ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કિશોર જાદવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શ્રી કિશોર જાદવની ટૂંકી વાર્તાઓ
અને ટૂંકી વાર્તાની કળામીમાંસા

જયેશ ભોગાયતા

Kishore Jadhav 30.png

ગુજરાતી સાહિત્યના આધુનિક વાર્તાકાર શ્રી કિશોર જાદવનો જન્મ ૨૦મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ અમદાવાદના ધોળકા તાલુકાના આંબલિયાળા ગામમાં થયો હતો. પિતાનું નામ કાલિદાસ જાદવ. માતાનું નામ ડાહીબહેન. પ્રાથમિક શિક્ષણ વતનમાં. ૧૯૫૫માં મેટ્રીક (અમદાવાદ) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બી.કૉમ. (૧૯૬૦), ૧૯૭૨માં ગૌહતી યુનિવર્સિટીમાંથી એમ.કૉમ. સાહિત્યમાં પીએચ.ડી. કેલિફોર્નિઆ યુનિવર્સિટી, યુ.એસ.એ. ૧૯૬૫થી ૧૯૮૨ સુધી નાગાલૅન્ડમાં વિવિધ રીતે અંગત સચિવની કામગીરી. ૧૯૮૨થી નાગાલૅન્ડ સરકારના મુખ્ય સચિવના અંગત સચિવ હતા. ૧૯૭૨માં પૂર્વોત્તર સાહિત્ય અકાદમીની સ્થાપના. ૧૯૭૬થી ૧૯૮૧ સુધી એના મહામંત્રી. પત્નીનું નામ કમસૉંગકોલા (નાગાકન્યા) પાંચ સંતાનો. કિશોર જાદવનું ૮૦ વર્ષનું દીર્ઘ આયુષ્ય પરંતુ છેલ્લાં વર્ષોમાં આંખ અને કીડનીની બીમારીને કારણે બહુ લખી-વાંચી શકતા નહોતા. ૧લી માર્ચ ૨૦૧૮ના રોજ દીમાપુર (નાગાલૅન્ડ)માં મૃત્યુ થયું. મહત્ત્વના પુરસ્કારોમાં ગુજરાત રાજ્ય પુરસ્કાર, ક્રિટીક્સ સંધાન ઍવૉર્ડ, એ ઉપરાન્ત અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો. બેસ્ટ કન્ટ્રિબ્યૂટર એઝ રાઈટર ફૉર ઇન્ટિચમેન્ટ ઑવ હ્યુમન વેલ્યુઝ પુરસ્કાર, UWA, મદ્રાસ.

પ્રકાશિત પુસ્તકો ટૂંકી વાર્તાસગ્રંહ

૧ પ્રાગૈતિહાસિક અને શોકસભા (૧૯૬૯)
૨ સૂર્યારોહણ(૧૯૭૨)
૩ છદ્મવેશ (૧૯૮૨, ૧૯૯૯)
૪ યુગસભા (૧૯૯૫) પ્રાગૈતિહાસિક અને શોકસભાની સંવર્ધિત આવૃત્તિ
૫ કિશોર જાદવની શ્રેષ્ઠ વાર્તાઓ (સં. રાધેશ્યામશર્મા) ૧૯૯૦
૬ ‘આગંતૂક’ (હિન્દી) ૧૯૯૦
૭ In the City of Dazzling Distortions (અંગ્રેજીમાં) ૨૦૦૦ ‘છદ્મવેશ’ વાર્તાસંગ્રહનો અંગ્રેજીમાં પોતે કરેલો અનુવાદ
૮ કિશોર જાદવની વાર્તાઓ (સં. મોહન પરમાર) ૨૦૦૯
૯ કિશોર જાદવની વાર્તાઓ (સં. જયેશ ભોગાયતા)
૧૦ એક ઇતરજનનું દુઃસ્વપ્ન (૨૦૧૭)
નવલકથા
૧. નિશાચક્ર (૧૯૭૯, ૧૯૮૪)
૨. રિક્તરાગ (૧૯૮૯)
૩. આતશ (૧૯૯૩)
૪. કથાત્રયી (૧૯૯૮)
વિવેચન
૧. નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા (૧૯૮૬, ૧૯૯૮, ૨૦૧૩)
૨. કિમર્થમ (વિવેચનાત્મક અભિપ્રાયોનો મુલાકાતસંગ્રહ) ૧૯૯૫
૩. ફૉક લૉર ઍન્ડ ઇટ્‌સ મોટિફસ ઈન મોડર્ન લિટરેચર (અંગ્રેજીમાં) ૧૯૯૮
૪. ધ ગ્લૉરી હન્ટ (પ્રવાસ – શોધનિબંધ) અંગ્રેજીમાં. ૨૦૦૧
સંપાદન :
૧. કૉન્ટેમ્પરરી ગુજરાતી શોર્ટ સ્ટૉરીઝ. અંગ્રેજીમાં ૨૦૦૦
કિશોર જાદવ અધ્યયનગ્રંથ : સં. કિશોર જાદવ (૨૦૦૬)

કિશોર જાદવની વાર્તાઓ : ‘કાલ્પી’થી ‘વાડી’ મનુષ્યની અંતઃચેતનાનું સંવેદનશીલ અભિજ્ઞાન
(કિશોર જાદવની કુલ ૫૬ વાર્તાઓમાંથી પંસદગીની ૧૮ વાર્તાઓનો સઘન વિસ્તૃત અભ્યાસ)

GTVI Image 93 Pragaitihasik Shoka Sabhaa.png

કિશોર જાદવનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ ઈ.સ. ૧૯૬૯માં પ્રકાશિત થયો હતો. ગુજરાતી સાહિત્યનો સાતમો દાયકો આધુનિકોના નવોન્મેષનો હતો. સુરેશ જોષીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ઈ.સ. ૧૯૫૭માં પ્રકાશિત થયો હતો. એ સંગ્રહની ‘કિંચિત્‌’ શીર્ષકની પ્રસ્તાવનાએ અને વાર્તાઓએ પરંપરાગત સાહિત્યવિભાવના અને વાર્તાસર્જનથી પોતાની નવી ઓળખ આપી હતી. સુરેશ જોષીની સાહિત્યવિભાવના ભારતીય રસમીમાંસા અને આધુનિક યુરોપીય સાહિત્યમીમાંસાથી ઘડાયેલી હતી. તે જ રીતે તેમની કથાસાહિત્યની વિભાવના ઘડવામાં આધુનિક પાશ્ચાત્ય સર્જકો અને વિવેચકોનો હિસ્સો છે. જો કે સુરેશ જોષી પૂર્વે ગુજરાતી સાહિત્યના કેટલાક કવિઓ, વાર્તાકારો અને નૂતન સંવેદના વ્યક્ત કરતી કૃતિઓનું સર્જન આરંભ્યું હતું. હરિશ્ચન્દ્ર ભટ્ટે આધુનિક યુરોપીય કવિઓનો પરિચય કરાવ્યો હતો. તેમાં બૉદલેર અને લોર્કા મુખ્ય હતા. નિરંજન ભગતે ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓમાં નગરચેતનાનું વિષમ રૂપ પ્રગટ કર્યું. રાજેન્દ્ર શાહ, પ્રહ્‌લાદ પારેખ અને પ્રિયકાન્ત મણિયારની કાવ્યરચનાઓ ગાંધીયુગની જીવનભાવના અને સાહિત્યભાવનાથી ખસીને સૌંદર્યનિર્માણના નવા રસ્તે શબ્દસાધનાનું નવું જગત રચે છે. જયંતિ દલાલ અને જયંત ખત્રીની વાર્તાઓ ખરા અર્થમાં ‘Realistic mode’નો અનુભવ કરાવે છે તેમાં પણ ખત્રીએ વાર્તાઓ પર કોઈ અમૂર્ત આદર્શ ભાવનાનો પડછાયો પડવા દીધો નથી. રણભૂમિના વિશિષ્ટ પરિવેશ વચ્ચે સતત આંતરસંઘર્ષ કરતાં પાત્રોની જીવનલીલાનું નૈસર્ગિક અને કાવ્યમય વાર્તાગદ્ય વડે રૂપ રચ્યું છે. તો જયંતિ દલાલે વાર્તાવિષયમાં શહેરી પરિવેશમાં જીવનખેલ ખેલતાં પાત્રોનાં આંતરબાહ્ય સંઘર્ષોને તાટસ્થ્યપૂર્વક નિરૂપ્યા છે. જયંતિ દલાલે ઘટનામાં રહેલી સ્થૂળતાને ઓગાળતી સર્જનપ્રક્રિયાનો ખાસ પક્ષ લીધો હતો. વાર્તાના વિષયને નિરૂપવાની વિવિધ નિરૂપણરીતિઓનો તેમણે સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. પીઠઝબકાર, આંતરચેતનાપ્રવાહ, કપોળકલ્પિત, પ્રતીક, પ્રાચીન ભારતીય કથાપદ્ધતિ, પૌરાણિક પાત્રોનો વર્તમાન જીવનસંદર્ભમાં વિનિયોગ જેવી નિરૂપણરીતિઓ ઘટનાના વજનને ઓગાળવા માટે સફળ નીવડી છે અને તેના વડે જીવનનું નૂતન દર્શન પ્રાપ્ત થાય છે. જો કે આધુનિકતાવાદી સમયગાળામાં જયંતિ દલાલની વાર્તાવિભાવના અને વાર્તાકૃતિઓનો ગંભીરપણે અભ્યાસ થયો નથી તેને કારણે સામાજિક વાસ્તવની સમાંતરે મનુષ્યના આંતરમનના વાસ્તવનું નિરૂપણ કરતી વાર્તાઓ તરફ વિવેચકોએ દુર્લક્ષ સેવ્યું હતું. આજે જો હવે આધુનિક કે નવી ગુજરાતી ટૂંકીવાર્તાનો ઇતિહાસ લખવાનું આયોજન થાય તો જયંત ખત્રી અને જયંતિ દલાલને પ્રથમ સ્થાન આપવું પડે. વતનવિચ્છેદની, મરણની, રણની વન્ધ્ય સૃષ્ટિ સાથે સંઘર્ષ કરતી માનવનિયતિની દારુણ દશાની, સંબંધોના ઓથારથી મુક્ત થવા ઝંખતી નારી ચેતનાની – એમ વિવિધ નૂતન સંવેદનાઓનું કલાપૂર્ણ આલેખન કરનાર જયંત ખત્રી આપણા સમર્થ પૂર્વ-આધુનિક સર્જક છે. આ સૌ સાહિત્ય સર્જકોમાં સુરેશ જોષી તેમની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે આધુનિક ગુજરાતી સાહિત્યના સમર્થ ઘડવૈયા બને છે. ઈ.સ. ૧૯૪૮માં ‘વાણી’ સામયિક (મોહનભાઈ પટેલ સાથે) દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કરે છે. એ પૂર્વે મુંબઈમાં કૉલેજ અભ્યાસકાળ દરમ્યાન રવીન્દ્રનાથ તેમજ કાફકા જેવા આધુનિક સર્જકોનો ઊંડો પ્રભાવ, કરાંચીની લાયબ્રેરીમાં આધુનિક સર્જકોની કૃતિઓનું સઘન વાચન-ભાવન, તેમાંય ખાસ કરીને હેમિંગ્વે, કાફકા, વિલિયમ ફૉકનર, સાર્ત્ર, દૉસ્તોઍવ્સ્કી, રિલ્કે, બૉદલેરની કૃતિઓનું વાચન. વાલેરી, મલાર્મે, જેવા પ્રતીકવાદી કવિઓની કાવ્યભાવનાનું અનુસરણ – આ બધી કલાકીય સક્રિયતા વડે તેમની કલાદૃષ્ટિ ઘડતર થયું. ‘વાણી’ ઉપરાન્ત ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ સામયિકોમાં પાશ્ચાત્ય કૃતિઓના અનુવાદની પ્રવૃત્તિએ ગુજરાતી સર્જન-વિવેચનની પ્રવૃત્તિ પર મૂળગામી અસરો પાડી. કલામાં ‘રૂપનિર્મિતિ’નો વિભાવ કેન્દ્રસ્થાને આવે છે અને જીવનવાસ્તવનું અનુકરણ કે પ્રતિનિધાનનો વિભાવ દૂર થતો જાય છે. ‘નવી શૈલીની નવલિકાઓ’, ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’, ‘કથોપકથન’, ‘નવોન્મેષ’, ‘બીજી થોડીક’ અને ‘અપિ ચ’ જેવી સમર્થ સાહિત્યકૃતિઓના નમૂના વડે સુરેશ જોષીએ આધુનિકતાવાદી કલાવિચારની દૃઢ સંસ્થાપના કરી. સુરેશ જોષી ઉપરાંત ચન્દ્રકાન્ત બક્ષી, મધુ રાય, ગુલામમોહમ્મદ શેખ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચન્દ્ર, રઘુવીર ચૌધરી, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ રાધેશ્યામ શર્મા – વગેરે આ નૂતન આબોહવામાં સિસૃક્ષા પામેલા સર્જકોએ ગુજરાતી સાહિત્માં આધુનિકતાવાદી કલાવિભાવના વિકસાવી. કિશોર જાદવ પણ આ નૂતન આબોહવામાં ઊછરેલા એક આધુનિક કથાસાહિત્યના સમર્થ સર્જક છે. પ્રારંભે નોંધ્યું છે તે મુજબ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ સુરેશ જોષી પ્રેરિત અને વિકસિત નૂતન સાહિત્યિક આબોહવાનું પીઠબળ ધરાવે છે. તેમની વાર્તાનાં પાત્રોની સંવેદનશીલતા, વાર્તાલેખનરીતિ, વાર્તા વિભાવના અને સર્વે ઘડતર સ્રોતો આ બધાં ઘટકોથી તેમની વાર્તાસૃષ્ટિ પરંપરાગત વાર્તાથી વિચ્છેદ રચે છે. જો કે તેમની આરંભકાળની વાર્તાઓનું ભાવવિશ્વ અને લેખનરીતિ પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘સૂર્યારોહણ’માં પ્રકાશિત વાર્તાઓ ‘કાલ્પી’, ‘પિશાચિની’, ‘સ્મૃતિવલય’માં પરંપરાનુસંધાન વાંચી શકાશે.

GTVI Image 94 Suryarohan.png

સાહિત્યના વાચક-ભાવક તરીકે સૌ પ્રથમ એવો સવાલ થઈ શકે છે કે સુરેશ જોષીનો ‘ગૃહપ્રવેશ”, (૧૯૫૭) મધુ રાયનો ‘બાંશી નામની એક છોકરી’ અને કિશોર જાદવનો ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ (૧૯૬૯) વાર્તાસંગ્રહોની વાર્તાઓ કઈ કઈ ભૂમિકાએ પરંપરાગત વાર્તાઓથી જુદી પડે છે અથવા તો વિચ્છેદ રચે છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના ઘડતરમાં સુરેશ જોષીની કલાભાવના અને વાર્તાવિભાવના પાયાનાં તત્ત્વો બન્યાં છે. સુરેશ જોષી ભારતીય રસમીમાંસાનાં ગૃહીતો સ્વીકારીને કલાસર્જન પ્રવૃત્તિના પ્રયોજનને સર્વે વ્યવહારુ લાભાલાભના ગૃહીતોથી મુક્ત કરે છે. કલાને અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ ગણે છે. કલાસર્જનનું મુખ્ય પ્રયોજન સહૃદય ભાવકની ચેતનાનો વિસ્તાર કરવાનું છે. પરંતુ ભાવક ચેતનાના વિસ્તાર માટે સાહિત્યકૃતિનો આકાર પણ વિશિષ્ટ હોવો ઘટે. કૃતિનાં ઘટકતત્ત્વોનાં પુનર્વિધાનને અનિવાર્ય માને છે. વાર્તાકૃતિનાં પ્રમુખ ઘટકતત્ત્વોમાં પાત્ર, ઘટના, ભાષા, કથનકેન્દ્ર, પરિવેશના પરંપરાગત રીતે થતા વિનિયોગથી મુક્ત થવું ઘટે. સાથે સાથે મનુષ્યજીવનના વાસ્તવ વિશેના નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક ખ્યાલોનો ત્યાગ કરીને અસ્તિત્વની ભૂમિકાએ માનવજીવનનું પૂર્વધારણાઓ અને પૂર્વગ્રહો મુક્ત પ્રત્યક્ષ દર્શન રજૂ કરવા તરફ સક્રિય બનવાની હિમાયત કરી. પાત્ર, ઘટના અને પરિવેશને જોવાની નૂતન અસ્તિત્વપરક દૃષ્ટિને કારણે વાર્તા કોઈ બોધ, જીવનદર્શન કે ભાવનાનું નિર્જીવ વાહક બનવાને બદલે સ્વયં સંવેદનાનું વ્યંજનાપૂર્ણ કલારૂપ બને છે. આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના ઘડતરમાં ભારતીય જનજીવનનો બદલાયેલો જીવનસંઘર્ષ, અસ્તિત્વવાદી ફિલસૂફી, પ્રતીકવાદી અને અતિવાસ્તવવાદી કલાઆંદોલનોનાં ગૃહીતો મહત્ત્વનાં પરિબળો બન્યાં છે. આપણે ભારતીય પ્રજાજનો અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી સ્વતંત્ર બન્યા પણ એ સ્વતંત્રતાનો આનંદોલ્લાસ કરવા માટે પોષક વાતાવરણ રહ્યું ન હતું. ભારતનું વિભાજન, તેમાંથી પાકિસ્તાનનો જન્મ, એ વિભાજન સમયે થયેલી પરસ્પર હિન્દુ-મુસ્લિમોની જધન્ય હત્યાઓ અને કોમી હુલ્લડોને કારણે બંને પ્રજાના માનસમાં વેરભાવનાનાં બીજ ઊંડે સુધી ગયાં ને હજુ પણ તેનો ક્ષય થયો નથી. વિભાજન સમયની અરાજકતાના વાતાવરણ વચ્ચે મહાત્મા ગાંધીની હત્યા. એ હત્યાને કારણે એક રાષ્ટ્રજીવનને પોષક માનવચેતનાનો વિલય થયો... પ્રજા હૃદયમાં ચારે બાજુથી શ્રદ્ધાભંગની ભીંસ વધવા લાગી. આશરે દોઢ સદીની લાંબી ગુલામી દરમ્યાન બ્રિટીશ શાસકોએ ભારતીયપરંપરાના ઉદ્યોગો અને શ્રમ કાર્યો પર માઠી અસર પહોંચાડી હતી. તેને કારણે ગરીબી, ભૂખમરો અને બેકારી મહાપ્રશ્નો બન્યા. આ વાતાવરણમાં સ્વતંત્ર થયાના આનંદને માણી શકવા જેટલી શક્તિ પ્રજામાં બચી નહોતી. યંત્ર સંસ્કૃતિને કારણે જન્મેલાં મુંબઈ, કલકત્તા, દિલ્હી જેવાં મહાનગરોમાં રોજગારી મેળવવા માટે દરરોજ ગામડામાંથી હિજરત થવાને કારણે નગર સંસ્કૃતિ સમૃદ્ધિ અને કંગાલિયતનું મિશ્ર બીભત્સ રૂપ બની. મિલ મજૂરોની પશુવત જિંદગીએ વિકાસના ખ્યાલને પ્રશ્નાર્થ હેઠળ આણી દીધો. જયંત ખત્રી અને જયંતિ દલાલની વાર્તાઓમાં આ સામાજિક વિષમ પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. ચન્દ્રકાન્ત બક્ષી અને મધુ રાયની વાર્તાઓમાં કલકત્તામાં બેકારી, ગરીબી અને ભાવિની સુખદ આશા વિના ભીંસાતી મહાનગરની પ્રજાનું વૈયક્તિક ભૂમિકાએ બેડોળ રૂપ આલેખાયું છે. નિરંજન ભગત અને ગુલામ શેખની કવિતામાં નગરચેતનાનું ભયાનક રૂપ પ્રગટ થયું છે. ભીડ, ભય, દોડ, ગંદકી, પ્રકૃતિનાં તત્ત્વોની હૃદપારી, લોખંડી પુલો અને ડામર, આસ્ફાલ્ટના રસ્તાઓ જેવી સામગ્રી વડે સંવેદનજડ શુષ્ક માનવહૃદયની એકલતાને કાવ્ય રૂપ આપ્યું છે. આ નવી ભારતીય જીવનસંઘર્ષની અસંગત દશાને વધુ તીવ્રતાથી જાણવામાં આધુનિક યુરોપીય કલાકારો અને ફિલસૂફો આધારરૂપ બન્યા. તેમાં પણ ખાસ કરીને કાફકાની કથાસૃષ્ટિ, બૉદલૅર, રેંમો, લોર્કા, રિલ્કે, મલાર્મે, વાલેરી અને ઍલિયટની કાવ્યસૃષ્ટિ, કૅમ્યૂની વિસંગતિની ફિલસૂફી, સાર્ત્રનો અસ્તિત્વવાદ, બૅકેટની નાટ્યસૃષ્ટિ, વાલેરી, ટી.એસ. ઍલિયટ જેવા વિવેચકોની સાહિત્યવિભાવના – આ બધાં સાહિત્યિક પરિબળોએ આધુનિકતાવાદી જીવનદૃષ્ટિ અને કલાદષ્ટિને ઘડી. ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘કૃતિ’, અને ‘ઊહાપોહ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત કૃતિઓએ કળા અને જીવન વિષેના પરંપરાગત ખ્યાલને લગભગ નિરર્થક કરી નાખ્યો. વિદેશી કૃતિઓના અનુવાદો અને સંપાદનોએ આપણા સર્જકો માટે પોષક વાતાવરણ રચી આપ્યું. આ ગતિમાન અને ઊથલપાથલની આબોહવામાં કિશોર જાદવની સર્જકતાનું ઘડતર થયું. તેમની સર્જકચેતના વિશ્વસાહિત્યના પ્રશિષ્ટ અને આધુનિક સર્જકોથી પરિષ્કૃત થતી રહી છે. મનુષ્યજીવનના અંતર્વિશ્વને નિકટથી જોવા-સમજવા માટે આધુનિકોએ ઘડેલી નૂતનદૃષ્ટિથી તેઓ દીક્ષિત થયા છે. મનુષ્યજીવનના સામાજિક, કૌટુમ્બિક, રાજકીય, આર્થિક કે સાંસ્કૃતિક પ્રશ્નોને બદલે માનવીય અસ્તિત્વસંલગ્ન પાયાના પ્રશ્નો સાહિત્યકળાની સામગ્રી બને છે. માનવવાસ્તવ વિશેનાં પરંપરાગત દૃષ્ટિકોણનો અસ્વીકાર થયો. શ્વેત-શ્યામમાં વિભાજિત નહીં પણ સર્વે બાજુઓના સંપૂર્ણ સ્વીકાર સાથે તેનું અખંડ દર્શન કરવાનો હેતુ મુખ્ય બને છે. ઈશ્વર, ધર્મ, શ્રદ્ધા, નીતિ, આદર્શ, જેવી વિભાવનાઓનો અસ્વીકાર. મનુષ્ય અને જગત વચ્ચેના સંબંધને કારણે જન્મતી વિસંગતિના સત્યનો નિર્ભ્રાન્તિ પૂર્ણ સ્વીકાર કરવા માટે વધુને વધુ પારદર્શી બનવા તરફ ગતિ કરનારા સર્જકોએ ચીલાચાલુ ઘરેડ રૂપ માન્યતાઓને ફગાવી દીધી. કિશોર જાદવ આ આબોહવાથી પોષણ મેળવીને માનવ અસ્તિત્વનું ચિંતન કરનાર આધુનિક સર્જક છે.

