ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/છાયા ત્રિવેદી
આરતી સોલંકી
વાર્તાકારનો પરિચય :
પૂરું નામ : છાયા ત્રિવેદી
જન્મતારીખ : ૩૧.૦૩.૧૯૭૪
જન્મસ્થળ : અમદાવાદ
અભ્યાસ : એમ.કૉમ, એમ. જે. એમ. સી.
વ્યવસાય : પત્રકાર
સાહિત્યસર્જન :
પ્રકાશિત પુસ્તકો : અગિયાર - ૧૧. (કાવ્યસંગ્રહ : ૨, અનુવાદ : ૮, સંપાદન : ૧) કવિતા : ૧) ટેરવે પરપોટા, ૨) શ્રી ગઝલ અનુવાદ : ૧) ગાંધી : એક અસંભવ સંભાવના, ૨) કુલી બૅરિસ્ટર, ૩) સરદાર, ૪) યુગપુરુષ આંબેડકર, ૫) પ્રજ્ઞાની અનુભૂતિ, ૬) ન ગોપી, ન રાધા, ૭) જેએનયુમાં આકાંક્ષા, ૮) શ્રી રામાનુજ સંપાદન : ૧) ભારતીય ટૂંકીવાર્તા ભાગ : ૨ છાયા ત્રિવેદી પાસેથી હજુ સુધી કોઈ વાર્તાસંગ્રહ મળ્યો નથી. તેમની વાર્તાઓ જુદાં જુદાં સામયિકોમાં સમયાંતરે છપાતી રહી છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
છાયા ત્રિવેદી આપણા સાંપ્રત સમયનાં એટલે કે અનુઆધુનિકયુગનાં વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં સાંપ્રત સમસ્યાઓ કેન્દ્રસ્થાને છે.
ટૂંકીવાર્તા વિશેની છાયા ત્રિવેદીની સમજ :
છાયા ત્રિવેદી વાર્તાના સ્વરૂપને પૂર્ણરૂપે સમજીને વાર્તાઓ લખે છે. તેમની વાર્તા ચોક્કસ રીતે શરૂ થઈ એક ટોચ પર પહોંચીને ચોક્કસ રીતે પૂર્ણ થાય છે.
છાયા ત્રિવેદીની વાર્તાકળા :
છાયા ત્રિવેદી પાસેથી જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત થયેલી પાંચ વાર્તાઓ મળે છે. આ પાંચેય વાર્તાઓમાં લેખિકાએ જે રીતે વાર્તાના સ્વરૂપને વળગી રહેવાનો પ્રયત્ન કર્યો છે તે અદ્ભુત છે. તેમની એક વાર્તાનું શીર્ષક છે ‘બબલ્સ’. જે શબ્દનો અર્થ પરપોટો એવો થાય છે. આ વાર્તામાં લેખિકા બે પરિસ્થિતિને સામસામે અથડાવે છે. વાર્તાને શરૂઆતમાં જ નાયિકા લેપટોપ લઈને બેઠી છે. આ વાર્તાની નાયિકાને પણ વાર્તા લખવી છે. તે આજુબાજુનાં જુદાં જુદાં દૃશ્યો જુએ છે અને તે દૃશ્યો ઉપર વાર્તા લખવાનું વિચારે છે. જેમ કે તેને મકાન પર, બે પ્રેમીઓ પર, રીક્ષામાંથી ઊતરી પૂરતું ભાડું ન ચૂકવતાં અને ઝઘડો કરતાં એક બેન પર, લારી લઈને શાકભાજી વેચી રહેલી સ્ત્રીઓ પર આમ વિવિધ વિષયો પર તેને વાર્તા લખવા માટેનો વિચાર આવે છે. તે વાર્તા લખવાનું શરૂ કરે છે ત્યાં જ ડોરબેલ વાગે છે અને તેની કામવાળી આવે છે. અહીં લેખિકાએ ચરોતરી બોલીનો પ્રયોગ પણ સરસ રીતે કર્યો છે. કામવાળી પોતાનું મોડા આવવા પાછળનું કારણ જણાવે છે તે જાણીને નાયિકા રાજી થાય છે અને વળી પાછી પોતાની વાર્તા લખવા