ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બટુભાઈ ઉમરવાડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા (૧૮૯૯–૧૯૫૦)

જયેશ ભોગાયતા

Batubhai Umarvadiya.png

લેખક ઘણાં ઉપનામો રાખતાં. ‘કમળ’, ‘કિશોરીલાલ વર્મા’, ‘ધીરજલાલ ગજાનનજી મહેતા’, ‘સુંદરરામ ત્રિપાઠી’, ‘હરરામ ત્રિપાઠી’. બટુભાઈનો જન્મ વેડછા (સુરતમાં) થયો હતો. ઈ. સ. ૧૯૨૪માં ‘વાતોનું વન’ નામનો સંગ્રહ પ્રગટ થયો હતો. આ સંગ્રહમાં ૧૩ વાર્તાઓ છે. પ્રસ્તાવનામાં વાર્તાકાર નોંધે છે : ‘જીવનમાં જે અવ્યવસ્થા જોઈ હશે એ આ પુસ્તકમાં પણ જણાશે. વનમાં જેમ નાના મોટા છોડ ઊગી નીકળે છે તેમ અહીં પણ નાની મોટી વાર્તાઓ ગમે તેમ ભેગી મૂકી છે. વનના કોઈક ભાગો જેમ અનાકર્ષક હોય છે, તેમ કેટલીક વાર્તાઓ પણ આકર્ષણરહિત હોય છે. વનમાં જેમ પશુઓ અકુદરતી જીવન જીવનાર, કુમળી ટેવોવાળા નાગરિકોને બિહામણાં લાગે છે, તેમ જ વ્યાકરણપ્રિય સાક્ષરો અને રૂઢિપ્રેમી નીતિશાસ્ત્રીઓને બીક પમાડે એવા પ્રયોગો આમાં પણ જણાશે. મારું લખાણ મારા જીવતા જીવનનું એક અણુ માત્ર નથી. લાગણીઓની ભસ્મ થયા પછી તે લાગણીઓનું સ્મરણ રાખવાનો નજીવો નિર્બળ પ્રયાસ તે લખાણ. મારા જેવા અનેકોની કથા છે.’ વાર્તાકારે નિખાલસપણે વનનું રૂપક પ્રયોજીને પોતાના વાર્તાવિશ્વને પ્રત્યક્ષ પરિચય આપ્યો છે. પોતાના લેખન વિશેનું સ્વરૂપગત સત્ય લાગણી પર થતા સર્જકપ્રતિભાના સંસ્કારને વર્ણવે છે. બટુભાઈ ગુજરાતી સાહિત્યમાં નાટ્યકાર તરીકે વધુ પ્રખ્યાત છે. ૧૯૨૫ના વર્ષમાં ‘મત્સ્યગંધા અને ગાંગેય અને બીજાં નાટકો’ પ્રસિદ્ધ કરી ગુજરાતી સાહિત્યમાં એકાંકીકાર તરીકે જાણીતા થયા. રામચંદ્ર શુક્લએ બટુભાઈની વાર્તાઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યું છે : ‘નવલિકાસાહિત્યમાં એમનું સ્થાન ઊંચું છે. કારણ કે, કલાવૃત્તિ તરીકે એમણે વાર્તાઓ લખી છે. એમના પ્રમાણે ૧૯૨૧ પહેલાંના વિષયોને વસ્તુમાં ગૂંથ્યા છે. અને વાર્તાની અસર પાડવા પ્રયત્ન કર્યો છે. આવી નવલિકા મોટેભાગે વસ્તુ પર આધાર રાખે છે અને રંજનાર્થે રચાયેલી છે. પરંતુ કલાનું લક્ષણ એમાં એટલું જ કે આડી અવળી વાત કરવાને બદલે એક જ વસ્તુ વિકાસને અંતે ધાર્યું પરિણામ આપે છે. પરંતુ એ વાર્તાના વિષય ઊંચી કોટિના કે ગંભીર નથી. પરંતુ આ રંજનાર્થ કૃતિઓ ઉપરાંત રા. ઉમરવાડિયાએ પોતાની અપૂર્વતા બતાવી છે. આધુનિક સામાજિક પ્રશ્નોનું નવીન દૃષ્ટિએ અવલોકન વાર્તા દ્વારા ઉપદેશાત્મક બન્યા સિવાય કરવાની સફળતા એમને મળી છે. અને પરિણામે કેટલીક ઉત્તમ કલાકૃતિઓ નવલિકા સાહિત્યમાં એમને ઊંચું સ્થાન અપાવે છે. અને રા. મુનશી કરતાંય એ આગળ ધપે છે.’ (નવલિકાસંગ્રહ પુસ્તક પહેલું, બી. આ. ૨૦૧૧, પૃ. ૧૮૭, ૧૮૮) બટુભાઈની વાર્તાઓ પણ એમના અન્ય સમકાલીન વાર્તાકારો જેવી વિષયસામગ્રી અને લેખનરીતિ ધરાવે છે. લગ્ન, જ્ઞાતિબાધ, દામ્પત્યજીવનમાં અસંતોષ, પતિની પત્ની તરફની ઉદાસીનતા, સ્ત્રીની સ્વતંત્રતા માટેની ઝંખના, સ્ત્રીઓને વેશ્યા બનવા મજબૂર કરતો સામાજિક વ્યવસ્થાઓ વગેરે વિષયો એમની વાર્તામાં છે. વાર્તાઓનું ધડતર પ્રસંગો વડે કરે છે. તેમાં બેસુમાર અકસ્માતો છે, મેલોડ્રામેટિક સિચ્યુએશન છે. તેથી પ્રતીતિના પ્રશ્નો થાય છે. ‘અમે કેમ પરણ્યાં’ વાર્તાનો કથક ડૉક્ટરનું પાત્ર છે. પ્રથમ પુરુષનું કથનકેન્દ્ર છે. નાયક અને કદંબિની એકબીજાને પસંદ કરતાં હતાં. પણ જ્ઞાતિબાધને કારણે પરણી શકે તેમ નહોતા. ધર્મચુસ્ત સ્વજનોની સત્તા અને સગાઓની વગર વિચારી જોહુકમી સામે બંને લાચાર હતાં. જ્ઞાતિની ભીંસ ખમાતી નહોતી. તેથી નાયક મુંબઈ છોડીને અમદાવાદ આવ્યો. અમદાવાદ ડૉક્ટરની પ્રેક્ટીસ ચાલી નહીં. પૈસાની ખેંચ રહેતી. આવા તકલીફના દિવસોમાં એક દર્દીને તપાસવા જવાનું કામ મળ્યું. એક સિનિયર ડૉક્ટર સાથે દર્દીને ઘેર ગયો. દર્દી સ્ત્રી હતી. એનું શરીર સાવ હાડપિંજર જેવું બની ગયું હતું. આ મરવા પડેલી યુવતી સાથે પ્રેમનું નાટક કરીને એને આશ્વાસન આપવાની દરખાસ્ત થાય છે. ડૉક્ટર માટે આ દરખાસ્ત અસહ્ય હતી. પરંતુ દબાણને વશ સ્વીકારી. નાયકના પ્રેમની અસર થઈ. યુવતીમાં જીવનનું તેજ આવવા લાગ્યું. તબિયત સુધરવા લાગી. પ્રેમ કેટલો બળવાન છે! ફરી યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ આવ્યો. પણ નાયક લાચાર હતો. લગ્ન ન કરે તો યુવતી આઘાતથી મરણ પામે. તેથી લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો. આ યુવતીને ત્યાં મુંબઈથી કદંબિની આવે છે. કદંબિની યુવતીની સગી બહેન જેવી હતી. નાયક કદંબિનીને જોતાં જ વિહ્‌વળ થાય છે. બિમારીને કારણે છેવટે યુવતીનું મરણ થાય છે. મરનાર યુવતીનો ભાઈ બીજી બહેનના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો. એ બીજી બહેન તે કદંબિની. કદંબિની સાથે નાયકનાં લગ્ન થયાં. જીવનની વક્રતા કેવી છે કે જ્ઞાતિબાધ અને