GTVI Image 95 Chhadmavesh.png

જયંતિ દલાલ અને જયંત ખત્રીની કેટલીક વાર્તાઓમાં પાત્રોનાં મનોસંચલનોનું સૂક્ષ્મ નિરૂપણ જોવા મળે છે. માનવજીવનનું આંતરવાસ્તવ વાર્તાનો વિષય બને છે. આધુનિકતાવાદી સમયમાં સર્જકચેતનાએ વાસ્તવની અતિપરિચિત ઓળખનો હ્રાસ કરીને તેની સીમાઓનો અજ્ઞાત દિશાઓ તરફ વિસ્તાર કરવાનું સાહસ કર્યું છે. વાસ્તવ વિશેના જડ ખ્યાલને દૂર કરવા માટે પ્રતીક, કલ્પન, કપોળકલ્પિત, સ્વપ્નવાસ્તવ કે નિર્જ્ઞાતસ્તરના વાસ્તવને નિરૂપતી પરાવાસ્તવવાદી પ્રયુક્તિઓનો સર્જનાત્મક વિનિયોગ કરવામાં આવે છે. કિશોર જાદવે પ્રતીક, કલ્પન, કપોળકલ્પિત, સ્વપ્નસદૃશ વાસ્તવલેખન અને અતિવાસ્તવાદી પ્રયુક્તિઓનો પ્રયોગ તેમની વાર્તાલેખન કળામાં કર્યો છે. મનુષ્યના વર્તન વિશે કોઈ નીતિચુસ્ત ચુકાદા વડે વ્યાખ્યાયિત કરવાનો પરંપરાગત સર્જક ધર્મ તેઓ અપનાવતા નથી. જીવનલય અવ્યાખ્યેય અને તર્કની પકડથી દૂરનો છે. તેને કોઈ પૂર્વસ્વીકૃત દૃષ્ટિબિંદુ વડે વ્યાખ્યાયિત કરવા જતાં તેનું બૃહદ્‌ રૂપ સરી જાય છે. કિશોર જાદવની વાર્તાસૃષ્ટિ મનુષ્યચેતનાનો બૃહદ્‌ વિસ્તાર છે. જેમાં ધૂંધળાશ છે, ક્યાંક પ્રકાશની પાંદડીઓનો ફરફરાટ છે તો ક્યાંક કારાગાર જેવી ગૂંગળામણ છે. તેમની વાર્તાઓમાં સમય ‘કાળ વિપર્યાસ’ની અનુભૂતિ રૂપે આદિમતા સાથે જોડાયેલો છે. આદિમ ચેતના સાથેનો નાભિનાળ સંબંધ પાત્રચેતના રૂપે અનુભવાય છે. સુરેશ જોષી અને કિશોર જાદવની નૂતન સંવેદનશીલતાએ ગુજરાતી ટૂંકી વાર્તાલેખનને નવી દિશા આપી. માનવ અસ્તિત્વનું નૂતન દર્શન જીવનની નવી ઓળખ બને છે. ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭)ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે તે પ્રમાણે ટૉમસ માનનું વિધાન ‘the real artist never talks about main thing આધુનિક સર્જકોનો કલામંત્ર બન્યો છે. વ્યંજના સિદ્ધિ માટેનો કલાપુરુષાર્થ. અવ્યાખ્યેય વાસ્તવ નિરૂપણ માટે સન્નિધિકરણની પ્રયુક્તિનો આ બંને વાર્તાકારોએ સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. વાસ્તવ વિશે ઝટ દઈને ચુકાદારૂપ કશુંક જીવનસત્ય વાચકને આપી દેવાના મતના તેઓ નથી. ભાવકચેતના વિશેષ સક્રિય બનીને તેમની ભાવયિત્રી વડે કૃતિનાં સહસર્જન વડે સઘન આકલન કરીને રસનિષ્પત્તિની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ અર્થબોધ કરે તેમાં જ બંને પ્રતિભાનું ગૌરવ છે. અહીં સંપાદનમાં પસંદ કરેલી વાર્તાઓનું સઘન વાચન કરવા માટે કિશોર જાદવની નૂતન કળાવિભાવના અને નવી ટૂંકી વાર્તાની વિભાવના અવશ્ય માર્ગદર્શક બની શકે. તેથી પ્રારંભે ટૂંકી વાર્તાના મુખ્ય ઘટક ઘટના તત્ત્વના નિરૂપણ વિશેની સુરેશ જોષીની વિભાવના નોંધીને કિશોર જાદવની નવી ટૂંકી વાર્તાની વિભાવનાનો પરિચય મેળવીશું.

GTVI Image 96 Ek Itarjannu Duhswapna.png

*

પશ્ચિમના સાહિત્ય જગતમાં ઍરિસ્ટૉટલ, કૉલરિજ, ટી.એસ. એલિયટ, પૉલ વાલેરી, બૉદલેર, રિલ્કે, સાર્ત્રની જેમ આપણાં પ્રમુખ સર્જકોએ સર્જનપ્રક્રિયા વિશે એટલે કે સાહિત્યલેખન પાછળના સક્રિય તત્ત્વો વિશે પાયાની વિચારણા કરી છે. સાહિત્યકૃતિનું સર્જન કેવી રીતે થાય છે તેને વર્ણવવા માટે નવી પારિભાષિક સંજ્ઞાઓનું નિર્માણ કર્યું છે. બ. ક. ઠાકોરનો ‘વિચાર પ્રધાનતા’નો વિભાવ, ઉમાશંકર જોશીએ ‘કવિની સાધના’ વિભાવ અંતર્ગત દર્શાવેલ ત્રણ સોપાનરૂપ પ્રક્રિયા, સુન્દરમનો ‘રૂપાંતર’નો વિભાવ, એ જ રીતે સુરેશ જોષીએ ટૂંકી વાર્તાના સર્જનપ્રક્રિયા વ્યાપારની ઓળખ માટે ‘ઘટનાતિરોધાન’ કે ‘’ઘટનાતત્ત્વનો હ્રાસ’નો વિભાવ રજૂ કર્યો છે. તેમનો પ્રસ્તુત વિભાવ ભારતીય રસમીમાંસા અને ફિનોમિનોલૉજીની દાર્શનિક પીઠિકા પર વિકસ્યો છે. સર્જકો વડે નિર્ધારિત થતી જેને એલિયટે નામ આપ્યું છે તે ‘Workshop criticism’ની પરંપરાએ ગુજરાતી સર્જનને હંમેશા ગતિશીલ અને સજીવ રાખ્યું છે. બ. ક. ઠાકોરનો કાવ્યાદર્શ અને સુરેશ જોષીનો કથાસાહિત્યાદર્શ અવશ્ય નિર્ણાયક બન્યો છે.

*

GTVI Image 97 Kishore Jadavni Vartao.png

‘ગૃહપ્રવેશ’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના ‘કિંચિત્‌’માં સુરેશ જોષીએ નોંધ્યું છેઃ ‘એક ઘટના બનતી હોય ત્યારે સ્થળ અને કાળના એક એક બિન્દુથી શરૂઆત થાય છે. શરૂઆત અમુક કક્ષાએ થઈ એમ નિશ્ચિતપણે કહી શકાતું નથી. એના થોડાક છેડા પાછળ મૂકી આવીએ છીએ, ને જ્યાં ઘટના પૂરી થઈ એમ માનીએ ત્યાંથી આગળ પણ તેના તંતુ લંબાતા હોય છે. ઘટનાનું આ એકમ આપણે જુદું પાડીને જોવા મથીએ છીએ ત્યારે એની આજુબાજુ રહેલા અનેક તન્તુઓનો આભાસ તો આપણને થાય જ છે. અમુક પ્રયોજનના સન્દર્ભમાં ઘટનાનો આકાર ઘડાય છે. આથી એ સંદર્ભને જે જે અનુપકારી તેનો પરિહાર કર્યો. તેનો સર્વથા લય થયો એમ તો માની શકાય નહીં જ. એ બધું આપણે આઘું ઠેલી દઈએ છીએ – તત્કાળ પૂરતું – એટલું જ. પણ એ ઘટના સાથેના એ અધ્યાસનો (association) પિણ્ડ બંધાતો જાય છે. આપણાથી અગોચરે, ને જ્યારે એ ઘટનાનું ફરી ઉદ્‌ભાવન કરવા જઈએ છીએ ત્યારે આ અગોચરમાંના અનેક અધ્યાસપિણ્ડ અને સંસ્કારની દ્રાવણની રાસાયણિક અસર એના પર થઈ ચૂકી હોય છે. આને પરિણામે જે નિષ્પન્ન થાય છે તે મૂળ ઉપાદાન રૂપ બનેલી સામગ્રીથી સાવ ભિન્ન પણ લાગે છે.’ ઘટનાની અસાધારણતાનો આધાર તેની કળાના પ્રયોજનને અનુસરીને થતી પુનઃરચના પર છે. વ્યવહાર જીવનમાં જે કારણે ઘટનાની અસાધારણતા પ્રગટે છે તે પ્રકારની ઘટનાની અસાધારણતા કળામાં સ્વીકાર્ય ન બને. ઘટનાના તિરોધાનના વિભાવને સ્પષ્ટ કરતાં સુરેશ જોષીએ ‘કથોપકથન’ (૧૯૬૯) પુસ્તકમાં અભ્યાસલેખો પ્રગટ કર્યા છે. વાસ્તવજીવનની ઘટના કળાની સામગ્રીરૂપ છે. સર્જકની સંવેદનશીલતા અને સર્જકપ્રતિભાના સંસ્પર્શે વાસ્તવજીવનની ઘટના નૂતન સ્વરૂપે આવિષ્કાર પામે છે. પ્રસ્તુત વિભાવને સ્પષ્ટ કરતું તેમનું દૃષ્ટિબિંદુ નીચે મુજબનું છે : ‘ઘટનાની એક વ્યવહારમાં બનેલા પ્રસંગ લેખેની જે વાસ્તવિકતાને આધારે જ એમાં સંભાવ્યતા અને પ્રતીતિકરતા આવે છે તથા વાર્તાને જે વજન પ્રાપ્ત થાય છે તેનાથી વાર્તાકારનું કામ નભતું નથી. આટલેથી જ જો એ અટકી જાય તો એની સામગ્રીનું રૂપાંતર થવું બાકી રહ્યું એમ જ કહેવાનું રહે. આથી ઘટના વિના વાર્તા ન સંભવે એ સાચું, પણ ઘટનાના બંધારણની કળાના પ્રયોજનને અનુસરીને પુનઃરચના થઈ હોવી જોઈએ. આ પુનઃરચનાને કારણે જ આ ઘટનામાં જીવનને બૃહત્‌ પરિપ્રેક્ષ્યમાં જોવાની ભૂમિકા ને એ માટેનું Focal Point આપણને પ્રાપ્ત થાય છે. ઘટનાની અસાધારણતા પ્રકટે છે એના આ પ્રકારના પુનર્વિધાનથી. વ્યવહારમાં એ જે રીતે અસામાન્ય લેખાતી હોય છે તેના જોરે નહીં’ (કથોપકથન) આધુનિક સર્જકનો કલામંત્ર જેમ વ્યંજનાસિદ્ધિ હતો તેમ કૃતિસર્જન વડે કલાના વાસ્તવનું સર્જન કરવાનો પણ હતો. કલાકૃતિ એ એક સ્વાયત્ત અને સ્વયં પર્યાપ્ત વિશ્વ છે જેનું મૂલ્યાંકન કરવા માટેના ઓજારો કૃતિમાંથી નિપજાવી લેવાનાં હોય છે. તેને કોઈ બાહ્ય સંદર્ભ વડે મૂલવવાની નથી. કળાકૃતિના સર્જનનો મુખ્ય હેતુ રસવિશ્વનું સર્જનનો છે. નિરપેક્ષ પરમાનંદની સૃષ્ટિનિર્માણનો છે. આ આધુનિક કલામીમાંસાનાં ગૃહીતને સુરેશ જોષીએ ‘કાવ્યચર્ચા’ (૧૯૭૧) પુસ્તકમાં પ્રકાશિત ‘રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ’ નિબંધમાં પ્રગટ કર્યું છે : ‘સૌથી પહેલી સમસ્યા તો એ કે કલા જેનું નિર્માણ કરે છે તેનો આપણી વાસ્તવિકતા જોડે શો સંબંધ છે? એક રીતે જોઈએ તો કલા વાસ્તવિકતાને એને એ રૂપે નથી રજૂ કરતી. કેટલીકવાર એ એનું વક્રીકરણ કરે છે, એનાં પ્રમાણને વ્યસ્ત કરી નાખે છે. એના ઘટક અંશોના ક્રમને પલટાવી નાખે છે, એના કેટલાક અંશોને સાવ ગાળી નાંખે છે તો કેટલાક અંશોને પ્રાધાન્ય આપે છે, સાથે સંકળાયેલી વસ્તુઓને છૂટી પાડીને એને બીજી જ વસ્તુઓ (જેની જોડે દૂરનો પણ સંબંધ હોવાની આપણને કલ્પના સરખી ન હોય!) જોડે સાંધી દે છે. સામાન્ય માણસ જેને સાચું કહે છે, વાસ્તવિક કહે છે તે કલાનું વાસ્તવિક રહેતું નથી. આમ છતાં આ વાસ્તવિકતાના પુનર્નિર્માણથી આપણને વસ્તુઓનાં અને અનુભૂતિઓના યાથાર્થ્યની ઉત્કટ પ્રતીતિ થાય છે, જેને સામાન્ય માણસ વાસ્તવિકતા કહે છે તે તો જાણે સાચી યથાર્થતાની ઢાંકતું આવરણ જ હતું એવું આપણને લાગે છે; કલાકાર વસ્તુની સાચી યથાર્થતાની ને આપણી વચ્ચેનાં વ્યવધાનોને દૂર કરતો હોય એવો આપણને અનુભવ થાય છે. વાસ્તવિકતાનું સાચું હાર્દ એનાં, કલાકારને હાથે થતાં આવા પુનર્નિર્માણથી જ પ્રકટ થતું હોય એવું આપણને લાગે છે. ...કલાકાર વ્યાવહારિક પ્રયોજન અને ઉપયોગિતા પરત્વે નિરાસક્ત રહીને જ પોતાની કૃતિમાં ઉત્કટ આસ્વાદ્યતા ઉપજાવી શકે છે. નિરાસક્તિ જ ઉત્કટ આનંદનું કારણ બની રહે છે. વૈયક્તિક રાગ દ્વેષની ભૂમિકાથી આપણને નિર્લિપ્ત રાખીને, અંગત ઊર્મિના આવેગોને ઉપરતિની કક્ષાએ પહોંચાડીને, તાટસ્થ્યપૂર્વકના તાદાત્મ્યથી, એ આપણા ચિત્તને કલાના વિશિષ્ટ પ્રકારના બ્રહ્માનન્દસહોદર આનંદને ભોગવવાની સ્થિતિમાં મૂકી આપે છે. આ વિગલિત વેદ્યાન્તરત્વની સ્થિતિમાં મનુષ્યને પોતાની શુદ્ધ સત્તાનો અનુભવ થાય છે. આવી નિર્વિકલ્પ નિદિધ્યાસનની અવસ્થા રસાનુભૂતિની પર્યાયવાચક બની રહે છે.’ સુરેશ જોષીની રૂપનિર્મિતિ અને રસાનુભૂતિની વિચારણા કિશોર જાદવની વાર્તાસૃષ્ટિમાં પ્રવેશ માટેની નક્કર ભૂમિકા બને છે. આ જ સંદર્ભમાં સુરેશ જોષીનો ‘કથોપકથન’માં પ્રકાશિત નિબંધનું ‘નવલિકાની રચનાઃ એક દૃષ્ટિ’ ખાસ વાચન કરવું. જેનાથી વાસ્તવ વિશેના પરંપરાગત ખ્યાલોનું નિરસન થશે.

GTVI Image 98 Kishore Jadavni Vartao (2).png

*

કિશોર જાદવ તેમના વાર્તાસંગ્રહોમાં મૂકેલાં અવતરણો, ‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા’ અને ‘કિમર્થમ્‌’ પુસ્તકમાં પ્રકાશિત અભ્યલેખો અને મુલાકાતો વડે તેમની નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા રજૂ કરે છે. પ્રસ્તુત સંપાદનના પરિશિષ્ટમાં મૂકેલો ઉમાશંકર જોશી સાથેનો વાર્તાલાપ સર્જનપ્રક્રિયા વિશે અને તેમની વાર્તાઓના સર્જન પાછળની ભૂમિકાઓને રજૂ કરે છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’માં Naum Gaboનું (નેમ ગેબો) અને જ્યાં પૉલ સાર્ત્રનું અવતરણ છે. નેમ ગેબોનું અવતરણ : If this art is to survive for any length of time at all, or if it is to grow into something at least equivalent in importance to coming ages as the old arts were for theirs, it can achieve this only if the artist of the future is capable of manifesting in this medium. A new image... which will in its whole organization, express the very spirit of what the contemporary mind is trying to create and which will become the accepted image of life in the universe. પ્રસ્તુત અવતરણનો સૂર આ પ્રમાણે છે :

GTVI Image 99 Kishore Jadavni Pratinidhi Vartao.pngGTVI Image 100 Kishore Jadavni Shreshth Vartao.png

