ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કાનજી પટેલ
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
કાનજી પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ઊકરડી ગામમાં તારીખ ૨જી જુલાઈ ૧૯૫૨માં થયો હતો. એ વખતના પંચમહાલના સામાજિક અને પ્રાકૃતિક વાતાવરણથી એમનું બાળપણ રસાયું. તેઓએ બે ભાષામાં એમ.એ. કર્યું છે. ૧૯૭૫માં અંગ્રેજીમાં અને ૧૯૮૦માં સંસ્કૃતમાં. એમણે બી.એ. અને એમ.એ. બહારના વિદ્યાર્થી તરીકે કર્યું છે અને આ દરમિયાન તેઓ સરકારી સિંચાઈ વિભાગમાં રેખાંકનકાર તરીકેની પાંચ વર્ષ નોકરી કરી હતી. તેઓ ૧૯૭૫માં લુણાવાડા આટ્ર્સ કૉલેજમાં જોડાયા અને લાંબી કારકીર્દિ બાદ નિવૃત્ત થયા છે.
સાહિત્યસર્જન :
કાનજી પટેલ વાર્તાકાર કરતાં કવિ તરીકે વધારે જાણીતા છે. એમની કવિતાઓના અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદો નોંધનીય છે. તેમની કવિતા અને સાહિત્ય આદિવાસી અને વિચરતી જનજાતિ અને વિમુક્ત સમુદાયો આસપાસ કેન્દ્રિત છે. તેમણે ૩ નવલકથાઓ લખી છે. લઘુનવલ ‘ડહેલું’ અંગ્રેજીમાં ‘Rear Verandah’ તરીકે પ્રકાશિત થઈ છે. (મેકમિલન, ૧૯૯૭), ૪ કવિતાસંગ્રહ, ૧ ટૂંકી વાર્તાનો સંગ્રહ ‘ડેરો’ (રંગદ્વાર ૨૦૦૮) વિમુક્ત, વિચરતી જનજાતિ વિશે છે. તેમને ૧૯૯૬માં રાષ્ટ્રીય સ્તરનો ‘કથા’ પુરસ્કાર અને ટૂંકીવાર્તાના સંગ્રહ ‘ડેરો’ માટે ધૂમકેતુ પુરસ્કાર અર્પણ થયો છે. તેઓ આદિવાસીઓ અને વિમુક્ત અને વિચરતા સમુદાયોના સાંસ્કૃતિક કાર્યકર્તા છે. તેમની નવલ, વાર્તા, કવિતા આસામી, બાંગ્લા, હિન્દી, કન્નડ, મરાઠી, ઉડિયા, મલયાલમ સહિત અંગ્રેજી, સ્વીડિશ, જર્મન, આઇરિશ, સ્લોવેનિયન ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેઓ ૭ કરોડ વિમુક્ત અને વિચરતા સમુદાયોના જીવનની સ્થિતિ સુધારવાના પગલાં અંગેની કેન્દ્રીય સરકારી સમિતિના સભ્ય હતા. તેમણે સમગ્ર ભારતમાંથી વિમુક્ત અને વિચરતા આદિવાસીઓની સાંસ્કૃતિક અભિવ્યક્તિ માટે મહીસાગર જિલ્લામાં કલેશ્વરી મેળાની સ્થાપના કરી. તેઓ કવિતા અને બહુભાષી અભિવ્યક્તિનાં સામયિક ‘વહી’ના સંપાદક રહી ચૂક્યા છે. તેઓ ૧૯૯૮માં સેન્ટ્રલ સાહિત્ય અકાદમીના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળમાં સ્વીડન ગયા હતા અને ૨૦૧૩માં વિશ્વ પુસ્તક મેળા, ફ્રેન્કફર્ટમાં ગયા હતા. તેમણે વિવિધ સ્થળોએ ત્રણ વાર સાર્ક સાહિત્યિક ઉત્સવો અને એક વાર કોમનવેલ્થ લિટરેચર ફેસ્ટિવલ, દિલ્હીમાં ભાગ લીધો અને રચનાઓનું પઠન કર્યું છે. કથા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં, વૈશ્વિક આદિવાસી સાહિત્ય ઉત્સવ, દિલ્હી અને રઝા ફાઉન્ડેશન દ્વારા ‘વાક’ કવિતા ઉત્સવ, દિલ્લી તેમજ શિમલા ખાતે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઉન્મેષ-આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ, વળી પટ્ટમ્બી ઇન્ટરનેશનલ પોએટ્રી કાર્નિવલમાં પઠન અને વક્તવ્ય કર્યાં. આદિવાસી સાહિત્ય અને સંસ્કૃતિ પર ૨૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં બીજ વક્તવ્યો આપ્યાં છે. તેમની નવલકથા ‘ભીલની ભોંય’ (Joy Burke Foundation, ૨૦૧૯) તરીકે પ્રસિદ્ધ થઈ છે. તેઓ ભારતની આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાનું જે તે સમાજની મૂળ ભાષા અને હિન્દી તેમજ અંગ્રેજી અનુવાદના સંગ્રહો તૈયાર કરી રહ્યા છે જે પૂર્ણતાને આરે છે. આ સંગ્રહો બે ભાષામાં પ્રગટ થશે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વાર્તાકાર તરીકે કાનજી પટેલને આધુનિક અને અનુઆધુનિક સંધિકાળના વાર્તાકાર કહી શકાય. પણ કાનજી પટેલને વાર્તાકાર કે કવિ કરતાં વંચિતોના હામી કહેવા કે આદિવાસીઓના પિતરાઈ કહેવા વધુ યોગ્ય રહેશે. તળના વણસ્પર્શ્યાં સત્યોને વાર્તા માધ્યમથી અન્ય સાહિત્યકારો સુધી પહોંચાડનાર એક શાંત ચળવળકારી લેખક કહી શકાય. આના માટે તેમનો પ્રદેશ, ઉછેર, તેમની દૃષ્ટિ અથવા સ્વભાવને કારણભૂત ગણી શકાય. અહીં તેમનો યુગસંદર્ભ જોતાં પહેલાં તેમની વાર્તાઓની પૃષ્ઠભૂમિનો ઇતિહાસ તપાસવો પડે. ભારતના શાસકો તરીકે અંગ્રેજોએ એક એવું પાપ કર્યું છે જેને કારણે ભારતની અમુક જનજાતિઓ આજ સુધી ઉપર આવી શકી નથી. અંગ્રેજોને ઉત્તરપ્રદેશની એક બે આદિજાતિઓએ બહુ જ હંફાવ્યા હતા. એમાં મુખ્યત્વે પીંઢારા હતા. પીંઢારાઓના ત્રાસથી કંટાળેલા અંગ્રેજોએ ૧૮૭૧માં સમગ્ર ભારતની કેટલીક જાતિઓને ‘જન્મજાત ગુનેગાર’ (Born criminal) ગણી એમની ઓળખ ગુનેગાર તરીકે આપી દીધી. એમને નાગરિક હકોથી વંચિત કરી દેવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે ભારતની ૧૭૦ જેટલી આદિજાતિઓના કપાળે કાયમના માટે ગુનેગારનું લેબલ ચોંટી ગયું. એ લેબલ ઉખેડવાનું કામ કાનજી પટેલ કરી રહ્યા છે. અંગ્રેજોએ બનાવેલો કાયદો છેક ૧૯૫૨માં તો રદ થયો પણ એ જાતિઓ તરફ ભારતીયોનું વલણ વર્ષો સુધી ગુનેગાર હોય તેવું જ રહ્યું. કાનજી પટેલનો સ્વભાવ અથવા એમનું વલણ એવી જાતિઓને ન્યાય અપાવવાનું રહ્યું છે. ૧૯૯૦ પછીના ગાળામાં એમના કાર્યને પ્રત્યક્ષ અને સર્જનાત્મક પીઠબળ મળ્યું. એમાં બે નામ ગણેશ દેવી અને મહાશ્વેતાદેવી ગણી શકાય. ૧૯૯૮માં લુણાવાડા ખાતે કાનજી પટેલે અઢીસોથી ત્રણસો જેટલા વંચિત સમુદાયના લોકોને ભેગા કર્યા. આ મિલનમાં મહાશ્વેતાદેવી, ગણેશ દેવી અને બીજા મહત્ત્વના સાહિત્યકારો હતા, જેમણે આદિવાસીઓ અને વંચિતો માટે મહત્ત્વનું કામ કર્યું હતું. અહીંથી કાનજીભાઈને એક માર્ગ મળ્યો. જે આગળ જતાં સર્જનાત્મક પ્રભાવ પાડવાનો હતો. એમણે અને એમના સાથીઓએ ન્યાયતંત્ર, મહેસૂલતંત્ર, પોલીસતંત્રને રૂબરૂ મળીને અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હતો. તેનાથી જમીન, મકાન, નાગરિક હકથી વંચિત રહી ગયેલા લોકોની હકીકતો સમજાવી, હકો અપાવ્યા. પંચમહાલના ગામેગામ, વોકળે વોકળે, ઝૂંપડે ઝૂંપડું પગતળેથી કાઢનારા કાનજી પટેલ ગુજરાતી સાહિત્યના એવા લેખક છે જેમનો યુગસંદર્ભ વિશાળ કાળપ્રવાહને સ્પર્શે છે.
