ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સ્નેહરશ્મિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સ્નેહરશ્મિની ઊર્મિલ વાર્તાઓ

નીતા જોશી

Jhinabhai Desai 1.jpg

લેખક પરિચય :

ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક ઝીણાભાઈ રતનજી દેસાઈ ઉપનામ (સ્નેહરશ્મિ) જન્મ : ૧૬ અપ્રિલ, ૧૯૦૩ (ચિખલી, ગુજરાત) મૃત્યુ : ૬ જાન્યુઆરી, ૧૯૯૧ માતા : કાશીબા, પિતા : રતનજી ભાણાભાઈ પત્ની : વિજ્યાબહેન, સંતાન : પુત્રી (ઉમા), પુત્ર (સિદ્ધાર્થ) શિક્ષણ : ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત, ૧૯૨૬માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક, ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય, ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ, ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી પરિષદના પ્રમુખ.

સર્જન :

વાર્તાસંગ્રહ : ‘ગાતા આસોપાલવ’ (૧૯૩૪), ‘તૂટેલા તાર’ (૧૯૩૪), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (૧૯૩૫), ‘મોટી બહેન’ (૧૯૫૫), ‘હીરાનાં લટકણિયાં’ (૧૯૬૨), ‘કાલાટોપી’ (૧૯૬૨), ‘શ્રીફળ’ (૧૯૬૯), ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૩) (સંપાદક સ્નેહરશ્મિ) ‘ગાતા આસોપાલવ’, ‘તૂટેલા તાર’ પ્રકાશક (રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી : પ્રસ્થાન કાર્યાલય, પારસી અગિયારી સામે, અમદાવાદ. કિંમત ૧-૮-૦, અર્પણ – મારાં પરમ પૂજ્ય માતુશ્રીને, કુલ – સત્તર વાર્તાઓ ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ (સંપાદક : સ્નેહરશ્મિ), પ્રકાશક કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન, ‘સારસ્વત સદન’, ગાંધીમાર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ ૩૮૦૦૦૧ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૩, છઠ્ઠી આવૃત્તિ : ૨૦૧૬, કિંમત ૧૩૫-૦૦ ‘શ્રીફળ’, ‘કાલા ટોપી’, પ્રકાશક કનુભાઈ કે. વોરા, વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રા.લિ. ૩, રાઉન્ડ બિલ્ડીંગ, કાલબાદેવી, મુંબઈ ૨, પહેલી આવૃત્તિ ૧૯૬૨, કિંમત રૂ. ૧-૭૫ કાવ્યસંગ્રહ : ‘અર્ધ્ય’ (૧૯૩૫), ‘પનઘટ’ (૧૯૪૮), ‘અતીતની પાંખમાંથી (૧૯૭૪), ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ (૧૯૮૪), ‘નિજલીલા’ (૧૯૮૪) હાઈકુસંગ્રહ : ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ (૧૯૬૭), ‘કેવળ વીજ’ (૧૯૮૪), ‘સનરાઇઝ ઑન સ્નૉપીક્સ’ (૧૯૮૬) બાળકાવ્યસંગ્રહ ‘તરાપો’ (૧૯૮૦), ‘ઉજાણી’ (૧૯૮૦) સમસ્ત