ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જનક ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જનક ત્રિવેદી

મયૂર ખાવડુ

GTVI Image 124 Janak Trivedi.png

[‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ આવૃત્તિ ૧૯૯૫, બીજી આવૃત્તિ, ૨૦૧૦]
વાર્તાકાર જનક ત્રિવેદીનો પરિચય

૧૦ જૂન ૧૯૪૬ના રોજ જસદણ તાલુકાના કોઠી ગામમાં જનક નંદલાલ ત્રિવેદીનો જન્મ થયો. એમની લગભગ કૃતિઓના પ્રથમ વાચક પત્ની સરોજબહેન ત્રિવેદી. ભારતીય રેલવેમાં વ્યવસાય અને એ જ વ્યવસાયને એમણે પોતાના સર્જનમાં નખશિખ ઉતાર્યો. મૂળ માણસ કલાના. સારા સર્જક એ કરતાં સારા ચિત્રકાર. એમની પ્રથમ ટૂંકી વાર્તા ‘ચાંદની’ સામયિકમાં પ્રકાશિત થયેલી ‘કાળી બિંદી’ હતી. એમનાં ત્રણ પ્રમુખ સર્જનો એટલે ૧૯૯૫માં પ્રકાશિત થયેલો પ્રથમ અને એકમાત્ર વાર્તાસંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, એ રીતે ‘નથી’ નામની એમની એકમાત્ર નવલકથા અને ૨૦૦૮માં મરણોત્તર પ્રકાશિત થયેલ ‘મારો અસબાબ’ નિબંધસંગ્રહ, જે ૨૦૨૧માં નવજીવન દ્વારા પુનઃપ્રકાશિત પામ્યો. કેટલુંક ડાયરી સાહિત્ય અને લઘુકથા ક્ષેત્રમાં પણ એમણે કામ કરેલું છે. દર વર્ષે એમના માનમાં નિબંધ સાહિત્યના વિકાસ અને નવોદિત નિબંધકારોને પ્રોત્સાહન આપવા હેતુ ‘શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા’ પણ યોજવામાં આવે છે. એમના પુત્ર ધર્મેન્દ્ર ત્રિવેદી, વાર્તાકાર, સંપાદક અને નિબંધકાર છે જ્યારે સૌમિત્ર ત્રિવેદી પત્રકાર, કવિ અને વાર્તાકાર છે. આ સર્જક, ૨૯ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ ગુવાહાટી રેલવેસ્ટેશનના આરામકક્ષમાં અવસાન પામ્યા હતા. વાર્તાસંગ્રહ : ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’ વાર્તાકારનો સમયસંદર્ભ – અનુઆધુનિક પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ આવૃત્તિ ૧૯૯૫, બીજી આવૃત્તિ, ૨૦૧૦ પુસ્તકના પૃષ્ઠની સંખ્યા ૧૬ + ૧૨૮ = ૧૪૪ અર્પણ : મરક વાણીના જાણતલ શ્રી વલકુબાપુને ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી

GTVI Image 195 Baval Vavnar ane Biji Vartao.png

‘સુજ્ઞ વાચકગણ, આ મારી વાર્તાની વારતા છે. તમ સૌની જીવન વિશેની સમજણ ઉપર મને પૂરો ભરોસો છે. ભાષાના પ્રપંચનો મોહ ટાળી મેં વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. મારા પૂર્વજ સર્જકો એવું કરી ગયા છે. છતાં મારી વાર્તામાં અને વાર્તાની વારતામાં તમને દોષ દેખાય તો તે સાંધાવાળા જેઠાલાલ ગોરધનનો નહીં, પણ લેખક તરીકેની ઊણપનો ગણજો, મારી સંવેદનક્ષમતાનો ગણજો. લ્યો ત્યારે, રામે રામ!’

– જનક ત્રિવેદી

સર્જકે કોઈ બીજાના અનુકરણમાં આવ્યા વગર પોતાના ક્ષેત્રની વાર્તાઓ લખવી જોઈએ – કહેવી જોઈએ. જેથી જે વાર્તાક્ષેત્ર અછૂત રહ્યું હોય એને પણ વાર્તાસાહિત્યમાં સ્થાન મળી શકે. વાર્તાકાર અને નિબંધકાર જનક ત્રિવેદીએ આ જ કામ કર્યું છે. અલબત્ત, આ વાર્તાઓ અનુકરણથી પર હોવા છતાં એકબીજી વાર્તાઓનો છેડો પણ ક્યાંય ભેગો નથી થતો. ભાગ્યે જ એવું બને કે એક વાર્તાની ઘટના બીજી વાર્તાને ગળે મળે. રેલવેની વાર્તાઓ તો એમના વ્યવસાયમાંથી આવી. સર્જકની શોષણ સામે ઊંચો અવાજ કરવાની વિચારધારાએ પણ ભાગ ભજવ્યો. જે ‘મારો અસબાબ’ સંગ્રહના નિબંધોમાં પણ ભાવક પામી ચૂક્યો છે કે પામશે. ‘ચક્કર’ વાર્તામાં તો ‘ચક્કર-બે’ નિબંધમાં! એક વાર્તા સ્વરૂપનું ચક્કર! તો બીજું નિબંધ સ્વરૂપનું ચક્કર! ૧૯૯૫માં પ્રકાશિત થયેલો જનક ત્રિવેદીનો પ્રથમ અને હાલ એકમાત્ર વાર્તાસંગ્રહ એટલે ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’. હિન્દીમાં જેમ ‘અન્ય કહાનિયાં’ એવું શીર્ષક પ્રતાપી વાર્તાકારોએ પુસ્તકમાં રાખ્યું એ ઢબનું કામ અહીં જનક ત્રિવેદીએ કર્યું છે. મુખપૃષ્ઠની આગલી અને પાછલી મંઝિલે પણ એમની જ તસવીર. તસવીરનો એક ભાગ સફેદ તો બીજો ભાગ રેલવેની લીલી ઝંડી જેવો! રેલવેની લીલી ઝંડીમાં બ્રહ્માંડ હોય એવા તારા દેખાય. જે ઇંગિત કરે કે સમગ્ર બ્રહ્માંડમાં વાર્તાઓ જ વાર્તાઓ છે. સંગ્રહમાં અઢાર પણ આમ સત્તર વાર્તાઓ અને કેટલીક વાર્તા કઈ સાલમાં લખાઈ એ તો મહત્ત્વનું જ પણ ક્યાંક રેલવે સ્ટેશનનું નામ લખી આ સર્જક વાર્તાનું કથાવસ્તુ ક્યાંથી સાંપડ્યું એ પણ ઇશારા દ્વારા ભાવકને કહેતા જાય છે. જેમ કે સંગ્રહની ત્રણ વાર્તાઓની ઘટના વાર્તાકારને ક્યાંથી મળી તે જાણી શકીએ. એને ‘સ્ટેશનજૂથ’ની વાર્તાઓ પણ કહી શકીએ. ૧) પાસ થ્રૂ – મોટી પાનેલી રેલવે સ્ટેશન ૨) ક્યાં જાય છે, કાનજી? – વાંસજાળિયા, રેલવે સ્ટેશન ૩) ફરેબી – વડિયા દેવળી, રેલવે સ્ટેશન કેટલીક વાર્તાઓ સાલ વિહોણી છે, કોઈ વાર્તાના ગદ્યમાં એમના પરિવારે પણ પદ્ય દ્વારા અતિથિ પ્રવેશ કર્યો છે. તો ક્યાંક Pseudonym કેરેક્ટર દ્વારા પરિવાર જ પાત્ર તરીકે સામે આવે છે. ક્યારેક કોઈ ઘટના શૂન્યથી થોડી મોટી, તો ક્યારેક ગદ્યના લસરકાઓ દ્વારા પ્રતીકાત્મક રીતે કશુંક કહેવાનું, વળી ક્યારેક વાર્તાનું પોત સંવેદનપટું બની જાય છે. વાર્તાકાર જનક ત્રિવેદી કહે છે એમ, વાર્તા લખવા મારે કલ્પનાનો આશરો શા માટે લેવો પડે છે! આ કારણે જ તો જનક ત્રિવેદીની વાર્તાઓ વાંચતાં એક જિંદગી જીવી ગયેલા માણસોના પરિચયમાં આવ્યા હોઈએ એવું લાગ્યા વગર રહેતું નથી. એમની વાર્તાઓમાં ક્યાંક છૂપો કટાક્ષ જોવા મળે તો વળી મનમાં હસી લઈએ એવું હ્યુમર પણ કરી જાય. ભાષાશૈલીની દૃષ્ટીએ કેટલીક વાર્તાઓ ભાવકના ચિત્તને દુર્બોધનો રોટલો ખવડાવે. એ તો માની શકાય એમ છે કે કોઈ વાર્તાસંગ્રહની દરેક વાર્તા ગુજરાતી વાર્તા સાહિત્યના મંચ પર પોતાની અલગ છાપ ન છોડી જાય છતાં વાર્તાકારની કેટલીક મહત્ત્વની વાર્તાઓ પર નજર નાખી તેનું વિશ્લેષણ કરવાનો જ ઉપક્રમ. જનક ત્રિવેદી આધુનિકતાના રંગે રંગાયેલા વાર્તાકાર. વાર્તાઓની ઘટનાનો મેદ ઘટે છે અને સંકેત તથા પ્રતીકો દ્વારા ક્યારેક ઘટનાને સંવૃત રાખી કહે છે. ભાવકે એ બધું ઉકેલવું પડે છે. ક્યારેક ખોટું અર્થઘટન થવાની પણ ભીતિ રહે છે. તો ક્યારેક વાર્તાઓ પ્રશ્નાર્થમાં બોલે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ઓગાન’ વિષાદની વાર્તા છે. ઘટના તો માત્ર એટલી જ કે દરિયાકાંઠે વાર્તાકાર બેઠા હોય અને સામે એક અજાણ્યો જણ હોય. નાયકને એને મળવાની ઉત્કંઠા થતી હોય. એમ રહસ્ય સાચવી રાખે કે એ ત્યાં કાયમ શું કામ બેસે છે. પણ વાર્તાના અંતે ઓગાનનું શીર્ષક ફળીભૂત થાય છે. એક ઘૂઘવતો દરિયો સામે અને બીજો એની આંખમાં. એક ખારા દરિયાને બીજા ખારા દરિયામાં ઠલવવો. ખીચોખીચ ભરી દેવો. ઓગનનો અર્થ થાય તૃપ્તિ, છલકાઈ જવું. જે અહીં દરિયાકાંઠે બેસતા પાત્ર માટે કપોળકલ્પના સિવાય કશું નથી છતાં એક આશા બાંધી તે બેઠો છે. ‘પાસ થ્રૂ’ વાર્તા ટૉમસ વૉલ્ફની The Far and the Near – દૂરથી નજદિકથી વાર્તાની યાદ અપાવે છે. ટૉમસ વોલ્ફની વાર્તાનો ગુજરાતી અનુવાદ શરીફા વીજળીવાળાએ ‘અનન્યા’ પુસ્તકમાં કર્યો છે. બેઉ વાર્તાઓ તેની લંબાઈની દૃષ્ટિએ ટૂંકી. વળી રેલવેનો ઉલ્લેખ. જે વાર્તાકાર જનક ત્રિવેદીમાં સામાન્ય છે. વાર્તાકાર લખે છે, ‘વાડીના અધખૂલા ઝાંપા ઉપર હાથ ટેકવી ત્રિભંગ રચતી, ગાડી જોતી, લચકદાર અંબોડાવાળી ભીનેવાન કમનીય યુવાન છોકરી.’ જ્યારે ટૉમસ વૉલ્ફ લખે છે, ‘એક સ્ત્રી એ નાનકડા ઘરની પરસાળમાં આવીને ઊભી રહેતી અને તેની સામે હાથ હલાવતી.’ ગુજરાતી વાર્તાનું પાત્ર પણ ભવિષ્યમાં હાથ હલાવવાની ક્રિયા કરે છે. થોડો પરિવેશ પણ એક સમાન અવાજ કરતો હોય એવું સાંભળી શકાય. જનકભાઈની વાર્તા બોલે છે, ‘થોડાં છૂટાછવાયાં મકાનો અને પંક્તિબદ્ધ વૃક્ષો. પછી ગીચ થોરીલી વાડો, વાડોની પછવાડે વાડીઓનાં લીલાંછમ્મ ચોસલાંઓ...’ થૉમસ વૉલ્ફ યુરોપિયન પરિવેશમાં લખે છે, ‘ઘરની એક બાજુએ જતનથી જાળવેલો બગીચો હતો. બગીચામાં શાકભાજીના ક્યારા પણ હતા અને ઓગસ્ટના અંતમાં પાકતી દ્રાક્ષનો માંડવો પણ હતો. ઘરના આંગણામાં ઓકનાં ત્રણ તોતિંગ ઝાડ હતાં.’ જનક ત્રિવેદી અને ટૉમસ વૉલ્ફ બેઉની વાર્તાના નાયકો રેલવેમાં રોજ એક જગ્યાએથી પસાર થતી ટ્રેનમાં છે. ટૉમસ વોલ્ફનો નાયક તો રેલવેમાં વ્યવસાય કરે છે, પણ જનક ત્રિવેદી કશો ફોડ નથી પાડતા. ટૉમસ વૉલ્ફની વાર્તા એ રીતે વિષાદની છે કે દૂરથી દેખાતું દૃશ્ય જ્યારે વર્ષો પછી આવી નાયક નજીકથી જુએ ત્યારે તેને તે યથોચિત નથી લાગી રહ્યું. જનક ત્રિવેદીની વાર્તા પણ વિષાદની. જોકે એનો અંત હૃદયભંગમાં પરિણમે છે. છતાં વાર્તાકારનો પ્રશ્ન તો હવામાં તરતો જ રહે કે આને તમે કયા સ્વરૂપમાં ઢાળશો. ટૉમસ વૉલ્ફની વાર્તામાં માત્ર વર્ષો વીતી ગયાં એવી બારીક વાત કહેવાઈ છે અને એ જ કૃતિની મહાનતા છે. જ્યારે જનક ત્રિવેદી કેલેન્ડર, ચિત્રકળા, કૅમેરા દ્વારા તેને પ્રતીક અને સંકેતોના ગદ્યમાં ડૂબાડી કહે છે. ‘ક્યાં જાય છે, કાનજી?’ વાર્તા સંવેદનનો વ્યાપાર કરે છે. વાસ્તવિકતા હંમેશાં કપોળકલ્પનાની ઉપર હાવી થઈ જાય છે. એટલે જ વાર્તામાં વાર્તાકાર પાત્રની ઠેકડી ઊડાવતાં લખે છે, ‘સાહિત્યકારને શબ્દો ફરી અપાહિજ લાગ્યા.’ સ્ટેશન માસ્તર સાહિત્યના જીવ અને એની સામે આવી વિચિત્ર ઘટના આવી છે કે કિશોર કાનજી ઘરેથી ભાગી આવ્યો છે. બાપ ભણવા નથી દેતો. મારે છે. બાપે બીજાં લગ્ન કર્યાં છે. કાનજી માને શોધે છે. ઠામઠેકાણું કાંઈ ખબર નથી. માત્ર અઢી પાનાંની ‘પકડ’ વાર્તામાં ત્રણ પકડ છે. કરોળિયાનું જાળું જે પતંગિયાને પકડે. કરોળિયો જે પછી પતંગિયાને પકડી ખાવા તરાપ મારે. અને ત્રીજી નાયક વાઘમરેની પકડ. વાર્તાની પહેલી લીટી જ સુખદ છે, એ સિવાય અહીં પરિવેશથી લઈને વાઘમરે અને કામદારોને પરેશાન કરતો માણસ છે. વાર્તા કહે છે, ‘માણસ નામે પીડા.’ વાઘમરેને જે પીડા આપે છે તે માણસ અહીં કરોળિયાના સ્વરૂપમાં છે. પોતે પતંગિયું છે જે એની જાળમાં ફસાઈ ગયો. પોતે ત્યાં કશું કરી ન શકતો હોવાના કારણે અહીં કરોળિયાને તે બીડીનો ડામ આપે છે. એક રીતે વાર્તા તો એવું કહે કે એક માણસ પોતાનાથી નબળા માણસો ઉપર પોતાનો હક જમાવે. શોષણની પ્રક્રિયા આમ જ તો ચાલતી રહેવાની. પણ વાઘમરેએ જેના પર પોતાનો રોષ વ્યક્ત કર્યો એને વાસ્તવમાં કશું લાગતું વળગતું ન હોવા છતાં આમ વાર્તામાં એ એનો હિસ્સો છે. ‘ચક્કર’ એટલે કે એક રાઉન્ડ. એ ફરીને હોય ત્યાંનું ત્યાં આવે. મૂળજી અને કડવો એકબીજાનું ચક્કર છે. બેઉંને એકબીજાનો સ્વાર્થ છે. ભલે રિસામણાં થાય પણ એકબીજા વગર ચાલે નહીં. છેલ્લે તો જ્યાં હોય ત્યાં ચક્કર આવી પહોંચે. મૂળજીનું એમ્પલિફાયર જે એ કડવાને ગામેગામ વગાડવા માટે દે અને એમાંથી સર્જાય માનવજીવનના પરોપજીવી સંબંધોની વાર્તા. આ વાર્તાનું વિષયવસ્તુ એકબીજાનો સ્વાર્થ અને એમાં દેખાતો અહમ્‌નો રાગ છે. અહીં વાર્તાકાર જનક ત્રિવેદીએ ફૉર સ્ક્વેર સિગારેટને એક નવું કલ્પન આપ્યું છે જે ધ્યાનાકર્ષિત કરી જાય, ચારમિનાર. પણ વાર્તાકાર સજાગ છે. એ ફરી ચારમિનાર શબ્દનો વિનિયોગ કરી પોતે મોટી સાહિત્ય સર્જનની ધાડ મારી છે એવું સતત સાબિત કરવામાં નથી રહેતા. આ વાર્તાના સંવાદો તળબોલીના છે અને એ કારણે જ હ્યુમરના સૂર વચ્ચે વચ્ચે સંભળાયા કરે છે. ભારતીય કામદારોનું શોષણ થાય છે. ‘સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ’ એ ગુજરાતી સાહિત્યમાં શોષણની મહત્ત્વની વાર્તાઓમાંથી એક છે. કોઈ પણ કર્મચારીના મનમાં એમ હોય કે આવતીકાલે તો હું સાહેબ કહે તોય આટ આટલાં કામ નહીં કરું, પણ જ્યારે સામે પહોંચે ત્યારે મનમાં બાંધેલી તમામ ગાંઠો ઢીલી થઈ ખૂલવા લાગે. વાર્તાનું પાત્ર જેઠાલાલ એ ભારતીય સમાજનો શોષણનો ચહેરો છે. વાર્તાકારે એટલે જ વાર્તામાં એક પાનું જેઠાલાલ નોકરીના છેલ્લા દિવસે શું શું નથી કરવાના તેની પૂર્વતૈયારી પર લખ્યું છે. વાર્તામાં ત્રણ પડાવ છે. જેઠાલાલ નોકરીમાં શું શું કરતા હતા. જેઠાલાલ નોકરીના છેલ્લા દિવસે શું શું કરવાના છે? અને જેઠાલાલ નોકરીના છેલ્લા દિવસે હકીકતે શું શું કરે છે? આ શોષણ એના અંત સુધી નથી અટકતું. સાહેબને એના ઘરની જ ચા પાવી, સાહેબને સારી રકાબીમાં અને એ પણ બે વખત, જ્યારે પોતે પોતાની જ ચા અને રકાબી હોવા છતાં તૂટેલી રકાબીમાં. પણ આ શોષણમાંય વાર્તાકાર હ્યુમરને આપતાં અચકાયા નથી. ‘હા...જી... હા... જી...’ જે ભારતના જેઠાલાલોની સહન કરવાની ખાસિયત બયાન કરે છે. ‘બાવળ વાવનાર’ વાર્તાની કથનપદ્ધતિ મધુ રાયની વાર્તા ‘ધારો કે...’ ચંદ્રકાંત બક્ષીની ‘તમે આવશો?’ અને પછીથી લખાયેલી મહેન્દ્રસિંહ પરમારની ‘સાહેબની શોકસભા’નું સ્મરણ અપાવે. પ્રામાણિક એચ. પી. સાહેબના ક્વાટરના કમ્પાઉન્ડમાં ગુલમહોરનાં ઝાડ, પણ તેમણે નોકરીમાં બાવળ વાવ્યા. એની પ્રામાણિકતાના કારણે બીજાની જિંદગીમાં વવાયા. એટલે જ વાર્તાઓનો અંત એ સબબ કહે છે, ‘ને ઓલ્યાં ઝાડવાં પણ એચ.પી.સાહેબે વાવેલાં.’ પુસ્તકની શીર્ષક વાર્તા બાવળ વાવનાર એ કલાત્મકતાની સાથે ચમત્કૃતિની વાર્તા છે. એ ચમત્કૃતિ વાર્તાના અંત પૂર્વે પ્રગટ થાય છે ત્યારે ઓ. હેનરી જેવો તણખો જોવા મળે છે. આમ, વાર્તાઓ વાંચી વાંચીને તેની વાતો તો થયા જ કરશે, પણ વાર્તાકારની વાર્તા શૈલી વિશે, ટેક્‌નિક ને ભાષા વિશે વાત કરવી રહી. જનક ત્રિવેદીની વાર્તાઓ એનાં પાત્રોનાં મનોસંચલન જેટલી જ સંકુલ છે. વિજય શાસ્ત્રી કહે છે, ‘ટૂંકી વાર્તાનો વિષય કોઈ પણ હોઈ શકે છે. તેથી તેનું સ્વરૂપ પણ અનિયમિત હોઈ શકે છે.’ વાર્તા કહેવા માટે વાર્તાકાર પરિસ્થિતિ મુજબ અલગ અલગ ટેક્‌નિકનો વિનિયોગ કરે છે. ક્યારેક પત્ર દ્વારા વાર્તા કહે, વાર્તા નંબર આઠ : એક સીધો સાદો પત્ર, ક્યારેક ઘટનાને શક્ય એટલી ઓગાળી દઈ સંવાદ વગર માત્ર પ્રતીકપૂંજીનો સહારો લઈ વાર્તા બનાવે, જેમ કે પાસ થ્રૂ, તો વળી ક્યારેક વાર્તાને વાર્તાની રીતે લઈ કામ પાર પાડે, ચક્કર, સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ... વગેરે... વગેરે... આ વાર્તાઓ એક રીતે ઉચ્ચ હોદ્દેદારો દ્વારા નાના કામદારોને થતી યાતનાની કેફિયત પણ છે. જે દર બીજી ત્રીજી વાર્તામાં આડી આવ્યા રાખે છે. દરેક વાર્તામાં ધ્વનિ છે, શોષણનો ધ્વનિ મોટો છે, પરંતુ પ્રવાહિતા અને ગતિ નથી. ક્યારેક પ્રસંગો અને ઘટનાનું એટલું ચિક્કાર ગદ્ય આવી જાય કે વાર્તા મૂળ સ્ટેશને પહોંચવામાં મોડી પડે. સર્વજ્ઞ કથક લાંબી વાતો કરે છે. સંગ્રહની પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી – આમ સ્ત્રી કથક દ્વારા ‘ખ્વાહિશેં’ અને ‘ભીના કાગળના રાજહંસ’ જેવી વાર્તા એટલે જ બીજી વાર્તાઓથી અલગ ભાતની છે. એ વાર્તાના ઘરમાં વાચક જે ગતિમાં રહેવા ઇચ્છે તે ગતિ પણ નિવાસ કરે છે. આ સર્જકની વાર્તાઓની એક ખાસિયત એ પણ છે કે બાવળ વાવનાર સંગ્રહના મોટાભાગનાં પાત્રો એક જ વાચનમાં યાદ રહી જશે. ફરેબ વાર્તાનો મહેશકુમાર રટિલાલ વ્યાસ જ જુઓ. આ કૉમિક-ટ્રેજિક પાત્ર ભાવકના મનોજગતમાંથી વિસરાય તેવું નથી. શિવો, એચ.પી સાહેબ, સાંધાવાળો જેઠાલાલ, કાનજી, જેકે, અનંત વાઘમારે, મૂળજી, કડવો, હકા ટીડા... જનક ત્રિવેદીની વાર્તાઓમાં સોસાયટી અને નોકરીખાતા પર પડતી હથોડીની ફટકાર ધીમી ધીમી સંભળાય છે. એમાં વક્રોક્તિઓની સાથે સાથે વ્યંગ પણ છે. એટલે ઘણી વાર્તાઓ, ખાસ તો સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ અને બાવળ વાવનાર એ ડાર્ક કૉમેડી બને છે. ક્યાંક ક્યાંક બ્લેક હ્યુમર છે જે ઊંડા ઉતરવાની જગ્યાએ માત્ર સપાટી પર રહી ગયું છે. જો કે એનો સૂર અચૂક સંભળાશે. ઉમાશંકર જોશીએ જે લલિત નિબંધ અને વાર્તા એકસાથે ચાલે એવી વાત કરી એના ઉદાહરણ તરીકે જનક ત્રિવેદીની વાર્તાઓ લઈ શકીએ. પણ વિજય શાસ્ત્રી તેના પ્રત્યુતરમાં કહે કે, એક બિંદુએ તે અટકી જાય. એ અટકાવ પણ જનક ત્રિવેદીની વાર્તામાં છે. તેનું ઉદાહરણ ‘ઓગાન’ વાર્તામાં રહેલું છે, ‘ક્ષિતિજેથી આવતાં મોજાંઓ તૂટતાં-રચાતાં આવતાં હતાં. કિનારે આવી રેતાળ પટમાં સૂર્યતેજ પાથરી કિનારે આવી પહોંચેલાં બીજાં મોજાંમાં ભળી જતાં હતાં. ખડક સાથે અફળાતાં ત્યારે મેઘરવો રચાઈ જતો.’ વાર્તાકારની પીઠ થાબડવાનું એક બીજું કારણ એ પણ છે કે એ ડિટેલિંગ ખૂબ કરે છે. વાર્તાના પરિવેશને એ કોઈ પટકથાકારની માફક આખો ઉઘાડે છે. રજેરજની વિગતો ભાવકની સામે ધરે છે. ક્યારેક એ લંબાઈ જાય છે. ‘Detailing’ અર્થાત્‌ વર્ણનનાં બે ઉદાહરણ તપાસીએ. સંગ્રહની તેરમી વાર્તા કૃષ્ણ કહે ઉદ્ધવને... ‘ચલાળા સ્ટેશને એક ખખડધજ ટી સ્ટોલ છે. કેબિનનાં કટાયેલા પતરાંનો વાદળી રંગ ઝાંખો પડી ગયો છે. લાકડાની ફ્રેમ ખવાઈ ગઈ છે. ખીલીઓ નીકળી જવાથી પતરાંના ખૂણા વળી ગયા છે.’ અણસાર વાર્તામાં, ‘બાંકડા ઉપર એક અર્ધનાગું છોકરું સળવળતું હતું. બાવાની બૈરી હજુ બાંકડા પાસે ઊંઘતી હતી. એની આજુબાજુ નાનાંમોટાં બેત્રણ છોકરાંઓ સૂતાં હતાં. દસ કદમ ચાલતાં એણે જોયું. બાવો આળસ મરડતો મરડતો ચાની કેબિને જશે અને બે અરધીનો ઓર્ડર મારી આવશે. પછી યાદ આવશે તો કેબિનની બાજુમાં જમીનની અર્ધી દાટેલી નાંદમાંથી ટીનનો ઘોબાળો લોટો ભરી મોં ધોશે.’ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’ વિષે કશું વિશિષ્ટ વિધાન કરવું હોય તો જનક ત્રિવેદીએ ગુજરાતી વાર્તાઓને, રેલવેના પાટા, રેલવેના ડબ્બા અને ટિકિટબારીમાંથી બહાર કાઢી અંદર પ્રવેશ કરાવ્યો. જનક ત્રિવેદી અચ્છા નિબંધકાર, પરંતુ જો તેઓ વાર્તામાં આ ઘટનાઓને ન લઈ આવ્યા હોત તો ગુજરાતી સાહિત્યને રેલવેની આ લઢણની વાર્તાઓ ન મળી હોત. હજુય રેલવેની આટલું ઊંડું તો જનક ત્રિવેદી સિવાય ક્યાં કોઈ ઉતર્યું છે?

મયૂર ખાવડુ
મયૂર ખાવડુએ જૂનાગઢની બહાઉદ્દીન આટ્‌ર્સ કૉલેજમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પત્રકારત્વભવનમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે. એમણે દૂરદર્શન, Tv૯ ગુજરાતી, ગુજરાત સમાચાર સહિતનાં મીડિયા માધ્યોમાં કામ તથા કટાર લેખન કર્યું છે. ‘નરસિંહ ટેકરી’ એ એમનો નિબંધસંગ્રહ અને ‘સફેદ કાગડો’ હાસ્યનિબંધ સંગ્રહ છે. આ સિવાય બાળસાહિત્યમાં એમણે પરમ દેસાઈ સાથે કિશોર સાહસકથા ‘અજય અમિત અને મિલનું ભૂત’ લખી છે.