ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/નાનાભાઈ હરસૂરભાઈ જેબલિયા
બારોટ પાર્થકુમાર પરેશકુમાર
સર્જક પરિચય :
નાનાભાઈ હરસૂરભાઈ જેબલિયા (જ. ૧૧.૧૧.૧૯૩૮ – અ. ૨૬.૧૧.૨૦૧૩) ભાવનગર જિલ્લાના ખાલપરા ગામમાં તેમનો જન્મ થયો હતો. સોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ કરી વંડા કેન્દ્રની કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું. તેમણે ‘ફૂલછાબ’ અને ‘સંદેશ’માં કટારલેખન કર્યું. તેમણે સર્જનની શરૂઆત બાળવાર્તાઓથી કરી, પરંતુ નવલકથાકાર તરીકે વિશેષ જાણીતા થયા છે. તેમની મોટાભાગની નવલકથા ધારાવાહીરૂપે પ્રગટ થઈ હતી. તેમની નવલકથાઓ આ મુજબ છે. ‘રંગ બિલોરી કાચના’ (૧૯૭૨), ‘વંકી ધરા, વંકાં વહેણ’(૧૯૮૦), ‘અર્ધા સૂરજની સવાર’ (૧૯૮૨), ‘આયખું તો શમણાંનો દેશ’ (૧૯૯૫), ‘ખાંભી’ (૨૦૦૪), ‘તરણા ઓથે ડુંગર’ (૧૯૬૮), ‘ભીનાં ચઢાણ’ (૧૯૭૪), ‘મેઘરવો’ (૧૯૭૪), ‘રૂઠી ધરતી, રૂઠ્યો આભ’ (૧૯૮૮), ‘વેશ’ (૧૯૯૫) વગેરે નવલકથાઓ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી અનેક વાર્તાસંગ્રહો મળે છે. જે આ મુજબ છેઃ
૧) શૌર્યધારા (૧૯૬૮)
૨) સથવારો (૧૯૭૦)
૩) મુઠ્ઠી ઊંચેરાં માનવી (૧૯૯૬)
૪) માણસાઈને કાંઠે કાંઠે (૧૯૯૬)
૫) અમૃત વરસે નેણ (૨૦૦૧)
૬) ધક્કો (૨૦૧૦)
૭) તોરણ ભાગ ૧, ૨ (૨૦૧૩) વગેરે...
‘અમૃત વરસે નેણ’ (સત્યઘટનાઓની ગૌરવગાથાઓ), હર્ષ પ્રકાશન, અમદાવાદ, કિંમત ૧૧૦ રૂ. નકલ ૧૦૦૦, પૃષ્ઠ ૮+૨૮૮. પ્રકાશન વર્ષ : ૨૦૦૧
અર્પણ : પૂ. મામાશ્રી : હરસુરભાઈ શાર્દૂલભાઈ ખુમાણ, પૂ. ફૂઈબા સોનબાઈબેન હરસુરભાઈ (પાડરશીંગા)ને પૂજ્યભાવે.
આ વાર્તાસંગ્રહમાં કુલ ૪૦ વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહના શીર્ષકમાં જ કૌંસમાં ‘સત્યઘટનાઓની ગૌરવકથાઓ’ આમ કહીને વાર્તાસંગ્રહમાં કયા પ્રકારની વાર્તાઓ છે તેનો નિર્દેશ આપી દીધો છે. આ વાર્તાસંગ્રહની તમામ વાર્તા સત્યઘટના પર આધારિત છે. તેથી સાહિત્ય અને ઇતિહાસ સંદર્ભે પણ આ વાર્તાને તપાસી શકાય. વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં રતિલાલ બોરીસાગર આ વાર્તાસંગ્રહ વિશે જણાવતાં કહે છે કે, ‘આ પુસ્તક નાનાભાઈની વાર્તાઓ કે નવલકથાનું નથી. આ પુસ્તકમાં સત્યઘટનાત્મક ગૌરવકથાઓ સંગૃહીત થઈ છે. સ્વીકારેલાં જીવનમૂલ્યો માટે જીવનની આહુતિ આપનારા શૂરવીરો જ માત્ર નહિ, દેશની આઝાદી કાજે લીલાં માથાં ઉતારી દેવા તત્પર એવા સ્વાતંત્ર્યવીરો, દેશની સેવા માટે સર્વસ્વનું બલિદાન આપનારા ભેખધારી સેવકો, અલખના આરાધક સાધુઓ-ભક્તો અને જાજ્વલ્યમાન નારીરત્નોની આ કથાઓ છે. આ કથાઓ કોઈ એક જ પ્રદેશ, ધર્મ કે જાતિનાં માણસોની નથી. પણ પ્રદેશ, ધર્મ અને જ્ઞાતિ-જાતિથી પર એવાં પારકી છઠ્ઠીના જાગતલોની આ કથાઓ છે. લોકનિષ્ઠા અને સમર્પણની જીવનમૂડી લઈને સેવાની ધૂણી ધખાવનારાંઓની આ કથાઓ છે. જીવનમૂલ્યોમાંથી ઊઠતી જતી શ્રદ્ધાને પુનર્સ્થાપિત કરવાની શક્તિ આ કથાઓમાં છે. નાનાભાઈની સર્જકતાનો ઉન્મેષ આ કથાઓમાં સુપેરે જોવા મળે છે. આ એક સર્જકની કલમે આલેખાયેલી કથાઓ છે. વાર્તાકાર નાનાભાઈનો લાભ આ કથાઓને મળ્યો છે. એટલે સામાન્ય પ્રસંગકથાઓ બનીને રહી જવાને બદલે, સર્જકતાનો સ્પર્શ પામીને આ કથાઓ મહોરી ઊઠી છે.’ આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘સૌના દાદા શંભુ’માં સામાજિક સમતા-વિષમતા, સાક્ષર-નિરક્ષર, કૃતજ્ઞતા, પ્રામાણિકતા વગેરે જેવાં જીવનમૂલ્યોથી જીવન જીવતા, ગાંધી વિચારધારામાં માનતા મનુષ્યોનું વગરે વિષયોનું નિરૂપણ છે. વાર્તા આરંભે શંભુશંકર ત્રિવેદીના બાળપણની વાત છે. જ્યારે આઠમા ધોરણમાં શંભુ હતો. ત્યારે વર્ગમાં ગણિતના શિક્ષક ભણાવતા ત્યારે તેણે સાહેબને બૂમ પાડી ને જણાવ્યું, મને કશું જડ્યું છે! શિક્ષકે કટાક્ષ કર્યો કે બ્રાહ્મણના છોકરાને લોટ માંગવાની તાંબડી મળી જ હશે. શિક્ષકના કટાક્ષથી આખો વર્ગ હસવા લાગે છે. ખબર પડે છે કે શંભુને પગમાં પહેરવાનો સોનાનો છડો જડ્યો હતો. તે વજનમાં ભારે હતો. શિક્ષક શંભુને હેડમાસ્તરની ઑફિસમાં લઈ જાય છે અને શાબાશી આપે છે. વાર્તાના નિર્વહણ માટે વાર્તામાં ઘણું ઘણું બને છે. જેમાં રાજવી દરબારમાં શંભુને રાજવી માનસિંહ પાસે લઈ જવું. રાજવી માનસિંહનું પ્રસન્ન થવું. શંભુને મેટ્રિક સુધી ભણવાની તમામ સગવડ કરવાની જવાબદારી લેવી. ૭૫ ટકા સાથે પાસ થવું. વધુ અભ્યાસ માટે અમદાવાદના શ્રેષ્ઠિ લલ્લુભાઈ ગોરધનભાઈ મહેતાએ શંભુનો ખર્ચ ઉપાડી લીધો. વિલ્સન કૉલેજમાં સ્નાતક પૂર્ણ કરી લલ્લુભાઈની મિલમાં મૅનેજર તરીકે કામગીરી. બે મિલની ચાર મિલ થઈ. અહીંયા સુધી કથાપ્રવાહ એકધારો છે. ચાર મિલના મૅનેજર શંભુશંકર એકવાર સાબરમતી આશ્રમમાં ગાંધીજી પાસે જઈ ચડે છે. માથા પર મુંડો, ટૂંકી પોતડી, દેશી ફ્રેમના કાચના ચશ્માધારી એવા સાબરમતીના સંતનાં એ દર્શન કરે છે – એમની વાતો સાંભળે છે. ગાંધીજીની વાતમાં હરિજન સેવા, સત્યાગ્રહ, અહિંસા, લાઠીમાર, જેલયાત્રા વગેરે સાંભળ્યા પછી શંભુશંકર પોતાની જાતને ગાંધીજી સાથે જોડતાં રોકી ન શક્યા અને મિલ માલિક લલ્લુભાઈને કહ્યું કે, હવે મારાથી આપની નોકરી નહીં થઈ શકે. મારે દેશસેવામાં જોડાવું છે આઝાદી ન મળે ત્યાં સુધી, ગરીબો-દીન-દલિતોનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી મારે આ બધું સુખ હરામ છે. શેઠ કશું સમજાવે એ પહેલાં શંભુશંકર ચાલતા થાય છે અને ગાંધી આશ્રમમાં સમર્પિત થાય છે. ગાંધીજીના આદેશથી તેઓ સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યમાં જોડાય છે. શંભુશંકરનાં લગ્ન ધનાઢ્ય પરિવારની પુત્રી સરલા સાથે થાય છે અને આ સરલા પતિના પગલે ગાંધીકાર્યમાં જોડાઈ જાય છે. સૌરાષ્ટ્રમાં અસ્પૃશ્યતાનિવારણમાં તેઓ જોડાઈને હરિજનવાસમાં રહે છે. તેમને અક્ષરજ્ઞાન આપે છે, સ્વચ્છતાના પાઠ ભણાવે છે. તેમની આ પ્રવૃત્તિ જોઈને બ્રાહ્મણ સમાજ તેમને નાતબહાર કાઢી મૂકે છે. સવર્ણ સમાજ તેમને અછૂત ગણીને આઘા ખસી જતા. તેમને કૂવેથી પાણી પણ ન ભરવા દેતા. અનેક જગ્યાએથી તેમને હડધૂત કરવામાં આવ્યા છતાં સત્યાગ્રહી જીવન જીવનારા શંભુ દાદા નિષ્ઠાવાન માણસો માટે એક આદર્શ હતા અને ભ્રષ્ટાચારીઓ માટે