ની મોટાભાગની વાર્તાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થઈ છે. જે ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકે અજય ઓઝાનું સ્થાન નિશ્ચિત કરે છે. આગળના વાર્તાસંગ્રહની તુલનાએ સર્જક પોતાના વિચાર પ્રસ્તુત સંગ્રહમાં વધુ સારી રીતે અભિવ્યક્ત કરી શક્યા છે. સરળ-સહજ શૈલીની સાથે ક્યાંક વળી પ્રયોગશીલ થવું તેમને ગમ્યું છે. પ્રસ્તુત સંગ્રહની વાર્તાઓનાં શીર્ષક કથાનકને અનુરૂપ છે. એક-બે વાર્તાને બાદ કરતાં યથાર્થ સાબિત થાય છે. અંગ્રેજી ભાષાના શબ્દપ્રયોગ બે વાર્તાનાં શીર્ષકમાં જોવા મળે છે : ‘કી-મૅન’ અને ‘નૉ નૅટવર્ક’. અહીં વાર્તાઓમાં કથકવૈવિધ્ય જોવા મળે છે. ત્રીજા પુરુષ એકવચનમાં તો વળી ક્યાંક પાત્ર મુખે કહેવાતી વાર્તાઓ પણ છે. ‘આરામખુરશી’માં જાણે સતત જશવંતરાય સાથે સંવાદ ચાલતો હોય તેવું લાગે છે. ‘ત્રણ’ અને ‘સાતમી થાળી’ જેવી વાર્તાઓનાં શીર્ષક અને વિષયમાં આંકડાઓને વણવાનો વાર્તાકારનો પ્રયત્ન છે. પત્રકથનનો પ્રયોગ ‘આરાધના’ વાર્તામાં વાર્તાકાર કરે છે. ‘સત્તર સેકન્ડની વાર્તા’ પણ એ રીતે પ્રયોગશીલ છે.

અજય ઓઝાની વાર્તા વિશે વિવેચકો :

‘છીપ’ વાર્તાસંગ્રહમાં જે ત્રુટિઓ હતી તે આ વાર્તાકારે ‘આરામખુરશી’માં સુધારી લીધી છે. ‘આરામખુરશી’ની વાર્તાઓ મને વૈવિધ્યરંગી લાગે છે, વિષય પસંદગીની દૃષ્ટિએ અને પાત્રગત સંવેદનાની દૃષ્ટિએ પણ. તેમાં વાર્તાકારે સ્ત્રી-પુરુષના સાહજિક સંબંધોને સુયોગ્ય ઉપસાવ્યા છે. અબાલવૃદ્ધ પાત્રોની આંતરચેતનાને સઘન રીતે નિરૂપવાનું વાર્તાકારે તાક્યું છે. જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાયેલી બાલચેષ્ટા હોય કે સ્ત્રી-પુરુષ વચ્ચેનો આંતરકલહ હોય – દરેક વખતે માનવસંબંધોમાંથી સ્ફૂટ થયેલી સંગતતા-વિસંગતતાને સ્પર્શક્ષમ બનાવવા મથ્યા છે.

સંદર્ભ

‘આરામખુરશી : વૈવિધ્યરંગી વાર્તાઓ’, ડૉ. મોહન પરમાર
‘આરામખુરશી’, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ ૨૦૦૭.

ડૉ. વિજયરાજસિંહ જાડેજા
આસિસ્ટન્ટ પ્રોફેસર,
મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ,
નીલમબાગ ચોક, ભાવનગર.
મો. ૯૯૧૩૮ ૦૦૭૫૨
Email: jadejavijayrajsinh૯૭૦૭@gmail.com

અજય ઓઝા

ડૉ. કિરણ ખેની

[ક્રિમેટોરિયમ, અજય ઓઝા, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૩]

