ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કરસનદાસ માણેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્રી કરસનદાસ માણેકની વાર્તાસૃષ્ટિ

ગિરિમા ઘારેખાન

Karsandas Manek 1.jpg

લેખક પરિચય :

‘જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો’ – કહેનારા સર્જક શ્રી કરસનદાસ માણેકનું વતન હતું જામનગર જિલ્લાનું હડિયાણા ગામ, પણ એમનો જન્મ તા ૨૮.૧૧.૧૯૦૧ના રોજ કરાંચીમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કરાંચીમાં જ થયું. કૉલેજનો અભ્યાસ ત્યાં ચાલુ કર્યો, પણ દેશમાં ચાલતી અસહકારની ચળવળથી પ્રેરાઈને કૉલેજનો અભ્યાસ અધૂરો છોડીને ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. જો કે ત્યાં પરીક્ષા આપ્યા વિના જ ફરીથી કરાંચીની ડી. જે. કૉલેજમાં દાખલ થઈને ૧૯૨૭માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૯ સુધી એમણે ત્યાંની બે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યું અને સાથે સાથે ‘ડેઇલી મિરર’ નામનું એક અંગ્રેજી છાપું ચલાવ્યું. આઝાદીની લડતમાં જોડાઈને ૧૯૩૦ અને ૧૯૩૨ – એમ બે વાર જેલવાસ પણ ભોગવ્યો. એ પછી મુંબઈ આવીને તેઓ ૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકેની જવાબદારી સંભાળી અને એ બંધ થયા પછી એમણે ‘સારથિ’ અને ‘નચિકેતા’ નામનાં બે સામયિક ચલાવ્યાં. આમ વ્યવસાયથી શ્રી કરસનદાસ માણેક એક કે બીજી રીતે આજીવન સાહિત્ય અને પ્રકાશન સાથે જોડાયેલા રહ્યા હતા. એમનું મૃત્યુ તા. ૧૮.૧.૧૯૭૮ના દિવસે વડોદરામાં થયું હતું. શ્રી માણેક ‘વૈશમ્પાયન’ એવા ઉપનામથી પોતાની કૃતિઓ પ્રકાશિત કરતા હતા. કદાચ ધાર્મિક પુસ્તકો, ધર્મને લગતું લખાણ લખવું અને વ્યાસપીઠ પણ શોભાવવાને કારણે એમણે આવું મહાભારતના મૂળ કથકનું નામ પોતાના ઉપનામ તરીકે પસંદ કર્યું હશે. એમણે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં સફળ રીતે પોતાનું યોગદાન આપ્યું છે. જુદા જુદા સ્વરૂપમાં એમની વિવિધ કૃતિઓ નીચે પ્રમાણે છે :

કાવ્યસંગ્રહો : ‘ખાખનાં પોયણાં’ [ખંડ કાવ્યો], ‘આલબેલ’, ‘મોહબતને માંડવે’, ‘વૈશમ્પાયનની વાણી’, ‘પ્રેમ ધનુષ્ય’, ‘અહો રાયજી સૂણીએ’, ‘કલ્યાણયાત્રી’, ‘મધ્યાહ્ન’, ‘રામ તારો દીવડો’, ‘શતાબ્દીનાં સ્મિતો’, ‘અશ્રુઓ’.
ધાર્મિક કથાસંગ્રહો : ‘પ્રકાશનાં પગલાં’, ‘દિવ્ય વાર્તાઓ’, ‘અમર અજવાળાં’, ‘વાટના દીવડા’.
કથા પુસ્તક : ‘મહાભારત કથા’
લોકકથા : ‘સિંધુની પ્રેમકથાઓ’

આ ઉપરાંત એમણે લઘુનવલો, ચિંતનાત્મક નિબંધો, આઝાદીની યજ્ઞજ્વાળા જેવું વર્ણનાત્મક પુસ્તક અને વાર્તાસંગ્રહો આપ્યાં છે. અહીં આપણે એમના વાર્તાસંગ્રહોની વાર્તાઓ વિષે વાત કરીશું.