ટૂંકીવાર્તા વિશે કાનજીની સમજ :
કાનજી પટેલની વાર્તા વિશેની કોઈ ચોક્કસ સમજ આ સંગ્રહમાંથી મળે તેમ નથી. તેમ છતાં એવું પણ નથી કે તેઓ વાર્તાના શાસ્ત્રીય સ્વરૂપને પીછાણતા નથી. આ સંગ્રહની વાર્તાઓ એક ચોક્કસ હેતુથી લખાયેલી છે. આ સંગ્રહ વાંચતાં જ લાગે કે આ ચળવળકારી લેખકનું સર્જન છે. આમ તો કાનજી પટેલ અંગ્રેજીના અધ્યાપક હતા, સંસ્કૃત અને અંગ્રેજી સાથે એમ.એ. કરેલું છે. પણ તેમનું મોટાભાગનું જીવન વંચિતો, શોષિતોને હક અપાવવામાં જ ગયું છે. આ સંગ્રહના લેખક નિવેદનમાં કાનજી પટેલે લખ્યું છે, “આ સંગ્રહમાં ધૂમન્તુ સમાજને લક્ષતી મોટાભાગની વાર્તાઓ છે. આ વાર્તાઓ બાબતે પ્રશ્નો થવાના, બિલકુલ પ્રશ્નો થાય. વાર્તાના પરંપરાગત સ્વરૂપને સમજનાર અને એને જ વાર્તાઓ માનનાર તો કદાચ આ વાર્તાઓને વાર્તા કહેવાનો ઇન્કાર કરી બેસે એવું પણ બને. કેમ કે કેટલીક હૃદયવિદારક ઘટનાઓને, એવા કાળને કલાનું સ્વરૂપ આપી શકાતું નથી. પણ તેથી એ કલાથી બહાર પણ જતું નથી. આ વાર્તાઓ એવા સમયમાં આવી છે જ્યારે આદિજાતિઓ પોતાનું બાહુલ્ય બતાવી રહી છે, તળિયે પડેલો માનવી પોતાના હક માટે છેક સુધી લડી લેવા મરણિયો બન્યો છે.”
‘ડેરો’નો પરિચય :
‘ડેરો’માં કુલ પંદર વાર્તાઓ સંગ્રહિત થયેલી છે. જેમાંની તમામ વાર્તાઓનો મુખ્ય સૂર અપાર શોષણ, દોહ્યલું જીવન, સભ્ય સમાજની ભીરુતા અને બર્બરતા, સરકારી કાયદાઓનું લાગણીહીન અર્થઘટન, નબળાને જ મરવાનું આવે એ ઉક્તિ ચરિતાર્થ થાય એનું વિરૂપ ચિત્ર છે. અંગ્રેજોએ જે જાતિઓને ગુનેગાર ગણી એને દોઢસો વર્ષ થયાં. પણ આપણો સ્વતંત્ર સમાજ હજુ પણ એમને ગુનેગાર ગણી રહ્યો છે. એ સમાજના બાળકોનું બાળપણ ભૂખમરામાં વીતે છે. એમની સ્ત્રીઓનું શરીર પુરુષોની ભૂખ મટાડવાનું સાધન છે. તેઓને સરકારી યોજનાઓ, ગામતળ કે સીમતળની જમીન માલિકીના હકોનું, મતદાર યાદીનું, મહત્ત્વ સમજાયું તો છે, પણ એમના માટે એ બધું મેળવવું સરળ નથી. સમાજ અને પોલીસ તંત્ર હજુ એમને ગુનેગાર તરીકે જુએ છે. આ બધી બાબતોનું અદ્દલોઅદ્દલ ચિત્ર ‘ડેરો’ની વાર્તાઓમાં છે. એમની આ વાર્તાઓમાં પંચમહાલ વિસ્તારનું સચોટ વર્ણન વાર્તાઓને એક ચોક્કસ ભોંયમાં ઊભી રાખે છે. સાથે દરેક વાર્તામાં આવતાં પાત્રોનો બોલી પ્રયોગ અત્યંત આકર્ષક છે. જોકે કોઈ જગ્યાએ ખટકે પણ છે. લેખકે મુક્તમને લખ્યું છે. વાર્તાઓનું શિસ્ત પાળ્યા વગર, વાર્તાના સ્વરૂપની સીમાઓ લાંઘીને પણ પાત્રો પાસે બોલાવ્યું છે. આ સંગ્રહમાં ‘મધપૂડો’ અને ‘પડાવ’ નામની બે વાર્તા છે. એ વાર્તાઓ સંગ્રહની અન્ય વાર્તાઓ કરતાં જરા જુદી પડે છે. કલાની દૃષ્ટિએ આ વાર્તાનો અભ્યાસ થવો બાકી છે. આ વાર્તાઓ વાર્તાકલાના અતિ સૂક્ષ્મ પરિમાણોને અંકન કરે છે. ‘ડેરો’ સચિત્ર પુસ્તક છે. એમા જ્યાં વાર્તા પૂરી થાય છે ત્યાં પેન્સિલ વર્ક મૂકીને લેખકે ઘટનાને ઘેરી બનાવી છે.