GTVI Image 167 Crematorium.png

ક્રિમેટોરિયમ

ક્રિમેટોરિયમ (પ્રથમ આવૃત્તિ, ૨૦૧૩) એ અજય ઓઝા લેખિત ચોથો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ સમાવિષ્ટ છે. ‘ટીફીનબૉમ્બ’, ‘મંથન’, ‘સિક્કાવાળો ફોન’, ‘હથેળી બહારની રેખા’, ‘સમોવડ’, ‘ચુનકી’, ‘મમ્મી’, ‘વરદાન’, ‘ડિવાઇડર’, ‘ફ્લાયઓવર’, ‘સ્પાઇડરમેન’, ‘સ્ટેન્ડબાય’, ‘સાઇડ ઈફેક્ટ ‘અને ‘ક્રિમેટોરિયમ’નો સમાવેશ આ વાર્તાસંગ્રહમાં થયેલ છે. આ વાર્તાસંગ્રહની અનુક્રમણિકાની ખૂબી એ છે વાર્તાસંગ્રહ પ્રગટ થાય એ પૂર્વે વાર્તાસંગ્રહની પ્રથમ ૧૧ વાર્તાઓ જુદાં-જુદાં સામયિકમાં પ્રગટ થયેલી તે સામયિકનું નામ અને અંકનો માસ-વર્ષની વિગત પણ અનુક્રમણિકામાં આપવામાં આવી છે. અહીંની બધી વાર્તાઓ શહેરી સંસ્કૃતિને કોઈને કોઈ રીતે રજૂ કરે છે. આ ઉપરાંત વાર્તાના વિષયોમાં હિંદુ-મુસ્લિમ ભાઈચારો, પ્રણય, સ્ત્રી-પુરુષ સમાનતા, મળેલ વરદાનનો ઉપયોગ, કળા પ્રત્યેની જીદ, કામની વ્યસ્તતામાં પત્ની-બાળકો પ્રત્યેની બેદરકારી વગેરે વિષયો આ વાર્તાસંગ્રહની વાર્તાઓના રહ્યા છે. એમ કહીએ કે તમામ વાર્તાઓમાં માનવસંવેદનનું વૈવિધ્ય બતાવવામાં આવ્યું છે. વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા છે ‘ટીફીનબૉમ્બ’. આ વાર્તા પ્રથમ ખેવના (અંક ૯૫-૯૬), સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૦૭માં પ્રગટ થઈ હતી. હિંદુ-મુસ્લિમની પરાપૂર્વથી ચાલતી આવતી દુશ્મનાવટ સારા વ્યક્તિને પણ દોષી બનાવે છે અને તેનું પરિણામ કેટલું જમનાદાસ માટે પીડાદાયક બને છે તે વાર્તાનો વિષય છે. પિતા-પુત્રની આ કથામાં પુત્ર તો ક્યારનોય પિતાને છોડી બીજા શહેરમાં પત્ની સાથે જતો રહ્યો છે. એક સમયે સીવણકામમાં જમનાદાસનો ધીખતો વ્યવસાય હતો પણ સમય જતાં આધુનિક ટેલરોના વિકાસના કારણે એમના ભાગે નાનું-મોટું રીપેરીંગનું કામ જ આવે છે અને એવામાં જમનાદાસને પેરેલિસિસના હુમલો આવે અને પોતાનું ડાબું અંગ કાયમ માટે ખોટું પડે છે. આથી સીવણનું બધું કામ કાયમ માટે બંધ પડે છે. ત્યારે પુત્ર સુરેશ પિતા માટે બપોરનું ટીફીન મુશ્તાક નામના મુસ્લિમ વ્યક્તિ પાસે બંધાવી આપે છે. જે પોતાના દીકરા સુરેશને ઘરેથી લઈ આવી જમનાદાસને આપે છે. એવું જમનાદાસ માનતા અને સુરેશ પણ એવું કહેતો હતો. જેમાંથી જમનાદાસ બપોર-સાંજનું ભોજન ખાય શકતા હતા. મુસ્લિમ હોવાથી જમનાદાસ અને આડોશ-પાડોશ કોઈને પણ આ મુશ્તાક ગમતો ન હતો. તેમજ તેના ટીફીનમાં હંમેશા બૉમ્બ હોવાની સંભાવના બધાં વ્યક્ત કર્યા કરતાં હતાં. તેનો દેખાવ પણ આંતકવાદી જેવો જ હતો. આથી જમનાદાસ પોતાના જીવનમાંથી આ મુશ્તાક કોઈ રીતે જતો રહે એવું ઇચ્છ્યા કરતા હતા અને એવામાં એક દિવસ મુશ્તાક ટીફીન લઈને આવતો હોય છે ત્યાં જ ટ્રક સાથે અકસ્માત થતાં ત્યાંને ત્યાં એ મૃત્યુ પામે છે. જમનાદાસ માટે એ સૌથી આનંદનો દિવસ બને છે. બીજે દિવસે પોતાના માનીતા મનસુખ ટીફીનવાળાને પોતાના ઘરનું