વાર્તાસંગ્રહો :
૧. ‘માલિની’, નચિકેતા પ્રકાશન, પ્રકાશન વર્ષ ૧૯૪૪, બીજી આવૃત્તિ ૧૯૭૨, વાર્તા સંખ્યા ૧૪, પાનાં ૧૮૩
૨. ‘રામ ઝરુખે બૈઠકે’, સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ, પ્રકાશન વર્ષ ૧૯૬૬, બીજી આવૃત્તિ ૧૯૮૧, વાર્તા સંખ્યા ૨૬, પાનાં ૨૩૬
૩. ‘તરણા ઓથે’, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, પ્રકાશન વર્ષ ૧૯૭૫, વાર્તા સંખ્યા ૨૬, પાનાં ૨૮૦

સાહિત્યના વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપનાર શ્રી કરસનદાસ માણેક વાર્તાલેખન વખતે ખૂબ ખીલ્યા છે. વાર્તાલેખન એમને માટે ‘આનંદ લીલા’ છે. એમના સંવેદનશીલ હૃદય અને ચકોર નજરને જીવનના દરેક ડગલે વિષયો મળે રહે છે. ‘તરણા ઓથે’ની પોતાની પ્રસ્તાવનામાં એ જણાવે છે, ‘વાર્તા કોને કહેવાય? એમાં કંઈક બનવું જોઈએ! પ્રત્યેક ક્ષણ, ક્ષણાર્ધ, અર્ધ-નિમેષ કંઈ ને કંઈ તો બનતું જ હોય છે. ક્ષણ આવી, ચાલવા માંડી, ગઈ, એ પણ બન્યું જ ને? અને એવી રીતે ન બનવાની ઘટના પણ પ્રતિક્ષણ ચાલુ જ હોય છે, અને નથી બનતું – એ પણ એક જબરો બનાવ જ છે ને?’ આમ ‘ન બનવા’માંથી પણ બનાવ શોધીને એના ઉપર વાર્તાઓ લખી શકનાર સમર્થ વાર્તાકાર એટલે શ્રી કરસનદાસ માણેક. આમ પણ ‘કથાકાર’ વૈશમ્પાયન શ્રી માણેક માટે કહેવું અને રસપ્રદ રીતે કહેવું એ બહુ સહજ હતું. એ સરળતા અને સહજતા એમની વાર્તાઓમાં દૃશ્યમાન થાય છે. એમના જીવનનું ભાથું કરાંચીનો વસવાટ, સ્કૂલમાં પ્રાધ્યાપક તરીકેનો અનુભવ, આઝાદીની ચળવળ, જેલવાસ, તંત્રી તરીકેના અનુભવ, કથાકાર તરીકે દરેક વર્ગના માણસો સાથેનો સંપર્ક, વગેરે અલગ અલગ ક્ષેત્રના રસવૈભવથી ભરેલું હતું. એ બધા જ અનુભવોએ વિપુલ વાંચન સાથે ભળીને એમના ત્રણ વાર્તાસંગ્રહોની સુંદર વાર્તાસૃષ્ટિ રચી છે. અનુગાંધીયુગમાં વાર્તાલેખન શરૂ કરનાર અને આધુનિકયુગ સુધી પોતાની લેખનયાત્રા ચાલુ રાખનાર આ લેખકે માનવજીવનને બહુ નજીકથી જોયું છે. એમના જીવનના અનુભવોએ એમને માનસશાસ્ત્રથી પરિચિત કરાવીને માનવના મનમાં રમતા ભાવોને વાંચતાં શીખવાડ્યું છે. પ્રેમનાં વિધવિધ રૂપ – લાગણી અને નફરત, વહેમ અને શંકા, મૈત્રી, દૈહિક અને આધ્યાત્મિકપ્રેમ અને એ બધાની માનવહૃદય ઉપર થતી અસર અને જીવન ઉપર પડતા એના પ્રત્યાઘાતની વાતો એમણે મુખ્યત્વે ‘માલિની’ સંગ્રહમાં આલેખી છે. એમની ‘જીવનસાથી’ વાર્તા એ નામ વિનાના પ્રેમની [અત્યારે આપણે જેને પ્લેટોનિક લવ કહીએ એવું કંઈક] વાર્તા છે. અહીં બાળવિધવા, ઉંમરમાં મોટી, પડોસણ સાવિત્રી સાથે કથકના સંબંધનું