ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાજેશ વણકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘માળો’ : રાજેશ વણકર

આરતી સોલંકી

Rajesh Vankar.jpg

પૂરું નામ : રાજેશ પરમાભાઈ વણકર
જન્મતારીખ : ૪ સપ્ટેમ્બર ૧૯૮૧
જન્મસ્થળ : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું બાહીગામ (મોસાળ)
વતન : પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું રામપુરા ગામ
અભ્યાસ : અનુસ્નાતક અને પીએચ.ડી.
વ્યવસાય : કવિ, લેખક, સંપાદક અને અધ્યાપક

સાહિત્યસર્જન :

તેમની પાસેથી ‘તરભેટો’ નામનો કાવ્યસંગ્રહ, ‘માળો’ નામનો વાર્તાસંગ્રહ, ‘હિર’ નામની નવલકથા અને ‘પીડાપ્રત્યયન’ નામે વિવેચનસંગ્રહ. આ ઉપરાંત સંપાદનનાં પુસ્તકો પણ મળી આવે છે.

વાર્તાકારનો યુગસંદર્ભ :

‘માળો’ વાર્તાસંગ્રહથી ટૂંકીવાર્તાક્ષેત્રે પ્રવેશ કરનાર રાજેશ વણકર આશાસ્પદ અનુઆધુનિક યુગના વાર્તાકાર છે.

ટૂંકીવાર્તા વિશે રાજેશ વણકરની સમજ :

ટૂંકીવાર્તાના સ્વરૂપને આ સર્જક બહુ સારી રીતે જાણે છે. એટલે જ એમની વાર્તાઓમાં વાર્તાતત્ત્વના ભોગે કશું જ આવતું નથી, આ જ સર્જકની સ્વરૂપ પ્રત્યેની નિસબત છે.

રાજેશ વણકરની વાર્તાકળા :

