ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બકુલ બક્ષી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘મજલિસ’ : બકુલ બક્ષી

આશિષ ચૌહાણ

Bakul Bakshi.jpg

વાર્તાકારનો પરિચય :

ગુજરાતી સાહિત્યમાં લેખનક્ષેત્રે બકુલ બક્ષીનું નામ ઓછું જાણીતું હોવા છતાં, નવલિકા પ્રદાનમાં તેમની ઓળખ છૂપી રહી શકે તેમ નથી. તેમનો જન્મ ૨૨-૦૬-૧૯૪૧નાં રોજ કલકત્તામાં થયો. સ્કૂલ અને કૉલેજનું શિક્ષણ કલકત્તામાંથી જ મેળવ્યું. બી.કૉમ. થયા પછી ઈ. સ. ૧૯૬૫માં ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (કસ્ટમ અને સેન્ટ્રલ ઍક્સાઇઝ)માં જોડાયા. મુંબઈ કસ્ટમમાં ઉચ્ચ અધિકારીના હોદ્દાને પણ શોભાવ્યો અને ચીફ કમિશનર તરીકે કામગીરી સંભાળી. ત્યારબાદ સર્વિસ ટૅક્સના ડાયરેક્ટર જનરલ તેમ જ કસ્ટમ અને સેન્ટ્રલ ઍક્સાઇઝના સેટલમેન્ટ કમિશનના સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ નાણામંત્રાલય ખાતામાં બહોળો અનુભવ ધરાવતા હતા. બકુલ બક્ષી આખા દેશમાંથી કસ્ટમ વિભાગમાં અધિકારી પ્રકારના ઉચ્ચ સ્થાન પર પહોંચનારા એકમાત્ર ગુજરાતી. તેઓ વિશ્વ કસ્ટમ સંઘ અને વ્યાપાર સંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ઈ. સ. ૧૯૯૭માં એમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના વિખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષીના નાના ભાઈ અને લલિત બક્ષીના પણ લઘુબંધુ થાય.

સાહિત્યસર્જન :

અંગ્રેજીમાં લખવાની શરૂઆત કરી. બાદમાં ગુજરાત અને મુંબઈના મુખ્ય સમાચારપત્રોમાં તેઓ નિયમિતરૂપે લખતા. ગુજરાત સમાચારમાં ‘નવી નજરે’ નામની સાપ્તાહિક કટાર લેખન કર્યું. કુમાર માસિકમાં પ્રથમ વાર્તા છપાયા બાદ, ગુજરાતી ટૂંકી વાર્તા દ્વારા સાહિત્યક્ષેત્રે લેખનપ્રવેશ કર્યો. પ્રથમ વાર્તાસંગ્રહ ‘મજલિસ’ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કારવામાં આવ્યો. ૧૫૦ જેટલાં જુદાજુદા વિષયોનાં પુસ્તકો આપ્યા. આ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજીમાં થોડી કવિતાઓ પણ લખી.

વાર્તાસંગ્રહ :

મજલિસ (વાર્તાસંગ્રહ)

લેખસંગ્રહ :

સંસ્કૃતિનો સૂર્યોદય, રાજદરબાર, બ્રિટિશરાજની વાતો, અનેક રંગ, સંસ્કાર ગાથા, બા-અદબ, અસ્મિતાનો ચહેરો, પ્રતિબિંબ, સરગમ, રાગઅતીત

પરિચય પુસ્તિકા : આઈ. એ. એસ.
વાર્તાકારનો યુગસંદર્ભ :

બકુલ બક્ષી આધુનિકયુગના સર્જક છે. તેમનો વાર્તાસંગ્રહ ‘મજલિસ’ આ યુગની પૂરી શક્યતાઓ સાથે ઈ. સ. ૧૯૮૧માં પ્રગટ થાય છે. લેખક પોતાના કાર્યક્ષેત્રના લીધે ઘણું ફર્યા છે અને એ બધી અનુભૂતિઓ સંવેદનનું રૂપ લઈને આ સંગ્રહમાં પ્રગટે છે. આધુનિક વાર્તાકાર સુરેશ જોષીએ ઘટનાની તિરોધાનની જે પીઠિકા રચી આપી તેના ચીલામાંથી થોડાં દૂર ખસીને ઘટનાપ્રધાન વાર્તાઓ બકુલ બક્ષી આપે છે. તેમ છતાં, કેટલીક વાર્તાઓમાં લાગે છે, ઘટના કરતાં સંવેદનોનું મહત્ત્વ વધુ છે. દરેક વાર્તામાં માણસ કેન્દ્રસ્થાને છે અને એ બનવા પાછળનું કારણ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ કસ્ટમ વિભાગમાં ચીફ કમિશનર તેમજ સર્વિસ ટેક્ષના ડાયરેક્ટર જનરલપદે નિમાયા એ ગાળામાં કેટલાય લોકોને મળવાનું થયું. ફરવાનું થયું. એક ઠાઠમાઠવાળી જિંદગી જીવ્યા અને જોઈ. આ સંદર્ભ ૧૯૬૫ પછીનો છે. કહો કે આઝાદી બાદની ઘટનાઓ હવે નવા રૂપેરંગે સાધનસંપન્ન જીવનને લઈને આવે છે. આ સ્પંદનો લેખનમાં બરાબર ઉતારવાની મથામણ વાર્તાકારે કરી છે.

‘મજલિસ’ વાર્તાસંગ્રહનો પરિચય :

‘મજલિસ’ વાર્તાસંગ્રહમાં ‘અજનબી’થી ‘યુગાંતર’ સુધીની કુલ પચ્ચીસ વાર્તાઓ સમાવિષ્ટ છે. દરેક વાર્તા નિજી સ્વભાવને વળગી રહે છે. વિષય સંદર્ભ અને સંવેદનો વાર્તાના વિષયવસ્તુને બરાબર ન્યાય આપે છે. આધુનિકતાના સ્પર્શ સાથે એક પછી એક વાર્તા ખીલતી જાય છે. જીવનને પ્રતિધ્વનિત કરતી દરેક કથા દૃશ્ય અને યુગચેતના સુધી સફર કરે છે. પ્રથમ વાર્તા ‘અજનબી’ નાયકના મિત્ર નીલનાં જીવન અને મરણને આધુનિક જીવનશૈલીથી ઉઘાડી આપે છે. મોંઘી મોંઘી હોટલોમાં ફરવું, રાત્રે ડ્રાઇવિંગ કરવું અને ઠાઠમાઠથી છોકરીઓને શરાબમાં પૈસા વેડફવાથી પરિણામ કેવું આવે છે! તેનું બયાન આ વાર્તામાં છે. હમણાં તો મિત્ર નીલ નાયક સાથે હતો અને એક રાત્રિના અંતરાલ પછી અજનબી બની ગયો. ‘ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટથી હજારેક ફીટ દૂર પહાડના ઢાળ ઉપરથી મોટર ગબડી હતી. સફેદ રંગની ગાડી હતી. મસૂરીથી આવતી હતી. ચલાવનાર નશામાં હતો. એક લાશ મળી છે. લાયસન્સ નંબર, નામ, નીલ ઓબેરાય, પોસ્ટમોર્ટમ.

Majlis by Bakul Bakshi - Book Cover.jpg

ગુલમોહરનાં વૃક્ષો તરફથી આવતી હવાની જેમ સમાચાર આવ્યા. થોડીવાર પછી લાશ આવી. મીરા રડી. નીલના શરીર પર ઊંડા ઘા પડ્યા હતા. ફાસ્ટ લાઇફનો ભોગ બનેલા નીલના શરીર તરફ મેં જોયા કર્યું. હું રડી ન શક્યો.” (પૃ. ૭) ‘મહાનગર’ વાર્તા નગરચેતનાને રજૂ કરે છે. ઑફિસમાં કામનું ભારણ અને આધુનિક જીવનશૈલી એકલતા તરફ કેવી રીતે લઈ જાય છે, તે સરસ રીતે સૂચિત થયું છે. “હસતા ચહેરાઓની પાછળ રહેલી શૂન્યતા. પ્રકૃતિથી દૂર જિવાતી એક જિંદગી. અહીં ડાઇનિંગ ટેબલ પર ફૂલદાનમાં ખીલતાં ફૂલો. પાંખ કપાયેલા પક્ષીની જેમ નિર્જીવ પડેલું શહેર. સિમેન્ટના કબૂતર ખાનાંઓમાં પુરાયેલી સભ્યતા. માનવ સમુદાયની સપાટી પર રહેલી એકલતા.” (પૃ. ૧૦) ‘નીરવ અને શહેર’ વ્યક્તિત્વ, અસ્તિત્વની નીરવતાને વ્યક્ત કરે છે. શહેરી સંવેદન-જિજીવિષા, પ્રેમસ્પર્શ, જીવનશૈલી, ભૂતકાળ જીવન, નીરસતા, પ્રણયભંગ, એકલતા, જેવાં સંવેદનોને વાચા આપે છે. ‘વનવાસ’માં નાયક લક્ષ્મણ કલકત્તાથી ઉત્તરપ્રદેશમાં એન્જિનિયર તરીકે બડહલગંજ(યુ.પી)માં સરયૂ નદી પર પાકો પુલ બનાવવાના કામ માટે એક વર્ષ સુધી આવે છે. આગળ આમાં ગ્રામજીવન અને શહેરીજીવન વચ્ચેની તુલના કરતો નાયક, સતત વતન ઝુરાપો અનુભવે છે. ભૂતકાળ વાગોળે છે. પત્રો દ્વારા પોતાના ગામના, ઘરના સંપર્કમાં રહે છે. એકલતા સાલે છે અને શહેરીકરણના ભાર નીચે જીવનની નિરર્થકતાનો અનુભવ કરે છે. ‘મારું નામ, તારું નામ’ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી વાર્તા છે. નાયક વાસ્તવિક છતાં, માયાવી નગરીમાં રહેતો હોય તેવો શહેરનો અનુભવ કરે છે. પ્રેમતત્ત્વ ન મળવાથી અને કાર્યબોજની અસમંજસતામાં એકાંત અનુભવે છે. પ્રેમની વાત જાણે એકોક્તિ સ્વરૂપે આવે છે. સંવેદના, શૂન્યતા, પ્રેમ, વ્યક્તિમતા, સ્વભાવ, વિચારમંથનની ભાંજગડમાં જીવનનો મર્મ ભૂલી જાય છે. વાર્તાનું ધ્રુવવાક્ય ‘જન્મકુંડળીની જેમ એક મૃત્યુકુંડળી પણ હોવી જોઈએ.’ (પૃ. ૩૦) વાર્તાને ખોલી આપે છે. ‘ડૅડી’ પરંપરા અને આધુનિકતા વચ્ચે, લગ્નજીવનની ખંડિતતા, પિતાની સમજદારી, નાયકનું એકાકીપણું, એકલવાયા જીવન પ્રત્યેનો અણગમો વગેરે વાર્તાના સ્તંભો છે. પ્રથમ પુરુષ એકવચન કથનકેન્દ્રમાં ભૂતકાળની સ્મૃતિરૂપ કથા કહેવાઈ છે. ‘ઘર’ નિબંધની પરિપાટીએ ચાલનારી વાર્તા છે. પારિવારિક પરિચય આપી, ઘટના, સ્થિતિ અને વિચાર, વ્યવહારોને વાગોળવામાં આવ્યા છે. સર્વજ્ઞકથનમાં ઘરથી સામાજિક વ્યવહારો સુધી વાત સ્મરણોમાં, ભૂતકાળમાં ચાલે છે. ઘર અને પરિવાર, જીવનના પ્રતીકરૂપે દેખાય છે. ‘મોહેં-જો-ડેરો’, ‘હવે તો ઇચ્છાઓ પણ યાદ નથી.’ (પૃ. ૫૧) દિલીપ વાર્તાનાયક દ્વારા બોલાયેલું વાક્ય છે. અતીત તેમ જ વર્તમાન વચ્ચે સુખની કલ્પના કરનારો નાયક કૉલેજજીવનનાં સ્મરણોને વાસ્તવિક જીવન સાથે જોડે છે. વાસ્તવિક દુનિયામાં આનંદની અનુભૂતિ ‘મોહેં-જો-ડેરો’ જેવી છે. ‘ટાપુ’ સંબંધોની આંટીઘૂંટીમાં અટવાતી વાર્તા છે. ભૂતકાળને વર્તમાનના સંઘર્ષ તરીકે બતાવવામાં આવ્યો છે. અસ્તિત્વનો મહિમા કર્યો છે. આધુનિક જીવનની, સંબંધો ઉપર થતી અસર બતાવવામાં આવી છે. ‘એક દરિયો આસપાસ’ દરિયાઈ કથા છે. અન્ય વાર્તાઓ કરતા નોખા પ્રકારની કથા છે. ઓધવજી જેસંગ, મહંમદ કાસમ અબદુલ્લા, ઇબ્રાહિમ કચ્છી, યૂસુફઅલી સંઘર જેવાં પાત્રો ગુણવંત આચાર્યની ‘દરિયાલાલ’ નવલકથાની યાદ અપાવે છે. સર્જક કસ્ટમ ખાતામાં હોવાથી સ્વાભાવિકપણે કથક તરીકે વાર્તામાં દેખાય છે. ‘ધુમ્મસ’ માલિક-નોકરના સંબંધોને દૃશ્યાંવિત કરે છે. ભૂતકાળની યાદો તાજી થાય છે. સ્વપ્નમયી ઘટનાને વાસ્તવિક જીવનમાં અજુગતું બનાવવાની આગાહી સાથે જોડે છે. ‘આખી રાત’ સંતાનપ્રેમનો ઝુરાપો અનુભવતા અમૃતલાલ ભૂતકાળને સતત વાગોળ્યા કરે છે. એકલવાયું જીવન ઘડપણમાં સહારો ઝંખે છે. આખી રાતનું સ્વપ્ન વાસ્તવ કરતા વધુ આનંદદાયક હતું. ‘દીવાદાંડી’ મુખ્ય પાત્ર ચેતન આચાર્ય અને તેનો મિત્ર અરવિંદ ભટ્ટના સંઘર્ષની કથા છે. ઘરથી દૂર અગવડતાભર્યા જીવનમાં માત્ર દીવાદાંડીનો સહારો છે. નોકરી અર્થે ઘણું બધું જતું કરવું પડે છે. એ કથાના તંતુ સાથે સર્જક ઝીણામાં ઝીણી વિગતો આપે છે. ‘સંઘર્ષ’ ચર્ચા કે પ્રથમ પુરુષ કથનકેન્દ્ર પસંદ કરીને નાયક ‘હું’ના સંઘર્ષની કથા નિરૂપી છે. મોટાભાઈ ભણીગણીને નોકરીમાં જોડાયા, પરંતુ કથાનાયક પરીક્ષક નોકરીમાં ક્યાંય સફળ ન થયા અને તેને લાગે છે કે, જીવન પણ સફળ ન થયું. મળ્યો તો માત્ર સંઘર્ષ. વાર્તા વિગતોના પ્રવાહમાં આગળ ચાલે છે. નિબંધશૈલી હોવાથી વાર્તારસ ન જળવાયો. ‘ઇતસ્તતઃ’ જીવન સંઘર્ષ જીવન આનંદમાં કેવી રીતે બાધારૂપ બને છે! તે નિરૂપ્યું છે. પસંદગીનું કામ અને ઇચ્છિત નોકરી સામે સ્વીકારભાવ માત્ર વ્યવહાર બની રહે છે. એ બાબત મલય નિગમના પાત્ર દ્વારા બતાવ્યું છે. ઇતિહાસમાં સંશોધન પછી પ્રોફેસર થવાની ઇચ્છા કારકુન સુધી સીમિત રહે છે. ‘અનારકલી’ શીર્ષક જોતાં છોકરીનું નામ હશે! એવું પ્રતીત થાય છે. પરંતુ, લહનાસિંહ ટ્રક ડ્રાઇવર છે અને તેમના ટ્રકનું નામ અનારકલી છે. નિર્જીવ વસ્તુ સાથે આત્મીયતા કેવી રીતે હોય, કેટલી હોઈ શકે! એ પ્રસ્તુત વાર્તામાં જોવા મળે છે. ઘરના સભ્યોની જેમ સંભાળ રાખવી અને જીવનનો એક ભાગ બનાવી નાયકને સંવેદનશીલ બતાવવામાં આવ્યો છે. એ બાબત ટ્રકનું અન્ય ડ્રાઇવર દ્વારા ઍક્સિડેન્ટ થાય છે ત્યારે ખબર પડે છે. ‘સરોવર’ જીવનના પ્રતીકસમી આ કથા મનુષ્યના સંવેદનને સ્પર્શે છે. પોતાના સુખ ખાતર મૂંગા પક્ષીનો જીવ લેવો એનો આઘાત જીવનભર સતાવે છે. એ ભયાવહતામાં નાયક અફસોસ કરે છે. જીવમાત્રમાં દયાભાવ રાખવો એ ઉદ્દેશ સાથે વાર્તા પૂરી થાય છે. ‘પારુલ’ સંવેદાત્મક કથા છે. ભૂતકાળ અને વર્તમાનનાં લેખાંજોખાં છે. દીકરી પારુલ બીમાર પડે અને બાળપણની પારુલને પિતા યાદ કરે, ભૂતકાળની ક્ષણો પિતાને વધુ એકલતા બક્ષે છે. ‘પોપટ ભૂખ્યો નથી’ પક્ષી સાથે માનવીય સંબંધો વધુ વાસ્તવિક લાગે છે. જ્યારે માનવ માનવ વચ્ચે તો સંબંધની ખાઈ વધતી જાય છે. અહીં પોપટ (મીઠું) જીવનનું પ્રતીક બનીને આવે છે. લગ્નજીવનની સંવેદન નીરસતા, એકલતા તરફ કેવી રીતે લઈ જાય છે! એ પ્રતીત છે. ‘ઈસવી સન પૂર્વે’ એસ. જે રામન ઇતિહાસના પ્રોફેસર છે. કોચીન ફરવા માટે આવે અને ત્યાં બુદ્ધની ગુફાઓ જુએ છે. અન્ય પ્રવાસી નંદિતા નામની છોકરી સાથે ‘ઈસવી સન પૂર્વે’નો આત્મીય નાતો હોય એવો અનુભવે છે. નંદિતાનો ચહેરો પોતાની દીકરી સાથે મળતો આવે છે. બુદ્ધની ગુફા, નંદિતાનો ચહેરો, ઈસવીસન પૂર્વે આ સ્રોત નાયકને વિશુદ્ધ શાંતિ તરફ ગતિ કરાવે છે. ‘પ્રસ્થાન’ સમય સાથે ઘણું જ બદલાતું રહે છે. કશું જ સ્થિર નથી! નોકરીમાં બદલી થવાથી લોકો, વ્યવહારો, સંબંધો અને ભૂગોળ બદલાય છે. નાયક ‘શેખર’ અંતે વિચારે છે કે ‘આખરે તો બધેથી પ્રસ્થાન જ કરવાનું છે.’ જીવનની ક્ષણભંગુરતા પ્રસ્થાનમાં નિહિત છે. ‘પરીકથા’ પોતાની દીકરી ‘નોના’નું બાળપણ કથાનાયક રાકેશને ખૂબ ગમે છે. પોતાના બાળપણને યાદ કરીને આજની દોડધામ અને બોજવાળી જિંદગીમાંથી છૂટવાનો એક સરસ રસ્તો રાકેશને મળી જાય છે. જીવનનો આનંદ શૂન્યતામાં છે. સ્થિરતામાં છે. એવું સમજીને રાકેશ મુક્તાનંદ તરફ ગતિ કરે છે. ‘આરોપી’ ખોટી જુબાનીથી કોઈને પણ આરોપી સાબિત કરી દેવો એ સહજ છે. એનું પરિણામ કોઈને મોટા નુકસાન તરફ દોરે છે. જુબાની આપતા કોર્ટમાં લેવડાવવામાં આવતા સોગંધ માણસના મૂલ્યસંસ્કારને જીવિત કરે છે. એ હિસાબે જ કથામાં નાયક દુલો પોતાના પિતાનું ખૂન કાનજીના હાથે થયું છે, એવી જુબાની જટુભાના કહેવાથી આપવાનો હતો, પરંતુ માનવધર્મનો સ્પર્શ થયો અને જટુભા આરોપી નીકળ્યા. કથા મધ્યાંતર સુધી સીધી લીટીમાં ગતિ કરે છે. અંતમાં ઘટના થોડો વળાંક લે છે. ‘યુગાંતર’ આધુનિકયુગની ભૌતિક રીતે શરૂઆત કેવી રીતે થઈ, તે ઐતિહાસિક અને સ્મરણો દ્વારા બતાવવામાં આવ્યું છે. કરુણાશંકરની પોતાની ત્રણ પેઢીની ગરીબી અને જાહોજલાલી સ્થિત્યંતરો સાથે નિરૂપી છે. આખરે તો સર્વજ્ઞ કથક તરીકે આખી વાતમાં લેખક હાજર છે એવું લાગે છે. જૂનું અને નવું બંને વચ્ચેનું સામ્ય સુખાકારીમાં કેવું મહત્ત્વનું છે! તે દર્શાવ્યું છે.

બકુલ બક્ષીની વાર્તાકલા :

‘મજલિસ’ વાર્તાસંગ્રહમાં બકુલ બક્ષીની વાર્તાકલા શહેર અને નગરજીવનની ભાવસંકુલતાને સવિશેષ રજૂ કરે છે. તેમની વાર્તાનું કથાનક, પાત્રો, સંવેદનો, ખાસ કરીને આધુનિક જીવનશૈલીને ઉજાગર કરે છે. સંઘર્ષને ભૂતકાળના ઉપયોજન તરીકે વાર્તાકાર નિરૂપે છે. પ્રથમ પુરુષ એકવચન અને સર્વજ્ઞ કથક તરીકે બકુલ બક્ષી કેટલીક વાર્તાઓમાં પોતે રજૂ થયા હોય એવું લાગે છે. વાર્તાને વિકસાવવાની કળા, કથાને ઓગાળવાની રીત, કાવ્યાત્મકતા સાથે અંત પ્રભાવક રીતે નિરૂપે છે. આધુનિકતાના રંગે રંગાઈને વ્યક્તિત્વમાંથી અસ્તિત્વમાં સરી જનારું પાત્ર ઠેકઠેકાણે એકલતાનો અનુભવ કરે છે. બધું જ ભોગવી લીધા પછીની મનઃ સ્થિતિ કેવી હોય છે! એ પાત્રની મનોસંકુલતા દ્વારા સર્જકે ચીંધી આપ્યું છે. ઊહાપોહ, હતાશા, નિરાશા, એકલતા સંવેદનશીલતા સર્જકે વર્તમાન અને ભૂતકાળને સાથે રાખીને ઇંગિત કર્યું છે. સર્જકીય ભાવ સૂક્ષ્મ રીતે તો મનુષ્યના ભાવજગતને જ રજૂ કરે છે. પરંતુ, જીવનશૈલી અંતે તો માણસને મોક્ષ અપાવે છે, એવું નજાકતતાથી બયાન કરે છે. નગરચેતનાને રજૂ કરનારા સર્જક બકુલ બક્ષી, જીવનના સૌંદર્યને જીવનશૈલીના વિરોધાભાસથી રજૂ કરી શક્યા છે. મનુષ્ય ભૂલનું સર્જન કરે, પણ જીવનને ભોગવી લીધા પછી ભાસ થાય એવું ચિત્ર કથામાં રચવા માટે સર્જક સક્ષમ છે. ભાષાની દૃષ્ટિએ બકુલ બક્ષી ગુજરાતી, હિન્દી તેમ જ અંગ્રેજીમાં અભિવ્યક્ત થયા છે. કેટલાક શબ્દો તેમની વાર્તામાં વારંવાર આવે છે. જેમ કે, ધુમ્મસ, સિગારેટ સળગાવવી, રેડિયો-ટ્રાન્ઝિસ્ટર, ટેક્સી, ડ્રાઇવર, હોટેલ, દરિયો, પ્રોફેસર, ઇતિહાસ વગેરે. કેટલીક વાર્તાઓમાં કાવ્યાત્મકતા સારી રીતે નિરૂપે છે. “રાતે અગાશીમાં હું આંખો ખુલ્લી રાખી પડી રહ્યો હતો. તારાઓના ભારથી જાણે આકાશ ઝૂકેલું હતું.” (પૃ. ૯૯) વાર્તાકાર તરીકે વાર્તાકળાને જાણનારા આ સર્જકને સમયસંદર્ભમાં મૂકીને મૂલવવામાં આવે તો વધુ સમજાય એમ છે. ક્યારેક ઘટનામાં કે ઘટનાનો આધારમાત્ર લઈને આદિ, મધ્ય અને અંતને રજૂ કરનારા આ સર્જકે વધુ વાર્તાસંગ્રહો આપ્યા હોત તો વધુ સારી રીતે તેમને મૂલવી શકાય એમ છે. વર્ણનની દૃષ્ટિએ પણ ભાષા પાસેથી લેખકે કામ લીધું છે. “નિરભ્ર આકાશ પર સંધ્યાનો રંગ. પાછાં ફરતાં પક્ષીઓની હારોમાં ઊડતા આકારો. એકાએક ખીલી ઊઠેલાં પારિજાતનાં ફૂલો. ગાથા કેશકલાપમાં ઢંકાયેલો સૂર્ય. પાંપણની પાળ વચ્ચે તળાવ જેવી લીસી આંખો નીરવે જોઈ. નીરવે ઘણું બધું જોયું. શહેરની નવી આંખોથી જોયું.” (પૃ. ૧૪) સંવાદ, વાતાવરણ, જીવનદર્શન વગેરે તાત્ત્વિક મૂલ્યો યોગ્ય રીતે ખપમાં લીધાં છે.

સંદર્ભ :

૧. ‘મજલિસ’, પ્રથમ આવૃત્તિ, ઓકટોબર-૧૯૮૧, પ્રકાશન : આર. આર. શેઠ કંપની
૨. ‘બકુલ બક્ષીને શબ્દાંજલિ’, રજનીકુમાર પંડ્યાની કલમે બીબીસી ગુજરાતી ૧૫-૦૬-૨૦૧૮

આશિષ ચૌહાણ
ગુજરાતીના પ્રાધ્યાપક
મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