કાવ્ય રચનાઓનો ગ્રંથ ‘સકલ કવિતા’ (૧૯૮૪) નવલકથા ‘અંતરપટ’ (૧૯૬૧) નાટકસંગ્રહ ‘મટોડુ અને તુલસી’ (૧૯૮૩) ચરિત્રલેખસંગ્રહ ‘ભારતના ઘડવૈયા’ (અન્ય સાથે, ૧૯૫૭) વિવેચન સંગ્રહ ‘પ્રતિસાદ’ (૧૯૮૪) આત્મકથા ‘મારી દુનિયા’ (૧૯૭૦), ‘સાફલ્ય ટાણું’ (૧૯૮૩), ‘ઊઘડે નવી ક્ષિતિજો’ (૧૯૮૭), ‘વળી નવાં આ શૃંગ’ (૧૯૯૦) સંપાદનો : ‘ગાંધી કાવ્યસંગ્રહ’ (ઉમાશંકર જોશી સાથે, ૧૯૩૭), ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે ,૧૯૪૧), સાહિત્ય પાઠાવલિ’ (અન્ય સાથે ૧૯૬૬) પુરસ્કાર ૧૯૬૧માં તેમને શ્રેષ્ઠ શિક્ષક્નો રાષ્ટ્રપતિ પુરસ્કાર ૧૯૬૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક સ્નેહરશ્મિ ગાંધીયુગના સર્જક છે. એ કવિ તરીકે વધુ ખ્યાત છે એમાં પણ હાઈકુ સ્વરૂપમાં એમનું વિશેષ યોગદાન છે. પરંતુ ગદ્યમાં અને ખાસ તો ટૂંકી વાર્તાઓ એણે વૈવિધ્ય સાથે આપી છે. એમના બે વાર્તાસંગ્રહ ૧૯૩૪માં મળે છે ‘ગાતા આસોપાલવ’ અને ‘તૂટેલા તાર’. ત્યાર બાદ ‘સ્વર્ગ અને પૃથ્વી’ ૧૯૫૫માં. ‘શ્રી ફળ’ તેમજ ‘હીરાનાં લટકણિયાં’ ૧૯૬૨માં અને સ્નેહરશ્મિનાં સંપાદનમાં ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ ૧૯૮૩માં મળે છે. કુલ એંસી જેટલી સમગ્ર વાર્તાઓ છે. ‘સ્નેહનો શબ્દ’ (સ્નેહરશ્મિ અધ્યયન ગ્રંથ) સંપાદન : યશવંત શુક્લ, હીરા રા. પાઠક, ધીરુ પરીખ. જે પુસ્તકમાં સ્નેહરશ્મિની વાર્તા સંદર્ભે શ્રી રઘુવીર ચૌધરી નોંધે છે કે, ‘એમ કહી શકાય કે પ્રથમ ત્રણ વાર્તાસંગ્રહો ‘તૂટેલા તાર’, ‘ગાતા આસોપાલવ’ અને ‘સ્વર્ગ અને પૃથ્વી’–માં સ્નેહરશ્મિ ત્રિવિધ માનવ સંવેદનના આલેખન માટે વારંવાર પ્રેરાય છે. એક છે માતૃત્વ અને અન્ય સ્વાર્થ રહિત સંબંધોનું, બીજું છે સામાજિક માળખાએ ઊભી કરેલી નકારાત્મક અસરો અને ગેરસમજો ભેદતી વિધાયક ચેતનાનું અને ત્રીજું છે સ્વર્ગીય કલ્પનાઓના વિકલ્પે પૃથ્વીતત્ત્વનો મહિમા કરતી ગાંધીયુગીન દૃષ્ટિનું. આ વિવિધ સંવેદન વિચારના ટેકે વ્યક્ત થાય છે. ત્યાં લેખકનું કેળવણીકાર સ્વરૂપ અગ્રતા ભોગવે છે. એ તબક્કે એમ થવું આવકાર્ય હતું.’ પ્રથમ વાર્તાસંગ્રહ ‘તૂટેલા તાર’ અને ‘ગાતા આસોપાલવ’ જે INTER NET ARCHIVE પર પણ ઉપલબ્ધ છે. જે સંગ્રહ એમણે માતુશ્રીને અર્પણ કરેલ છે. જેના વિશે પ્રસ્તાવનામાં લેખક લખે છે, ‘જો કોઈ એકાદ અકસ્માતથી મારે સાબરમતી જેલની એકાન્ત કોટડીઓ – ‘અંધારી’માં થોડાક મહિના ફરજિયાત રહેવાનું થયું ન હોત, અને તે અંધારીમાં અત્યંત સૂક્ષ્મ અને ઊંચી સાહિત્યાભિરુચિવાળા યુવાન ભાઈ ભગવાનદાસના સાથનો અકસ્માત સાંપડ્યો ન હોત તો આ વાતો કદી લખાઈ ન હોત.’