નામ અપાય એવું નથી. કથકની પત્ની પણ આ બે પાત્ર વચ્ચેના પ્રેમને સમજે છે. ત્રણ પાત્રોનો આ પ્રણય એક ત્રિકોણ નથી પણ સાથે સાથે ચાલતી સમાંતર રેખાઓ છે. બે નાયિકાઓમાંથી એક પણ આપણને ખલનાયિકા નથી લાગતી એ આ લેખકના નિરૂપણની ખૂબી છે. ‘પ્રેમનું મીંઢોળ’ એ પુરાણોનો આધાર લઈને લખાયેલી, અદ્‌ભુત ભાષાકર્મવાળી પ્રતીકાત્મક પ્રણયકથા છે. ‘પ્રેમમાં પડેલો’ એક હળવી પ્રણયકથા છે જે ઠંડીમાં ખોટવાઈ ગયેલી બસમાં કોઈ તરુણીના માત્ર અવાજથી પ્રેરાઈને દીવા સ્વપ્નો જોવા માંડેલા નાયકના ખોટા, અંતમાં નિષ્ફળ જતા સાહસનું નિરૂપણ કરે છે. ચડતી યુવાનીના ઉછળતા તરંગો જેવો પ્રેમભાવ અહીં બહુ સરસ રીતે વ્યક્ત થયો છે. ‘મધુરજની’ એક નાટ્યાત્મક અંતવાળી વાર્તા છે જેમાં નાની બહેન માટે યોગ્ય પતિ શોધતી વિધવા મોટી બહેન જ એ છોકરાના પ્રેમમાં પડી જાય છે. લગ્નની પહેલી રાત્રે એક નાટક જેવી ઘટના ‘ક્ષુલ્લક સિચ્યુએશન’ ઊભી થાય છે અને પરિણામે રાતમાં જ બંને બહેનો એકબીજા માટે ત્યાગ કરીને ઘર છોડીને જતી રહે છે. મુખ્યત્વે પ્રેમના વિષયની આસપાસ ફરતી આ વાર્તાઓની વચ્ચે અમુક સામાજિક વિષયની વાર્તાઓ પણ ધ્યાન ખેંચે છે. જેમ કે ‘વિરપરાની જોગણી’ દુઃખ દેતી સાસુને જોગણી બનીને ડરાવતી વહુની હળવી વાર્તા છે. ‘ગોમતી મા’ વાર્તામાં લેખકના માનસશાસ્ત્રના જ્ઞાનનો પરિચય થાય છે. એકના એક દીકરા નારણને મોતી સાથે પરણાવ્યા પછી માતા ગોમતીથી એ બંનેનું સાન્નિધ્ય અને સફળ દામ્પત્ય જોઈ નથી શકાતું. [ફ્રોઇડનો સિદ્ધાંત]. પણ નારણની બીમારીમાં મોતી એની જે રીતે સેવા કરે છે એ જોઈને એમનું હૃદયપરિવર્તન થાય છે. ‘માલિની’ એ એક તરુણીની વાત છે જેમાં વિશ્વમાં હંમેશ બનતું આવે છે એમ ૧૭ વર્ષની આ છોકરી વારંવાર જુદા જુદા પુરુષોના પ્રેમમાં પડે છે [infatuation] અને એમાં નિરાશ થતાં બીમાર પડે છે. [love at first sight, break up and depression] સંગ્રહની અંતિમ વાર્તા ‘અગ્નિ દીક્ષા’ એકદમ અલગ વિષયને લઈને જુદી તરી આવતી વાર્તા છે જેમાં અંત્યજોને પોતાની શાળામાં દાખલ કરીને સહુનો અણમાનીતો બનેલો યુવાન પ્રાધ્યાપક રાજીનામું આપીને પણ પોતાના સિદ્ધાંતોને વળગી રહે છે. આઝાદી પહેલાં લખાયેલી આ વાર્તા એ વખતની સામાજિક પરિસ્થિતિમાં એકદમ પ્રસ્તુત લાગતી હશે. વિશિષ્ટ શીર્ષકવાળી વાર્તા ‘ત્રણ તેરી શૂન્ય’ એના આલેખન અને વિશિષ્ટ શૈલીને કારણે અલગ પડી આવે છે. અહીં બે મિત્રોની ડાયરીનાં અંગત પાનાં દ્વારા એમની વચ્ચે થયેલી ગેરસમજની વાત ધીરે ધીરે વાચકો સમક્ષ ખૂલે છે. આ પણ એક