સમયના કોઈ પણ ખંડમાં કે તેની અવધિમાં સમાવિષ્ટ થવા માટે અથવા તો આવનારા યુગો માટે યોગ્ય મહત્તા મેળવવી હોય તો કળાએ જે પ્રયત્નો કરવાના હોય તેમાં મુખ્ય છે માધ્યમમાં તેની અભિવ્યક્તિ. ભવિષ્યનો સર્જક માધ્યમ પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. એ માધ્યમ તે નવું કલ્પન, કે જે કલ્પન તેના સમગ્ર વ્યવસ્થાતંત્રમાં સમકાલીન મનુષ્યનું ચિત્ત જેનું સર્જન કરવા મથી રહ્યું છે તેના જેવું જ ચૈતન્ય વ્યક્ત કરે અને તે વિશ્વમાં જીવનનું એક સર્વસ્વીકૃત કલ્પન બનશે. સર્જકે સમકાલીન જીવનની સમગ્રતાને અભિવ્યક્તિ કરનાર કલ્પનનું નિર્માણ કરવું ઘટે. બીજું અવતરણ જ્યાં પૉલ સાર્ત્રનું છે : Each book is recovery of the totality of being... for this is quite the final goal of art, to recover this world by giving it to be seen as it is, but as if it had its source in human freedom. પ્રસ્તુત અવતરણનો સૂર આ પ્રમાણે છે : પ્રત્યેક પુસ્તક માનવ અસ્તિત્વની સમગ્રતાની પુનઃપ્રાપ્તિ રૂપ છે. કારણ કે કલાનું આ અંતિમ પ્રયોજન છે. જગત જેવું છે તેવું તેને તે રીતે જોતાં તેની પુનઃપ્રાપ્તિ કરવાની છે પણ તેના સ્રોત – આધારો માનવીય સ્વતંત્રતામાં છે. આ બંને અવતરણો કલાસર્જનના મૂળ પ્રયોજનનું સત્ય સૂચવે છે. આ વાર્તાસંગ્રહમાં ગુજરાતી ભાષાના ચાર વિવેચકોએ કિશોર જાદવની વાર્તાકલા વિશે પોતપોતાની ભૂમિકાએથી વર્ણન કર્યું છે. ગુલાબદાસ બ્રોકરે તેમને ‘નવીનોમાં નવીન’ કહ્યા છે. ચન્દ્રકાન્ત બક્ષીએ ‘માધ્યમ વાર્તા’ (ગદ્ય) છે, દર્શન અસંબદ્ધતા – ABSURDITY છે. ગુજરાતી સાહિત્યના એક બહુ ઓછા ખેડાયેલા, એક અત્યાધુનિક માધ્યમને એમણે આ વાર્તાઓમાં હિંમતથી બહેલાવ્યું છે’ નોંધીને વાર્તાસૃષ્ટિને પ્રમાણી છે. મહેશ દવે સાચી રીતે કિશોર જાદવની વાર્તાસૃષ્ટિનું વ્યાકરણ જાણીને વાચકને તેમાં પ્રવેશ કરવાની રીતનો સંકેત આપે છે : ‘વિ-નાયકનું વિનાયકમાં થતું રૂપાંતર નવલિકાનું Cosmos બની રહે છે. વાર્તાઓમાં આવતા episode ભાવકલ્પ બને છે, અને શબ્દો Steriophonic Soundની જેમ દ્રુત વિલંબિત ગતિથી વહે છે. વાર્તાઓનું Composition તપાસતાં વિદ્યમાન વ્યાખ્યાઓને દૃષ્ટિ સમક્ષ રાખવા કરતાં કલામાત્રના સમગ્ર વ્યાપને દૃષ્ટિ સમક્ષ રાખવો વિશિષ્ટ ઉચિત રહેશે.’ Indian writing Today (૪) માં ચુનીલાલ મડિયાએ કિશોર જાદવની વાર્તાઓને ‘Photographic naturalism to what is termed as dream realism’ તરીકે ઓળખાવી છે. તેમના બીજા વાર્તાસંગ્રહ ‘સૂર્યારોહણ’ (૧૯૭૨)માં એક પણ અવતરણ નથી. પોલાણનાં પંખી વાર્તાનો આસ્વાદ રાધેશ્યામ શર્માએ ‘અસ્તિત્વ હીનતાના પૂરમાં’ શીર્ષકથી અહીં પ્રગટ કર્યો છે : ‘વાર્તાકારનો શબ્દ, એમની ઉપમા વાપરીને કહીએ તો અહીં – ‘જાણે સરાણ પર ઘસરકા સાથે તીક્ષ્ણ ધાર કાઢતાં, બરછામાંથી વછૂટતી-ફૂટતી તણખાની ધાણી’ જેમ રચનાના અવકાશમાં ઊડે છે.’ તેમનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘છદ્મવેશ’ (૧૯૮૨) માં પાંચ અવતરણો અને ‘નવી ટૂંકી વાર્તા અને અન્ય કળામીમાંસા’ શીર્ષકનો દીર્ઘ નિબંધ છે. આ નિબંધ આધુનિક ટૂંકી વાર્તાનું વ્યાકરણ છે. તેમાં ખાસ કરીને તેમની વાર્તાઓનું કલામીમાંસાની ભૂમિકાએ વાચન કરવાની ભાવકને દૃષ્ટિ આપે છે. પાંચ અવતરણો : – I like to think of the world I created as being a kind of keystone in the universe; that Small as that keystone is, if it were ever taken away the universe itself would collapse – William Faulkner – Fiction is a Madething - a man made thing. It has its own beauties, its own structurers, its own delight. Its only goal to please us and to relate to our essential growth. I don’t see how we could live without it. It may be that the art of living is no more than to exercise the act of imagination in a more irrevocable way. It may be that to read a fiction is only to explore life’s possibilities in a special way. I think that fiction and living are entirely separate and that the one could not exist without the other. – John Hawkes – What we love in our books are the depths of many marvellous moments seen all at one time. – Tralfamadorian (Kurt Vonnegut, Jr.) – The artist uses his reason to discover an answering reason in everything he sees. For him, to be reasonable is to find, in the object, in the situation, in the sequence, the spirit which makes it itself. This is not an easy or simple thing to do. It is to intrude upon the timeless, and that is only done by the violence of a single minded respect for the truth. – Flannery O’Connor – The Short story is a ‘dream verbalised, ‘a manifestation of desire. Its most interesting aspect is its ‘mystery’. – Joyce carol Oates ઉપરોક્ત પાંચ અવતરણોમાં, ખાસ કરીને John Hawkers અને Joyuce carol oates ફિક્શનનું મહત્ત્વ સ્થાપિત કરે છે. Fiction અને જીવનને જુદાં પાડવાં શક્ય નથી. ટૂંકી વાર્તા એ એક શાબ્દિક સ્વપ્ન છે, વૃત્તિનું-ઇચ્છાનું પ્રગટીકરણ છે. તેની રહસ્યમયતા-ગુપ્તતા એ જ તેની મહત્તા છે. તેમના ‘નવી ટૂંકી વાર્તા અને અન્ય કળામીમાંસા’ નિબંધની વિગતે ચર્ચા તેમની વાર્તાવિભાવના સંદર્ભે છે. આધુનિક ટૂંકી વાર્તાની સ્વરૂપકેન્દ્રી વિચારણા અંતર્ગત સર્વે મુદ્દાઓની તેમાં સઘન ચર્ચા છે. ટૂંકી વાર્તાના સર્જનમાં થયેલાં મહત્ત્વપૂર્ણ સ્થિત્યંતરોમાં તેની વિષયસામગ્રી, સંવિધાનરીતિ અને આકૃતિગત નિયમનમાં થયેલાં પરિવર્તનો મુખ્ય છે. આ ત્રણેય મુદ્દાઓની ચર્ચા આધુનિક ટૂંકી વાર્તાના આંતરબાહ્ય ક્લેવરનો પરિચય આપે છે.

*

‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા’ (પ્ર. આ. ૧૯૮૬) ગ્રંથમાં તેમણે નવી ટૂંકી વાર્તા વિશે ચાર નિબંધો આપ્યા છે. બે નિબંધો નવી ટૂંકી વાર્તાના વિવેચન વિશે છે. બે નિબંધ સાહિત્યમાં દુર્બોધતા વિશે છે. અને એક નિબંધમાં બનૉર્ડ માલામૂડની ‘ધ ફર્સ્ટ સેવન ઈયર્સ’ વાર્તાનો આસ્વાદ છે. આ બધા નિબંધો તેમની નવી ટૂંકી વાર્તાની કળાવિભાવના સૂચવે છે. આ પુસ્તકમાં મૂકેલું વોલેસ સ્ટીવેન્સ અને નિત્શેનું અવતરણ કળાસર્જનની અપૂર્વ પ્રભાવકતાને વર્ણવે છે. જે આપણને સભાન બનાવે છે તે આપણને કાયમ ઘાયલ કરે છે - પીડા આપે છે તે વાત નિત્શેની આધુનિક કળાકૃતિ સંદર્ભે પણ ખરી છે. He who wakes us always wounds us – Nietzsche. કિશોર જાદવની નવી ટૂંકી વાર્તાની વિભાવનાને અહીં સંક્ષેપમાં વિધાન સ્વરૂપમાં રજૂ કરી છે. – ટૂંકી વાર્તાની રજૂઆતની રચનારીતિ પ્રતીકવાદને મળતી આવે છે, કારણ કે ટૂંકી વાર્તા ભલે એક જ પરિસ્થિતિને આલેખતી હોય પણ તેની અંતઃસંરચનાના બળથી વૈશ્વિક સમસ્યાઓ પર આલોચનાત્મક દૃષ્ટિક્ષેપ કરવા સમર્થ છે. – વાર્તાકારનું લક્ષ્ય હોય છે એક એવી ‘પૃથક્‌ ક્ષણ કે જેના બિંદુએથી માનવજીવનના ગુણ વિશેષનું તે સમ્પ્રેષણ કરી શકે. આ એક ‘પૃથક્‌ ક્ષણ’નું સત્ય.’ તેથી સમુચ્યબોધ એ ટૂંકી વાર્તાનો નિરૂપણ-વિષય નથી. – આજની ટૂંકી વાર્તાના સ્વરૂપમાં જે મૂળગત પરિવર્તનો કે સ્થિત્યંતરો આવ્યાં છે તેનું કારણ બદલાયેલો માનવસંદર્ભ છે. એ બદલાયેલા માનવસંદર્ભોનું સ્વરૂપ આ પ્રકારનું છે : આધુનિક યંત્રયુગે માનવજીવનનાં આંતરબાહ્ય ક્લેવરો જાણે કે છેદીભેદી નાખ્યાં છે. સામાજિક વિચ્છિન્નતા, વ્યક્તિનું ભાવાત્મક પરાયાપણું (emotional alienation), તેનું આત્મ કેન્દ્રિત માનસ, આંતરવિરોધી મૂલ્યોની અરાજકતા-હ્રસ્વતા, નૈતિક વૈફલ્ય અને અધ્યાત્મ ક્ષયિષ્ણુતા, એ સર્વ કાંઈએ માનવીની દૈનંદિનીય પ્રવૃત્તિઓને હાડેહાડમાંથી ગ્રસી લીધી છે. – ભાવાત્મક અનુભવને તેની આત્યંતિક કોટિએ ટૂંકી વાર્તા આલેખતી હોઈ, એક પ્રકારનો intense emotional spectrum (તીવ્ર લાગણીમય વિભાજિત પટનું આલેખન. અહીં spectrum - ત્રિપાર્શ્વ કાચનું કલ્પન માનવીય લાગણીઓનું વિભાજિત બહુરંગીપણું સ્વરૂપ સૂચવે છે), તે જ તેના સ્વરૂપનું જીવન-જીવાતુભૂત તત્ત્વ બની રહે છે. પણ તેનો સમગ્ર સર્જનવ્યાપાર વિશિષ્ટ ભાવકને અંતઃ ચાક્ષુસ-ભાવગત થાય એવું વાર્તાકૃતિનું આકૃતિવિધાન થયું ન હોય તો તેને કશું કળામૂલ્ય પ્રાપ્ત થતું નથી. – પણ પૂર્વનિર્ણીત એવી ‘અનન્ય યા એકીભૂત અસર’ ઉપજાવવા, ‘આદિ-મધ્ય-અંત’વાળી, કાર્યકારણની દૃઢ પ્રતીતિ કરાવે એવી ફૉર્મ્યુલાથી રચનાનું નિયમન કરવાનો આગ્રહ રાખીએ ત્યારે કેવું ‘યાંત્રિક એકત્વ’ પ્રાપ્ત થાય તેનાં ઉદાહરણો વાર્તાસાહિત્યમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવશે. (કિશોર જાદવ પરંપરાગત વાર્તાવિભાવનાની મર્યાદાઓ દર્શાવે છે.) વળી જીવનલય ન્યાયબદ્ધ તર્ક (syllogism) ને અનુવર્તતો નથી કે ન તો બૌદ્ધિક ચોકઠામાં ગોઠવાઈ જતો. આપણા દૃશ્યમાન જગતની નરી હકીકતો પરથી તારવેલાં બુદ્ધિગ્રાહ્ય સત્યોનું કશું શ્રદ્ધેય મૂલ્ય નથી. જેનું કંઈ અદ્વિતીય મૂલ્ય હોય તો તે છે આપણું ભાવવિશ્વ – મનુષ્યની અંતઃચેતના. તેથી રૂઢ વસ્તુસંકલનાની કૃત્રિમ આડ અને બૌદ્ધિક કરામતોનું આજની વાર્તામાં સ્થાન નથી. કિશોર જાદવે નવી ટૂંકી વાર્તાનું ક્રિયાતંત્ર, તેની આકૃતિનું નિયમન કરનારાં ઘટકતત્ત્વો, વાર્તાની નૂતન સંરચના વિશે જે ચર્ચા કરી છે તે ખૂબ જ સૂક્ષ્મ સ્તરની અને આધુનિક કળામીમાંસાનાં ગૃહીતોને વરેલી છે તેને સારરૂપે મૂકી છેઃ આધુનિક વાર્તામાં વાર્તાકાર રૂઢ કથાનકને નાબૂદ કરવા મથે છે. તેથી વાચકો ફરિયાદ કરે છે કે વાર્તામાં કશું બનતું નથી. પરંતુ આધુનિક વાર્તાકાર બાહ્ય ઘટનાને સ્થાને આંતરિક ચિત્રાંકનને, પાત્રનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ મનોવ્યાપાર, લાગણી, સંવેદના, વિચારસ્પંદન કે ભાવમુદ્રાની રચનાત્મક ભાત રચતો હોય છે. આધુનિક વાર્તામાં ક્રિયા અતિસૂક્ષ્મ અને અલ્પતમ. એથી જ એ ક્રિયાનું સંચાલન કરનાર ક્રિયાતંત્ર પણ નાનું જ હોવાનું. વાર્તામાં પાત્ર, સંવેદના, વિચારસ્પંદનની ગતિવિધિઓનું સંચાલન કરનાર ક્રિયાતંત્ર વિશિષ્ટ, નૈતિક અને ભાવોચ્છ્‌વાસની પરંપરાઓનું એક એવું વિશ્વ સર્જતું હોય છે જે કૃતિની સંરચના રૂપે તેની ‘અન્વિતિ’નું નિયામક બની રહે છે. આ ક્રિયાતંત્ર મોટા ભાગની કૃતિઓમાં, અધ્યાહ્યત એવી બૃહદ્‌ પરિસ્થિતિના એક ભાગરૂપ બની રહેતું હોવાથી તેની પ્રકૃતિ ઉપલક્ષણા (synechdochic) તરીકેની વર્ણવી શકાય. – કૃતિને open ended રાખવા ઉપરાંત, તેની સંરચનામાં થતા ઘટકલોપ - Ruptures (ઘટનાલોપ નહિ) વિશે સ્પષ્ટતા જરૂરી છે. ‘સમગ્ર ક્રિયા’ના કેટલાંક ઘટકોને અધ્યાહાર રાખી, ભાવકના અનુમાન પર તે છોડી દેવાતાં હોય છે. તેનો હેતુ કૃતિનું લાઘવ અને તેની તાદૃશતા સિદ્ધ કરવાનો. ઘટકલોપ યા પાત્રપ્રસંગનાં વિકૃતિકરણની અનિવાર્યતા રચનાની અંતઃસૂત્રતામાંથી જ ઊપજે. સર્જનાત્મક અનિવાર્યતા વિનાનો સર્જકશ્રમ કશી કળા મહત્તા પામતો નથી. જાણીબૂજીને મહત્ત્વપૂર્ણ અંકોડાઓ-કડીઓ કાઢી લેવાથી વાર્તામાં અધુનાનું- નાવીન્યનું તત્ત્વ ઉમેરાય એવો ખોટો મત પ્રવર્તે છે. આજનો વાર્તાકાર માત્ર Key piece of a mosaic આપતો હોવાનું અને રચનાના ખૂટતા અંશો, દૃષ્ટ અદૃષ્ટ રેખાઓનો અનુબંધ જોડીને વાચકે તેની સંપૂર્ણ ભાત ઉપસાવવાની હોય છે. આધુનિક ટૂંકી વાર્તાની વિશિષ્ટ સંરચનાને કારણે ભાવક ચેતનાની વિશિષ્ટ જાતસંડોવણી અનિવાર્ય બની છે. પરંપરાગત વાર્તાકારની જેમ આધુનિક વાર્તાકાર બધું તૈયાર આપતો નથી. પરંપરાગત વાર્તાકાર પોતે જ કૃતિને નિશ્ચિત અર્થના ચોકઠામાં બાંધી લઈને ભાવકને જરા પણ શ્રમ ન પડે તેમ બધું સરળ કરી આપતો હતો. પરંતુ આધુનિક કૃતિનું ‘અન્વિતિરૂપ’ ભાવકચિત્તમાં ત્યારે જ ઉત્ક્રાંત થાય જ્યારે ભાવક પોતે સંપૂર્ણપણે સક્રિય બની તેના ભાવનવ્યાપારમાં, તમામ ક્રિયા-પ્રક્રિયાઓમાં સંડોવાઈને કૃતિના આંતરબાહ્ય વિશ્વનું સર્વાશ્લેષી આકલન કરી શકે. માત્ર તર્કબુદ્ધિથી જ નહિ બલ્કે તેના અંતઃ ચેતનાના બળે, કળાકૃતિના સર્વ રહસ્યઇંગિતો પ્રતિ પ્રતિક્રિયાશીલ બની ભાવકે તેનો કલામર્મ પામવાનો. આધુનિક ટૂંકી વાર્તામાં પરંપરાગત સંરચનાનું પુનઃવિધાન થવાની પ્રક્રિયાને કિશોર જાદવે વિગતે વર્ણવી છે. વાચકને દુર્બોધતાનો જે અનુભવ થાય છે તે આ એની સંરચનાને ન સમજવાને કારણે થાય છે. – ક્રિયાની અલ્પમાત્રા અને અન્વેષણાત્મક કથનરીતિ (એટલે કે જેમાં ભાવકની ભાવન પ્રતિભા અર્થની શોધ માટે પ્રવૃત્ત થાય)ને કારણે વાર્તાની સંરચના જ બદલાઈ ચૂકી છે. ચિદોન્માદ, તંદ્રા અને સ્વપ્ન જેવાં અતાર્કિક તત્ત્વોના વિનિયોગથી કૃતિમાં એક પ્રકારની અતંત્રતા અને વિશૃંખલતાનું વર્ચસ્‌ પ્રર્વતતું લાગે. વળી સમવિષમ, પરસ્પર વિરોધી લાગણી તત્ત્વોનાં સંયોજનોથી તેમની વચ્ચેની વ્યાવર્તક રેખા જ વાર્તાકાર ભૂંસી નાંખતો વરતાય. – વાર્તાને અંતે આવતા રહસ્યોદ્‌ઘાટન (epiphany) ના બદલે અહીં તો પ્રત્યેક ક્ષણ પ્રકટીકરણની પરંપરા, વિસ્મય અને પ્રતીકાત્મક પરિમાણ ધારણ કરતી હોય છે. વાગ્યુક્તિઓ, heightened metaphorical - language, તિર્યકતા, કલ્પન અને પ્રતીક યોજનાથી વાર્તાકૃતિ કાવ્યના non - linear spatial form (અ-રૈખિક અવકાશીય રૂપ)ની લગોલગ આવી જાય છે. કથ્યવૃત્તાંતની વિચ્છિન્નતા, પ્રસંગની આનુપૂર્વીનું વક્રીકરણ અને ‘કથનકેન્દ્રના છલપ્રયોગ’ (manipulation of point of view)થી વાર્તામાં માત્ર છુટીછવાયી ખંડિત છાપ શ્રેણીઓ, સર્જાતી જણાય તે ઉપરછલ્લી દૃષ્ટિએ અનુભૂતિનો પુદ્‌ગલ બંધાતો ન લાગે. કિશોર જાદવે આધુનિક વાર્તાની સંરચનાની ચર્ચા સાથે આકૃતિ, વાસ્તવિકતા વિશે નવા ખ્યાલો રજૂ કર્યાં છે. – સાહિત્યકૃતિની કોઈ એક આદર્શ ‘આકૃતિ’ હોઈ શકે નહિ. સર્જનની ક્ષણે, પ્રત્યેક કૃતિ તેનું આગવું સંચાલક બળ નિપજાવી લે છે. તેની ઉપાદાન સામગ્રીથી નિરપેક્ષ એવી તે પૂર્વપ્રાપ્ત પ્રમેયશક્તિ નથી કે જેનાથી તેનું નિગરણ સાધીને કળાકૃતિ રૂપે રૂપાંતર) કરી શકાય. કેવા પ્રકારની ‘પ્રક્રિયા’ (આકૃતિ)માંથી સામગ્રી પસાર થાય તેનો સંકેત સામગ્રી જ આપે. એ જ રીતે ‘પ્રક્રિયા’ (આકૃતિ) પણ મૂળની સામગ્રીનો રૂપાંતરકારી સંકેત પ્રગટ કરે. આમ પરસ્પર સંકેતોની પરંપરાઓના આધારે કૃતિનાં ઘટકોની સર્જાતી અભિવ્યંજનાત્મક ‘અન્વિતિ’ તે આકૃતિ. – સાહિત્યકૃતિ જીવનની પ્રતિકૃતિ હોઈ શકે નહિ. આપણાં વ્યવહારજગતની વાસ્તવિકતા તે તો આપણી ભ્રાંતિઓનું જ પરિચાલન માત્ર છે. તેનું યથાતથ પ્રતિનિધાન કરવામાં કળાની સાર્થકતા લેખવી શકાય નહિ. કળાકૃતિ તે તો આપણા વિશ્વજીવનના ‘કલ્પનોત્થ રૂપાંતર’ની નીપજ છે. આવી કૃતિ જીવનના પ્રતિરૂપને નહિ પણ તેને ઝીલવાની, આવિષ્કાર અર્પવા મથતી ‘પ્રક્રિયા’ને પ્રસ્તુત કરે છે. – ‘સ્વપ્ન’ના પૃથક્‌કર્તાની જેમ સર્જક તેના કળાસર્જન-વ્યાપારમાં એવી શોધ-પ્રક્રિયા સિદ્ધ કરતો હોય છે જે નિર્જ્ઞાત સ્તરની ચૈતસિક પરિસ્થિતિઓનાં, તેમનાં આદિમરૂપોનાં ઇંગિતો પ્રકટ કરતી હોય. પરંપરાવાદીઓ તેને કદાચ બાહ્ય વાસ્તવિકતાનો નકશો નહિ આપતી માત્ર intracranium ( ) પ્રવૃત્તિ જ ગણીને તેની ઉવેખના કરતા ફરે, એમ બને ખરું. સર્જકની કળાસૃષ્ટિ આમ સર્વપરિચિત અને સર્વસંમત બાહ્ય વાસ્તવથી વ્યતિરિક્ત એવી સ્વપ્ન ફેન્ટસીની સૃષ્ટિ બની જતી લાગે. – આધુનિક કળાસર્જન વિશે આપણે ત્યાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે તે તો ‘માત્ર કઠોર તર્કબુદ્ધિનો જ વ્યાપાર છે. તેમાં સહજસ્ફુરણને કશું સ્થાન નથી’ ખરેખર તો સર્જન માત્ર એક એવી અવિભાજ્ય પ્રક્રિયા છે જે તાર્કિક - અતાર્કિક (rational-irrational) બન્ને તત્ત્વોને તેના આશ્લેષમાં લઈને એક જ રચનામાં અભિવ્યક્તિ અર્પે છે. સર્જન માત્રનો આ જ મૂળભૂત ગુણવિશેષ.