હીંચકા ઉપર બેસે છે. વિચાર કરે છે કે કેવી રીતે વાર્તાની શરૂઆત કરવી. ત્યાં જ વળી પાછી તેના ફોનમાં ધ્રુજારી આવે છે. આ વખતે તેની બહેનપણી શીતલનો ફોન હતો અને તે જણાવે છે કે આપણા લાડલા શિક્ષક સુનંદાબેનનું મૃત્યુ થયું છે. તેમની ભાળ મેળવવા માટે તેની સાથે કોઈ હતું નહીં. તેઓ બે દિવસ પહેલાં મૃત્યુ પામેલાં પણ કોઈને આ વાતની જાણ નહોતી. આ સમયે નાયિકા તેની કામવાળી ગીતાએ કરેલી વાતોને યાદ કરે છે કે તેના મોડા આવવા પાછળનું કારણ એવું જ હતું કે તેની બાજુમાં એક માજી બીમાર હતાં અને તેમને દવાખાને લઈ ગયાં હતાં. આ બંને પરિસ્થિતિ નાયિકા સામે ટકરાય છે ને વળી પાછી તે વાર્તા લખવાનું શરૂ કરે છે પરંતુ તેને કશું જ સૂઝતું નથી. એક બાજુ શીતલે કહેલી વાતોમાંથી સુનંદાશિક્ષક અને બીજી બાજુ ગીતાએ કરેલી વાતોમાંથી પેલા અજાણ્યાં માજીની તસવીર તેના લેપટોપમાં જડાઈ જાય છે અને વાર્તા પૂરી થાય છે. પરપોટાની જેમ જ નાયિકાના મનમાં વિચારો સ્ફુરે છે પરંતુ તે વિચારોને વાચા આપી શકે તે પહેલાં તો તે પરપોટાની જેમ શમી જાય છે એ વાત પુરવાર કરી આપી છે. ‘હેલ્પલાઇન’ વાર્તા વાચકને નવી દુનિયામાં લઈ જાય છે. આ વાર્તામાં વર્તમાન અને ભૂતકાળ વારંવાર ઘુમરાયા કરે છે. આ વાર્તાનો નાયક કેદાર વારંવાર આત્મહત્યા કરવાના પ્રયાસો કરે છે. હવે તેને જીવનમાં રસ નથી. વાર્તાની શરૂઆત જે રીતે થાય છે તેના કરતાં અંત જરા જુદી રીતે આવે છે. વાર્તાની શરૂઆતમાં જ કેદાર છાપાની રાહે છે. તેના મનમાં વર્ષોથી એક ઇચ્છા ઘર કરી ગયેલી છે કે ક્યારેક તો છાપામાં એનું નામ આવવું જ જોઈએ. જ્યારે તેનું નામ છાપામાં નથી આવતું એટલે તે મનમાં વિચારે છે કે જો હું આત્મહત્યા કરું તો ચોક્કસ મારું નામ છાપામાં આવે. આ ઉદ્દેશ્યથી શરૂ થયેલી વાર્તા વાચકને જુદા જુદા અનુભવમાં લઈ જઈ અને અંતે એક સામાન્ય પ્રેમકથા બની રહે છે. જે વેગથી વાર્તા વાંચવાની શરૂ કરીએ એવી ગતિ કે વેગ અંતે અનુભવાતાં નથી. અંતમાં લેખિકા સામાન્ય પ્રેમકથા આલેખે છે. એક જ પ્રશ્ન કેન્દ્રસ્થ છે કે ઘરના લોકો પ્રેમલગ્નની ના પાડે છે એટલે કેદાર કહે છે કે આપણે આત્મહત્યા કરીને તેને દેખાડી દઈએ કે તમે અમને આમ સાથે ન રહેવા દો તો અમે મરીને સાથે રહીશું. ત્યારે કેદારની પ્રિયતમા આવું કરવાની ના પાડે છે અને તેને છોડીને જતી રહે છે. પરંતુ જતી વખતે કહે છે કે એકને પણ મરતા બચાવી શક્યા હોય તો રોલ મોડલ બની શકાય. આ વાતને વળગી રહી કેદાર હેલ્પ લાઈન નંબર શરૂ કરે છે. જેમાં જણાવે છે કે