Tootela Taar.jpg

એ એકાન્તવાસને લીધે જે જે મેં જોયું હતું. વાંચ્યું, વિચાર્યું કે સાંભળ્યું હતું તે બધું અનેક રીતે મનમાં વારંવાર ઘૂંટાવા લાગ્યું તેમાંના અનેક પ્રશ્નો, પ્રસંગો વગેરે મૂર્ત સ્વરૂપ પામવા જાણે તોફાન કરી રહ્યા. ભાઈ ભગવાનદાસ સતત મંડ્યા જ રહ્યા, અને જેલમાં માથા પર બેસી મુકાદમ જેમ વરદી પૂરી કરાવે તેમ તેમણે મારી પાસે રોજની રીતસરની વરદી લેવા માંડી. પરિણામે, ત્રણ મહિના જેટલા સમયમાં લગભગ ૪૦-૪૫ જેટલી નાની-મોટી ટૂંકી વાતો અને એટલાં કાવ્યો લખાયાં તેમાંથી વીણીને સત્તર આ સંગ્રહમાં મૂકું છું. ‘કુલ સત્તર વાર્તાના આ સંગ્રહમાં જે ‘હસનની ઈજાર’ વાર્તા વિશે સ્પષ્ટ કરતાં કહ્યું છે ‘એ વાર્તા ‘હસનની ઈજાર‘ નામની એક રશિયન વાતના એક કેન્દ્રસ્થ વિચાર ઉપર વારંવાર ચિંતન કરવામાંથી જન્મી હતી. ગુજરાતીમાં વાચકને લાભ મળે એ હેતુથી ‘હસનની ઈજાર’નો ગુજરાતી અનુવાદ કરી આ સંગ્રહમાં મૂક્યો છે. ‘સ્વર્ગ અને પૃથ્વી’ વાર્તાસંગ્રહની શીર્ષક વાર્તા એક કાવ્યાત્મક શૈલીની વાર્તા બને છે. ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ અંતર્ગત રમણલાલ જોશી એ વાર્તામાં કવિતાની તરકીબોના વિનિયોગ વિશે લખતાં વર્ણન મૂક્યું છે – ‘પણ એક દિવસ તેણે સ્વર્ગની પરંપરા તોડી. અપ્સરાઓ સાથે વ્યોમવિહાર કરતો કરતો એક વખત તે ધરતી તરફ આવી ચડ્યો. સ્વર્ગમાં કદી ન જોયેલું એવું તેણે ત્યાં જોયું. દિવસાન્તે લતા પર કરમાઈ ઢળી પડતા કોઈ એક નાજુક કુસુમના જેવી યુવતીને એક એકાકી શિલા પર બેઠેલી તેણે જોઈ. તે યુવતીની આંખમાં આંસુ હતાં. સ્વર્ગનું સુંદરમાં સુંદર મોતી પણ તે અશ્રુબિંદુની સ્પર્ધામાં પાણી વિનાનું લાગે એવી તેને પ્રતીતિ થઈ. જીવનમાં પહેલી જ વાર તેણે આંસુ જોયાં – સ્વર્ગમાં આંસુ હોતાં જ નથી.’ આગળના આ ત્રણ વાર્તાસંગ્રહો ઊર્મિપ્રધાન છે પરંતુ ‘હીરાનાં લટકણિયાં’ સંગ્રહની વાર્તાઓ મનુષ્યમન સાથે વધુ જોડાયેલી છે. ‘પ્રતિકાર’, ‘થડને ડાળપાંખડાં’, ‘ટિટોડીનો શાપ’, ‘મમી’, ‘પુનર્લગ્ન’ અને ‘સર્જક’ જેવી વાર્તાઓનો સમાવેશ છે. જેમાંની ‘પ્રતિકાર’ વાર્તાની સમીક્ષા ‘સ્નેહનો શબ્દ’ (સ્નેહરશ્મિ અધ્યયન ગ્રન્થ) અંતર્ગત ભોળાભાઈ પટેલ લિખિત મળે છે. વાર્તા પ્રતીકાત્મક છે. માનવસંબંધોની સંકુલતા બતાવતી આ વાર્તામાં ચોથા પાત્ર તરીકે ઉંદર છે જે પણ એની ક્રિયાઓ દ્વારા માણસની ગરજ સારે એવી રીતે પ્રયોજ્યું છે. અહીં એક લતા નામે સુંદર સ્ત્રી છે. એનો સાધારણ આવક ધરાવતો પતિ ઉષાકાન્ત મિલમાં નોકરી કરે છે. ચાલીના મકાનમાં રહે છે. એક નિમ્ન મધ્યમવર્ગીય જીવન જીવતું આ દંપતી છે. વધારે કમાણીના આશયથી દિવસની સાથે રાતપાળી પણ કરે છે. ત્રીજું પાત્ર એ ઉષાકાન્તની મિલનો શેઠ રમણલાલ છે. જેની નજર લતાના સુંદર દેહ ઉપર અટકેલી