એવો ત્રિકોણ છે જેમાં કોઈ ખલનાયક નથી – પરિસ્થતિ જ આખી ગેરસમજનું મૂળ છે. અહીં અંત પણ ભાવકો ઉપર છોડેલો છે. ‘ગુનેગાર’ વાર્તામાં લેખક આપણને બ્રહ્મદેશના પ્રેમનગરમાં ડૂબકી મરાવવા લઈ જાય છે. સાથે જાપાન સાથેના એ દેશના યુદ્ધની અને ક્રાંતિની વાત પણ સરસ રીતે સાંકળી લીધી છે. ટૂંકી વાર્તાને અનુરૂપ થોડાં વાક્યોમાં ઘણું કહી દેવાની કળા શ્રી કરસનદાસ માણેકને હસ્તગત છે જે એમના આ પહેલા વાર્તાસંગ્રહમાં પણ દેખાઈ આવે છે. શબ્દોની રમતથી, વિવિધ અલંકારોનો ઉપયોગ કરીને તેઓ મનના આબેહૂબ ભાવ રજૂ કરી શકે છે. ઉદાહરણ રૂપે ‘મધરાત પછી’ વાર્તાનું એક વાક્ય જોઈએ : – ‘શાંત મહાસાગરમાં ચાલ્યા જતા જહાજની છાતીમાં કોઈ અદૃશ્ય સબમરીનમાંથી છૂટેલો ટોરપીડો ‘ધડામ’ કરતો વાગે એવો એક વિચાર ‘ધડક’ દઈને મારા હૃદય ઉપર અથડાઈ ગયો. – અપ્રતિમ રૂપ એ સ્ત્રીઓને માટે ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ની ઉપાધિ છે.’ – હૈયે હૈયાં દળતી એ માનવમેદની વચ્ચે સૌને માટે જોઈએ એટલું એકાંત હતું. આઝાદી પછી પોતાનાં સ્વપ્નો કરતાં કંઈક અલગ જ રીતે ઊભા થતા દેશને જોઈને આઝાદી માટેની ચળવળમાં ભાગ લેનારા ગાંધીજીના અનુયાયી આ લેખકની કલમ ક્યારેક ઉપમાઓ કે વર્ણનો થકી કટાક્ષની કટાર પણ ચલાવી લે છે. જેમ કે નજીક નજીક ઊભા કરાયેલાં નાનાં ઘરોને માટે એ કહે છે ‘નોકરશાહીની પીળી ફાઇલોના ધૂળ ખાતાં ગંજની જેમ ખડકાયેલાં ઘરો.’ શ્રી કરસનદાસ માણેકના આ કટાક્ષબાણો એમના બીજા વાર્તાસંગ્રહ ‘રામ ઝરુખે બૈઠકે’ની વાર્તાઓમાં પણ ચાલુ જ છે. અહીં ‘શંભુએ સમજાવ્યું’ વાર્તામાં એમણે ધર્મના નામે ચાલતી કથાઓ અને કથાકારોને આડે હાથે લીધા છે. એક મહારાજ [પંડિત]ના પાત્રને ઉદ્દેશીને કહેવાયું છે, ‘તમે ધર્મની નનામી અને શાસ્ત્રોની સ્મશાનયાત્રા કાઢો છો.’ તો વળી એક જગ્યાએ કહે છે – ધર્મનો ધંધો અધર્મને આધારે ચાલે છે. ‘રામજીનાં તેડાં’ વાર્તા એક ગુરુશિષ્યના પાત્રોના માધ્યમથી આશ્રમોમાં ચાલતા ધતિંગોની વાત વિસ્તારથી નિરૂપે છે. ‘તને કંઈ જ ન આવડ્યું, જીતવા!’ એ મિત્રો બનેલા ડૉક્ટર, લેખક અને પંડિતને સાંકળતી એક સ્ત્રી – અચલાની હળવી કટાક્ષિકા છે. ‘ઘૂમતું ગાંડપણ’ પણ સંજોગો અને સંબંધોની આંટીઘૂંટી ક્યારેક માણસોને કેવા ‘પાગલ’ બનાવી દે છે એમ કહેતી હળવે હૈયે કહેવાયેલી એક વાર્તા છે. પુરુષોની ભ્રમરવૃત્તિને નિરૂપતી ‘અનંતભાઈ આવી પહોંચ્યા’ પણ એક સામાજિક કટાક્ષકથા જ છે. આમ પહેલા સંગ્રહમાં પ્રેમની આરાધના કર્યા પછી, સમાજને અને માણસોને કદાચ વધારે