સરનામું આપે છે અને એ સરનામે મનસુખ ખાલી હાથે પરત આવી ટીફીનબૉમ્બ ફોડે છે કે તમારો દીકરો સુરેશ તો એક વર્ષ પહેલાં મુંબઈ કુટુંબ સાથે જતો રહ્યો છે. જેને જોવો ગમતો ન હતો એ જ મુશ્તાક એક વર્ષથી કશી કિંમત લીધા વિના જમનાદાસને નિઃસ્વાર્થ ભાવે ટીફીન પહોંચાડતો હતો એ જમનાદાસને સમજાય છે. વાર્તાનું શીર્ષક વાર્તાન્તે રહસ્યાત્મક રીતે વાર્તાકારે અહીં ઉજાગર કર્યું છે. ‘મંથન’ ‘જલારામદીપ’ એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ થયેલી વાર્તા છે તો ‘સિક્કાવાળો ફોન’ ‘ઉદ્દેશ’ એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ થયેલી વાર્તા છે. ‘મંથન’માં પરણિત પ્રોફેસરની પોતાની વિદ્યાર્થી સીમા સાથેની પ્રણયલાગણી છે પણ પ્રોફેસર પોતાની પત્ની સાથે અન્યાય કરે છે એવો સતત અપરાધભાવ અનુભવે છે ત્યારે શું કરવું અને શું ન કરવુંનું મંથન અનુભવતા પ્રોફેસરને સીમા સમજાવી જાય છે કે પ્રેમ એ માણવાનો વિષય છે, એ એક ભક્તિ છે. અને ત્યાં પ્રોફેસરનું મન શાંત થાય છે. ‘સિક્કાવાળો ફોન’માં સિક્કાવાળો ફોન પોતાની અંદર કેટલી વાર્તાઓ સાચવી રાખે છે તેની વાત કરતી વાર્તા છે. જેમાં કોઈ ટાઇમપાસ માટે વાતો કરે છે, કોઈની પત્ની રિસાઈને પિયર ચાલી ગઈ છે, તો એકલતા અનુભવતા રમણકાકા દીકરાને પોતાની સાથે લઈ જવાની વાત કરે અને દીકરો પત્નીની તબિયત સારી ન હોવાનું કહી વાત ઠેલાવી દે, તો પિયર ગયેલી સગુણાને તેનો પતિ તેડવા જતો જ નથી અને પોતાને પતિને વારંવાર તેડવા આવવા માટેનો ફોન પતિને કરે છે. અને આ બધામાં સતત સિક્કાવાળા ફોનમાં સિક્કા નાખી પત્ની માટે શહેરમાં કમાવવા ગયેલો ધમો પિયર ગયેલી પત્નીને વારંવાર મનાવવાનો પ્રયત્ન કરે છે અને પત્ની કોઈપણ રીતે ધમા સાથે રહેવા તૈયાર નથી. એની લાચારી-પીડા અહીં મૂકી આપી છે. આવી અનેક રોચક કથા સિક્કાવાળો ફોન જ આપણને કહી આપે છે. ‘હથેળી બહારની રેખા’ ‘જલારામદીપ’ ડિસેમ્બર ૨૦૦૮ના અંકમાં અને ‘ડિવાઇડર’ ‘શબ્દસૃષ્ટિ’ જૂન ૨૦૦૯ના અંકમાં પ્રગટ થયેલી વાર્તાઓ છે. બંને વાર્તાઓમાં પ્રણય કેન્દ્રસ્થાને છે અને બંનેમાં એ પ્રણય અન્ય વ્યક્તિનું જીવનમાં આવી જવાના કારણે સફળ થતો નથી. તેની વાત જુદાં-જુદાં પાત્રોના માધ્યમે જુદાં-જુદાં સંવેદન રૂપે મુકાયેલી છે. ‘સમોવડ’ આ સંગ્રહની ઉત્તમ વાર્તાઓમાંની વાર્તા છે. આ વાર્તા ‘અખંડ આનંદ’ના ફેબ્રુઆરી ૨૦૦૯માં પ્રકાશિત થયેલી છે. આપને ત્યાં સ્ત્રી-પુરુષ સમાનતા વિષે ઘણાં સમયથી જાત-ભાતના અભિપ્રાયો અને માન્યતાઓ ચર્ચાઈ રહી છે ત્યારે બે સખીઓના માધ્યમે સ્ત્રી-પુરુષ સમાનતા ખરેખર કોને કહેવાય તે અહીં વાર્તાકારે ખૂબીથી રજૂ કર્યું છે. સુશીલા અને સવિતા ઉંમરમાં સરખી ને એક જ જગ્યાએ સરકારી નોકરી પણ કરે. એકના વગર બીજીની કલ્પના ન થઈ શકે એવી એની મિત્રતા. પણ બંનેની વિચારસરણીમાં ઘણો ભેદ હતો. સુશીલા સ્ત્રી હોવાના બધા ફાયદા લેવા માગતી હોય છે ત્યારે સવિતા પુરુષ સમોવડ બની દરેક કાર્ય જાતે કરવાનું પસંદ કરે છે. સુશીલા તો બાળકો વગેરેનું બહાનું કાઢી નોકરીમાં જરૂરી તાલીમ પણ લેતી નથી પરિણામે વાર્તાન્તે જરૂરી તાલીમ પૂરી ન કરેલી હોવાથી તેમજ નાણાકીય છેતરપિંડીના ભાગ રૂપે સરકાર તરફથી નોકરી અંગે નોટિસ મળે ત્યારે સુશીલાને પગ નીચેથી ધરતી છીનવાયાની લાગણી અનુભવાય છે. તો બીજી તરફ સવિતા શાંત મને ઑફિસમાં કામ કરતી હોય છે અને ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. સવિતાનું ઠરેલપણું અને સમજ અને બીજી તરફ સુશીલાનું ખુશમિજાજી અને તુમાખીભર્યું વ્યક્તિત્વ ખૂબીપૂર્વક વાર્તાકારે અહીં અભિવ્યક્ત કર્યું છે. ‘ચુનકી’ ‘ઉદ્દેશ’ના માર્ચ ૨૦૦૯ના અંકમાં પ્રગટ થયેલી વાર્તા છે. સગર્ભા માલકિનની સેવા કરવાને કારણે સવિતાને માલકિન તરફથી નાકની સોનાની બે ચુનકી મળેલી. પોતાની નાની દીકરી ચંદ્રિકા કે જે ચુનકી કે ચંદરીના નામે વિશેષ ઓળખાતી હતી તે સોનાની ચુનકી રમવાની જીદ લે છે, અને એમાં એ ચુનકી એનાથી ખાલી મેદાનમાં ખોવાઈ જાય છે. સવિતા માટે આ ચુનકી બહુ કિંમતી હતી. કારણ કે આવી કિંમતી વસ્તુ એને જીવનમાં ક્યારેય મળવાની ન હતી અને તે મળતાંની સાથે જ તેની પાસેથી જતી રહે છે. પરિણામે સવિતા એક પ્રકારનો અણગમો ચુનકી પ્રત્યે જાણ્યે-અજાણ્યે વ્યક્ત કરે છે, અને બીજી તરફ નાની ચુનકી પણ પોતે કોઈ અપરાધ કર્યો છે એવા ભાવ સાથે ઉમરમાં મોટી થાય છે. પણ સમજમાં તેની બુદ્ધિ વિકાસ પામતી નથી. માતા આ જોઈ દુઃખી થાય છે અને સમય જતાં માતા-પિતાને ચુનકી કાયમ માટે ગુમાવે છે. ત્યારે પાગલ ચુનકી દરરોજ ખાલી મેદાનમાં ચુનકીની શોધ કર્યા કરતી હોય છે. આ જોઈ સવિતાની માલકિન અને મોટી થયેલી તેની દીકરી ચુનકીની આ હાલત જોઈ ચિંતિત થાય છે અને તે જ સમયે તેના મનમાં એક યોજના આકાર લે છે. જેમાં માલકિન ચુનકી માટે મેદાનમાં ચુનકી મૂકી દે છે. ચુનકી એ ચુનકી લઈને ખાણી- પીણીનીના એક દુકાનદારને આપે અને તેના બદલામાં ચુનકીને ખાવાનું મળે છે. આવું બે વખત થાય છે એટલે દુકાનદાર પાગલ ચુનકીને કાયમ માટે પોતાની પાસે રાખી લે છે અને ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. સવિતાની ચુનકી માટેની ઘેલછા-લાલચ નાની બાળકીનું જીવન બગાડી દે છે તો સવિતાની માલકિન કે જેના પર સવિતાનું ઋણ હતું તે ચુનકી માટે અનેક ચુનકી આપી દઈ તેના જીવનનો ઉદ્ધાર કરી આપે છે. સંવેદનાની ઉત્તમ રજૂઆત અહીં થવા પામી છે. ‘મમ્મી’ ‘વિ-વિદ્યાનગર’ સામયિકમાં જૂન ૨૦૦૯ના અંકમાં પ્રગટ થયેલી વાર્તા છે. આ વાર્તામાં વિધવા માતાને પણ રંગીન જીવન જીવવું છે, એની પણ કંઈ કેટલીયે ઇચ્છાઓ છે તે પોતાની દીકરી આગળ પોતાની ભાવના અહીં રજૂ કરે છે. તેમજ મા-દીકરીના પ્રેમનું ઉત્તમ નિરૂપણ અહીં થવા પામ્યું છે. ‘વરદાન’, ‘અખંડ આનંદ’ નવેમ્બર ૨૦૦૯ના અંકમાં પ્રગટ થયેલી આ વાર્તામાં વાર્તાના નામ પ્રમાણે વરદાનની વાત કરવામાં આવી છે. સપનામાં શંકર ભગવાન નાયકને