ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કિશોર પટેલ
સમીરા પત્રાવાલા
પરિચય
જન્મ : ૧૨ સપ્ટેમ્બર ૧૯૫૨ જન્મસ્થળ : મોસાળનું ગામ-વાંઝણા (નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાનું એક ગામ) અભ્યાસ : શ્રી કિશોર પટેલે મુંબઈમાં વિલેપાર્લે ખાતેની શ્રીમતી ગોકળીબાઈ પુનમચંદ પીતાંબર હાઈસ્કૂલ ખાતે જૂનું મેટ્રિક (અગિયારમું ધોરણ) કર્યું. સમાજશાસ્ત્ર વિષય જોડે મુંબઈ યુનિવર્સિર્ટીમાંથી સ્નાતક થયા. તાર-ટપાલ ખાતામાં છ વર્ષ અને ત્યાર બાદ દેના બૅંકમાં ૩૨ વર્ષ એમ બે નોકરીઓમાં કુલ ૩૮ વર્ષ સેવા આપી હાલમાં તેઓ નિવૃત્તિ માણી રહ્યા છે. નોંધનીય પ્રવૃત્તિઓ : શેતરંજની રમતના તેઓ આંતરરાષ્ટ્રીય ક્રમાંકિત ખેલાડી છે. ઑલ ઈન્ડિયા ઇન્ટરબૅન્ક ચેસ ટુર્નામેન્ટમાં લાગલગાટ દસ વર્ષ સુધી દેના બૅન્કનું પ્રતિનિધિત્વ કર્યું છે. નાલાસોપારા ખાતે ૧૯૯૪-૯૫-૯૬ એમ ત્રણ વર્ષ સુધી જાહેર શેતરંજ-સ્પર્ધાનું આયોજન કર્યું છે. યોગના સર્ટિફાઈડ પ્રશિક્ષક છે. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર ૧૯૭૧થી ૧૯૭૫ સુધી એમ પાંચ વર્ષ વિવિધ મંડળીઓ જોડે નિર્માણસહાયક તરીકે એમણે કામ કર્યું છે. એમના એક હિન્દી નાટક ‘આઈને કે અંદર કા આદમી’ને સાહિત્ય કલા પરિષદ, દિલ્હીનો વર્ષ ૨૦૧૨નો મોહન રાકેશ સન્માન પુરસ્કાર મળ્યો છે. કિશોર પટેલ હાલમાં છેલ્લા પાંચ વર્ષથી આપણા સામયિકોમાં પ્રગટ થતી સાંપ્રત ટૂંકી વાર્તાઓ વિષે સોશિયલ મીડિયામાં નિયમિતપણે નોંધ પ્રગટ કરતા આવ્યા છે. ‘એતદ્’ સામયિકમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટૂંકી વાર્તાઓનું વાર્ષિક સરવૈયુંના લેખો પ્રગટ થયા છે, જે હવે પછી ‘પરબ’માં પ્રસિદ્ધ થશે. છેલ્લાં ચારેક વર્ષથી મરાઠી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓમાંથી ચૂંટેલી વાર્તાઓનો અનુવાદ આપણી ભાષામાં કરતા આવ્યા છે.
૦૦૦
વાર્તાના રસિકો વચ્ચે કિશોર પટેલ નામ હવે અજાણ્યું નથી રહ્યું. ૧૯૮૬થી ૨૦૦૨ સુધી કિશોરભાઈએ ‘સમકાલીન’, ‘ગુજરાતી મિડ-ડે’ અને ‘જન્મભૂમિ’ જેવાં મુંબઈના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબારોમાં નાટ્યસમીક્ષાની અઠવાડિક કટાર નિયમિતપણે લખી છે. એક વાર્તાસંગ્રહ ‘ડિવોર્સ @ લવ.કોમ’ (૨૦૦૯), એક લઘુનવલ ‘સ્ટેલમેટ’ અને એમના પિતાનું જીવનચરિત્ર ‘એક લીમડાની વાત’ એમ કુલ મળી એમનાં ત્રણ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. વાર્તાસંગ્રહ ‘ડિવોર્સ @ લવ.કોમ’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો વર્ષ ૨૦૧૦નો રામનારાયણ પાઠક પુરસ્કાર તેમ જ કલાગુર્જરીનો વર્ષ ૨૦૧૦નો એવૉર્ડ મળ્યો છે. આ સિવાય એમની પાસેથી વીસેક જેટલી અગ્રંથસ્થ વાર્તાઓ મળે છે, જે ‘મમતા’, ‘પરબ’, ‘જલારામદીપ’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ જેવાં અનેક પ્રખ્યાત સામયિકોમાં છપાઈ ચૂકી છે. કિશોર પટેલના પહેલા વાર્તાસંગ્રહ ‘ડિવોર્સ @ લવ.કોમ’ની ચૌદ વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે તેઓ વાર્તાકળા વિષે ઊંડી સમજ ધરાવે છે, માનવજીવનની આંટીઘૂંટી એમના સંવેદનાજગતને બરાબર ધમરોળે છે અને એટલે જ એમની પાસેથી વિવિધ પ્રકારની વાર્તાઓ જડી આવે છે. જેમાં મુખ્યત્વે નોકરિયાત વર્ગની જિંદગી, પિતા-પુત્ર વચ્ચેનો શીત સંઘર્ષ, લેખકની વિટંબણાઓ, નીચલા વર્ગની લાચારી અને નારીનું અપરિચિત સ્થિતિમાં મુકાવાનું કલ્પન જેવા વિષયો જોવા મળે છે. કિશોરભાઈની વાર્તાઓમાં જોવા મળતાં સ્ત્રીપાત્રો મોટાભાગે રમતિયાળ હોય છે અથવા અપરિચિત માહોલમાં પ્રવેશ કરે એવી હિંમતવાળાં હોય છે. આ વાત એમને બીજા વાર્તાકારો કરતાં થોડાક અલગ પાડી દે છે. જેમકે, ‘સુમન રમત રમતી હતી’ એમની ઉત્તમ વાર્તાઓ પૈકી એક કહી શકાય અથવા આ વાર્તાને એમની ‘હસ્તાક્ષર વાર્તા’ પણ કહીએ તો ચાલે. આ વાર્તાની નાયિકા એવી સુમન મુક્ત રીતે અડધી રાતે પાડોશીના ઘરે જવાની, એની સાથે ફરવાની, અને એની સાથે સમય પસાર કરવા કેરમ જેવી રમત રમવાની ચેષ્ટા કરે છે. વાર્તામાં જુઓ તો મુક્તપણે કલ્પનાવિહાર જોવા મળે છે. આ છતાંય એને જે કલાત્મકતાથી પીરસવામાં આવ્યો છે એ તદ્દન વાસ્તવિક અથવા ગળે ઉતરી જાય એવું છે. અહીં નારીના ગ્લેમરસ વર્ણનને સ્થાને એવી સ્ત્રીનું કલ્પન રજૂ થયું છે, જે સ્ત્રીના હોવાપણાનો ઉત્સવ કરે છે. સુમનના પાત્ર સાથે વાચકને પ્રેમ ન થાય તો જ નવાઈ લાગે. અહીં રહસ્યને પણ છેક સુધી અકબંધ રાખવાનું લેખકે સુપેરે પાર પાડ્યું