ઓળખ્યા પછી, આ બીજા સંગ્રહની વાર્તાઓમાં સામાજિક કટાક્ષ સારો એવો ઘોળાયો છે. શ્રી કરસનદાસ માણેક દરેક વાર્તા એક કથકની જેમ સીધી રીતે નથી કહેતા, પણ શરૂઆતમાં પાત્રો ઊભાં કરીને પછી એક પાત્રને જ કથક બનાવીને એના મોઢે આખી વાત કહેવડાવે છે. એટલે પ્રારંભમાં આવતી નાનકડી વાર્તા એ મુખ્ય વાર્તા તરફ લઈ જતી એક સીડીનું, પૂર્વભૂમિકાનું કામ કરે છે. એમની વાર્તાઓમાં આવતી ‘ઘટના’નો પિંડ ‘વૃત્તાંત’ વડે બંધાય છે. એ વૃત્તાંત એ જીવનના એક ભાગ તરીકે પ્રગટ થાય છે. વાર્તાઓ સંવાદો થકી વધારે આગળ વધે છે. કથક ઓછું બોલે છે અને એટલે આ વાર્તાઓ પરિસ્થિતિને પાત્રોની નજરથી, વધારે નજીકથી જોવાની તક આપે છે અને વધુ જીવંત લાગે છે. એક પરિસ્થિતિમાંથી નીપજતી કે ‘ફ્લેશબૅક’માંથી આવીને પાત્રના હૃદય ઉપર ટકોરા મારતી એવી જ બીજી પરિસ્થિતિ ‘વાર્તામાં વાર્તા’નું કામ કરે છે. ‘નવી પેઢી’, ‘વાવ્યું ઊગે’, ‘ન્યાયનું વિતરણ’ વગેરે ઘણી વાર્તાઓમાં આ વાર્તારીતિને અપનાવાઈ છે. ‘નિહારિકાનું સરનામું’ એ આ બીજા વાર્તાસંગ્રહની એક અલગ પડી આવતી વાર્તા છે. મનોવિજ્ઞાન ઉપર આધારિત એનું કથાવસ્તુ એકદમ અનોખું છે. સાધારણ દેખાવની વિનીતા એક કવિની કવિતા વાંચીને એના પ્રેમમાં પડે છે અને ‘નિહારિકા’ના નામે એને પત્રો લખે છે જેના પ્રત્યુત્તર પણ એને મળે છે. જો કે રૂબરૂ મળ્યા પછી કવિ એની સાથે લગ્ન કરવાની ના પાડે છે, કારણ કે એ તો પોતાના મનમાં કલ્પેલી સુંદર ‘નિહારિકા’ને પરણવા માગે છે, વિનીતાને નહીં. વાર્તામાં અનોખું તત્ત્વ એ છે કે આ નિર્ણય પર પહોંચ્યા પછી પણ એમની વચ્ચે પ્રેમની ઉત્કટતાથી થતો પત્રવ્યવહાર તો ચાલુ જ રહે છે. સાચી હકીકત જાણ્યા પછી પણ કવિના કાલ્પનિક ‘નિહારિકા’ માટેના પ્રેમમાં ઓટ નથી આવતી! ટૂંકી વાર્તામાં કૈંક રહસ્ય ગૂંથાયેલું હોય તો એ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. એક તદ્દન સામાન્ય ઘટનાની ‘મસ્ત ફકીર’ વાર્તા એમાં અંતમાં ઉઘડતા રહસ્યને લીધે રસપ્રદ બની છે. સાથે સાથે એ ટ્રેનમાં મુસાફરી કરતાં માણસોના સંવાદો થકી લોકમાનસને પણ રજૂ કરે છે. ‘ભગવાનની લીલા’ વાર્તામાં અંતે પ્રગટતું નરોત્તમદાસ અને શર્મિષ્ઠાના ભૂતકાળનું રહસ્ય વાર્તાને એક અલગ જ વળાંક આપે છે. ‘કોઈ માનતું નથી’ પણ ભારત પાકિસ્તાનના ભાગલા સમયની, એક રિક્ષાવાળાની, અંતમાં ચમત્કૃતિવાળી લઘુકથાના સ્વરૂપને યાદ અપાવતી એક અલગ વાર્તા છે. શ્રી કરસનદાસ માણેક પણ દરેક વાર્તાકારની જેમ પોતાની અનુભૂતિ બીજાઓ સાથે વહેંચવા ઇચ્છે છે. એટલે પોતાનાં