એક વરદાન દિવસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં માગવાનું કહે છે. વાર્તાનાયક દિવસભર જેમ-જેમ મુશ્કેલી આવે છે તેમ તેમ વરદાન માંગી બદલતો રહે છે અને પોતાના જીવન પર જોખમ આવતાં પોતાનું જીવન બચી જાય એવી વરદાનની માગણી કરે છે ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. વિષયવસ્તુની રીતે અહીં નાવીન્ય જોવા મળતું નથી. ‘ફ્લાયઓવર’ ‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર ૨૦૦૯ના અંકમાં પ્રગટ થયેલી સામાન્ય વાર્તા છે. ‘સ્પાઇડરમેન’ ‘જલારામદીપ’ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રગટ થયેલી આ વાર્તામાં પરિવાર તરફ નોકરી-કામમાં ધ્યાન ન આપવાથી પત્ની-બાળકની માનસિકતા પર અસર પડે છે તેની અભિવ્યક્તિ કળાત્મક રીતે અહીં કરવામાં આવેલી છે. ‘સ્ટેન્ડબાય’માં નાયકનું સતત વિકલ્પરૂપ બનવું તેમજ ‘સાઇડ ઈફેક્ટ’ સરકારી શિક્ષકને ભણાવવા સિવાય બીજાં જ કામો કરવાનાં હોય છે તે ભાવ અહીં આલેખિત કરવામાં આવ્યો છે. વાર્તાસંગ્રહનું શીર્ષક અને અંતિમ વાર્તા ‘ક્રિમેટોરિયમ’ નાયકના સ્મશાનરૂપી લગ્નજીવનના પત્ની હોવા છતાં ખાલીપો છે એ તેનો વર્ણ્યવિષય છે. નાયકને પત્ની તરફથી ક્યારેય બે મીઠા બોલ સાંભળવા મળ્યા નથી, મીઠા બોલ તો દૂરની વાત સાથે બેસીને ભોજન પણ કર્યું નથી. સુમી સાથે પ્રણયભરી વાતો કરવા, ક્રિયા કરવા નાયક તલસે છે અને દરેક વખતે સુમી છણકો કરી કે કામ છે કહી છટકી જાય છે. નાયકના જીવનનો ખાલીપો વાર્તાકારે પરી રૂપી પત્ની આવીને નાયકની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે, નાયકને સાંભળે એ રીતે કાલ્પનિક રીતે ખાલીપાને ભરવાનો પ્રયત્ન નાયકને કરતો બતાવે છે. પણ અંતે નાયકને પરી પણ છોડીને ચાલી જાય છે ત્યાં વાર્તાનો અંત છે. હીંચકાનું સતત કીચૂડ....કીચૂડ થવું એ પ્રતીકાત્મક બન્યું છે, તો વાર્તાન્તે નાયકનું જીવન જ સ્મશાનરૂપ છે કે જ્યાં ખાલીપા સિવાય કશું જ હાથમાં નથી. આમ, પ્રસ્તુત વાર્તાસંગ્રહની મોટા ભાગની વાર્તાઓ પ્રથમ કોઈને કોઈ સામયિકમાં પ્રગટ થઈ છે અને પછી આ વાર્તાસંગ્રહમાં ગ્રંથસ્થ થઈ છે. દરેક વાર્તામાં વપરાયેલી ભાષા એકદમ સરળ, સચોટ અને ધારદાર બની છે. ક્યાંય ભાષાની ઝાકઝમાળ કે ખોટા અલંકારો કે રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલ નથી. વાર્તાને અપાયેલાં શીર્ષકો પણ સૂચક અને પ્રતીકાત્મક બન્યાં છે. વાર્તાના વિષયો પણ મોટાભાગે નાવીન્ય ધરાવે છે અને વાર્તાકાર પ્રસ્તાવનામાં જણાવે છે તેમ જીવતા-જીવનને જ વાર્તાનો વિષય બનાવેલ છે. આથી વાર્તા ભાવકને વધુ સ્પર્શી જાય છે. ‘ટીફીનબૉમ્બ’, ‘સમોવડ’, ‘ચુનકી’, ‘સ્પાઇડરમેન’ આ સંગ્રહની ઉત્તમ વાર્તાઓ છે. તો ‘સિક્કાવાળો ફોન’, ‘મમ્મી’ જેવી વાર્તાઓ સામાન્ય વિષયવસ્તુવાળી હોવા છતાં અસામાન્ય બની રહે છે. ‘વરદાન’, ‘સ્ટેન્ડબાય’, ‘ફ્લાયઓવર’ જેવી સામાન્ય કથાવસ્તુ ધરાવતી વાર્તાઓ પણ છે.

