ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જયશ્રી ચૌધરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આશા જગવતી વાર્તાઓ
જયશ્રી ચૌધરી

દીપક રાવલ

Jayshree Chaudhary.jpg

વાર્તાકાર જયશ્રી ચૌધરી દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનાં છે અને જાગીરદારના વંશજ છે. તેમના પૂર્વજોએ પાણીપતના યુદ્ધમાં ભાગ લીધો હતો. શ્રીમાન ગાયકવાડ સરકારે તેમની શૂરવીરતાની કદર કરી જમીનની સનદ્‌ આપી હતી. તેઓ ‘શ્રી ઠાકોરભાઈ પટેલ આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર’માં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તેમણે ‘ચુનીલાલ મડિયાની નલકથાઓનો વિવેચનાત્મક અભ્યાસ’ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. અધ્યાપનની સાથે સાથે રિસર્ચ પ્રોજેક્ટ, રેડિયો પર કે ટી.વી પર એનાઉન્સર – ન્યૂઝ રીડર વગેરે પ્રવૃત્તિઓમાં રસ લે છે. તેમનું જન્મસ્થળ ડુંગરી. તેમના પિતા પી.ડબલ્યુ.ડી.માં સેવાઓ આપતા હતા તેથી તેમનું બાળપણ સાપુતારા, આહવા જેવાં વિવિધ સ્થળોએ વીત્યું. એનો લાભ એ થયો કે એક કરતાં વધુ ભાષાઓ, હિન્દી-મરાઠી-ડાંગી-ચૌધરી શીખવા મળી, પ્રકૃતિ અને વિવિધ લોકસંસ્કૃતિનો પરિચય થયો. તેમનું લગ્ન શ્રી જિતેન્દ્ર ચૌધરી સાથે થયું છે. બંને સાથે મળીને સમાજસેવા અને સંશોધન કરે છે. જયશ્રી ચૌધરીએ ‘ચૌધરી સમાજનાં ગીતો’ (સી.ડી.), ‘વ્યારા પરદેશની ચૌધરી જનજાતિ’, ‘ભારતીય આદિમ સંગીત-ચૌધરી સમાજનાં ગીતો’, ‘ચૌધરી સમાજની લોકકંઠ્ય કથાઓ’, ‘Gandhian Thoughts on Chaudhari Region’ સંશોધનગ્રંથો પ્રગટ કર્યાં છે. તેમનામાં સિસૃક્ષા બાળપણથી જ હતી. તેમણે આઠમા ધોરણમાં હતા ત્યારે વર્ષાગીત લખ્યું હતું. તેમણે વાર્તાલેખનનો પ્રારંભ ‘સૂકું જાડ’ વાર્તાથી કર્યો હતો. તેમની વાર્તાઓ ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થઈ છે. તેમના બે વાર્તાસંગ્રહો છે : ‘આશા’ અને ‘સેવન ટ્રિઝ’. વાર્તાસંગ્રહ ‘આશા’માં ૨૪ વાર્તાઓ છે અને ‘સેવન ટ્રીઝ’માં ૧૨ વાર્તાઓ છે. પરંતુ ‘મૂરખ છોકરી’, ‘વિસ્ફોટ’, ‘અમૂર્ત’, ‘સેવન ટ્રીઝ’, રYC (KYC) ઑફિસ’ અને ‘ઇજ્જત કી રોટી’ વાર્તાઓ બંને સંગ્રહમાં છે એટલે બંને સંગ્રહની કુલ ત્રીસ વાર્તાઓ છે.