છે અને ચાલીમાં એની આવનજાવન વધી છે. આસપાસનાં લોકો માટે એ એક ઉંદર જ છે. પરંતુ લતા આ સંબંધની સ્વીકાર અને અસ્વીકારની ભૂમિકામાં થોડો સમય ખેંચાય છે અને સાથે સાથે ભયભીત પણ છે. લેખક વાર્તાનું રહસ્ય સાચવવા ‘એ’નો ઉલ્લેખ કરી ઉંદર અને રમણલાલ ઉર્ફે માનવીય વૃત્તિની વાતો મૂકે છે. રમણલાલની એક એક ચેષ્ટા લતાને વશ કરવાની છે જે લાલચથી કુનેહપૂર્વક આગળ વધે છે અને વાર્તાનો અંત લતાનો અસ્વીકૃત ભાવ ઉંદરને મરણતોલ નિસહાય કરવાનો છે. રમણલાલથી મોં ફેરવી નીકળી જવું અને ઉંદરને મારવું. આમ, વાર્તામાં વપરાયેલા પ્રતીકને કારણે આ વાર્તા કલાત્મક પણ બને છે. ‘થડને ડાળ પાંખડાં’ સંયુક્ત કુટુંબની ભાવના પર થયેલા આઘાતની કથા છે. ‘મમી’ વાર્તા આધુનિક અને કૃત્રિમ સંબંધો પર એક જુદા જ વિષય ઉપર વ્યંગ્ય કરતી વાર્તા છે. ‘મમી’ એક ફેન્ટસી છે. મૃત્યુ પામેલા પશુપંખીમાં મસાલા ભરીને તેમને જીવતાં પશુપંખી જેવાં દેખાડવાનો – ટેક્સીડર્મીનો વ્યવસાય કરતી એક સ્ત્રી સાથે વાર્તા નાયકનો મિલાપ અને માનવસંબંધોની ઇચ્છાઓ અને લાલસાનું નિરૂપણ કરતી આ વાર્તાનો નાયક ભાવુક છે. સુંદરતાનો મોહ એની નબળાઈ છે. આરંભ જ કાંઈક આવો છે, ‘નારંગીના રસની પ્યાલીઓ અને કાજુની રકાબીઓ મહેમાનોની સામે ધરતા વેઇટરો યંત્ર-માનવોની જેમ એક ટેબલ પરથી બીજાને બીજા પરથી ત્રીજા પર હેરફેર કરી રહ્યા હતા. તેમના હલનચલનથી આખા ખંડમાં થઈ રહેલા વાતચીતના ગુંજારવમાં આરોહ-અવરોહ આવ્યે જતા હતા, ત્યાં વીજળીનો ચમકારો થાય અને આંખ અંજાઈ જાય એવી પરિસ્થિતિ એકાએક સર્જાવા પામી. એનું મૂળ હતું કળાત્મક રીતે નારંગીના રસની પ્યાલી તરફ લંબાયેલા એક સુંદર નાજુક હાથમાં. અનેક નજરો એ હાથ પર સ્થિર થઈ ગઈ! એ હાથે જે ઊર્મિઓ એ ખંડમાં વહેતી મૂકી તેમાંથી એક મને પણ સ્પર્શી ગઈ અને ગુરુત્વાકર્ષણથી હોય તેમ મારી નજર તે વદન પર ચોંટી ગઈ!’ વાર્તામાં એ સુંદર સ્ત્રીના વદન, ગ્રીવા અને સ્મિતનું વર્ણન કરતા મનુષ્ય અને પશુ-પંખીનાં સંવનનની, સ્નેહ સંબંધની ભાવાત્મક અનિવાર્યતાની વાતો આવે છે. વાર્તા એક મનોવિજ્ઞાનની સાથે સાથે શરીરવિજ્ઞાન પણ રચે છે. એટલે અહીં આકર્ષક સ્ત્રી ટેક્સીડર્મીસ્ટનો વ્યવસાય કરે છે. એક તરફ આકર્ષણ જે ક્ષણભંગુર છે તો બીજી તરફ સંસારની વાસ્તવિકતા જે ક્યાંક યંત્રવત્‌ છે. ટેક્સીડર્મીસ્ટ સ્ત્રીથી આકર્ષાયેલો નાયક પત્નીથી દૂર થતો જાય છે. અને અંતે જ્યારે પેલી સુંદર સ્ત્રીની કૃત્રિમતા અનુભવે છે ત્યારે નાયકની સ્થિતિ કરુણ બને છે. પત્ની સરલાની ઉક્તિ મમળાવતો નાયક કહે છે, ‘અમારા ચોથા સંતાન પછી તેણે એક દિવસ મને કામનું રહસ્ય સમજાવતાં કેવળ સંતતિ માટે જ ગૃહસ્થાશ્રમનું આલંબન લેતા રઘુવંશના રાજાઓ તરફ આંગળી ચીંધી! એ આદર્શ ચૂકી જે ભોગરત બને છે તેના હાથમાંથી પ્રાણની ધબક સરી જઈ કેવળ ઇજિપ્તના પિરામિડોમાંનાં મમી જ રહે છે!’ આકર્ષક કૃત્રિમતા અને ઉષ્માશૂન્ય ભોગની વાત વાર્તાકાર ‘મમી’ વાર્તામાં જરા જુદા વળાંકે કરે છે. ‘ચોર’ વાર્તા હૃદયપરિવર્તનની વાર્તા છે અને ‘કાલા ટોપી’ જેમાં ગરીબી અને લાચારી માણસને કેવી રીતે ગુનેગાર બનવા મજબૂર કરે છે અને ગુનેગારની અંદર પણ પ્રેમ અને વાત્સલ્ય હોય છે. એ વાતની પ્રતીતિ અહીં થાય છે. ‘હીરાનાં લટકણિયાં’ ભાઈબહેનનાં સહજ સંબંધ અને નિર્વ્યાજ પ્રેમની કથા છે. બાળપણનો સ્નેહ સમય જતાં વધુ ને વધુ પ્રગાઢ બને છે અને ભાઈની આપેલી નાની ભેટ પણ મૂલ્યવાન બની જાય છે એવી પારિવારિક સ્નેહકથા છે. સ્નેહરશ્મિની વાર્તાઓમાં ઊર્મિ અને પારિવારિક ભાવ સુંદર રીતે આલેખાયો છે. ‘જન્મતિથિ’માં પિતા પુત્રીનો ‘ગૌરી’ વાર્તામાં માતા-પુત્રનો, ‘હીરાનાં લટકણિયાં’માં ભાઈબહેનનો અને ‘માછીકન્યા’માં સ્ત્રી-પુરુષનો પ્રેમ જોવા મળે છે, ‘મહમદ ચાચા’, ‘ઇન્જિન ડ્રાઇવર’, ‘ચંપલ’, ‘કાલાટોપી’, ‘આંખ’ જેવી વાર્તાઓમાં ગાંધીયુગનો બોધ કે આદર્શ ભાવનાઓનું ચિત્રણ છે. ‘ટીટોડીનો શાપ’ કે ‘પુનર્લગ્ન’ જેવી વાર્તાઓ ઉપદેશાત્મક કે સમાજસુધારકની વાતો રજૂ કરતી વાર્તાઓ છે. ‘ટિટોડીનો શાપ’ જે સદ્‌-અસદ્‌ની વાતોને પક્ષી અને સ્વયમ્‌ ભગવાનના સંવાદથી એક જુદા જ અંતવાળી વાર્તા બની છે. મહાભારતના યુદ્ધના આરંભે શ્રીકૃષ્ણ બે કાર્ય કરે છે અર્જુનને ગીતા જ્ઞાન સંભળાવી યુદ્ધ માટે તૈયાર કરે છે અને ટિટોડીનાં બચ્ચાંને બચાવવા તકેદારી રાખે છે. ટિટોડી જેણે સુરક્ષિત જગ્યા સમજી ઈંડાં મૂક્યાં હોય છે ત્યાં યુદ્ધની સ્થિતિ સર્જાતાં કકળાટ મચાવે છે. એ બચ્ચાને, મરી જવા જોવા કરતાં સ્વયમ્‌ મરી જવાનું ઉચિત સમજે છે ત્યારે ભગવાન હાથીનો ઘંટ એના ઉપર મૂકી બચાવી લે છે, પણ ટિટોડી આ લોહીઝાળ યુદ્ધ જોઈ દ્રવિત થાય છે એને પ્રશ્ન થાય છે કે ‘એક ટિટોડીના ઈંડાંની જેને આટલી બધી ચિંતા હતી તેને મન માનવીનું જીવન આટલું બધું તુચ્છ! અર્જુનને શા માટે યુદ્ધ કરવા ઉશ્કેરી શસ્ત્રો પકડવા તૈયાર કરે છે? એ ધારે તો દુર્યોધનની વૃત્તિ ફેરવી શક્યા હોત! નરસંહાર જોઈ ટિટોડીનો સંતાપ તીવ્ર બને છે અને ભગવાનને ટિટોડીની શાપવાણી સંભળાય છે. વાર્તાનો હિંસા સામે અહિંસાનો વિચાર ગાંધીદર્શનની પ્રસ્તુતિને જ પુરાણની કથા સાથે જોડી પ્રસ્તુત કર્યો છે. લેખક બોધને સામે રાખી ઘટનાઓનું ગુંફન સારી રીતે કરી શક્યા છે. ‘શ્રીફળ’ વાર્તા ‘યજમાન વૃતિ એ કોઈ વેપાર નથી એ તો ધર્મ છે’ એ વાક્યને ચરિતાર્થ કરે છે. ‘આંખ’ વાર્તામાં માણસની અકળ વૃત્તિનું નિરૂપણ છે. આંખ અહીં પ્રતીક છે. વાર્તાના અંતે લેખક કહે છે, ‘એવી આંખ તમે કદી નથી જોઈ? કોણ કહી શકે કે તેમાં પાપ જ ભર્યુ છે...? અને માણસની આંખે શું નથી કર્યુ..?’