પાત્રોને, પરિસ્થિતિને એ એવી રીતે નિરૂપે છે કે પોતે જે તે સમયે જે ભાવ અનુભવ્યા છે એ ભાવક પણ અનુભવે. એમણે સર્જેલી ઘટનાને પ્રતીતિકર બનાવતાં એમને આવડે છે. એમનાં પાત્રોની ભાષા પણ એ રીતની છે જે ભાવકને પણ ‘પરકાયા’ પ્રવેશ કરાવીને એક ચોક્કસ અનુભવમાંથી પસાર કરાવે છે. વાંચનારના હૃદયમાં સોંસરવી ઊતરી જાય એવી વાર્તા રચવાનું વાર્તાકારનું લક્ષ્ય હોય છે અને એમાં આ લેખક સફળ થયા છે. પોતાના અંતિમ વાર્તાસંગ્રહ ‘તરણા ઓથે’ની પ્રસ્તાવનામાં શ્રી કરસનદાસ માણેક કહે છે કે ‘વાર્તાકાર હોય તો વાર્તા પ્રત્યેક ક્ષણમાં પડેલી જ છે. ...શેષ પુરુષકાર્ય કરી આપે એ કલાકાર!’ ક્ષણ બીજહીન કદી નથી હોતી.’ જીવનમાંથી જડેલાં બધાં બીજને આ લેખકે બરાબર ફણગાવ્યાં છે, મહોરાવ્યાં છે, ફુલાવ્યાં છે. આ સંગ્રહની એમની વાર્તાઓમાં એમની આઝાદીની ચળવળ સમયના અને ગાંધીજીના વિચારોના ઘણાં બીજ અંકુરાયેલાં દેખાય છે. ‘ઝંડા ઊંચા રહે અમારા’માં એમનો દેશની હાલત જોઈને થતો આક્રોશ વ્યક્ત થયો છે. તો ‘મકબૂલ મંઢો’, ‘હે રામ’, ‘આજે અને કાલે’ વગેરે વાર્તાઓમાં ગાંધીજીની યાદ વણાયેલી છે. ‘આધુનિક યુગ’ને અનુરૂપ મનોસંચોલનો પણ અહીં ઘણી વાર્તાઓમાં દેખાય છે. ‘સ્વભાવ’, ‘કૃષ્ણ-કાન્તનું ભૂત’ વગેરે વાર્તાઓ આનાં સરસ ઉદાહરણ છે. વાર્તાગૂંથણી(plot construction)ની દૃષ્ટિએ ‘કોના વાંકે’ ધ્યાન ખેંચે છે. અહીં ચાર અલગ અલગ જગ્યાએ બેઠેલી ચાર વ્યક્તિઓ નીચે ફૂટપાથ પર ઊભેલી એક છોકરીને જુએ છે અને એને માટે અલગ અલગ રીતે વિચારે છે. વાર્તા સાથે થોડું રહસ્ય પણ ગૂંથાયું છે. ‘સંભારણું’ વાર્તા કથાનક અને રચનારીતિની દૃષ્ટિએ એક અલગ તરી આવતી વાર્તા છે. આ વાર્તામાં એક બેસણામાં બેસીને મૃત્યુ પામેલા એક દંભી સમાજસેવકની ખોટી પ્રશંસા સાંભળતાં સાંભળતાં વચ્ચે વચ્ચે કથકને ‘ભાણિયો’ નામનું એક પાત્ર યાદ આવે છે અને ‘ઝીગ ઝેગ’ પદ્ધતિથી વાર્તા આગળ વધે છે. આ વાર્તા ‘સન્નિધિકરણ’નો અભ્યાસ કરવા માટે સારું ઉદાહરણ બની શકે એમ છે. વાર્તાનું હાર્દ એક સુંદર વાક્ય દ્વારા પ્રગટ થયું છે – ‘માનવીની એક કાયામાં કેટલા જીવો માળા નાખીને પડ્યા હશે?’ ‘બંધ કરી દો એ ખાનું’ વાર્તામાં પણ વર્તમાન સાથે ભૂતકાળને જોડી લેવામાં આવ્યો છે. ક્યાંક કરુણ આલેખનથી તો ક્યાંક કટાક્ષની છરી ઉપર હાસ્યનું માખણ લગાવીને સમાજદર્શન કરાવતી વાર્તાઓ આ સંગ્રહમાં સારી એવી છે. એમાં ધર્મ, રાજકારણ, નેતાઓ, પુરુષોની લંપટતા, સ્વાર્થી અમીરો – બધું જ એમની કલમની ધારથી વીંધાઈ જાય છે. એની સાથે