Asha by Jayshree Chaudhary - Book Cover.jpg

વાર્તાસંગ્રહનું નામકરણ જે વાર્તાથી થયું છે તે ‘આશા’ વાર્તાની નાયિકા આશા ‘મમતા’ સેવા સંસ્થા જોડાયેલી છે. એ સોનઆંબા ગામમાં સેવાર્થે જાય છે. એ ગામના મુખીએ બીજું લગ્ન કર્યું છે અને પહેલી પત્ની કાશીને મારઝૂડ કરે છે. આશા કાશીને અને ગામની બીજી અભણ સ્ત્રીઓને ભણાવે છે. કાશી દૂધમંડળી ચલાવતી થાય છે અને ‘આશા મહિલા મંડળ’ સ્થાપે છે. આશા કાશીને મોહન સાથે સંસાર શરૂ કરવા પ્રેરે છે. કાશી અને મોહનના દીકરાના લગ્નની કંકોતરીનું આશાને મળવું એ આશાના સેવાકાર્યની સફળતાનું દ્યોતક બની રહે છે. વિધવા અંતુની મનોવ્યથા ‘સજા’ વાર્તામાં વ્યક્ત થઈ છે. અંતુને ચાર સંતાન હતાં. જીવનમાં પુરુષની ઓથ મળી રહે એ હેતુથી પંચાયતભવનમાં નોકરી કરતા દારૂડિયા ગોવિંદ સાથે પરણે છે. સંતાન ઉંમરલાયક થતાં પરણી ગયાં. ગોવિંદ રિટાયર થયો, અઢી લાખ રૂપિયા મળ્યા. એ રોજ દારૂ પીને અંતુને મારતો, ગાળાગાળી કરતો અને પૈસા માગતો. એક દિવસ અંતુ કંટાળીને દારૂની આખી પેટી લઈ આવી અને ગોવિંદ પાસે મૂકી દીધી. દારૂ પી પીને એક દિવસ ગોવિંદ મરી ગયો. ત્યારે અંતુને થયું ‘હવે હું એના વિના કેમ જીવીશ?’ એ સજા ગોવિંદને કરવા ગઈ અને જાણે પોતાને જ સજા કરી બેઠી! બાળક વીરેન્દ્રને એની મા સાવિત્રી છોડીને ચાલી જશે તો એની બીક રહ્યા કરે છે. વીરેન્દ્રની મા સાવિત્રીને ‘કાકા’ સાથે સંબંધ છે. એક દિવસ સાવિત્રીને તાવ આવ્યો અને ‘કાકા’ એને ગાડામાં નાખીને દવાખાને લઈ ગયો. વીરેન્દ્ર સવારે જાગ્યો ત્યારે પોતાના ઘરમાં હતો. એની મા અને ‘કાકા’ ચા પીતા હતાં! વિરેન્દ્રને થાય છે કે હવે એની મા એને છોડીને નહીં જાય તેથી ‘કાકા’ માટે બીડીઓ લઈ આવીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. લેખાના મનોમંથનની અને મનોબળની વાત ‘પરિવર્તન’ વાર્તામાં નિરૂપાઈ છે. લેખાને બે પુત્ર છે. લેખાનો પતિ ચિંતામણિ દારૂની લતમાં મૃત્યુ પામ્યો હતો. એ જ રીતે લેખાનો પ્રિય પુત્ર સંજુ પણ દારૂના રવાડે ચડી મૃત્યુ પામે છે. લેખા હિમ્મત હાર્યા વિના શાકભાજીનો વેપાર કરતી હતી. એ જેની ઉપેક્ષા કરતી હતી તે દીકરો આનંદ એક દિવસ દારૂ પીને આવે છે લેખા એને પોતાના માથા પર હાથ મૂકી કદી દારૂ ન પીવાના સોગંદ લેવડાવે છે. આનંદ પણ સોગંદ ખાય છે. આનંદને ‘રેમી’ હોટલમાં નોકરી મળે છે અને એના જીવનમાં પરિવર્તન આવે છે. ક્યાદુ નામની કિશોરીના માનસ પર ટી.વી.