MaLo by Rajesh Vankar - Book Cover.jpg

રાજેશ વણકર પાસેથી ‘માળો’ નામનો વાર્તાસંગ્રહ મળે છે. આ વાર્તાસંગ્રહમાં કુલ તેર વાર્તાઓ છે. જ્યારે સાહિત્યકારો કોઈ એક જ વિચારધારાને લઈને એક જ પરંપરાની વાર્તાઓ આપે છે ત્યારે આ સર્જક તેરેય વાર્તાઓમાં અલગ અલગ વિષય અને અલગ અલગ પ્રકારની અભિવ્યક્તિ સાથે વાર્તાજગતમાં પ્રવેશ કરે છે. આ વાર્તાસંગ્રહમાં સમાવેશ પામેલી તેર વાર્તાઓ વાચકને તેર નવા નવા વિશ્વમાં લઈ જાય છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા છે ‘આંબલીઓ’. આ વાર્તામાં કંચુ, મધુ અને ધમલો એ વિસ્તારના વિશેષ ફળ એવી આંબલીઓ ખાવા માટે ડુંગરો વચ્ચે જંગલમાં જાય છે. અહીં પંચમહાલના છેવાડાના વિસ્તારના આદિવાસી સમાજનો પરિવેશ નિરૂપણ પામ્યો છે. આંબલીઓ વાર્તાના અંતે કંચુ અને મધુના સૂચન મુજબ આ વિસ્તારની આંબલીઓ ધમલો શહેરમાં વેચવા જાય છે. પરંતુ આર્થિક ફાયદાની જગ્યાએ તેને શહેરના લોકોનો કડવો અનુભવ થાય છે. શિક્ષિત શહેરીજનોથી હડધૂત થતાં ધમલો એ બધી જ આંબલીઓ ભીખ માંગતા છોકરાઓને મફતમાં વહેંચી આપે છે અને ગામ પાછો આવે છે. અહીં પ્રકૃતિ વચ્ચે જીવતા માણસોના પ્રકૃતિ સાથે જોડાયેલા યુગોના ઋણાનુબંધને બોલી સમેતના પરિવેશ દ્વારા સર્જકે વ્યક્ત કરી આપ્યા છે. આ પરિવેશમાં જ જીવતાં પાત્રોના સંબંધમાં મુકાયેલી બોલીની સહજતા પાત્રોને જીવંત કરી આપે છે. પાત્રોના સંવેદન સાથે વણાયેલો પરિવેશ એ વાર્તાનો મુખ્ય સૂર છે. ‘ધડાકા’ વાર્તા અન્ય વાર્તા કરતાં વિશેષ રૂપે જુદી પડે છે. વાર્તામાં કાશી, સુમી અને પશલા વચ્ચે પ્રણયત્રિકોણ રચાયો છે. કાશી પોતાના બીમાર પતિથી સંતુષ્ટ નથી એટલે તે પશલા તરફ આકર્ષાય છે. પશલાને વશ કરવાની તે કોશિશ કરે છે પરંતુ પશલો તેનાથી બચીને જ રહે છે. આમ જોઈએ તો આ વાર્તા પ્રણય ત્રિકોણ અને જાતિય આવેગની વાર્તા છે. પણ તેનો મૂળ વિષય ક્વોરીથી થતી દુર્દશાનો છે. વાર્તાની શરૂઆત ગ્રામીણ પરિવેશથી થાય છે અને વાર્તાનો અંત પણ ગ્રામીણ પરિવેશમાં જ આવે છે. શરીરથી ભૂખી થયેલી સ્ત્રી ક્યારેય કોઈ સંબંધ જોતી નથી અને આ સમાજનું કાશી વરવું પ્રતિબિંબ છે. બીજું, આ વાર્તામાં મહીસાગર નદીના કાંઠે ઉદ્યોગીકરણના કારણે ખેડૂતોની જમીનનો પથ્થરોના ઊડતા રજકણોથી થતો નાશ દર્શાવાયો છે. પશલો અને સુમીનો પ્રણય વાર્તામાં રસપ્રદ રીતે વણાયો છે. પરંતુ ક્વોરીના રજકણોથી ટુકડોક જમીન હતી એ પણ જવાથી દિલોજાન પ્રેમીઓ પરણી શકતાં નથી એ વાર્તાની કરુણતા છે અંતે કાશીરૂપી નિયતિનો વિજય થાય છે. ‘પાંગથ’ વાર્તામાં દલિતચેતનાની વાત કેન્દ્રસ્થાને છે. પાંગથ વાર્તાના કેન્દ્રમાં રઘાજીનું પાત્ર છવાયેલું છે. રઘાજીના અધકચરા જ્ઞાનથી સમગ્ર ગ્રામજનો પ્રભાવિત છે. કોદર આ ગામનો પરંપરાગત સફાઈ કરનાર છે. એ દલિત છે. રઘાજી દ્વારા તેનું અને તેના પરિવારનું શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક શોષણ થાય છે. કોદરની દીકરી પ્રત્યે પણ તે કુદૃષ્ટિ કરે છે. મારથી ત્રાસીને કોદર ગામ છોડે છે. વાર્તાના અંતે એ જ કોદર સરકારી હૉસ્પિટલમાં અકસ્માતથી નિરાધાર અવસ્થામાં પડેલા રઘાજીને રોટલો આપતો એકમાત્ર આધાર બની જાય છે. આ વિષયવસ્તુ સર્જકે પાત્રનિરૂપણ દ્વારા નિરૂપિત કર્યું છે. આ વાર્તાનું શીર્ષક પાંગથ દલિત સમાજનું પ્રબળ પ્રતીક બને છે. વાર્તાના અંતે રોટલો પાંગથ પર પડે છે. ત્યારે પાંગથ તરફ કોદર અને રઘાજી બંનેના હાથ લંબાય છે. અહીં વાચકના મનમાં લેખકે પ્રશ્ન છોડી દીધો છે કે કોના હાથ પ્રથમ રોટલાને અડકશે? પાંગથ ખાટલાનો એવો ભાગ છે જ્યાં નાનો કે જેનું માન નથી એવો માણસ જ બેસે છે એવી એક માન્યતા છે. આ પાંગથ પર પડેલા રોટલાને જો કોદર લઈ લે તો રઘાજીના મનમાં અસ્પૃશ્ય બની જાય અને રઘાજી લઈ લે તો ત્યાં દલિતોનો વિજય ગણાય. આ પરિસ્થિતિમાં એક સૂચક પ્રશ્ન સર્જકે વાચકના મનમાં મૂકી આપ્યો છે. ‘જીવડું’ વાર્તામાં કશમકશ અને વિસ્મય વાક્યે વાક્યે ભરેલો છે, પણ એ જે બન્યું તે કોઈને કહેવાતું નથી. અને કહ્યા વગર રહેવાતું પણ નથી. લેખકે વાર્તાની એ ગર્ભિત ક્ષણને સાચવીને વાર્તાકથનની રીતે સ્વપ્નદોષની પ્રક્રિયાનું નિરૂપણ કર્યું છે. આખી વાર્તામાં સર્જક ક્યાંય મુખર થયા નથી એટલે જ્યારે વાર્તાનો પ્રતિયમાન અર્થ પ્રગટ થાય ત્યારે વાર્તા વધુ રસાળ લાગે છે. શારીરિક-માનસિક પરિવર્તનની પ્રક્રિયા દ્વારા આખી વાર્તા આગળ વધે છે. જીવડું અને એનો સળવળાટ એ માણસજાતનો વિજાતીય આકર્ષણનો કાયમી સળવળાટ છે. પૂજ્ય મોરારિબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં વિવેચક જયેન્દ્ર શેખડીવાળાએ વિશ્વની વાર્તાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીમાં તો ઠીક પરંતુ વિદેશમાં પણ આ વિષય ઉપર વાર્તા લખાઈ નથી. તેથી આ વૈશ્વિક વાર્તા છે. આ વાર્તામાં મનુષ્યના સ્વભાવમાં રહેલી ઇચ્છાઓની સળવળતાભરી ગતિને જીવડાના પ્રતીક દ્વારા બતાવી છે. જે વાર્તાના નામ પરથી આ સંગ્રહને શીર્ષક અપાયું છે તે વાર્તા એટલે ‘માળો’. આ વાર્તા રાજેશ વણકરની ખૂબ જ વંચાયેલી, વખણાયેલી અને કળાકીય શિખરોને સર કરતી વાર્તા છે. જેનો અનુવાદ કર્ણાટકના અભ્યાસક્રમમાં પણ છે. આ વાર્તા તેમાં નિરૂપાયેલા વિષયના અને તેમની આલેખનની આગવી ટેક્‌નિકને કારણે ઉત્તમ વાર્તા બનવા તરફ આગળ વધે છે. રાજેશ વણકર મૂળે તો કવિ પ્રકૃતિના સર્જક છે. અને તેથી જ તેમની એ કવિતાની ઊર્મિલતા, લાઘવભરી પ્રવાહી ભાષારીતિ અહીં વાર્તામાં પણ સતત આપણને અનુભવાતી રહે છે. માળો વાર્તા અનેકવિધ અર્થસંકેતો સાથે વાર્તાનાયક રણધિકની મનઃસ્થિતિ દ્વારા માનવમાત્રામાં રહેલા ગમા- અણગમા અને તેમાંથી જન્મતી કરુણભાવ પ્રધાન પરિસ્થિતિને ઉજાગર કરતી વાર્તા છે. વાર્તાની