કાનજી પટેલની વાર્તાકલા :
“રાજનો માર, રૈયતનો માર, બેઠો માર, ન સહેવાય ન કહેવાય. કોઈ કહે લડી નાખો માર સામે. લડ્યા ત્યારે પરદેશી સામે ઘણી ઘણી રીતે લડ્યા. હવે દેશી સામે, સાથી રૈયત સામે, ભાંડુ સામે લડવાનું. જીભની ધાર પડી ગઈ છે. રખડીને ટાંટિયા અવળા ફરી ગયા છે. જ્યાં એ જાય ત્યાં, અહીં નહીં, અહીં નહીં. બીજે, બીજે ક્યાં? તમારો ઠામ હોય ત્યાં જાઓ. સદીઓથી દેશની રવડતી રૈયત દેશી રૈયત નથી? કેવી કદરનો આ માર છે? વાંક? ગુનો કાંઈ? કોણ કોને દે છે આ ડામ?” ‘મહાભારત’ વાર્તાની શરૂઆત આ રીતે થાય છે. લાગે છે કાનજી પટેલે આટલું જ લખ્યું હોત તોય એ પૂરતું હતું. ‘મહાભારત’ વાર્તાના અંત સુધી પહોંચતાં હાયકારો નીકળી જાય એવા પ્રસંગ છે. આમેય સત્ય બોલકું જ હોય. વાર્તાકાર કાનજી પટેલના ‘ડેરો’માં વંચિતો, વસવાયા, આદિવાસીઓના પ્રશ્નો કેન્દ્રમાં છે. રાજનો આંકડો વાર્તામાં ચામઠી સતી ઉપર મોહેલા રાજકુંવરની વાત માંડી ચાંમઠાને જમીન કેવી રીતે મળી તેની રસપ્રદ કહાની છે. ભોંય વાર્તાનો નાયક સોમો નટ સાવ ખોટી રીતે ડાંગર ચોરીનો માર ખાય છે. એ વાંચતાં વિચાર આવે કે પોલીસે આ લોકોની કેવી કેવી દશા કરી હશે? સિત્તેર વર્ષનો થયેલો સોમો, નટ જાતિ કલ્યાણ સમિતિનો પ્રમુખ થયો છે, પણ એને જમીન નથી મળી. સોમા નટની આંખમાં પાણી જોઈ લેખક લખે છે, ‘આંખના પાણીનો ઇતિહાસ ઘણો લાંબો પહોળો છે’ તો ‘પહેલવહેલો ભરોસો’માં વકીલ દિનેશનું પાત્ર આખાય પુસ્તક વચ્ચે સુખદ આશ્ચર્ય છે. ચૂંટણીના વાતાવરણમાં કોઈ આડું ન આવે કે કોઈ ગરબડ ન થાય એ જોવા નીકળેલા પ્રાંતઅધિકારીના કાન ભંભેરી એક પોલીસ અમલદારે બકરી ચારતા ચાર વીસપડા જાતિના લોકોને જેલમાં પૂર્યા. ચૂંટણીના ચક્કર અહીં ખુલ્લીને બહાર આવ્યાં છે. બ્રાહ્મણોએ ઘીના લાડવાની જ્યાફત ઉડાવી અને ડેરીમાંથી ચોરાયેલા ઘીના ડબ્બાના ખોખાં વીસપડાનાં ઝૂંપડાં પાસે ફેંકાવી દીધાં. એ કેસ ઉકેલી ન શકેલી પોલીસે વીસપડાને પકડીને એના ઉપર કેસ ચલાવ્યો. ત્યારે દિનેશ નામનો વકીલ વીસપડાની મદદે આવે છે. અહીં કશું જ કલ્પિત નથી. બધું બન્યું છે એવું આલેખાયું છે. કદાચ એટલે કલાનો આગ્રહ રાખનારને એ બોલકું પણ લાગે. ‘પાટા’ વાર્તામાં ગમજીનાં અંગત જીવનનું એક દુઃખદ પાસું છે. મહેનતુ અને ઓછાબોલો ગમજી લાકડાં કાપીને વેચે છે. કાયદો આવ્યો છે ઝાડ નહીં કાપવાનાં. તો આ ગમજી જાય ક્યાં? આ વાર્તામાં અંતે નકસલવાદની ચિનગારી ઊઠતી જોવા