જિંદગીનું તત્ત્વજ્ઞાન પણ વાર્તાને ભારે બનાવ્યા વિના વણાઈ ગયેલું જોવા મળે છે. ‘પાકો રંગ’ અને ‘કોઈએ સાંકળ ખેંચી’, ‘જે અંબે’ વગેરે આ પ્રકારની વાર્તાઓ છે. તઠસ્થતાથી મૂલ્યાંકન કરતાં આ વાર્તાઓના અમુક મુદ્દાઓ વિષે ધ્યાન ખેંચવાનું મન થાય છે. અમુક વાર્તાઓનાં કથાવસ્તુ એકદમ પાતળાં છે. આ વાર્તાઓ એમણે સંગ્રહોમાં ન લીધી હોત તો સંગ્રહો વધારે વિત્તવાન બની શકત. અત્યારના વાચકોને વાર્તાઓ થોડી મુખર થઈ જતી પણ લાગે. અમુક વાર્તાઓ ખૂબ નાટ્યાત્મક લાગે છે.વાર્તાને નિર્ધારિત અંત તરફ લઈ જવા માટે આખી પરિસ્થિતિ ખાસ ઊભી કરી હોય અને પછી અંતમાં ચમત્કૃતિ લાવી દીધી હોય એવું લાગે. ‘રળિયામણી ઘડી’, ‘પાકો રંગ’, ‘નવી પેઢી’ વગેરે આ પ્રકારની વાર્તાઓ છે. સારા આલેખનને લીધે આ વાર્તાઓ કંટાળાજનક નથી લાગતી પણ ચોક્કસ પરિસ્થિતિજન્ય સંજોગોને કારણે જ અંકુરિત થયેલી ઘટનાઓને કારણે એ જે તે પાત્રની ‘વ્યક્તિગત’ બનીને રહી છે ગઈ છે, સમષ્ટિ તરફ ગતિ નથી કરતી. જો કે આમ પણ કોઈ પણ લેખકના કોઈ પણ સંગ્રહની બધી જ વાર્તાઓ એક જ કક્ષાની તો ભાગ્યે જ જોવા મળે. બાકી શ્રી કરસનદાસ માણેક પાસે કથાવસ્તુની ખૂબ વિવિધતા છે એમાં કોઈ બેમત નથી. એમની કથનરીતિ રસપ્રદ છે. પાત્રાલેખનમાં તો તેઓ ખૂબ ખીલ્યા છે. પાત્રોનાં પરિધાન સાથે એમના દેખાવનું વર્ણન એટલું આબેહૂબ રજૂ કરે છે કે એ વ્યક્તિ નજરની સામે આવી ગઈ હોય એવો આભાસ ઊભો કરવામાં એમને સફળતા મળે છે. ‘શહેનશાહનો પેન્શનર’ વાર્તામાં રામભાઈનું વર્ણન કૈંક આવું છે : ‘દસ પંદર દિવસની હજામત ચડી ગઈ હતી. મૂછોના વાળ હજુ ઘાટા હતા પણ રંગ ધોળોખખ થઈ ગયો હતો. લાલ આંખોના ખૂણા સુધી પહોંચીને આકાશના ઈશ્વરને પડકારતા તેમની મૂછોના વળદાર આંકડા આજે ઢીલા ઢફ થઈને ‘ધરતી માર્ગ આપે તો સમાઈ જઈએ’ એવું કંઈક કહેતા હોય એવી રીતે લબડી રહ્યા હતા. માથામાં અધઝાઝેરા ભાગમાં ટાલ હતી અને બાકીનો ભાગ લણણી થઈ ગયા પછીના કોઈ પાંચ સાત ખૂણીયા ખેતરની યાદ દેવડાવતો હતો.’ પાત્રવર્ણન, પરિવેશ અને બીજાં વર્ણનોમાં આ લેખક શબ્દોના ચિત્રકાર થઈને ઊભરે છે. અલગ અલગ વાર્તાઓમાં આંખોનાં વર્ણન થકી એમણે જે તે પાત્રને અને એમના મનોભાવને જે રીતે રજૂ કર્યા છે એ ખરેખર અદ્‌ભુત છે. કેટલાંક ઉદાહરણ જોઈએ : – આંખો ન’તી, જલતી ચિતાઓવાળા સ્મશાન હતાં. – હૃદયની આરસી બની જાય એવી તરલ-સરળ તેજસ્વી આંખો. – એ આંખોની સૂક્કી, ઝીણી, અગાધતામાં વેદનાના કેટકેટલા સાગરો ઠલવાયા હશે! – કુદરતે એ આંખોને પુરુષ હૃદયને ચકડોળે ચડાવવા માટે બનાવી