*

ગુજરાતી સાહિત્યવિવેચનમાં, કિશોર જાદવનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ પ્રગટ થયો ત્યારથી તેમની વાર્તાઓ દુર્બોધ છે એટલે કે તેનો અર્થ કરવામાં વાચકને મુશ્કેલી પડે છે – આવી ફરિયાદો જોડાયેલી રહી છે. ગુલાબદાસ બ્રોકરે વાર્તાઓને અટપટી અને અસ્પષ્ટ ગણાવેલી. એ પછી અવારનવાર કોઈને કોઈ નિમિત્તે તેમની વાર્તાઓ પર દુર્બોધતાની મહોર વાગતી રહી છે એટલું જ નહિ, પણ તેમને આપણા એક દુર્બોધ વાર્તાકાર ઠેરવીને કાયમ માટે હાંસિયામાં મૂકી દેવાના પ્રયત્નો થતા રહે છે. પશ્ચિમના વાર્તાકારોમાં જેમ્સ જોયસ, કાફકા, બોર્હેસ અને ડોનાલ્ડ બાર્થેલ્મની વાર્તાઓને આપણે એકી બેઠકે સુવાચ્યપણે ઉકેલી શકતા નથી તો એનો અર્થ એવો થોડો થાય કે તે દુર્બોધ વાર્તાકાર છે માટે સાહિત્યિક નથી. કોઈ પણ લેખકની કૃતિને દુર્બોધ ગણાવનાર વાચક કે વિવેચકે સૌ પ્રથમ પોતાની સાહિત્ય ભાવનાનાં ગૃહીતો સ્પષ્ટ કરવાં જોઈએ જેથી તેમની ભાવયિત્રીના પરિમાણનો ખ્યાલ આવી શકે. વાચક-વિવેચકની ભાવનદૃષ્ટિ કયા પ્રકારની સાહિત્યકૃતિઓના પરિશીલનથી ઘડાઈ છે તે પણ જાણવું જરૂરી છે. વાચક-વિવેચકની જીવનભાવના પણ જાણવી જરૂરી છે. ભાવકે જો ક્યારેય પણ અર્થવ્યક્તિમાં પડકાર ઊભો કરે તેવી કૃતિ ન વાંચી હોય તો સંભવ છે કે તેવી પડકારરૂપ કૃતિ તરફનો પ્રતિભાવ દુર્બોધ ગણાવી શકે પણ ત્યારે ગંભીર ભાવકે દુર્બોધની પ્રતીતિનાં મૂળ તપાસવાં ઘટે. એ ક્યાં છે પોતામાં? કે કૃતિમાં? એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? એવી જો તત્પરતા દર્શાવવામાં આવે તો પરિસ્થિતિને બદલી શકાય ખરી. પણ ઘણીવાર સ્વસ્થાપનાના વ્યામોહમાં તેમજ પોતાના મનપસંદ કાવ્યશાસ્ત્રનાં ગૃહીતોની સ્થાપનાના મોહમાં દુર્બોધતાની મહોર લગાવીને તે કૃતિને – સર્જકને હદ પાર કરવામાં આવે છે. આ પરિસ્થિતિ વિશે કિશોર જાદવે ‘સાહિત્યમાં દુર્બોધતા અને તેના વિવેચન વિશે’ નિબંધમાં નોંધપાત્ર વિચારણા સમભાવપૂર્વક કરી છે : ‘આ ‘દુર્બોધતા’ તે કશુંક વિધાતક, કૃતિનો કલાકૃતિ તરીકે સમૂળગો ઉચ્છેદ કરનારું તત્ત્વ હોય એમ ધારી લઈને, કેટલીક ગણનાપાત્ર એવી આપણી સાહિત્યકૃતિઓને દુર્બોધતાને નામે અનાસ્વાદ્યકર અને તેથી અસાહિત્યિક અને ત્યાજ્ય લેખી છે. ક્યારેક તો કર્ણોપકર્ણ સાંભળીને, પૂર્વગ્રહથી પ્રેરાઈને જ એવી કહેવાતી દુર્બોધ કૃતિઓનું વાચન સુધ્ધાં વર્જ્ય ગણ્યું છે. તાત્પર્ય એટલું કે આપણું સાહિત્યવાંચન અત્યંત પરિસીમિત પૂર્વગ્રહો-પીડિત અને બહુ લઘુક રહ્યું છે. કલાની પરિચાયક એવી વિશ્વની પ્રશિષ્ટ કૃતિઓનું નિદિધ્યાસન, કલાનાં અદ્યતન વહેણો-વલણો અને જ્ઞાનની અન્ય શાખાઓ સાથેનો સતત સંપર્ક, એ સર્વ પ્રવૃત્તિઓને આપણે બિનજરૂરી-અનાવશ્યક સમજી લીધી છે.’ કિશોર જાદવ જેરોમ ક્લીન્કોવીટ્‌ઝના વિધાનને નોંધીને સાહિત્યકૃતિઓના વાંચનને એક learning process તરીકે સ્વીકારવા પર ભાર મૂકે છે : ‘The innovators must teach their audience how to read their works’. આપણે ત્યાં તો વિવેચેન અન્વેષણાત્મક સર્જનને સાંખી જ શકતું નથી.

કુર્ત વોન્નેગત જુનિ. એ tralfamodorion પ્રકારના વિવેચકની સર્જનનું વાચન કરવાની રીતની મર્યાદા દર્શાવતાં નોંધ્યું છે તેમાં કૃતિ દુર્બોધ લાગવાની પ્રક્રિયાનું મૂળ વાંચી શકાશે : ‘Each clump of symbols is a brief, urgent message descriing a situation, a scene, we Tralfamodorion read them all at once, not one after the other. There is not any Particular relationship between all the messages, except that the author has chosen them carefully so that when seen all at once, they produce an image of life that is beautiful surprising and deep... (Slaughter House Five).’ આવી પરિણામકારી કલાપ્રવૃત્તિમાં ક્યારેક કૉલાજ પદ્ધતિનો વિનિયોગ પ્રાધાન્ય ભોગવતો જણાય. – મારા પોતાના વિશે, મારી આસપાસના જગત વિશે વિચારવાનું મારું દૃષ્ટિબિંદુ જ બદલાયું હોય, માણસને ઘણાં બધાં ‘પ્રાતિભાસિકોમાંના એક પ્રાતિભાસિક’ તરીકે વિચારવાની પરિસ્થિતિ સર્જાય, મને અને મારા આ વિશ્વને જાણવાની મારી epistemological અભિનવ પ્રક્રિયાનું નવેસરથી કલામાં રૂપાંતર કરવા હું ઉદ્યુુક્ત થાઉં, ત્યારે મારા એ સર્વ ઉદ્યમને સાહિત્યકૃતિમાં એકસૂત્રી ચિંતનકણિકારૂપે, એક માત્ર સીધીસટ ઉક્તિરૂપે રજૂ કરવાનો મારો ઉપક્રમ એક સર્જક તરીકે ન જ હોય. ને એમ નથી બનતું ત્યારે તે કલાકૃતિનો સરળતાથી મૂલ્યબોધ પામવાનું, તેના વિશ્વને આત્મસાત્‌ કરવાનું કાર્ય દુષ્કર બની જાય છે.’ કૃતિને દુર્બોધ ગણનાર વાચક-વિવેચકની ભૂમિકાએથી વિચારીએ તો ક્યારેક સર્જકના કૃતિસમૂહમાંથી કેટલીક કૃતિ દુર્બોધ લાગે તો કેટલીક કૃત્રિમ કે અકસ્માતોથી ભરપૂર હોય શકે તેની ના પાડી શકાશે નહિ પણ તેને આધારે ઉતાવળે ચુકાદો આપતા વાચક-વિવેચક સર્જકને જ દુર્બોધ ગણી લે તેવું વલણ ક્યારેય સાંખી શકાય નહિ. એ સર્જકચેતના પરનું આરોપનામું છે.

*

કિશોર જાદવની વાર્તાસૃષ્ટિને પામવા માટેની ઉપરોક્ત ભૂમિકા વાર્તાવિશ્વમાં પ્રવેશ માટેનું એક ચાવીરૂપ કથનકેન્દ્ર બની રહે તેવી આશા છે.

*

પ્રસ્તુત વાર્તાસંપાદનમાં અઢાર વાર્તાઓને પસંદ કરી છે. નિવેદનમાં નોંધ્યું છે તે મુજબ વાર્તાનો અનુક્રમ વાર્તાકારના વાર્તાસંગ્રહના પ્રકાશન વર્ષને અનુસરતો નથી. પરંતુ વાર્તાકારે આપેલી મુલાકાતોમાં થયેલા ઉલ્લેખો પ્રમાણે તેમની આરંભકાળની વાર્તાઓ ભલે બીજા ક્રમના વાર્તાસંગ્રહમાં પ્રકાશિત થઈ હોય પણ તેમની સર્જકતાના ઉન્મેષોની ઉત્તરોત્તર ગતિશીલતા દર્શાવવા માટે વિશિષ્ટ અનુક્રમ રચ્યો છે. આ અઢાર વાર્તાઓની વિષયસામગ્રી અને સંવિધાન એક સરખાં નથી. તે પરસ્પરથી જુદાં છે. આ બધી વાર્તાઓને વિષયસામગ્રી અને સંવિધાનની દૃષ્ટિએ અભ્યાસની સરળતા માટે ચાર તબક્કામાં વિભાજિત કરી છે. આ વિભાજન વાર્તાકારની વિષયસામગ્રી અને વાર્તાલેખનરીતિમાં આવતાં પરિવર્તનોને ઓળખવા માટે કર્યું છે. પણ તેનો અર્થ એવો નથી કે પ્રત્યેક તબક્કાની વાર્તાઓ તદ્દન સ્વાયત્ત છે. તેમની વચ્ચે એક આંતરિક અનુબંધ તો છે જ પરંતુ વાર્તાકારની સંવેદનશીલતાના પરિમાણમાં થતા સૂક્ષ્મ બદલાવોને કારણે વાર્તાનું વિશ્વ સ્થિત્યંતર દર્શાવે છે. બદલાતા રહેતા માનવસંદર્ભને ગ્રહણ કરવાની વાર્તાકારની દૃષ્ટિમાં આવતા બદલાવને કારણે પણ કૃતિ સ્વરૂપગત ભિન્નતા ધારણ કરે છે. વાર્તાકારની પ્રથમ તબક્કાની વાર્તાઓમાં ‘કાલ્પી’ અને ‘સ્મૃતિવલય’ વાર્તાઓમાં કૌટુંબિક પરિવેશની સમસ્યાઓનું નિરૂપણ છે. બાળમાનસની સંવેદનશીલતાને સમભાવની દૃષ્ટિથી અનુભવવાને બદલે જડતા અને આપખુદશાહીથી તેની લાગણીઓને દાબી દેવામાં આવે છે તેનું દમનકારી ચિત્ર ‘કાલ્પી’ વાર્તામાં છે. ‘સ્મૃતિવલય’માં વિવાહિત સંબંધોના અસંતોષથી પીડાતા સ્ત્રીપુરુષની અનિશ્ચિત મનોદશાનું નિરૂપણ છે. ‘પિશાચિની’માં કામવૃત્તિવિવશ યુવાનની રુગ્ણતાને ઉદાર દૃષ્ટિથી રજૂ કરવામાં આવી છે. ‘કાગકન્યા’ પ્રણય નિષ્ફળ યુવતીનાં મનોસંચલનોને વર્ણવે છે. વિરહદગ્ધ અને પ્રિયતમથી વિચ્છેદાયેલી નાયિકા જે પીડાને સહન કરે છે તેને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરી છે. નાયિકાની ચિત્ત સ્થિતિથી તદ્દન વિપરિત વાસ્તવ તેને વધુ ખોતરે છે. ‘નસકોરી’માં નારી મનની ભાવશબલ અવસ્થાનું સન્નિધિકરણની પ્રયુક્તિ વડે નિરૂપણ કર્યું છે. એક તરફ આકર્ષણ છે બીજી બાજુ તે જાણે તેમની વિવશતા છે એવી પરસ્પરથી વિરુદ્ધની ભાવાવસ્થાનું આલેખન છે. પ્રારંભમાં નોંધ્યું તે મુજબ કિશોર જાદવ આધુનિકતાવાદી આબોહવામાં ઉછરેલા અને વિકસેલા સર્જક-વિવેચક છે. તેમની વાર્તાઓ વિષયવસ્તુ અને નિરૂપણરીતિની દૃષ્ટિએ આધુનિકોમાં પણ વિશિષ્ટ અને મૌલિક છે. તેમના પ્રત્યેક વાર્તાસંગ્રહની વાર્તાઓ પણ વિષયસામગ્રી, ભાષા, નિરૂપણરીતિની દૃષ્ટિએ ભિન્નતા ધરાવે છે. અને તેમાં પણ તેમની ચાર અગ્રન્થસ્થ વાર્તાઓ તેમની અગાઉની વાર્તાઓ કરતાં સાવ જ અલગ છે. આ વાર્તાઓ પરિવેશ, વસ્તુસંકલન પદ્ધતિ અને ભાષાની ભૂમિકાએ એક વિશિષ્ટ સ્થિત્યંતર છે. આનો અર્થ એ કે તેમની વાર્તાસૃષ્ટિ વાર્તાસ્વરૂપની દૃષ્ટિએ સ્થિત્યંતરમૂલક રહી છે. વાર્તાકાર પૂર્ણ સભાનતા સાથે સતત પોતાની આસપાસના બદલાતા જતા માનવસંદર્ભની છબિની સર્જકતાની ભૂમિકાએ સંરચના કરી છે. એ સંરચના વાર્તાકારની વિશિષ્ટ નિરૂપણરીતિ વડે સિદ્ધ થઈ છે. વાર્તાકારે બીજા તબક્કાની વાર્તાઓમાં માનવ અસ્તિત્વની નિરર્થકતા અને સંક્રમણશૂન્યતાની સંવેદનાને લાઘવભરી શૈલી વડે આકાર આપ્યો છે. જગત તેમજ સ્વવિચ્છેદથી વ્યથિત પાત્રચેતના અસ્થિરતા અને શૂન્યતાનો અનુભવ કરે છે. જગત બંધ નળાકાર પદાર્થ કે ભુલભુલામણી છે જેમાં ક્ષણે ક્ષણે બંધિયારપણું અને અગતિકતાની તીવ્ર પ્રતીતિ છે. કોઈ મહા દુઃસ્વપ્નના પડછાયાગ્રસ્ત પરિવેશમાં મનોદાબ અને અજ્ઞાત સત્તાની તીવ્ર ભીંસ અનુભવતાં પાત્રો રિબાયા કરે છે. મૃદુ મુલાયમ સંગતિપૂર્ણ સંવાદના વિશ્વથી હદ પાર થયેલ પાત્ર વર્તમાનની પ્રત્યેક ક્ષણે સમૃદ્ધ જીવનની સ્મૃતિને ભૂલી શકતું નથી. વિચ્છેદની એ આઘાતક પળથી તેની ચેતના આરપાર વીંધાઈને જીર્ણ બની ગઈ છે. કોઈ મનોવાંછિત સુખદ જીવનકલ્પનાથી થયેલો વિચ્છેદ તે જીરવી શક્યું નથી. તેને મૂળથી ઉખેડીને બીજા અજાણ્યા પ્રદેશમાં ઉગાડવાના ક્રૂર પ્રયત્નોથી તે વ્યથિત છે. તેની ચેતના દુઃસ્વપ્નગ્રસ્ત છે. તેની પ્રત્યેક ક્ષણ ભૂત-ભાવિના પ્રહારથી અગતિક છે. સમયની ભૌતિક ગતિનો અનુભવ જ નથી. સમય અને અવકાશનાં પરિમાણો તદ્દન બદલાઈ ગયાં છે. સતત સમયરહિતતાની અનુભૂતિ આદિમ કાળ સાથેનો અનુબંધ વ્યક્ત કરે છે. પરંપરાગત વાર્તાનાં વાક્યો ક્રમિકતા અને તાર્કિકતાનો બોધ કરાવે છે તેની અહીં સંભાવના જ નથી. વાર્તાનું પ્રત્યેક વાક્ય તેના બીજા વાક્ય સાથે સન્નિધિકરણની ભૂમિકાએ જોડાયેલું છે. વાકયો અને વાર્તાખંડો કૉલાજની શૈલીનાં છે. ત્યાં કોઈ કડી કે સાંકળ કે ક્રમિકતા તેમજ રૂઢ વસ્તુ સંકલનનો અનુભવ શક્ય નથી. જેમ કોઈ સ્વપ્ન દૃશ્યની સંરચના થતી હોય છે તેમ વાક્યની રચનાનું કોઈ અજ્ઞાત આંતર સૂત્ર હોય છે. એ આંતર સૂત્રની અન્વેષણા ભાવકે કરવાની રહે છે. વાર્તાનાં વાક્યો વડે સર્જાતાં દૃશ્યોની ભાત કેલિડોસ્કૉપિક છે. એ ચિત્તની લીલામય સૃષ્ટિ છે. એ ભિન્ન ભિન્ન દૃશ્યોનું સન્નિધિકરણ વિસ્ફોટક રીતે પાત્રના આંતરવિશ્વનું દર્શન કરાવે છે. વાર્તા ઘટના કે પ્રસંગ વડે નહિ સ્વપ્નાભાસી દૃશ્યો વડે રચાતી આવે છે ને તેમાં ઉદ્‌ગારો, અસંબદ્ધ રીતે આવતા પાત્ર જીવનના સંદર્ભો, પાત્રના આંતરવિશ્વની સંકુલતા સૂચવે છે. વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળની ક્ષણોની સન્નિધિ પાત્રજીવનની સંવિત્તિ અપરાધભાવને સૂચવે છે. પરિવેશ સાથે વિચ્છિન્નતા પાત્રનો સ્થાયી ભાવ છે. આ પ્રકારનું અનુભૂતિ વિશ્વ ધરાવતી વાર્તાઓ કલ્પન, પ્રતીક, સ્વપ્નવાસ્તવ, કે પરાવાસ્તવ અને આંતરચેતના પ્રવાહની શૈલીઓનું સંયોજન છે, એક સંરચના છે. પણ એ સંરચના રૈખિક સ્વરૂપની નથી વર્તુળાકાર અને બંધાકાર છે. પોતાને પ્રિય એવા સ્ત્રીપાત્ર સાથે સંક્રમણ કરવાના તમામ પ્રત્યનોની નિષ્ફળતા ભાન સાથે પોતાનો સ્વછેદ અનુભવતું પાત્ર નિઃસહાય છે. મદદનીશનું હોવું વિડંબનાપૂર્ણ છે, કરુણ છે. ત્રીજા તબક્કાની વાર્તાઓમાં વાર્તાકાર પાત્રહૃદયની કોઈ ઊર્ધ્વગામી મનોકામનાને છિન્નભિન્ન કરનાર જુગુપ્સાપ્રેરક પરિવેશની આક્રમકતાને નિરૂપે છે. રતિરાગની પ્રફુલ્લિત પુષ્પપાંખડીઓ દૂષિત પરિવેશના સંસ્પર્શથી મલિન બની જાય છે. પ્રકૃતિના ઉદ્દીપકો વચ્ચે કુંઠિત રતિભાવ નિર્જીવ ભાસે છે. યંત્રસંસ્કૃતિ અને આધુનિક જીવનશૈલીથી પ્રાકૃતિક સૌંદર્ય જાણે હદ પાર થઈ રહ્યું છે. આ તબક્કાની વાર્તાઓનું આલેખનની અને કદની દૃષ્ટિએ સ્થિત્યંતર થયું છે. બીજા તબક્કાની લેબિરીન્થીન ટેક્‌નિકનું અહીં પ્રમાણ ઘટ્યું છે. તેને સ્થાને પ્રતીકાત્મક કથાસંદર્ભ પરિવેશના સંધાનથી ભાવકચેતના વધુ સહજ રીતે કૃતિના વિશ્વમાં પ્રવેશે છે. પાત્રની લાગણીઓ સાથે બાહ્ય જગતની વાસ્તવિકતા તીવ્ર વિરોધાભાસ રચે છે. વાર્તાનું ફલક વિસ્તરે છે. વાર્તા બે કે ત્રણ ખંડમાં રજૂ થાય છે. વાર્તાનું વિષયવસ્તુ બૃહદ્‌ ફલકમાં વિસ્તરીને તેની પ્રભાવકતા સિદ્ધ કરે છે. ચોથા તબક્કાની વાર્તાઓ અગ્રંથસ્થ છે આ વાર્તાઓ મોટા કદની છે. વિષયવસ્તુ અને આલેખનની દૃષ્ટિએ આ વાર્તાઓ ત્રણેય તબક્કાની વાર્તાઓ કરતાં જબરું સ્થિત્યંતર છે. વાર્તાકારે પરિવેશની પ્રતીકાત્મકતા સાથે પરંપરાગત વાર્તાલેખનરીતિનો વિનિયોગ કર્યો છે. પ્રારંભકાળની વાર્તાઓ ક્રમિકતા, પરિચિતતાનાં લક્ષણો ધરાવતી નહોતી તે સર્વે લક્ષણોનું અહીં નવવિધાન થયું છે. વાર્તાતત્ત્વનું પુનરાગમન છે. પણ વાર્તાકારની વાસ્તવદર્શનની મૂળભૂત દૃષ્ટિભંગીમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. જીવનની વિસંગતિના દર્શનનો સંદર્ભ બદલાયો છે. વિશિષ્ટ સ્થળ-કાળમાં આંતરસંઘર્ષ કરતાં પાત્રોની છિન્ન ભિન્ન મનોદશાને પ્રતીકાત્મક પરિવેશ વડે વધુ અસરકારક રીતે મૂર્ત કરી છે. અમાનુષી ક્રૂર પાત્રો બીજાં નિર્દોષોની જિંદગી કેવી રીતે નરકમાં પલટી નાખે છે તેનો વાસ્તવવાદી સંદર્ભ સાંપ્રત જીવનનો ચહેરો છે. મહાનગરોની ઝાકઝમાડની આંજી નાખતી સૃષ્ટિમાં અપરાધીઓના કુંડાળામાં ફસાતા સંવેદનશીલ સામાન્યજનની વ્યથાને પણ દર્શાવી છે. ભોગવિલાસની છાકમછોળમાં આળોટતી લોલુપ નગરસંસ્કૃતિમાં માણસની લાગણીની કોને પડી છે! તે તો નિરાધાર અને તુચ્છ છે. એ લાગણીની અદૃશ્ય થવાની ઘટનાથી જીવનમાં કશો ફેર નથી પડતો. બજારુ સંસ્કૃતિના આતંકને વાર્તાકારે નિરૂપ્યો છે. ધનલોભ અને દંભી ધર્મભાવનાથી દૂર પ્રકૃતિ સાથે આનંદથી જીવન જીવનાર પાત્રને વિના અપરાધે હત્યાનો ભોગ થવું પડે એ અસંગતિનું સત્ય આપણને બેચેન કરે છે. સામાજિક-ધાર્મિક રૂઢિઓના ચોકઠામાં માણસને જીવવા માટે ફરજ પાડતી ક્રૂર વ્યવસ્થાઓનો ક્યારેય અંત નથી. પ્રથમ તબક્કાની વાર્તાઓથી શરૂ થયેલું અતિ સૂક્ષ્મ સ્વરૂપનું અસંગતિ-દર્શન ક્રમશઃ વધુને વધુ નવા સંદર્ભો અને નવા પરિવેશો વડે વિકાસશીલ બન્યું છે. જીવનસંદર્ભોનો બાહ્ય ઘાટ જુદો જુદો રહ્યો છે પણ પ્રત્યેકમાં દર્શન તો અસંગતિનું છે. કોઈની પણ શરણાગતિ સ્વીકાર્યા વિના અને આત્મઘાતી બન્યા વિના સર્જકચેતનાની સતત નિર્ભ્રાન્ત અવસ્થા સાથે માનવજીવનની અસંગતિનું કથાસ્વરૂપે દર્શન રજૂ કરનાર કિશોર જાદવ આપણા એક ‘આધુનિક’ સર્જક છે. મનુષ્યની અંતઃચેતનાના સર્વે સ્પન્દનો ઝીલતી તેમની સર્જકચેતના નાગાલૅન્ડની આદિમ જાતિઓના જીવનલયને પામવા આતુર બની છે. ભૌતિક સુખ સગવડો માટે અંધ બનતી જતી મહાનગરની પ્રજાના કૃત્રિમ અને બેડોળ જીવનથી દૂર જઈને આદિમ જાતિઓના જીવનમાં પ્રવેશવા માટે આતુર કિશોર જાદવની સર્જકચેતનાએ ‘તંદ્રા’ (એતદ્‌) – જેવી ઉત્તમ વાર્તા સર્જી છે. આદિમચેતના હડપ કરી જનારી આ સદીની ભૂખાળવી સંસ્કૃતિના વિરોધે નર્યું નિરાવરણીય મધુર સ્મિતભર્યું જીવન કદાચ એક ઇતિહાસની ઘટના બની જશે તેવા દર્શન સાથેની સંવેદનશીલતા અસંગતિનું સત્ય નૂતન રીતિએ રજૂ કરે છે. પ્રસ્તુત સંપાદનની કેટલીક વાર્તાઓ વિશેની લાંબી નોંધો અહીં આપી છે. એ નોંધોમાં વાર્તાની વિષયસામગ્રી અને વાર્તાલેખનરીતિનો પરિચય મળશે. વાર્તાકારની માનવજીવનની ગાઢ અનુભૂતિ પ્રત્યેક વાર્તાના પાત્રનિરૂપણમાં જોવા મળશે.

