ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સંજય ચૌહાણ
‘એના શહેરની એકલતા’
વાર્તાકારનો વાર્તાપ્રવેશ
ભરત સોલંકી
અનુઆધુનિક વાર્તાકાર શ્રી સંજય ચૌહાણનો જન્મ તા.૧૫-–૧૯૭૭ના રોજ વડનગરમાં થયો હતો. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ પણ વડનગરથી જ મેળવેલ છે. તેમણે અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.નો અભ્યાસ કરી બી.એડ્.ની ડિગ્રી મેળવેલ છે. હાલ તેઓ કે. એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલ, કહોડા, તા. ઊંઝામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સંજય ચૌહાણનાં પ્રકાશિત પુસ્તકોમાં ‘કોઈ આવ્યું છે’ ગઝલસંગ્રહ છે તો ‘એના શહેરની એકલતા’, ‘થુંબડી’ અને ‘કમઠાણ’ શીર્ષકયુક્ત કુલ ત્રણ વાર્તાસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. શ્રી સંજય ચૌહાણે ગઝલ કરતાં પણ ટૂંકીવાર્તા ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી છે. તેમની અનેક વાર્તાઓ ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામેલ છે તો વળી તેમની વાર્તાઓ અન્ય ભિન્ન ભિન્ન સંપાદનોમાં પણ સ્થાન પામેલી છે. વાર્તાકાર તરીકે સંજય ચૌહાણને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો ‘ધૂમકેતુ’ નવલિકા પારિતોષિક વર્ષ ૨૦૧૨-૧૩ અને ૧૩-૧૪ માટે મળેલ છે. સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી ‘કમઠાણ’ વાર્તાસંગ્રહને વર્ષ ૨૦૧૯નું દ્વિતીય પારિતોષિક, ‘તાદર્થ્ય’ દ્વારા શ્રીમતી મનોરમા આઈ. વ્યાસ પારિતોષિક, ૨૦૦૧ અને ૨૦૦૨ના વર્ષની શ્રેષ્ઠ વાર્તા ‘ભવભવનો ઝુરાપો’ને મળેલ છે. બી. કેશરશિવમ્ વાર્તાસ્પર્ધા બીજું ઇનામ, સાબર સાહિત્ય સભા વાર્તાસ્પર્ધા બીજું ઇનામ, લાંધણજ કેળવણી મંડળ દ્વારા સાહિત્યકાર સન્માન ‘દલિતચેતના’ પ્રથમ વર્ષે જ ૨૦૦૬-૨૦૦૭ની શ્રેષ્ઠવાર્તા ‘પંતરો’ દલિતચેતના ત્રીજા વર્ષે ‘કમઠાણ’ વાર્તા માટે તેમજ ‘દલિચેતના’ વર્ષ ૨૦૧૨-૨૦૧૪ની શ્રેષ્ઠ વાર્તા ‘લાશ’ માટે સ્વ. કલાબેન ત્રિવેદી વાર્તા પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. અનેક શ્રેષ્ઠ વાર્તાનાં ચયનો અને વિશેષાંકમાં તેમની વાર્તાઓ લેવામાં આવી છે. ઉત્તર ગુજરાતના નોંધપાત્ર વાર્તાકારોમાં સંજય ચૌહાણનું નામ નોંધપાત્ર છે તે જ રીતે અનુ-આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં પણ તેમનું નામ નોંધપાત્ર છે. સંજય ચૌહાણ પાસેથી અત્યાર સુધીમાં ત્રણ વાર્તાસંગ્રહો પ્રાપ્ત થયા છે જેમાં પ્રથમ વાર્તાસંગ્રહ ‘એના શહેરની એકલતા’ છે જેની પ્રથમ આવૃત્તિ ૨૦૦૯માં પ્રકાશિત થાય છે. અનુ-આધુનિક વાર્તાકાર શ્રી મોહન પરમારની પ્રસ્તાવના સાથે અહીં બાર જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. આ સંગ્રહ અર્પણ એમણે એવા જ નોંધપાત્ર વાર્તાકાર દશરથ પરમારને કર્યો છે. તો હર્ષ પ્રકાશન અમદાવાદથી આ સંગ્રહનું પ્રકાશન થયું છે.
આ સંગ્રહની પ્રથમ વાર્તા ‘વાડો’ બોલીના સ્તરે રચાયેલી વાર્તા છે. વાર્તાનો નાયક મણો છે જે બીમાર છે. શરીરે સાવ સૂકાઈ ગયો છે, ને વાડામાં કૂકડા-કૂકડી સાચવીને બેઠો છે સામે પક્ષે તેની પત્ની શકરી યૌવનમસ્ત છે. રૂપ-રૂપનો અંબાર અને કામણગારી છે. તેની વારંવાર ઊભી થતી વયસહજ કામવાસના મણો સંતોષી શકતો નથી. ધીરે ધીરે શકરી મણાના મિત્ર લવજી તરફ આકર્ષાય છે. લવજી વિધૂર છે. મણો અને લવજી ખાસ મિત્રો હોવાથી લવજી વાડામાં રહેવા આવે છે. શકરીને લવજીને મળવાની ઉત્કંઠા જાગે છે ને રાત્રે બધા ઊંઘી ગયા પછી તે લવજીને મળવા જાય છે. મણો રાત્રે જાગે છે ને જુવે છે તો શકરીનો ખાટલો ખાલી હોય છે. એ ઊભો થઈ લવજીના ઘેર જાય છે તો લવજીના ઘરમાંથી શકરીના અવાજો સંભળાય છે. મણો ક્રોધે ભરાય છે. ગુસ્સો સાતમા આસમાને પહોંચે છે ને ઘરનું બારણું તોડવા તત્પર બને છે. ત્યાં જ શકરીના હસવાનો અવાજ સંભળાય છે ને મણો કમાડ તોડવા ઉપાડેલા પગને પાછો ખેંચી લે છે. વાર્તાના અંતમાં કૂકડો અને કૂકડી એકબીજાના વાડામાં કૂદી પડવાની હોડ, કૂકડાનું ઠંડુ પડવું અને કૂકડીનું ડોક હલાવી આમતેમ જોવાની વૃત્તિ અને એમાં મણાને શકરીની આંખનું દેખાવું જેવી બાબતો વાર્તાને નવો જ વળાંક આપે છે. સંગ્રહની બીજી વાર્તા ‘માળો’ છે. ‘માળો’ સંયુક્ત ઘરનું પ્રતીક છે. ઘર-કંકાસને વર્ણવતી આ વાર્તામાં નાયિકા કમુ કેન્દ્રસ્થાને છે. તેને સંયુક્ત પરિવારની આ વાત સ્વીકાર્ય નથી. પરિણામે બંને વચ્ચે ઝઘડો થાય છે ને સમાધાન ન થતાં કમુ પિયરની વાટ પકડે છે પરંતુ પિયર આવ્યા પછી તે સાસરે મૂકીને આવેલા પુત્ર વગર રહી શકતી નથી. વટમાં પટમાં તે પિયર તો આવે જ છે પણ પુત્રવિયોગ તેને પરેશાન કરે છે. બીજી તરફ અહીં ચકલીનો માળો ને બિલાડીની કૂદાકૂદ મૂકી છે, કમુના મનમાં ભૂતકાળનાં દૃશ્યો, ઘટનાઓ સળવળે છે. દલીનું સ્મરણ થાય છે જે છૂટાછેડા લઈને આવેલી ને પછી કૂવો પૂરેલો, છેવટે કમુ બધો ઝઘડો ભૂલીને પુત્ર-પ્રેમને વશ થઈ સાસરે પરત ફરે છે તેવો સુખદ અંત વાર્તાને કલાત્મક તેમજ હૃદયસ્પર્શી બનાવે છે. અહીં કમુનું ઘર ને ચકલા-ચકલીનો માળોનું સરસ સંનિધિકરણ પણ રચાય છે. ‘આખરી નિર્ણય’ વાર્તા પણ ‘માળો’ની જેમ નારીકેન્દ્રિત વાર્તા છે. અહીં પણ પ્રશ્ન વાર્તાનાયિકા આરતીના એના પતિ નયન સાથે અણબનાવનો છે. આરતીના પિતાનું નાનકડા ગામમાં દયા ફાઉન્ડેશનના નામે દવાખાનું હતું. તેઓ ગરીબ દરદીઓની સેવા કરતા હતા. આરતીને એમ હતું કે નયન ડૉક્ટર થઈ એ પપ્પાની લાગણી સમજી દવાખાનું સંભાળી દેશે પણ નયન આરતીની એ ઇચ્છા પર પાણી ફેરવી દે છે અને સ્પષ્ટ ના પાડી દે છે. આરતીને એના પિતા પુત્રની જેમ માનતા-ઉછેરતા હતા અને આથી જ મૃત્યુ વખતે તેમણે આરતી પાસે મોટા થઈ, ડૉક્ટર થઈ આ ફાઉન્ડેશન ચલાવી સેવા કરવાનું વચન લીધેલું. આરતી એ વચન પાળવા કે પપ્પાનું અધૂરું સપનું પૂર્ણ કરવા મક્કમ છે. નયન એને હતપ્રભ કરી મૂકે છે. આરતી નયન સાથે આ બાબતે ઝઘડો થતાં પિયર આવે છે પછી નયનનો પત્ર આવે છે, ‘જો તું મારા વિચાર સાથે સહમત થવા માગતી હોય તો આ પત્ર મળે કે બીજા દિવસે મારે ત્યાં આવી જા, તું નહિ આવે તો હું ડિવોર્સપેપર મોકલી દઈશ.’ આ પત્ર મળતાં આરતીની મમ્મી તેને નયન પાસે જવા સમજાવે છે. છેવટે આરતી બૅગ લઈ તૈયાર થાય છે. આરતીની બહેન પૂર્વી આ જોઈ ખુશ થઈ મમ્મીને ખુશખબર આપે છે કે, મમ્મી આરતી નયન પાસે જાય છે, પરંતુ લેખક જુદો જ વળાંક લાવે છે. ને આરતી કહે છે, ‘મમ્મી હું ગામડે જાઉં છું, નયનને ફોન કરી દે જે કે ડિવોર્સપેપર મોકલે.’ આમ, આ વાર્તાનો ડિવોર્સથી અંત આવે છે. ‘સ્મરણોની છાપ’ વાર્તા પણ કૌટુંબિક સંઘર્ષની વાર્તા છે. અહીં પણ પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ પ્રવર્તે છે. નાયિકા બીના કમ્પ્યૂટર ક્લાસમાં જોડાવા માગે છે પરંતુ પતિ તેજસ ના પાડે છે. આ બાબતે બંને વચ્ચે સંઘર્ષ જન્મે છે ને તેજસ કહે પણ છે કે ‘હું ડિવોર્સ લેવા માગુ છું. તું જતી રહે તારા બાપના ઘરે’ આ પ્રસંગો બને તે દરમિયાન બીના પ્રાઇવેટ જૉબ કરે છે. ગામડેથી અપડાઉન કરે છે. રોજરોજ બસમાં અપ-ડાઉન કરતી બીના બસ ઊભી રાખવા-રખાવતાં થાકે છે. એમાં વધુ એક પુરુષપાત્ર ઉમેરાય છે. એક છોકરો રોજ બસ ઊભી રખાવે છે. શરૂઆતમાં બીનાને તેના પર ગુસ્સો આવે છે પછી વાત્સલ્ય જાગે છે પણ જ્યાં વાત્સલ્યભાવ વિસ્તરે ત્યાં જ છોકરાના પિતાની બદલી ગાંધીનગર થતાં તે જતો રહે છે. છોકરાના જતા રહેવાથી નાયિકા વ્યાકુળ બને છે. ‘એના શહેરની એકલતા’ વાર્તાસંગ્રહના શીર્ષકયુક્ત વાર્તા દામ્પત્યજીવનમાં વિયોગની વાર્તા છે. વાર્તામાં યુસુફ અને વાર્તાનાયક બંને એકસરખી સ્થિતિમાંથી પસાર થાય છે. બંનેની પ્રેમિકાઓ એમનાથી દૂર ચાલી ગઈ છે. બંને પોતાની પ્રેમિકાઓની રાહ જોવામાં વર્ષો પસાર કરે છે. વાર્તાનાયક અને યુસુફ બંનેનો પ્રેમ એકપક્ષીય છે. અહીં ભારતના વાતાવરણ સાથેસાથે ન્યૂજર્સીનાં વર્ણનો અને સંદર્ભ આવતાં જાય છે. વાર્તાના અંતમાં બંનેની સમાન સ્થિતિને વર્ણવતાં યુસુફ કહે છે. આપણા બંનેને સ્ત્રીઓ મળી જે ક્યારેય આપણી ન થઈ.’ આ વાર્તા એકંદરે સપાટી પર રહેતી વિકસતી વાર્તા છે, કળાત્મકતાનો અભાવ અહીં સતત વર્તાય છે. ‘બટન’ શીર્ષકયુક્ત પ્રણય જીવનને વ્યકત કરતી વાર્તા બને છે. અહીં વાર્તાનાયક પોતાની પ્રેયસી અમી સામે પૂર્ણપણે પ્રગટ થતો નથી. અમીની જીવનશૈલી સ્પષ્ટ છે તે કથાનાયક પ્રત્યે આકર્ષણ અનુભવે છે પણ વાર્તાનાયકના ભાવો અસ્પષ્ટ રહે છે. અમી જેટલો પોતાને ચાહે તેટલો જ એ અમીને ચાહે છે પણ પોતાની પ્રણયોર્મિને પ્રગટ કરી શકતો નથી. મૂળ તો આ વાર્તામાં બટનનો સંદર્ભ છે. નાયકના શર્ટનું બટન તૂટી જાય તેવું છે. નાયકને બટન તૂટી જાય ને છાતી ખુલ્લી રહે તે પસંદ નથી. તે મંદિરે સાયકલ લઈ જાય છે, રસ્તામાં મનીષ મળે છે, બેય ભેટે છે. નાયક નાયિકા વિશે પૂછે છે ને મનીષ કહે છે ‘અમી તો ક્યારનીય અમેરિકા ચાલી ગઈ!’ એવા પ્રત્યુત્તર સાથે નાયકની સ્થિતિ થાય છે તે ‘એના શબ્દો હવામાં ભળી મારા શ્વાસમાં ઊતરી ગયા. ઠંડો પવન મને વીંટળાઈ વળ્યો. મેં જોયું તો મારી છાતી ખુલ્લી હતી. બટન તૂટીને ક્યાંક ખોવાઈ ગયું હતું.’ આમ કૉલેજના વાતાવરણને, પ્રણયને પ્રગટાવતી આ વાર્તા બને છે. ‘નીકી એમ.બી.બી.એસ. થઈ ગઈ. વાર્તામાં માતા-પુત્રીના સંબંધોના સંઘર્ષની વાર્તા મુખ્ય વિષય છે. શારદાએ પોતાની દીકરીને દુઃખ વેઠીને ભણાવી પણ નીકી પછી માતાને મદદરૂપ થતી નથી. નીકીના જન્મ પછી તરત પતિ દિનેશ બહાનું કાઢી અમેરિકા જાય છે. ત્યાં બીજાં લગ્ન પણ કરી લે છે. શારદા હિંમત હાર્યા વગર દુઃખ વેઠીને નીકીને ડૉક્ટર બનાવે છે. પતિની જેમ પોતે પણ બીજાં લગ્ન કરી ઘર વસાવ્યું હોત પણ નીકીને જોઈ તેણે એવું ન કર્યું. નીકીમાં સર્વસ્વ સુખ જોવાનો પ્રયત્ન કર્યો. શારદા એમાંને એમાં દેવાદાર બને છે. શારદા આ દેણાની વાત કરે ત્યાં નીકી પોતાના દેણાને ખર્ચાની ગણતરીઓ બતાવવા લાગે છે. આમ માતા પ્રત્યેની સતત અવગણનાને ઉપેક્ષા આજની ભણેલી-ગણેલીને છતાં ઉત્છલ દીકરીનું પ્રતીક બને છે. ‘ઢળતી સાંજ’ વાર્તા પણ પ્રણયપ્રધાન છે. આ વાર્તામાં પણ નાયક સિલ્વિયા રોયના પ્રેમમાં પડે છે. વાર્તાનાયકની પ્રેમની લાગણીઓ પ્રગટ કરવામાં ધીમો પડે છે. વાર્તાનાયક આ પૂર્વે સ્વાતિના પ્રેમમાં પડેલો પણ સ્વાતિ અધરસ્તે જ તેને છોડી અમેરિકા ચાલી જાય છે. ત્યાં લગ્ન પણ કરી લે છે. નાયકની જેમ નાયિકા સિલ્વિયા વીરેન સાથે લગ્ન કરે છે. વીરેનના આ પહેલાં લગ્ન થઈ ચૂક્યાં છે. જૂની પત્ની હવે સિલ્વિયા આગળ પોતાની આપવીતી સંભળાવે છે. સિલ્વિયા વીરેનથી છૂટાછેડા લે છે. હવે સિલ્વિયા અને નાયક લગ્ન કરવા મક્કમ છે. ત્યાં અચાનક નાયિકા નાયક જોડે બોલવાનું બંધ કરી દે છે. નાયકને આઘાત લાગે છે પછી સિલ્વિયા પોતાના ભૂતકાળની વાત કરી ભૂકંપ લાવે છે, એ પોતાની ઑફિસમાં બોસના બળાત્કારનો ભોગ બનેલી હોય છે. આ વાતની જાણ નાયક અનિકેતને થાય છે તોપણ તેને ઉદારતાપૂર્વક માફ કરી દે છે. આ વાર્તા પણ એકંદરે કળાત્મકતા સિદ્ધ કરી શકતી નથી. ‘હૂંફ’ વાર્તા વેશ્યાજીવને પ્રગટ કરતી વાર્તા છે. વાર્તાની નાયિકા વેશ્યા છે. વેશ્યાના શરીરને ભોગવવા આવતા દરેક પુરુષને દૃશ્ય તરીકે જોવાનો છે. વેશ્યાને એક બપોરે કહી દેવાય છે કે આજે રાતે મોટાસાહેબનો ઓર્ડર છે. નાયિકા-વેશ્યા રાહ જોઈને બેસે છે. છેવટે પેલો માણસ કારમાં આવે છે. ખૂબ જ સુંદર અને આકર્ષક છે. તે અંદર આવતાં જ સ્ત્રી સહેજ શરમાય છે. આંખો નીચી થઈ જાય છે. શરમનો અનુભવ થાય છે. આવનાર પુરુષ સિગારેટ પીવે છે. દારૂની બોટલ કાઢે છે. નાયિકા આ બધું શાંતિથી જોયા કરે છે. પરંતુ પેલા પુરુષ પર કોઈ અસર થતી નથી. નાયિકાને પોતાના રૂપ પર શંકા જાય છે પણ શરીરસૌષ્ઠવ તો હજી એનું એ જ હતું એને આ પુરુષમાં રસ પડે છે. એ હંમેશા પુરુષની વાસનાનો ભોગ બનતી. આજે ખાલી એમને એમ પાસે સૂઈ રહેવાનો પ્રસંગ પહેલીવારનો હતો. છેવટે નાયિકાથી અધિરાઈ ખૂટી જતાં તે નાયકને પૂછી જ વળે છે. ‘ખાલી સમય પસાર કરવા આવ્યો છે કે?’ ત્યારે નાયક પ્રત્યુત્તરમાં કહે છે; ‘હું સ્ત્રી સાથે માત્ર થોડી ક્ષણો, ભરપૂર રીતે જીવી લેવા આવા સ્થળે આવું છું.’ આમ કોઈપણ જાતનો દુવ્યવહાર કર્યા વિના પુરુષ સવારે નીકળી જાય છે. વેશ્યાને આ પુરુષ પ્રત્યે આદર ઉત્પન્ન થાય છે ને બહાર સુધી મૂકવા જઈ હાથ હલાવી વિદાય કરે છે. આ વાર્તામાં વેશ્યાજીવન, વેશ્યાના આંતરબાહ્ય જીવન તથા પુરુષોના ભિન્નભિન્ન પ્રકારના વ્યવહારને અહીં સર્જક કુશળતાપૂર્વક પ્રગટ કરી શક્યા છે. ‘બરફના શ્વાસ’ શીર્ષકયુક્ત વાર્તા પણ યૌવન આકર્ષણની વાર્તા છે. વાર્તાનાયક તેની સહકર્મચારી રીટા પ્રત્યે આકર્ષણ અનુભવે છે પરંતુ અન્ય વાર્તાની જેમ અહીં પણ નાયક પોતાના આકર્ષણને વ્યક્ત કરી શકતો નથી. બંને રિસેસમાં સાથે જમે, ચા-નાસ્તો પણ સાથે જ કરે, વાતો પણ થાય ને વાતવાતમાં રીટાને ખબર પડે છે કે નાયકે લગ્ન કર્યાં નથી. આથી તે આનંદની લાગણી અનુભવે છે. બંનેની મિત્રતા માંડ ગાઢ બને છે ને ત્યાં નાયિકા જાહેર કરે છે કે પોતાનાં લગ્ન છે. નાયકને આઘાત લાગે છે ને નોકરીમાં બદલી કરાવી ચાલ્યો જાય છે. વર્ષો પછી નાયક પોતાની જૂની ઑફિસની મુલાકાત લે છે. વાર્તા ભૂતકાળમાં જાય છે તેને ખબર પડછે કે રીટાએ છૂટાછેડા લઈ લીધા છે. નાયક ત્યાંથી જવા પગ ઉપાડે છે ત્યાં રીટા અને બીજા પુરુષનો અવાજ-સાદ કરી નાયકને બોલાવે છે. અંતમાં નાયક મૂંઝવણ અનુભવે છે કે પહેલાં કોની પાસે જવું-મળવું તેવી અસમંજસ સ્થિતિમાં વાર્તા પૂરી થાય છે. ‘નોનસ્ટોપ-૩૪૩૫’ વાર્તા પણ પ્રણય પરિવેશને પ્રગટ કરતી વાર્તા છે. આ વાર્તાનો નાયક અમરેલી નોકરી કરે છે. મહેસાણાના બસ-સ્ટેન્ડ પર ઊતરે છે એ ત્યાંથી ‘નોનસ્ટોપ-૩૪૩૫’ની રાહ જુએ છે. આ જ બસમાં ભૂતકાળમાં એનો ભેટો કે પરિચય શીતલ સાથે થયેલો તે વાત વાર્તાકાર નાયકની સ્મૃતિમાં મૂકે છે. વાર્તાનાયક શીતલને ચાહતો હતો. તેને તેની પત્ની સાથે મનમેળ નથી એ ડિવોર્સ લેવાનો છે. સામે શીતલ પણ પતિ તેજસથી રિસાઈને બેઠી છે. વાર્તાનાયક તેની પત્નીને ડિવોર્સ સાથે તેની રાહ જોઈને બેઠી છે. આ ગાળામાં જ નાયકની બદલી થાય છે ને શીતલ સાથેનો સંપર્ક તૂટી જાય છે. એ પત્નીને છૂટાછેડા આપી દે છે. તે મહેસાણા ઉતરે છે ત્યારથી તેને શીતલને મળવાની તાલાવેલી લાગેલી છે. ત્યાં જ તેનો મિત્ર રોહન ત્યાં મળી જાય છે. રોહનના જણાવ્યા પ્રમાણે શીતલ તારા ડિવોર્સની રાહ જોઈજોઈને નાછૂટકે પાછી તેજસ પાસે ચાલી ગઈ છે. આમ જેને પામવા પત્નીને ડિવોર્સ આપ્યા એ તો હવે હાથમાંથી ચાલી ગઈ. નાયક પોતે શીતલને મળવામાં કે જાણ કરવામાં મોડો પડ્યો તેવા વસવસા સાથે વાર્તા પૂરી થાય છે. આ ઉપરાંત ‘મચ્છરાજિત’ વાર્તા આખી કપોળ-કલ્પિત વાર્તા છે. અહીં મચ્છરો અને માણસો વચ્ચેના સંઘર્ષને વાર્તાકારે મૂક્યો છે. આમ ‘એના શહેરની એકલતા’ વાર્તાસંગ્રહમાં કુલ બાર જેટલી વાર્તાઓ છે જેમાં મોટાભાગની વાર્તાઓ એક જ વર્ણવિષયને તાકે છે. વાર્તાઓનું વિષયવસ્તુ પ્રણય અને પ્રણયભંગ ખાસ કેન્દ્રમાં છે. કેટલીક વાર્તાઓનાં માત્ર શીર્ષકો અને પાત્રોનાં નામો જ બદલાય છે. વિષયવસ્તુ પુનરાવર્તન પામે છે. આ સંગ્રહમાં રસનિરૂપણ અને રસવૈવિધ્ય ધ્યાનાકર્ષક છે તો વળી વાર્તાવસ્તુની ગૂંથણી પણ પ્રમાણમાં કળાત્મક રીતે સર્જક કરી શક્યા છે. ભાષાકર્મ સાથે પણ વાર્તાકારે સર્જનાત્મકતાથી કામ લીધું છે. આ સંગ્રહની વાર્તાઓ વિશે શ્રી મોહન પરમાર નોંધે છે, ‘સંજય ચૌહાણની આ બાર વાર્તાઓમાંથી પસાર થતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે સંજય પાસે વાર્તાકાર તરીકેની સજ્જતા છે. વાર્તા કઈ રીતે લખાય તેની એને સૂઝસમજ છે વાર્તા-વિભાવના શી ચીજ છે તેની એને ખબર છે. દરેક વાર્તા સરળ છે, છતાં સૂક્ષ્મ પરિવેશ રચીને એ વાર્તા પાસે ધાર્યું કામ કઢાવી શકે છે.” (‘એના શહેરની એકલતા’, પૃ. ૧૩) વાર્તાકારના ભાષાકર્મનાં કેટલાક દૃષ્ટાંતો જોઈએ તો – ‘કમુએ નઘરોળની જેમ ટાટિયા લાંબા કરી લંબાવી દીધું.’ ‘કમુની આંખે કરોળિયાનાં જાળાં બાઝવા લાગ્યાં’ ‘શિયાળાના દિવસોના કારણે આખુંય નગર ટૂંટિયુંવાળીને સૂતેલા ગલૂડિયા જેવું લાગ્યું’ ‘માળો જાણે બાબરિયા છોકરાની વિખરાયેલી જટા’ ‘ચંદૂ ઊંધા કાચબાની જેમ માથા પર ઝળુંબી રહ્યો હતો’ ‘ટી.બી.ના દર્દીની જેમ હાંફતી મિલ’ સંજય ચૌહાણના વાર્તાની ભાષાકળા વિશે મોહન પરમાર નોંધે છે, ‘સંજયને ભાષા સાથે કામ પાડતાં આવડે છે. એની શૈલી પ્રવાહી છે. ભાષામાં ક્લિષ્ટતા નથી. ગદ્યની માવજત કરતાં એને ફાવે છે. એટલે તો વાર્તામાં આપણને તરબોળ કરી મૂકે છે.” (‘એના શહેરની એકલતા’, પૃ. ૧૪) આમ વાર્તાકાર સંજય ચૌહાણે ભાષા પાસે કળાત્મકતાથી કામ લીધું છે. અલંકાર, પ્રતીક, કહેવતો, પત્રવ્યવહાર વગેરે જેવાં સાહિત્યનાં ઉપાદાનો અહીં ખપમાં લઈ સર્જક વાર્તાકળાને વિકસાવવાનો પ્રયત્ન કરે છે, પણ દરેક વાર્તામાંથી પસાર થતાં વાર્તા સડસડાટ ગળે ઊતરી જાય તેવી છે. વર્ણ્યવિષયવસ્તુનું પુનરાવર્તન ચોક્કસ ખટકે છે. તો સામે પક્ષે તેની માવજત અને વસ્તુની જાળવણી, સમાજ પ્રત્યેનું સૂક્ષ્મદર્શન, પ્રણયની સફળતા-નિષ્ફળતા વગેરે આ સંગ્રહની વિશેષતા બને છે.