KalaTopi.jpg

વાર્તાકાર મૂળે તો કવિ છે એટલે આરંભની વાર્તાઓનું ગદ્ય પણ સંગીતાત્મક છે. વારંવાર રૂપક અને પ્રતીકોનો ઉપયોગ કરે છે તેમજ વર્ણન પણ કાવ્યાત્મક રીતે જ કરે છે. એમની ગદ્યશૈલીના ઉત્તમ નમૂના ‘સ્વર્ગ અને પૃથ્વી’, તેમજ ‘માછીકન્યા’, ‘ગાતા આસોપાલવ’ કે ‘મમી’ જેવી વાર્તામાં મળે છે. જીવનના ઉત્કૃષ્ટ અને નિઃસ્વાર્થ પ્રેમનું ગાન કરતી વાર્તા ‘માછીકન્યા’નો આરંભ જ આ રીતે કર્યો છે. ‘નીલ ઘેરા સમુદ્રની વિસ્તીર્ણ ક્ષિતિજ ઉપર તેની નજર ચોંટી હતી. ખીલતી યૌવનની એકબીજા ઉપર ધસતી પ્રચંડ ઊર્મિઓની જેમ જાણે અગમ્યના અંતરમાંથી સહસા જાગી કિનારા તરફ ધસતાં, ઘૂઘવાટ કરતાં, ઘડીકમાં લાસ્ય તો ઘડીકમાં તાંડવ કરતાં, કોઈ ભવ્ય, ગહન, ગંભીર સંગીતના સૂરો પ્રગટાવતાં, અફાટ તીરપ્રાન્તના ઉરમાં સમાવા મથતાં મોજાંઓને જાણે તે ગણી રહી હતી. તે મોજાંઓ સાથે તેને જુગજુગનું સખ્ય હોય, તેમાંના પ્રત્યેકને તે પિછાનતી હોય અને દરેક તેને માટે પોતાની અંતર્ગુહામાં પ્રયત્નપૂર્વક છૂપાવી, જતન કરી કોઈ ગૂઢ સંદેશ લાવતું હોય એમ તેના મુખ ઉપરના ભાવ પરથી દેખાતું હતું.’ પ્રસ્તુત વાર્તા કાવ્યાત્મક શૈલીમાં લખાયેલી છે. આમ તો આ પ્રણય ત્રિકોણ રચતી વાર્તા છે પણ લેખકે કુશળતાથી ભાવ પલટો કરાવી ઈર્ષા અને પ્રતિશોધથી વાર્તાને જુદી દિશામાં વાળી લીધી છે. માછીકન્યા રૂપાને દેવો અને સોમો બન્ને ચાહે છે. રૂપા મૂંઝાય છે એક ને હા કહે તો બીજો દુઃખી થાય. અને વાર્તાકારે ખાલી પતિપત્નીનો જ નહીં ભાઈબહેનનો પ્રેમ પણ ઊંચાઈ બક્ષે જ છે! એ વાતની પુષ્ટિ કરી અને એકના નસીબમાં પતિ બનવાનું સર્જાય છે અને બીજાના ભાગે ભાઈ બનવાનું આવે છે.