કાલ્પી :

આ પાત્રપ્રધાન વાર્તા છે. આઘાતક અંતમાં નિર્વહણ પામતી ચોટશૈલીની વાર્તા છે. ટૂંકી વાર્તાની કલાત્મકતાના મૂળાધાર તરીકે વાર્તાકારો આઘાતક અંતનું ઓજાર ખૂબ વાપરે છે પણ એ જ્યારે કશુંક સિદ્ધ કરનાર સાધન તરીકે વાપરે છે ત્યારે અંત પછી વાર્તા આગળ જતી નથી. વાર્તાનો અંત ત્યાં નિર્જીવપણે થંભી જાય છે. બધું ફસડાઈને ઢગલો બની જાય છે. પરંતુ જે વાર્તાનો અંત સહજ અને કુદરતી હોય તે અંત વાર્તાના આરંભની, પાત્રોની, પ્રસંગોની નવી ઓળખ આપે છે. તે સર્જનાત્મક અને નવાં પરિણામો લાવનાર સક્રિય ઘટકતત્ત્વ રૂપે અન્ય ઘટકતત્ત્વોનાં પરિમાણોને બદલી નાખે છે. ‘કાલ્પી’ એવો સર્જનાત્મક અંત ધરાવતી વાર્તા છે. કાલ્પીના બા-બાપુજી મૃત્યુ પામ્યા હતા. તેથી અનિલભાઈ કાલ્પીનું સર્વસ્વ હતા. અનિલભાઈ પર તેનો લાગણીભર્યો માલિકીભાવ સજ્જડ હતો. કાલ્પીના મોટા ભાઈ આફ્રિકા હતા. હવે પત્ની અને બાળક એટલે કે મોટાં ભાભી અને રેવુને લેવા માટે તેઓ આવ્યા હતા. અનિલનો વિવાહ થયો. તેના જીવનમાં એક નવું સ્ત્રીપાત્ર દાખલ થયું. કાલ્પી અનિલભાઈની અન્યમનસ્ક મનોદશાને વાંચી લે તેવી સંવેદનશીલ છે. અનિલભાઈના જીવનમાં પ્રવેશેલી જીવનસંગિનીને કારણે કાલ્પીનું સ્થાન અનિલ માટે ગૌણ બનવા લાગે છે. કાલ્પી અનિલભાઈનો આ માનસિક ઉપેક્ષાભાવ સહન કરી શકતી નથી તેથી તેની લાગણીને આઘાત આપનાર દરેક પ્રસંગે તે આક્રમક પ્રતિક્રિયાઓ આપીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. તો બીજી તરફ કાલ્પીની પ્રતિક્રિયાઓને સમભાવથી સમજવાને બદલે તેના ઉપર શારીરિક- માનસિક દોરદમામ ચલાવતા અનિલભાઈ, મોટાં ભાભી ને નાનાં ભાભી બધાં બાલિશ બની જાય છે. અનિલ જીવનસંગિની માટે ખરીદેલી સાડી કાલ્પી માટે છે તેવું જૂઠાણું કહીને તેને ફોસલાવે છે. પરંતુ કાલ્પી જ્યારે નાનાં ભાભીને એ નવી સાડી પહેરેલાં જુએ છે ત્યારે તે આક્રમક બનીને સાડી ખેંચી કાઢવા ખેંચાખેંચ કરે છે ને એ ખેંચાખેંચમાં સાડી ચિરાઈ જાય છે. કાલ્પીના આ વર્તનથી અકળાઈને અનિલ તેને મારવા ઊઠે છે ત્યારે ગરમ ચા કાલ્પીના હાથ પર ઢોળાઈ જાય છે. દાઝવાથી તે ચીસો પાડી ઊઠે છે. આવો જ બનાવ જ્યારે કાલ્પીને ખબર પડે છે કે અનિલભાઈ તેની સાથે પથારીમાં સૂતા નથી. તેને ભાઈનું વહાલ ખૂબ ગમતું. તેથી તે અનિલભાઈને શોધવા ઘરમાં તપાસ કરે છે. તેને જાણ થાય છે કે અનિલભાઈ તો નાનાં ભાભી સાથે બીજા ઓરડામાં છે. એ જાણતાં જ તે બારણાં પછાડે છે, ચીસો પાડે છે, કાલ્પીના વર્તનથી રોષે ભરાઈને મોટાં ભાભી તેની કૂણી આંગળીઓ આમળે છે. અનિલભાઈ ડરાવવા માટે સોટી વીંઝે છે. કાલ્પી માટે અનિલભાઈનું દૂર જવું અસહ્ય હતું. પણ તેનું દુઃખ કોઈ સમજી શકતું નથી. તેથી વાર્તાને અંતે મોટા ભાઈ, મોટાં ભાભી અને રેવુ સાથે કાલ્પી પણ અનિલભાઈને છોડીને ટ્રેનમાં જ બેસી જ રહે છે ઉતરતી નથી. ને બન્ને વચ્ચે અંતર લંબાતું રહ્યું. કાલ્પીનો અનિલભાઈથી થતો વિચ્છેદ કરુણ છે. વાર્તાકારે આપણા કુટુંબજીવનમાં મુગ્ધતા અને વિસ્મયભર્યા બાળક પ્રત્યે વડીલોનું વર્તન કેટલું આપખુદ અને ક્રૂર હોય છે તે કાલ્પી અને વડીલોની ક્રિયા- પ્રતિક્રિયાઓ વડે સૂચવ્યું છે. સમભાવહીન સ્વભાવગત જડતા અને જૂઠાણાંઓને કારણે નાના નાના પ્રશ્નો કેવું ગંભીરરૂપ ધારણ કરે છે તે વાર્તાકારે દર્શાવ્યું છે. કાલ્પીની ઉદ્વેગભરી અને ક્ષોભગ્રસ્ત મનોદશાને વાર્તાકારે પ્રતીકાત્મક પરિવેશ વડે વ્યંજિત કરી છે : વાર્તાના આરંભે અગાશી પર બેઠેલી કાલ્પીના આસપાસનું વાતાવરણ તેમની સ્વસ્થ મનોદશાને ક્ષુબ્ધ બનાવનાર તત્ત્વના આગમનનો સંકેત છે. ‘નાની કાલ્પી અગાશીમાં’ રમતી હતી. બહાર સાંજનું આહ્‌લાદદાયી તેજ પ્રસરતું જતું હતું. ને પવનની આછી લહર અગાશીની પાળ પર ગોઠવેલાં ફૂલ છોડમાંથી મર્મર ધ્વનિ કરતી કાલ્પીના સૂકાતા વાળને વેરવિખેર કરી રહી હતી. રહી રહીને ત્યાંથી માણસોનાં ટોળાં, ટોળટપ્પાં મારતાં, કોલાહલ કરતાં, ફૂલવાડીના રસ્તા બાજુ, પસાર થઈ જતા હતા. મકાનોની છત પર થઈને ધુમાડાના ગોટા હવામાં ફંગોળાતા જતા હતા અને અનેકવિધ વર્તુળો રચતા ફૂલાવાડીના વૃક્ષોમાં ગૂંચવાઈ જતા હતા.’ (પૃ. ૫) મોટા ભાઈ, મોટાં ભાભી અને રેવુને વિદાય આપવા માટે બધાં રેલ્વેસ્ટેશન આવ્યાં હતાં. એ વિદાયક્ષણે કાલ્પીના આંતરમનનો ઉદ્વેગ એન્જિનની જુદી જુદી ગતિવિધિ વડે વ્યંજિત કર્યો છે : ‘એંજિન ધણધણાટ અવાજ કરતાં, સ્ટેશનને ગજવતાં પસાર થઈ જતાં હતાં. કોઈ એંજિન સીસકારા ભરતું, કોઈ વળી માંદલા આદમીની જેમ જાણે ઉધરસ ખાતું ચાલ્યું જતું હતું.’ (પૃ. ૧૨) વાર્તાને આરંભે ધુમાડા કાઢતું ગાડીનું એંજિન વાર્તાને અંતે વધુ વિકરાળ બની જાય છે. કથન અને આલેખનની સમાંતર લેખનરીતિ વડે વાર્તાકારે કાલ્પીની નિરાધાર દશાને સૂચવી છે. આપણી કુટુમ્બપરમ્પરામાં બાળહૃદયની કચડાતી લાગણીને સંયત સૂરે વ્યક્ત કરી છે.

*

સ્મૃતિવલય :

માનવમનની ક્ષુબ્ધ અવસ્થાનું ચિત્ર વાર્તાનું કેન્દ્ર છે. અવિનાશનાં લગ્ન સવિતા સાથે થયાં છે. વિનુ તેનો દીકરો છે. અચલાનાં લગ્ન પ્રદ્યુમ્ન સાથે થયાં છે. કોઈ કારણસર સવિતા ઘર છોડીને જતી રહી છે. અવિનાશને લગ્ન પહેલા અચલા સાથે પ્રેમ હતો. અચલાને તે ચાહતો હતો. અચલાનાં લગ્ન પ્રદ્યુમ્ન સાથે થયાં. પરંતુ અચલા પણ પ્રદ્યુમ્ન સાથે સુખી નહોતી. અવિનાશનો મિત્ર સુરેશ અચલા સાથેના અવિનાશના સંબંધને પરિણામ શૂન્ય માને છે. પરસ્પર એક બીજાની જીવનરેખાઓ છેદતી ગૂંચ બની ગઈ છે જે ગૂંચનો કોઈ ઉકેલ નથી. કારણ કે ગૂંચ ઉકેલી શકાય તેવી પરિસ્થિતિ નિર્માણ કરવી શક્ય નથી. અચલા આવી છે એ સમાચાર વિનુએ આપ્યા. અચલાની હાજરીમાં અવિનાશનું મન દાબ, ક્ષોભ, ઉદ્વેગ, તાણ, સ્મૃતિ સાહચર્ય, નિષ્ક્રિયતા – જેવી વિવિધ મનોદશામાંથી પસાર થતું રહે છે તેની સાથે તે ખુલ્લા મનથી સંવાદ કરી શકતો નથી. તેની ગૂંગળામણ તેને કોઈ માર્ગ સુઝાડી શકતી નથી. તેથી અચલાના ગયા પછી તેનું મન મધ્ય રાત્રિએ જ્યારે શાંત પડ્યું ત્યારે અચલા આવી હતી ને પોતે કશું જ વ્યક્ત ન કરી શક્યો એવી સંપ્રજ્ઞતા સાથે તે અચલા આવ્યાની ઘટનાને સ્મૃતિરૂપે પુનઃ પોતાના ચિત્તપ્રદેશ પર લાવે છે. વાર્તાકારે અવિનાશના સ્મૃતિવ્યાપારને પીઠ ઝબકારની પ્રયુક્તિ વડે નિરૂપ્યો છે પરંતુ સ્મૃતિવ્યાપારમાં અવિનાશના દૂરના ભૂતકાળના સંદર્ભો, અચલા સાથેનો પ્રણય કાળ, સવિતા સાથેનું સહજીવન, અચલા-પ્રદ્યુમ્નનો સંસાર – જેવા અન્ય સંદર્ભો ભેળવીને જીવનગૂંચને આકાર આપ્યો છે. માણસની પરિસ્થિતિગ્રસ્ત રહેવાની નિયતિનું દર્શન જીવનની અસંગતિ સૂચવે છે. વિશમનની શક્યતા વિનાની પરિસ્થિતિમાં જ રહેવું એ જાણે કે જીવનની વાસ્તવિકતા છે. વાર્તાકારે અવિનાશની ભાવશબલ ચિત્ત સ્થિતિ નિરૂપવા માટે પરિવેશનો ઉદ્દીપક તરીકે વિનિયોગ કર્યો છે : બહારનો દુર્ભેદ્ય અંધકાર, વરસતો વરસાદ. ‘પ્રગાઢ અંધકારમાં ઝાંખી બળતી બત્તીઓ, અદ્ધર ઝઝૂમી રહેલાં પ્રચંડ વાંદળાઓ જાણે તૂટી પડશે, ત્યારે પવન, બહાર સતત વરસતા વરસાદનાં ઝાપટાંને લઈ આવી જોરશોરથી બારી પર વીંઝાવા લાગ્યો ત્યારે પવનથી બંધ થઈ ગયેલા જાળિયા પર અથડાઈને ચૂર થઈ જતી વાછંટનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.’ અચલાની લાગણીને, તેના પ્રેમભાવને ખુલ્લા હૃદયે આવકાર આપવા માટે પોતાને અસમર્થ અનુભવતા અવિનાશની પ્રતીકાત્મક રીતે વ્યક્ત થવાની ક્ષણને વરસતા વરસાદની સ્થિતિથી મૂર્ત કરી છે. અચલા અચાનક જતી રહી છે તે જાણ્યાથી અસ્વસ્થ અવિનાશ અચલા આવી ને ત્યારે તેમની જે પ્રતિક્રિયાઓ હતી તેને સ્મૃતિવ્યાપાર રૂપે પુનઃ મનઃચક્ષુ સમક્ષ લાવવાની પ્રક્રિયા એક રીતે અવિનાશના ગૂંચ ભરી મનોદશાનો પરિચય બની છે. માનવસંબંધોની ગૂંચ નિઃસહાયતાને સૂચવે છે. અવિનાશ સહાનુભૂતિ કે પુનઃહૃદયસંવાદ કરવા આવેલી અચલા સાથે સ્વસ્થતાથી જોડાઈ શક્યો નહિ. એમાં ગૂંચવાયેલું મન જ નિર્ણાયક બન્યું છે. એ ગૂંચને ઉકેલવી સહેલી નથી. ત્યાં કોઈ ઝટ બહારથી ઉકેલ લાવીને વાર્તાકારે કોઈ સમાધાન સાધ્યું નથી.