ડૉ. ભરત સોલંકી
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આટ્ર્સ કૉલેજ,
પાટણ
‘થુંબડી’ જનપદના વાસ્તવનું તાદૃશ્યચિત્રણ
ભરત સોલંકી
‘થુંબડી’ (૨૦૧૩) એ શ્રી સંજય ચૌહાણનો બીજો નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે. આ પૂર્વે તેમની પાસેથી ‘એના શહેરની એકલતા’ નામનો વાર્તાસંગ્રહ પ્રાપ્ત થયેલો છે. મૂળે તો શ્રી સુમન શાહ પ્રેરિત સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમ’ અંતર્ગત થતા વાર્તાશિબિરોમાંથી જે વાર્તાકારો નીવડ્યા ને નીખર્યાં તેમાંનાં સંજય ચૌહાણ છે. વળી અનુઆધુનિક સાહિત્યનું એક લક્ષણ કે ઓળખ તળપદ પરિવેશનું યથાતથ નિરૂપણ છે. સંજય ચૌહાણ ઉત્તર ગુજરાતની તળપદી બોલીને તળપદની સમસ્યાઓને વાર્તાની સામગ્રી બનાવી તેને કળારૂપ બક્ષે છે. અહીં તેમની ‘થુંબડી’ વાર્તાસંગ્રહની નોંધપાત્ર વાર્તાઓને મૂલવવાનો પ્રયત્ન છે.
‘થુંબડી’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા છે, ‘જા એમ.ઓ.યુ. રદ્દ...’ મૂળમાં હીરાઘસુઓને મંદીને કારણે થયેલી બેકારી ને તેના પરિણામે આર્થિક રીતે માલામાલ થવા ચોરીના રવાડે ચડતા કાળુની આ વાર્તા છે. કાળુએ જોયું કે ગામના આળા જ બે કારવોજી ને રૂપાજી રાતમાં રળનારા થયાને જોતજોતામાં આઠે આંગળીએ વેઢ પહેરતા થયેલા ને પોતે શહેરમાં હીરા ઘસી-ઘસીને થાક્યો. આંખોય ઝીણી થઈ તોય સરખી સાયકલ પણ નો ભાળી. પણ હવે તો ચોર બની મોટી મોટી ચોરી કરી બાઇક ફેરવવું છે. આવા વિચારથી તે અંધારામાં ચોરી કરવા નીકળે છે. ચોરી સામેના ગામમાં કરવી છે. વળી, રૂપાજી કહેતો કે ચીબરી બોલે તો શુકન થાય.’ તો વળી વદાજી તો કહેતા ‘પાણી ભરેલી પનિહારી.... ખોળે હોય બાળ, જમણે બોલે જો ચીબરી તો થશો માલામાલ.’ આવા વિચારે ચીબરી બોલવાની રાહ જોતો કાળુ સીમમાં ઝાડ પર ચડી ગયો. ચીબરીનો અવાજ સાંભળવાની રાહ જોતો કાળુ, વચ્ચેવચ્ચે ગામમાં લોકો સાથે થયેલી વાતોને વાગોળી લે છે. તેણે સાંભળેલું કે સરકારે કરોડોનું એમ.ઓ.યુ. કર્યું તેને ખબર પડી કે એમ.ઓ.યુ. એટલે કરા૨. તેણે તરત જ તે વાતને હાલના પ્રસંગ સાથે જોડી તેણે ચીબરી સાથે મનોમન એમ.ઓ.યુ. કર્યા કે જો ચીબરી બોલે તો ચોરીમાં મળેલા રૂપિયામાંથી ત્રીજો ભાગ કાઢી તેનું દેવળ બનાવીશું પણ ચીબરીની જગ્યાએ શિયાળ બોલ્યું, કૂતરું ભસ્યું, હોલો પણ બોલ્યો પણ ચીબરી તો ન જ બોલી. કાળુ વટનો માર્યો વિચારે છે કે આજ ચોરી કર્યાં વગર પાછો ફર્યો તો આબરૂ જશે. છેવટે સીમમાંથી થોડી માટી તો લાવવી જ ને માટી લેવા જ્યાં ભૂસકો માર્યો ને વાડીનો ડોસો જાગી જતાં તે ભાગ્યો. ડોસાએ રાડ પાડી. કાળુ ઝાડ પરથી પડતાં પગે વાગેલું. તે લંગડાતો લંગડાતો માંડ ગામ બાજુ ભાગ્યો, બરાબર તે જ વખતે ચીબરીએ ચહચહાર કર્યો ને ગુસ્સે ભરાયેલા કાળુના મુખમાંથી અંગારા જેવું વાક્ય છૂટ્યું ‘હાહરી ચીબરી! જા એમ.ઓ.યુ. રદ.’
આ સંગ્રહની બીજી નોંધપાત્ર વાર્તા હેરી છે. હેરીનો અર્થ થાય છે ભેંસના વિયાયા પછી પ્રથમવાર દોહવા માટે હેરવવી તે. જે કામમાં જેઠો હોંશિયાર છે. ગામમાં કોઈ પણ ભેંસ જ્યારે દોહવા ન દે ત્યારે જેઠો તે કામ કરી આપે. પોતે એકલો છે. માસા-માસી તેનું સગું કરવા આવવાના છે તે સીમમાં લાકડાનો ભારો લેવા નીકળ્યો છે. બરાબર તે જ વખતે જમના તેની ભેંસને હેરી કરવા ગામના પાદરમાં વાડામાં રાતે બોલાવે છે. જમના એટલે રૂપરૂપનો અંબાર. જો કે તેને સોમલી ગમતી પણ હવે સોમલી પછી જેઠાને જમના પણ ગમવા લાગેલી. વળી એક વાર જમના પાછળ, ભૂરકેલી ગાય પડેલી ને જેઠાએ તેને બચાવેલી ત્યારથી જમના તેની આસપાસ મંડાતી. આજ જમનાના કહેણથી જેઠાના મોંમાં સીટીયુ વાગવા માંડેલી, સપનાં પર સપનાં જોવા લાગેલો. તે પહોંચ્યો રાત્રે જમનાના વાડામાં. જમનાની ભેંસ થોડી જ વારમાં હેરીને બોઘણું ભરીને દૂધ આપ્યું તો ય હજુ ભેંસના આંચળમાં દૂધ મા’તું નહોતું. તે જમનાને ભરેલું બોઘણું આપવા ગયો ને ત્યાં જમના ગાય બને તે જ વખતે કોઈનો ખાંસવાનો અવાજ સંભળાયો. બરાબર તે જ વખતે જેઠાને પોતાના બાપના ભૂતકાળ સાંભર્યાં. જાતે ચમાર ને ઠાકોરોના સાથીપણાને પડકારીને તેનો બાપ વાલો સાથીએ રહેલો. તેને ઠાકોરોએ ફસાવવા ચોરો મૂક્યા ને ચોરની પાછળ ધારિયું લઈને પડતાં જેલમાં ગયેલો. શેઠે વાલા પછી તેના દીકરા જેઠાને જ સાથી તરીકે રાખેલો. જેઠાને અત્યારે શંકા ગઈ ફરી જમના સાથે મળી કોઈ કારસ્તાન તો નહીં ગોઠવાયું હોય ને. તે જમનાને બોઘરણું પકડાવી બોલ્યો, લ્યો ભેંસ પેલ્લેથી હેરી પડેલી છઅ, મારું કોય કામ નથી’ ને જમના કંઈ બોલે તે પહેલાં ગામ ભેગો થઈ ગયો. આ વાર્તામાં ગામડામાં રહેલા જાત-જાતના ભેદભાવને નાત-જાતના ઝઘડા કેન્દ્રમાં છે.
‘હોકો’ પણ આ સંગ્રહની વિશિષ્ટ વાર્તા છે. બદલાતા સમયમાં આજે હોકાનું ચલણ નીકળી ગયું છે. પરંતુ હજુ ગામડામાં દરબારો, રાજપૂતો અને ઠાકોરો હજુ હોકાને જાળવીને બેઠા છે. અહીં હોકો સત્તાના બદલાવનું પ્રતીક બને છે. ડોસો હોકાનો બંધાણી છે. ડોસીને હોકામાં અંગારો મેલવાનું જણાવે છે. ડોસી હોકો લઈ ચૂલા આગળ જાય છે ને અંગારો નાખી લાવે તે પહેલાં ડોસા નીકળી પડે છે. વાત એમ છે કે મોનાભગત ઉર્ફે ડોસા મંડળીના પ્રમુખ છે. જોકે તે પણ બીજાને ઉથલાવીને બનેલો. હવે સામાવાળાએ બદલો લેવા ગામના યુવાનોને હાથ પર રાખી ડોસાને પ્રમુખપદેથી ઉથલાવવાનું નક્કી કર્યું છે. ભાતભાતના નિયમો મિટિંગમાં બનાવવામાં આવે છે. એક જ ઘરનું એક સભ્ય મંડળીમાં રહે તેવું નક્કી થાય છે ને છેવટે ડોસાને કાઢી તેમના પત્ની ડોસીને મંડળીનાં સભ્ય બનાવી દેવાય છે. એ રીતે ડોસી મંડળીનાં આગેવાન બને છે તેના સમાચાર તેમના સુધી પહોંચે છે. અંતે સર્જક નોંધે છે હાથની પકડ મજબૂત થઈ કે તરત હોકાની ને, ડોસીના મોઢામાં હોકો ખેંચાયો. તમાકુ મીઠીમધ જેવી લાગી. અંગારામાં લાલાશ ફૂટી, ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા. હોકો બોલી ઉઠ્યો, ધડુડુડુ.. ધડુડુડુ... ધડુડુડુ... આમ અત્યાર સુધી ડોસો મંડળીનો પ્રમુખ હતો તે હોકો ગગડાવતો હતો પરંતુ આજે ડોસીએ ડોસા માટે હોકો ભર્યોને પોતે જ સત્તાધીશ થતાં હોકો ગગડાવવા લાગી. આમ, સત્તા પછી તે નાની કે મોટી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય ગમે જ ગમે તે વાત નિષ્પન્ન થાય છે.