ના પ્રભાવ-દુષ્પ્રાભાવની અસર ‘પ્રતિબિંબ’ વાર્તાના કેન્દ્રમાં છે. ક્યાદુ ભણવા માટે હોસ્ટેલમાં જઈ રહી છે ત્યારે ડ્રાઇવરના બીભત્સ ચેનચાળા અને એની લોલુપ નજરમાંથી માંડ છટકે છે. આજના આધુનિક સમયના યુવક-યુવતીઓને મુક્તિ જોઈએ છે તે વાત ‘મુક્તિ’ વાર્તામાં વિશિષ્ટ રીતે કહેવાઈ છે. વિનિતાનું લગ્ન રાકેશ સાથે થાય છે. ઘરમાં સઘળું સુખ હોવા છતાં એ કોઈ પિંજરમાં કેદ હોય એવું અનુભવે છે. મિત્ર નિકેતની સમજાવટથી રાકેશ શહેરમાં અલગ રહેવા જાય છે. પરંતુ પછી નિકિતા રાકેશને તેના પરિવારની ખબર લેવાનું કહે છે! નિકિતાને માત્ર મુક્તિ જોઈએ છે પરંતુ એને પરિવારનો વાંધો નથી. દારૂ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતી નીલમ એક પુત્રના પિતા રયાજુના પ્રેમમાં પડે છે. પહેલાં ભણતી હતી ત્યારે બસ ડેપોમાં કામ કરતા ખ્રિસ્તી છોકરા સાથે એને પ્રેમ થયો હતો. એ મજબૂરીને કારણે દારૂના ધંધામાં આવી. રયાજુની પત્ની કોઈ ડ્રાઇવર સાથે ભાગી ગયેલી તે પાછી આવે છે. ત્યારે એની સખીને કહે છે ‘આશુ, હું તો કુંવારી સું. મને તો બીજો મળહે. પણ પેલીને કોણ સંઘરહે? સ્ત્રી થઈને સ્ત્રીની દુશ્મન હું નથી બની શયકી.’ એક ‘મૂરખ છોકરી’ની સંવેદનશીલતા સ્પર્શી જાય છે. વાર્તા ‘ધરતીપુત્ર’માં પ્રાકૃતિક ચિકિત્સાનો મહિમા થયો છે. આદિવાસી સમાજની ભૂત-પ્રેત-ડાકણ વિષેની માન્યતાઓ ‘ભગવાનની મા’ વાર્તાના કેન્દ્રમાં છે. સાગવડ ગામની ત્રિપુટી સ્ત્રીઓએ પાનકી વહુને પોતાના ડાકણ બેડામાં સામેલ કરવાનો કર્યો હતો અને તે કઈ રીતે બચી તે વર્ણવ્યું છે. ‘હવા’ વાર્તામાં એક ફેન્ટસી છે. વાર્તાની નાયિકા અંગીતાને શહેરનું પ્રદૂષણ, દોડધામ ગમતાં નથી. એને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવું ગમે છે. હવા સાથે એકાકાર થઈને ભવિષ્યમાં શું બનવાનું છે તેનો તેને અહેસાસ થઈ જાય છે. અંગીતા પોતાના પૌત્ર-પૌત્રીને પણ હવાનો સ્પર્શ અનુભવતાં શીખવે છે. અંગીતાને વડના ઝાડ નીચેથી પસાર થતાં પોતાના પતિનું મૃત્યુ થશે તેનો અણસાર આવે છે અને એને પોતાના મૃત્યુ પહેલાં હવા જાણે બાથ ભરીને બોલાવતી હોય એવું લાગે છે!૧ પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો મહિમા અહીં નિરુપાયો છે. સાંપ્રત સમયની એક ભયાનક સમસ્યા આતંકવાદ ‘વિસ્ફોટ’ વાર્તાના કેન્દ્રમાં છે. કૉલેજમાં નાટક કરતી વખતે પ્રેમમાં પડેલાં ઈશાન અને જૂહી ભણતર પૂરું થયા પછી સાથે રહેવાનો સંકલ્પ કરે છે. ઈશાન એક વર્ષ આગળ હતો. એ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો. જૂહી બીજા વર્ષે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ઈશાનને