એક ભડક! ૧૯૬૯માં ૧૪મી ઑક્ટોબરે અમદાવાદમાં શંભુશંકર ત્રિવેદીએ છેલ્લો શ્વાસ લીધો હતો. તેમની આંખ મીંચાય છે ત્યારે તેમની આંખોમાં આઝાદી પછીના ભારતનાં કરોડો દીન-દલિત-પીડિત-શોષિતની છબી વારંવાર ઝીલાઈ હતી. ‘મુંડા વગરનો ગાંધી’ વાર્તામાં પણ ગાંધી વિચારથી જીવતા બાલુબાપાની વાત છે. વર્તમાન પ્રજા, પ્રજાસેવકો અને નેતાઓના ગાલ પર તમાચો મારતી વાર્તા છે. ચૂંટણીના વાતાવરણમાં કેટલાક નેતાઓ પ્રચારમાં તાંતણિયા ગામે મોટર લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં એક વટેમાર્ગુ પ્રૌઢ દેખાય છે. જેને ચૂંટણીના ઉમેદવાર પીતાંબર મોટરમાં બેસાડી લે છે. આ ચૂંટણીના ઉમેદવાર તાંતણિયા ગામના બાલુબાપાને મળવા જાય છે. કેમ કે તેમને ખબર છે કે આ વિસ્તારની પ્રજા બાલુબાપાની વાત હંમેશા સ્વીકારશે. તેથી તેમનું સમર્થન મેળવવા મળવા જાય છે. પાછળથી તેમને ખબર પડે છે કે ગાડીમાં જે પ્રૌઢને બેસાડ્યો હતો તે બાલુબાપા પોતે હતા. આખા પંથકમાં તેઓ સત્પુરુષ તરીકે ઓળખાય છે. તેઓ આ પંથકના મોટા જમીનદાર અને આદરપાત્ર વ્યક્તિ હતા. તેમનો વિસ્તાર પછાત હતો. આવા પછાત વિસ્તારમાં તેઓ સૌનાં કામ કરતા અને પોતે માનતા કે આવા અંતિમ છેડાના માનવીનું કામ કરવાથી ઈશ્વરનો રાજીપો મળે. ગાંધીજીના જીવનમાં જે મૂલ્યનિષ્ઠા હતી તેવી મૂલ્યનિષ્ઠા બાલુબાપામાં જોવા મળે છે. ચૂંટણી ઉમેદવાર જ્યારે સહકારની અપેક્ષા રાખે છે. ત્યારે તેઓ સહકાર આપવાની હા કહે છે. ચૂંટણી ઉમેદવાર ખુશ થઈને ચૂંટણીના પ્રચાર માટે બાપાને ચા, પાણી ભોજન, વાહન માણસો વગેરેના ખર્ચ માટે દસ હજારનો ચેક આપે છે. એના મનમાં એમ પણ હોય છે કે લોભથી આકર્ષાઈને સમર્થન કરશે તો વધુ વોટ પ્રાપ્ત થશે. પણ બાપા આ ચેક સ્વીકારવાની હા કે ના એવી કોઈ સંમતિ આપતા નથી. તેથી ઉમેદવારે મૂંઝાઈને કોરો ચેક આગળ ધર્યો અને આંકડો લખવા કહ્યું ત્યારે બાલુબાપા કહે છે. આ પંથકની પ્રજા જો રૂપિયા લઈને તમારું સમર્થન કરે તો મારી આગેવાનીનો અર્થ શો? આવી વાત કરતા સૌ મંડળીની ઑફિસમાં આવ્યા. ત્રણ વાગ્યા હતા તેથી પટાવાળો બધા માટે ચા મૂકે છે. મોભાદાર મહેમાનો જોઈને ચા ગળી કરવા માટે રેશનીંગના ખાંડની ગુણીમાંથી મુઠ્ઠી ખાંડ તપેલીમાં નાખે છે ને બાપાની નજર પડી જાય છે. પટાવાળાને સમજાઈ જાય છે કે પોતે મૂર્ખાઈ કરી છે. આ મંડળી ભલે બાપા ચલાવતા હોય પણ તેની ચાના રૂપિયા બાપા પોતાના કાઢે છે. મંડળીનો એક પૈસો તેઓ અડકતા સુદ્ધાં નથી. ચા બાપા પીતા નથી. મહેમાનો ચા પીને ગાડીમાં બેસીને જતા હતા ત્યારે બાપાએ પટાવાળાને ઠપકો આપ્યો કે તારાથી ગરીબ પ્રજાની ખાંડ શાની વપરાય? ફરી ભૂલ કરીશ તો પટાવાળો બદલી નાખીશ. આ સંવાદ પીતાંબર સાંભળી જાય છે અને પોતે ચેક આપવાની જે મૂર્ખામી કરી તેના પર પસ્તાવો થાય છે અને કહે છે, ‘મૂંડા વગરના આ ગાંધી પાસે ચેક મૂકવાની મૂર્ખાઈ ન કરી હોત તો સારું હતું. મંડળીની ચપટી ખાંડની ચા પીવા જે તૈયાર નથી એને પૈસાથી કાર્યરત કરવાની આપણી તો શું, કોઈની મગદૂર નથી.’ ‘ઝંડુ ભટ્ટ’ વાર્તામાં હિન્દુ-મુસ્લિમ સમરસતા, ઋણાનુબંધન, કૃતજ્ઞતા, ઉદાર પાત્રોનું આલેખન જોવા મળે છે. આ વાર્તા બે ખંડમાં છે. ઝંડુ ભટ્ટ એ મોટા વૈદ હતા. એકવાર ઝંડુ ભટ્ટ પાસે એક બાઈ આવે છે. તે મુસલમાન હોય છે. પોતાના બાર વર્ષના બાળકને લઈને આવે છે અને કહે છે. મારો છોકરો કેટલા દિવસથી ખાતોપીતો નથી અને રડ્યા જ કરે છે. ઝંડુવૈદ જુવે છે અને કહે છે, પરમિયાનો રોગ છે. બે-ત્રણ મહિના દવા કરવી પડશે. આ સ્ત્રીની પરિસ્થિતિ એવી હતી કે જો એ કામ કરવા ના જાય તો રાત્રે તેનો ચૂલો સળગે નહીં. આવા બીમાર બાળકને મૂકીને તે ક્યાં જાય? જમાનાના ખાધેલ એવા ઝંડુભટ્ટ આ બાઈની સ્થિતિ સમજી જાય છે અને કહે છે, આ બાળકને સાજો કરવા માટે ખાવા-પીવા અને દવાની બધી જ વ્યવસ્થા હું કરીશ. તમે બંને સવારસાંજ મારે ઘેર જમવા આવજો, બે મહિનામાં તો છોકરાને વૈદે ઘોડા જેવો કરી નાખ્યો. પેલી બાઈ લાખની દુઆ આપતી ગઈ આમ ઝંડુ ભટ્ટ ગરીબોના આશીર્વાદ મેળવતા હતા. ઝંડુ ભટ્ટના પાત્રમાં આપણને ઉદારતાનો ગુણ વિશિષ્ટ રીતે જોવા મળે છે. ‘સાબાર ઉપર માનુષ’ (બધાથી ઉપર મનુષ્ય) છે એ જોવા મળે છે. બીજી તરફ જામ વિભાજી સ્વર્ગે સિધાવ્યા હતા. ત્યારે ગોરા અમલદારે રાજનો વહીવટ સંભાળ્યો હતો. તેણે વિભાજીનું સ્મારક રચવાનો પણ નિર્ણય કર્યો. એકવાર તેણે અનેક વિદ્વાનોને, વેપારીઓને, ઉદ્યોગપતિઓને વગેરેને નોતરીને સભા ભરી અને દિવાન પાસે ઉદાર દિલે ફાળો નોંધાવવા અપીલ કરી. ભટ્ટજીએ ફાળો નોંધાવતાં હજાર કોરી, દસ હજાર કોરી અને અંતે એક લાખ કોરીનો ફાળો નોંધાવ્યો. કેમ કે ઝંડુ ભટ્ટ વિભાજી બાપુનું ઋણ ચૂકવવા માંગતા હતા. અહીંયા વાર્તાનો પહેલો ખંડ પૂરો થાય છે. બીજા ખંડમાં એવું બને છે કે શેઠ અબ્દુલ ગનીએ તેના મુનીમને પૂછે છે કે, એક લાખ કોરીની સોનામહોરો કેટલી થાય? મુનીમે કહ્યું, વીસ હજાર સોનામહોર. આ વીસ હજાર સોનામહોર મખમલની થેલીમાં ભરીને તૈયાર કરો. વૈદરાજ ઝંડુ ભટ્ટજીને ત્યાં જવાનું છે. વૈદરાજને ત્યાં આવે છે અને કહે છે, હું અબ્દુલગની શેઠ. ગની શેઠનું નામ તો વૈદરાજે સાંભળ્યું હતું, કેમ કે તેણે આફ્રિકામાં જઈને ખૂબ પૈસા કમાયા હતા. શેઠ અબ્દુલ કહે છે, કે જ્યારે હું બાર વર્ષનો હતો અને મને પરમિયા થયો ત્યારે આપે મને નવજીવન આપ્યું હતું. આપે આગળ પાછળની ગણતરી કર્યા વિના વિભાજી બાપુનું ઋણ ચૂકવવા એક લાખ કોરી હતી. મને તો આપે નવજીવન આપ્યું હતું, આપનું ઋણ ચૂકવવા માટે હું આજે આવ્યો છું – એમ કહીને વીસ હજારની સોનામહોરો એમના ચરણોમાં મૂકી અને નતમસ્તક થઈને ચાલ્યો જાય છે. આ એવો સમય હતો જ્યારે વૈદરાજને આર્થિક સંકળામણ હતી અને એવા સમયે હજારો સોનામહોરો ભેટ રૂપે મળી. ઝંડુ ભટ્ટ ઈશ્વરનો આભાર માનીને કહે છે, ‘હે ગરીબોના બેલી! તેં મારી આબરૂ રાખી. મારા જેવા નરસૈંયાની હૂંડી તેં સ્વીકારી, પ્રભુ!’ ‘ખાનદાન ખોળિયા’ વાર્તામાં માન-અપમાન, પિતૃભક્તિ, જ્ઞાતિભક્તિ, વચનબદ્ધતાનું પાલન, વેઠિયાવૃત્તિ, અપર ભાઈઓનો બહેન માટેનો સ્નેહ વગેરે જોવા મળે છે. વાર્તાની શરૂઆતમાં બે ઘર કરેલા દરબાર હવે આયુષ્યના અંતે પથારીવશ થઈ ચૂક્યા છે. તેમને પહેલા ઘરથી ત્રણ દીકરા વાલેરો, કાળો અને માંગો અને બીજા ઘરથી આઠ વર્ષની આયબા અને ચાર વર્ષનો દીકરો રામ છે. દરબારનો જીવ છૂટતો નથી ત્યારે તેના છોકરા પૂછે છે કે, તમારી કોઈ અંતિમ ઇચ્છા હોય તો અમને જણાવો અમે એ ઇચ્છાને પૂરી કરીશું. પિતાએ કહ્યું કે રામ સૌથી નાનો છે અને તમે એના ઓરમાન ભાઈઓ છો, છતાં તમે એને સાચવશો. દીકરાઓ કહે છે રામ અમારો ચોથો ભાઈ છે. લોહી એક બાપનું છે. સૂર્યનારાયણની સાક્ષીએ વચન આપીએ છીએ કે, બગસરાથી સુવાંગ ધણી રામ જ રહેશે. દીકરાઓની આ પ્રતિજ્ઞાથી દરબાર પ્રાણ છોડે છે. પિતાની અંતેષ્ટિ કર્યા બાદ પ્રતિજ્ઞા મુજબ ઉંમર થતાં બહેન આયબાનાં લગ્ન બગસરામાં જ ભાણ કોટીલા સાથે ધામધૂમથી કરે છે અને મોટા થતા રામને વચન પ્રમાણે તેઓ આપી દે છે. એકવાર એવું બને છે કે રામને તેના બનેવી સાથે મતભેદ થતાં તોછડાઈ કરે છે. બનેવીને ખોટું લાગતાં તે ત્યાંથી ચાલ્યા જાય છે. અહંકારી રામ બનેવીને મનાવવા પણ નથી જતો અને તેના વર્તનની કિંમત તેની બેન આયબા ચૂકવે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે બનેવી જાય છે ત્યારે ઓરમાન ભાઈ બનેવીનું માનપાન જળવાય અને ઓશિયાળી પણ ન કરવી પડે તે માટે ગિરાસના ગામોમાંથી ગીગાસણ અને લેરિયા બે ગામ બક્ષિસ આપે છે. સગો ભાઈ બનેવીનું અપમાન કરે છે અને ઓરમાન ભાઈ બહેનનું બધું જ સાચવે છે. ત્યારે બધાને થાય છે કે ભાઈ હોય તો વાલેરા જેવો. સંવત ૧૫૯૬માં વાલેરાવાળા ગિરનારની યાત્રા કરીને પાછો આવતો હતો ત્યારે રસ્તામાં એક જગ્યાએ નાગ ફેણ પછાડીને ચાલતું થયો. આવી આકસ્મિક ઘટના બનવાના કારણે તેને શાસ્ત્રકારોને આનું રહસ્ય પૂછ્યું. તો એ જગ્યા પર ખોદકામ કરવા કહ્યું, ત્યાંથી સોનામહોરના સાત ચરુ નીકળ્યા. આ અઢળક ધન તેના સત્કાર્યમાં વાપરવા ‘સહસ્ત્ર ભોજ’ યજ્ઞ કરાવ્યો. કાઠિયાવાડના તમામ રાજાઓને, સંતો-મહંતોને, વિદ્વાન પુરોહિતોને આમંત્રિત કર્યા, ગાયો, ભેંસો, ઘોડાઓ વગેરે દાનમાં આપ્યા. પંદરસો જેટલા રાજવીઓને દરબાર વાલેરાવાળા એ સોનેરી પાઘડીઓ બંધાવી અને ફૂલની જેમ સાચવીને મહેમાનગતિ કરી. તેમાંથી પ્રસન્ન થઈને રાજવીઓ કહે છે કે તમારા વિનયથી અમે પ્રસન્ન થયા છે. તમે માંગો તે આપવા અમે તૈયાર છે. વાલેરાવાળો ના પાડે છે, છતાં જ્યારે રાજવીઓ આગ્રહ કરે છે ત્યારે તે કહે છે કે આપ સૌના રાજમાં અમારા કાઠી ભાઈઓ રહેતા હશે તો એમની પાસેથી તમે વેરો કે વેઠ ન લેશો. તમે આટલું વેણ પાડશો તો મને ઇન્દ્રાસન મળ્યું એમ ગણીશ. તમામ રાજવીઓ વાલેરાવાળાની જ્ઞાતિભક્તિ જોઈને આશ્ચર્ય અને આનંદ અનુભવે છે. જેમ વાલેરાવાળાએ તેના પિતાનું વચન પાળ્યું તેમ રાજવીઓએ વાલેરાવાળાનું વચન પાળ્યું. ‘મેરુ રબારી’ વાર્તામાં એક નાનકડા નજીવા પ્રસંગની વાત છે. મેરુ રબારી સવાર-સાંજ લક્ષ્મીનારાયણ મંદિરની આરતી કરવા જાય પણ ગામના લોકો તેને દગાબાજ કહેતા. કેમ કે મેરુ રબારી પહેલાં બહારવટિયા રામવાળાની ટોળીમાં હતો. આ રામવાળાથી ગાયકવાડી પોલીસ ને ગામડાંઓ પણ ફફડતાં હતાં. આ રામવાળાને મેરુએ પોલીસવાળા જોડે પકડાવી દીધો તેથી બધા તેને દગાબાજ કહેતા. એકવાર સાંજના સમયે મેરુ લક્ષ્મીનારાયણ મંદિરમાં આરતી કરવા માટે જાય છે ત્યારે રસ્તામાં શેઠ અલીભાઈની દુકાન આવે છે. શેઠ પ્રેમથી આવકારે છે અને ચા પાણી પાય છે, મેરુ કહે છે તમે મને દગાબાજ નહીં કહો? શેઠ સાચી વાત જણાવવા કહે છે કે, શું થયું હતું? શેઠના ઉદાર વર્તનના કારણે મેરુ બધી વાત કરે છે. આગળ પાછળનું કંઈ પણ વિચાર્યા વિના રામવાળાની ટોળીમાં મેરુ ભળી જાય છે. એકવાર રાત્રે હરમડિયા ગામે કુરજી ખોજાના ઘેર તેઓ ત્રાટકે છે. ઘરનો પટારો સોનાચાંદીથી ભર્યો હશે તેમ માનીને તેને તોડવા માટે મથે છે પણ તૂટતો નથી. ત્યારે રામવાળા બાપુએ ગડગડતી દોટ મૂકીને પટારામાં પાટુનો ઘા ઝીંક્યો. રામવાળાને પગમાં એટલું વાગ્યું કે તે અપંગ દશામાં આવી ગયો. રામવાળાના જીવનનો અસ્ત હવે નજીક હોવાથી મેરુ પોલીસને સોંપવા માટે તેને સમજાવે છે. કેમ કે આ સરકારનો તું દોષી નથી તેથી નજીવી સજા થશે અને સારવાર મળતાં બચી પણ જવાશે. પણ તે એકનો બે થતો નથી. અંતે ભલાઈ માટે નિર્ણય લઈ અને મેરુ પોલીસને જાણ કરે છે. પોલીસ જમાદાર સમજાવે છે કે, તું હથિયાર મૂકીને તું શરણે થા તારી સારવાર કરાવીશું. પોલીસ જમાદારની સામે રામવાળાએ બંદૂક લીધી અને સામસામે ફાયરિંગમાં તે ઢળી પડ્યો. મેરુને સરકાર માફ કરે છે અને કારકુનની નોકરી આપે છે. આમ સત્ય હકીકત કંઈક અલગ હતી છતાં પૂરો સમાજ મેરુ રબારીને જ દગાખોર સમજે છે. નાનાભાઈની વાર્તાઓ વિશે રતિલાલ બોરીસાગર જણાવે છે કે, ‘પોતાનાં સર્જનોમાં સૌરાષ્ટ્રનો ગ્રામપરિવેશ તંતોતંત જીવતો કરનારા સર્જકોમાં મેઘાણી અને મડિયા પછી યાદ કરવા જેવું અને યાદ રાખવા જેવું એક બળૂકુ નામ છે : નાનાભાઈ હ. જેબલિયા. આ પાણીદાર સર્જક તરફ આપણું જોઈએ એવું ધ્યાન નથી ગયું. હા, વર્ષો પહેલાં એમની વાર્તાઓ, એ સમયે મોટાં લાગે એવાં ઇનામો જીતી લાવી હતી. હજુ થોડા સમય પહેલાં જ, ગુજરાત સરકારે એક લાખ રૂપિયાનો ગૌરવ પુરસ્કાર એનાયત કરીને આ સર્જકનું બહુમાન કર્યું છે. આમ છતાં, જેમનાં પોંખણાં પામીને કોઈ પણ ગુજરાતી સર્જક રળિયાત થઈ જાય એવા આપણા વિદ્વાનો-સાહિત્યકારોએ જોઈએ એવા ઉમળકાથી આ સર્જકને વધાવ્યા નથી. નાનાભાઈમાં ઘણો મોટો સર્જક વસે છે. સૌરાષ્ટ્રનું ગ્રામજીવન એમના લોહીમાં આજન્મ-આજીવન ધબકી રહ્યું છે. તેઓ ગામડામાં જન્મ્યા, ગામડામાં ઊછર્યા, ગામડામાં જ ભણ્યા, ગામડામાં જ નોકરી કરી, ગામડાની ભૂમિમાં જ ખૂંપી રહ્યા. ખેતરની ધૂળ સાથે એમનો આત્મીયતાનો નાતો છે. એમની સર્જકતાના ચાસ હળના ચાસની સાથોસાથ પડતા રહ્યા છે. લણણીની મોસમમાં કાપણી કરતાં હથેળીમાં પડી ગયેલાં છાલાંની છાપ હજુ અકબંધ છે.’ નાનાભાઈ જેબલિયા પોતાના આ વાર્તાસંગ્રહ વિશે પ્રસ્તાવનામાં જણાવે છે કે, ‘આ પુસ્તકની વાર્તાઓમાં કોઈ એક જ પ્રદેશ કે એક જ વર્ગ-વર્ણની વાત નથી પણ મને રૂબરૂ કે પરોક્ષ રીતે માહિતી મળી એના આધારે શૌર્ય, સમર્પણ, શહીદી સાથે આઝાદીના લડવૈયાઓ, સત્યાગ્રહીઓ, લોકસેવકો અને લોકસમર્પિત જીવન જીવનાર, ઘસાઈને ઊજળા બનવાની મિરાતવાળા મહાનુભાવોને સમાવી શકાયા છે.’
‘ધક્કો’, હર્ષ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૦, કિંમત ૧૨૫ રૂ. પૃષ્ઠ સંખ્યા ૨૧૦.
અર્પણ : મિત્ર રજનીકુમાર પંડ્યા, મનોહર ત્રિવેદી, સ્વ. જનક ત્રિવેદી ડૉ. કેશુભાઈ દેસાઈ.
‘ધક્કો’ વાર્તાસંગ્રહમાં કુલ ૨૪ વાર્તાઓનો સમાવેશ છે.
આ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં કિરીટ દૂધાત નાનાભાઈની વાર્તાઓ વિશે જણાવે છે કે, ‘નાનાભાઈ હ. જેબલિયાનો વાર્તાસંગ્રહ ‘ધક્કો’ પ્રસિદ્ધ થાય છે તે મારે મન આ વરસની ઉત્તમ સાહિત્યિક ઘટના છે. છેલ્લાં પચાસ વરસથી વાર્તા પાછળ તપ કરીને એમણે નિપજાવેલી ઉત્તમ વાર્તાઓ પ્રત્યે નામી વિવેચકોનું ધ્યાન ઓછું ગયું છે... નાનાભાઈ વાર્તાઓ લખતા થાય છે. પણ એમને સામે બેસાડીને વાર્તાકળા, કથનશૈલી, વસ્તુ અને સ્વરૂપ શિખવાડનારું કોઈ નહોતું. એટલે પડતા-આખડતા ‘જીવન’ નામના તત્ત્વને ગુરુ તરીકે સ્થાપીને એક પછી એક વાર્તાઓ આપણને પરખાવતા આજે ‘ધક્કો’ સુધી આવી પહોંચ્યા છે.’ ‘જન્મથી ઉંમરના વિવિધ તબક્કે વ્યક્તિ સંચિત કરેલા અનુભવો અને બીજાની સલાહ પોતાની સમજણની સરાણે ચડાવીને પોતાની, પોતાની આજુબાજુની વ્યક્તિઓ વિશે, તત્કાળ ઘટનારી ઘટના વિશે એક અંદાજ બાંધીને પોતાના વર્તનની દિશા નક્કી કરે છે. આ દિશા ક્યારેક સાચી સાબિત થાય છે તોક્યારેક ખોટી. નાનાભાઈની વાર્તાઓમાં વ્યક્તિની ધારણા ખોટી સાબિત થાય છે. આ ખોટા પડવાની ખુશનસીબી, ભોંઠામણ અને કરુણતામાંથી વાર્તાકાર નાનાભાઈ પોતાની વાર્તાઓ નિપજાવે છે. દરેક વર્ગનાં પાત્રોના મનોભાવોને વ્યક્ત કરવા માટે વાપરેલા તળ કાઠિયાવાડના શબ્દો, હળવાશથી કરાયેલાં વર્ણનો, સૂક્ષ્મ નિરીક્ષણો સામાન્ય કહેવાય એવા કથાવસ્તુને પણ વાતાવરણનો રસ એકસાથે પંચેન્દ્રિયથી પીતા હોઈએ તેવો અનુભવ કરાવે છે. નાનાભાઈની પાત્રસૃષ્ટિ, વર્ણનકળા, ગદ્ય વિશે હજી ઘણું લખી શકાય તેમ છે. પરંતુ પન્નાલાલ પટેલે એમને એક પત્રમાં લખેલું કે ‘તમારી વાર્તા મેં ધ્યાનથી વાંચી છે. એ વાર્તા જ છે.’ એટલો પ્રતિભાવ પણ ભાવકો માટે અને ખાસ કરીને નાનાભાઈ માટે પૂરતો હોવો જોઈએ. આ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘ધક્કો’માં એવું બને છે કે પત્નીના મરણ પછી જમનાદાસ નક્કી કરે છે કે તે બીજા લગ્ન નહીં કરે. તે સૌને બતાવી દેવા માંગે છે કે બાપ પણ ધારે તો મા બની શકે. પુત્ર કુકુને એટલો બધો પ્રેમ કરે છે કે તે કુકુમાં ઓગળી ગયો હતો. આ કુકુ માટેનો પુત્રપ્રેમ-પુત્રઘેલછા અને અંતે પુત્રમોહ સુધી પહોંચે છે. દિવસ અને દિવસે તે વધુને વધુ પુત્રમોહમાં ઊંડો ઊતરવા લાગ્યો. તેથી એક સજ્જને આનો ઉકેલ શોધ્યો અને જમનાદાસના મોટાબહેને ભાઈ સામે પુનઃલગ્ન કરવા માટે સત્યાગ્રહ માંડ્યો અને જેમ તેમ કરી પરણવા માટે રાજી થયેલ જમનાદાસના સગપણ સંજ્ઞા જેવી દેખાવડી, ગરીબ અને ઓછા બોલી છોકરી સાથે કરાવ્યાં. લગ્નની પહેલી જ રાતે જમનાદાસ જણાવે છે કે આપણો સંબંધ માત્રને માત્ર કુકુને લીધે છે, કુકુને કારણે જ તું અહીંયા છે. આમ કહ્યું છતાં સંજ્ઞાને બધું જ મંજૂર હતું. સંજ્ઞામાં રહેલ પ્રેમ-વાત્સલ્ય બધું જ તેને કુકુમાં ઓગાળી નાખ્યું. આજે લગ્નને આઠ દિવસ થયા હતા. આ આઠ દિવસમાં સંજ્ઞાએ કુકુને પોતાનો એ હદે બનાવી દીધો હતો કે જમનાદાસ વિના એક ક્ષણ પણ ન રહી શકતો કુકુ છેલ્લા બે દિવસથી સંજ્ઞામાં એટલો ઓળઘોળ હતો કે તેને જમનાદાસને યાદ પણ નહોતા કર્યા. લગ્ન પછી સ્વાભાવિક રીતે શારીરિક ઝંખના કોઈ પણ સ્ત્રી પુરુષને થાય એ સહજ છે પણ જમનાદાસે જ્યારે કહ્યું કે આ સંબંધ માત્ર કુકુને લીધે છે તો સંજ્ઞાએ પોતાની તમામ કામવાસનાને સંકેલી લીધી. બે દિવસ પહેલાં જમનાદાસને માથું દુખતું હતું, તો બામ લગાડવા ગયેલી સંજ્ઞા-જમનાદાસ વાસનાસભર થયા હતા. પણ કુકુ ઊઠી જતાં તેને તેડવા માટે તે જતી રહી હતી અને તેના મનમાં આ કામવાસના નિર્માણ થઈ એ પાપ છે, એમ સમજીને ફરી ભૂલ ન થાય તેની કાળજી રાખવાનું નક્કી કરે છે. બીજા દિવસે પણ કામવાસના પૂર્ણ ન થતાં જમનાદાસ ગુસ્સે થાય છે અને ત્યાં આવેલા પ્રાણથી પ્યારા પણ કુકુને ધક્કો મારી દે છે. આમ, કુકુને ધક્કો મારતા જોઈને સંજ્ઞાને પણ ધક્કો લાગે છે જમનાદાસના આ વર્તન પ્રત્યે. તો ‘તોરણ’ વાર્તામાં મનોસંઘર્ષની સાથે સાથે હીરાલાલમાં રહેલ સામાજિક સમજ અને ઉદાત્ત ભાવના રજૂ થાય છે. જશુબેન નામની એક ગરીબ-વિધવા સ્ત્રીની દીકરીનાં લગ્ન હોય છે અને આર્થિક તંગી હોવાના કારણે તેના પતિના ખાસ મિત્ર અને સૂર્ય ઇન્ડસ્ટ્રીઝના માલિક કરોડપતિ એવા હીરાલાલ પાસે મદદ માટે જાય છે. આ હીરાલાલ તેના મિત્ર રમણભાઈના કહેવાથી મુંબઈ આવીને તેમને બતાવેલા બિઝનેસ કર્યા અને અનેક ભલામણોના પરિણામે આજે તે કરોડપતિ બન્યો હતો. જશુબેનને પહેલાં એમ થાય છે કે, આર્થિક મદદ માગું પણ જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે દીકરી નિલાએ કહ્યું કે આપણે ભિખારી નથી એટલે ઉછીના માંગજે. સારો સમય આવે આપણે આપી દઈશું. ભાઈએ તરત કહ્યું, આ દસ તોલા સોના ગીરવે મૂકીને રૂપિયાની સગવડ થશે ત્યારે છોડાવી લઈશું. એ પપ્પાના ખાસ મિત્ર હોવાથી જો એમને મદદ કરવી હશે તો દાગીના નહીં લે. પણ જો દાગીના લઈ લે તો સમજી લેવું કે એમની ઇન્ડસ્ટ્રીની ભઠ્ઠીમાં પિતાની ગાઢ મૈત્રીને તેમને ઓગાળી નાખી. આવા અનેક મનોસંઘર્ષ સાથે જશુબેન હીરાલાલને ત્યાં પહોંચે છે. ઇન્ડસ્ટ્રીનો માલિક હોવા છતાં અને ઘરમાં નોકરો હોવા છતાં પણ જશુભાભી માટે હીરાલાલ પોતે પાણીનો ગ્લાસ લાવે છે. જશુબેન હીરાલાલના પગમાં દસ તોલા સોનાના દાગીનાની પોટલી મૂકે છે અને પચીસ-ત્રીસ હજાર રૂપિયા માંગે છે. દાગીનાની પોટલી લઈને હીરાલાલ રૂપિયા આપે છે. જશુબેન રૂપિયા લઈને ઘરે આવે છે. ખૂબ રડે છે, આડોશી પાડોશી અને સગાંસંબંધીઓ પાસે પોતાનો આક્રોશ ઠાલવે છે કે, ખાસ મિત્ર હોવા છતાં અને જીવનમાં આટઆટલી મદદ કરી હોવા છતાં હીરાલાલે દાગીના ઉપર પૈસા આપ્યા. હવે લગ્નનો દિવસ આવે છે. માંડવો બંધાઈ ગયો છે, જાનને ઉતારો અપાઈ ગયો છે, વરઘોડો આવી ગયો છે. એવા જ સમયે ચોકલેટ કલરની એક કાર જશુબેનના દરવાજે આવી અને તેમાંથી ઝડપભેર હીરાલાલ ઉતર્યા અને નિલાને લઈને અંદર ચાલ્યા ગયા. તેઓ નિલાને જણાવે છે કે, આ દાગીના તારી બાને પાછા આપી દેજે. તમે કોઈના ઓશિયાળા નથી એ જ હું સિદ્ધ કરવા માંગતો હતો અને સમાજને પણ બતાવવા માંગતો હતો. તમને પૈસા આપીને મદદ કરી હોત તો તમે પણ ઓશિયાળાં દેખાત અને લોકો વાતો કરત કે હીરાલાલના પૈસાથી રમણલાલની છોકરી પરણી. હું મારા મિત્રને ગરીબ દેખાડવા માંગતો ન હતો. હું મારી કીર્તિ માટે મિત્રના કુટુંબની ખુમારી પણ આંચ નહીં આવવા દઉં. આમ કહીને દાગીના પાછા આપી દે છે. જ્યારે આ સંવાદ ચાલતો હતો ત્યારે જશુબેન આ બધું સાંભળી જાય છે. ખૂબ પશ્ચાતાપ થાય છે અને રડતાં રડતાં કહે છે કે મેં તમને નગુણા ગણ્યા હતા. ‘ચોથું નામ’ વાર્તામાં અધિકારીનું સત્ત્વશીલ હોવું જેટલું દેખાતું હોય બાહ્ય રીતે, તેટલું ખરેખર હોતું નથી. વ્યવસ્થાતંત્રમાં ધીમે ધીમે તે કઈ રીતે ભ્રષ્ટાચાર વધતો જાય અને તેને કેમ જડમૂળથી ખતમ કરી શકાતો નથી, તેની વાર્તા છે. પંજવાણી સાહેબ અને પ્રતીક દેસાઈ બંને સાહિત્યકાર છે, બંને શિક્ષણખાતામાં ફરજ બજાવે છે. પંજવાણી અધિકારી હોય છે અને પ્રતીક દેસાઈ શિક્ષણખાતામાં થતા ભયાનક ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે. તેને મૂળ સ્થળેથી કાઢીને અન્ય સ્થળે તેની બદલી કરવામાં આવી હતી. જો તેને તેના ગામમાં ફરી જવું હોય તો જીવનલાલ સોલંકી જે સાહેબનો એજન્ટ છે, તેને બે હજાર રૂપિયા લાંચ આપવી પડશે. આ ભ્રષ્ટાચારને અટકાવવા માટે પંજવાણીસાહેબને કહે છે કે, હું સર્જક છું હું લાંચ કેવી રીતે આપી શકું? આપ પણ સાહિત્યકાર છો તેથી મારી આ વાતને તમે સારી રીતે સમજી શકો એમ છો. સાહેબે લાંચ લેતા લોકોનાં નામ સરનામાં માંગ્યાં. તો પ્રતીકે થેલામાંથી ત્રણ નામ લખીને સાહેબને આપ્યાં અને કહ્યું, તમે સાથ આપો તો આ અનિષ્ટ દૂર થઈ શકે. મારે ત્રણેયને બોધપાઠ આપવો છે. જો જરૂર હોય તો મને કહેજો, હું તમારી સાથે રહીશ. પંજવાણીસાહેબ કહે છે એની જરૂર નથી, હું પહોંચી વળીશ. આમ કહીને પંજવાણીસાહેબે વિઝિટો શરૂ કરી. થોડા દિવસ વીતી જાય છે અને એક દિવસ જિલ્લાની કચેરીએથી સ્ટેમ્પવાળું ખાખી કવર પ્રતીકને મળે છે. પ્રતીકને એમ લાગે છે કે પંજવાણીસાહેબને આપેલાં ત્રણ નામો પર કાર્યવાહી થઈ ગઈ છે એના શુભ સમાચાર આપતી ચિઠ્ઠી હશે. પણ જ્યારે તે કવર ખોલે છે તેની આંખો વિસ્ફારિત થઈ જાય છે. તેમાં મેમો હતો પ્રતીક વિરુદ્ધનો. જેમાં લખ્યું હતું કે, નવા સ્થળના ગામલોકોને પણ તમારો અસંતોષ છે. તમારા વિરુદ્ધ અનેક અરજીઓ મળી છે તેથી તમારી ઉપર શાં પગલાં લેવાં? તેની વિચારણા પૂરી થઈ જણાવવામાં આવશે અને જ્યારે પણ તમને બોલાવવામાં આવે ત્યારે જ કચેરીમાં આવવું તે વિના આવવું નહીં. અન્યથા શિસ્ત ભંગ ગણવામાં આવશે. આ કવર પંજવાણીસાહેબે મોકલ્યું હતું અને અઠવાડિયા પછી પ્રતીક દેસાઈની તાલુકાફેર બદલી થઈ ગઈ. તેથી ભ્રષ્ટાચાર કરનાર માત્ર એ ત્રણ નામ નહીં પણ ચોથું નામ પણ હતું જે આ પંજવાણીસાહેબ.
‘તોરણ’ ભાગ ૧, ૨૦૧૩, હર્ષ પ્રકાશન, અમદાવાદ, કિંમત ૨૦૦ રૂ. નકલ ૭૫૦, પૃષ્ઠ ૧૬+૨૫૬.
અર્પણ : પૂ. આદરણીય શ્રી મોરારીબાપુને સાદર...
આ વાર્તાસંગ્રહમાં કુલ ૫૧ વાર્તાઓ છે. વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં ‘સર્જકતાનું રળિયામણું ‘તોરણ’ નામે રતિલાલ બોરીસાગર લેખ લખે છે, જેમાં નાનાભાઈના સર્જન વિશે જણાવે છે કે, ‘હું અનેક વાર કહી ચૂક્યો છું – પ્રસંગોપાત્ત લખી પણ ચૂક્યો છું કે નાનાભાઈ જેબલિયા આપણી ભાષાના ‘નાના’ નામવાળા મોટા લેખક છે! જાનપદી સાહિત્યના અભ્યાસીઓએ-સૌરાષ્ટ્રની બોલીની તળપદી તાકાતનો પોતાની સાહિત્યકૃતિઓમાં કલાત્મક વિનિયોગ કરવાનું કૌવત દાખવવા માટે ઝવેરચંદ મેઘાણી અને ચુનીલાલ મડિયા પછી નાનાભાઈ જેબલિયાને યાદ કરવા પડશે. ગ્રામપ્રજાનાં સુખ-દુઃખ, હેત-પ્રેમ, ક્લેશ-કજિયા, વેર-ઝેરનું કલાત્મક આલેખન નાનાભાઈની નવલકથાઓ-વાર્તાઓમાં આલેખાયેલું જોવા મળે છે. સ્વાતંત્ર્ય પછી ગામડાંઓની બદલાતી રહેલી તાસીર પણ નાનાભાઈની કૃતિઓમાં ઝિલાઈ છે – એક કલાકારની તટસ્થતાથી ઝિલાઈ છે. ગંદા રાજકારણથી ગ્રામગંગાનાં મેલાં થયેલાં નીરની વાત પણ એમણે કલાકારની તટસ્થતાથી અને સજ્જતાથી આલેખી જાણી છે.’ ‘તોરણ’ની કથાસૃષ્ટિ વાચકને સતત જકડાયેલો રાખે છે. ‘દિવ્ય ભાસ્કર’માં આ કથાઓ છપાઈ ત્યારે કોઈવાર એક કરતાં વધુ હપતામાં કથા પૂરી થઈ હોય એવું બન્યું છે. આમ છતાં, મોટે ભાગે આ કથાઓ એક જ હપતામાં પૂરી થતી હતી. લોકવાર્તાની શૈલીએ કહેવાયેલી આ કથાઓમાં, એના ધસમસતા પ્રવાહને કારણે, સામાન્ય રીતે, સર્જકને પહોળા પટનો ખપ પડે છે. પણ અહીં તો સાંકડી જગામાં પણ – નાનાભાઈએ રસની જમાવટમાં કશી ઊણપ ન વરતાય એ રીતે – આ કથાઓ કહી જાણી છે; સમજો ને, મોટા મેદાનમાં ખેલવા ટેવાયેલી જાતવાન ઘોડીને નાનાભાઈએ આંગણામાં ખેલવી જાણી છે! ભારતીય સંસ્કૃતિનો ધબકાર ગ્રામચેતનામાં કેવો ઝિલાયો છે – એ દર્શાવતી આ કથાઓ છે. ‘દર્શક’ કહેતા, ‘એક સમયે ગામડાંની પ્રજા નિરક્ષર હતી – પણ સંસ્કારે સમૃદ્ધ હતી!’ ભારતના સંતોએ એમની સાદી સરળ વાણીમાં ભારતીય તત્ત્વજ્ઞાનને ગ્રામપ્રજાના હાડમાં ઉતાર્યું હતું. નિરક્ષર કહી શકાય એવા સંતોની હૃદયના ઊંડાણમાંથી આવતી ભજનવાણીએ ગ્રામપ્રજાના જીવનને ઉન્નત બનાવ્યું હતું. આવા ઉન્નત જીવનને ઉજાગર કરતી આ કથાઓ આપીને નાનાભાઈએ આપણને આપણા સમૃદ્ધ વારસાનું ભાન કરાવ્યું છે.’ આ વાર્તાસંગ્રહની અનેક વાર્તાઓ સત્યઘટના પર આધારિત છે. આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘ઇનામનો એક પૈસો’માં ધંધુકા હાઈસ્કૂલના શિક્ષક શાંતિમિયાની કવિતા ભણાવવાની પદ્ધતિ એટલી રસાળ કે વિદ્યાર્થીઓને તેમનું ભણાવેલું સહેજ પણ અઘરું લાગતું નહીં. જન્મે મુસ્લિમ અને કર્મે ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા આ શાંતિમિયાંએ સ્કૂલમાં એક તેજસ્વી વિદ્યાર્થી જોયો. બાલકૃષ્ણ ભટ્ટ (બાલુ) તેનું નામ. તેને કવિતા ગાવા અને લખવાનો ખૂબ શોખ. કવિતા લખીને શાંતિમિયાને બતાવે છે, પણ તેમને વિશ્વાસ થતો નથી. પૂછપરછ કરતાં જણાવે છે કે એક કલાકમાં મેં કવિતા લખી. શાંતિમિયાં જણાવે છે તું કવિતા લખી લાવ જો મને ગમશે તો એક પૈસો ઇનામનો આપીશ. બાલુ મનોમન વિચારે છે એક પૈસો મળશે તો થોડું ઘી, પેંડા, દૂધ ઘણું બધું આવશે. માને એક દિવસ પારકું દળવું નહિ પડે એક દિવસ વાસણ-કપડાંની મજૂરી મટે. તેથી તે કવિતા લખીને શિક્ષકને બતાવે અને ઇનામનો એક રૂપિયો મળે છે. રાજી થઈને ઘરે જઈને માને કહે છે. તો મા પણ ખૂબ રાજી થાય છે. માને બાલુના નાનપણનો પ્રસંગ યાદ આવે છે કે તે જ્યારે છ વર્ષનો હતો ત્યારે પિતાનો સ્વર્ગવાસ થયો હતો અને નવ વર્ષની ઉંમરે બળિયાનો રોગ થયો હતો ત્યારે તેને આ રોગમાંથી ભગવાને બચાવ્યો હતો. કચરા-વાસણ કરીને ગુજરાન ચલાવવું પડતું હતું. અનેક સંઘર્ષો વેઠીને માએ તેને નાનાનો મોટો કર્યો. એક ઉત્તમ શિક્ષકના પ્રોત્સાહનને એક અને એક પૈસાના ઇનામે બાલુની કવિતાનાં મૂળિયાં સીંચ્યાં હતાં. આ બાલુમાંથી બાલકૃષ્ણ અને સંત પુનિત બનીને ગુજરાતની અસ્મિતા અને સંસ્કારી અને સુવાસિત કરી તે બાલુ ઉર્ફે પુનિત મહારાજ. આજે જેમના પુણ્ય પ્રતાપે ‘જન કલ્યાણ ટ્રસ્ટ’ દ્વારા માનવકલ્યાણનાં અનેક કામો થઈ રહ્યાં છે. જેમના દ્વારા આરંભાયેલ ‘જનકલ્યાણ’ દ્વારા અનેક પેઢીઓનું સંસ્કાર ઘડતર થયું છે અને આજે પણ થઈ રહ્યું છે એ સંત પુનિત મહારાજ. ‘રાજનો રામ’ નામની વાર્તામાં સ્વમાની રામ પટેલ રાજસત્તાને ઝુકાવે છે. રામ પટેલે રાજના ભલા માટે, હિત માટે અનેકઘણાં કામ કર્યાં હોય છે. તેથી તેને રાજ તરફથી અનેક લાભો મળતા હોય છે. એકવાર એમ બને છે કે રામ પટેલ રાજનો માનીતો હોવા છતાં રામજી પટેલ રામ કરતાં પાંચ હજાર વધારે આપતાં રામજી પટેલને રામ પાસે રહેલો વર્ષો જૂનો ઇજારો ભાવનગરના રાજ રામજીને આપી દે છે. જેના લીધે રામ પટેલની લાખની આબરૂ કાખની થઈ ગઈ. ગુસ્સે થઈને રામ રાજધાનીમાં જાય છે અને બાપુ વજેસિંહને વાત કરે છે. વજેસિંહ આશ્વાસન આપે છે એકાદ વર્ષ ધીરજ રાખો. વાત વધતાં રામનું અપમાન થયું. રામ કહે છે, એક દિવસની પણ ધીરજ ધરવી નથી. હવે તમારા રાજમાંથી ચાલ્યો જઈશ. બાપુ કહે છે બધા માર્ગ મોકળા છે પણ જશો ક્યાં? ત્યારે રામ કહે છે અમે ધરતીનાં છોરુ અમારે બધાં રાજ ઉત્તમ. આખા કુંડલા પરગણાના ખેડૂતો માટે જમીનની ગોઠવણ કરી રામ ગામેગામ સમાચાર મોકલે છે એક સાથે ઉચાળા ભરો, કુંડલા પરગણું ખાલી કરો. આપણે ભાવનગર રાજમાં નથી રહેવું. બધા જ ખેડૂતો પરગણું ખાલી કરે છે અને રામના રસ્તે ચાલ્યા જાય છે. ખેડૂતો વગર વાડીઓની વાડીઓ ઉજ્જડ બની. ભાવનગર રાજ માટે આ માઠા સમાચાર હતા. તેથી એક ચારણે જઈને બાપુને વાત કરી, બાપુને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે તેને રામનું અપમાન કર્યું એનું આ પરિણામ છે. માફી માંગીને બાપુ રામને પાછા રાજમાં બોલાવી લે છે. આ રામ પટેલ સેંકડો ખેડૂતો સાથે રાજમાં પાછા આવ્યા. વિક્રમ સંવત ૧૯૨૮માં ૧૦૪ વર્ષનું આયુષ્ય ભોગવીને રામ પટેલ અવસાન પામ્યા હતા. ‘જાત્રા!’ આ વાર્તા વ્યંજનાસભર છે. વાર્તાના શીર્ષકમાં પ્રયોજાયેલ ઉદ્ગારચિન્હ એ સૂચક રીતે વપરાયું છે. વિપરીત ધર્મ-શ્રદ્ધા-ભક્તિની સમજણથી યુક્ત એવી પત્ની વિલાસ તેના પતિ સાથે ધર્માદાની વાત કરે છે અને રેલવેના ડબ્બામાં તેમના પાડોશીઓને કહી સંભળાવે છે કે સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, વગેરે તીર્થસ્થળોમાં ધર્માદાનું દાન કર્યું છે. પોતે જાણે કે ધર્મનો મર્મ સમજી ચૂકી હોય તેમ દાનધરમની વાતો કરીને બીજાને હલકો ઠરાવી પોતાનો અહમ્ સંતોષે છે. તેનો પતિ આ બધું મૂકદર્શકની જેમ જોયા કરે છે. ટ્રેન આગળ વધે છે પછી થોડીવારમાં વિલાસે ધાર્મિક ઉપકરણો બહાર કાઢ્યા. કંઠી, માળા, ચંદન કાઢીને કર્મકાંડ કર્યો. એવામાં બાળકોએ ખાવાનું માગ્યું. ત્યારે વિલાસ ના પાડે છે બધાની દેખતાં નાસ્તો નહીં મળે, નજર લાગી જાય અને બધાને આપવું પડે કે માંગે એ અલગ. આપણું બીજાને ખાવા નહીં જ મળે. અહીંયા બધાને ધર્માદો કરવા નથી આવ્યા. એવામાં જ ડબ્બે ડબ્બે દેકારો થવા લાગ્યો કે આગળના ડબ્બામાં એક સાધુ મરી ગયો છે. વેગવાન ગાડીના ડબ્બાના બહારનું હેન્ડલ માથામાં વાગતા તેની ખોપડીના ટુકડે ટુકડા થઈ ગયા. બધા તે સાધુને જોવા જાય છે. તો આ તરફ વિલાસ તરત જ ભાતનો ડબ્બો ખોલે છે સુખડીના ચોસલા બાળકોને આપે છે, પોતે ખાય છે અને પતિને આપે છે. અને જાણે કે કશું બન્યું ન હોય એમ ખાય છે. અને કહે છે બધા ગયા એટલે શાંતિથી આપણે એકલા ખાઈ શકીશું. એ જ ક્ષણે બીજી એક ઘટના એવી બને છે કે મજૂરણબાઈનો છોકરો રડતો હતો. તો એને શાંત કરવા માટે તેના પતિએ પોટલામાંથી કેળું કાઢીને આપ્યું. તરત જ મજૂરણ બાઈ તેના પતિને કહે છે, સાધુ જેવો માણસ કપાઈ ગયો છે અને ખાવાનું ગળે કેમ ઊતરે? આટલું બોલતાં તેની આંખમાંથી આંસુ આવી જાય છે. આમાં આ વાર્તામાં સંંન્નિધિકરણ જોવા મળે છે. આર્થિક રીતે સંપન્ન સ્ત્રીમાં રહેલ સંવેદનશૂન્યતા અને મજૂરણબાઈમાં રહેલી માનવતાનાં દર્શન થાય છે. ‘વચનના વિશ્વાસ’ વાર્તામાં પાતામન ચંદનગિરિના ડુંગર પર ગાયો ચરાવવા જતો. એકવાર તેને ખબર પડે છે કે ડુંગર પર એક સંત રહે છે. જે કશું જ ખાતા-પીતા નથી. માંગતા પણ નથી. બસ બે પડી ગાયનું દૂધ પીવે છે. પાતામને નક્કી કર્યું કે આ સંતને સવાર-સાંજ દૂધ આપીશ. આમ કરતાં બે વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો. એકવાર ચંદનગિરિના સંત પ્રસન્ન થઈને કહે છે, મેં ઘણો સમય તમારી ગાયનું દૂધ પીધું છે હું તમારી ભક્તિથી પ્રસન્ન છું તેથી માંગો.. શું જોઈએ છે? પાતામન ના પાડે છે પણ અંતે કહે છે મારે કોઈ વસ્તાર નથી. સંત આશીર્વાદ આપે છે તમારે ત્યાં દીકરો જન્મશે. જે ભક્તિમાન અને શક્તિમાન હશે. તેનું નામ તમે ‘વિસામણ’ રાખજો. પણ એ માટે તમે એક વચન આપો. આવતીકાલથી તમે અહીંયા આવવાનું છોડીને, ગામ છોડીને સવારમાં જ ઘરવખરી લઈને નીકળી જજો. સૂર્યાસ્ત સમયે જે ગામ નજીક હોય ત્યાં કાયમ માટે રોકાઈ જજો. આ પાતામને ધૂફળિયા ગામ છોડીને પાળિયાદ ગામે પહોંચ્યો ત્યારે સૂર્યાસ્ત થયો હતો. આ પાળિયાદ ગામના રામા ખાચરે તેમને માનપાનથી આવકાર્યા, જરૂરી તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી. મારા ‘વચનના વિશ્વાસ રાખજો’ સંતની આ કહેલી વાત પર આ ભક્ત દંપતીને અખૂટ શ્રદ્ધા હતી. સંવત ૧૮૨૫માં મહા સુદ પાંચમને રવિવારે પાતામનને ત્યાં પુત્ર જન્મ થયો. સંતની આજ્ઞા મુજબ તેનું નામ ‘વિસામણ’ રાખ્યું. વિસામણને સોનગઢના અલગારી સંત ગોરખાએ ચલાલાના દાન મહારાજની હાજરીમાં કંઠી બાંધીને ગુરુ મંત્રથી દીક્ષિત કર્યા. આજે પણ પાળિયાદની જગ્યા ભક્ત વિસામણના નામથી આખા પ્રદેશમાં ખ્યાતનામ છે. ‘પ્રેમનાં પારખાં’ પ્રસન્ન દાંપત્ય જીવનનું અદ્ભુત નિરૂપણ જોવા મળે છે. નારીચેતના, નારીવિશ્વાસ, નારીસંઘર્ષ જોવા મળે છે. સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેતી મંજુલા ઘર કામ કરીને તેનો ઘાણ નીકળી જાય છે. ખેતીવાડી અને ઘરકામમાંથી તેને સહેજ પણ નવરાશ મળતી નથી અને ખાવા માટે માત્ર છાશ રોટલો મળે છે. અંતે બીમાર થઈ અને ખાટલે પડે છે. તે સાજી ન થતાં સાસુ સસરા તેને મહેણાં મારીને કહે છે, આને ટીબી થઈ ગયો છે અને કાઢો ઘરમાંથી સાસરે મૂકી આવો. અહીંયા મરી જશે તો માથે આવશે. મંજુલાનો પતિ ના પાડે છે, છતાં તેને સાસરે મોકલવામાં આવે છે. દીકરીની આવી પરિસ્થિતિ જોઈને બાપની આંખો ભીની થઈ જાય છે. તેની મા દેશીવૈદને બોલાવે છે. સારવારમાં ખબર પડે છે કે ટીબી નથી, અશક્તિ છે. સારો ખોરાક અને આરામ આપો એટલે મહિનામાં સાજી થઈ જશે. સાજી થયેલી મંજુને સાસરીમાં મોકલવા માટે તેની મા તેના પતિ મનસુખલાલના પ્રેમની પરીક્ષા લેવા માટે તેમને સંદેશો મોકલાવે છે કે, મંજુ બચે એમ નથી. મોઢું જોવું હોય તો દોડતા પગે આવો, નહીં તો મંજુ સ્મશાને જશે. સંદેશો મોકલાવ્યા પછી તેની મા કહે છે, જો મનસુખલાલ આવી જશે તો કરિયાવરમાં ગાડી આપીશ અને રૂપિયાથી ગજવું ભરી દઈશ. પણ જો નહીં આવે તો છૂટાછેડા. મંજુ એની માને કહે છે, મનસુખલાલ દોડતા આવશે. કેમ કે છેલ્લા બે વર્ષમાં મનસુખલાલે મંજુને ક્યારેય હેરાન કરી ન હતી. તે ખૂબ પ્રેમ કરતા હતા. એક જ કલાકમાં તેનો પતિ આવી જાય છે અને ગળગળો થઈને કહે છે, મને વહેલા સમાચાર મોકલ્યા હોત તો હું એને મોટા દવાખાને લઈ જાત. હું વેચાઈજાત પણ એની દવા કરાવત. હસતી મંજુલા બધી વાત જણાવે છે અને બંને પ્રેમથી ભીંજાઈ જાય છે. આમ મનસુખલાલ ‘પ્રેમનાં પારખામાં’ ખરા ઊતરે છે.
‘તોરણ’ ભાગ ૨, હર્ષ પ્રકાશન, અમદાવાદ, કિંમત ૧૬૦ રૂ. નકલ ૭૫૦, પૃષ્ઠ ૧૬+૨૪૦
અર્પણ : શ્રી અજય ઉમટને સપ્રેમ...
આ વાર્તાસંગ્રહમાં કુલ ૪૮ વાર્તાઓ છે. વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં ‘સર્જકતાનું રળિયામણું ‘તોરણ’ નામે રતિલાલ બોરીસાગર લેખ લખે છે, જેમાં નાનાભાઈના સર્જન વિશે જણાવે છે કે, ‘વર્તમાનપત્રોમાં લખાતી કૉલમનું સ્વરૂપ આપણે ત્યાં ધીમેધીમે બંધાતું રહ્યું છે. સાહિત્યના સિદ્ધાંતોની કે સાહિત્ય કૃતિના આસ્વાદને લગતી કૉલમો અને હાસ્યરસની કૉલમોથી વહેતા થયેલા – કૉલમના નાના-શા ઝરણામાં ધીમે-ધીમે અનેક પ્રકારની અને અનેક વિષયોની કૉલમોનો પ્રવાહ ભળતો ગયો. વર્તમાનપત્રોનાં પાનાં પર લલિત-નિબંધો, પ્રવાસ-નિબંધો, વ્યક્તિચિત્રો, ટૂંકી વાર્તાઓ, ધારાવાહિક નવલકથાઓ આવતાં રહ્યાં છે – એમ કહો ને, વર્તમાનપત્રોની સાપ્તાહિક પૂર્તિઓનું ‘સામયિક’ સ્વરૂપ બંધાઈ ચૂક્યું છે. પૂર્તિઓ દ્વારા વિવિધ રસ-રુચિ ધરાવતા વાચકોને એમનાં રસ-રુચિ સંતોષાય એવી સામગ્રી આપવાનો પ્રયાસ થાય છે. પ્રારંભમાં કૉલમ-લેખન પ્રત્યે કંઈક સૂગનો ભાવ હતો; પણ, દિગ્ગજ કહી શકાય એવા લેખકો ‘કૉલમ-લેખન’ તરફ વળ્યા તે પછીથી આ સૂગનો ભાવ ઓછો થતો ગયો અને ધીરે-ધીરે સાવ નિર્મૂળ થઈ ગયો, આજે તો હવે ‘કૉલમ-લેખન’ સર્વસ્વીકાર્ય થઈ ગયું છે. વર્તમાનપત્રોની કૉલમ માત્ર આમવર્ગમાં જ વંચાય છે એવું નથી; સાહિત્યમાં રસ-રુચિ ધરાવતા એટલું જ નહિ, સાહિત્યની પરિપક્વ સમજ ધરાવતા વાચકો પણ વર્તમાનપત્રોની કૉલમો વાંચે છે. આ કારણે કૉલમ-લેખકોની જવાબદારી પણ વધી છે, અને તેથી જ કૉલમોનું ધોરણ સાચવવા અંગે વર્તમાનપત્રો અને કૉલમ-લેખકો-ઉભયપક્ષે સભાનતા અને સાવધતા જોવા મળે છે. ૧૯૮૪થી નાનાભાઈનું કૉલમ-લેખન શરૂ થયું ત્યારથી ઈ. સ. ૨૦૧૨ સુધીમાં એમણે ‘સંદેશ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, ‘જનસત્તા’ અને ‘દિવ્ય ભાસ્કર’ જેવાં ગુજરાતનાં અગ્રગણ્ય વર્તમાનપત્રોમાં નિયમિતપણે કૉલમ લખી. આ બધામાં ઈ. સ. ૨૦૦૭થી છેક હમણાં સુધી ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી રહેલી એમની કૉલમ ‘તોરણ’ એમની સૌથી વધુ યશોદાયી કૉલમ બની રહી. (અત્યંત નાદુરસ્ત તબિયતને કારણે નાનાભાઈની આ કૉલમ ૨૦૧૨માં બંધ થઈ.) એક માહિતી મુજબ ‘દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિની જે ત્રણ-ચાર કૉલમો અત્યંત લોકપ્રિય સાબિત થઈ એમાં એક કૉલમ ‘તોરણ’ પણ હતી. ‘તોરણ’ની ચૂંટેલી સામગ્રી હવે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ રહી છે એ ઘણી રળિયામણી ઘટના છે.’ આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘વિશ્વાસનાં વહાણ’ વાર્તામાં વગર ઓળખાણે હૂંડી સ્વીકારી એક લાખ રૂપિયા ધરી દેનારા હેમાભાઈ શેઠની વાત છે. ચાર દિવસ પહેલાં ધોરાજીના નરભેરામ વેપારીએ લાખ રૂપિયાની હૂંડી હેમાભાઈના હાથમાં લખીને વાત કરી કે, અમારી પાસે બીજો કોઈ ઇલાજ ન હતો. લાખ રૂપિયાનું જોખમ લઈને અમદાવાદ કઈ રીતે આવીએ? હેમાભાઈ શેઠ વગર ઓળખાણ વિશ્વાસ ઉપર એક લાખ રૂપિયા ચૂકવે છે છતાં નિશ્ચિત હોય છે. તેમના મુનિમ મહેતાજી આ વાતે ખૂબ જ ચિંતાતુર હોય છે. ચાર દિવસ બાદ હેમાભાઈ શેઠના ઘર પાસે મજબૂત ખભાવાળા ત્રીસ આદમીઓ કાવડમાં મોઢા બાંધેલા પાણીનાં સાઠ માટલાં લઈને આવે છે. ત્યારે મુનિમજી કકળાટ કરે છે કે લાખ રૂપિયાની હૂંડીની સામે પાણી ભરેલાં માટલાં મોકલાવ્યાં? શેઠને નિશ્ચિંત જોઈને મુનિમજી વધારે હેરાન થાય છે. ત્યારે કહે છે, વિશ્વાસ રાખો નરભેરામ પર. આવેલા બધા જ કાવડ ધારીઓની જમવાની વ્યવસ્થા કરી એમને થતું મહેનતાણું આપ્યા પછી રવાના કરજો. બધાં જ માટલાં ખોલીને જોતા ખબર પડે છે કે શેઠનો નરભેરામ પરનો વિશ્વાસ ખોટો ન હતો. તમામ માટલા ખાલી કર્યાં તો પાણીમાં છુપાયેલા ચાંદીના સિક્કા હતા. મહેતાજી આ થયા પછી શેઠને કહે છે ધન્ય છે તમારા વિશ્વાસનાં વહાણને. ‘મીરાંના માર્ગે’ વાર્તામાં મીરાંબાઈની જેમ પ્રભુભક્તિમાં સંસાર બંધનોને ફગાવતી રામબાઈ પણ મીરાંના માર્ગે નીકળી પડે છે. રામબાઈના માતાપિતા પાંચ વર્ષની મૂકીને ગામતરે જતાં રહ્યાં હતાં. રામબાઈ નિરાધાર બનતાં અલૈયા ખાચર દરબાર રામબાઈને કહે છે, શ્રીજી મહારાજની આજ્ઞાથી મેં ઘરસંસાર નથી માંડ્યો. પણ તારા મા-બાપે મારા ગઢનાં કામ કર્યાં હતાં એ વાત મારાથી ન ભુલાય. તેથી આજથી હું તારી મા અને તારો બાપ. હું ભલે વીતરાગી છું પણ તને લાડથી ઉછેરી સમય આવે મારી દીકરીની જેમ તારું કરિયાવર કરીને સુખી અને સંસ્કારી ઘરે તને પરણાવીશ. રામબાઈ ભગવદ્ ભક્તિમાં સંપૂર્ણ લીન થઈ જાય છે. તેમને સંસાર વસાવવો હોતો નથી પણ દરબારની ઇચ્છા હતી કે રામબાઈને પરણાવવી. કેમ કે સમાજ એમ જ કહેત કે જો તેનાં માબાપ હોત તો સારા અને સંસ્કારી ઘરે તેને પરણાવત. રામબાઈ ના પાડે છે પણ તે એમ કહે છે કે, તમે શ્રીજી મહારાજને પૂછી જુઓ તેઓ જે કહેશે તેમ કરીશ. શ્રીજી મહારાજ કહે છે, ‘રામબાઈ પરણીને ખુશીથી પ્રભુ ભજે!’ થોડા દિવસમાં અલૈયા ખાચરે રામબાઈનું વેવિશાળ કર્યું. મંગળફેરા ફરતી વખતે પુરોહિતને પ્રશ્ન પૂછે છે કે, પરણેતર ક્યારે પૂરું થશે ગોરબાપા? અ-છાજતો પ્રશ્ન પૂછ્યો હોવા છતાં કહ્યું, આ ચોથો અને છેલ્લો ફેરો છે. ફેરો પૂરો થતાં પાનેતરમાં વીંટળાયેલી રમાબાઈએ પાનેતર અને ચુંદડી હટાવ્યાં. ઘૂમટો ખોલીને વરરાજા તરફ ફરી. એટલે આ કૃત્ય માટે છોકરીને વધેરી નાખવા કેટલાંય હથિયારો મ્યાન બહાર નીકળ્યા. તેણે દરેક આભૂષણ ઉતારી નાખ્યાં અને વરરાજાને કહ્યું, તું અત્યારથી મારો ભાઈ! હું તારી બહેન! ત્યારે બાપુ કહે છે. આ શું કર્યું તેં દીકરી? ત્યારે રામબાઈ કહે છે, ‘આપની આબરૂ અને શ્રીજી મહારાજનું વેણ રાખ્યું.’ હું કુવારી હોત તો આપને દુનિયા મહેણું મારત અને શ્રીજી મહારાજે સલાહ આપી કે પરણીને પ્રભુ ભજવા. હું પરણી ગઈ, હવે પ્રભુ ભજીશ. વરરાજા રામબાઈની ઉદાત્ત ભાવનાનું સન્માન રાખે છે. કરિયાવરનાં ગાડાં પાછાં આપીને કહે છે કે, એ મારી બહેન છે. ઊગતા સૂરજના ઉજાસમાં ગઢડા જવા બાપુની આજ્ઞા માગે છે અને શ્રીજી મહારાજના સાંનિધ્યમાં હરિસ્મરણ કરી શકું અને તેમની સેવા કરી શકું એવા આશીર્વાદ માંગે છે. બાપુ આશીર્વાદ આપે છે. દીકરી! સુખી થા અને શ્રીહરિની સેવા કરજે. તું તો બાપ અમારા પંચાળમાં બીજી મીરાં થઈને અવતરી! આમ શ્રીજી મહારાજની આજ્ઞા માથે ચઢાવીને પાલક પિતાનું મન રાખવા ચાર ફેરા ફરવા તૈયાર થયેલી પણ ચોથો ફેરો પૂરો થતાં લગ્ન મંડપમાં જ સંસારનો ત્યાગ કરનારી અને પ્રભુભજનમાં જીવતર ગાળવાની ઘોષણા કરનારી મીરાંબાઈના અવતાર સમી રામબાઈ. ‘આમ મળી આઝાદી’ વાર્તામાં સ્વાતંત્ર્યવીર રતુભાઈ અદાણીની વાત છે. ગાંધીજીએ આરંભેલા સ્વરાજ યજ્ઞમાં અનેક લોકો જોડાયા હતા. જેમાં ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ વગેરે લોકો યુવાનોને મીઠાના સત્યાગ્રહ માટે મળવા જાય છે. સોળ વર્ષનો નવયુવાન એવો રતિલાલ પણ સત્યાગ્રહમાં જોડાય છે. તેના પિતાને યોગ્ય લાગતું નથી. કેમ કે હજુ તો તેની ઉંમર નાની છે તેથી ના પાડે છે. અને કહે છે કે, મારો તો નહીં પણ તારી માનો તો વિચાર કર! એમ કહી ભાવનાના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરે છે. રતિલાલ એકનો બે થતો નથી. હું કાયર બનીને ઘરમાં બેસું તો મારી જનેતાનું ધાવણ લાજે. એમ કહી અને થોડા દિવસમાં સત્યાગ્રહી યુવાનોને જે જે ગામડાં આપ્યાં હતાં. ત્યાં જઈને ગ્રામસભાઓ કરી, ગાંધીજીની વાતો ઝૂંપડે ઝૂંપડે પહોંચાડવા લાગ્યા. રતિલાલના ભાગમાં કાપડિયાળી નામનું પછાત ગામડું આવ્યું. તે ગ્રામસભા કરવા લાગ્યો અને લોકભાષામાં સ્વરાજની વાતો કરતો હતો ત્યારે સભામાં એક ડોશી બોલી, તારી માને આવા ફૂલ જેવા છોકરાને છોડવાનો જીવ કેમનો ચાલ્યો? ઉંમર નાની અને પરિપક્વતા મોટી ધરાવતા રતિલાલ કહે છે. બધી મા-ઓ પોતાના દીકરાને લાડ લડાવે તો ગાંધીબાપુએ આરંભેલી સ્વરાજની લડાઈ કોણ લડે? ડોશી કહે, છે તું અમારા ગામમાં કેટલું રોકાવાનો છે? આઠ દિવસ. સવારે બાજુના ગામ ખમીદાણામાં જઈને રતિલાલ સાંજે આવ્યો ત્યારે ડોશી રાહ જોતી હતી અને જમવા બોલાવે છે. જમવાની થાળીમાં બે ચૂરમાના લાડુ મૂકીને કહે છે. આજે ગણેશચોથ છે. તું તારા ઘરે હોત તો તારી માએ તને લાડવા ખવડાવ્યા હોત. માની ખોટ ના પડે એટલે મેં લાડવા બનાવ્યા તારા માટે. નિરાંતે ખા, ગગા! તું કુમળો છે અને મહાત્માની ધરમની લડાઈમાં જોડાઈ ગયો છે તો ઘણું જીવો ગાંધીબાપુ! કેમ કે અમારા જેવા ગરીબો માટે એ માર ખાય છે. ડોશીની ભાવવિભોર આંખોમાં અઢળક શ્રદ્ધાના ટીપામાં રતુભાઈને આઝાદીનો અરૂણોદય દેખાયો. આમ આ વાર્તાનો મુખ્ય સૂર એ પ્રગટે છે કે આમ જ આપણને આઝાદી નથી મળી. અનેક લોકોએ અનેકગણું ગુમાવ્યું છે. રતિલાલ બોરીસાગર નોંધે છે કે, ‘તોરણ’ના બંને ભાગની આ વિરલ પાત્રસૃષ્ટિ ભારતીય ગ્રામ-સંસ્કૃતિને આપણી સમક્ષ જીવતી કરી દે છે. આ પાત્રોની જીવનની સમજ, એમનાં ત્યાગ, તપ, બલિદાન આપણને મુગ્ધ કરે છે, પણ સાથે-સાથે આ જીવનમૂલ્યો – આ ત્યાગ-તપ-બલિદાન આજે દીવો લઈને શોધીએ તોય જડે એમ નથી એ ખ્યાલ આપણા મનમાં ઘેરો વિષાદ પણ પ્રેરે છે. આમાંનાં કેટલાંક પાત્રો તો હજુ ગઈ કાલનાં છે. આ ગઈ કાલ પણ આજે દૂર ને દૂર જતી જાય છે! અને તેથી જ આ વાર્તાઓ આજે એકદમ પ્રસ્તુત છે. નવી પેઢીના જીવનનાં ઘડતર અને ચણતર માટે આ સામગ્રી અત્યંત મૂલ્યવાન છે. ‘તોરણ’ની આ સામગ્રી આપણને મુગ્ધ કરે છે એનું મુખ્ય કારણ કયું? એનું મુખ્ય કારણ છે – નાનાભાઈની બળૂકી સર્જકતા. સાંકડા પટમાં પ્રચંડ વેગથી વહેતી નદી જેવી જોમવતી કથનશૈલી તેમ જ કલમવગી-તળપદી તાકાતવાળી ઓજસથી ઊભરાતી ભાષા એક નવું જ વિશ્વ આપણી સામે ખડું કરે છે. આ પ્રસ્તાવનાના પ્રારંભમાં મેં કહ્યું છે તેમ સૌરાષ્ટ્રની બળૂકી બોલીના વિનિયોગ માટે સહૃદયોએ ઝવેરચંદ મેઘાણી અને ચુનીલાલ મડિયા પછી નાનાભાઈ જેબલિયાને યાદ કરવા પડશે. ‘તોરણ’નાં બંને પુસ્તકોના પાને-પાને સૌરાષ્ટ્રની તળપદી તાકાતનાં દર્શન થાય છે. આના આસ્વાદ માટે સહૃદયોએ આ પુસ્તકોમાંથી પસાર થવું જ રહ્યું!
બારોટ પાર્થકુમાર પરેશકુમાર.
B.A., M.A. (Gold Medalist),
GSET, UGC NET, Ph.D. (Running)) Mumbai University.
પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ
શ્રી જાનકી વલ્લભ આટ્ર્સ ઍન્ડ મનુભાઈ સી પટેલ કૉમર્સ કૉલેજ, મુવાલ.
મો. ૮૨૦૦૧ ૧૨૪૧૯
Email ID: bparth517@gmail.com