‘થુંબડી’ આ વાર્તાસંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. ઉત્તર ગુજરાતમાં ‘થુંબડી’નો અર્થ ટેકરી થાય છે. અહીં પણ ગામના પાદરે વર્ષોથી ઊભેલી ‘થુંબડી’ વાર્તાના કેન્દ્રમાં છે. અહીં ‘થુંબડી’નો વાર્તાનાયક લાલભાના વંશ, વારસો, વટ ને આબરૂનું પ્રતીક છે. લાલભા ગામના મોભી છે. ગામમાં પંચાત કરે છે ને લોકોના પ્રશ્નોને ચપટીમાં ઉકેલી નાખે છે. પરંતુ તેમનાય દુશ્મનો ગામમાં વધ્યા છે. ગામલોકોની ચઢવણીથી લાલભાના નાનકાની વહુએ નાનકાને તેમજ ઘર સામે હેરાનગતિનો કેસ માંડ્યો છે. જોકે લાલભાનો નાનકો રણજીત પહોંચેલો છે. પાછો પડે તેમ નથી. તેને પોલીસ સાથે ઓળખાણ છે. આ પહેલાં તેણે કેટલાયને છોડાવ્યા છે તો આજે પોતે કેમ નહીં છૂટે? જોકે હાલ તો પોલીસ પકડી અમદાવાદ લઈ ગઈ છે. લાલભાની મૂંઝવણ વધે છે. તેમને વારંવાર થુંબડીઓ ગળતી અદૃશ્ય થતી અંધારામાં ખોવાતી લાગે છે. આજ સુધી થુંબડી હિંમત આપતી, તાકાત આપતી, પૂર્વજોનો પરચો આપતી, પરંતુ આ વખતે તો વિરોધી રતનસિંહ અને રાજસિંહે બધું પાકું કરી નાખ્યું છે કે લાલભાની આબરૂ ને પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવી જ કરવી ને તેમાં તેમને સફળતા મળે છે. વાર્તાન્તે નવો વિસ્ફોટ થાય છે કે આ કાવતરામાં લાલભાના પથુભાનો દલસિંહ પણ ભળેલો છે ત્યારે લાલભા હિંમત હારી જાય છે. તેમને લાગે છે કે થુંબડી ઠરી ગઈ. તે થુંબડી જોવા આંખો પહોળી કરવા લાગ્યા ને રેતીના ઢેફાએ ચડતા ચડતા દગો દીધો ને લાલભા પડ્યા ને થુંબડી અંધારામાં એકાકાર થઈ ગઈ હતી.
આમ, આ વાર્તામાં પણ ગામ ને ઘરની આંતરિક ખટપટ ને તેની સાથે જોડાતું ‘થુંબડી’નું સંનિધિકરણ વાર્તાને કલાત્મક બનાવે છે.
‘હળોતરો’ વાર્તા ગ્રામસંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષની વાર્તા છે. આ વાર્તાની સાથે ધૂમકેતુની ‘ગોવિંદનું ખેતર’ કે પછી શિરીષ પંચાલની ‘મજૂસ’ વાર્તાનું સ્મરણ થાય છે. આ વાર્તા મેના ડોસીની છે. ચોમાસાનો પ્રથમ વરસાદ ને પ્રથમ વાવણીનું આપણે ત્યાં વિશિષ્ટ મહત્ત્વ હતું ને હજી આજે પણ છે. ડોસી વહેલાં ઊઠ્યાં છે પણ ગામમાં હજી કોઈ હળોતરાની ચહલપહલ નથી. બાકી તો વરસોવરસ ગામમાં ઉત્સવ રચાતો, દેવ-દેવતાઓની પૂજા થતી. બળદો હળ શણગારવામાં આવતાં ને સારા શુકને હળ જોડી ખડ-વાવણી થતી. ડોસીનો દીકરો પૈસેટકે માલામાલ થવા શહેરમાં અમદાવાદ ચાલ્યો ગયો છે પણ તેનો પૌત્ર કમલેશ આ પ્રસંગે ગામમાં આવ્યો છે. ધીમેધીમે સૂર્ય માથે ચડે છે, લોકોનો સંચાર શરૂ થાય છે ને કમલેશ ટ્રેક્ટર લઈને આવી ચડે છે. ડોસી કહે છે ચા પીને જા તું તો મહેમાન છે.’ ત્યારે કમલેશ કહે છે હું ક્યાં મહેમાન છું... હવે તો હું અહીં જ રહેવાનો છું. આટલી બધી જમીન છે, મારે શેરમાં મારા બાપાની જેમ નથી કૂટાવું.’
આધુનિક સાહિત્યમાં નગરજીવન વિશેષ નિરૂપાયેલું જોવા મળે છે. ત્યારે અનુઆધુનિક સાહિત્યમાં ગ્રામ સંસ્કૃતિ, સભ્યતા ને જીવન સાથે ફરી અનુસંધાન રચાતું જોવા મળે છે જે આ વાર્તા પરથી પણ પુરવાર થાય છે.
આ વાર્તા વિશે શ્રી અજિત ઠાકોર નોંધે છે,
‘હળોતરા ઝીણી વિગતો-વાર્તાને એક-કેન્દ્રી કરે છે. લોકોત્સવના આલંબને મેનાની મનોદશા પ્રકટી છે. કમલેશ ખેતરમાં તો હળોતરો કરે જ છે પણ દાદીમાના જીવનમાં પણ હળોતરા કરે છે.’
(‘ખેવના’, ૯૨)
‘તરાગ’ વાર્તાનાયિકા ભલીના પતિના મૃત્યુના પ્રસંગની છે. ભલીનો પતિ ધનો મૃત્યુ પામ્યો છે. ઘરમાં રોકકળ છે. ધના વિશે ભાતભાતનાં ઉચ્ચારણો લોકો કરે છે પણ ભલીને રડવું આવતું જ નથી. ગામની સ્ત્રીઓ તેને રડાવવા ભાતભાતના પ્રયત્નો કરે છે. ભલી જો નહીં રડે તો ગાંડી થશે અથવા સૂધબૂધ ખોઈ નાખશે. બ્રાહ્મણ કર્મકાંડના ભાગરૂપે પતિ-પત્નીના સંબંધનો તાંતણો તોડાવા બોલાવે છે. બે સ્ત્રીઓ ભલીને બે હાથે પકડી તાંતણો તોડવા બોલાવે છે. ફરી બધા ધનાના મૃત્યુ વિશે જણાવે છે કે રડવા ઉશ્કેરે છે, પણ ભલીને ધના સાથેનાં એકેય સારો કહી શકાય તેવો પ્રસંગ યાદ આવતો નથી ને રડવું પણ આવતું નથી, ધના સાથે પરણીને આવી ત્યારથી ધનાએ તેને દુઃખ જ દુઃખ આપ્યાં છે. પોતાના પિતા પાસેથી ધનાને ધંધો કરવા પૈસા લાવી આપેલા તે પણ ધનાએ રફેદફે કરી નાખ્યા. ને વારંવાર પૈસાની માગણી ને માર ખાઈને ભલી જાણે છતા સૌભાગ્યે ક્યારનીય વિધવા થઈ ગઈ હતી. આથી જ તરાગ તોડવાનું કહી મહારાજ ધનાના મોક્ષની કામના કરે છે ત્યારે ભલી મનોમન બબડે છે તે નુગરા પતિની સદ્ગતિ હોય! એની સદ્ગતિ ન થાય એમાં જ કોઈનું ભલું થશે’ ને તેની પાછળ પાંચ અગિયારસ કરવાની સાંભળી તે ધડાકાભેર તરાગના કટકે કટકા કરી મોટેમોટેથી હસી પડે છે. લોકો માને છે કે ધનિયા પાછળ ભલી ગાંડી થઈ ગઈ, જ્યારે ભલી માને છે લોકો ધના પાછળ રડે છે તે ખરેખર ગાંડા છે.
‘સાકરિયો’ વાર્તા પણ આવા જ જાનપદી વાતાવરણને રજૂ કરે છે, ‘સાકરિયો’ કૃષિજીવનનો સંદર્ભ છે જે કપાસમાં થતો રોગ છે. જેમાં રોગના કારણે કપાસના પાંદડાં ગળચટ્ટાં થઈ જાય છે અને ક્રમશઃ એ છોડને ખાઈ જાય છે, પછી વરસાદ આવે અથવા તેના પર ધૂળ નાખવામાં આવે તો જ તે દૂર થાય. અહીં આ રોગનું સંનિધિકરણ ગામના ભગતના મન સાથે રચાયું છે. ગામના નારણ પટેલની વિધવા દીકરી જમના પર ચોંટ્યું છે અને એટલે ભગતનું મન સતત ચલિત-વિચલિત થયા કરે તે વસ્તુ અહીં વાર્તાનું મુખ્ય કેન્દ્ર બને છે. અહીં ભગતના માનસને સર્જક સફળતાપૂર્વક નિરૂપી શક્યા છે.
ઉપર પ્રમાણેની મારી દૃષ્ટિએ ધ્યાનાર્હ વાર્તાઓ ઉપરાંત આ સંગ્રહની ‘ટેકો’, ‘ભવભવનો ઝુરાપો’, ‘લંગોટિયો’, ‘બીજવર’, ‘પોટલું’, પણ પોતપોતાની રીતે ભિન્નભિન્ન વિષયવસ્તુ લઈ આવતી આસ્વાદ્ય વાર્તાઓ છે.