હતી. – આંખોમાં આજુબાજુની આખી સૃષ્ટિને દૈદિપ્યમાન કરી શકે એટલી તેજ સમૃદ્ધિ હતી. – આંખો પોતે શાંત રહીને આખા બ્રહ્માંડને અશાંત કરી મૂકે છે. ભાષા કૌશલ્યના આવાં અનેક ઉદાહરણ આ ત્રણેય સંગ્રહની વાર્તાઓમાં ઠેર ઠેર વેરાયેલાં જોવા મળે છે. રસસર્જનમાં ભાષા એક હથિયાર છે અને એનો ઉપયોગ આ લેખકે બરાબર કર્યો છે. ઘટનાપ્રધાન, આદિ-મધ્ય અને અંતવાળી રચનારીતિની રીતે ક્યારેક પ્રયોગશીલ પણ બનતી અને ઉપમા, અતિશયોક્તિ, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારોથી અને કલ્પનોથી સુશોભિત આ વાર્તાઓ ક્યાંય ભારેખમ કે દુર્બોધ બનતી નથી. આધુનિકયુગમાં ઉછળેલા ઘટના તિરોધાનના સાગરથી આ લેખક બિલકુલ વિચલિત થયા નથી. સહજ અને પ્રવાહી શૈલી, સુંદર યથાયોગ્ય વર્ણનો અને સરળ આલેખન વાર્તાઓમાં રસાસ્વાદ ઉત્પન્ન કરે છે. એમના નિરૂપણમાં નવીનતાની સાથે ચોકસાઈ અને ઝીણવટ છે. લેખક કથાકાર છે એટલે વાર્તા શરૂઆત કરવાની એમને બિલકુલ ઉતાવળ નથી હોતી. ધીરે ધીરે વાર્તા માંડે છે, વાતમાં ‘મોણ નાખે છે’, થોડાક રહસ્યને ગૂંથતા જાય છે અને ટૂંકી વાર્તા જો સહસ્રદલ કમળ હોય તો આ વાર્તાઓની દલ-પાંખડીઓને એ કુશળ વાર્તાકારની જેમ ધીરે ધીરે ખોલે છે. મોટા ભાગે પ્રથમ પુરુષમાં આલેખાયેલી આ વાર્તાઓ એની કથનરીતિ અને ભાષાલેખનની તાજગીને લઈને સુઘડ બની રહે છે. શ્રી ઉમાશંકર જોશી ટૂંકી વાર્તાને ‘અનુભૂતિકણ’ કહે છે અને એ અનુભૂતિકણની અનુભૂતિ એમાં નિરૂપાયેલી સંવેદનાઓ અને માનવમનમાં ધરબાઈને પડેલી લાગણીઓના સ્પર્શથી આ વાર્તાઓમાં બરાબર થાય છે. ઘણા બધાં સાહિત્ય સ્વરૂપોમાં લેખિની અજમાવી હોય એ લેખકની કોઈ એક સ્વરૂપની પારંગતતાને લીધે ક્યારેક એમના બીજા સ્વરૂપ ઉપરનું જ્ઞાન ઢંકાઈ જતું હોય છે. શ્રી કરસનદાસ માણેક કવિ તરીકે એટલા બધા પ્રસિદ્ધ છે કે એમની ‘ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે’ જેવી પંક્તિઓ હજી પણ જન જનના હોઠ ઉપર રમે છે. સૂર્યના પ્રકાશમાં ચંદ્રનું તેજ ન દેખાય એવું જ કદાચ વાર્તાકાર કરસનદાસ માણેક માટે થયું છે. એમની વાર્તાઓ ઉપર વિવેચકોનું બહુ ધ્યાન નથી ગયું. પણ ચંદ્ર એ ચંદ્ર તો છે જ અને એના શીળા તેજને પોતાનું સૌન્દર્ય છે એનો ખ્યાલ આપણને એમની વાર્તાઓમાંથી પસાર થતી વખતે આવે જ છે.

ગિરિમા ધારેખાન
એમ.એ., બી.એડ્‌. (અંગ્રેજી સાહિત્ય)
વાર્તાસંગ્રહ, નવલકથા, લઘુકથા, બાળવાર્તા, વ્યક્તિચરિત્રો
અને (સંશોધન આધારિત) મંદિરો વિશેનું એક પુસ્તક
– એમ કુલ ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