મળવા ટ્રેનમાં નીકળી. કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો અને જૂહી મૃત્યુ પામી. આતંકવાદી પ્રવૃત્તિ સમાજના નિર્દોષ લોકોને કેટલી તકલીફ આપે છે તે આ વાર્તા દ્વારા આપણે પામીએ છીએ. બાળકોને પતંગ ઉડાડવાનું ગમતું હોય છે અને પતંગ માટે ગમે તે દુઃસાહસ કરી બેસે છે. પતંગ લેવા ઉમંગ પાઇપ ચડ્યો, પાઇપ તૂટ્યો અને પડ્યો. લોહીલુહાણ થઈ ગયો. સુરેખા ટ્રક ડ્રાઇવર સંજુ સાથે પરણી હતી. આર્થિક અભાવને કારણે ત્રસ્ત હતી. આ વાર્તામાં બાળમાનસનું આલેખન સરસ થયું છે. ‘સર્પ’ વાર્તામાં અંગદ વીરસિંગ ભગત પાસેથી સર્પવિદ્યા શીખવા માગે છે. વિદ્યા શીખવા આકરા નિયમ છે. અંગદ વાર્તાના અંતે ‘મારે દેવ નથી બનવું મને માણસ રહેવા દો’ એમ કહે છે. આ વાર્તામાં એ રીતે માણસ હોવાનો મહિમા વ્યક્ત થયો છે. ગ્રામજીવનમાં હોળીના ઉત્સવનો વિશેષ આનંદ હોય છે. આવા પ્રસંગોએ યુવક યુવતીને મળવાની અનુકૂળતા મળતી હોય છે. આ વાર્તા ‘હોળી’માં જયસિંગ અને સીતા હોળીના સાન્નિધ્યમાં પ્રેમનો એકરાર કરે છે. સીતાના વિવાહ થઈ ગયા હોય છે. સીતા જયસિંગને જોઈને રસ્તો બદલી નાખતી. પરંતુ પછીથી હોળીના પ્રસંગે પોતાના પ્રેમનો એકરાર કરે છે. આ વાર્તામાં પ્રેમીઓનો મળવા-વિખૂટા પડવાનો સંઘર્ષ નથી. આ વાર્તામાં લેખિકાએ પાત્રોના મનોભાવ વ્યક્ત કરવા હોળી પ્રગટાવવાનો વિધિ, હોળીગીતો વગેરેને ખપમાં લીધાં છે. આદિવાસી સમાજમાં પુનઃલગ્નની પ્રથાનું ‘દરબાર’ વાર્તામાં નિરૂપણ છે. પચાસ વર્ષની હવસીનો પ્રેમી મિલેટરીમાં હતો, શહીદ થયો હતો. એ બહેન સેવંતીના ઘરે રહેવા જાય છે ત્યારે ખેતરમાં કામ કરતાં બનેવી રામુદાજી સાથે સંબંધ બંધાય છે. સેવંતીનું મૃત્યુ થાય છે. અંતે રામુદાજીની સાડી સ્વીકારીને દરબારમાં ફરવા જાય છે. આધુનિકયુગનાં સંતાનો માબાપની કાળજી લેતાં નથી પરંતુ ક્યારેક પારકા કાળજી લે છે તે વાત ‘સ્વજન’ વાર્તાના કેન્દ્રમાં છે. નારણના દીકરા મયુરનું લગ્ન અંકિતા સાથે થયું પછી પિતા પુત્રના સંબંધો વણસ્યા. નારણે દીકરાને શહેરમાં જવા પૈસા આપ્યા પણ અંકિતા માટે ઘરેણાં ખરીદવા જીવનભરની મૂડી ન આપી. અસિત અને રક્ષાએ નારણની સેવા કરી. નારણે પોતાની સંપત્તિ અસિત અને રક્ષાને સોંપી. અસિત અને રક્ષાએ એ રકમ મયુરને સોંપી દીધી. સમાજમાં એકલી છોકરીની શી દશા થાય છે તે ‘એક છોકરી’ વાર્તામાં નિરૂપાયું છે. એક ગરીબ છોકરીને હોટલવાળા છોકરાઓએ ઐશ્વર્યા નામ આપ્યું હતું. એ છોકરાઓએ એને ગર્ભવતી બનાવી અને અંતે એ મૃત્યુ પામી. પ્રેત સાથેના પ્રેમની વાત ‘પ્રેમ’ વાર્તામાં છે. નદીકાંઠે ગાય ચારતા મધુને ‘કળાના ચોખા જેવી છોકરીએ ચાંદની રાતે ભોજન પીરસ્યું. વનમાં ભટકતી આત્મા સાથે પ્રેમ થયો. નદી કાંઠાનું ઝાડ વાવાઝોડાને કારણે પડી ગયું. છોકરીનો આત્મા ચાલ્યો ગયો. રામજી ભગતે ભૂતપ્રેતનો વિધિ કર્યો. એ છોકરી પ્રેત હતી તે જાણ્યા પછી પણ મધુ કહે છે : ‘પ્રેમની પીડા મને મંજૂર છે!’ વાર્તા ‘ઉમરાનાં ફૂલ’માં સ્યાલદાને સુનીલના ઘરે વાસણ-પાણી કરવાનું કામ મળે છે. સુનીલની પત્નીની ગેરહાજરીમાં સ્યાલદા સુનીલને સમર્પિત થાય છે. સ્યાલદાનાં બીજે લગ્ન થાય છે ને મંડપમાં એ સુનીલ સાથેની સ્મૃતિ તીવ્રતાથી અનુભવે છે. એને દાદી કહેતી હતી એ વાત યાદ આવે છે : ‘ઉમરાને ફૂલ આવે, પણ કેવાં? સોનાનાં! એ ખીલે અમાસી કાળી રાતે... એ... આખો ઉમરો ઝગમગી ઊઠે. આ વાત કોઈને કહેવાય નહીં, ચૂપચાપ ફૂલ તોડી લેવાં પડે.’ આ વાર્તા સરસ રીતે કહેવાઈ છે. ‘અમૂર્ત’ વાર્તામાં આભિજાત માંગલિકનો ઉપચાર હિપ્નોટિજમ, ધ્યાન દ્વારા કરે છે અને એ શાલ્વના અતીત સુધી પહોંચે છે. શાલ્વે સવિતા પર બળાત્કાર કર્યો હતો. આ વાર્તામાં બે ચિત્રોને લેખિકાએ પાસપાસે મૂક્યાં છે. એક જુદા પ્રકારની પ્રેમકથા છે ‘સંગોપિત’. જમના પરિણીત હોવા છતાં ઘોડાના વેપારી સમરના પ્રેમમાં પડે છે. આ વાર્તામાં પ્રેમનો મહિમા થયો છે. પૌત્રી અનુજા દાદીને એના યુવાન હોવાનું રહસ્ય પૂછે છે ત્યારે જમના કહે છે, ‘પ્રેમ. જ્યારે તમે કોઈ વ્યક્તિને કે કોઈ પ્રવૃત્તિને પ્રેમ કરો છો ત્યારે તમારા મનમાં કોઈ દુર્ભાવના ટકતી જ નથી.’ સમરના મૃત્યુ પછી પણ એ સમરને વિસરી નથી. એને અનુભવવા એ કેવડીયા વનમાં જતી હોય છે.

Seven Trees by Jayshree Chaudhary - Book Cover.jpg

લેખિકાની ‘સેવન ટ્રીજ’ વાર્તાની ઘણી ચર્ચા થઈ છે. સૈન્દ્રને પુત્ર અનુપે ‘ઓલ ઇન વન’ વૃદ્ધાશ્રમમાં મૂક્યો હતો. ત્યાં સૈન્દ્રએ સ્મૃતિના ચોસલાંઓ સાથે રમવાની રમત શોધી કાઢી હતી. અનુપે સૈન્દ્રને વિશ્વપ્રસિદ્ધ ‘સેવન ટ્રીજ’માં ભણવા મૂક્યો. ભણીને એ બિઝનેસમેન બન્યો. એક ગોળી ખાવાથી મનપસંદ ભોજનનો સ્વાદ મળે એવી ગોળીનું પ્રોડ્‌ક્શન શરૂ કર્યું. ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો. સફળ એ બનાવટી સંવેદનાઓ જીવવાની તાલીમ આપતી સંસ્થા. પુત્રને ઉછેરવામાં અનુપે મોટી ભૂલ કરી હતી. એણે પ્રેમ કરતાં પૈસાને વધારે મહત્ત્વ આપ્યું. ‘Kyc (jyc) ઑફિસ’ વાર્તાની નાયિકા વીમા એજન્ટ તરીકે પસંદગી પામી હોવા છતાં એ ઠુકરાવી પૈસા કમાવાને બદલે લેખિકા બનવાનો સંકલ્પ કરે છે. લેખિકાએ નાયિકાના મનોજગતમાં