‘થુંબડી’ સંગ્રહના વિષયવસ્તુની તાજગીની જેમ આ સંગ્રહનું ભાષાકર્મ પણ એટલું જ નવીન છે. સર્જક જે પ્રદેશમાંથી આવે છે તે જ પ્રદેશ, સમાજ, લાક્ષણિકતાઓ, બોલી તેમ જ સમગ્ર પરિવેશ તેમણે જે આત્મસાત્ કર્યાં છે ને વાર્તાઓમાં ઉતાર્યાં છે તે એટલું જ નોંધપાત્ર છે. અહીં કેટલાંક વર્ણનો, કહેવતો, રૂઢિપ્રયોગો ને અલંકારો તપાસીએ તો :
એ અંધારું ફંફોસવા લાગ્યો, રહ્યો-સહ્યો ભૂખરો પ્રકાશ પણ તરફડિયાં મારતો હતો, અંધારી રાત એના બધાં વસ્ત્રો સજીધજીને બેઠી હતી.’ (પૃ. ૩) ‘ખિસકોલીની પૂંછડી જેવી મૂછો મરકમરક થઈ ઊઠી..’ (પૃ. ૪)
‘ધીમેથી કહેલી બધી વાતો હીરાના ઘાટની જેમ ભીતરમાં કોતરાઈ ગયેલી.’ (પૃ. ૬)
‘સૂર્ય નીચે લપસવા માંડ્યો.’ (પૃ. ૧૧)
‘ખાલીખમ ઘર બાવાની મઢી લાગ્યું.’ (પૃ. ૧૨)
‘અજાણ્યા મલકમાંથી વણઝારાની પોઠો આવી ચડે તેમ વાદળાં આવી ચડ્યાં.’ (પૃ. ૧૫)
‘સાઠના બલ્બનું પીળુચટ્ટ અજવાળું પણ વિધિ કરવાની ઉતાવળમાં હોય તેવું લાગ્યું.’ (પૃ. ૨૩)
‘જાણે ઝાડ પર ચડવું ને બખોલ મળી.’ (પૃ. ૨૮)
આમ, સમગ્ર રીતે જોતાં ‘થુંબડી’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં ઉત્તર ગુજરાતનાં ગ્રામપરિવેશ, તેમની સમસ્યાઓ, લોકજીવન, દલિત, ઠાકોર, સવર્ણ વગેરેના સામાજિક રીતરિવાજો, રાગ-દ્વેષ, તેમની જ બોલી સાથે બળકટ રીતે રજૂ થતાં જણાય છે. અનુઆધુનિકતાનું એક વલણ મૂળ તળપદ પ્રશ્નો, બોલી, સમસ્યાઓ, સમાધાનો વગેરે તરફ પાછા વળવું તે પણ છે. આ વાર્તાઓમાં આ બધું સુપેરે વ્યક્ત થયું છે. આ રીતે જોતાં સંજય ચૌહાણ જનપદ પરિવેશનું વાસ્તવિક ચિત્રણ કરતા નોંધપાત્ર અનુઆધુનિક વાર્તાકાર તરીકે ઉભરી આવ્યા છે તે નિર્વિવાદ વાત છે.
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, વિવેચક, સંપાદક
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આટ્ર્સ કૉલેજ, પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
‘કમઠાણ’ દલિત સમસ્યાનું કળાત્મક રૂપાંતર
ભરત સોલંકી
અનુઆધુનિક વાર્તાસાહિત્યમાં નોંધપાત્ર નામ એટલે વાર્તાકાર સંજય ચૌહાણ. આ વાર્તાકાર વાર્તાના ક્ષેત્રમાં ત્રણ વાર્તાસંગ્રહો પૈકી ‘એના શહેરની એકલતા’ (૨૦૦૯), ‘થુંબડી’ (૨૦૧૩) અને ત્રીજો વાર્તાસંગ્રહ ‘કમઠાણ’ (૨૦૧૯)માં પ્રગટ કરે છે. ‘કમઠાણ’ વાર્તાસંગ્રહ લટૂર પ્રકાશન, ભાવનગરથી પ્રકાશિત થાય છે. સંજય ચૌહાણ આ સંગ્રહ માર્મિક રીતે ‘મારા સમાજને...’ અર્પણ કરે છે. વાર્તાની પ્રસ્તાવનામાં વાર્તાકાર જે લખે છે તે પણ એટલું જ નોંધપાત્ર છે. તેઓ લખે છે ‘થુંબડી’ પછી આ મારો ત્રીજો વાર્તાસંગ્રહ છે. ‘કમઠાણ’ આપના હાથમાં મૂકતાં આનંદ થાય છે. આ સંગ્રહની બધી વાર્તાઓ દલિત વાર્તાઓ છે. આનંદની સાથે પીડા એ વાતની છે કે આ વાર્તાઓમાં મૂકેલી ઘટનાઓ આજે પણ આપણી આસપાસ બની રહી છે. મારા લોકોએ વેઠ્યું છે અને આજે પણ જુદી જુદી રીતે વેઠી રહ્યાં છે. એનો આછોપાતળો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે બાકી વાસ્તવિકતા કેવી ભયંકર છે! એ તો જેણે વેઠ્યું હોય તે જ જાણે.’ (પૃ. ૪)
અહીં ‘કમઠાણ’ વાર્તાસંગ્રહના આધારે વાર્તાકાર સંજય ચૌહાણને વાર્તાકાર તરીકે મૂલવવાનો તેમજ તેમની નોંધપાત્ર વાર્તાઓને આસ્વાદનનો ઉ૫ક્રમ છે.
સંગ્રહની પ્રથમ વાર્તા ‘પેંતરો’ છે. વાર્તાનો આરંભ કરતાં સર્જક લખે છે;
‘ભેમાએ હાથમાં રોડું લઈ બાજરીમાં છન-છનાવ્યું. બાજરીમાં હળવો લસરકો થયો. ઉકળતા તેલમાં વઘાર માટે મસાલો નાખીએ ને થાય તેમ છમ્મ જેવું ચકલાં ઊડી ગયાં. કલબલાટ ઓછો થયો. આકાશમાં છાંયડો પથરાયો. રતાશ વળવા લાગી. (પૃ. ૧) વાર્તાનું કથાનક જોઈએ તો વાર્તાનાયક ભેમો દાંના સાથે મળી ઉમેદ ચમારને ફસાવવા માગે છે જેમાં ચામુંડા માતાનો રમતો મૂકેલો બકરો વાઢી ખાવો અને રાવણામાં ઉમેદને ભેરવવો ને પછી બધાએ છૂટી પડવાનું આવો પેંતરો રચવાનું કારણ ભૂતકાળ દ્વારા ખૂલે છે. જેમાં સાત વર્ષ પહેલાં સરપંચને સમજાવી ઉમેદે પડતર નકશો કઢાવી એ જમીન પોતાના અને વાસના નામે કરાવી દીધી. આ જમીન સરકારી હતી જેમાં ઘણો મોટો ભાગ ભેમાના બાપનો વરસોથી હતો, તે વાવતો હતો પછી તો વેરવૃત્તિ વધતી જાય છે. પછી તો ચૂંટણીટાણુંને ચૂંટણી. એની ખટપટો ને છેવટે રતિયો જ્યાં દારૂ લેવા ગયો ત્યાં પોલીસની રેડ પડે છે ને ભેમાનો ‘પેંતરો’ ઊંધો પડે છે. અહીં દલિતસમાજની બોલી લય વાતાવરણ વગેરે વાર્તાનું જમા પાસું બને છે.
આ વાર્તા વિશે શ્રી મનોહર ત્રિવેદી નોંધે છે,
“શ્રી સંજય ચૌહાણની વાર્તા ‘પેંતરો’, ‘નખશિખ’ ઉત્તમ વાર્તા છે. ગામડામાં પોતાનું ચૂંટણીનું રાજકારણ અને એમાંથી જ્ન્મતા વૈરાગ્નિ-વૈરવૃત્તિની માનવીય નબળાઈને પોતાની પ્રબળ સર્જક શક્તિ વડે ઉઘાડી આપી છે. વાડીમાં બકરાનું માંસ રાંધવું. રાતના ચીબરીનું ખીજડા પર બોલવું ને બદલાની ભાવના વાર્તાનાયક ભેમા માટે કેવી પ્રતિઘાતરૂપ બને છે. પોતાના જ પેંતરામાં પોતે જ કેવો ફસાય છે. નાકામિયાબીએ સર્જાતા રોષનું અદ્ભુત ચિત્રણ, ઠેર ઠેર વ્યક્ત થતી દલિત પાત્રોની સ્વાભાવોક્તિ અને બોલીને વ્યંજના સાચવીને આલેખી શક્યા છે. એમની પાસે ગ્રામતળનો જીવંત સંપર્ક તથા સંવાદોની હાથવગી કલા છે, તેની ‘પેંતરો’ વાર્તા સાહેદી પૂરે છે.”