જે લોકો આત્મહત્યા કરવાનું વિચારે છે તેઓ આ નંબર પર ફોન કરે. અને વાર્તાના અંતે કેદારનું કાઉન્સલિંગ કામ ચાલે છે અને તેનો ફોટો છાપામાં જોઈ ઇશીતા તેને ફોન કરે છે અને વાર્તા પૂરી થાય છે. ‘ઘાબાજરિયું’ વાર્તાના કેન્દ્રમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર અનુજા છે. લેખિકાએ વાર્તાનું સંકલન એવી રીતે કર્યું છે કે વર્તમાનથી શરૂ થયેલી વાર્તા ભૂતકાળના એક લાંબા પટ્ટ પર વિહાર કરી અને અંતે વળી પાછી વર્તમાનમાં આવીને વીરમે છે. અહીં અનુજા કોરોનામાં તેમનાં મમ્મી અને પપ્પા બંનેને ગુમાવે છે. તેમનું અવસાન થાય છે તે દરમિયાન કોરોનાના ભયના લીધે તેનાં સગાંસ્નેહીઓ તેને માત્ર ને માત્ર ફોનમાં આશ્વાસન આપે છે. આ સમયે અનુજા ઘરમાં એકલી છે એને કોઈકની જરૂર છે. પણ કોઈ તેને સાંત્વના આપવા આવતું નથી. ઘાબાજરિયું શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈકને કંઈક વાગ્યું હોય તો ત્યાં કોઈ વનસ્પતિની ઔષધિ બનાવી લગાવવામાં આવે છે તે. અહીં અનુજાના ઘાવ તો એના હૃદયમાં પડેલા છે. અનુજા ખૂબ દુઃખી છે તે સમયે તેના ઘરનો દરવાજો ખૂલે છે અને બાજુવાળાં માસી અનુજાને કહે છે કે મારા દીકરાને કોરોના થયો છે તું વિડીયો કોલમાં મને તેનો ચહેરો બતાવને. અનુજા વિડીયોકોલ કરે છે ત્યારે પેલાં બાજુવાળાં માસીના ચહેરા ઉપર જોયેલો આનંદ એ જુદો જ હતો અને અનુજાને જાણે ઘાબાજરિયું મળી ગયું. પછી તે ત્યાં હૉસ્પિટલમાં જાય છે અને કોરોનાના વોર્ડમાં જ જે કોઈ દાખલ છે તે દર્દીઓનાં સ્નેહીસંબંધીઓની સાથે તેની વાત કરાવે છે અને આનંદ અનુભવે છે. આ વાર્તામાં લેખિકાની આલેખનરીતિ એવી છે કે ક્યારેક અનુજાની સાથોસાથ વાચકની આંખોમાંથી પણ આંસુ ટપકી પડે છે. લેખિકાએ આ વાર્તામાં કોરોનાની મહામારીનું એક વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. ‘રૂપિયા બસ્સો પંચાવન’ વાર્તા વાચકને એવી દુનિયામાં લઈ જાય છે જેમાં કેન્દ્રસ્થાને તો આપણા સામાજિક પ્રશ્નો જ છે. આજે પણ છોકરાઓ મોટા થાય, કમાતા થાય, પત્ની આવે એટલે તેને ધીમે ધીમે માતા-પિતાની જરૂર રહેતી નથી. અને અંતે એક દિવસ એવો આવે છે કે તેઓ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ વાર્તાના કેન્દ્રમાં પણ આવી જ એક ઘટના છે. બે ભાઈઓને પોતાની બાના પેન્શનના પૈસામાં સરખો ભાગ જોઈએ છે પણ બાની સારસંભાળ રાખવી ગમતી નથી. તેના માટે એક એક મહિનાના વારા થયેલા. તે પણ હવે કામ આવે એમ નથી એટલે બાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે. આ વાર્તાનો કથક નીલ છે. તેના કાકા બસ્સો પંચાવન રૂપિયા માટે ખાસ્સી મથામણ કરતા જણાય છે. તેમણે આ બસ્સો પંચાવન રૂપિયા તેનાં બાની સારવાર માટે દવા પેટે ખર્ચ્યા હોય છે. પણ આ સમયે બાની જવાબદારી મોટાભાઈના માથે હોવાથી તેની પાસેથી કાકા બસ્સો પંચાવન રૂપિયા માંગી લે છે. વાર્તાના અંતે નીલ જે બાનો પૌત્ર છે તે આઈ.એ.એસ ઑફિસર બને છે અને જ્યાં તેનું પોસ્ટિંગ થાય છે ત્યાં તે તેનાં માતા-પિતાને લઈ જવાના બદલે તેનાં બાને લઈને જાય છે. અહીં પણ તેમના રહેવા માટેની પૂરતી વ્યવસ્થા કરે છે. આ વાર્તામાં પણ વર્તમાન અને ભૂતકાળ ઉલટસુલટ થયા કરે છે. ‘પતંગિયાની પાંખ’ વાર્તાનો કથક નાયક અભિ પોતે જ છે. અભિ અંધ છે. તેમણે બહારની દુનિયા ફક્ત પોતાની મનની આંખો વડે જ જોઈ છે. તેને રોજ સવારમાં મળતા રામુકાકા અને કનુ જે અનુક્રમે દૂધવાળો અને છાપાવાળો છે, તેમની સાથેના સંવાદોથી અભિનો દિવસ શરૂ થાય છે. તેની એક મિત્ર છે ગુડ્ડી. તેનું નામ તેમણે પતંગિયું પાડ્યું હોય છે. વાર્તાના અંતે આ જ પતંગિયું જે હંમેશ માટે આ સંસારમાંથી વિદાય લઈ લે છે પરંતુ તેની પાંખો તે અભિને આપીને જાય છે. એટલે કે વાર્તાના અંતે ગુડ્ડીનું એક્સિડન્ટ થાય છે અને તે મૃત્યુ પામે છે. પરંતુ તેની આંખો અભિને મળે છે અને હવે અભિ ગુડ્ડીની આંખો વડે આખા જગતને જોઈ અને જાણી શકશે. એટલે અહીં વાર્તાનું શીર્ષક પતંગિયાની પાંખે પણ સાર્થક છે. છાયા ત્રિવેદીની આ પાંચેય વાર્તાઓ વાચકને જુદા જુદા અનુભવમાં લઈ જાય છે અને સમાજનાં જુદાં જુદાં વાસ્તવિક ચિત્રો વાચક સામે ખડાં કરી જાય છે. બબલ્સ વાર્તામાં શરૂઆતની થોડીક ઘટનાઓ જે રીતે લેખિકા આલેખે છે તે કદાચ તેઓએ જુદી રીતે આલેખી હોત તો વાર્તા વધારે સફળ બની શકી હોત. બાકીની ચારેય વાર્તાઓમાં બિનજરૂરી રીતે કથાનો વ્યાપ વધારવાનો પ્રયત્ન લેખિકાએ કર્યો હોય એવું લાગતું નથી. ઘાબાજરિયું વાર્તા તો વાચકને કોરોનાની વૈશ્વિક મહામારીથી મોઢામોઢ કરાવે છે. તેમની વાર્તાઓમાં વ્યક્ત થયેલ ભાવ અને લાગણી વાચક પણ અનુભવી શકે છે તે વાર્તાકાર તરીકે તેમની સફળતા છે. બીજું, તેમની વાર્તામાં તેઓ સમય નામના પરિબળને ખૂબ ઉલટસુલટ કરતા હોય એવું લાગે છે. એટલે કે વર્તમાનમાંથી કોઈ એક કથા શરૂ થાય છે અને ભૂતકાળની ઘણી બધી ઘટનાઓ પછીથી ખૂલતી જાય છે અને વળી પાછી કથા વર્તમાનમાં આવે છે. આ પ્રયુક્તિમાં પણ લેખિકા ખાસ્સાં સફળ થયાં છે.
ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