છે. એટલે જ આ વાર્તામાં થયેલી કારીગરી ધ્યાનાકર્ષક છે. જો કે, આ જ પાત્ર ક્યાંક્ને ‘કોણે લખી આ વાર્તા’માં થોડી અલગ સ્થિતિમાં ફરી મૂકાયું હોય એવું લાગે. આ ઉપરાંત ‘થેન્ક ગોડ’, ‘ઓહ ગોડ’ અને ‘વમનરાય વિ. મહેતા’ આ બધામાં આવેલી નાયિકાઓ ક્યાંકને ક્યાંક એવું દર્શાવે છે કે લેખક બહુ દૃઢપણે માને છે કે નારીના ઇશારાઓ કળવા અઘરા છે. આ વાર્તાઓમાં આવતી બધી જ નાયિકાઓને લેખક ઘરની બહાર અનોખી દુનિયાનો વિહાર કરે છે. અહીં બહુ જ સરળ રીતે લેખક નારીઓના ગૌરવપૂર્ણ સહઅસ્તિત્વને સહજ રીતે સ્વીકારવાનું સૂચન કરે છે. મુખર થયા વગર નારીઓની આવી લેખની કાબિલેદાદ છે. શ્રી કિશોર પટેલ મૂળે તો ચીખલી બાજુના એટલે વતનપ્રેમ અને પ્રાદેશિક બોલીને વાર્તામાં ન લાવે તો જ નવાઈ. એમની ઘણી વાર્તામાં ચીખલી અને વાંસદા જેવાં સ્થળો આવે છે. ‘મારો સૂરિયો’ એ પ્રકારની એક વાર્તા છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રાદેશિક ભાષાનો છૂટેહાથે ઉપયોગ થયો છે. અહીં ‘સાહેબજી’ જેવો લોકબોલીનો શબ્દ જોવા મળે છે. આ શબ્દ એમની અન્ય વાર્તાઓમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. લોકબોલી સિવાય પણ આ વાર્તા એ રીતે નોંધનીય છે કારણ કે એમાં દર્શાવેલું ગામડું, ઝૂંપડી, લોકજનો અને એની સાથે જોડાયેલાં દરેકે દરેક દૃશ્ય આજના વાચકને એક નોખી દુનિયામાં લઈ જાય છે. માતા-પિતાનો પુત્ર માટે વ્યક્ત થતો ઝુરાપો ક્યાંકને ક્યાંક પન્નાલાલ પટેલની ‘વાત્રકના કાંઠે’માંની નવલનો એના બંને પતિઓ માટેના ઝુરાપાને મળતો આવે છે. હાલાંકિ પાત્રો અહીં બહુ જ જુદાં-જુદાં છે, પણ લેખક સંવેદનનું ઊંડાણ એ કક્ષાએ લઈ જઈ શક્યા છે એવો ભાવાર્થ છે. જોકે, લેખકને મા અને પુત્ર કે પુત્રી વચ્ચેનો સંબંધ આકર્ષે છે એ આગળ પણ એમની અમુક વાર્તા થકી જણાયું છે. એમની વાર્તા ‘આ મારી મા નથી’માં જુદી રીતે વ્યક્ત થાય છે. રેખા નામની એક છોકરી પોતાનાથી અલગ રહેતી માને મળવા આતુર છે, પણ મળે છે ત્યારે એની દુનિયા ઊલટસૂલટ થઈ જાય છે. આ વાર્તા બાળમાનસનું આલેખન ચોક્કસ કરી શકી છે પણ છતાંય ‘મારો સૂરિયો’ જેવો જાદુ ન ચલાવતા માત્ર ઉપલા સ્તરે જ રહી ગઈ છે. અંત આટોપી લેવાની ઉતાવળે વાર્તાને સાવ સામાન્ય સ્તરની બનાવી નાંખી છે. ટૂંકી વાર્તામાં ધારી વાત જલ્દી કહી દેવાની ઉતાવળ ક્યારેક લેખકને નડી શકે છે અને આ વાર્તા એનું જીવતુંજાગતું ઉદાહરણ છે. સંતાનપ્રેમ કથનીમાં આ સંગ્રહની બીજી બે વાર્તાઓ પણ ઉમેરી શકાય. એક છે ‘પ્રસૂતિ’ વાર્તા. જેમાં પિતા-પુત્રની વચ્ચે રહેલા શીત વિદ્રોહનો