(‘દલિતચેતના’, ૨૦૦૭)
આ સંગ્રહની ખૂબ જ નોંધપાત્ર વાર્તા ‘લાશ’ છે. આ વાર્તામાં ગામડાની ખટપટ કેન્દ્રસ્થાને છે. વાલ્મીકિવાસમાં જઈ લવજીને સરપંચ એક ગાંડાની લાશને રાતોરાત સ્મશાને પહોંચાડવાનું કહે છે. આ કામથી લવજી ખુશ થાય છે. તે આ કામના સાથે મનોરને લે છે. લારીમાં લાશ નાખી તેને સ્મશાન તરફ બંને લઈ જાય છે. લાશ આગળ વધે તેમ બંનેના ભાવજગત-મનોજગત પણ વાર્તામાં ખૂલે છે. બંનેએ દારૂ પીધેલ છે. બંનેને છૂપો ડર પણ છે. આજની આ ઘટના પૂર્વે એક બનાવ બનેલો. ગામનો ડોસો અને વાસનો ડોસો સાથે મરેલા. બંને પક્ષના લોકો સ્મશાને ભેગા થઈ ગયેલા. ‘આ લોકોનું સ્મશાન આ નથી’ એમ કહી વાલ્મીકિઓને મારેલા પછી વાલ્મીકિઓને મોંમાં ખાસડુ લેવરાવી ઊભા કરી દીધેલા. પૂર્વે બનેલા આ ઘટનાપ્રસંગના કારણે અત્યારે લવજી અને મનોરને આ ગાંડાની લાશનું શું કરવું તેની મૂંઝવણ થાય છે. વળી એની ‘જાત’ની પણ ખબર નથી એટલે બંને લાશને ઝૂલતી મૂકી જતા રહે છે. આમ આ આખી વાર્તા રાત્રિના માહોલમાં ચાલે છે. અહીં પણ સવર્ણો અને દલિતોના સંઘર્ષો અને મૃત્યુ જેવા પ્રસંગે સ્મશાન જેવી જગ્યા માટેના સંઘર્ષો ગ્રામપરિવેશની નાત-જાતના વેરની કરુણકથા રજૂ કરે છે.
‘લાશ’ વાર્તા વિશે શ્રી દીવાન ઠાકોર નોંધે છે,
‘વાર્તામાં રાતનું વર્ણન રાત્રીને સજીવન કરી શકે છે. તેથી રાત્રી ભયંકર લાગવાને બદલે સુંદર લાગે છે. ઘટનાઓ લઈ રચાતી સમસ્યાને પડકાર ગણીને બે પક્ષોની ભૂમિકાને તાકતી વાર્તાઓની સામે કલાવાદી અભિગમ લઈ રચાતી વાર્તાઓ આપણને મળી છે. આ બંને પ્રકારની વાર્તાઓ કરતાં એક જુદા અભિગમથી સર્જાયેલી આ વાર્તા માત્ર દલિત સમસ્યાને જ કેન્દ્રમાં રાખવાને બદલે વાર્તાને કેન્દ્રમાં રાખી સમગ્ર ચિત્ર આપતી હોય એવું નોખું દૃશ્ય સર્જે છે.’
(‘પાક્ષિકી’, સાહિત્ય પરિષદ, અમદાવાદ)
વાર્તાસંગ્રહના શીર્ષકયુક્ત વાર્તા ‘કમઠાણ’ પણ વર્ગ-સંઘર્ષની વાર્તા છે. તરવામાં માહિર મોલ્લો કમશી સામે શરત જીતે છે. એમાં વળી એક વાર સરપંચના ભાઈ બળદેવની છોકરી તળાવમાં ડૂબતાં હાહાકાર મચેલો. મોલ્લાએ તેને બચાવવા તળાવમાં ઝૂકાવ્યું અને છોકરી બચી ગઈ. એક તો તેણે કોઈની જિંંદગી બચાવી તેનો જશ આપવાના બદલે તેણે તળાવ અભડાવ્યું કહીને મોલ્લાને પાંચસોનો દંડ થયેલ. મોલ્લાએ ખાસ્સો વિરોધ કરેલો એ દંડ ન જ ભરત, પણ વાસના બીજા લોકોને સહન ન કરવું પડે એટલે પોતાના ઘરાક પાસેથી ઉછીના લઈ દંડ ભરી દે છે. બીજા દિવસે તળાવ પાસે હવન થાય છે. હવનના મંત્રો મોલ્લાના કાને પડતાં તેને તમ્મર આવી જાય છે. આ આખા કારસ્તાનમાં કમશીનો હાથ હોય છે. એમાં કમશીની જ ભેંસ મરી જાય છે. મોલ્લો જ એ ભેંસનો નિકાલ કરી શકે એમ છે. હવે મોલ્લાનો વારો આવે છે તે બદલો લેવા તલપાપડ છે. મોલ્લો કમશીના ઘેર જાય છે પણ ઘરમાં જતો નથી અને સંભળાવે છે કે ‘ઘરમાંથી ના તાંણી લાવી એ. ગામ દંડ લે. પૈસા ક્યાંથી કાઢવા? કમશી સરપંચને બોલાવવા જાય છે. મોલ્લો સરપંચનો આગ્રહ રાખે છે. કમશી સરપંચને બોલાવા જાય છે ને મોલ્લો મલકાય છે. આ વાર્તામાં મનુસ્મૃતિનો ને સવર્ણો પ્રત્યેનો તીવ્ર વિદ્રોહ કળાત્મક રીતે રજૂ થયો છે.
‘વાંક’ વાર્તાનું વિષયવસ્તુ જોઈએ તો વડોદરાથી ભણી-ગણીને આવેલા નાનાસાહેબને એમની જાગીર દેખાડવા ગયેલા વાર્તાનાયકની ભૂલ એ થઈ કે નાનાસાહેબને મેઘવાળ વાસના ઝાંપે લઈ ગયો પછી નાનાસાહેબે વાસમાં જવાની જિદ્દ પકડી. નાનાસાહેબ વાસમાં પ્રવેશ કરે છે તો બીજી તરફ વાર્તાનાયકની જાણે છે કે ભા’સાહેબ તરફથી મેઘવાળોને ત્રાસ થતો હતો. તેનો બદલો લેવા મેઘવાળો લાગ ગોતતા હતા. એ ભા’સાહેબને કહેવા દોડતા આવે છે. ભા’સાહેબ તલવાર-ભાલા જેવાં હથિયારો લઈ એમના મળતિયાઓ સાથે ઘોડા પર ત્યાં જાય છે. ભા’સાહેબ સૌથી આગળ હોય છે. તેમના મોં પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. પોતાનો એકનો એક પુત્ર દુશ્મનના હાથમાં સપડાઈ ગયો છે. આથી તેને બચાવવા તે ઉતાવળા હતા. તે મેઘવાળવાસમાં પહોંચે છે. જુવે છે તો નાનાસાહેબને ખાટલામાં સુવડાવ્યા છે. એમને માથામાંથી લોહી નીકળતું હતું ખભે છોલાયેલા હતા. એ જોઈ ભા’સાહેબ તલવાર કાઢી આ કૃત્ય કોણે કર્યું તે પૂછે છે. કથાનાયક થરથરે છે. આજે કંઈ બન્યું તે માટે પોતે જ જવાબદાર છે એવું લાગે છે. ભા’સાહેબ જ્યાં તલવાર લઈ મેઘવાળો તરફ ધસે છે ત્યાં નાનાસાહેબ બેઠા થઈ સ્પષ્ટતા કરે છે કે ઘોડા પાછળ કૂતરું ભસ્યું ને ઘોડો ભાગ્યો ને પોતે પટકાયા ને ઘસડાયા છે. જે ચમનને અન્યાય થયો હતો. એણે જ નાનાસાહેબને બચાવ્યા. આમ, છતાં વાર્તાના અંતે ભા’સાહેબનો ગુસ્સો ઉતરતો નથી એના મનોભાવ પારખતા વાર્તાનાયકનું મંથન અહીં કળાત્મકતા સિદ્ધ કરે છે.
‘છબી’ વાર્તાનું વિષયવસ્તુ તપાસીએ તો બાપજી પ્રત્યે અત્યંત આદર ધરાવતા વાર્તાનાયક કરસન પોતાના ઘેર પધારવા બાપજીને આગ્રહ કરે છે, પરંતુ બાપજી પોતાના ઘેર આવવાના બદલે અમરસિંહને ઘેર જાય છે. તેના ઘેર સહુને આશીર્વાદ આપે છે. આ જોઈ કરસન નિરાશ થાય છે, હતાશ થાય છે, પરંતુ વાર્તામાં આગળ જતાં સતદાન ગઢવી કરસનને જણાવે છે કે એ તો ધુતારો છે. એ કાલનો હોટલમાં રોકાયો છે ને થમ્પસપ સિવાય કંઈ પીતા નથી. આ સાંભળી કરસન બાપજી પર ગુસ્સે ભરાય છે. તેમાં દંભ, પાખંડ ખૂલ્લાં પડી જતાં પોતે જેને ઈશ્વરસમાન માનતો હતો તે બાપજીની ઘરની દીવાલ પર લટકાવેલી છબી ઝાટકા સાથે જમીન પર પછાડે છે. બરાબર એ જ વખતે આ દૃશ્ય જોતી તેની પત્ની મધીના ચહેરા પર મલકાટ છવાય છે. આમ, આ વાર્તામાં પાત્રાનુસારી ભાષા, બાપજીનું ચરિત્ર, કરસન, સતદાન વગેરેનાં ચરિત્રો તથા આંતરમંથનો આ વાર્તાનું ચાલકબળ બને છે.
‘છબી’ વાર્તાની વિશેષતા નોંધતાં ગુણવંત વ્યાસ લખે છે,
“ ‘છબી’ વાર્તાના કેન્દ્રમાં હોઈ, પ્રારંભથી અંત સુધીનો તેનો સંધાતો આવતો તાર એક ઉત્તેજનાભરી જિજ્ઞાસા ટકાવી રાખતો, અંતમાં રહસ્યસ્ફોટ સાથે પર્દાફાશ કરે ત્યાં કથા ‘વાર્તા’રૂપ પામે છે. હળવાશભરી શૈલીમાં વાર્તાનું ગાંભીર્ય સંજય ચૌહાણ ઠીક ઠીક ઉપસાવી શક્યા છે. એ એનો વિશેષ છે.”