મળે. રાણાપ્રતાપનો વંશજ એક શ્રમજીવી લુહાર મેઘાની વાર્તા પછવાડે લેખકે ચિત્તોડથી ભાગી છૂટેલા લુહારોની વાત માંડીને, શ્રમજીવીના પાણીનું મૂલ્ય આંક્યું છે. પટેલો એમને રહેવા દેતા નથી અને ઘર છોડી કુલા બારિયાના વાડા પાસે પહોંચતાં એને દારૂ પીવાનું મન થાય છે. ત્યારે એની પત્ની કહે છે, ‘રાણા પરતાપના બેટા પી લે હેંડ્ય.’ આ સંગ્રહની ‘ડેરો’ વાર્તા વાદીકોમની ઝીણી ઝીણી વાતોમાં ઊઠતી કસકની વાર્તા માંડે છે. અહીં વાદી સમાજના જીવનની બારીકીઓ છે. આ સંગ્રહમાં ‘પડાવ’ અને ‘મધપૂડો’ નામની બે વાર્તા સાવ જુદી પડે છે. ‘પડાવ’ વાર્તાનું ગદ્ય અતિ સૂક્ષ્મ અને લાઘવપૂર્ણ છે. આ વાર્તાનું ગદ્ય વિરૂપ, ચીતરી ચડાવે, બિભત્સ રસ ઉપજાવે તેવું છે. પણ કેટલાંક સત્યો જેણે જોયાં હોય તેને જ સમજાય. જંગલમાં રહેતો એક લાચાર, વ્યવસ્થાઓનો માર ખાધેલો કોઈ જણ કરે તો શું કરે? પ્રતીક સંયોજનથી ખચિત આ વાર્તા કાનજી પટેલનું શ્રેષ્ઠ સર્જન છે. આ બન્ને વાર્તાઓ બહુ જ અમળાયા પછી, વિરક્તિની હદે પહોંચી ગયા પછી લખાઈ હોય એવું જણાય છે. ‘મધપૂડો’ અત્યંત લાઘવપૂર્ણ વાર્તા છે. એ કોઈ રીતે આદિવાસી વાર્તા નથી. આગલી પત્નીથી થયેલા ચાર પુત્રો મૃત્યુ પામ્યા પછી બીજી પત્ની કરનાર પુરુષ, બે સ્ત્રીઓ વચ્ચે ઠરી જાય છે. બીજી પત્નીને ભોગવી શકતો નથી. Sex Psychologyની અત્યંત સૂક્ષ્મ બાબત આ વાર્તામાં છે. એમા કોણ ઠરી જાય છે એ સમજવા વાર્તાને એકાધિક વખત વાંચવી પડે. ‘ડેરો’ની વાર્તાઓ ધીરજથી, સુરતા રાખીને વાંચવા જેવી છે. એ બોલકી લાગે તો એનો રણકો સાંભળવા જેવો છે.
કાનજી પટેલની વાર્તા વિશે વિવેચકો :
“ ‘ડેરો’ની વાર્તાઓ એની સામગ્રીના કારણે ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ રચના છે. ‘ડેરો’ ગ્રામચેતનાના અરૂઢ પ્રદેશમાં લઈ જતો સિમાચિહ્નરૂપ વાર્તા સંગ્રહ છે.”
– ભરત મહેતા
“ ‘ડેરો’નું ગદ્ય આદિવાસી તળબોલી અને સર્જકની ભાષાના મિશ્ર શબ્દથી રચાયું છે. વિચરતી ને વિમુક્ત જાતિની સંવેદનાને સમસ્યાને બળકટ ગદ્યમાં સર્જક વ્યક્ત કરી શક્યા છે.”
– જિજ્ઞેશ ઠક્કર
સંદર્ભ :
૧. ‘ડેરો’ના પ્રસ્તાવનાકાર ગણેશ દેવીની પ્રસ્તાવના
૨. ‘સમકાલીન ગુજરાતી નવલિકા’, સંપા. ભરત મહેતા (પૃ. ૨૨૬થી ૨૨૮)
૩. ‘અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તાનું ગદ્ય’, સંપા. ભરત મહેતા. (વિભાગ ૩-૬-૬ પૃ. ૯થી ૧૧)
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭.