ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વીનેશ અંતાણી
વીનેશ અંતાણી
માવજી મહેશ્વરી
વાર્તાકારનો પરિચય :
વીનેશ દિનકરરાય અંતાણીનો જન્મ ૨૭ જૂન ૧૯૪૬ના રોજ કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુર (નવાવાસ) ગામમાં થયો હતો. તેમના પિતાજી પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને માતાને સાહિત્યમાં રસ હતો. તેમણે નખત્રાણામાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૬૨માં એસ.એસ.સીની પરીક્ષા પાસ કરી. ૧૯૬૭માં ભુજથી તેમણે ગુજરાતી-હિન્દી વિષયમાં સ્નાતક અને ૧૯૬૯માં ગુજરાતી-સંસ્કૃત વિષયમાં માસ્ટર ઑફ આટ્ર્સનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે ભુજની કૉમર્સ કૉલેજમાં પાંચ વર્ષ ગુજરાતી વિષય શીખવ્યો. ૧૯૭૫માં તેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે જોડાયા તે પછી જુદી જુદી જગ્યાઓ પર આકાશવાણીમાં નોકરી કરી. ૧૯૯૫માં ચંદીગઢ આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. ત્યારબાદ ‘ઇન્ડિયા ટુડે’ના ગુજરાતી મૅગેઝિન ‘અહા! જિંદગી’નું ત્રણ વર્ષ સંપાદન કરેલું. વીનેશ અંતાણીને સાહિત્યપ્રીતિ વારસામાં સાંપડી છે. એમના શિક્ષક પિતાજી ગામડાંમાં ‘ફરતા પુસ્તકાલય’ના ગ્રંથપાલ હતા. વાચન રસિક માતાએ અને મામાએ એમના વાચનરસને પોષણ આપ્યું. એમણે નાનપણમાં ગામડામાં ભજવાતાં નાટકોમાં ભાગ લીધેલો. વિદ્યાર્થી અવસ્થામાં ભીંતપત્રો કે મુખપત્રોમાં નિબંધલેખન અને કાવ્યાસ્વાદો જેવાં લખાણોએ એમની પાંગરતી લેખનશક્તિનો પરિચય આપી જ દીધો હતો. બાળપણથી ક્રમશઃ સમજના સ્તરમાં આવતા ગયેલા વિકાસના તબક્કાઓમાં એમની પ્રકૃતિગત તીવ્ર સંવેદનશીલતાને વતન કચ્છના રણપ્રદેશના પરિવેશે મહત્ત્વના ઘડતરબળ તરીકે ભાગ ભજવ્યો છે. ભીતર પડેલી વણઓળખાયેલી અતૃપ્તિની કસકને લેખન દ્વારા તૃપ્તિ ભણી લઈ ગયા. એકાંતપ્રિય સ્વભાવ, કિશોરવયે અતિ નિકટના સ્વજનનું મૃત્યુ, ગામમાં ઉજવાતા તહેવારો, ભજવાતાં નાટકો જેવા અનેક અનુભવો દ્વારા ભીતરથી સર્જક વીનેશ અંતાણી ઊભરતા રહ્યા. આકાશવાણીના વ્યવસાયને કારણે થયેલા અનુભવો, દૂર દૂરના પ્રવાસોએ તેમના સાહિત્યને જુદા જુદા રંગમાં નિખારવામાં મદદ કરી. તેમણે સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવી છે. વિદેશ પ્રવાસો પણ કર્યા છે.
સાહિત્યસર્જન :
કોઈને જાણીને કદાચ આશ્ચર્ય પણ થાય કે નવલકથાકાર તરીકે જાણીતા વીનેશ અંતાણીએ ‘મંજુલ’ ઉપનામથી કવિતા પણ લખી છે. એ એમની સાહિત્યમાં પ્રવેશની શરૂઆત હતી. વીનેશ અંતાણી આમ તો પ્રસાર માધ્યમના માણસ. કોઈ સમયે જે માધ્યમ બળુકું ગણાતું હતું એ આકાશવાણીમાં વર્ષો સુધી કામ કર્યું. આકાશવાણીનાં દુર્ગમ સ્થળો તેમની કલમમાં વિવિધ રંગો ભરતાં રહ્યાં. કલમ અને કલ્પન સાથે એમનો કોઈ અકળ નાતો રહ્યો છે. સાહિત્યના મોટાભાગે બધા જ સ્વરૂપો ખેડી ચૂકેલા વિનેશ અંતાણી જનપ્રિય લેખક કહેવાય છે. એ અર્થમાં તેઓ લોકોના પ્રિયજન છે. તેમણે ટૂંકીવાર્તા, નવલકથા, નિબંધ, સ્મૃતિકથા, સંપાદન, અભ્યાસલેખો, અનુવાદ અને માતબર અખબારી કોલમનું લેખન કર્યું છે. આ રહી તેમની નવલકથાઓ. નગરવાસી, એકાંતદ્વીપ, પલાશવન, પ્રિયજન, આસોપાલવ (અને ચોથામાળે પીપળો), બીજું કોઈ નથી, સૂરજની પાર દરિયો, જીવણલાલ કથામાળા, ફાંસ, કાફલો, સર્પદંશ, પાતાળગઢ, લુપ્તનદી, ધૂંધભરી ખીણ, અહીં સુધીનું આકાશ, અંતર્ગત, સરોવર અને ફાર્મ હાઉસ, ધાડ, અમે અજાણ્યા, બીજે ક્યાંક, જિંદગી આખી, મારી સુલભા અને ત્યાં સુધી. વાર્તાસંગ્રહો : હોલારવ, રણઝણવું, અહીં કોઈ રહેતું નથી, તને ખબર નથી નિરુ, પાછા વળવું, દીપશીખા, કારાયલ – કપૂરી, અજાણી સ્ત્રી, દરિયો રણ પહાડ, અને બાકીનું શરીર. નિબંધસંગ્રહ પોતપોતાનો વરસાદ, ધુમાડાની જેમ, આત્માની નદીને કાંઠે, ત્યાં મારું ઘર હતું. સ્મૃતિકથા : એક હતો વિને અખબારી કોલમનાં પુસ્તકો : ડૂબકી, મરજીવા, કોઈક સ્મિત, સુગંધ અને અજવાળું, સોનેરી બુંદ, ઝીણા સૂનકાર અને ભીતરનું આકાશ. અભ્યાસલેખો : અભિમુખ. સંપાદન : ગુજરાતી નવલિકાચયન ૧૯૯૪ -૧૯૯૯, ૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ અને ગામવટો. હિન્દીમાં અનુવાદ : નગરવાસી, કાફિલા, ધૂંધભરી વાદી(હિન્દી અને ઊડિયામાં) ગુજરાતીમાં અનુવાદ : એકચીથરું સુખ(નિર્મલ વર્મા), કાગડો અને છુટકારો (નિર્મલ વર્મા), લવ સ્ટોરી (એરિક સેગલ), માયાદર્પણ (નિર્મલ વર્મા). વીનેશ અંતાણીએ જેટલું વધુ લખ્યું છે એટલા જ વધુ પોંખાયા છે. એમનાં સાહિત્યનાં સન્માનો પણ ઘણાં છે. એમનાં વિવિધ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના જે તે વર્ષનાં સન્માનો મળ્યાં છે. આ ઉપરાંત તેમને ૧૯૯૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અને કે. એમ. મુનશી સુવર્ણચંદ્રક એનાયત કરાયા છે. તેમની નવલકથા ‘ધૂંધભરી ખીણ’ માટે ૨૦૦૦ના વર્ષમાં તેમને ગુજરાતી ભાષાની મહત્ત્વની કૃતિ તરીકેનો સાહિત્ય અકાદમી (દિલ્હી) એવૉર્ડ મળ્યો છે.