(‘દલિતચેતના’, ઑગસ્ટ, ૨૦૨૧)
‘વારો’ વાર્તા દલિતોની સમસ્યા તથા પાત્રોના મનોભાવોને પ્રગટ કરતી વિશિષ્ટ વાર્તા છે. અહીં વાર્તાનાયક કચરો છે જે ઢોર ઉપાડવાનું સાથરીએ લાવી ચીરફાડ કરવાનું કામ કરે છે. એક દિવસ ગામના જાગીરદાર ભૂપતસિંહના ઘેર પાડું મૃત્યુ પામે છે. આ પાડું રસ્તામાં લખતસિંહના ખાટલાને અડી જાય છે ને કચરાને માર પડે છે. કચરો મનોમન બદલો લેવાનું નક્કી કરે છે. પંથકમાં પછી ઉપરા-ઉપરી ચાર વર્ષ દુષ્કાળ પડે છે. તખતસિંહની પડતી શરૂ થાય છે. ભાઈઓ સાથે વિવાદ-સંઘર્ષ કોર્ટકચેરી સુધી પહોંચે છે. કોર્ટકચેરીના ખર્ચામાં પાયમાલ થઈ જાય છે ને છેવટે ઘર ચલાવવા રિક્ષા ચલાવવા મજબૂર થાય છે. એવામાં કચરો મરેલું ઢોર લઈ આવવા એની જ રીક્ષા ભાડે કરે છે. તેને ગંધાતામાં પગ મુકાવવાની ઇચ્છા પૂર્ણ થવામાં હોય છે તે કચરો તેને માફ કરે છે. અહીં સહેજે મોહન પરમારની ટૂંકીવાર્તા ‘આંધુ’ની યાદ આવે. તેમાં પણ દલિતપાત્રની ઉદારતા ને દુશ્મનને માફ કરવાની વૃત્તિનાં દર્શન થાય છે.
‘વરંડો’ વાર્તા દલિતસમાજના પ્રશ્નો સંઘર્ષો ને વેદનાને વાચા આપે છે. આ વાર્તાનું વિષયવસ્તુ અનામતને લીધે ગામના સરપંચ તરીકે દલિત નારણ ચૂંટાય છે, પણ ગામ આખું બિન-અનામત સીટ પર ચૂંટાયેલા ઉ૫સરપંચ પથુજીને જ સરપંચ માને છે. નારણ ધીમેધીમે ભેદભાવથી ઉપર ઉઠવા માંડે છે. વાસના મંદિરની સાથેસાથે ગામના મંદિરમાં પણ જવા લાગે છે પણ ‘જમાનો બદલાઈ ગ્યો, હવે લોક ક્યાં અભડાય છે?’ એવું વિચારતા નારણનો ભ્રમ ભાંગે છે. તે ગામના મંદિર માટે દાન આપવા માગતા બે હજાર રૂપિયા મંદિરના મહારાજ વરંડો બનાવવા બારોબાર વાપરી દે છે. નારાણના મનમાં શંકા જાગે છે. એવામાં જ અંતે સમજાય છે કે રેવી ઉછીના પચાસ રૂપિયા પાછા આપે છે એ નોટ એણે મંદિરમાં મૂકેલી તે જ હોય છે. ત્યારબાદ એણે મંદિરમાં મૂકેલી તે જ પાકી કરવા રવિવારે પચાસની નોટ પર લાલ ટપકું કરી આરંભમાં મૂકે છે ને બીજે દિવસે એ જ નોટ રેવી એને પાછી આપે છે. આ વાર્તામાંથી વાર્તાકાર માત્ર મંદિર જ નહિ પણ ધર્મ, કહેવાતા ધર્મના ઠેકેદારોનાં બેવડાં વલણો, તેમનાં કુકર્મો છતાં કરે છે. ગ્રામ્યસમાજના વરવા રૂપ ભેદભાવની ચરમસીમા તો ત્યાં આવે છે કે હરિજનનો પડછાયો ન પડે એ માટે ગામના મંદિરનો વરંડો ઊંચો લેવાનું નક્કી થાય છે. વાર્તાના અંતમાં નારણ ગામના મંદિરને નહિ પણ વાસના મંદિરનો વરંડો ચણાવવા દાન આપે છે.
‘ઠરાવ’ ટૂંકીવાર્તા ગામડામાં રમાતાં રાજકારણ અને એનો ભોગ સામાન્ય માણસો કેવી રીતે બને છે તેનો વરવો ચિતાર રજૂ કરે છે. વાર્તાનું મુખ્ય પાત્ર રઘો છે. એ જ ગામનો ચમનજી દારૂનો વેપાર કરે છે. એવામાં રાજકારણની રમત રમાય છે. ચાર દિવસ પહેલાં સરપંચ પરબત પટેલની પેનલનો ભેમોજી પક્ષપલટો કરી પાટલી બદલે છે ને અભેરાજની પેનલમાં જતા રહે છે હવે બહુમતી તૂટતાં પરબત પટેલ સરપંચ તરીકે રહી શકતા નથી. આ જ પરબત પટેલ રઘાને પટાવાળા તરીકે પંચાયતમાં રાખવા ઠરાવ કરવાના હતા. હવે રઘો પણ નવરો થઈ જાય છે. એના મનમાં ભેમાજી પ્રત્યે વેરભાવ તો હતો જ બીજી તરફ ચમનજીને પણ ભલાજીને સ્પર્ધા કરવાની તક જોઈતી હતી. તે રઘાને ખૂબ દારૂ પીવડાવી ભલાજીને મારવા મોકલે છે. રઘો ભલાની સાથે લડતા પંચાયત જાય છે. ભલાજીની આંખ લાલ થતાં રઘાનો દારૂનો નશો ઊતરી જાય છે. તે ત્યાંથી જવા જાય છે ત્યાં તેને ભલાજીની વાળેલી મુઠીમાં કાગળ દેખાય છે. એ કાગળ રઘાને નોકરી આપવાના ઠરાવનો હતો. ભલાજીએ ઠરાવ ફાડી હવામાં ફેંકે છે. રઘો કૂદકા મારે છે કાગળના ટુકડા લેવા અને સહુ રઘાને જોવા ભેગા થાય છે. ત્યાં ચમન પણ આવે છે. રઘાની દશા જોઈ એણે અડધી બીડી મસળીને મારવા જેવું કરી એના પર ફેંકે છે. છેવટે વેર લેવા ગયેલો ગરીબ-દલિત રઘો છેવટે સત્તા આગળ લાચાર બની જાય છે.
આવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત ‘વટ’, ‘ગરજ’ અને ‘બળતરા’ પણ દલિત-પછાત સમાજના શોષણને, વર્ગભેદને વ્યક્ત કરતી વાર્તાઓ છે.
‘કમઠાણ’ વાર્તાસંગ્રહનાં વર્ણનો, સંવાદો અને બોલી તો વાર્તાને કળાત્મકતા બક્ષે જ છે તો ભાષાકર્મ પણ અહીં આસ્વાદ્ય છે. ‘કોઈ દર્શનાર્થીએ ઘંટનો અવાજ માથામાં ભટકાયો.’
‘એના કચરું વાળવાના બોગરામાંથી જાણે ગામ આખાનો કચરો નારણના મોં પર પડ્યો હોય એવું થયું.’
‘ભેમોં જોશમાં આવી છરો પથરા પર ઘસવા લાગ્યો. મસાલો તૈયાર હતો. બકરો વાઢવાનો બાકી હતો. બહાર અંધારું પથરાઈને આળોટતું હતું. ચારેતરફ સૂનસૂનાકાર કેનાલનું પાણી બંધ હતું. એટલે પાંણ ભયાનો ડર ન હતો. બોરનાં પાણી તો તળિયે બેઠાં.’
‘મહા વદનું અંધારું જાણે દાંત ખખડાવી રહ્યું હતું. ગામ ધીમે અને દબાતે પગલે પાછું ખસવા લાગ્યું. વળી સામે રસ્તો કોઈ બોડા માણસની ટાલ જેમ પડ્યો હતો બેચાર ખેતર જેટલો ખરાબો ને ખરાબામાં ઊગેલા ઝાડીઝાંખરાં જાણે જટિયાં છૂટાં મૂકીને ધૂણી રહ્યાં હતાં.’
‘ગળામાં જાણે ઝેર રેડાયું. કડવાશ-કડવાશ વ્યાપી ગઈ. આખો ચહેરો તંગ થઈ ગયો. આંખો બરાબર મીંચાણી. થૂંકનો ઘૂંટડો ગળી કડવાશ ખાળવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો ચમનના ઘરની પાછલી બારીમાંથી પવન વહી આવ્યો. શરીર જાણે હવામાં તરતું હોય તેવું લાગ્યું. ઘરની દીવાલો ધીમે ધીમે તેની આજુબાજુ ભમવા લાગી.’
આ અને આવાં અનેક વર્ણનો, આનર્ત પ્રદેશની બોલી, દલિત સમાજની બોલી વ્યવસાયના સંદર્ભો, શબ્દો વગેરે સંજય ચૌહાણની વાર્તાઓનું જમા પાસું બને છે. ‘કમઠાણ’ની વાર્તાઓ ભલે દલિત સમસ્યાઓ ને સંવેદનાની વાર્તાઓ હોય પણ તેનો ભારોભાર કળાકીય પક્ષ સંજય ચૌહાણનું અનુ-આધુનિક વાર્તાના ક્ષેત્રમાં નામ ચોક્કસ અગ્રહરોળમાં રહે તેમ છે.
ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, વિવેચક, સંપાદક
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આટ્ર્સ કૉલેજ, પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