એક સમયે અંત આવે છે. વર્ષો સુધી નિષ્ઠુર પિતા અને પુત્ર વચ્ચે લાગણીની ખાઈ જન્મી છે. દીકરા રમણની પાસે રહીને વૃદ્ધ ડોસો એના નામનું રટણ લે છે, છતાંય રમણને એની ખાસ પડી નથી. છેવટે રમણ થોડો ઢીલો પડે છે અને એ જ ઘડીએ ડોસો મૃત્યુ પામે છે. વાસ્તવદર્શન કરાવતી આ વાર્તામાં અંતે એક બાજુ ઘરની બહાર કૂતરી વીયાય છે અને આ બાજુ જાણે વર્ષો જૂની લાગણીઓની પ્રસૂતિ થતાં નિષ્ઠુર પિતાની સાથે જ પોતાની અંદર રહેલી નિષ્ઠુરતાથી પણ છૂટકારો મળ્યો છે. પરંપરાગત ઢબની આ વાર્તા પણ વાર્તારસિકોને ગમી જાય એવી છે. પણ આવી વાર્તાઓના મોહમાં લેખક વધુ નથી પડ્યા એ એમની લેખક તરીકેની સજ્જતા સૂચવે છે. પિતાજીવન પર આધારિત વધુ એક વાત ‘લોહી’માં પણ જોવા મળી છે. આ વાર્તા અનેક સામાજિક પ્રશ્નોની રજૂઆત કરે છે. સરકારી ખાતામાં થતાં ભ્રષ્ટાચારની, તબીબી ગડમથલોની, ગરીબાઈની અને લાચારીની અહીં માંડીને વાત થઈ છે. ગરીબોના ઉપચાર સામે જે આંધળુકિયા ઉપચારો થાય એ વાતની રજૂઆત આ વાર્તા સારી રીતે કરે છે. અહીં લેખકની સામાજિક નિસ્બત પણ ધ્યાન ખેંચે છે. આ જ રીતે ‘કોણે લખી છે આ વાર્તા’માં લેખક વાસુદેવ જ્યારે નાયિકા સવિતા વિષે શું નું શું ધારી લે છે ત્યારે આ પાત્ર દ્વારા બીજાની સ્ત્રીઓને જજ કરવાની સમાજની વૃત્તિ બહુ જ સારી રીતે વ્યક્ત થઈ છે. આ વાર્તા સામાજિક હીન વૃત્તિને તો પ્રહાર કરે જ છે, પણ એક બીજો પ્રશ્ન પણ રજૂ કરે છે કે શું ખરેખર લેખકો જે લખે છે, એને જાતે માનતા-અનુસરતા પણ હોય છે કે કેમ? આ સિવાય લેખક નગરજીવનની સમસ્યાઓને પણ સુપેરે જાણે છે. એમની વાર્તાઓમાં ટ્રેનમાં પ્રવાસ કરતાં પાત્રો ઠેરઠેર જોવા મળી જાય છે. એ સાથે એમની વાર્તાઓનો નાયક મોટાભાગે નોકરિયાત જ જોવા મળે છે. લેખક પોતે બૅંકખાતામાં નોકરી કરી ચૂકેલા છે એટલે ‘ઑફિસ ટાઈમ’ આસપાસનું જીવન એમને વિશેષ આકર્ષે છે. એટલે જ કદાચ સંગ્રહની મહત્તમ વાર્તાઓની શરૂઆતના ભાગમાં ‘ઑફિસથી પાછો ફર્યો’ (સુમન રમત રમતી હતી), ‘ઑફિસે જવાય કે ન જવાય’ (વામન વિ. મેહતા), ‘સરસ નોકરી હતી કૉલેજમાં લેક્ચરરની’ (થેન્ક ગોડ!), ‘બપોરિયા ટેબ્લોઈડ વર્તમાન પત્રના તંત્રીવિભાગમાં નોકરી કરું છું.’ (કોણે લખી આ વાર્તા?) જેવાં વાક્યો વધુ જોવા મળે છે. લેખક નાટકોના પણ અભ્યાસુ છે એટલે નાટ્યાત્મકતા એમની વાર્તાઓમાં પણ પ્રવેશે છે. ‘સુમન રમત..’ની નાયિકા કે ‘આ વાર્તા નહીં લખાય’ કે પછી ‘કોણે લખી આ વાર્તા’ જેવી વાર્તાઓમાં નાયિકાઓ બહુ જ નાટ્યાત્મક રીતે ઘટના સાથે સંનિધાન સાધે છે, જે વાર્તાઓને એક અલગ જ શિખર સુધી લઈ જાય છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે નાટ્યનો ભાગ મોટાભાગે નારીપાત્રો બને છે, જોકે એ વાસ્તવદર્શી જ છે સાવ કપોળકલ્પિત નથી, જ્યારે એમનાં પુરુષપાત્રો વાસ્તવવાદી છે. આ સંગ્રહની સાવ જ નોખી પડે એવી એક વાર્તા ‘જીવણ અને જીવણના શનિ-રવિ’ છે. વિદેશી લેખકોની યાદ અપાવે એવી આ કથનશૈલીમાં લેખકે ક્યાંય વધતું-ઓછું નથી કરેલું એ આ વાર્તાનું જમાપાસું છે. ‘જીવણ’ નામની મુંબઈમાં રહેતી એક મજૂર વર્ગની વ્યક્તિ શનિ-રવિ પોતાના ગામે જાય છે અને એના જીવનમાં અમુક ચોક્કસ ઘટનાઓ બને છે એની વાત લેખકે બહુ જ આકર્ષક શૈલીમાં રજૂ કરી છે. વાર્તામાં જીવણનું પાત્ર ધીમે-ધીમે ઉઘડતું જાય છે, જાણે વાચકે ઘૂંટડે-ઘૂંટડે એનું રસપાન કરવાનું છે. અહીં શેડ્યૂલ કાસ્ટ વર્ગની જીવનશૈલીનું વર્ણન છે. વાર્તામાં શરૂઆતથી અંત સુધી જે રસ જળવાયો છે એ આ વાર્તાને સાવ નોખી પાડી દે છે. ‘સુમન રમત..’ પછી લેખકની કોઈ એક જ વાર્તા વાંચવાની હોય તો આ વાર્તા ચોક્કસ વાંચી શકાય. આવી શૈલીમાં લેખકે વધુ ને વધુ વાર્તાઓ લખવી જોઈએ. પ્રયોગની દૃષ્ટિએ જોઈએ તો બે વાર્તાઓમાં લેખકે સારો પ્રયોગ કર્યો છે. ‘થેન્ક ગોડ!’ અને ‘ઓહ ગોડ!’ વાર્તાઓમાં. બંને વાર્તાઓમાં ઘટના એક જ બને છે, પણ કથક જુદા-જુદા છે. એકમાં નાયિકા કામિની અને બીજામાં નાયક શ્રીના મુખે આખી વાર્તા ઘડાઈ છે. જો કે, બંને વાર્તાઓ પોતપોતાનું અલાયદું અસ્તિત્વ ધરાવે છે. અંતે આગળ કહ્યું એમ નાટ્ય પણ રચાય છે. આ વાર્તાની બીજી એક વિશેષતા એમાં પ્રસ્તુત સ્ત્રીપાત્ર પણ છે, જેમાં આજના જમાનાની ‘રૂપિયો રળતી નારી’ની લાચારીનું દર્શન છે. સ્ત્રી જ્યારે જરૂરતવશ કોઈ પાસે પૈસા માંગે ત્યારે કેવી વિકટ સ્થિતિમાં મુકાય છે એનું દર્શન અહીં પ્રસ્તુત છે. જોકે, આવી વાર્તાઓમાં થોડું ધ્યાન એના શીર્ષકો પ્રત્યે પણ રાખવું ખપે, જે અહીં ચૂકાયું છે. લેખકે જોકે વાર્તાના પરંપરાગત ઢાંચા સાથે બહુ પ્રયોગો કર્યા નથી એ કદાચ એમના સર્જનને સીમિત કરી શકે. એમનું કલ્પનાવિશ્વ કોઈ એક ચોક્કસ રંગથી નથી રંગાયેલું એ એમની આ ૧૪ વાર્તાઓમાંથી પસાર થતાં અનુભવી શકાય છે. જો કે, એક રંગ ન સહી પણ અમુક વાર્તાઓ વચ્ચે ભેદ પારખવો અઘરો થઈ પડે છે. જેમકે, એમની ‘લખવું કોને માટે?’, ‘આ વાર્તા નહીં લખાય!’, ‘હું તમને ઓળખતી નથી’, ‘થેન્ક ગોડ’, ‘ઓહ ગોડ’, ‘કોણે લખી છે આ વાર્તા?’ – આ બધી જ વાર્તાઓમાં કાં તો લેખક એક પાત્ર છે અથવા લેખક કથક તરીકે સ્વયં હાજર છે. લેખન વ્યવસાય પ્રત્યે આટલી સભાનતા કે મોહ એક જ સંગ્રહમાં આવે ત્યારે ક્યારેક ખૂંચવા લાગે. ‘લખવું કોને માટે?’ એ વાર્તામાં તો લેખક વ્યંગમાં ‘હું સર્જક છું! હું બ્રહ્મા છું! તમે મને ના પાડી લખવાની?’ એવું કહી આનો આડકતરો એકરાર પણ કરે છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે આ સંગ્રહ જેના નામ પર છે એ વાર્તા ‘ડિવોર્સ@લવ.કોમ’ અન્ય દરેક વાર્તાઓના પ્રમાણમાં અત્યંત સામાન્ય વાર્તા છે, જે કદાચ આ સંગ્રહમાં ન હોત તો પણ ચાલત. એક નજર એમની અગ્રંથસ્થ વાર્તાઓ પર નાંખીએ. ૨૦૦૯માં આવેલ વાર્તાસંગ્રહ પછી લગભગ ત્રણેક વર્ષો પછી ૨૦૧૨થી હાલ ૨૦૨૫ સુધી કિશોરભાઈ તરફથી લગભગ ૧૯ નવી વાર્તાઓ મળે છે. આ બધી વાર્તાઓમાં મુખ્યત્વે હાસ્ય અને રમૂજ પીરસતી વાર્તાઓ જોવા મળે છે. ‘મારો સૂરિયો’ અને ‘પ્રસૂતિ’ કે ‘લોહી’ લખનાર કિશોર પટેલનો એક નવો જ મિજાજ એમની નવી વાર્તાઓમાં જોવા મળે છે. એમાંની કેટલીક વાર્તાઓ જોઈએ તો ચિત્રલેખાના દીપોત્સવી અંક(નવેમ્બર ૨૦૨૧)માં છપાયેલી વાર્તા ‘ગલતી સે મિસ્ટેક’માં ભૂલથી યમરાજ નાયક ગિરીશ ઘનશ્યામના બારણે ચડી બેસે છે, પણ અંત ઘડીએ એને ખબર પડે છે કે આજે એની રજા છે એટલે પ્રાણ લેવા કાલે આવશે એવું વચન આપી યમરાજ ગિરીશ ઘનશ્યામને જીવનના ચોવીસ કલાક આપે છે. ઘરજમાઈ તરીકે દયનીય હાલત જીવતો ગિરીશ રાજીખુશીથી મરવા તૈયાર છે, પણ છેલ્લા કલાકોમાં એ કશુંક હિંમતભર્યું કરીને મરવાનો વિચાર કરે છે. વાર્તામાં ઠેરઠેર હાસ્ય નીપજે છે. અહીં અંત પણ લેખકે વિચારપૂર્વક આપ્યો છે. આખી વાર્તા રમૂજ ઊભું કરવામાં સફળ રહી છે. આવી જ અન્ય એક વાર્તા ‘ગેમ ચેન્જર’ ચિત્રલેખાના જાન્યુઆરી ૨૦૧૮માં છપાયેલ. જેમાં કાવતરાં ઘડવામાં માહિર એવો એક લંપટ વયોવૃદ્ધ પુરુષ યુવાન છોકરીઓની માસુમિયતનો કઈ રીતે ફાયદો ઉઠાવે છે એ વાતને રમૂજી શૈલીમાં રજૂ કરવામાં આવી છે. અહીં ફરી એકવાર લેખક નારીપાત્રને અપરિચિત માહોલમાં પ્રવેશ કરાવે છે એ પણ કાબિલેદાદ છે. ‘વિદાય સમારંભ’ (મુંબઈ સમાચાર, ૨ જૂન ૨૦૧૮) ફરી એકવાર હળવી હાસ્યવાર્તા છે. જેમાં કરવાનું કશુંક હોય છે અને થઈ કશુંક જાય છે અને અંતે આગંતુકનો સ્વાગત સમારોહ વિદાય સમારંભ બની રહે છે. આ જ રીતે અભિયાનમાં(એપ્રિલ, ૨૦૨૨)માં છપાયેલી ‘ચેલેન્જ’ પણ એક હાસ્યવાર્તા છે. અહીં ફરી લેખક તરીકે એ સ્વયં હાજર છે, પણ આ વખતે એક બિનસાહિત્યિક વ્યક્તિ સામે એમણે વાર્તા રજૂ કરવાની છે અને એ વ્યક્તિ કહી બેસે છે કે ‘લખવું હોય તો બક્ષી જેવું લખ’. અહીં વાર્તાકાર ચંદ્રકાત બક્ષી, કવિ જવાહર બક્ષી કે વિવેચક રામપ્રસાદ બક્ષી જેવું લખવું એની અસમંજસમાં હાસ્યની વણઝાર રજૂ કરે છે. આખી વાર્તા છેક સુધી લેખકનો રસ જાળવી રાખવા સફળ રહે છે. ‘નસીબચોર’ (ચિત્રલેખા, દીપોત્સવી અંક, નવેમ્બર ૨૦૨૨) વાર્તામાં હાસ્યવ્યંગ રજૂ થાય છે. ફિલ્મલેખનને વિષય બનાવતી આ વાર્તા જોકે થોડીઘણી ફિલ્મી જ બની છે. પણ રમૂજ પીરસવામાં સફળ રહી છે. લેખકનો આવો મિજાજ ફરી રજૂ થાય છે ‘ધરમ કરતાં ધાડ પડી’ (ચિત્રલેખા, દીપોત્સવી અંક નવેમ્બર ૨૦૨૩) વાર્તામાં, જેમાં એક પતિપત્નીનું સમાધાન કરવાના ચક્કરમાં નાયકનું પોતાનું લગ્નજીવન જ જોખમમાં મુકાય છે. વાર્તાનું શીર્ષક જો કે બહુ જ વાચાળ છે પણ વાર્તામાં સફળતાથી હાસ્ય અને કરુણ રસ પીરસવામાં આવ્યા છે અગ્રંથસ્થ વાર્તાઓમાંની બધી જ વાર્તાઓ વખાણવાલાયક નથી. અહીં ‘મમતા’ સામાયિકમાં છપાયેલી ‘અનાહત’ વાર્તામાં સમાજને કશોક સારો સંદેશો આપવાની છૂપી ચીવટમાં અત્યંત સામાન્ય વાર્તા જન્મી છે. લેખક વિષય સાથે રમતાં જાણે છે એટલે વાર્તાનો આ દોષ કદાચ ઊડીને આંખે નથી વળગતો, પણ આવી સુષ્ટુ વાર્તાઓ સદંતર ટાળવી જોઈએ. ‘અનાહત’ અને ‘હત્યા’ જેવી વાર્તાઓમાં સમાજમાં જવલ્લે જોવા મળતા એવા ગળે ન ઉતરે એવા સંબંધોની વાત છે. જો કે ઘણીવાર વાતોને આદર્શ તરીકે ચીતરવામાં લેખકો વાર્તાકળા સાથે અન્યાય કરી બેસે છે એવું જ કશુંક આ વાર્તાઓમાં થાય છે. આ જ રીતે ‘આજની તારીખ’ (મમતા, ઑગસ્ટ ૨૦૧૮) વાર્તામાં સર્કસની એક વ્યક્તિની વાત છે. રોજ લોકોને હસાવતી અને વાર્તાઓ કહેતી વ્યક્તિ એક ચોક્કસ તારીખે રડી પડે છે ને એની વાર્તા કરુણ બને છે. અહીં એક રીતે લેખક ઓછા ખેડાયેલા પરિવેશમાં પ્રવેશ તો કરે છે, પણ આ છતાંય વાર્તાનું હાંસલ કશું નથી. અંતમાં આવતા સુધી તો વાર્તા ફિલ્મી ઉડાન ભરવા લાગે છે. આ જ રીતે ‘લાલચ’ વાર્તામાં સજાતીય સંબંધની વાત છે પણ વાર્તા ઉપરછલ્લી રહી જાય છે. ‘ચંદન ટી કોર્નર’ (જલારામદીપ, જુલાઈ ૨૦૧૮), જેમાં પ્રેમિકાની દીકરી સાથે વર્ષો પછી મુલાકાત થાય છે; ‘પાર્ટનર’ (વારેવા માર્ચ ૨૦૨૨), જેમાં જૂની પ્રેમિકા બોસ રૂપે ફરી મળે છે; ‘પ્રસ્તાવ’ (વારેવા, જૂન ૨૦૨૨) જેમાં પત્નીના પ્રેમી સાથે એને ફરી મેળવવાની વાત છે; ‘સંશય’ (મમતા, જુલાઈ ૨૦૧૫) જેમાં ફરી એકવાર નાટ્યાત્મક રીતે પતિપત્ની વિષે એક એવી વાત થાય છે જે અંતે સંશયમાં ફેરવાય છે એની વાત છે. આ બધી જ વાર્તાઓના વિષય ભલે નવા લાગે પણ વાર્તાઓમાં જ્યારે સંવેદનાને વધુ ઘૂંટવામાં નથી આવતી ત્યારે એનું તકલાદીપણું ઊડીને આંખે વળગે છે. આ બધી જ વાર્તાઓ અત્યંત નબળી કહી શકાય એવી છે. સુંદરમ્ની વાર્તા ‘માને ખોળે’ની