શરૂઆત એક નાનકડી એવી સામાન્ય ઘટનાથી થાય છે. અને એ ઘટના પછી બે ભાઈઓના સંવાદો દ્વારા ગતિ કરે છે. આખી વાર્તા મુખ્ય બે ઘટનાઓમાં વહેંચાય છે. તદ્દન જુદી એવી બે ઘટનાઓમાં સર્જક વાતનો તંતુ બરોબર જાળવી શક્યા છે તેમાં તેમની સર્જકતા દેખાઈ આવે છે. ફોટા પાછળ માળો બાંધવા મથતી ચકલીઓની નાનકડી ઘટના દ્વારા બે સામા છેડાની વિચારસરણીવાળા પિતા-પુત્રના સંવાદો દ્વારા વાર્તા વિસ્તરે છે. સર્જકને જે કહેવું છે તે વિષયને અનુરૂપ પાત્રોના સંવાદો દ્વારા અહીં બરાબર કહેવાય છે. સંવાદોથી સર્જક માનવમનનાં અંતરતમ સંચલનો અને એમાંથી જન્મતી વરવી પરિસ્થિતિને આલેખે છે. માળાની મથામણથી આરંભાયેલી ઘટના ચકલીના માળા તણખલાની જેમ ગૂંથતા સર્જક વાર્તાની મધ્યમાં જતા ગોધરા ટ્રેન હત્યાકાંડ અને તેમાંથી જન્મતી તોફાનોની ઘટના સુધી વિસ્તરે છે. ગોધરાકાંડ દરમિયાન મરી પરવારેલી માનવતાની વાત અને તેની કરુણતા માળો વાર્તામાં પ્રતિબિંબિત થઈ છે. હિન્દુ-મુસ્લિમ બે મિત્ર પરિવારો કોમી આગમાં રાખ થઈ જાય છે સાથે પેલો ચકલીનો માળો પણ... વાર્તાનો અંત ત્યાં કરુણ બની જાય છે. વાર્તાને અંતે નાના ભાઈનો પ્રશ્ન વાર્તામાં ઘેરી કરુણતા જન્માવે છે. ‘એ હજુ ત્યાં જ...’ વાર્તાનું કથાવસ્તુ કોઈ એક જ ઘટનાને નહિ પણ સાંપ્રત વાતાવરણ, સમકાલીન જીવનને કેન્દ્રમાં રાખે છે. આ કોઈ એક પાત્રની કથા નથી. સમગ્ર માનવજાતની કથા છે. માનવસમાજમાં બનતી અમાનવીય ઘટનાઓ, કૃત્યો અહીં કેન્દ્રસ્થાને છે. સાથે એનો ભોગ બનનાર લોકોની વ્યથા પણ વગર બોલકા બને વ્યક્ત થાય છે. બહુ ઓછા શબ્દોમાં માનવસભ્યતાને કેટલીક સાંપ્રત ઘટનાઓ તરફ અંગૂલિનિર્દેશ કરી એક રીતે લેખક સમગ્ર સમાજને પ્રશ્નના ભરડામાં લે છે. ઘટનાના સંદર્ભે નિર્દેશની પાછળ જો ભાવક સાંભળી શકે તો આક્રોશનો એક તીવ્ર સૂર જરૂર સંભળાશે. માનવસમાજ અને માનવ વ્યવહારની વિષમતાઓ અને આડંબર તરફ સહજ ધ્યાન દોરનારી આ વાર્તા છે. ઘટના કરતાં માનવમનની આડોડાઈ અહીં કેન્દ્રમાં છે એમ કહી શકાય. સામાજિક વાસ્તવની બહુ ઉઘાડી છબી અહીં પ્રગટ થાય છે. માનવસર્જિત વિડંબનાઓની ગંભીરતા સમજાયા વિના રહેતી નથી. અહીં લેખકે ઘટનાના તાણાવાણા કાર્યકારણની રીતે ગૂંથ્યા નથી પણ ટોચ પર આવેલી માનવ સભ્યતાની ખીણોની ઊંડાઈ એકધારી તીવ્રતાથી ચીંધી છે. આ સભ્યતા જ્યારે ટોળું બને છે ત્યારે વાસ્તવિકતા જુદી હોય છે. પ્રસ્તુત વાર્તામાં આરંભથી અંત સુધી લેખક બોલતા હોય એવું લાગે છે. ધીરે ધીરે પોતાના હાથમાં રહેલું એક એક પત્તું ખોલતાં લેખકની હાજરી સતત ધ્યાન ખેંચે છે એ વાર્તાની એક મર્યાદા ગણી શકાય. જોકે લેખક પોતે જ અહીં વાર્તાનો એક હિસ્સો બની ગયા છે. ‘અંત’ વાર્તામાં સર્જક વાચક સાથે જાણે કે સંવાદ કરે છે અને કથક પોતાના નિષ્ફળ પ્રેમની વાત વાચક સાથે સંવાદ રચતા રચતા રજૂ કરી દે છે. વાર્તાનો ક્રમ ઉલટાવી સર્જકે અહીં પ્રયોગ કર્યો છે. અંતથી જ વાર્તા આરંભાય છે. વાર્તા વાંચ્યા પછી ટૂંકીવાર્તા વિશેની આપણી પૂર્વધારણાઓ તૂટી જાય છે. બહુ ઓછી ઘટનાઓ વાર્તામાં બને છે પરંતુ સંવેદન ઘટ્ટ છે. પાત્રની પણ કોઈ ચોક્કસ રેખાઓ ઊપસતી નથી. ‘ચાલ... ચાલ અને ચાલ’ વાર્તાનો વિષય છે વેશ્યાગમનનો. કથાવસ્તુમાં વેશ્યા પાસે જતો શેખર નામનો યુવક, વેશ્યાવૃત્તિમાં રમમાણ સપનાની મનોવૃત્તિ, લોહીના વેપારમાં પણ ભાગ પડાવતા કહેવાતા સજ્જનોનો વ્યવહાર આબેહૂબ વર્ણવાયા છે. અહીં બે ઘનિષ્ઠ મિત્રોની અંગત વાતોથી અંગ-ગત દ્વિઅર્થી વાતોનો વિસ્તાર ભાવકમન પામી શકે છે અને સાથેસાથે સમાંતરે એક ભયાનક વાસ્તવિકતાનો ચિતાર પણ. વાર્તાનો પરિવેશ બોલ્ડ છે પરંતુ એનું વિશ્વ ઓલ્ડ છે. પોલીસ, જનતા, હોટલના માલિક વગેરે પુરુષ દ્વારા શોષણ પામતી સ્ત્રી. એ પ્રકારની કરુણ પરિસ્થિતિનું યથાર્થ ચિત્રણ આ વાર્તામાં રજૂ થયું છે. વાર્તાકારે બખૂબીથી ગણિકાની દયનીય શારીરિક અને માનસિક સ્થિતિને વર્ણવી છે. અહીં સ્વેચ્છાએ વેશ્યાવૃત્તિનો સ્વીકાર છે, પરંતુ આવી દર્દનાક જિંદગી જીવતી યુવતીની પીડા ભાવકમનમાં પરોક્ષ રીતે છતી થાય છે અને અંતે એ સ્થિતિ શેખરની મનોઃસ્થિતિ બની રહે છે. ‘રોઝડો’ વાર્તા જુદી નિરૂપણશૈલીની વાર્તા છે. આ વાર્તામાં નાયક-નાયિકા વચ્ચેની તિરાડ કેવી રીતે વધતી જાય છે એનું નિરૂપણ છે. નાયિકાના બીજાં પાત્રો સાથેના વ્યવહારના કારણે એકલતા અનુભવતો નાયક ધીરે ધીરે પોતાના નિજત્વમાં ઊંડો ઊતરી જાય છે. આ વાર્તામાં નાયક સિવાય બીજાં કોઈ માનવપાત્રો નથી. એમ છતાં આ વાર્તા બે વ્યક્તિઓ વચ્ચેના વિચ્છેદની કથા છે. વાર્તામાં આવતાં વર્ણનો એક પ્રવાસ અને સાંજ છે. આપણા પર્યાવરણનાં આ પાત્રો છે. એ નજરે મનુષ્યની પર્યાવરણથી વિખૂટા પડ્યાની વેદના પણ કહી શકાય. અન્ય પાત્રો સાથે તે કશો મનમેળ કે વર્તનમેળ કરી શકતો નથી. હું નું પાત્ર જરા જુદું છે. એની સાથે મુખ્ય પાત્ર રોઝ વિલક્ષણ વર્તનો કરે છે. નજીક હોવા છતાં કશાકથી દૂર જવાની વેદના અહીં કેન્દ્રસ્થ છે. ‘મારી શોધ આગળ એક ત’ આ વાર્તામાં પાંચ ઇન્દ્રિયો વડે કશાકની શોધ કરતો નાયક છે. ઇન્દ્રિયોનો અનુભવ વાર્તાઓમાં દર્શાવેલ સ્થળોમાંથી વાર્તાકારે નીપજાવ્યો છે. માણસમાત્રની આ જગતમાં કોઈક ને કોઈક શોધ રહેતી જ હોય છે તે આ વાર્તામાં સિદ્ધ થયું છે. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી આ વાર્તામાં કલ્પનો નાયકનાં માનસિક સંચલનોને અભિવ્યક્ત કરે છે. કલ્પનની મદદથી પાત્રની માનસિક સ્થિતિ સમજી પાત્રના આંતરિક જગતમાં પહોંચી શકીએ છીએ. અહીં અભિવ્યક્ત કલ્પન વડે વાર્તાના ગદ્યને લાલિત્ય, જીવંતતા અને નક્કરતા પ્રાપ્ત થઈ છે એમ કહી શકાય. અહીં પરિવેશની સાથેસાથે ભાષાનાં પણ વિવિધ સ્તર નજરે ચડે છે. ‘વૃત્તાંત’ વાર્તામાં સતત અર્થવિહીન