Shreefal.jpg

દેવો અને સોમો બન્ને પાકા મિત્રો છે. સોમો કહે છે : ‘પણ દેવા, એટલું તો ખરું કે દુનિયામાં રૂપા તો એક જ. જો તારા નસીબમાં તે હોય તો હું નારાજ નહિ થાઉં, પણ પછી બીજા કોઈને તો નહીં જ પરણું. પણ એક કોલ તારે મને આપવો પડશે,’ ‘શો?’ ‘રૂપાનું પહેલું બાળક મને આપવું.’ સોમાએ કહ્યું, ‘કબૂલ, અને જો તને પરણે તો પણ રૂપાનું પહેલું બાળક મને આપવાનું. ‘એમ કેમ?’ કારણકે મેં તારા જેવો જ વિચાર કરેલો છે. તેમાં તું ને રૂપા બન્ને હશો. મારી પાસેથી આજે રૂપા ભલે તને લઈ જાય, પણ તમને બંનેને સાથે લઈને તે આવવાનું છે તે મારું થાય એટલે બસ નિરાંત.’ રૂપા પણ આવી જ શરત મૂકે છે : આ બંનેમાંથી તરવામાં ઝાંઝરીએ જે પહેલો પહોંચે તે તેનો વર થાય અને બીજો તેનો ભાઈ થાય. પણ આ ત્રણે સાથે રહે અને પહેલું બાળક જે ભાઈ બને તેનું થાય. આ શરત મંજૂર થઈ અને છેવટે રૂપા અને સોમાનું લગ્ન થયું. રૂપાને છોકરી આવી. દેવાએ એનું નામ પાડ્યું, ‘મીઠી’. બનવાકાળ તે એક દિવસ ઝાંઝરીમાં તરાપો ઊંધો પડ્યો અને સોમા અને રૂપાએ જલસમાધિ લીધી. દેવાની વેદનાનો પાર ન રહ્યો. તે ઘેર આવે છે. વાર્તાકાર એ ક્ષણનું વર્ણન કરતાં કહે છે : ‘શાંત નીરવ ઝૂંપડીમાં મીઠી તેની ઝોળીમાં શાંતિથી ઊંઘી રહી હતી. નિશ્વાસભર્યા ઉરે દેવો તેને જોઈ રહ્યો. વેદનાથી ભરેલી પોતાની દૃષ્ટિ એક વાર દૂર તેણે ઝાંઝરી તરફ ફેંકી અને પછી તરત જ મીઠીને ઝોળી સમેત પોતાની છાતી સરસી દાબી તેના નાજુક ગાલ ઉપર તેને એક ગાઢ ચુંબન કર્યુ. બહાર ભગ્ન હૃદયના વિખરાયેલા તારની જેમ ચાંદની વેરાયેલી પડી હતી, ને દૂર ઝાંઝરી તેનું અગમ્ય એવું ઘેરું ગાન ગાઈ રહી હતી. ‘એક ઊર્મિપ્રધાન અને કરુણ અને શૃંગાર રસ સર્જતી બળકટ વાર્તા બની છે. સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓની ભૂમિકા રમણલાલ જોશીએ લખેલી છે જેમણે આ ઉપરાંત ‘સ્વર્ગ અને પૃથ્વી’ વાર્તાને પણ રમણીય અને સુગ્રથિત અને ઘાટીલા ગદ્યકાવ્ય જેવી કહી છે. વાર્તાકાર ગાંધીયુગીન અને સ્વાતંત્ર્ય લડતમાં સક્રિય રહેનાર લેખક છે. એટલે ગાંધીચીંધ્યા આદર્શો અને ભાવના એમની અનેક વાર્તાઓમાં વણાયેલ છે.’ ‘ગૌરી’ વાર્તામાં અસહકારની લડત અને રેંટિયાનો સંદર્ભ છે. મહાત્માજી, બા અને સરોજિનીદેવીનાં સંદર્ભ છે. સર્વસ્વને હોમી દેવાની હાકલ છે એ પરિવેશમાં સાથે મધ્યમવર્ગની સુશીલ સ્ત્રી ગૌરીનું રેખાચિત્ર સુંદર બન્યું છે. ‘કમુ’ વાર્તામાં કેન્દ્રમાં કમુ જ છે. જે સ્નેહ અને સમર્પણની મૂર્તિ છે. વાર્તાનાયક પિતાની સુખસુવિધા અવગણી અસહકારની લડતમાં જોડાય છે. અને કમુના પરિચયમાં આવે છે.