*

પિશાચિની :

આલંબન માટે સતત આતુર એવી કામવૃત્તિનું બિહામણું રૂપ ‘પિશાચિની’ તરીકે ઓળખાવીને વાર્તાકારે તેની વિષમતા દર્શાવી છે. વાર્તાનું યુવાન પાત્ર મધુકર છે. સાંજના સમયે તેનો બહાર જવાનો નિત્ય ક્રમ હતો. જ્યાં પ્રેમીયુગલો પ્રેમગોષ્ઠિ કરે તેવાં મેદાનોના અંધારા ભાગમાં ફરવું, મંદિર દર્શન કરવા જવાના બહાને સ્ત્રીઓની ભીડમાં દાખલ થઈને આગળ જવાના પ્રયત્નો સાથે તેમનાં અંગોને સ્પર્શીને મીઠી હૂંક મેળવવી ને એમ કામોપભોગની તૃપ્તિ લેવાના નુખસાઓ જુગુપ્સાજનક છે. દરરોજ સાંજે આવા નિત્ય ક્રમ સાથે બહાર જવા નીકળતા મધુકર સાથે તેનો ભત્રીજો હિમાંશુ આવવા માટે જિદ કરે છે. તેને પ્લાસ્ટિકનું ફૂલ ખરીદવું હતું. આનાકાનીને અંતે તે હિમાંશુને સાથે લઈ જવા તૈયાર થાય છે. મેદાન પર ચાલતાં તેને અમિષી મળે છે જે કમલેશની પ્રેયસી છે. તે કમલેશની પ્રતીક્ષામાં વિરહવ્યાકુળ હતી. મધુકર અમિષીને પોતાની સાથે આવવાનું ઇજન આપે છે પણ તે બે વચ્ચે તિરાડ પાડવામાં સફળ થતો નથી ને છોભીલો પડે છે. આ ક્ષણે અમિષીનું હાસ્ય મધુકરને હાડપિંજરના હાસ્ય જેવું લાગે છે. રસ્તામાં આગળ જતાં તે બન્ને કોઈનો વરઘોડો જુએ છે. ગાજી રહેલા બેંડનો આંજી નાખતો ચળકાટ અને પરિણીત યુગલને જોતાં તેની વૃત્તિઓ બહેકે છે. તે હિમાંશુને કેવી વહુરાણી લાવીશું તારે માટે તેવું બોલીને ગલગલિયાં થાય તેવો હર્ષ અનુભવે છે. તેની વૃત્તિઓ બેફામ બને છે. હિમાંશુને લઈને મંદિરમાં દર્શન માટે ઊભેલી સ્ત્રીઓની ભીડમાં દાખલ થાય છે. સ્ત્રીશરીરના સ્પર્શસુખની મજા લેવા. હિમાંશુ માટે ફૂલ ખરીદીને દુકાનનાં પગથિયાં ઊતરતાં તસતસતી બોડીસ પહેરાવેલા પૂંઠાના ‘બસ્ટ’ સાથે માથું ભટકાતાં તે આગ વરસાવતી આંખે તેને જુએ છે. તેની કામવૃત્તિની પરાકાષ્ઠા હિમાંશુને ખોળામાં બેસાડી, તેના વાળમાં ખરીદેલું ફૂલ ખોસીને તેને બાહુપાશમાં ભીડે છે. કાકાના આવા વર્તનથી ડઘાઈને હિમાંશુ ભાગી છૂટે છે ને ત્યાં તેવી કફોડી સ્થિતિમાં મુકાયેલા મધુકરને અમિષી અને કમલેશ આવતાં દેખાયાં. એ બીજા રસ્તા તરફના અંધકારમાં ધસી ગયો. વાર્તાકાર વાર્તાકથકના સંયત સૂરને કારણે કામવૃત્તિનું પિશાચિની રૂપ સર્જી શક્યા છે. વાર્તાકથકનો નીતિશૂન્ય (A-moral) સૂર કામવૃત્તિથી દગ્ધ યુવાનના મરણિયા પ્રયત્નોને સમભાવનો અનુભવ કરાવે છે. યુવાનની અપરિપક્વતાને હાંસીપાત્ર થવા દીધા વિના પિશાચિની એવી કામવૃત્તિને જ અગ્રભાવે રાખી છે. યુવાનને સ્ત્રીદેહના સંસ્પર્શની સતત રહેતી લાલસાને કારણે તે મનોવિક્ષિપ્તિ ને વિભ્રમદશાનો ભોગ બન્યો છે. યુવાનની કામવૃત્તિની વિ-રૂપતા ઉપસાવવા માટે વાર્તાકારે ક્યુબિસ્ટ શૈલીના વિનિયોગથી પરિવેશનું રૂપ ઘડ્યું છે : ‘સામેના અડાબીડ અંધકારના રાક્ષસી પોલાણમાં અડીખમ ઊભેલાં મકાનોની ધૂંધળી આકૃતિઓ દેખાતી હતી.’ ‘ત્યાં ઠેરઠેર સોડિયું વાળીને કેટલીય અમિષીઓ બેઠી છે. અત્યારે જાણે કોઈના વધની ઉજાણી કરવા, બહાર ઊછળી આવી, ખિખિયાટા કરતી, નાચતી, છોળો ઉડાડી રહી છે.’ વાર્તાકારે ઉપરની ત્વચાને છેદીને ભીતર સળવળતી કામવૃત્તિનું પિશાચિની રૂપ નિરૂપીને વાસ્તવનું નવું પરિમાણ દર્શાવ્યું છે.

જળચર :

વેદના, પીડા કે મનોદાબની અવસ્થાગ્રસ્ત પાત્રની આંતરદશા જ વાર્તાનો વિષય છે. એ વેદના કે મનોદાબ જન્માવનારાં કારણોનો અહીં લોપ કર્યો છે. અજંપાભરી મનોદશાનું ક્યાંય જરા જેટલું પણ વિમશન નહીં પણ ઊલટાનું તેનું સતત તીવ્ર બનતા જવાની પ્રક્રિયા વાર્તાને અંતે બૃહદ્‌માં પરિણમે છે. રાત્રિના સૂનકારને રસ્તા પર કુદાવ્યે જતો વિનાયક ક્યાંય પણ આગળ પાછળ ન ખસી શકવાની ભીંસ અનુભવે છે. અસ્થિરતા ને માત્ર ધ્રુજારી. એની ભીંસને જળના ઘેરા વડે મૂર્ત કરી છે. પગની ગતિને જાણે અંધકારનો પણ ઘેરો છે. જળ-અંધકાર જેવાં અશરીરી તત્ત્વોની ભીંસ અનુભવતો વિનાયક કોઈ અજ્ઞાત બળથી ગ્રસ્ત છે તેવું સૂચવાય છે. અંધકારનું મનોહર રૂપ, આહ્‌લાદક રૂપ કોઈ બિહામણા સૌંદર્યનું રૂપ ધારણ કરે છે : ‘રાત્રિની પાંખડીઓ વચ્ચે બીડાઈ ગયેલો અંધકાર.’ વિનાયકની ભીંસને વાર્તાકારે કાવ્યાત્મક સ્વરૂપે મૂર્ત કરી છે. એને વળગી રહેલી હરહંમેશ કઠ્યા કરતી આકાશની બરછટ ત્વચા તળે એ ઉઝરડાઈ રહ્યો હતો. એ આકાશી ત્વચાને ફાડી નાખી શકાય તો કેવું સારું? એવી લાગણી પરિવેશની ભીંસની તીવ્રતા સૂચવે છે. પોતે જ્યાં છે ત્યાંનો પરિવેશ ભઠ્ઠાઈ ગયેલા હવસનાં મૂક ખંડિયેરોનો છે ને જ્યાં કટાઈ ગયેલ પતરા જેવા પ્રકાશના ટુકડા પર આજુબાજુનાં મકાનો હતાં. હોટેલમાં પ્રવેશવા દોડે છે પણ હોટેલનો માલિક બોલે છે ‘સમય થઈ ગયો છે’ ત્યારે તે સમયની સંવેદના જુદી રીતે અનુભવે છે. સમયની અવિરત ગતિ છે. જે ક્યારેય વૃદ્ધ થતો નથી. એવો સમય તેને ‘એના ચહેરા પર કશી બુઢ્‌ઢી કરચલીઓ વળતી નથી’ પીડે છે. વિનાયક નંદીના ઘરમાં પ્રવેશે છે. નંદી બીજા ખંડમાં છે. તે ખંડમાં જતી વખતે વચ્ચે આવતી હવાની અનુભૂતિ શૂન્યદશાને વર્ણવે છે : અહીંની હવાના ઊંચા સુક્કા ઘાસને ફેંદતો, ભેદતો, રસ્તો કાઢીને બીજા ખંડમાં આવે છે. નંદીના દેહની સ્થિતિ વિષે વિનાયકની અનુભૂતિ સૂચવતી અલંકાર પ્રયુક્તિઓ તેની વેદનાનો તીવ્ર સૂર વ્યક્ત કરે છે : નંદી, ભોંયતળિયા પર ચટાઈ નાખીને આડે પડખે સૂતી હતી – તોફાનમાં તૂટી જઈને સમુદ્ર કાંઠે ફેંકાઈ ગયેલી હોડીના ખોખા જેવી.’ નંદીની પીઠ પર વિનાયકનો હાથ સરે છે ત્યારે ‘જાણે કે કશાક ઠંડા, રેતાળ પટ પર એનો હાથ પસવારી રહ્યો હતો! રેત!’ નંદીના દેહ સાથેનું સંવનન નર્યા ઉછાળા જ રૂપે અનુભવે છે. ક્ષણભંગુરતા અર્થહીનતા તૃપ્તિનો અભાવ નિઃશ્વાસની જ્વાળા નંદી છે છતાં પોતાને નિઃસહાય અનુભવે છે. પોતાની ઇચ્છા વિરુદ્ધ સ્વયં છોલાયા કરવાનો અભિશાપ. આવી નિઃસહાય દશામાં નંદીની આંખમાં પોતાનું અસ્તિત્વ અનુભવે છે. ત્યાં કંઈક સ્વસ્થતાના ભાવસહિત ચહેરા પર સ્મિત ને નંદીની આંખોમાંથી વહી જતાં આંસુમાં વિનાયક પોતાની વેદનાને તીવ્રપણે અનુભવે છે. પોતાના નિઃશ્વાસના તળિયે ડૂબી ગયો. વિનાયકના વિષાદમાંથી જન્મેલા નિઃશ્વાસની આક્રમક્તા અને ભયાનકતા તેના આદિમ બળ રૂપે વાર્તાને અંતે સર્વવ્યાપી નિઃશ્વાસની બૃહદ્‌તાનો સંકેત બને છે : અસ્તિત્વની નિરર્થકતાની તીવ્ર સંવિત્તિ વિનાયકની ઉત્તરોત્તર તીવ્ર બનતી જતી નિઃશ્વાસની લાગણી વાર્તાને અંતે વિરાટમાં પરિણમે છે. અહીં જે બને છે તે નિઃશ્વાસની ભીંસનું ઉત્તરોત્તર શક્તિશાળી બનવું તે છે. નિઃશ્વાસના સમુદ્રને તળિયે રહેતા કોઈ જળચર પ્રાણી જેવી વિનાયકની મનુષ્યચેતના આદિમતાના સંસ્કારો સાથે એકરૂપ બની રહે છે.

મદદનીશ :

વાર્તાનું પાત્ર જે માનસિક સંત્રાસ અનુભવે છે તેની પાછળ રહેલી નિર્ણાયક પરિસ્થિતિનો વાર્તાકારે નિર્દેશ આપ્યો છે : પોતે જે કંપનીમાં કામ કરે છે તે કંપની ‘રેલ્વે લાઈન’ નાખતી હતી. તેનો હેતુ બોદા પહાડોને નાથીને ઊંચાઈએ વસેલાં છૂટાંછવાયાં શહેરોને એકબીજા સાથે સાંકળી લેવાનો હતો. બોદા પહાડોને કાપવાનું કામ કરતી વખતે પહાડો પરથી માટી ખર્યા કરતી હતી એથી રસ્તાઓ પરની સઘળી અવરજવર ક્યારેક થંભી જતી. શહેરો વચ્ચેનો સર્વ વ્યવહાર ખોરવાઈ જતો. ને ‘રેલ્વે લાઈન’નો બંધાતો આધાર તૂટી પડતો હતો. એ સમયે જાણે સમસ્ત જગતથી વિખૂટા પડી જઈને ક્યાંક પેલા બોદા પહાડોની ભેંકાર નિર્જનતામાં રઝળી પડ્યા હોય એવું એને લાગતું. આ વિખૂટાપણું તેને માટે અસહ્ય હતું. આવી દશામાં તે સુપ્રિયાને મળી શકતો ન હતો. બે શહેરોને જોડવા માટે બંધાતી રેલ્વે લાઈન નાખવાની યોજના જાણે કે તેની અને સુપ્રિયા વચ્ચેના સંબંધને તોડવાનું નિમિત્ત બનતી જાય છે. એક બાજુ સખત કામનો બોજ, મુલાકાતીઓના તકાજા અને તેની પર સુપ્રિયાને મળવા માટેની શક્યતાઓનો ધ્વંસ – આ બધા માનસિક દબાવોથી ત્રસ્ત વાર્તાનું પાત્ર પોતાની આસપાસના જગતને પરાવાસ્તવિક સ્વરૂપે અનુભવે છે. એ પરાવાસ્તવિક સૃષ્ટિ તેની છિન્ન ખંડિત ચેતનાનાં રૂપો છે. કંપનીએ તેને કામકાજમાં મદદ કરવા માટે એક અંગત મદદનીશ આપ્યો છે. એક તરફ સતત કામનો બોજો, વારંવાર વાહનવ્યવહારોનું થંભી જવું, સુપ્રિયાને મળવા જવા આડેના અવરોધો – આ બધામાં રાહતરૂપ થવા માટે તેના મદદનીશને તે કામ સોંપે છે, સુપ્રિયા પાસે દોડાવ્યે રાખે છે – ક્રમશઃ મદદનીશ અને પોતે જાણે કે એક જ બની રહ્યા છે તેવી અભેદાનુભૂતિ તેનો સ્વ સાથેના વિચ્છેદભાવને સૂચવે છે. કંપનીએ દિલ બહેલાવવા માટે વાયોલીન વગાડનાર બુઢ્‌ઢાને રોકેલો. વાયોલીનની છાતી પર ઝીંકાતી તારકામઠીને તે પોતાની પર પછડાતી ઘસડાતી અનુભવે છે. બુઢ્‌ઢો જાણે સૂરોના ઘાવ પર ઘાવ કર્યે જતો હતો. ક્યાંક ઊંડાણના વૃક્ષનાં મૂળ પર ઉપરાતળી વીંઝાતી કુહાડીના ઠચાકા સંભળાતા હતા. એ સૂરોએ તેને ઊંડે પડેલા બધા ઘાવોને જાણે ઉપર લાવી દીધા. તે પોતે એ સૂરોથી ખોદાતો જતો હતો. એ ઘાવ ખોતરતી સૂરાવલિથી તેની ચેતનાના એક પછી એક સ્તર જાણે કે વીંધાતા જાય છે ને તેમાં તે પોતે એક પ્રકારની અસલામતી, અનિશ્ચિતતા, મદદનીશ અને સુપ્રિયાનો સહવાસ. પોતે મરી રહ્યો છે તેવા મદદનીશના શબ્દો – દુઃસ્વપ્નરૂપ આ મનોદશાથી તંગ આવીને તે પેલા ખોતરનાર સૂરોને બંધ કરાવવા માટે વાયોલીનને દીવાલ પર અફળાવે છે. ત્યારે વર્ષોથી એકબીજાને ભેટીને જીવતા નોકરો તેને તાકી રહે છે. નોકરોની ઓળખ ભૂંસતી પરિસ્થિતિ પોતાને વિશે પણ છે. તેની અને મદદનીશની વચ્ચેની ઓળખને – સ્વ ઓળખ માટેનો જીવ સટોસટનો ખેલ તે ખેલી રહ્યો છે. પરિસ્થિતિવશ પોતાના સ્વછેદનની પીડા અનુભવતા પાત્રની અંતઃચેતના અતિ ક્ષુબ્ધ છે. તેની અસ્વસ્થતા અને તંદ્રિલ દશાને નિરૂપવા માટે વાર્તાકારે પરાવાસ્તવિક નિરૂપણરીતિનો વિનિયોગ કર્યો છે :

બે- ત્રણ ઉદાહરણો :

– ‘ટેબલની ફરતે ટોળે વળીને મુલાકાતીઓ બેઠા હતા – વિચારહીન દશામાં જાણે ઘોરતા હોય એમ... પણ મુલાકાતીઓના ચહેરા ટેબલ પર પાથરેલા કશાક નકશા તરફ લબડી રહ્યા હતા... ત્યારે ખુરશીની પીઠ પાછળથી બેવડાઈ વળેલા એક એક મુલાકાતીની ડોક પેલી અજાણી વ્યક્તિના ખભા પર લદાઈ રહી હતી.’

મુલાકાતીઓના તકાજા વચ્ચે પોતાના પર કંપની કડક પગલાં લેશે તેવી ભીતિથી તે વ્યગ્ર હતો. એ અવ્યક્ત રહેવાનો દાબ : ‘આકસ્મિક જોયું તો મુલાકાતીઓને પ્રત્યુત્તર વાળવા મદદનીશ કશું મહાપ્રયત્ને ઉચ્ચારવા જાણે ડચકાં ખાતો હતો. પણ એના બન્ને હોઠ ફફડાટ પામે એ પહેલાં જે કાંઈ બોલવા મથતો હતો તે જાણે તુરત ભૂલી જતો હતો. આમ એ કંઈક બોલવા માગતો હતો એમાંનું કશું જ વ્યક્ત કરી શકતો નહોતો. એથી જાણે તાણ અનુભવતો જમણો હાથ કૂદકા ભરતો ટેબલ પર વારંવાર પછડાયા કરતો હતો. એ હાથનાં અક્કડ આંગળાં ફાટેલા બેબાકળા મોંની જેમ પહોળા થતાં જાણે કશીક વાચા પામતાં હતાં.’ ‘જળચર’ અને ‘મદદનીશ’ વાર્તા મનુષ્યજીવન વિષેના પરંપરાગત ખ્યાલોના નિષેધરૂપ છે. મનુષ્યજીવનની સર્વે પરમ ધારકશક્તિઓ વડે સંચાલિત વ્યવસ્થાઓ એક મહાભ્રમ છે અને ક્યાંય કશું શાશ્વત અખંડ કંઈ જ નથી. એક સૂત્રે બાંધી આપનારી સર્વે તાર્કિક વિભાવનાઓ જગતની વિસંગત દશાને જાણવા માટે અસમર્થ છે. વિશૃંખલતા એ જ પરમ વાસ્તવિકતા છે.

મિસિસ કીશનો એક નિર્વાણ દિન :

વિશાખા પોતાના ઘરમાં સાવ એકલી રહે છે. ઘર અવાવરુ જેવું. વંદાઓથી ઊભરાતું. નરી એકલતા. સહવાસ વગરની. ત્યાં એક દિવસ એક ધોળો વાનર ઝાડના થડ પરથી નીચે ઊતરીને વિશાખાના ઘરમાં ઘૂસી આવે છે. વાનરના આવવા પહેલાંનું વિશાખાનું ઘર કેવું હતું તે એક કલ્પન વડે સૂચવ્યું છે : ‘અંદર, ઘરમાં વર્ષોની જેમ ચક્કરાતાં ચામાચીડિયાં છતમાં ‘ફદ્‌ફદ્યાં’ છતમાં ફદફદતાં ચામાચીડિયાં વિશાખાના અવાવરુ જીવનને વ્યક્ત કરે છે. વાનર આવે છે ને ફરી કૂદીને ભાગી જાય છે. પરંતુ વિશાખાને વાનરનું આકર્ષણ વધવા લાગ્યું. વાનરને માટે ’વૉકિંગ સ્ટિક’ અને ’રેકર્ડ પ્લેયર’ વસાવ્યાં. તેની સાથે સાંકેતિક ભાષા વડે સંવાદ કરવા માટે ‘ડમ્બ અને ડેફકોડ’નો કોશ વસાવ્યો. વાનર સાથેનું સહજીવન તેનામાં અણધાર્યા બદલાવ લાવી દે છે. પોતાનામાં ઉછરતા ગર્ભનો થરકાટ અનુભવવા લાગી. વાનરનું નામ કીશ પાડ્યું. ને પોતે જાણે મિસિસ કીશ. સહજીવનનો રોમાંચ. કિશ સાથે બહાર ફરવા જતી વખતે વાસ્તવ જગતની પરાવાસ્તવિક અનુભૂતિ વિશાખાની ક્ષુબ્ધ મનોદશાને સૂચવે છે : ‘પોલી ઇમારતમાં બધે અસંખ્ય સીડીઓ ચણેલી હતી. ને એના પર હજ્જારો પગ નિરંતર ઉપરની દિશા પ્રતિ ચઢ્યે જતા હતા. પણ એક જ સ્થાને ગંઠાઈને સ્થિર થઈ રહ્યા હોય એવો ભાસ થતો હતો.’ વાનરમાંથી મનુષ્યની ઉત્ક્રાંતિનો સિદ્ધાન્ત કેવો નિરર્થક છે તેનો સૂર અહીં છે. મનુષ્ય – માનવસભ્યતા અને પશુનો સહવાસ કેવો બની શકે તે વિશાખાના શરીરમાં થતા જતા આંતરિક ફેરફારો વડે સૂચવાયું છે. બાથમાં નિર્વસ્ત્ર દશામાં પોતાની શારીરિક વિક્રિયાઓને ઓળખે છે ત્યારે વાનર તેને જોવા માટે અંદર પેસી આવે છે. વાનરને ભગાડી મૂકવા તેની પાછલ દોટ મૂકતી વિશાખા સડક પર આવી ચઢે છે. કીશ સીમાડા તરફ ફંટાયો. વિશાખા ચારે દિશા બાજુ વિસ્તરેલા વગડા વચ્ચે જીરાફી ડાંફો ભરતી વિસ્તરતી જતી આદિમતાને અનુભવે છે. પોતાની કાયા પર ધોળી બરછટ રૂંવાટીના ધીચ જૂથ ફરકતાં અનુભવે છે. પેટમાં ગર્ભાન્વિત ધગધગતો સૂર્ય! વિશાખાના શરીરમાં નક્ષત્ર મંડળનો રન્ધ્રેરન્ધ્રમાં થડકો અનુભવાતો હતો. પોતે અંતે કોઈ મહાકાય વિરાટ પશુમાં રૂપાંતર પામી. મહાકાય પશુની જેમ પોતાના હાથપગના પંજા ફેલાવ્યા. વિશાખાનું માનવચેતનામાંથી થતું પશુચેતનામાં રૂપાંતર આદિમતાની ઝંખનાનો સંકેત છે. નિર્જીવ, અવવારુ બંધિયાર ઘરમાં ધોળા વાનરનો પ્રવેશ વિશાખાની સભ્ય જીવનશૈલીને આદિમતામાં પલટાવી નાખનારું પ્રબળ તત્ત્વ આદિમતા છે. વિશાખાની શારીરિક વિક્રિયાઓ તેમનામાં પ્રસરતી જતી આદિમતાની જીવનશક્તિ છે. વિશાખાને સ્પર્શ-સુખની મસૃણ અનુભૂતિ થાય છેઃ ‘પ્રથમ તો, અંદરના ભાગમાં કશાક પડની ત્વચાને જાણે અડીને માછલી રેલાતી હોય, સરક્યા કરતી હોય એવા સરસરાટની સેર, દોડી જતી. અનુભવાતી હતી.’ એક ટ્રેનનું ભ્રમણ : પોતાના નિવાસસ્થાનથી દૂર આવેલી બોબીનનું ઉત્પાદન કરતી એક ફેકટરીમાં અશ્વિન નામનું પાત્ર નોકરી કરે છે. હિસાબનીશ છે. ફેકટરી પહોંચવા માટે ટ્રેનમાં આવ-જા કરે છે. તેની પત્ની ભળભાંખળે નાસ્તાનો ડબ્બો તૈયાર કરી આપે છે. તેની પત્નીનું નામ સરલા છે. કોઈવાર તેને પાછા વળતાં જ્યારે મોડું થઈ જાય છે ત્યારે સરલા તેને ફાનસ લઈને લેવા આવે છે. આમ મળસ્કે ઊઠીને નાસ્તો લઈને ટ્રેનમાં જવું અને સાંજે પાછા ફરવું એ જ તેના જીવનનો નિત્યક્રમ હતો. આ દૈનિક ગતિ સિવાય તેને સૃષ્ટિની કોઈ ઓળખ નહોતી. તેના જીવનની ગતિ એક ટ્રેનનું ભ્રમણ બની ગઈ હતી. આવ-જા સિવાય કશું જ નહિ. પોતે જે રસ્તે ચાલતો હતો તે રસ્તાની આજુબાજુના વિસ્તારનો તેનો પરિચય પણ યાંત્રિક જ હતો. એક અર્થહીન આવન-જાવનને કારણે જીવન જાણે કે થંભી ગયું હતું. આવી નિર્જીવ નિત્યક્રમી જિંદગીમાં એક દિવસ અણધારી ઘટના બને છે એ ઘટનાએ તેના નિત્યક્રમી જીવનની સપાટીને ભેદી નાખી. ફેકટરીમાં તાળાબંધી થવાને કારણે તે સવારે પાછો ફરે છે ઘેર આવવા માટે. તે સ્ટેશને ઊતર્યો ત્યારે બધું સૂમસામ. પોતે ક્યારેય આ સમયે સ્ટેશને આવ્યો નથી કે આ સમયે ઘેર પાછો ગયો નથી. તેથી તેને શંકા-દ્વિધા થઈ કે પોતે કોઈ ભળતા સ્ટેશને તો ઊતરી ગયો નથી ને? વાર્તાનો આરંભ તેની સ્ટેશને ઊતરવાની ઘટનાથી થયો છે. દિવસના તડકામાં જાણે કે પહેલીવાર આસપાસની સૃષ્ટિને જોતો હોય તેવો અપરિચિતપણાનો ભાવ તે અનુભવે છે. રસ્તાની આજુબાજુનો પડતર વિસ્તાર અહીંતહીં સૂકા ઘાસનાં બીડ અને ઝાડઝાંખરાંથી છવાયો હતો. ધૂળના દડને લીધે રસ્તો જાણે કે ખૂટતો જ નહોતો એવા ભાર સાથે ચાલતો હતો ત્યાં એક અજાણ્યો માણસ તેની લગોલગ રહીને ઝપાટાભેર ચાલતો હતો. એ અજાણ્યા માણસનો બાહ્ય દેખાવ, શારીરિક હાવભાવ અને વાતચીતના વિષયો ચિત્રવિચિત્ર હતા. એના માથાની લુખ્ખી બાબરી ધૂળથી રજોટાયેલી ફરફર્યા કરતી હતી. તે અજાણ્યો માણસ પોતાને અશ્વિનનો પડોશી હોવાના દાવો કરે છે. અજાણ્યો માણસ અશ્વિનને પરિચિતતાના બધા જ સંદર્ભો આપે છે પરંતુ તેમાંનો એક પણ સંદર્ભ ખરો નથી એવું અશ્વિન માને છે. અશ્વિન અને અજાણ્યા માણસ વચ્ચેના વાર્તાલાપથી, ક્રિયા પ્રતિક્રિયાઓથી ગતિશીલ વાર્તા બની છે. એ ગતિમાન અવસ્થા અંતર્ગત અશ્વિન જાણે કે પોતે કેળવી રાખેલી બધી જ ઓળખનું ભ્રમમાં રૂપાન્તર થવા લાગે છે. તેનામાં રહેલું સ્થળની ઓળખ પામવાનું એક નિત્યક્રમી કેન્દ્ર જ અદૃશ્ય થઈ જતું અનુભવે છે. પોતે હરહંમેશ આવતો જતો એ રસ્તાની ક્યાંય ઓળખ જ મળતી નહોતી. કયાંક ઊંડાણમાંથી કદાચ ભોંયમાંથી તેને ભણકારા આવતા સંભળાયા. એ ભણકારાથી તેને આસપાસની સૃષ્ટિનું માયાવી રૂપ જોવા મળે છે. ‘દૂરની થરકતી દિશામાંથી એક ડિબાંગ ગોળો રણરણતો આવી રહ્યો હતો. ધીમે ધીમે એનો આકાર સ્પષ્ટ થતો ગયો. અંધાધૂંધ ઝડપે ટ્રેન રણવગડાને ચીરતી ધપ્યે જતી હતી. એણે એક આંધળી દોટ મૂકી હાથોલા કરી ચિચયાટા નાખ્યા. વગડા વચાળ થંભતી હાંફતી ટ્રેનની સાંકળ ઝાલી એણે છલાંગ ભરી.. એને ઉપાડીને, આ વિરાટ ઉજ્જડતાને વળોટતી, પાટા વગરની ટ્રેન... ટપકું...’ અજાણ્યા માણસના સંગાથથી સ્થળ વિશેષનો પરિચય પણ તે ગુમાવવા માંડ્યો. તે અને અજાણ્યો ક્રમશઃ એકબીજામાં રૂપાંતરિત થવા લાગ્યા. પોતાની અપરિચિતતા એને અસહ્ય થવા લાગી. રોમેરોમમાં અજ્ઞાત બળતરા ઊપડી હતી. બંને વચ્ચે વધતી જતી આત્મીયતા એ ઘૃણામાં પરિણમે છે. મનોભૂમિમાં પેલાએ જાણે કે તેની હત્યા કરી નાખી છે એવું દૃશ્ય ભજવાતું નિહાળે છે. અજાણ્યા માણસના નિમિત્તે તેની ચેતનાનાં શાંત સ્થિર જળ તદ્દન ડહોળાય ગયાં હતાં. એ પોતે જ પોતાની જાત આગળ અજાણ્યો ને ભૂલો પડેલો અનુભવતો હતો. વાર્તાને અંતે એ રોજના ક્રમમાં પત્ની સરલા તેને લેવા આવે છે. દિવસ જાણે જલદી આથમી જતો અનુભવે છે. ઘરે પહોંચીને હળવાશ અનુભવી. રાત્રે સફાળો જાગી જતાં પત્નીને બારી પાસે ઊભેલી જુએ છે. હૅન્ડબૅગમાંનો વાસી નાસ્તો કાઢી ખૂબ સ્વાદપૂર્વક આરોગી રહી હતી. પત્નીનું આવું વિચિત્ર વર્તન તે આજે પહેલીવાર જ જાણે ઓળખે છે. ફરી નોકરીએ જવા માટે વહેલી સવારે તે તૈયારી કરે છે ને તેને વિદાય આપતી વખતે શિખામણના બે બોલમાં રહસ્યસ્ફોટ કરે છે કે રસ્તામાં એકલા માણસને કોઈ પાગલ રંજાડે છે. પત્નીના બોલથી સ્તબ્ધ થઈ તે ઉદ્વેગ દશામાં ક્ષણ ઊભો રહ્યો ને પછી ઝડપથી પોતાની એ જ નિત્યક્રમી યાત્રા શરૂ કરે છે. વાર્તાના પાત્રની આંતરિક નિર્જનતાને તીવ્ર બનાવવા માટે વાર્તાનો પરિવેશ સક્રિય ઘટક બન્યો છે. – ચારેકોર આવળનાં વન-પીળાં ફૂલઝૂંડનો પરિચિત વિસ્તાર. – ચોગરદમ ઝાડવાંઓના પડછાયાઓથી ઘેરાયેલી તળાવડીમાં પગ બોળ્યા. એ સાથે જળની સપાટી પર આછો કંપ ફેલાયો... ખલેલ પડેલા જળમાં અસંખ્ય આવર્તનો ઊઠ્યાં. ત્યારે આંબલીઓની ડાળીઓ પર હીકાહીક કરતાં વાનરોની ચઢઊતર. – દૂર દેરીની ફરફરતી ધજા પાછળ ઝાડીની ગાઢ ટોચ પર ભૂરી ધૂંઆંટીનું વાતાવરણ ફેલાયું હતું. અડખેપડખે રેતમાંથી જાણે ટાઢાશ વાતી આવતી હતી. યંત્રયુગમાં આવ-જા કરનાર માણસને ટેવવશ યાત્રાએ અંદર-બહારથી છિન્ન-ભિન્ન કરી નાખ્યો છે. પોતાની ઓળખ ગુમાવી ચૂકેલો માણસ નિર્જન ટાપુ પરના નિવાસી જેવો બની રહ્યો છે તેની અહીં પ્રતીતિ થાય છે. ઈ.સ. ૧૯૯૫-૯૬ના વર્ષ બાદ પ્રકાશિત થયેલી કિશોર જાદવની વાર્તાઓ લાંબી ટૂંકી વાર્તાઓ છે. તેનો કથાપટ ખાસ્સો વિસ્તાર ધરાવે છે. બીજી લાક્ષણિકતા એ છે કે આ લાંબી વાર્તાઓ તેમની અગાઉની વાર્તાલેખનરીતિથી ફંટાઈ છે. પરાવાસ્તવિક અને સ્વપ્નિલ પરિવેશની સમાંતરે સ્થાને સ્થળ-કાળની નિયત પરિચિતતા વચ્ચે પાત્રોની અસંગતિપૂર્ણ જીવનદશાને નિરૂપી છે. પણ તેની વર્ણનશૈલી એટલી જ પ્રતીકાત્મક રહી છે. સ્થળ-કાળનો આંતરત્વચા સ્વરૂપનો ગાઢ અનુબંધ પાત્રની વિવશ દશાને તીવ્ર બનાવે છે. પ્રત્યેક વાર્તાનો પરિવેશ સાંસ્કૃતિક અધઃપતનનો પણ સંકેત બને છે. ચાર અગ્રંથસ્થ વાર્તાઓ ‘અભિસરણ’, ‘એ લિફ્ટ સ્વર્ગથી ઊતરી’, ‘ચિહ્‌નકાંડ’ અને ‘વાડી’ તેમની વાર્તા લેખનરીતિમાં આવેલ સ્થિત્યંતરને સૂચવે છે.

અભિસરણ :

‘અભિસરણ’ પ્રતીકાત્મક પરિવેશની કરુણાન્ત લાંબી ટૂંકી વાર્તા છે. કિશોર જાદવની નૂતન વાર્તાલેખન રીતિનો આ એક ઉત્તમ નમૂનો છે. વાર્તાની વિષયસામગ્રી પણ નવીન છે. કોઈ અજાણ્યા રસ્ટેશનથી ટ્રેનની સફર કરવા માટે એક દંપતીને અજમેર જવાનું છે. તેમના જ કૉચમાં સફર કરતી એક બાનુને પણ અજમેર જવાનું છે. અજાણ્યા સ્ટેશનથી નીકળેલી ટ્રેન ન્યૂજલપાઈગુરી, ભાગલપુર, કાનપુર અને દિલ્હી પહોંચે છે ત્યાં સુધીની સફરનું વાર્તાનું દંપતીમાંનું પુરુષપાત્ર વાર્તાકથન કરે છે. ટ્રેનની બારી બહારની બદલાતી સૃષ્ટિનું સતત બારીક નિરીક્ષણ કરતો હું જાણે કે જીવનનાં અવનવાં રૂપો રજૂ કરે છે. ટ્રેન જે સ્ટેશન પર થોભે છે ત્યાંની ચહલપહલ અને ભીડનું પણ વર્ણન કરે છે. વાર્તામાં સૌ પ્રથમ, દંપતી સાથે મુસાફરી કરતી બાનુ પોતાનું અજમેર જવાનું કારણ જણાવે છે. બાનુ તેની વિશિષ્ટ ભાવછટામાં પોતાના પતિનો પોતાના પર કેવો પ્રેમ હતો તેનું બયાન આપે છે. એક જ સ્થાને નોકરી કરીને કંટાળી ગયેલો બાનુનો પતિ દિલ્હી જાય છે. ત્યાં નાનો મોટો ધંધો કરે છે અને અંતે એક મારવડણ બાઈના કૂંદામાં ફસાતાં અજમેર જતો રહે છે. બાનુ પતિને અજમેરથી પાછો લાવવા માટે પૂરતી કમર કસે છે. એની પાછળ તેનો પતિપ્રેમ છે. તો દંપતીમાંની સ્ત્રી જેને ‘બાઈ’થી સંબોધે છે તે થોડી ગાંડી થઈ ગઈ છે. એટલે કે મગજની સ્થિરતા રહી નથી. તેનું કારણ તેના ભૂતકાળના પ્રેમીની માંદગી છે. આગલા પ્રેમીની બીમારીના ઊડતા સમચાર સાંભળીને બાઈને માનસિક આઘાત લાગ્યો છે. તેથી તેનો પતિ એટલે કે વાર્તાકથક હું તેની પત્નીના સુખ માટે સામે ચાલીને અજમેરમાં રહેતા પ્રેમી પાસે લઈ જવા માટે નીકળ્યો છે. બાઈનો પ્રેમી લશ્કરમાં મોટી પાયરી પર છે, તે પોતે સામે ચાલીને જાતે પ્રેમી સાથે તેનો મેળાપ કરાવવા લઈ જઈ રહ્યો છે. ભલમનસાઈ, સારપતા બતાવે છે. કાનપુર સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પ્રેમીને આપવા માટે હું ફૂલછડી લાવે છે. બાઈને આપી. ટ્રેનયાત્રાનો પહેલો મુકામ દિલ્હીનું નવું સ્ટેશન છે. ત્યાં દિલ્હીના જૂના સ્ટેશને ઘોડાગાડીમાં પહોંચીને અજમેર જતો મેઈલ પકડવાનો હતો. તેથી ત્રણેય જૂની દિલ્હીના સ્ટેશન પર રાત્રે પહોંચે છે. ત્યાં તો અનેક ગાડીઓની અવરજવર થતી હોય. હું ની જરા આંખ લાગી જાય છે ને જાગે છે ત્યારે તેના મેઈલનેઊપડતો ભાળે છે એટલે ત્રણેય દોડતાં અંદર ઘૂસે છે. પણ ટ્રેન તો બીકાનેર સુધીની જ હતી. તેઓ ઉતાવળમાં ખોટી ટ્રેનમાં બેસી ગયાં હતાં. બીકાનેરથી અજમેર પહોંચવા માટે વિચારે છે. ત્યાં હું ને વિચાર આવે છે કે તેના કોઈ દૂરના સગા બિકાનેરમાં લશ્કરમાં છે. તેથી ત્યાં રોકાઈને બીજે દિવસે અજમેર જવાનું વિચારે છે. બાનુ પણ તેને સાથ આપે છે. ઘર શોધતાં તેઓ ફરતાં હોય છે ત્યાં એક મકાનના ઝાંપા પર ખોસેલા પૂંઠાના બૉર્ડ પર નામ લખેલું હતું. સુબેદાર મેજર સોહન સીંઘ. આ નામ તો એના બાઈના પ્રિયતમનું હતું. જોકે કોઈકે અળવીતરું કરીને મોહનનું સોહનસીંઘ કરી નાખેલું એવું અનુમાન કરીને તેમણે તો પાકું માની જ લીધું. બાઈ તો બીમાર હતી. તેની પાસે દલીલ કરવા માટે તર્કશક્તિ જ ન હતી હું બાનુને વિશ્વાસ આપવા માટે દલીલ કરે છે કે અહીંના લશ્કરી વડામથકમાં તેના પ્રિયતમને સારી સારવાર મળે તે હેતુથી એની બદલી અહીં થઈ લાગે છે. બધાં બેઠકખંડમાં ગોઠવેલી આરામ ખુરશીમાં બેઠાં. સામેની ભીંત પર ઊંચા મોટા કદની છબિ ટીંગાડેલી. બાઈએ આપેલો પ્રિયતમનો નાનો ફોટો તે બાનુને બતાવે છે. પણ બાનુને સંશય થયો તેથી બીમારીને કારણે સિકલ બદલી ગયાનું હું કારણ આપે છે. બાઈ પોતાની સાથે બટવો લાવી હતી. જેમાં દાગીના હતા ને ત્યાં અંધારિયા ઓરડામાંથી આછું આછું ગર્જન ઊઠતું સંભળાતું હતું. બાનુ રજા લઈને નીકળે છે. આવજો કહીને બ્હાવરાની જેમ નીકળી પડે છે. બાઈએ પણ મલકાટથી તેમને આવજો કહ્યું. અંદરના ભાગમાંથી એક પશુ લાંબી તરાપ મારી બારણામાં લપકે છે. હું નીચે સરી પડેલી ફૂલછડીને ઉઠાવી કમ્પાઉન્ડમાં આવે છે. બહાર સરિયામ માર્ગ પર આવીને તેણે રીક્ષા પકડી. ગર્જના સંભળાતી હતી તે ઘરમાં બાઈને એકલી છોડીને સ્ટેશને પહોંચે છે. ત્યાં તેણે બાનુને મજૂર સાથે મોટા સાદે વાતો કરતી ભાળી. પ્લૅટફોર્મ પર આવીને તેણે છેક છેવાડેના બાંકડા પર લંબાવતાં હળવાશ અનુભવી. મોકળાશથી સૂતી વેળા હાથમાંની ફૂલછડીને એક ઝટકા સાથે ફગાવી, દૂરના પાટાઓ પર ઘા કર્યો. હું પોતાની અંદરથી કતાર બંધ બોગીઓ વેગભેર ધસમસતી અનુભવે છે. ભલમનસાઈ અને સારપતાની ભાવના સાથે નીકળેલો હું પોતાની અસ્થિર મગજની પત્નીને પ્રિયતમ સાથે મેળાપ કરાવવાને બહાને એક અજાણ્યા માણસના બંગલે છોડીને રાહત અનુભવે છે તે હું નું વર્તન અતિ આઘાતક છે. વાર્તાકારે વાર્તાના આરંભથી ટ્રેનની ગતિની સમાંતરે બદલાતા જતા પરિવેશનું સાતત્યપૂર્વક નિરૂપણ કર્યું છે. એ પ્રતીકાત્મક નિરૂપણ જીવનની ગતિની નિરર્થકતાને સૂચવે છે. ચારેય પાત્રોની દામ્પત્યજીવનભાવના પણ કેવી અસંગતિભરી છે. બાનુને પતિપ્રેમ બદલ મળેલું વળતર દુઃખદાયક છે. તો બાઈને મળેલી પતિની ઉદારતા એ છળ છે. બંને પુરુષોએ પોતાની સ્ત્રી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અસ્થિર મગજની સ્ત્રીને જંગલી પ્રાણી આગળ છોડીને ભાગી આવવું કેવી ક્રૂરતા! વાર્તાકારે પરિવેશ દ્વારા અર્થવ્યંજનાને સમૃદ્ધ બનાવી છે તેનું એક ઉદાહરણ : ‘ટ્રેને હૂઉઉઉપ્‌ એવો ઘેરો અવાજ કર્યો; નીરવ દિશાઓ ગર્જી ઊઠી. પાટાઓની સમાંતરે, પાણીના ખાબોચિયાંની લીલોતરી પરથી પક્ષીઓનું ટોળું ફફડાટા મારતું, ચહેકતું ઊડ્યું. એક પંખી ડબ્બાની ધાર ઉપર ઊડી ઊડીને, ટકરાવાની અણી પર આવી, ઊંચે અધ્ધર તોળાયું, અદૃશ્ય થયું. થોડાક અંતરે, નદી પર પથરાયેલા માઈલેક લાંબા પુલ પરથી ટ્રેન પસાર થઈ. એકાએક અવકાશમાં સામ સામે વિરાટ ખડ્‌ગો અથડાતાં હોય એવા અવાજોનું તૃમુલ મચ્યું. આગળ, ઊંચી પથરાળ ભૂમિ હોવાથી આજુબાજુનાં નીચાણની ગીચ વસ્તીઓ, તેમનાં છાપરાંઓનો વિસ્તાર લઘુ આકારોવાળો, મનુષ્યાકૃતિઓ છેક વામણી, તેમનાં માથાંઓનાં કાળાં ટપકાં – સર્વ કાંઈ નાસભાગ કરતું, ક્ષણાર્ધ ચગડોળાતું એકમેક સાથે ઝપાઝપીનો દેખાવ ધરતું હતું. એ લિફ્ટ સ્વર્ગથી ઊતરી : કિશોર જાદવે આરંભકાળની વાર્તાઓ વડે મનુષ્યના આંતરવિશ્વનાં અગોચરને આકાર આપ્યો હતો. ઈ.સ. ૧૯૯૫-૯૬ના વર્ષ પછીની વાર્તાઓ વડે બહારના જગતની સંકુલતાને આકારિત કરી છે. આધુનિક ભૌતિક જગતની આંજી નાખતી ભૂખાળવી બજારુ સંસ્કૃતિના આક્રમણ વચ્ચે મનુષ્ય તદ્દન નગણ્ય બની ગયો છે. સામાન્ય માણસની જિંદગીમાં ઘટતી દારુણ ઘટનાઓને સાંભળવા-સમજવા માટે કોઈની પાસે સમય નથી. ચારે બાજુ દારૂ, જુગાર, દેહવિક્રયો અને જલસા પાર્ટીનો શોરબકોર વધી રહ્યો છે. એ શોરબકોરમાં માણસની લાલચ વધતી જ ચાલી છે. એવા વાતાવરણમાં કોઈની મૂંઝવણનો ધબકાર સાંભળવાની કોને પડી છે? મહાનગરની વિભીષિકા આલેખાતી ‘એ લિફ્ટ સ્વર્ગેથી ઊતરી’ વાર્તા એક ઘટનાપ્રધાન લાંબી વાર્તા છે. જોસેફ નામનો એક ધંધાદારી વ્યક્તિ દિલ્હીમાં પોતાની પેઢીના નાણાકીય વ્યવહારનું સેટલમેન્ટ કરવા આવ્યો છે. તેમની પત્ની ડેનીને સંપત્તિની મોટી લાલચ હતી. તેથી નાણાંની લેવડદેવડમાં ખોટ આવી ત્યારે તેણે જુગારખાનું શરૂ કરેલું ને તેમાં પણ તેણે બધી જ સ્થાવર મિલકત ગુમાવેલી. જોસેફ પત્નીની સંપત્તિભૂખથી ડરતો હતો. સમય જતાં તેની પત્નીએ આર્થિક સદ્ધરતા તો મેળવી પણ એની પેઢી ફડચામાં જવાની હતી. તેથી પેઢીને બચાવવા માટે દિલ્હીના કોઈ શેઠને લાખ રૂપિયાની લાલચ આપીને પણ બધું સમુંસૂતરું કરવા માટે તેને પત્નીએ ધકેલ્યો હતો. તે જ્યારે દિલ્હી આવતો ત્યારે જયચંદ નામના વ્યક્તિની હૉટલમાં જ ઊતરતો. પણ આ વખતે જગ્યા નહોતી તેથી એક રાત માટે તેણે દૂરના યાત્રીનિવાસમાં ઉતારાની વ્યવસ્થા કરી આપી. જયચંદ ટૅક્સી બોલાવીને તેને યાત્રીનિવાસ પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. જોસેફ પાસે બે બૅગ હતી. મોટી બૅગમાં તેનો સામાન અને હૅન્ડબૅગમાં એક લાખ રૂપિયા. તેથી તે હૅન્ડબૅગને જીવની જેમ સાચવે છે. જયચંદની હૉટલથી રાત્રિના સમયે નીકળેલો ટૅક્સી ડ્રાઇવર નાનાં મોટાં સ્થળોની – શરાબખાનું – જુગારખાનું નાઈટ ક્લબની – મુલાકાત લેતો લેતો મોડી રાત્રે યાત્રીનિવાસ પહોંચાડે છે. જોસેફની આંખો એ બહુરંગી સૃષ્ટિનાં તેજથી અંજાતી રહે છે. પણ તેને તો પોતાની પેઢીની – ડેનીના હુકમની – લાખ રૂપિયાની વધારે ચિંતા હતી. બીજે દિવસે સવારે આખી રાત ચાલેલી પાર્ટીના કચરાથી હૉટેલ ગંધાતી હતી. બધી લિફ્ટ પણ શાન્ત નિર્જીવ પડેલી. નોકરનો પત્તો ન હતો તેથી જોસેફ શેઠ પાસે પહોંચવાની ઉતાવળમાં લિફ્ટમાં દાખલ થઈ જાય છે પણ ભૂલથી નીચે જવાનું બટન દબાવવાને બદલે ઉપર જવાનું બટન દબાવી દે છે. લિફ્ટ વારંવાર ચડઉતર કરતી અંતે નીચે પટકાય છે ને જોસેફ બેભાન થઈ ઢળી પડે છે. જયચંદ બપોરે જોસેફની પત્નીના ફોનથી તેને લેવા માટે યાત્રીનિવાસ આવે છે. પણ જોસેફનો પત્તો લાગતા નથી. તેની તોતિંગ સૂટકેસની કલ તોડીને ખોલાવે છે પણ તેમાં તો કપડાં જ હતાં. યાત્રીનિવાસનો મૅનેજર જગ મશહૂર ગાયિકા શાકીરાની જ પ્રશંસા કર્યા કરે છે. શાકીરાનો ઉતારો યાત્રીનિવાસમાં થવાનો હતો. તેની તૈયારીમાં સૌ વ્યસ્ત હતાં. સંભવ છે જોસેફનું લિફ્ટમાં જ મરણ થયું હોય ને લાખ રૂપિયાની હૅન્ડબૅગ યાત્રીનિવાસના મૅનેજરે જ તફડાવી લીધી હોય. જયચંદ અને તેના સાથીઓને પણ તેમાં જ રસ હતો. વાર્તાનું ‘એ લિફ્ટ સ્વર્ગથી ઊતરી’ એના ધ્વનિ પ્રમાણે લિફ્ટ જાણે કે આ સ્વાર્થી, લોલુપ દુનિયાથી જોસેફને મુક્તિ અપાવનાર સાબિત થઈ. મુક્તિદાતા લિફ્ટ! નર્કથી સ્વર્ગ તરફ લઈ જનારી! વાર્તાકારે દિલ્હીની રાત સમયની ગુનાહિત અને ભૂખાળવી જિંદગીનું નિસર્ગવાદી ગદ્યશૈલી વડે વર્ણન કર્યું છે. સર્જકશબ્દની ફૉટોગ્રાફિક શક્તિનો અહીં અદ્‌ભુત અનુભવ થાય છે. વાર્તાકારની ગદ્યશૈલીનો વેગ મહાનગરની આંતરિક સૃષ્ટિનો વેગીલો રોમાંચ મૂર્ત કરે છે. એ વેગીલા રોમાંચમાં જોસેફને પણ ડૂબવાનું આકર્ષણ હતું – ક્ષણોને જીવી લેવાની ધખના – પણ એ ભોગવી શકે તેટલો બેફિકર – બિન્દાસ્ત નહોતો.

ચિહ્નકાંડ :

અતિશય આઘાતક ને રુંવા ખડાં કરી દે તેવી કથાસામગ્રીવાળી આ લાંબી ટૂંકી વાર્તા સ્ત્રી હૃદયની વ્યથાની કથા છે. વાર્તાનું પ્રધાન સ્ત્રીપાત્ર બેલા ઝાખડ છે. તેનું મૂળ નામ શબનબ હતું. વાર્તાનો આરંભ બેલાની માના મરણના સમાચારથી થયો છે. બેલાની મા સિદ્ધેશ્વરી બાઈએ આપઘાત કર્યો હતો. તે નારી કલ્યાણ ગૃહમાં રહેતી હતી. માના મરણના સમાચાર જાણી બેલાને ઝીણું કળતર થવા લાગ્યું. પગના ઢીંચણોમાં અશક્તિ. બેલા પોતાનું ભાવિ માના ભાવિ જેવું જ કલ્પતી હતી. તેને પોતાના સુખચેનના દિવસો યાદ આવી ગયા. પિતા રાજેશ્વરનાથ. ખાનગી પેઢીમાં હિસાબનીસ. પછી પેટ્રોલ પમ્પ પર. દામ્પત્યજીવનની પહેલાં મા તકમનીગંજમાં તવાયફ હતી. એક સાંજે બંને ફરવા નીકળ્યાં ત્યારે માની અસલિયત જાણતાં શરાબી શખ્સોએ માની મશ્કરી કરી. પિતા એક કમબખ્ત સિપાઈના કાવતરાંનો ભોગ બન્યા. જેલવાસ થયો. અપરાધભાવ સહન ન થતાં પિતાએ આપઘાત કર્યો. માના અતીતના ઓછાયાથી બચવા બેલાએ દૂર શહેરના અજાણ્યા ખૂણે ભાડાની અલગ ઓરડીનો બંદોબસ્ત કર્યો. પિતાના મૃત્યુ માટે જવાબદાર સિપાહી વીરભદ્ર ઢામા હતો. ઢામાએ એક કુટુંબને વેરણછેરણ કરી નાખ્યું. બેલા પોતાનું જૂનું નામ બદલીને બેલા ઝાખડ તરીકે ઢામાની કૅમિકલ ફેકટરીમાં જ નોકરી કરતી હતી. બેલાએ માણસે ઘડેલું ન્યાયતંત્ર ઢામાને સજા કરી શક્યું નહિ તેથી વિધાતાના ન્યાયતંત્રની યોજના ઘડી. માતા-પિતાનો પ્રતિશોધ લેવાની ઘટના. તેમાં પણ માનો ખાસ. પ્રતિશોધની યોજના પાર પાડવા તેણે પોતાના ચારિત્ર્ય સ્ખલન - કૌમાર્યભંગની - મોટી કિંમત ચૂકવી. કુખ્યાત વગોવાયેલા લત્તામાં જઈને એક સૈનિકને પોતાનું શરીર ધરી દે છે વેશ્યા તરીકે, ત્યાંથી નીકળીને તે વીરભદ્ર ઢામાના બંગલે જાય છે. તેણે અગાઉ ઢામાને ફોન દ્વારા જાણ કરી હતી કે કંપનીના કેટલાક નોકરો ચળવળ કરવાના મૂડમાં છે. તેનાં નામ આપવા માટે તે મળવા માંગે છે. ઢામાએ સમ્મતિ આપી. ઢામા તેમની પત્નીના મરણ પછી વારસામાં મળેલી અઢળક સંપત્તિનો માલિક હતો. બેલા ઢામાને મળે છે. ગભરાયેલી છે. પણ બે-ચાર નામ આપી દે છે. ને ઢામા પાસે પાણી મંગાવે છે. ઢામા પાણી લેવા જાય છે એટલા વખતમાં બેલા ચાલાકીથી ટેબલના ખાનામાં પડેલી પિસ્તોલમાંથી ગોળીઓ છોડે છે. ઢામાની હત્યા કરી નાખી. એ પછી તેણે પોતાના પર ઢામાએ બળાત્કાર કર્યો છે તેની નિશાનીઓ રૂપે કપડાં ફાડી નાખે છે. ચહેરા પર ઢામાના નખનું ચિહ્‌ન કરે છે. ને ફોન દ્વારા પોલીસને જાણ કરી પોતાના પર થયેલા બળાત્કારની ઘટનાની, તેણે કરેલા ખૂનની. બેલાના બયાનથી બધાં માની ગયાં. સમય, સંયોગોનું પરિણામ તે ચિહ્નકાંડ. અતિ આઘાતક ઘટના નિરૂપણને વાર્તાકારે ચુસ્ત કથાસંકલન વડે સચોટ બનાવ્યું છે. વાર્તાના આઘાતક અંતનું રહસ્ય સરસ રીતે ઘૂંટ્યું છે. પરંતુ આ વજનદાર ઘટનાને વ્યંજનામાં રૂપાંતરિત કરનાર કલાત્મક તત્ત્વ પરિવેશ નિરૂપણનું છે. ડિમાપુરના રસ્તાઓ, રેલ્વે સ્ટેશન, જાહેર ખુલ્લી બજારો, કુખ્યાત વગોવાયેલા લત્તાઓમાં વાસનાગ્રસ્ત માનવમેદની, પાટાઓ પર પછડાતા ડબ્બાઓ, ખખડતાં એન્જિનો અને ઑવર બ્રિજ આસાપાસની ખીચોખીચ માનવભીડ, ઢામાનો બંગલો, ઢામાનો ક્રૂર ને વિકરાળ દેખાવ, ચરબીથી લથબથ શરીર, શરાબઘરમાં નશાખોરોની ભીડ – આ ઘાટા વિરૂપ પરિવેશની વચ્ચે બેલા ઝાખડ નામની એક વીસ વર્ષની યુવતી પોતાના હાડમાંસમાં માની પીડા અનુભવે છે. તેથી તે બેચેન છે. પ્રતિશોધ તેના અસ્તિત્વનો, પીડામુક્તિનો પર્યાય છે. કદાવર, બરછટ ને ટૂંકા કદનો સૈનિક જ્યારે તેના શરીરને ભોગવતો હતો તે સમયની તેની માનસિક ભીંસને વાર્તાકારે એંજિનના પ્રબળ અવાજો વડે તીવ્ર બનાવી છે : ‘શરીરમાં જાણે શૂન્ય પ્રસાર હતો. ત્યાં દૂરની શેરીઓનાં ઊંડાણમાંથી કશો ઘરઘરાટ અવાજે ઊઠતો સંભળાયો. સ્ટેશન પર એન્જિન વરાળ ઓકતું હતું. મોટાં મોટાં પૈડાં જડતાના સકંજામાંથી મુક્ત થવા ધણધણી ઊઠતાં હતાં. રાક્ષસી આંચકા સાથે ધક્કો વાગ્યો. કારમો ચિત્કાર નાંખી પછડાટ ખાતાં, ગતિસંચાર થયો. હવે, બધા પાટાઓ ચૂરમાર થઈ, વજ્રભીંસમાં ચપ્પટ થતા હતા. ઉપરાતળી સિસકારા ભરતું, સ્ટેશન ગજવતું, કારી ધ્રૂજારી ફેલાવતું એન્જિન ને અંતરિયાળમાં ઊઠતી ચિચિયારીઓ : ‘મા, તારાં હાડમાંસ...’ તેના મોંએ ફૂસફૂસાટ સરી પડ્યો.’ વાર્તાકારની તીવ્ર વેગે કથા કથનની રીત ભાષાસિદ્ધિ વડે અસરકારક બની છે. પાત્ર, સ્થળ, સમય, પ્રસંગ કે પદાર્થનાં ફૉટોગ્રાફિક વર્ણનોએ વાર્તાને સજીવ બનાવી છે.

વાડી :

‘એ માણસ વાડીમાં ગોડવા-નીંદવાના કામમાં પરોવાયેલા હતો. દૂરના ઉત્તર પ્રાન્ત શહેરનો એ નિવાસી દરિદ્ર હતો. એથી એની જમીન રણદ્વીપના કિનારાની લગોલગ હતી. મધ્યાહ્‌ન વેળા આખો વખત એ આમ ઢાળિયા અને નાની મોટી નીકો ખોદવામાં મચ્યો રહેતો. પાણીનો ખળખળીયો દાડમના છોડરોપાને સીંચતો. વાડીની ધરાને રત્નજડિત ચમકથી મઢાયેલી જોઈ, ને એ મોટી શીલા પર પલાંઠી વાળીને બેઠો. આ સમસ્ત રણદ્વીપમાં એના જેવી ઝળુંખતી, લસલસતી, સમૃદ્ધ વાડી ક્યાંય છે જ નહિ.’ જાતમહેનતથી, કઠોર પરિશ્રમથી પોતાની વાડીને લીલોતરી કરનાર એક ગરીબ વ્યક્તિની સરળ જિંદગીને ઈર્ષા, લોભ, વહેમ અને શંકા-કુશંકા જેવી નકારાત્મક વૃત્તિઓ કેવી ક્રૂર રીતે ખતમ કરી નાખે છે તેનું સરળ પ્રવાહી કથનશૈલીમાં નિરૂપણ છે. પોતાની જાતમહેનતથી રણદ્વીપ વચ્ચે સુંદર વાડીનું સર્જન કરનાર આ ગરીબ માણસને મન વાડીનું સૌંદર્ય જ સર્વસ્વ હતું. તેનાથી એ પ્રસન્ન પ્રસન્ન રહેતો. પરંતુ તેના આ પ્રસન્ન રહેવાના સુખનું રહસ્ય ન તો એની પત્ની અનુભવી શકે છે ન તો માનવ સમાજ. તેની પ્રસન્નતા જોઈને પત્નીને શંકા જાય છે કે તેને સોનામહોરો મળી છે. તેથી એ ધન મેળવવા માટે તે જડીબુટ્ટીઓમાંથી બનાવેલુ ઔષધ તેને પીવડ્યા રાખે છે એને કારણે તે ગરીબ માણસ શારીરિક પીડાનો ભોગ બને છે ને પત્નીનો લોભ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે ઔષધનો મોટો ગાંગડો ખવડાવી દે છે. આથી તે બોલતો બંધ થઈ જાય છે. જીભ ઝલાઈ જાય છે. આથી ગભરાઈને તેની પત્ની ભાગી જાય છે. થોડા દિવસોમાં તે ફરી સ્વસ્થ થાય છે ને વાડીનું જતન કરતો ફરી એ જ સંવાદી જીવનલયથી પ્રસન્ન રહે છે. રાત્રિના અંધકારમાં ઝબૂકતા આગિયાઓના પ્રકાશ જેવો પ્રકાશ તેમની ચેતનામાં ઝબૂક્યા કરે છે. પણ તેના નિરપેક્ષ, નિસ્પૃહી જીવનશૈલીની ફરી પૂજારી અને ઈમામને ઈર્ષા થાય છે. તે બંનેને સવાલ થાય છે કે તે ક્યારેય પૂજા-અર્ચના કરતો નથી કે નથી પઢતો નમાઝ. બંને જ્યારે તેની વાડીની સમૃદ્ધિ પાછળ ઈશ્વર-અલ્લાહનો પ્રતાપ ગણાવે છે તે ના પાડે છે. વાડીની લીલોતરી માટે તેમનો શ્રમ, મહેનત અને લગન છે એવું માને છે. આથી બંને ધર્મગુરુઓ ગામવાસીઓને ઉશ્કેરે છે. તેની પત્નીનો હત્યારો ગણાવે છે ને બધાં ભેગાં મળીને પાવડા કોદાળીથી તેમને ખતમ કરી નાખે છે. પાણીના ખળખળિયામાં જ્યારે સૂર્યાસ્ત સમયના લાલ રંગની છાયા પડતી અને તેને જોઈને તે પ્રસન્ન થતો એ જ ખળખળિયામાં તેનું લાલ લોહી વહેતું રહ્યું. તેનો કરુણ અંત વિના અપરાધે! એ રણદ્વીપમાં રેતીની આંધી આવે છે ને વાડીની લીલોતરી પર રણરેતના ઢૂવાઓની લાંબી પહોળી હારમાળાઓ વિસ્તરતી જાય છે. વાડીનું નામોનિશાન ન રહ્યું. તેની લાશ એ ઢૂવામાં ધરબાઈ ગઈ. બે ધર્મગુરુઓ અને ટોળું તેની લાશને સગેવગે કરવા આવે છે પણ ત્યાં નહોતી લાશ કે નહોતી વાડી બધાં ખુશ થાય છે! ટોળાંની ક્રૂરતાની પરાકાષ્ઠા ધર્મગુરુ દ્વારા બોલાતા શબ્દોમાં છે! નરી નિષ્ઠુરતા : ‘ચાલો સૌ, એના નામનું નાહી નાખીએ, રણદ્વીપનાં પાણીમાં છબછબિયું કરી લઈએ. ડૂબકી મારી લઈએ. તરસેય જીવ ઝલાઈ ગયો છે ગળે શોષ પડ્યો છે...’ કિશોર જાદવે માણસના જીવનની અસંગતિનું સત્ય બોધકથાની કથનશૈલીમાં વ્યક્ત કર્યું છે. વ્યક્તિની સ્વતંત્રતા, ટોળાંની માનસિકતા, વ્યક્તિ અને સમાજ વચ્ચેની દૂરતા, નિજાનંદી હોવાનો અપરાધ અને તેની સજા આવા માનવઅસ્તિત્વ સંલગ્ન પ્રશ્નો ઊભા કર્યા છે. સમાજના રૂઢિ બંધનોથી નિરપેક્ષ જીવનશૈલીને ટોળું પોતાની ઘરેડ જીવનશૈલીમાં ઢસડી જવા માટે જે અત્યાચારો કરે છે તેવી માનવસમાજની સંરચના વાર્તાકારે અંતે પ્રગટપણે દર્શાવી છે : બળબળતી રણરેતના અખૂટ ઢગ તેમની આગળ પાછળ જાણે ઘુમરીઓ લેતા હતા. તેમાં દિશાશૂન્ય બની સૌ નાસતા હતા. તેમની દૃષ્ટિ સામે દૂરદૂર પેલે પાર પાણીના ઝરાઓ ફૂટતા જણાયા, ઝરાઓના ચટાપટા બધે ચકચકતા, નાસભાગ કરતા હતા. એ રણદ્વીપ હતો કે ઝાંઝવાં, કળી શકાતું નહોતું. એમણે દોટ ચાલુ રાખી.’ ‘કાલ્પી’થી ‘વાડી’ પર્યંતની કિશોર જાદવની વાર્તાસૃષ્ટિ મનુષ્યજીવનનું કલ્પન છે. જે મનુષ્યની અંતઃચેતનાના બૃહદ્‌ સત્યની ઉક્તિ છે. અંતે નોંધ રૂપે ઉમેરું કે જે વાર્તાઓની આ સંપાદકીયમાં નોંધ નથી કરી તે વાર્તાઓની નોંધ જુદા જુદા સંદર્ભ ગ્રંથોમાંથી મળશે. એ સંદર્ભગ્રંથોની સૂચિ કિશોર જાદવની ગ્રંથસૂચિમાં છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi2005@yahoo.com