ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રેખાબા સરવૈયા
આશિષ ચૌહાણ
વાર્તાકારનો પરિચય :
ગુજરાતી સાહિત્યમાં સાંપ્રત વાર્તાલેખનક્ષેત્રે રેખાબા સરવૈયાનું નામ પણ ઉમેરી શકાય. તેઓ કવિતા, નિબંધ, લઘુકથા સ્વરૂપોમાં પણ સર્જન કરે છે. તેમનો જન્મ ૧૫-૦૫-૧૯૭૩ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં થયો હતો. B.Sc., M.Sc., અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો. હાલ (GAS) રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં, એડિશનલ કલેક્ટર તરીકે સેવાઓ આપે છે.
સાહિત્યસર્જન :
‘રેત પર લખાયેલ અક્ષર’ લઘુકથાસંગ્રહ (રન્નાદે પ્રકાશન, ૨૦૨૩), ‘ખોબામાં દરિયો’ લઘુકથાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૧૫), ‘ધબકતું શિલ્પ’ વાર્તાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૧૭), ‘આંખમાં આકાશ’ લઘુકથા સંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૨૩), ‘પ્રેમ અને પીડા’ કવિતાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૨૩) રેખાબા સરવૈયા કવિતા, વાર્તા, લઘુકથામાં કલમ ચલાવે છે. અલગ-અલગ સંસ્થાઓ, અકાદમી દ્વારા પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. સાહિત્યિક સામયિકો, દૈનિકપત્રોની પૂર્તિઓમાં તેમની રચનાઓ પ્રગટ થાય છે. આકાશવાણી રાજકોટ (All India Radio) પર કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે કામગીરી, સ્ક્રિપ્ટ રાઇટર, તથા જર્નાલિઝમ કૉલેજના ગેસ્ટ લેક્ચરર તરીકે પણ સેવાઓ આપે છે, તેમ જ સાહિત્યિક અને સામાજિક મુદ્દાઓ ઉપર વ્યાખ્યાન અને વાર્તાલાપ કરે છે. તેઓને નિમ્નલિખિત પુરસ્કારોથી સન્માનવામાં આવેલ છે :
– ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા માટે (નર્મદ સાહિત્યસભા, સુરત) દ્વારા (૨૦૧૮)ના કેતન મુનશી વાર્તા પુરસ્કાર
– સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં જન્મભૂમિ, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોના સહયોગથી ‘જીવનમાંથી જડેલી આંતરરાષ્ટ્રીય વાર્તા’સ્પર્ધા પુરસ્કાર (૨૦૨૧)
– એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ દ્વારા ‘સર્જનાત્મક લેખન આંતરરાષ્ટ્રીય સ્પર્ધા’ (નવલિકા અને એકાંકી)માં પુરસ્કાર (૨૦૨૦)
– ISRO DECU - ઍવૉર્ડ પર્યાવરણ વિષયક શીઘ્ર કવિતા (૨૦૨૩)
– ‘શાંતિઃ પહેલે ભીતર ફિર બાર’ આધ્યાત્મિક નિબંધ માટે (૨૦૦૦)માં ‘ચિન્મય મિશન’ ઍવૉર્ડ
– ‘સુખનો સ્વાદ’ વાર્તા માટે ગુજરાત-સૌરાષ્ટ્ર વાર્તા પુરસ્કાર (૨૦૦૧)
– પ્રેરણાત્મક મુલાકાત-ઇન્ટરવ્યૂ માટે ઑલ ઇન્ડિયા રેડિયો યુવા ઍવૉર્ડ (૨૦૦૪)
– ‘આધ્યાત્મિક શિક્ષણની અમલવારી’ નિબંધ માટે અખિલ ભારતીય અધ્યાપન મંડળ દ્વારા પુરસ્કાર (૧૯૯૯)
– સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ, વાર્તા સાહિત્ય ચર્ચા માટે દિવ્ય ભાસ્કર સન્માન
– નારીશક્તિ ઍવૉર્ડ-૨૦૧૦ ‘અભિયાન, સાપ્તાહિક પત્રિકા’ દ્વારા
– ‘સંઘર્ષ કે બાદ સફળતા’ નિબંધ માટે રોટરી પુરસ્કાર (૨૦૦૯)
– મહુવા ખાતે યોજાતા અસ્મિતા પર્વ-૨૧, સન્માન લઘુકથા પઠન માટે (૨૦૧૮)
વાર્તાકારનો યુગસંદર્ભ :
રેખાબા સરવૈયા વાર્તાસંગ્રહ ‘ધબકતું શિલ્પ’ આપે છે. આ સંગ્રહના શીર્ષકની સાથે તેઓ વિશેષણરૂપે એક વાક્ય મૂકે છે. ‘નાજુક નારી- સંવેદનાની નવલિકાઓ’ નારીચેતનાનું સંવેદન તેમને અનુઆધુનિક વાર્તાકાર તરીકે સ્થાન આપે છે. આજના સમયમાં સમાજ, નારી પ્રત્યે કેટલો વફાદાર છે! તે સમષ્ટિની નારીને કેન્દ્રમાં રાખી નિરૂપણ કરે છે. સંવેદનની દૃષ્ટિએ અને ભાષા-બોલીના સંદર્ભમાં પણ સજાગ છે. આ સંગ્રહના નિવેદનમાં તેઓ નોંધે છે, “મારી વાર્તામાં જાગી ગયેલી સ્ત્રીની વાત તો છે જ, પણ જાગીને જાણી કરીને જતું કરી દેનારી સ્ત્રીની પણ વાત છે. પોતાની જાત સાથે વફાદાર રહીને પરંપરા સામે બંડ પોકારતી સ્ત્રીની વાત છે. તો અંગત રીતે નુકસાન વેઠી લઈને જિવાતા જીવનની સપાટીથી ઊંચે ઊઠીને પોતાના આંતરજગતનું ‘સબલીઝમ’-લેવલ સેટ કરતી સ્ત્રીની પણ વાત છે....” ૧ ઑક્ટોબર, ૨૦૧૬ (પૃ. ૫)
‘ધબકતું શિલ્પ’ વાર્તાસંગ્રહનો પરિચય :
આ સંગ્રહોમાં કુલ ૧૫ વાર્તાઓ સમાવવામાં આવી છે. પ્રથમ વાર્તા ‘ધબકતું શિલ્પ’ અને અંતિમ ‘મૃત્યુંજય’ બંને શીર્ષકની પરિભાષા જોવા જઈએ તો, જીવનની ભાવનાઓને પથ્થરથી પ્રાણ સુધી વિસ્તારે છે. છેલ્લી વાર્તા કદાચ જુદી ઘટનાને નિરૂપે છે. પણ, સ્ત્રીહૃદય અને સંવેદના, ચેતના તો ઋજુતા તરફ ઢળે છે. ‘ધબકતું શિલ્પ’ પ્રથમ પુરુષ એકવચન કથનકેન્દ્રને પસંદ કરીને કહેવાઈ છે. સ્ત્રીના અસ્તિત્વની વાત કલા, સર્જનના માધ્યમથી નિરૂપી છે. પતિ શિલ્પકાર છે, તો પત્ની પણ એક કલાકાર છે. જે સૃષ્ટિનું સર્જન કરે છે. એ સર્જન કલાના ધોરણે હોય છે, નહીં કે સ્ત્રીના માત્ર હોવાપણાના ભાવને કારણે! પુરુષની ભાવસંવેદના જેટલી જ સ્ત્રીની પણ સંવેદના વિશેષ છે. “કોઈપણ સર્જકની મંઝિલ સુખ નથી હોતી... હા... સુવિધા કે સગવડથી સુખ મળે તો એ ભોગવી જાણે – બાકી સાચુકલું હૃદય તો ઝંખે અસ્તિત્વના હોવાપણાના આનંદને!” (પૃ. ૪) ‘અસ્ત્રીનો અવતાર’ સર્વજ્ઞ કથન દ્વારા વિશ્વા અને વિવાનની કથા નિરૂપાઈ છે. વિવાન પ્રો. ડૉ. સમાજશાસ્ત્રી હોવા છતાં, પુરુષપ્રધાનતા તેમાંથી જતી નથી. દરેક પુરુષનું પ્રતિનિધિત્વ કરતો વિવાન વાર્તામાં ‘વિમેન્સ એમ્પાવરમેન્ટ’ના સેમિનારનું આયોજન કરે છે. પણ, કથાનાયિકા વિશ્વાને કશો જ ફાયદો નથી. વિશ્વા અને તેની કામવાળી બાઈની કથા સમાંતરે ચાલે છે. સ્ત્રીના ભાગે જીવનમાં સતત વેંઢારવાનું જ લખ્યું છે. ‘કાગળની હોડી’ શીર્ષક પ્રતીક બનીને વાર્તાનાયિકા રેવાના જીવનને સ્પષ્ટ કરે છે. મિત્ર રઘુ, જીવનમાં સાથી ન બનવાનું દુઃખ રેવાને છે. ઇચ્છાઓનું દમન કરી રઘુના વ્યવહારની અવગણના ન કરી શકી. વર્તમાન ભૂતકાળ બનીને વ્યતિત થાય છે. રેવા બાવરી બનીને પણ પોતાની મંદ બુદ્ધિ બહેનને સાચવે છે. પિતાની પણ જવાબદારી પોતે જ ઉઠાવે છે. “પણ આજે ધીમા સ્વરે એ એટલું જ બોલી : દિકુ, કંઈ કેટલાંય વરસથી કાગળની હોડીમાં જ તો હું સફર કરું છું.” (પૃ. ૨૨) ‘શંખમાં ઘૂઘવતો દરિયો’ ભૂતકાળને સતત ઝંખતી નાયિકા સૌમ્યા, પુરુષપ્રેમના અભાવને ખોળ્યા કરે છે. મનમાં કલ્પેલી પુરુષની છબી પોતાના પતિ સૌમિત્રમાં જ્યારે દેખાવા લાગે છે ત્યારે ધન્યતા અનુભવે છે. જે દૃશ્ય આટલાં વર્ષોથી શોધતી રહી તે નજર સામે જ હતું. કલ્પના, ઇચ્છા, ભ્રમ, સત્ય વગેરેમાં સૌમ્ય ભટક્યા કરે છે. અસ્તિત્વના સ્પર્શને તે સતત ખુલ્લી આંખે અનુભવે છે. “સોમ્યાથી જોરથી આંખો મીંચાઈ ગઈ... ઓ... હ...! બંધ પોપચામાં કંઈક નોખું જ દૃશ્ય એનો પીછો છોડતું નહોતું અને ઉઘાડી આંખે જે કંઈક દેખાતું હતું એ દૃશ્ય... બંને તરફ ખેંચાતું અસ્તિત્વ!” (પૃ. ૨૬) ‘મુક્તિ’ સ્ત્રીના ભાગ્યમાં દુઃખ જ છે, એ અહીં સૂચિત છે. એ પણ ઇંગિત છે કે, સ્ત્રીને મુક્તમને જીવન જીવવું છે. ઘરની જવાબદારીમાં જિંદગી વીતે એવું ન માનનારી નાયિકા પોતાની મસ્ત દુનિયામાં રહેવા માગતી હતી. પતિના અવસાન પછીની ઉત્તરક્રિયા સુધીની બેડીમાંથી એ નાયિકાને હળવાશ મેળવવી હતી. પરણીને આવ્યા પછીની ઘરકામની જવાબદારી સતત માથે ભમ્યા કરે છે. શોખ, વાચન, જીવન બધું જ એક પેટીમાં પુરાયેલું લાગતું હતું. એમાંથી નાયિકાને વાર્તાન્તે છુટકારો મળે છે. “કોણે કહ્યું કે મરે એ જ મુક્તિ પામે? જે જીવે છે, હયાત છે – એનો વારો પણ ક્યારેક તો આવે જ... સાડલાનો છેડો સરખો કરીને એ ઊભી થઈ અને ધીમા પણ મક્કમ પગલે ઓરડો છોડીને અગાસી ઉપર જતી સીડીની દિશામાં ઓગળી ગઈ.” (પૃ. ૩૮) ‘નિર્વાસિત’ મુક્તિ વાર્તાનાયિકા છે. પરદેશમાં એક સુખીસંપન્ન યુગલના ઘરે કામવાળી તરીકે રહે છે. પોતાનાં ભાઈ-ભાભીથી તરછોડાયેલી નાયિકા ક્યાંય પ્રેમ નથી ભાળતી. એકમાત્ર બોબી માલકણનો દીકરો, તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, મેળવે છે. એક ઉંમર વટાવી ગયા પછીની સ્થિતિ નિર્દેશ મુક્તિના કપરા સમયને બયા કરે છે. દરદર ભટકવાનું મુક્તિને મુનાસિબ લાગતું નથી. એકલતાનો તથા બંધનનો ભાવ સતત અનુભવાય છે. પતિ ખોટું બોલીને દેશમાંથી પરણીને લાવ્યો અને દરજ્જો મળ્યો કામવાળી તરીકેનો. આ નિર્વાસિતપણું સ્ત્રીના અસ્તત્વિને જોખમાવે છે. ‘કેફિયત’ અહીં કેફિયત અદિતિ અને પાડોશમાં રહેતા આદિત્યના બા બંનેની છે. સગા દીકરાથી ન સચવાયેલાં બાને પ્રો. અદિતિએ ઉમળકાથી થોડા દિવસ સાચવ્યાં. પણ, અદિતિના જીવનમાં ખાલીપો હતો, બાના જીવનમાં પણ. “અદિતિએ નોંધ્યું, બા વારંવાર પોતાના કાંડામાંના કંગન સામું જોતાં હતા અને પછી અદિતિના સાવ અડવાણા હાથને...!” (પૃ. ૪૯) ‘મોર્નિંગ રાગા’ અનુપમ અને અનુરાધા મોર્નિંગ વૉકમાં નીકળે છે. પાડોશી હોવાને નાતે બંનેની કથા એક સરખી છે. સંતાનોથી દૂર થયેલાં માતા-પિતા કેવો અનુભવ કરે છે એ સંવેદના પ્રબળ બને છે. જૈફવયે પહોંચેલાં માતા-પિતાને લાગણી, પ્રેમ, સહાનુભૂતિની વધુ જરૂર હોય છે. ‘પ્રેમનો વારસો’ મૈત્રીનો પતિ મંથન પ્રખ્યાત ચિત્રકાર છે. તેની વાહ વાહ જરાય ઓછી નથી. મંથન પણ પોતાની પ્રસિદ્ધિમાં રચ્યોપચ્યો રહે છે. સામે છેડે મૈત્રી ઉદાસ છે. પોતે જર્નાલિઝમની ડિગ્રી ધરાવે છે. પણ, મંથનથી ખુશ નથી. તે મૈત્રીને પ્રેમ કરવા કરતાં પ્રસિદ્ધિને જ ચાહે છે. પોતાનું બાળક અવતરી મંથન જેવું જ બને તો મૈત્રી માટે બેડી સમાન જ છે. એટલે એ ઘટનાથી દૂર રહેવા માંગતી નાયિકા બાળકને પોતાનો વિચારવારસો આપવા માંગે છે. ‘બંડખોર’ સર્વજ્ઞ કથનથી કહેવાયેલી કથા પ્રેમલગ્ન કર્યા પછી નાયિકાની સ્થિતિ, એ કરતાં પણ સ્ત્રીને કેટલું વેઠવું પડે છે! તેની સ્થિતિ દર્શાવે છે. વિધર્મી પતિમાં સહેજ પણ દયાભાવ નહોતો. છતાં, તેની સાથે રહેવાનું પસંદ કરનારી નાયિકા બંડખોર સાબિત થાય છે. પોતાનામાં ઊછરી રહેલા બાળકને ગુમાવ્યા પછી IVF બેબીનું આરોપણ કરવાનું નક્કી કરતી નાયિકા પોતાના પતિના વ્યક્તિત્વથી છૂટવા માંગે છે. અસ્તિત્વની લડત આપનારી સ્ત્રી ક્યારેક બંડખોર પણ બને છે. ‘ચુવાક’ દીકરો શહેરમાં રહે છે. માતા-પિતાને પણ ત્યાં લઈ જવા માગે છે. અને વહુના એ માટેના બેપરવાભર્યા શબ્દ સમરથલાલને ખૂંચે છે. સરિતા સમરથલાલને બાળકની જેમ સમજાવે છે. ધરપત આપે છે, દીકરા કરતાં પણ મજબૂત સહારો બનીને પત્ની ઊભી રહે છે. સ્ત્રી આપે છે તો સર્વસ્વ આપી દે છે. પોતાના અસ્તિત્વની પરવા કર્યા વગર તે પોતાનો પતિધર્મ નિભાવે છે. કેટકેટલું જતું કરીને પણ પ્રેમમૂર્તિ બની રહે છે. ‘સંજીવની’ સસરા સાથે દીકરાની જેમ પ્રેમપૂર્વક વર્તન કરતી શિવાની આદર્શ વહુ છે. પોતાના સહજીવનની શરૂઆત શિવાંશુ સાથે કરી પણ એ અધૂરી રહી. જીવન સહારા વિના વિતાવવું મુશ્કેલ છે. એટલે માનસરોવરની યાત્રામાં પ્રવાસી તરીકે મળેલો ડૉ. સુબ્રમણ્યમ સાથે મિત્રતા કેળવતી શિવાની કશુંક પામવાનો પ્રયત્ન કરે છે અને એ અધ્યાત્મ જીવનના એક નવા દોર સુધી વિસ્તરે છે. ‘રાજબાનો ઝરૂખો’ સર્વજ્ઞ કથનકેન્દ્રને પસંદ કરતી કથા સરસ રીતે નિરૂપાઈ છે. રાજબા પોતાની સ્વતંત્રતા ઉપર તરાપ મારનાર રુદ્રપ્રતાપસિંહને જવાબ પણ આપે છે. રજવાડું પરંપરામાં કોઈ સ્ત્રી સ્વાભિમાન બતાવે એ તો હદ કહેવાય! એવું માનનાર રાજા રુદ્રપ્રતાપસિંહ વલવલી જાય છે. પોતાના પેટે અવતરનાર દીકરો રાજવીર માતાના અંશનો અંશ હશે જ. એવો પ્રેમભાવ વ્યક્ત કરનાર રાજબા પોતાના પતિ જેવું જ વર્તન કરનાર શબ્દો બોલનાર દીકરાના પૌરુષેય હુંકારને અવગણે છે, દુઃખી થાય છે. અસ્તિત્વનો પ્રશ્ન મૂળગત રીતે સળગતો જ રહે છે. ‘શંખધ્વનિ’ શંખધ્વનિ અહીં પ્રેમનો, એકલતાનો કે પછી જીવનની આસ્થાનો? એ પ્રશ્ન છે. જવાબરૂપે વાર્તાકાર કથાનાયક અંશુમાનના મૌનને પ્રગટ કરે છે. કદી મા ન બની શકનાર આસ્થા અંશુમાનની સાથે રહેવાના વિચારને અયોગ્ય ઠેરવે છે. વાર્તાના અંતમાં અંશુમાનનો પ્રેમોદ્ગાર અને વિશુદ્ધ લાગણી જ વાચા બને છે. પ્રેમસંબંધોની અધૂરપ અંશુમાનને ત્યારે જ દેખાય છે જ્યારે તેને ખબર પડે છે કે, દાદાજીના એક ફોરેનર મિત્રના દીકરા ડૉ. આશુતોષ સાથે લગ્ન કરીને આસ્થા અમેરિકા ચાલી ગઈ. અંશુમાન સંગીતકાર છે, તો આસ્થા ચિત્રકાર. કલાકારનું જીવન કલાત્મકતાથી જ ભરેલું હોય છે. વાર્તાકાર નોંધે છે, “કલાકારે માત્ર એકાદ ક્ષણમાંથી જ પસાર થઈને સર્જન કરવાનું હોય છે. હર સમયને વેદનાની ક્ષણ બનાવીને જીવી ન શકાય. આઇ થિંક... તમે એમ માંહેના જ હશો., બરાબર? ચિત્રકાર નહીં હો તો કવિ હશો નહીંતર સંગીતકાર...” (પૃ. ૯૪) ‘મૃત્યુંજય’ આ સંગ્રહની છેલ્લી અને થોડી લાંબી વાર્તા છે. લેખિકા વાર્તાનું પાત્ર બનીને આવે છે. પરિવારમાં નાના ભાઈની ચિરવિદાયને ભાષાની પ્રૌઢિથી, કુશળતાથી, સહજતાથી અને અસ્વસ્થ છતાં, સ્વસ્થતાથી નિભાવી જાણે છે. જવાન દીકરાના અવસાન પછી પિતા અને માતાની શી હાલત થાય! એથી વિશેષ સ્વજનોથી છૂટો પડતો જીવ તે શિવમાં, પ્રકૃતિમાં કેવી રીતે પરિવર્તિત થાય છે, તેની સમજ ધરાવનાર કથક-લેખિકા અધ્યાત્મનો સાર સારી અને ઊંડી રીતે સમજાવી જાય છે. “આ સમસ્ત બ્રહ્માંડમાં નિરંતર ચાલી રહેલા સ્વયં-ભૂ વિરાટ યજ્ઞની અંદર આહુતિરૂપે હવિષારૂપે મારા જીવનનો અંશ ‘સ્વાહા’ કરીને હોમતી રહું... અને સાથે જ આ યાત્રામાં મારી સાથેનાં સહયાત્રીઓના મોંમાંથી ઝરતા વિષાદના કણોને મારા હૃદયની ઋજુતાના મંત્રોચ્ચાર થકી લૂછી શકું એવું સામર્થ્ય મને મળી રહો!” (પૃ. ૧૧૮)
રેખાબા સરવૈયાની વાર્તાકલા :
નારીસંવેદનની કથાને વાચા આપવાનું કાર્ય લેખિકાએ સરસ રીતે કર્યું છે. સમાજજીવનની વરવી વાસ્તવિકતાને શબ્દરૂપ આપવામાં તેઓ એક ડગલું આગળ ચાલે છે. જીવતા જીવનમાં સ્ત્રીને ભાવાત્મક રીતે આલેખી છે. સ્ત્રીની લાગણી, પ્રેમ, સંવેદન, કરુણા તેમ જ જીવનમૂલ્યોને ઉજાગર કર્યાં છે. ક્યાંક કોઈ વાર્તામાં સ્ત્રીને બંડ પોકારતી પણ બતાવવામાં આવી છે. સુપેરે કથાઘાટ આપી, નારીચેતનાને તેઓએ વ્યક્ત કરી છે. આસપાસ બનનારી ઘટનાને કેન્દ્રસ્થ કરી સામાજિક નિસબત સાથે વ્યક્ત કરી છે. દરેક ઘરની સ્ત્રીની કથા બની રહે એવી રીતે સ્ત્રીપાત્ર, મનઃસ્થિતિ વ્યક્ત કરે છે. સ્ત્રી પાત્રના મનની સંકુલતા પણ અભિવ્યક્ત થવા પામી છે. ઘરની જવાબદારી નિભાવતી સ્ત્રી પોતાની પણ ઇચ્છાઓ, લાગણી, સંવેદનાઓને ધ્યાનમાં લેવા પુરુષ પ્રતિનિધિત્વને ટકોર કરે છે. પુરુષપ્રધાનતાની સામે નારી અસ્તિત્વને પણ મહત્તા હોય છે, માન-સન્માન હોય છે. એ ભાવ લેખિકાએ ભાષાને કેન્દ્રમાં રાખીને વ્યક્ત કર્યો છે. ભાષામાં કલાત્મકતા જોવા મળે છે. કાવ્યત્વ સુપેરે પ્રગટ થયેલું જોઈ શકાય છે. ક્યાંક વધુ પડતા ભાવને કારણે મૂરખતા દેખાય છે. છતાં, સ્ત્રીસહજ ભાવનાઓને જ કેન્દ્રસ્થ ન કરી, વ્યક્તિત્વને યોગ્યતા બક્ષવા પ્રયત્નશીલ રહ્યા છે. વાર્તાનાં ઘટકતત્ત્વો વાર્તાને વેગ આપે છે. ગ્રામ અને શહેરી વાતાવરણને પણ ભાષા, બોલી સાથે ઉજાગર કર્યું છે. પરંપરા, રીતરિવાજ અને રુઢિને ઇંગિત કરી સમાજમાં સ્ત્રીના મહત્ત્વ પ્રત્યે સભાનતા લાવવા પ્રયત્ન કર્યો છે. આખરે વાર્તાને તીવ્રતમ અનુભૂતિનું રૂપ આપવા પાછળ, દરેક સ્ત્રીની વાત વાર્તાકારે કરી છે. હેતુસહ અભિવ્યક્તિ અલગ મિજાજ પ્રગટ કરે છે. અંતે નવલિકાની દૃષ્ટિએ વાર્તાકાર ખરા ઊતર્યા છે. હજુ પણ વધુ વાર્તાઓ આપે એવી અપેક્ષા.
સંદર્ભ :
- ‘ધબકતું શિલ્પ’, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૭, પ્રકા. : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ.
આશિષ ચૌહાણ
ગુજરાતીના પ્રાધ્યાપક
મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