Sneharshmi-ni Shrestha Varta-o.jpg

નાયક નરેન્દ્ર હાઈકોર્ટ જજનો એકનો એક પુત્ર છે. તેની માતા એ પાંચ વર્ષનો હતો ત્યારે ગુજરી ગઈ હતી. શિક્ષિત અને સુખી સંપન્ન નરેન્દ્ર બહિષ્કારની હાકલ થતાં એમાં જોડાય છે. સ્વપ્નદૃષ્ટા નરેન્દ્ર અસહકારી બની ઘરે આવે છે. એ સમયે તે પિતાના ધનાઢ્ય મિત્રની પુત્રી સુહાસિનીને ચાહવા લાગે છે. પરંતુ સુખી સંપન્ન નરેન્દ્ર જ્યારે સાધારણ માણસ બનીને જીવે છે ત્યારે સુહાસિની એનાથી દૂર થઈ જાય છે અને ખરા અર્થમાં સાથ આપે છે કમુ. અહીં પણ સ્ત્રીના ઉદાત્ત સ્વભાવના નિરૂપણ થકી ભારતીય સંસ્કારી નારી છબિ ઉપસે છે. આ વાર્તા પણ ચરિત્રપ્રધાન વાર્તા બને છે. એક લાક્ષણિક ઢબે લખાયેલી વાર્તા ‘ગાતા આસોપાલવ’ જેમાં પ્રેમ અને જીવનની સંવાદિતાની વાત રૂપકથી કરવામાં આવી છે. વાર્તામાં વાર્તા છે, સંગીતમય ભાષા છે. પ્રકૃતિનું માનવીયકરણ કરી લેખકે એક ઊર્મિરાગી વાર્તા આપી છે. ગુજરાતી વિવેચક રમણ સોનીનો સમીક્ષા લેખ ‘ગદ્યકાર સ્નેહરશ્મિ’ ગ્રંથમાં છે. જેમાં વિવેચક દ્વારા વાર્તાકાર સ્નેહરશ્મિનાં લેખાંજોખા આ રીતે કર્યાં છે. ‘સ્નેહરશ્મિની વાર્તાઓને વિવેચકોએ ‘કવિની વાર્તાઓ’ તરીકે ઓળખાવી છે તે આ પહેલા તબક્કાની વાર્તાઓને વધુ બંધ બેસે છે. અલબત્ત, એમના કવિ હોવાના લાભ ને ગેરલાભ બંને આ વાર્તઓને મળતા રહ્યા હોવાથી આ ઓળખ કંઈક લાક્ષણિક પણ બની રહે છે. પરંતુ બીજા તબક્કાની વાર્તાઓ ઘણી જુદી પડે છે. રચનારીતિની દૃષ્ટિએ તો એમાં પ્રયોજાયેલા ગદ્યની દૃષ્ટિએ એની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. નિરૂપણમાંથી ઊર્મિરાગિતા ઘટે છે ને વાસ્તવલેખન કેન્દ્રમાં આવે છે. એથી ગદ્ય વધુ પ્રાસાદિક બને છે ને ગૌરવનું પોત એમાં બંધાય છે. ‘ગૌરી’ નામની વાર્તામાં, જન્મથી વૃદ્ધત્વ સુધી દુઃખ વેઠ્યા કરતી નારીનું ચિત્રણ છે, કરુણનો એમાં ક્યાંક અતિશય પણ જોવા મળે છે, પરંતુ એનું ગદ્ય ઊર્મિલતામાં સરી પડતું નથી કે કવેતાઈ બની જતું નથી એ નોંધપાત્ર છે. ‘આસોપાલવ’ જેવી વાર્તાઓમાં અદ્‌ભુતનું આલેખન છે. ત્યાં ગદ્યનો પ્રવાહ કવિતાની લઢણોથી આવૃત્ત થતો ને અતિરેક થતાં ક્યારેક અવરુદ્ધ થતો બનતો-જણાય છે. એટલે આવી ઊર્મિલ પરિવેશવાળી વાર્તાઓ કરતાં પાત્રનાં મનોસંચલનોને માનવ બાહ્ય ઘટના કે પરિસ્થિતિની સન્નિધિ-જક્સ્ટપોઝિશન-થી, પ્રતીકાત્મક રીતે પ્રગટ કરતી ‘થડ ને ડાળપાંખડાં’ ને ‘પ્રતિકાર’ જેવી, આ બીજા તબક્કાની વાર્તાઓ રચનાદૃષ્ટિએ વધુ કલાત્મક બની છે ને એનું ગદ્યરૂપ પણ વાસ્તવનિષ્ઠ ને બોલચાલની ભાષાની નિકટનું રહ્યું છે. ઉત્કટ સંવેદનના આલેખન વખતે પણ – અગાઉ રૉમેન્ટિક કવિતાની જેવી ભાષાથી લેખક સ્વયં એ પ્રવાહમાં ખેંચાઈ જતા હતા, એને બદલે – સ્વસ્થ રહી શકતા હોવાથી આ વાર્તાઓના ગદ્યમાં માર્મિકતા ને નર્મ શક્તિ પણ દેખાય છે.’ આવી રીતે સ્નેહ અને કરુણા, ગાંધીયુગીન આદર્શોની ભાવના, ગદ્યની ઊર્મિલતા સાથે વાર્તાઓ આપનાર સ્નેહરશ્મિની સર્જનયાત્રા વિશાળ, કલાત્મક અને કલ્યાણકારી છે.

નીતા જોશી
વાર્તાકાર, વિવેચક
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