પ્રલાપ દ્વારા મનોસંઘર્ષ ઠાલવતા માણસોની માનસિકતા છે. આ એક અનોખી વાર્તા છે. સર્જક સીધી વાતને વળ ચઢાવે છે. અહીં લેખક પાત્રના નામની પળોજણમાં નથી પડતા ત્યારે આપણને કાફકાની યાદ આવે છે. તેઓ પણ તેમની નવલકથાઓમાં પાત્રના નામના બદલે માત્ર પાત્ર કે એવું જ લખે છે. વૃત્તાંત વાર્તાની મજા એ છે કે અહીં બે લેખકનું ભાવવિશ્વ છે. બન્ને લેખક વિષય પકડવામાં પોતે વિષયક બની જાય છે. વૃત્તાંતનો લેખક વાર્તાના લેખક જોડે ધાર્યું કરાવવા જાય છે પણ કરાવી શકતો નથી. લેખક પોતે સજાગ છે એટલે વાર્તાને નબળી બનતાં અટકાવી શક્યા છે. ‘ભજવાઈ ગયેલી ક્ષણોનો વેશ’ આધુનિક શૈલીની વાર્તા છે. જેમાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓનાં દૃશ્યો ચિત્ત ડહોળી નાખે છે તેનું નિરૂપણ છે. આ વાર્તા માનસિક અસ્વસ્થતા વખતે માણસ બબડાટ કરતો હોય તે પ્રકારની વાર્તા છે. વાર્તામાં આડાઅવળા સંવાદો છે. આડાં ઊભાં વાક્યો છે આ બધું જ માણસના જીવનમાંથી આવે છે. માણસનું જીવન અનેક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એ બધું જ એના અંતરમનમાં સચવાય છે. આ વાર્તાના અંતમાં સર્જક ગ્રામીણ વિસ્તારની પ્રકૃતિનું વર્ણન કરવાનું ચૂકતા નથી. ‘પોલાણની પગદંડીએ’ આ સંગ્રહની અંતિમ વાર્તા છે. આ વાર્તામાં હૉસ્પિટલમાં પડેલો એક નિરાધાર દર્દી છે. એ દર્દીની અનુભૂતિઓ મનોવૈજ્ઞાનિક રીતે અહીં વાર્તારૂપ પામી છે. અહીં દવાખાનામાં નિરાધાર એકલવાયા દર્દીનું ચૈતસિક વિશ્વ છે. જેમાં એની ઇચ્છાઓ-અરમાનોની રાખ છે તો સમાજનાં વિવિધ પાત્રોનો પણ આછેરો ઉલ્લેખ છે. આ વાર્તામાં એક હૉસ્પિટલમાં રહેલાં જુદા જુદા દર્દીઓની માનસિક સ્થિતિ કેવી હોય છે તેનો અંદાજ આપણને આવે છે. આ વાર્તામાં આવતા પાત્રો, પરિસ્થિતિઓ, સંવાદો એ તમામ એક ચોક્કસ આરંભથી અંત્યબિંદુ સુધી પહોંચે છે અને એ રીતે વિશિષ્ટ બંધારણની વાર્તા બને છે. આ વાર્તાઓમાંથી પસાર થતા એક અલગ સંવેદનવિશ્વનો અનુભવ થાય છે. સર્જક પોતે જ કહે છે કે મેં જે કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું તે અહીં આલેખન પામ્યું છે. કોઈને કેવું લાગશે? એવી પરવા કર્યા વિના લેખકે પોતાની વાત માંડી છે. ‘માળો’ વાર્તાસંગ્રહને ૨૦૦૯નો સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૨૦૧૫માં દિલ્હીનો યુવા પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. પ્રવીણ દરજી તેમની વાર્તાઓ વિશે કહે છે કે, “જે રસ્તેથી આગળ વધવા માંગે છે એ રસ્તાના જમાઉધાર પાસા તે જાણે છે. વાર્તાશાસ્ત્રથી પણ તે વંચિત નથી. તેમની પાસે અંદરનું એક સાબૂત જગત છે. કદાચ એ જ તેઓની પાસે આજે તેમજ આવતીકાલે નવા નવા આયામો કરાવતું રહેશે.”

ડૉ. આરતી સોલંકી
ગુજરાતીના પ્રાધ્યાપક
સિહોર કૉલેજ
મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