સગાંઓની જોહુકમીને કારણે લગ્ન ન કરી શકનાર ડૉક્ટર અને કદંબિની મરનાર પુવતીની લાગણીથી પરણે છે. મરનાર યુવતીએ પ્રેમીને એક કર્યા. વસ્તુપ્રધાન વાર્તા સ્ત્રીહૃદયની કોમળ ભાવનાઓનું વિશ્વ દર્શાવે છે. ‘વિશાખા’ એ લીલાવતી મુનશીના સ્ત્રીપાત્ર સાથે સામ્ય ધરાવતી વાર્તા છે. વિશાખા નીડર અને સ્પષ્ટવક્તા છે. એમની વાતોમાં Feminist Voice છે. બેડમિન્ટનની રમત દરમ્યાન વિજય અને વિશાખાની આંખો મળી. વિજયે બીજી રમતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું. વિશાખાને એના પર ગુસ્સો આવે છે. વિશાખા કવિતા પણ લખે છે. વિજય-વિશાખા વચ્ચે અહંની ખેંચતાણ ચાલ્યા કરે છે. ગુસ્સો, ચીડ, ઉપેક્ષાભાવ વચ્ચે રહેવું પડતું હતું. એકવાર એક મસ્તીઘેલા યુવાનને વિશાખાએ તમાચો મારી દીધો. વિશાખાના વિચારોમાં આધુનિક સ્ત્રીનું ચરિત્ર જોવા મળે છે : ‘બળ વગરનું જીવવું એ જ મિથ્યા છે. શક્તિ વિનાની સાલસાઈ મને તો બહુ આકર્ષક નથી લાગતી. ગૃહજીવન અને માતૃત્વની તમારે એકાદ કીર્તિકથા લખવી હોય તો ભલે લખી કાઢજો, પણ આજના ગુજરાતમાં સ્ત્રી જે જાતનું ગૃહજીવન અને માતૃત્વ ભોગવે છે તેની છબીઓ પણ સાથે સાથે પ્રકટ કરજો. લગ્ન એટલે પુરુષ અને સ્ત્રીનો સંબંધ આત્મા અને શરીરનો. પણ ગુજરાતમાં પુરુષો છે ખરા? પતિ થવાની લાયકાત મને તો કોઈનામાં જડતી નથી.’ વિશાખાનું વલણ પુરુષદ્વેષી છે. સ્વચ્છંદી છે. અંતિમવાદી છે તો પણ પુરુષસત્તામાંથી મુક્તિ મેળવવા માટે આ બળવાની વૃત્તિ અનિવાર્ય છે. વિશાખા બલિદાન, ત્યાગ જેવી પરિણામશૂન્ય ભાવનાનો વિરોધ કરે છે. પોતે સ્ત્રીસન્માનની ખેવના રાખે છે. પોતે પોતાના વિશે કહે છે કે એ કલ્પિત ભાવનાના આવેશને એકદમ વશ થઈ જાય એવી નથી. થોડા ઘણા સ્વતંત્ર વિચાર પણ કરી શકે છે. એ સમયમાં વિશાખા લગ્નસંબંધ વિના પણ મૈત્રીકરારથી પુરુષ સાથે રહેવાના મતની હતી. વિશાખા વિજય સાથે લગ્ન કર્યા વિના સાથે રહેવા ઇચ્છે છે. દુનિયા સાથે લડવા માટે વિજયની સહાય માગે છે. પુરુષોનું જૂઠાપણું વિશાખાથી સહેવાતું નથી. વિશાખા વિજયને ઘેર રહેવા માગતી હતી. પણ વિજય બાળાબહેન આગળ ખોટું બોલે છે કે વિશાખા બિમાર છે તેથી હવાફેર કરવા માટે થોડા દિવસ એમના ઘેર રહેવા ઇચ્છે છે. વિશાખા જ્યારે વિજયનું જૂઠાણું જાણે છે ત્યારે બાળાબહેનનું માન રાખવા માટે ચા પી લે છે, પણ વિજયને માફ કરી શકતી નથી. વિશાખાએ વિજયની ભીરુતા ખુલ્લી પાડી. વિશાખા લાયકાત વગરના પુરુષની ભીરુતાને સાંખી શકતી નથી. ‘છેલ્લી વાર’ વાર્તામાં સ્ત્રીહૃદયની ભાવશબલદશાનું નિરૂપણ છે. વાર્તાકાર વાચકને સંબોધીને વાર્તા વિશે પોતાનો અભિપ્રાય પ્રગટ કરે છે : ‘યુવાનો કહે છે કે ત્રીસથી વધારે વર્ષના માણસો તે માણસો જ નહિ – એ બધાં તો આશાના અખાડામાં રમી - કૂદી હારી થાકેલાં.’ આ કથા એ માન્યતાને ખોટી પાડે છે. વાર્તાનું મુખ્ય પાત્ર જયવતી છે. જયવતીનું સ્ત્રીસમૂહ પર આધિપત્ય હતું. જયવતી વિદ્વાન હતી. એ સંસ્કૃત અંગ્રેજીમાં પારંગત હતી. ઇતિહાસ અને વિજ્ઞાનની અભ્યાસી હતી. એના પતિનું નામ વિદ્યુત. એ પ્રોફેસર, પરંતુ વિદ્યુતને હવે પત્ની જયવતીમાં રસ નથી. ઘેર આવીને એ છાપાં જ વાંચ્યા કરે. જયવતીનો કૉલેજનો મિત્ર પ્રફુલ્લ આવવાનો છે. એ વાત જાણીને જયવતીના ચિત્તમાં ભૂતકાળના દિવસો તાજા થવા લાગે છે. તેને પ્રફુલ્લ ખૂબ યાદ આવે છે. પ્રફુલ્લ આવે છે. જયવતી ચા બનાવે છે. ભૂતકાળનાં સ્મરણો તાજાં થવાં લાગ્યાં. વય અને દિશા-કાળનાં વંડાઓ તોડી ભૂતકાળ તરફ જવા માટે જયવતીનું મન વિવશ બને છે. એક બાજુ પત્ની હોવાની સભાનતા અને બીજી તરફ પ્રેમી પ્રફુલ્લ તરફનું આકર્ષણ. આખરે બુદ્ધિનો પરાજય થયો અને હૃદયની જીત થઈ. જયવતી પ્રફુલ્લને એકાંતમાં મળવા માટે સંમતિ આપે છે. પરંતુ વાર્તામાં આ ક્ષણે એક વળાંક આવે છે. હેડમાસ્તરના મરણને કારણે નિશાળમાં રજા પડી. તેથી જયવતીનો દીકરો ઘેર આવ્યો. એણે જયવતી સાથે જવાની જીદ કરી. તેથી જયવતી પ્રફુલ્લને મળવા જઈ શકી નહીં. દીકરા અનિલે જયવતીને રોકી, રોકી નહિ જાણે કે ઉગારી. વાર્તાકારનો સૂર નીતિસાપેક્ષ છે. અંતે સતી હારી, માતા જીતી. વાર્તાકાર આ નિમિત્તે પોતાનો નૈતિક પક્ષ તારસ્વરે રજૂ કરે છે : ‘ઘૂઘવતા તોફાની મહાસમુદ્રની અધવચમાં અંધારી રાતે એકાદ વહાણ ડૂબતું હોય ને સાવ છેવટની ઘડીએ, જ્યારે બધી આશાઓ વણસી ગઈ હોય ત્યારે કોઈ નાનકડી હોડી બચાવ માટે આવી ચડે એ કલ્પનાની વાતો નથી. દુનિયામાં થોડાં જ પુણ્યશાળીઓ રહ્યાં છે, એમાંથી એક પણ વિરોધપક્ષે જાય તો ઈશ્વરી પક્ષ એટલો નિર્બળ થાય છે, એટલું તો ઈશ્વર પણ જાણે કે જુએ ને? ઈશ્વરનો શું એમાં સ્વાર્થ નથી?’ જયવતીના ચરિત્રનું રક્ષણ થયું એમાં ઈશ્વરીપક્ષનું બળ જવાબદાર છે એવું સૂચવીને લેખક નીતિમત્તાનો પક્ષ લે છે. સ્ત્રીજીવનમાં નીતિનું મૂલ્ય અગત્યનું છે.

જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com