વાર્તાકારનો યુગસંદર્ભ :
વીનેશ અંતાણીની વાર્તાઓ વાંચતાં જ લાગે કે આ આધુનિક યુગના સર્જકનું સર્જન છે. જોકે એમના આલેખનના આરંભના ગાળામાં એમની વાર્તાઓનાં નામ પણ આધુનિક અને પ્રયોગશીલ વાર્તાકાર હોવાનું લાગતું હતું. ‘એક બીજો સૂરજ’, ‘ફાલતુ’, ‘ચાર ચોગડા-પ્લસ નૈના માઈનસ’, ‘ભોળિયો ભગલો યાને લાલ રંગનો તડકો’, ‘સનડો મનડો અને હું’ જેવાં શીર્ષકોવાળી ન સમજાય તેવી વાર્તાઓ તેમના પહેલા વાર્તાસંગ્રહ ‘હોલારવ’માં જોવા મળે છે. ‘હોલારવ’ શબ્દ કચ્છની પ્રાદેશિકતા ધરાવે છે, પણ વાર્તાઓ પ્રાદેશિક નથી અને પરંપરાગત પણ નથી. વીનેશ અંતાણીએ જ્યારે વાર્તા લખવાની શરૂઆત કરી ત્યારે વાર્તામાં ડૉ. સુરેશ જોષીએ પ્રબોધેલી આધુનિકતાનો વેગવાન પ્રવાહ વહેતો હતો. ‘હોલારવ’ની વાર્તાઓ વીનેશ અંતાણીનું તત્કાલીન પ્રવાહમાં વહી જવું હતું. એમણે પોતાની શક્યતાઓને જોઈ નહોતી કે પોતાનો સ્વતંત્ર માર્ગ શોધ્યો નહોતો. એમ કહી શકાય કે વીનેશ અંતાણીએ પોતાને ઓળખ્યા નહોતા. તે પછી જેમ જેમ લખાતું ગયું, વાર્તા પોતાની ગતિ કરતી ગઈ. વીનેશ અંતાણી વાર્તા વિશેના તમામ પ્રભાવોથી મુક્ત થતા ગયા અને એમાંથી એમની સ્વતંત્ર શૈલી વિકસી. તેમની ટૂંકીવાર્તાઓ અને નવલકથાઓ વાંચતાં તેઓ આધુનિક અને અનુઆધુનિક ગાળાના સંક્રાંતિકાળ ઉપર ઊભેલા લેખક દેખાય છે. વીનેશ અંતાણી એકમાત્ર એવા લેખક છે જેમની વાર્તામાં ગ્રામજીવન, નગરજીવન, આધુનિકતા, તળપદ, ઝુરાપો, ભાવોની ઊર્મિભરી ઉત્કૃષ્ટ ક્ષણો, એકાકી જીવન જીવતા વૃદ્ધો, જાતીયજીવનની સંકુલતા, ભગ્નપ્રેમ... એમ સમજો કે માનવજીવનનાં તામામ પાસાં અને સ્થિતિઓ છે. આને કારણે વીનેશ એક વિલક્ષણ વાર્તાકાર બની શક્યા છે.
ટૂંકીવાર્તા વિશે વીનેશ અંતાણીની સમજ :
વીનેશ અંતાણીની શરૂઆતમાં લખાયેલી વાર્તાઓ તે વખતના સર્જકો જે પ્રકારનું સર્જન કરતા એના પ્રવાહમાં ચાલી છે. આ બાબત વીનેશ અંતાણીએ ‘શબ્દસૃષ્ટિ’, ઑક્ટોબર-નવેમ્બરના વિશેષાંક ૨૦૦૯ના અંકમાં લખી છે. આજના વીનેશ અંતાણી કેવી રીતે મળ્યા તેનો ખુલાસો પણ એમના આ નિવેદનમાંથી મળે છે. ‘સુરેશ જોષી પ્રેરિત આધુનિક વાર્તાઓનો પ્રવાહ ધસમસતો આવ્યો. એ ધારામાં લખાતી પ્રયોગશીલ વાર્તાઓ વાંચતાં, મારા મનમાં વાર્તા વિશે જે કંઈ સમજ સમય જતાં થવા લાગી હતી એમાં દ્વિધા જન્મી. જો આ પ્રકારની વાર્તાઓ જ ખરી વાર્તાઓ હોય – અને એ જ આપણા વાર્તાસાહિત્યનું ભવિષ્ય હોય – તો કહેવાતી જૂની વાર્તાઓની આલેખન પદ્ધતિનું શું? એવું જોરદાર વહેણ હતું કે વાર્તાલેખનના સંદર્ભે સમકાલીન રહેવા માટે એમાં તણાવા સિવાય છૂટકો નહોતો. મેં પણ પ્રયોગશીલતા-ઘટના વગરની – કોઈને સમજાવી તો જોઈએ જ નહીં. – પ્રકારની વાર્તાઓ લખવાની મથામણ કરી. ફાવ્યું નહીં, મારી સર્જન ક્ષમતા વિશે પણ આશંકા જન્મી... કરવા ખાતર પ્રયોગ કરવાનું ફાવ્યું નહીં. એમાં હું બહારની વ્યક્તિ જેવો લાગ્યો. અને એ સારું થયું. હું જેમાં મારી સર્જન-આવડત, મારાં મૂળભૂત અને પ્રામાણિક સંવેદનો સાથે પ્રગટ થઈ શકતો ન હોઉં તો એ દિશામાં ફાંફા મારવાનો કશો અર્થ દેખાયો નહોતો. મેં પરંપરા અને પ્રયોગોની વચ્ચે મધ્યમ માર્ગ પકડ્યો.’ વીનેશ અંતાણીની અંદરનો સજાગ અને બળુકો સર્જક જ તેમને સ્વ-દિશામાં લઈ ગયો. તેઓએ પોતાનો માર્ગ પસંદ કર્યો. પોતીકી શૈલી તરફ વળ્યા. એમની વાર્તાઓ વાચક અને વિવેચક બેઉને ગમી છે. માનવસંબંધોની સંકુલતાને વિવિધ આયામોથી તાગવી, આલેખવી એમને ગમે છે. શરૂઆતમાં વીનેશ અંતાણીની વાર્તાઓ ટૂંકા કદની હતી અને એનાં શીર્ષક લાંબાં હતાં. ધીમે ધીમે શીર્ષક ટૂંકાં થતાં ગયાં અને વાર્તાઓનું કદ વધતું ગયું. જોકે એમની આગવી રજૂઆત એમની વિશેષતા છે. છતાં એમની ગુજરાતી ભાષા વચ્ચે હિન્દી શબ્દો અને વાક્યપ્રયોગો ક્યાંથી આવ્યા તે સમજાતું નથી. શક્ય છે કે હિંદી પુસ્તકોના અનુવાદોને કારણે આવ્યા હોય. બની શકે છે. એમની વાર્તાઓમાં – લાઇટ જલતી નહોતી, નાઇટ લૅમ્પ જલાવ્યો હશે, સાફ સવાર, સાફ ચહેરો, ચટ્ટાન જેવી છાતી, કંબલ લપેટી લીધો, ચૂભવા લાગ્યું, પસીનો જેવા શબ્દો અને વાક્યપ્રયોગો એમના હિન્દી અભ્યાસની અસરમાં આવ્યા હોઈ શકે છે. વીનેશની વાર્તાઓ સંવેદનપ્રધાન છે. ભાવ ઊર્મિ અનુભવતાં કે અભાવની સામે પડતાં, સંઘર્ષ અને મથામણ કરતાં પાત્રોની સંવેદના ઉકલતી આવે એમ વાર્તામાં વણાતી રહે છે. તેમની શૈલી અરૂઢ છે, પણ નકરી પ્રયોગશીલ નથી. કથન પરનો કાબૂ અને વર્ણન કૌશલ્ય એમની વાર્તાને વધુ નક્કર અને આકર્ષક બનાવે છે. વાતાવરણ, પરિસર રચવા અને પાત્રોને એમની સંવેદનાને એમાં જીવતાં મથતા, સંઘર્ષ કરતાં દર્શાવીને વાર્તા ભાવકને જકડી રાખે છે. એમની વાર્તાશૈલી અને ભાષામાં ઊર્મિ ક્ષણો આવે છે. લાલિત્યયુક્ત ભાષા આસ્વાદ્ય બનવાની સાથે પાત્રો અને પરિસ્થિતિઓને સમજવા ઉપયોગી પણ બને છે. એમની વાર્તાઓમાં પ્રતીક-કલ્પનોનો પ્રયોગ ઔચિત્યપૂર્ણ થયો છે. અનિવાર્ય ન હોય એવું વાર્તામાં કશું જ દેખાતું નથી. તેઓ એમની વાર્તા પ્રત્યે પૂરા સભાન છે એની પ્રતીતિ ઘણી વાર્તાઓમાં દેખાય છે. એમના વાર્તાલોકમાં વિષયો, ઘટનાપ્રયોગો, પાત્રો અને વર્ગો, પરિસ્થિતિઓ અને સંઘર્ષ સમસ્યાઓનું વૈવિધ્ય પણ ખાસ્સું છે. ગ્રામચેતના, નગરચેતનાની જેમ રણચેતના પણ એમની વાર્તાઓમાં અનુભવાય છે. એમના પુરોગામી જયંત ખત્રીની વાર્તાકળાથી જરાય ભીંજાયા વગર એમણે પોતાની આગવી રીતિમાં કચ્છનો પરિવેશ ઉજાગર કર્યો છે. સ્ત્રી-પુરુષ સંબંધો, સંબંધવિચ્છેદ, પ્રેમ, ઝુરાપો, ભગ્નપ્રેમ પછીની કરુણ વિચ્છિન્નતા, અભાવો અને એકલવાયું જીવન આ વિષયો વીનેશ અંતાણીની વાર્તાઓમાં વિશેષ ખીલ્યા છે. જીવનનાં રહસ્ય પામવાની મથામણ સૂક્ષ્મ સ્તરે હોવા સાથે માનવનિયતિ અને એનો કરુણ પણ વીનેશ અંતાણીની વાર્તાઓમાં છે. કોઈ અકળ ઉદાસી, કશીક અભાવભરી માનસિકતા, કશોક વિવાદ કે ખાલીપો લઈને જીવતાં અને ઝૂરતાં, વલખતાં એમનાં પાત્રો ભાવકને ઊંડેથી હચમચાવે છે. તેમની વાર્તાઓમાં નિષ્ફળ પ્રેમલગ્ન, વૃદ્ધાવસ્થાની એકલતા, મૃતક સ્વજનોનો વિરહ, જેવા વિષય ખેડાયા છે. તેમની વાર્તાઓમાં ઘટના બાહુલ્ય નથી કે ઘટના તિરોધાન પણ નથી. વાર્તાઓ કોઈ એક બિંદુએથી શરૂ થઈ એ જ બિંદુએ પૂરી થાય છે. એ બે બિંદુની વચ્ચે સંવેદનાનો દરિયો ઊછળે છે. જગતની અર્થશૂન્યતાનું તેમણે કલ્પનો અને પ્રતીકો દ્વારા નિરૂપણ કર્યું છે. વીનેશ અંતાણી રીધમના માણસ છે. તેઓ તાલનાં સાધનો વગાડી જાણે છે. એમની વાર્તાઓની ભાષામાં એક જાતની રીધમ જોવા મળે છે તે તેમની સંગીતની જાણકારીને કારણે છે. શરૂઆતના ગાળામાં એમનામાં કેટલાકને બક્ષીની અસર જોવા મળી હતી. પણ વીનેશ અંતાણીના સર્જનમાં બક્ષીની અસર બિલકુલ નથી.
વીનેશ અંતાણીના વાર્તાસંગ્રહોનો પરિચય :
ફ્રેંક ઓ’કોનર ટૂંકીવાર્તાને ‘એકાકી અવાજ’ કહે છે. આ એકાકીપણાને આધુનિકતા સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં આ એકલતાની વેદના કે તીવ્રતા સહેજેય ઓછી થતી નથી. આવી એકલતા વીનેશ અંતાણીની ઘણીબધી વાર્તાઓમાં છે. ‘બે સ્ત્રીઓ અને ફાનસ’ વાર્તામાં નેવુંએ પહોંચેલી કાશીમા અને સિત્તેર વર્ષની પારોતી બેઉ એકમેકના સહારે જીવ્યે જાય છે. ભયાનક વિશેષણ તો રાંક લાગે એવી એકલતા બેઉની જિંદગીમાં. કાશીમા મરે તો પારોતીને મરવાનો અધિકાર મળે. ‘કાં ડોશી આજની રાત માંડ કાઢે’ એવો વિચાર પારોતીને રોજ સાંજે આવતો. પણ કાશીમા તો ‘રાં... મરતીય નથી ને મરવા દેતીય નથી’ એવું બબડે છે. કાશીમાને અંધારામાં વીતેલાં વર્ષો અને ઘટનાઓ દેખાતાં એટલે એનો જીવ ફાનસમાં અટવાયેલો રહે છે. પારોતી ફાનસ લઈને રસોડામાં જતી રહે તો કાશીમાનો જીવ ઊંચોનીચો થઈ જાય છે. પોતાને હેરાન કરવા જ એ ફાનસ નથી સળગાવતી. રસોડામાં લઈ જાય છે કે રાતે ઠારી નાખે છે. એવું કાશીમા સમજે છે. એમના એકાકીપણાને હડસેલવા માટે, એકબીજાને ભાંડવા માટે બંને વચ્ચે જાણે કે એક ફાનસ જ બચ્યું છે. આટલી કારમી એકલતા છતાંય બેઉ એકબીજાના મરવાની રાહ જુએ છે. પોતાના મરવાની નહીં. આને વક્રતા કહેશું કે જિજીવિષા? ને તોય રાતે સૂતી વખતે પરસ્પરની હાજરીનો દિલાસો બંનેને મળે છે. બેય એકબીજાના મરવાની વાટ જુએ છે અને એકબીજા વગર બેયને ચાલતું પણ નથી. ફાનસ સળગાવવાની પ્રક્રિયા, અંધારાં અજવાળાંની આવાન-જાવન, આલેખવામાં લેખકે બારીક નકશીકામ કર્યું છે. વીનેશ અંતાણીની ઘણી બધી વાર્તાઓમાં વૃદ્ધોની પીડા આલેખાઈ છે. મોટા થયા પછી જુદા જુદા કારણે ઘરનો ઉંબરો ઓળંગી ગયેલાં સંતાનોના વિરહમાં ઝૂરતાં મા-બાપની પીડાના જુદાં જુદાં પરિમાણો એમની વાર્તાઓમાં નિરુપાયા છે. ઘરજમાઈ બની ગયેલા દીકરાની યાદમાં ઝૂરતા ‘અહીં કોઈ રહેતું નથી’ વાર્તાના તારાચંદ વર્ષોથી પોતાની બીમાર પત્નીને એકલા હાથે સાચવે છે. ઘરનો ઉંબરો ઓળંગ્યા પછી કદી ગામમાં ન આવનાર કે ઘર તરફ નજર પણ ન કરનાર દીકરો પોતાના દીકરાના કર ઉતરાવવા ગામ આવી રહ્યો છે એવા સમાચાર જાણી તારાચંદને ઇચ્છા થઈ કે અહીં કોઈ રહેતું નથી એવું કહેવડાવી દેવું. આ દાઝેલા હૈયાની થીજી ગયેલી જિંદગીની વાત છે. જરાક જુદી રીતે ‘વગડો અને ઘર’ પણ પિતા એના હૈયાની પીડાની જ વાત કરે છે. ‘રમણલાલ સી. ગાંધી’માં પણ પરદેશ રહેતા દીકરાના બાપની શારી નાખતી એકલતા અને પીડા આલેખાઈ છે. એકલા પડ્યા છતાંય જેમની જીવન માણવાની ઝિંદાદિલી જરાય ઓછી નથી થઈ એવા ઇન્દુભાઈની વાત ‘સાતમું સ્ટેશન’માં છે. એકલતા છતાંય જાતને ગોઠવી લઈ રાજી રહેવાનું એમણે નક્કી કર્યું છે. ‘નિઃસ્તબ્ધતા’ કે ‘ઘરનો એક હિસ્સો’ જેવી વાર્તાઓમાં હૂંફાળા દાંપત્ય પછી એકલા રહી ગયેલા પુરુષની પીડા આલેખાઈ છે. ‘અવલંબન’માં પણ દીકરો ગયો તે ગયો. પત્નીના મૃત્યુ પછી એકલા પડેલા કુસુમરાયના ઘરમાં વર્ષોથી કામ કરતી, રેવતી ધ્યાન રાખતી. ઘરના સભ્ય જેવી રેવતીને પોતાના દીકરો-વહુ સાથે નથી ફાવતું. કુસુમરાય થોડાક દિવસો ગામમાં જઈને પાછા આવ્યા ત્યારે રેવતી જે રીતે રડી એ પછીની ક્ષણથી તેઓ એકલા નહોતા લાગતા અને રેવતી નિઃસહાય નહોતી લાગતી.
‘જૂના ઘરનું અજવાળું’ જરા જુદી રીતે એકલા પડેલા બાપના હૈયાની જ વાત કરે છે. સંતાન મોટાં થાય, કમાતા થાય એટલે એમને ઘર જૂનું લાગવા માંડે, જૂનું ઘર વેચીને નવું ઘર લેવાની તાલાવેલી જાગે. સંતાનોને જૂના ઘરની, એના રાચરચીલાની કિંમત ન હોય. પણ, તણખલે-તણખલે જેમણે માળો બાંધ્યો હોય એ મા-બાપ માટે તો જૂના ઘરની એક એક ચીજવસ્તુ સાથે એમનાં સ્મરણો જોડાયેલાં હોય. પત્ની તો આમ પણ વહેલી ચાલી ગઈ છે. રમણભાઈ પત્નીની સાડીઓ, બધી વસ્તુઓ સાથે સંકળાયેલી યાદોમાં ડૂબેલા છે. અને દીકરાની વહુ બધો સામાન ભંગારવાળા કે પસ્તીવાળાને આપી દેવા ઉતાવળી થઈ છે. સાડીઓ ફેંકી દેવાની વાત કરતી વહુ અને દીકરાને રમણભાઈ અચાનક જ કહી બેસે છે, ‘હું આ ઘરમાં રહેવાનો છું, સુશીલાના ઘરમાં.’ આ વૃદ્ધો એકલા છે, સાવ એકલા. એકલતા જીરવી જઈ એ સૌ જીવ્યે જાય છે. પણ જીવવા ખાતર જ. ‘મિસિસ સૂરીનું ઘર’ વાર્તાની એકલતા વાચકને થથરાવી દે છે. દીકરાને માની એકલતા સાથે કશી નિસબત નથી. એને તો સારો ભાવ આવે છે એટલે ઘર વેચી દેવું છે. વર્ષોથી પિતાની રાહ જોતી મા આ ઘર વગર જીવીને શું કરે એવું વિચારવા જેટલી પણ એને પડી નથી. જોકે આ વાર્તામાં કોઈને નિર્મલ વર્માનો પ્રભાવ પણ દેખાય.
વીનેશ અંતાણીની વાર્તાઓમાં લગ્નેતરસંબંધ વિષય તરીકે આવ્યો છે. જેમ એકલતા અનેક પરિમાણો ઉપર ચર્ચેલી વાર્તાઓમાં છે તેમ લગ્નેતરસંબંધની વાર્તાઓ વિશે પણ કહી શકાય તેમ છે. ‘ભીની લોન પર’ના સુકુમાર રોજ સાંજે શાલિનીને ત્યાં એક દોઢ કલાક જતા એ આખું શહેર જાણતું હતું. આ એક દોઢ કલાક જતો ન કરવા શાલિની એકલી જીવી. દોઢ કલાકમાં સુકુમાર એક શબ્દ પણ ન બોલે તોયે શાલિની સભર થઈ જતી. ને અચાનક જ એક સવારે સુકુમારના દીકરાએ ફોન પર કહ્યું કે, ‘સુકુમાર હવે નથી’ હવે? ખાલી થઈ જતી શાલિનીને હવે કોણ સભર કરશે? ‘અજાણી સ્ત્રી’માં મકરંદના મૃત્યુ પછી શિવાની અને માયા મળ્યાં છે. માયાએ ઘર છોડ્યું એ પછી મકરંદની જિંદગીમાં શિવાનીનો પ્રવેશ થયો. ‘સત્તાવીસ વર્ષની છોકરી’ અને ‘ટેકરી અને રેતનદી’ નામની બે વાર્તાઓ જોઈએ. પ્રથમ વાર્તામાં નામ વગરના સંબંધની જેમ જ પુરુષના અને સત્તાવીસ વર્ષની છોકરીનાં કોઈ નામ નથી. છોકરી એકલી રહે છે. પુરુષની બદલી માટેના પત્રો એ જ ટાઇપ કરે છે. આ અલ્પજીવી સંબંધને કોઈ ભવિષ્ય નથી એ જાણતી હોવા છતાં છોકરી પુરુષને મળે છે, એના માટે રાંધે છે, એનું ઘર વ્યવસ્થિત કરે છે. રાતે રોકાય પણ છે. આમ તો પુરુષ રજામાં જઈ આવે પણ આવતીકાલે પહેલીવાર એની પત્ની બાળકોને સાથે આવી રહી છે. રોકાવા માટે. પોતાનાં કપડાં અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા તથા આજની રાત સાથે રહેવા આવી છે છોકરી. જે રીતે છોકરી આ ઘરથી, પુરુષની ટેવોથી પરિચિત છે એ જોતાં એના માટે આ સંબંધ માત્ર શરીર પૂરતો મર્યાદિત નથી એવું સમજાય છે. ‘તું થોડા દિવસની રજા લઈ લે. કેટલાય સમયથી તારા ગામ નથી ગઈ. ત્યાં જઈ આવ. આવું ક્યાં સુધી ચાલશે? ત્યાં જઈશ તો કોઈ રસ્તો નીકળશે.’ એવું કહેતા પુરુષનો ડર અને સ્વાર્થ પણ પરખાય છે. સંબંધ બાંધ્યો ત્યારે છોકરીના પ્રશ્નો સાથે સહાનુભૂતિ હતી, પણ હવે કદાચ તેને છૂટકારો જોઈએ છે. એની ગૃહસ્થીને કશી આંચ ન આવવી જોઈએ એવી પુરુષની તકેદારી છોકરી જાણે છે. પણ છોકરીએ તો બહારના જગત સાથે સંબંધ કાપીને પુરુષના ઘરનો નાનકડો ટુકડો થીંગડાની જેમ પોતાની જિંદગી સાથે જોડ્યો હતો. વાર્તામાં છોકરીના મનમાં હોય એટલો અવસાદ વાંચનારના મનમાં પણ ઉભરાય છે. પ્રમાણમાં લાંબી ‘ટેકરી અને રેતનદી’ વાંચનારના મનમાં જુદી રીતે એમની નવલકથા પ્રિયજન ડોકાઈ શકે છે. આલોક અને સુધા બને પરણેલાં છે. બંને પાસે પોતાનો ભૂતકાળ છે. આલોક પાસે સુખી દાંપત્યનો અને સુધા પાસે આતંકિત દાંપત્યનો. વધારે સંકેતો દ્વારા જ સ્પષ્ટ કરતા વાર્તાકાર બંનેની સ્મૃતિમાંથી એમના ભૂતકાળને પ્રગટ કરે છે. ઘણા વખતથી રોજ મળતાં આલોક અને સુધા, એકમેકને નજીકથી જાણવા, કાયમી ધોરણે સાથે રહી શકાય એમ છે કે નહીં એ ચકાસવા આલોકના ગામના ઘરે આવેલાં છે. વાર્તા વારાફરતી બંનેના આંતરમનને સ્પષ્ટ કરે છે. ધીમેન સાથેનો સંબંધ કેવો હશે એ સુધાના રાતના અનુભવ પરથી કલ્પના કરવાની. ‘કશુંક આટલું ધોધમાર હોઈ શકે તેના વિશે એ વિસ્મય અનુભવતી હતી. એ તરફડિયાં મારતી નહોતી. જાણે કશાકને ખૂબ ઊંડાણથી પામી રહી હતી. હૂંફ ભળી હતી, નરી હૂંફ. આટલો બધો સ્વીકાર હોઈ શકે? પોતાના તૃપ્ત થયેલા શરીરને જોઈને તરતની ક્ષણે – શરીર પર જખમોના નિશાન ઊપસી આવ્યાં હતાં ભૂતકાળનાં. રાતે પણ આલોકની પીઠના વાળ અને ધીમંતની લીસી – વાળ વગરની પીઠનો અહેસાસ યાદ આવે છે. ભૂતકાળમાં ક્યારેક ટ્રેન મોડી પડતી ત્યારે ધીમંત એનો વાંક હોય એમ એના પર વરસી પડતો. પણ કાલે પોતે અહીં પહોંચી ત્યારે ટ્રેન મોડી હતી. પણ આલોક હળવા મૂડે એની રાહ જોઈ રહ્યો હતો. હુંફાળી રાત પછી વહેલી સવારે ઊઠીને ચાલવા નીકળેલી સુધા આલોકની ટેવો વિશે અજાણ છે. આલોક મોડો ઊઠે. ઊઠતાંની સાથે એને ચા જોઈએ. સુધાને વહેલા ઊઠવાની અને ચાલવા જવાની ટેવ છે. બંને રોજ મળતાં પણ એકબીજાની ટેવો વિશે જાણતાં હોવા છતાં બંનેને એક છત નીચે સાથે રહેવું જરૂરી હતું. એ પણ વગર કહ્યે વ્યંજિત થયું છે. ચાલવા નીકળેલી સુધા રેતનદી કે ટેકરી પાસે પહોંચી ત્યારે ઊઠેલા આલોકને જ્યોતિ સાથેનું સહજીવન યાદ આવી જાય છે. રેતનદી પાસે ઊભેલી સુધાને વર્ષો પહેલાં આવી જ કોઈ રેતનદીમાં પોતાના મૃત બાળકને લઈને ઊભેલો ધીમંત દેખાય છે. એકનો ભૂતકાળ ટેકરી પર તો બીજાનો ભૂતકાળ કશેક પડ્યો છે. બેઉ વર્તમાનમાં સાથે રહેવા મથે છે. પણ વારે વારે ભૂતકાળમાં સરી જાય છે. જિવાઈ ગયેલું જીવન બંનેના વર્તમાન પર હાવી થઈ જાય છે. બંને એકબીજાને સમજવા, સાથે રહેવાના અંતિમ નિર્ણય લેવા અહીં આવેલાં છે. પણ શું સાથે રહેશે ખરાં આ પ્રશ્ન મૂકીને સર્જકે સંયમ દાખવ્યો છે.
કોઈ સ્ત્રી પોતાના ઔપચારિક સંબંધને આખી જિંદગી ચલાવી લે, જ્યારે કોઈ ક્ષણનો છેડો ફાડીને નીકળી પડે પોતાની આગવી દુનિયા ઊભી કરવા. ‘હવામાં લહેરાતો શાલનો છેડો’ વાર્તામાં ખોવાઈ ગયેલા આત્મીય સંબંધને મનમાં ભંડારી ઔપચારિક સંબંધને નિભાવ્યે જતી અનુરાધાના મનની વાત કરે છે. નહીં જિવાયેલી પળો અને વેંઢારેલી પળો વચ્ચે મૂંગી થઈ ગયેલી માની પીડા યુવાન વયે દીકરી સમજે છે. પિતાના જગતથી, પિતાના જગતમાં મા-દીકરી આમ પણ જરૂર પૂરતા સંબંધ રહ્યા છે. ‘ગુફા’માં દીકરી માની પીડાને સમજે છે પણ રહે છે બાપની સાથે. પતિના બીજી સ્ત્રીઓના સંબંધોના કારણે ઘર છોડી ગયેલી સંતોકબાની પીડાની આ વાર્તા વાત કરે છે. સંતોકબાએ ગામડે જઈને પોતીકું જગત ખડું કરી દીધેલું. સંતાનો અમીર પિતા સાથે જ રહેલાં. સંતોકબાનાં ૭૫મા વર્ષની ઊજવણી કરતાં સંતાનોની વાતચીતથી વાર્તાનો આરંભ થાય છે. સંતોકબાને દુઃખ એ વાતનું છે કે બંને દીકરા કે એમનાં સંતાનોને માનો ઘર છોડવાનો નિર્ણય ખોટો લાગે છે. પિતાએ કશું ખોટું કર્યું છે એવું તેઓ માનતા નથી. ‘એમા શું?’ એવું વલણ સૌનું છે. દીકરી માની પીડા સમજે છે, પણ બોલતી કશું નથી. રાતે સૂતી વખતે દીકરી માને પેલી સ્ત્રીના મૃત્યુ વિશે, પિતાની એકલતા વિશે વાત કરે છે. આમ તો સંતોકબાએ પોતાની જાતને સાવ જ સંકોરી લીધી હતી. છતાં આટલાં વર્ષે પેલો પુરુષ એકલો પડી ગયો છે એની એને ચિંતા થાય છે. ‘એ હવે બહુ એકલા પડી ગયા હશે નહીં?’ એવું પૂછતાં સંતોકબા પોતે કેટલાં વર્ષોથી સાવ એકલાં રહે છે! ‘સ્ત્રી નામે વિશાખા’ વર્ષો પહેલાં પતિનું ઘર છોડીને નીકળી ગયેલી વિશાખાએ પોતાની બુદ્ધિથી ધંધો વિકસાવ્યો હતો. પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી. વર્ષો પછી દીકરો એની વાગ્દતા રશ્મિને લઈને માને મળવા આવ્યો છે. એને વિશાખાના આશીર્વાદ જોઈએ છે. માને સાથે લઈ જવી છે. પપ્પાને પેરેલિસીસ થયો છે ને એમણે પણ કહેવડાવ્યું છે એટલું માને કહેવામાં તુષારને મૂંઝાતો જોવામાં રશ્મિને મજા પડે છે. વિશાખાના મનમાં કોઈ દ્વિધા નથી. આટલાં વર્ષો પછી કોઈ કડવાશ પણ રહી નથી. એ બિલકુલ સ્વસ્થતાથી તુષારને કહે છે, ‘તમે આવી શકો છો મારા ઘરે. મહેન્દ્રને મારી જરૂર હોય તો નિઃસંકોચ આવે. મારું ઘર એના માટે અને તમારા માટે ખૂલ્લું છે. પણ હું ત્યાં નહીં આવું.’ આમ કહેતી વિશાખાની ખુદ્દારી માટે વાચકને માન થાય.
‘એમની જિંદગી’ વાર્તાનો દીકરો માના મૃત્યુ પછી પોતીકી મરજીથી પરણ્યો છે. આમ પણ પિતા અંતર્મુખ હતા. દીકરો માને કહેવા ટેવાયેલો હતો, પિતાને નહીં. હવે એને થાય છે કે પિતાને આ ઉંમરે એકલા ન રહેવા દેવા જોઈએ. પિતા એને કાયમ ‘તારી જિંદગી છે, નિર્ણય તારે લેવાનો છે.’ ‘આપણે બંને એ સાથે’ વાર્તા પહેલાં નિરજ અને અમીત કેવા કારણોસર છૂટા પડ્યા તેની વાત નથી, પણ કયા કારણસર ભેગા રહેવાના છે તેની છે. ‘નિઃશબ્દ’ની રેવા કે ‘ચંદ્રી’ની નાયિકા કે પછી ‘છીપર’ની પધી કેટલાં એકલાં છે? પરણવું છે પણ પરણાવે કોણ? દરેકની છાતી ઉપર એક છીપર છે. ભાગ્યે જ પ્રયોજાયા હોય તેવા નોખા વિષયવસ્તુવાળી વાર્તાઓ વીનેશ અંતાણી પાસેથી મળી છે. ‘લ્હેરિયું’, ‘અલોપ’, ‘એવું જ ઘર’, ‘આરપાર’ જેવી વાર્તાઓમાં વીનેશની કમાલ છે. અલ્ઝાઇમર કોઈ વ્યક્તિની કેવી દશા કરી મૂકે એની વાત ‘અલોપ’ નામની વાર્તામાં થઈ છે. ‘એવું જ ઘર’ વાર્તા આમ તો સામાજિક પરિવેશવાળી છે પણ પરિસ્થિતિઓમાં જે રીતે વળ ચડે છે એમાં એક એક પાત્રનો ભોગ લેવાય છે. ‘આરપાર’ અપવાદરૂપ સંબંધની વાર્તા છે. અહીં સરખી ઉંમરના કાકા-ભત્રીજી સાથે રહે છે. દુનિયાની નજરે જે હોય તે પણ બન્ને સાથે રહે છે. આવા થીમવાળી બીજી વાર્તા વાંચ્યાનું સ્મરણમાં નથી. ‘ઉંબરની આસપાસ’નું કથાવસ્તુ પણ હટકે છે. નાયક નરેશની પત્નીને ઘણા સમય પછી એવું લાગે છે કે તે તેની બહેન વિધવા નિર્મળા ઘણું અંતર કાપી ચૂકી છે. જોકે આ વાર્તામાં બિનજરૂરી લંબાણ છે, જે અમુક જગ્યાએ કઠે છે. એકવીસમી સદીની શરૂઆતમાં બે ગોજારી ઘટનાઓ ગુજરાતમાં ઘટી. ૨૦૦૧નો ભૂકંપ અને ૨૦૦૨ના કોમી તોફાનો. ‘તને ખબર નથી નિરુ’ નામે લાંબી વાર્તા વીનેશ અંતાણીએ આપી છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ, હંગામી આવાસો, ફરિયાદને કોઈ અવકાશ નથી. નિરુ વિચારે છે કે આવી સ્થિતિમાં મારા વિશે કોણ વિચારશે? ‘ચુકાદો’ ગુજરાતના કોમી તોફાનોની વાત છે. દસ વર્ષ પછી પણ કથકને ઊંઘ નથી આવતી, ગોજારી ઘટનાના પડઘા એને સંભળાય છે. જોકે આ વાર્તા કોઈ ડોક્યુમેન્ટરી માટે ખપ લાગે તેવી છે. એમના પહેલા સંગ્રહમાં ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’ અને ‘સાંઢણી’ પહેલી વાર્તામાં રેતીનું તોફાન, સૂસવાટા મારતો પવન, ધોમ તાપમાં ઊભેલાં ભૂંગાંની આસપાસ બેઠેલા લોકો હવે નવા મુલકની શોધમાં નીકળ્યા છે. વીનેશ અંતાણીએ ‘દરિયો રણ પહાડ’ નામે દીર્ઘ વાર્તાઓનું પુસ્તક આપ્યું છે. આ પુસ્તકમાં ત્રણ વાર્તાઓ છે. જોકે આ વાર્તાઓ ભૂતકાળમાં વિહરે છે. જે પ્રકારનું વર્ણન છે એ બંદર લેખકે જોયું હશે કે કેમ તે પ્રશ્ન છે. છતાંય વાંચવું ગમે એવું લખાણ છે. રણ વાર્તા બદલાતા સમયમાં રણવાસીઓ શહેરમાં પહોંચ્યા છે. અહીં મુસાની બદલાયેલી માનસિકતાનો અભ્યાસ કરવા જેવો છે. શું બન્ની અને રણકાંધીએ રહેનારાઓ માત્ર ચોપાં જ સાચવે અને ભૂંગામાં જ રહે? ગરીબ જ રહે? કદાચ કોઈ વિવેચકને મુસા નકારાત્મક પાત્ર લાગે પણ મને એ સાચો લાગ્યો છે. એને પૈસાદાર થવું છે તો એ એનો અધિકાર છે. શહેરમાં રહેનારા જ પૈસા કમાવી શકે? રણ વાર્તા બદલાતા કચ્છનું ચિત્ર છે. કચ્છમાં પહાડ નથી, કે ન પહાડી વાતાવરણ છે. એટલે એ વાર્તા કચ્છની નથી. લેખકે અહીં પોતાનો કસબ અજમાવ્યો છે. એક ગુજરાતી યુવકની સાથે પહાડી વિસ્તારની યુવતીનો મેળ બેસાડ્યો છે. એ પ્રેમકથા છે પણ આ પહાડ વાર્તા આ સંગ્રહમાં શા માટે લેવાઈ તે એક આશ્ચર્ય છે.
વીનેશ અંતાણીની વાર્તાકલા :
વીનેશ અંતાણી વાર્તાકલાના રાજા છે. વાર્તાનો કસબ એમને કોઈ પણ વિષયની વાર્તા લખાવી શકે છે. એમના આઠ વાર્તાસંગ્રહની ૧૦૯ વાર્તાઓમાં વિષયવૈવિધ્ય અને ભાષાકર્મ ઊડીને આંખે વળગે તેવું છે. આધુનિકતાના વ્યમોહના ઓછાયામાંથી જલદી બહાર નીકળીને એમણે પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કર્યો અને એમાં તેઓ સફળ થયા છે. એમની વાર્તાના વિષય મુખ્યત્વે સામાજિક રહ્યા છે. સ્ત્રી-પુરુષના સંબંધો, પારિવારિક પ્રશ્નો, પ્રેમની વિફળતા, એકબીજાને સમજવાની મથામણ, સંબંધોની જટિલતા જેવા સામાજિક વિષયોની એમની વાર્તા પોંખાઈ પણ છે. તેઓ ખૂલીને પણ ખૂલતા નથી છતાં કહેવા જેવું બધું જ કહી દે છે. મોઘમને પોતાની કલા બનાવી છે. પ્રતીક કલ્પનોથી વાત થતી હોય તો કહેવું શા માટે? તેમની વાર્તાઓમાં ઘટના બાહુલ્ય નથી કે ઘટના તિરોધાન પણ નથી. વાર્તાઓ કોઈ એક બિંદુએથી શરૂ થઈ એ જ બિંદુએ પૂરી થાય છે. એમની વાર્તાઓનાં પાત્રો મોટાભાગે ભદ્રવર્ગ અને ઉચ્ચ ગણાતી સામાજિક જ્ઞાતિનાં છે તથા એક જ સ્તરનાં છે. તેમની મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવા-સમજવા-તાગવાનો ઉપક્રમ રહ્યો છે. તેઓ બુદ્ધિ અને સંવેદનના સંઘર્ષ થકી સમજ પ્રગટાવવા મથે છે. પ્રકૃતિ તથા પરિવેશનાં વર્ણનો દ્વારા પાત્રોના ભીતરને દૃશ્યાત્મક રીતે ઉઘાડતા જવાનો કસબ તેમની પાસે છે. સહજ કલ્પનો પ્રતીકો ઉપસાવતી શૈલી તથા ઘૂંટાઈને પ્રગટ થતાં સંવેદનોથી તેમની નવલકથાઓ સઘન બની છે. આકાશવાણીના અનુભવને કારણે કથાનાં સંકલન-સંયોજનમાં રેડિયો-નાટકની ટૅક્નિક તેમને ખપ લાગી છે. વળી શબ્દ દ્વારા, નાદ દ્વારા દૃશ્યો ઉપસાવવાની કળા પણ તેમને સહજસિદ્ધ છે. પ્રણય, પ્રણયત્રિકોણો, સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધો, આંતરમનની સંકુલતાઓ, એકલતા-હતાશા-શૂન્યતા વગેરે તેમની કથાઓના મુખ્ય વિષયો છે. એમનાં પાત્રોનો સંઘર્ષ જાત સાથે જ છે. પ્રકૃતિ, સમાજ, વ્યવસ્થાઓ કોઈ પાત્રને આડી આવી નથી. તેમ એમનાં પાત્રોને સામાજિક વિષમતાઓનો સામનો કરવાનું આવ્યું નથી. કચ્છના આ લેખકની વાર્તાઓમાં કચ્છ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે આવ્યું છે, છતાં અભાવગ્રસ્ત કચ્છપ્રદેશના ખેડૂત, મજૂર કે પશુપાલકની એક પણ વાર્તા નથી. કેવી વાર્તા, કયા વિષયની વાર્તા લખવી એ લેખકની સ્વતંત્રતા, સ્થાયીભાવ, નિજી જીવનના અનુભવો, સંવેદનશીલતા અને જીવન પ્રત્યેના વૈયક્તિક અભિગમ ઉપર આધાર રાખે છે. વિનેશ અંતાણીએ પોતાની વાર્તા પોતાની મરજી અને પોતાની શૈલીથી લખી છે એ હકીકત છે અને એનો એમને ગર્વ પણ છે. એમના આત્મસંતોષથી છલકતા ચહેરા ઉપર વાર્તાકલાના કસબીનું સ્મિત છે.
વીનેશ અંતાણીના વિવેચકો :
વીનેશ અંતાણીની વાર્તાઓના સંખ્યાબંધ વિવેચકો રહ્યા છે. તેમની વાર્તાઓનો અભ્યાસ પણ થયો છે. અભ્યાસ લેખો પણ લખાયા છે. યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ભણાવાઈ પણ છે.
૧. પોતાને માફક આવતી પીચ પર જ રમવાનું પસંદ કરનાર આ વાર્તાકારને એટલે જ હું આધુનિક-અનુઆધુનિક વાર્તાને જોડનારા સંક્રાંતિકાળના વાર્તાકાર કહું છું.
– શરીફા વીજળીવાળા, (‘વીનેશ અંતાણીનો વાર્તા વૈભવ’, પૃ. ૨૦)
૨. ઘટના-પ્રસંગોએ જન્માવેલા પ્રતિભાવો – સંવેદનોને વર્ણવા-આલેખવા, નવાં વલણોએ જન્માવેલી રચનારીતિઓમાંથી ઉચિતની પસંદગી કરવી અને રચનાને સહજ તથા ભાવકભોગ્ય કહેતાં પ્રત્યાયનક્ષમ રાખવીઃ એ બંને વીનેશ અંતાણીની વાર્તાઓમાં આજપર્યંત દેખાતાં રહ્યા છે.
– મણિલાલ હ. પટેલ, (‘વાર્તા વિશેષ’– વીનેશ અંતાણી, પૃ. ૯)
૩. ટૂંકી વાર્તામાં તેમનું વલણ પ્રયોગશીલ રહ્યું છે. જગતની અર્થશૂન્યતાનું ભાષાકીય હળવાશથી નિરૂપણ થયું છે. માનવવ્યવહારની ક્ષુદ્રતાની અભિવ્યક્તિ એ એમની વાર્તાનું એક આગવું લક્ષણ છે.
– ડૉ. રાજેન્દ્ર પટેલ (‘વીનેશ અંતાણીની સાહિત્યાસૃષ્ટિ’, પૃ. ૧૯૩)
સંદર્ભ :
૧. ‘વાર્તા વિશેષ’, વીનેશ અંતાણી
૨. ‘વીનેશ અંતાણીનો વાર્તાવૈભવ’
૩. ‘વીનેશ અંતાણીની સાહિત્યસૃષ્ટિ’
૪. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૮’ (ખંડ ૨)
૫. ‘અવાંતર’ ડૉ. ધીરેન્દ્ર મહેતા
૬. ‘કથા, તું બહુરૂપિણી!’, ડૉ. ધીરેન્દ્ર મહેતા
વીનેશ અંતાણીના વાર્તાસંગ્રહો :
‘હોલારવ’ (૧૯૮૩), ‘રણઝણવું’ (૧૯૮૯), ‘અહીં કોઈ રહેતું નથી’ (૨૦૦૧), ‘તને ખબર નથી નિરુ’ (૨૦૦૮), ‘દીપશિખા’ (૨૦૧૬), ‘કારાયલ–કપૂરી’ (૨૦૧૯), ‘અજાણી સ્ત્રી’ (૨૦૨૧), ‘દરિયો રણ પહાડ’ (૨૦૨૨), ‘અને બાકીનું શરીર’ (૨૦૨૩), ‘પાછા વળવું’ (૨૦૨૩)
માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