ઉતરવાની કોશિશ કરી છે પરંતુ પ્રતીતિકર લાગતી નથી. આજના યુવાનોમાં ક્રિકેટની ઘેલછા છે. તેમાં વેડફાતા અઢળક ધનનો જો સદુપયોગ થાય અને તે ધન ધર્મના ભેદભાવ ભૂલી ગરીબોને માટે વપરાય તો લોકોને ‘ઇજ્જતન કી રોટી’ મળી રહે એવી લેખિકાએ કલ્પના કરી છે. વાર્તા ‘પ્રેમસંબંધ’માં નાયક સુનીલને તેની ભાભી સાથે સંબંધ હોય છે અને નીકી સાથેના લગ્ન પછી પણ દરેક મહિનાની આઠમે એ એની ભાભી રોમાને મળવા જાય છે. સુનીલની ગેરહાજરીમાં નીકી મિ. સહાની સાથે સંબંધ બાંધે છે. પરંતુ જ્યારે સુનીલ પોતાના બીમાર મોટાભાઈના લાગણીભર્યા શબ્દો સાંભળે છે ત્યારે એનું રોમા પ્રત્યેનું આકર્ષણ સુકાયેલા પોપડાની જેમ ખરી પડે છે અને એને થાય છે કે એણે એની પત્નીને અન્યાય કર્યો છે. નીકીને પણ ‘મર્ડર’ ફિલ્મની નાયિકાને પોતાના પરિવાર માટે જીવનમરણનો જંગ ખેલતી જોઈ થાય છે એણે લગ્નવેળાએ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યું નથી. બને પુનઃ પ્રેમથી જોડાય છે. ફિલ્મ જગતમાં થતાં શારીરિક શોષણની એક બીજી બાજુ ‘મી ટુ’ વાર્તામાં દર્શાવાઈ છે. અર્ચને સારથીને ફિલ્મોમાં કામ અપાવેલું. એ જ સારથી અર્ચન પર શારીરિક શોષણનો ખોટો કેસ કરે છે. સારથીની માતા અર્ચનની તરફેણમાં જુબાની આપે છે અને અર્ચન નિર્દોષ છૂટે છે. આજકાલ પોતાનાં સંતાનોને વિદેશ મોકલવાની ઘેલછા જાગી છે તેની વાત ‘બત્તી’ વાર્તામાં છે. એક વૃદ્ધ એના ઘરમાં એકલો છે અને નાયિકાના ઘરની બત્તી જોઈને કોઈ જાગે છે એની હૂંફ અનુભવે છે. એક દિવસ એ મૃત્યુ પામે છે. એક ગ્રામીણ સ્ત્રીની ઉદાત્તતા ‘એક વાત’માં વણાઈ છે. રસુલ એની પત્ની તવેથા અને બાળકોને મૂકીને કામુ સાથે નાસી જાય છે. એક દિવસ તવેથાને ખબર પડે છે કે કોઈ જંગલમાં એના નામની બૂમો પડે છે. તવેથા ત્યાં જાય છે, જુએ છે ને રસુલને ઓળખી કાઢે છે. રસુલ માફી માગે છેે ત્યારે તવેથા કહે છે ‘ભૂલ કોનાથી નથી થતી? માણસ જ ભૂલ કરે ને?’ સાધારણ ગ્રામીણ મહિલાની આ ઉદારતા એને અસાધારણ બનાવી દે છે. લીલાને જાગીરદારથી થયેલા દીકરાને લોકો ‘ખાખીરો ડુંબીરો’ કહે છે. કોઈના અનૌરસ સંતાનને ખાખીરો કહે છે. ખાખરાનાં વનમાં જાગીરદારે લીલા સાથે પ્રેમ કર્યો હતો. લીલાને જાગીરદાર ખૂબ ગમતો હતો. પછીથી જાગીરદારે નજીકના ગામના ગોવાળ અને નમાયા છોકરા ફત્તુ સાથે લીલાનું લગ્ન કરાવ્યુ. ફત્તુ ઘરજમાઈ થઈને લીલાને ઘેર રહેવા આવી ગયો. લીલાને થયું હવે એના છોકરાને કોઈ ‘ખાખીરો’ નહીં કહે. પ્રેતના અનુભવની વાત ‘અભિસાર’ વાર્તામાં છે. સિદ્ધાર્થને ડોલવણમાં નાયબ ઇજનેરની નોકરી મળી. રહેવા માટેની જગ્યા સરકારી ડ્રાઇવરે પંચોળ ગામમાં પારસી બાવાનું મકાન શોધી આપ્યું. સિદ્ધાર્થે પારસી બાવાના દીકરા સાથે મુંબઈ વાત કરી. નક્કી થયું. શંકરદાદા ને ભાડું આપવા કહ્યું. ટિફિન ડ્રાઇવરના ઘરેથી આવતું. સિદ્ધાર્થને જોઈને શંકરદાદાને અદ્દલ મોટા શેઠની યાદ આવે છે. સિદ્ધાર્થને પણ બધું પરિચિત લાગે છે. સિદ્ધાર્થ નોકરી પર હાજર થવા આવ્યો ત્યારે માતાએ માતાજીનું યંત્ર આપ્યું, પથારી નજીક રાખવા કહ્યું. સિદ્ધાર્થ બંગલે પહોંચ્યો. સામાન ગોઠવાયો. હીંચકાની બાજુમાં એક છબી હતી. તેની નીચે નામ લખ્યું હતું ‘કાવીના નસવાન’. શંકરની દીકરીનું નામ હતું ‘જંખુ’. બારમા ધોરણમાં ભણતી. માલિક ક્યારેક મોડે સુધી સાયન્સ એને ભણાવતા. માલિકના મામાએ એને માટે મુંબઈમાં જ છોકરી શોધી પરણાવી દીધો. જંખુએ પરીક્ષા તો આપી પણ નાપાસ થવાની બીકે આત્મહત્યા કરી લીધી. મોટા શેઠે આવીને બધું પતાવી દીધું. એ શંકરને દરમહિને પગાર મોકલતા. સિદ્ધાર્થને સૂતી વખતે અવાજો સંભળાય છે. મધરાતે જાગી ગયો. અવાજો આવતા હતા. એને સ્વપ્ન દેખાતું હતું. એ એક ષોડ્‌શી પાછળ દોડતો હતો. એણે આંખો ખોલી બારી પાસેથી જોયું તો છોકરી કહેતી હતી, ‘હું તમને માફ નહીં કરું. તમે લગ્ન કરી લીધાં. તમારું ઓઢણ હતું. કેવી રીતે જીવું?’ સિદ્ધાર્થ બેબાકળો થઈ ગયો. શંકરના ઘરે ગયો. દરવાજો ન ખૂલ્યો. શિંદેને ફોન કર્યો. જલ્દી આવ. સિદ્ધાર્થે યંત્ર પાસે ફોન મૂક્યો. લાઇટ બંધ થઈ. બારીમાથી જોયું. નીચે એ જ છોકરી ઊભી હતી. ‘તમને માફ નહીં કરું.’ છોકરી નદીમાં કૂદી પડી. વળી હીંચકા પર ઝૂલતી દેખાય. બારણા પાસે ઊભી રહી કહે, ‘મને ગળે લગાડી લો.’ માતાએ આપેલા યંત્રને લીધે પાસે આવી શકતી નહોતી. ડ્રાઇવર શિંદે આવ્યો. લાઇટ આવી. સિદ્ધાર્થને તાવ હતો. બુલેટ પર બેસાડી દવાખાને લઈ ગયો.

*

આ વાર્તાઓમાંથી પસાર થતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે લેખિકા પાસે લોકજીવનનો અને પ્રકૃતિનો વ્યાપક અનુભવ છે. એની પાસે વિષયોની ખોટ નથી. આદિવાસી લોકજીવન અને એની સમસ્યાઓ, ભૂત-પ્રેત-ડાકણ-પશુબલી, શિક્ષણના પ્રશ્નો, આધુનિક જીવન અને પ્રાકૃતિક જીવન, બળાત્કાર, એકલતા, વિદેશ જવાના મોહને કારણે ઊભી થતી સમસ્યાઓ, દારૂની બદી વગેરે અનેક વિષયો આ વાર્તાઓમાં જોઈ શકાય છે. કેટલીક વાર્તાઓ, ‘સેવન ટ્રીજ’, ‘ઉમરાનાં ફૂલ’, આગવી રીતે કહેવાઈ છે. વાર્તાઓમાં પાત્રોચિત ભાષાનો વિનિયોગ થયો છે. નવી, તાજી ઉપમાઓ પ્રભાવિત કરે છે : – ‘જીવતા અંગારા જેવા રંગના અણીદાર ખાખરાનાં ફૂલો’ – ‘તમામ મજૂરોની આંખો બહેડાની જેમ મોટી થઈ ગઈ’ – ‘કળાના ચોખા (લાલ રંગના જાડા મીઠા ચોખા) જેવી એક છોકરી’, અને ઉત્પ્રેક્ષા; – ‘લીલાં પપૈયાં બાજી પડ્યાં હતાં, જાણે સ્તનમેળો!’ – ‘લીલાના ભાગ્યમાંથી પુરુષો સરકી રહ્યા હતા જાણે દમયંતીના હાથમાંથી છટકી જતી માછલીઓ.’ આ બંને સંગ્રહની પ્રેમકથાઓમાં સંઘર્ષ નથી, જે તે પરિસ્થિતિનો સ્વીકાર છે. જેમ કે ‘ઉમરાનાં ફૂલ’માં નાયિકાને પરણેલા નાયક સાથે પ્રેમ છે પણ જાણે છે કે મળવાનું નથી તો ‘હોળી’ વાર્તાની નાયિકા સીતાની સગાઈ બીજે થઈ ગઈ છે તેથી પ્રેમી જયસિંગ આગળ હોળીની સાક્ષીએ પ્રેમનો સ્વીકાર કરી સંતોષ માને છે. અને ‘ખાખીરો’ વાર્તાની નાયિકાને જાગીરદાર ગમે છે પરંતુ જાગીરદાર જ એના માટે ઘરજમાઈ શોધી આપે છે. નાયિકા એ પરિસ્થિતિને સ્વીકારી લે છે. લેખિકાને પ્રકૃતિનું, સામાજિક રીત-રિવાજોનું, બહોળું જ્ઞાન છે પરંતુ આ વિશેષતા જ મર્યાદા બની ગઈ છે. જેમ કે ‘મૂરખ છોકરી’ વાર્તામાં દારૂ બનાવવાની પ્રક્રિયા લેખિકાએ વર્ણવી છે જેની જરૂર જ નથી. એ વર્ણન વાર્તાને કોઈ રીતે ઉપકારક બનતું નથી. લગ્નવેળાએ વરવધૂ એકમેક સાથે જે પ્રતિજ્ઞાઓ લે છે તેની આખી યાદી ‘પ્રેમ-સંબંધ’ વાર્તામાં આપી છે જેની કોઈ આવશ્યકતા નથી. ટૂંકીવાર્તામાં સંકેત મહત્ત્વનો છે. જે કહેવાનું છે માત્ર એટલું જ કહેવાનું, ન વધારે ન ઓછું. એનો વિવેક વાર્તાલેખકમાં હોવો અનિવાર્ય છે. લેખિકા પાત્રમાનસમાં ઊંડે ઊતરતાં નથી એ કારણે ઘણાં રસસ્થાનો ખીલવવાનો અવસર ચૂકી જાય છે. કેટલીક વાર્તાઓ, ‘એક છોકરી’, ‘એક વાત’, પ્રસંગ કથા બનીને રહી જાય છે. લેખિકા પાસે શક્તિ છે, અને તે વાર્તાઓમાંનાં ઝીણવટભર્યાં વર્ણનમાં જોઈ શકાય છે. પરંતુ એનો બધી વાર્તામાં યથોચિત ઉપયોગ થયો નથી. સ્ત્રીનાં અનેક રૂપ, સમાજસેવી, પીડિત, પ્રેમિકા, સંવેદનશીલ, અંધશ્રદ્ધાળુ, વગેરે આ વાર્તાઓમાં છે. કેટલીક વાર્તાઓમાં ‘સેવન ટ્રીઝ’, ‘હવા’ વગેરેમાં ફેન્ટસીનું તત્ત્વ જોઈ શકાય છે. પ્રકૃતિનાં તત્ત્વનો કલાત્મક વિનિયોગ ‘ઉમરાનાં ફૂલ’ વાર્તામાં થયો છે તેવો બીજી વાર્તાઓમાં થયો નથી. ટૂંકમાં લેખિકા પાસે નવા વિષયો છે, અનેક ભાષાઓ જાણે છે, સમાજજીવનનો અનુભવ છે. ફ્લેશબેક, જકસ્ટા પોઝીશન વગેરે પ્રયુક્તિઓ જાણે છે. તેઓ જો ટૂંકીવાર્તાના રૂપનિર્માણ પ્રત્યે વિશેષ ધ્યાન આપશે તો તેમની પાસેથી ઉત્તમ વાર્તાઓની આશા રાખી શકાય એમ છે.

પ્રો. ડૉ. દીપક રાવલ
વાર્તાકાર, વિવેચક, અનુવાદક
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૯૯૯૮૪ ૦૨૨૫૪