અનુસંધાન વાર્તા ‘બાપની છોડી’ (જલારામદીપ, જૂન ૨૦૨૦)માં શબુ નામના પાત્રને ફરી જીવન આપી લેખકે પોતાની રીતે એ પાત્ર સાથે ક્યાંક ને ક્યાંક ન્યાય સ્થાપ્યો છે. પ્રયોગ તરીકે આ નોંધનીય ગણી શકાય, વાર્તાનો અંત પણ પ્રભાવક અને ચોટદાર છે, પરંતુ આવા પ્રયોગો ઓછા થાય એ જ ભલા. આવો જ એક પ્રયોગ લેખકે ‘ભદ્રંભદ્રની મેટ્રો-સવારી’ (વારેવા, ઑક્ટોબર ૨૦૨૨) નામની વાર્તા રમણભાઈ નીલકંઠના લોકપ્રિય પાત્ર ભદ્રંભદ્ર સાથે કર્યો છે. આ વાર્તામાં આજે ભદ્રંભદ્ર જો મેટ્રોમાં સવારી કરે તો શું થઈ શકે એનું મુક્ત કલ્પન કરવામાં આવ્યું છે અને અંતે જે ગડમથલ, ગોટાળા થાય છે એ વાચકને પેટ પકડી હસાવે છે. મૂળે મેજિક રિયાલીઝમની એકમાત્ર વાર્તા એવી ‘હેટ-સ્ટોરી’ (મમતા, ઑક્ટોબર-૨૦૨૨) પ્રમાણમાં સારી વાર્તા કહી શકાય. એમાં હળવી ભાષામાં થોડું રમૂજ પીરસાય છે. પણ અંત સુધીમાં તો વાર્તા કરુણરસ ધારણ કરે છે. અગ્રંથસ્થ વાર્તામાં નોખી પડે એવી એક વાર્તા ‘સ્વજન’ (જલારામદીપ, સપ્ટેમ્બર ૨૦૧૯) છે. જેમાં એક વેશ્યાના માતૃપ્રેમની વાત કરવામાં આવી છે. અહીં લલિતાનું પાત્ર ઘડીભર મંટો ‘સૌગંધી’ની યાદ અપાવી દે. પણ પછી વાર્તા જે વળાંક લે છે એમાં લેખકનું કૌવત નજરે ચડે છે. ટૂંકમાં અગ્રંથસ્થ વાર્તાઓમાં મૂળે હાસ્યવાર્તાઓ જ વધુ નોંધપાત્ર છે. એક નજર લેખકની ભાષા તરફ પણ નાંખીએ તો એમને સીધી અને સરળ ભાષા રુચે છે, એ એમની દરેક વાર્તાઓથી પ્રતીત થાય છે. મોટાભાગે એમણે અંગ્રેજી શબ્દો ટાળ્યા છે. ઉદાહરણ તરીકે બોડીલેંગ્વેજ જેવા શબ્દ માટે ‘દેહભાષા’ જેવો શબ્દ વાપર્યો છે. એ એમની ભાષા માટેની જાગૃતિ સૂચવે છે. એમણે શેડ્યૂલ કાસ્ટના જનજીવન અને એમની સમસ્યાઓને પોતાની વાર્તામાં મુખર થયા વગર વણી છે ‘શેડ્યૂલ કાસ્ટની વાર્તા’ જેવું કોઈપણ લેબલ એમની કોઈ વાર્તાને લાગતું નથી એ પ્રસંશનીય છે. આ સિવાય લેખકે પ્રયોગો અનેક કર્યા છે જે વિષયો બાબત અનેક પ્રયોગો કર્યા છે, જે એમની વાર્તાઓની ચર્ચા દરમિયાન ફલિત થાય છે, પણ હજુ સુધી એમણે કોઈ માળખાકીય પ્રયોગો નથી કર્યા કારણ કે એમની દરેક વાર્તાનું પોત શરૂઆત, મધ્ય અને અંત સાથે ચુસ્તપણે જોડાયેલું છે. એમના કલ્પના જગતમાં વૈવિધ્ય છે. ‘જે અનુભવાય છે, એ જ લખાય છે’ એવા કોઈ સીમાડા લેખક તરીકે એમને નડ્યા નથી. જો કે શેતરંજના અચ્છા ખિલાડી હોવા છતાંય એના આધારિત એક પણ વાર્તા એમના તરફથી મળી નથી એ અચરજની વાત છે. શ્રી કિશોર પટેલ આ જ રીતે લખતા રહે અને નવા નવા વાર્તા સંગ્રહો આપતા રહે એવી શુભકામનાઓ.
સમીરા પત્રાવાલા
મો. ૯૮૬૭૫ ૪૬૯૩