રોલ નંબર્સ

GTVI Image 168 Roll Numbers.png

રોલ નંબર્સ (પ્રથમ આવૃત્તિ, ૨૦૨૨) એ અજય ઓઝાનો પાંચમો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહમાં બાળકો જ કેન્દ્રસ્થાને છે અને વાર્તાસંગ્રહના શીર્ષક પ્રમાણે વાર્તાનાં નામ રોલ નંબર્સ ૧થી ૧૬ સુધી અપાયેલાં છે. અને એ રોલ નંબર્સ સાથે જોડાયેલ દરેક વિદ્યાર્થીની ખૂબી કે કોઈ વિશેષ પ્રસંગ એ વાર્તાનો વિષય બનીને આવે છે. જેમાં વાર્તાકાર દરેકની ખૂબી આપણા સુધી જાણે સામે બેસીને આપણે સાંભળતા હોય એ રીતે રજૂ કરે છે. આંખ સામે દરેક રોલ નંબરનું દૃશ્ય ભજવાતું જોઈ શકીએ છીએ. ટેબ્લેટમાં હાજરી પુરાય છે અને તેની સાથે જે-તે રોલ નંબરની વાત કહેવાય છે. ‘રોલ નંબર એક’ બોલાય છે અને રોલ નંબર એકની કથા ખૂલે છે. જેમાં પહેલી વખત આ શાળામાં બાળક આવ્યું ત્યારથી લઈને ભણવામાં એનો કેટલો વિકાસ થયેલો અને બાળકો કેવાં નિર્દોષ હોય છે તેની વાત કરવામાં આવી છે. ‘રોલ નંબર બે’. ત્યાં જ ટેબ્લેટમાં ચશ્માં પહેરેલી લક્ષ્મીના ફોટો પર વાર્તાકારની નજર જાય છે અને એક સંવેદન ખૂલે છે. જેમાં પગમાં વાગેલું હોવાથી બીજા વર્ગમાંથી વાર્તાકારના વર્ગમાં આવેલી લક્ષ્મીને આંખના ચશ્માંના નંબર ન હોવા છતાં તેના જૂના વર્ગશિક્ષક લક્ષ્મીને પરાણે છ મહિના ચશ્માં પહેરાવે અને વાર્તાકાર પોતાના ક્લાસમાં લક્ષ્મી આવે ત્યારે ચશ્માંનું કારણ શોધી વર્ગશિક્ષકની ભૂલ સુધારે તેની વાત છે. ‘રોલ નંબર ત્રણ...’ નીતેશ નામે ભણવામાં હોશિયાર વિદ્યાર્થીની પ્રોફાઈલ ખૂલે છે. ‘રોલ નંબર ચાર..’ વંદના નામે આંગળીનો વી કરેલો ફોટો ટેબ્લેટમાં જોવાય અને પોતાના વર્ગશિક્ષક માટે વંદના અને એવા કેટલાયે વિદ્યાર્થીની ઇચ્છા હોય છે કે પોતાના વર્ગશિક્ષક સામાન્ય સંગીત ખુરશીમાં પણ જીતવા જ જોઈએ. એ પ્રસંગ અહીં વર્ણન પામેલ છે. ‘રોલ નંબર પાંચ...’ બોલતા કોઈ જવાબ ન મળતાં જાણવા મળે છે કે એ તો દરરોજ જ મોડો આવે છે. દરેક દિવસે મોડો આવનાર વિદ્યાર્થી શા માટે મોડો આવે તેનું કારણ વાર્તાકાર તેના પિતાને મળતાં જાણે છે કે તેની મા કોઈ અન્ય વ્યક્તિ સાથે નાસી ગઈ છે અને પરિણામે મહેશ શાળાએ સમયસર આવી શકતો નથી. વાર્તાકાર એ પિતાને આશ્વાસન આપે છે કે તમે મહેશની ચિંતા ન કરશો એને હું સાચવી લઈશ અને આજે પણ સમયસર ન પહોંચેલા મહેશની હાજરી પુરાઈ જાય છે. ‘રોલ નંબર છ.’ આરતીની વાત છે. ‘ર’ ને બદલે ‘ય’નું ઉચ્ચારણ કરતી આરતી સતત ગભરાઈ જતી અને એની આ ગભરાવવાની બીક જ એક દિવસ પ્રાર્થના સમયે વર્ગમાં વર્ગશિક્ષકને આવતા જોઈ કબાટમાં જાતને પૂરી દેવા સુધી પહોંચી જાય છે. ‘રોલ નંબર સાત..’ બોલતાં નરેશ દરરોજ કરતાં બમણા ઉત્સાહ સાથે યસ સર બોલે છે. એ ઉત્સાહ આજે તેને પહેલી વાર પહેરેલા યુનિફોર્મનો હતો. દર વર્ષે યુનિફોર્મની શિષ્યવૃત્તિ બાળકોને મળતી પણ નરેશના પિતા એ શિષ્યવૃત્તિ દારૂ પીવામાં કે જુગાર રમવામાં વાપરી નાખતા અને સમગ્ર ક્લાસમાં એક જ વિદ્યાર્થી યુનિફોર્મ પહેરીને ન આવતાં નરેશના ઘરે જ્યારે વર્ગશિક્ષક જાય છે ત્યારે તેને નરેશની મા પાસેથી ખ્યાલ આવે છે કે શિષ્યવૃત્તિના પૈસાનું શું થાય છે. એટલે આગળની શિષ્યવૃત્તિના પૈસા વર્ગશિક્ષક સીધા તેની માના હાથમાં આપે જેનું પરિણામ નરેશના ઉત્સાહમાં લેખક આજે જોઈ શકે છે. એટલું જ નહિ, નરેશ તો પોતાનો યુનિફોર્મ પહેરેલો ફોટો પાડી ટેબ્લેટમાં અપડેટ કરવાનું પણ કહે છે. ‘રોલ નંબર આઠ...’ સ્વભાવે મૂંગા રહેવાનું પસંદ કરતી સંગીતા માત્ર હાથ ઊંચો કરી પોતાની હાજરી નોંધાવે છે. કાયમની મૂંગા રહેવાની તેની આદત હતી તેવી જ એક બીજી આદત કે રિસેસના સમયે પાણી ભરવાના બહાને એ ઘરે જતી રહેતી અને ખાસ્સી વારે આવતી. એમાં એક દિવસ વધુ મોડું થયું હોવાથી શિક્ષક તેનાં મમ્મીને જાણ કરે છે ત્યારે ખબર પડે છે કે તેનાં મમ્મીએ તો પાણી ભરવાનું કહ્યું જ નથી અને પાણી તો દરરોજ રાત્રે આવે છે. સંગીતાને પૂછતાં ખ્યાલ આવે છે કે આ બધાં પાછળ તેના કાકા તેને બોલાવતા હોય છે. આમ, બાળકના અંગત જીવનમાં ડોકિયું કરતાં તેના જીવનની સાચી હકીકત અહીં મળે છે. ‘રોલ નંબર નવ...’ આ વાર્તાસંગ્રહની શ્રેષ્ઠ વાર્તા. રોલ નંબર નવ એ વિક્રમનો હતો જે જન્મે મૂંગો–બહેરો હતો. વિક્રમ પહેલાં લાલજીભાઈ નામના શિક્ષકના વર્ગમાં હતો ત્યાંથી વાર્તાનાયક તેને પોતાના ક્લાસમાં લઈ આવે છે અને ધીમે-ધીમે બંને એકબીજાની ભાષા સમજવા લાગે છે. વિક્રમ માટે પોતાના વર્ગશિક્ષક સર્વેસર્વા બને છે અને એવામાં શાળાના આચાર્ય અને લાલજીસાહેબ બંને મળી વિક્રમના વર્ગશિક્ષકની પરીક્ષા કરવા માટે વિક્રમની હાજરીમાં એક યોજના ઘડે છે અને વર્ગશિક્ષકની લ્યુનામાં પંક્ચર પડાવે છે. ત્યારથી વિક્રમનો સ્વભાવ બદલાય છે અને તે દરરોજ લાલજીસાહેબની ગાડીની હવા કાઢી નાખે છે. અચાનક આવેલા બદલાવથી વર્ગશિક્ષક પણ અકળાય છે અને એવામાં લાલજીસાહેબ વિક્રમની ફરિયાદ વર્ગશિક્ષકને કરે છે ત્યારે ખરું કારણ તમે વિક્રમ પાસેથી જ જાણો એમ કહી લાલજીસાહેબ ઉશ્કેરાય છે અને કારણ જાણવા વર્ગશિક્ષક વિક્રમને બોલાવી તમામ હકીકત જાણે છે. જેમાં લ્યુનામાં પંક્ચર પાડવાની શરૂઆત લાલજીસાહેબે જ કરેલી. એટલું જ નહિ, નવાં આવેલાં વિદ્યાસહાયક બહેન વિશેની વાત થયેલી તે પણ વિક્રમ પાસેથી જાણવા મળે છે. ત્યારે આટલી ડીટેલીંગ વાત વિક્રમ કેમ સાંભળી અને સમજાવી શક્યો તેનો અચરજ ભાવ આચાર્ય અને લાલજીસાહેબ બંને અનુભવે છે. આમ, શારીરિક ખામીવાળા બાળકો સાથે જો લાગણીથી કામ લેવામાં આવે તો હંમેશા તેનાં સારાં પરિણામ જ જોવા મળે એ વાત અહીં ખૂબ જ અસરકારક રીતે કહેવાયેલી છે. ‘રોલ નંબર દસ..’ જે રાધિકાનો હતો. ભણવામાં ખાસ હોશિયાર નહિ પણ તેના જીવનમાં ઠરેલપણું છે. એ પ્રસંગ અહીં મેળામાં તેના માતા-પિતા ફુગ્ગા વેચે છે અને પોતે નાના ભાઈને સાચવે છે તેમાં દેખાય છે. ‘રોલ નંબર અગિયાર..’ ત્યાં જ જૂના વર્ષનો વિશાલ યસ સર કહી હાજરી નોંધાવે છે અને તેની સાથે જોડાયેલી ઘટના ખૂલે છે. પતંગમાં મશગૂલ વિશાલ ભણવાનું ભૂલી જતો અને વર્ગશિક્ષક જાતે તેને લેવા ગયેલા એ ઘટના એને જોતાં અહીં વર્ણન પામી છે. ‘રોલ નંબર બાર...’ નીરવ કે જેને આંખના નંબરના કારણે સતત માથું દુખ્યા કરતું અને એનું જ્ઞાન ન તો નીરવને હતું કે ન હતું એના મા-બાપને. માથું અને વાચન ન કરી શકતા નીરવની પીડાને ઉકેલવામાં વાર્તાકાર અહીં નીરવને મદદ કરે છે.’ રોલ નંબર તેર..’ રેખાનો હતો. ટેબ્લેટમાં પ્રવેશ લીધેલો એ વખતનો ફોટો હતો આથી પ્રસંગ પણ જૂનો અહીં ઉઘાડ પામે છે. જેમાં રેખાને તેની મમ્મીએ કસોકસ દફતર બાંધી આપેલું અને તેની પીડાથી એ અકળાયેલી એ ઘટના અહીં મુકાયેલી છે. ‘રોલ નંબર ચૌદ...’ પોતાની બેગમાં દસની નોટ હોવાથી પ્રાર્થનામાં ગીત ગાવાનો આનંદ અને ઉત્સાહ હોવા છતાં એ જતો નહિ એવા પ્રયાગનો નિખાલસ ભાવ અહીં આલેખન પામ્યો છે.’ રોલ નંબર પંદર...’ મીરાંની સતત ઊંચાઈ વધતી હોવાથી તે જાતને ઝડપથી મોટી થતી હોય તેવું અનુભવે છે એની એ લાગણી અહીં વર્ણન પામી છે. ‘રોલ નંબર સોળ...’ હાજરી પૂરતા ટેબ્લેટમાં પહેલા ધોરણની પ્રોફાઈલમાંથી તેનો પ્રસંગ આલેખાયો છે જેમાં બહુ બોલકી એવી અનિતા લોકડાઉનમાં હીંચકે બેસી ભણાવતા વર્ગશિક્ષકના ઘરે જઈને હીંચકા ખાવાની જીદ કરતી અનિતાની વાત છે. આમ, આ વાર્તાસંગ્રહ બાળકોને કેન્દ્રમાં રાખીને લખાયેલો છે. દરેક બાળકમાં અપાર શક્તિ રહેલી હોય છે ને તેની દરેક વાત કે કારણ પાછળ કોઈને કોઈ ચોક્કસ તથ્ય રહેલું હોય છે તે અહીં સચોટ રીતે આલેખાયેલું છે. કોઈ એક જ વિષયને લઈને વાર્તાઓ લખાયેલી હોય તેવું પણ અહીં પહેલી વાર જોવા મળે છે. ભાષાની રસાળતા વાર્તાના પ્રવાહમાં ભાવકને તાણી જાય એ આ વાર્તાસંગ્રહની વિશેષતા બને છે. બાળકની વાત કે પ્રસંગને આલેખવાની એમની આગવી રીત પણ આ સંગ્રહની વિશેષતા બની રહે છે. ખૂબ જ ઓછા શબ્દોમાં જે-તે બાળકની વાત સચોટ રીતે અહીં મુકાયેલી છે.

ડૉ. કિરણ ખેની
આસિસ્ટન્ટ પ્રોફેસર,
ઉમા આર્ટ્‌સ ઍન્ડ નાથીબા કૉમર્સ મહિલા કૉલેજ, ગાંધીનગર
મો. ૯૪૦૮૫૧ ૯૧૦૧૨, ૮૧૬૦૦ ૭૮૫૨૬
E-mail : khenikiran24@gamil.com