ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિનોદિની નીલકંઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાર્પાસી અને બીજી વાર્તાઓ : વિનોદિની નીલકંઠ

વીરેન પંડ્યા

Vinodini Nilkanth 1.jpg

વાર્તાકારનો પરિચય :

ગુજરાતનાં પ્રથમ ગ્રેજ્યુએટ સન્નારી વિદ્યાબેન અને સુધારાવાદી સર્જક રમણભાઈ નીલકંઠને ત્યાં ૯ ફેબ્રુઆરી, ૧૯૦૭નાં રોજ વિનોદિની નીલકંઠનો જન્મ થયો હતો. ૧૯૨૯માં અમેરિકાની મીશીગન યુનિવર્સિટીમાં એમ.એ.નાં અભ્યાસ માટે જનાર પ્રથમ ગુજરાતી મહિલા વિનોદિની નીલકંઠ બન્યાં. શિક્ષણક્ષેત્રે શાળાઓ તથા મહાવિદ્યાલયમાં શિક્ષિકા તથા પ્રિન્સિપાલ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. ચાળીસ વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’માં ‘ઘર ઘરની જ્યોત’ કટાર લખી સ્ત્રીજાગૃતિ માટે નોંધપાત્ર પ્રદાન આપ્યું. શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સામાજિક, આરોગ્ય અને સેવાનાં ક્ષેત્રમાં પણ તેમનું યોગદાન રહ્યું છે. ગુજરાતની રંગભૂમિમાં સક્રિય રસ લઈ તેમણે શિષ્ટ નાટકોમાં પણ ભૂમિકા ભજવી હતી. પ્રેરણારૂપ વ્યક્તિત્વ ધરાવનારાં વિનોદિની નીલકંઠ પાસેથી કેટલીક નોંધપાત્ર સાહિત્યિક કૃતિઓ પ્રાપ્ત થઈ છે. ૨૯મી સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ વિનોદિની નીલકંઠનું અવસાન થયું હતું.

સાહિત્યસર્જન :

‘કદલીવન’ નવલકથા લખીને ગુજરાતી સાહિત્યનાં પ્રથમ મહિલા નવલકથાકાર તરીકેનું સ્થાન પ્રાપ્ત કરનારાં, પોતાની ‘દરિયાવ દિલ’ ટૂંકી વાર્તા પર આધારિત ફિલ્મ ‘કાશીનો દીકરો’ના માધ્યમથી ગુજરાતી ચલચિત્રમાં આગવું યોગદાન આપનારાં, પોતાના નિબંધો, ટૂંકીવાર્તા અને બાળવાર્તા પ્રત્યે પોતાની સર્જકપ્રતિભાને જોરે સૌનું ધ્યાન ખેંચનારાં તથા વર્તમાનપત્રની કટાર દ્વારા ગુજરાતી સ્ત્રીઓના હૃદયમાં સ્થાન પામેલાં વિનોદિની નીલકંઠ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેમની પાસેથી નીચે મુજબની કૃતિઓ પ્રાપ્ત થાય છે : નિબંધ : ‘રસદ્વાર’ (૧૯૨૮); ‘આરસીની ભીતરમાં’ (૧૯૪૨); ‘નિજાનંદ’(૧૯૫૮) નવલકથા : ‘કદલીવન’(૧૯૪૬) ટૂંકી વાર્તા : ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ (૧૯૫૧); ‘દિલ દરિયાવનાં મોતી’ (૧૯૫૮); ‘અંગુલિનો સ્પર્શ’(૧૯૬૫) બાળવાર્તા : ‘શિશુરંજના’ (૧૯૪૭); ‘મેંદીની મંજરી’ (૧૯૫૬) પ્રકીર્ણ : ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ (૧૯૪૨); ‘ઘરનો વહીવટ’ (૧૯૫૯); ‘બાળસુરક્ષા’ (૧૯૬૧), ‘બાળકની દુનિયામાં’ (૧૯૬૧); ‘વિદ્યાગૌરી નીલકંઠ’ (૧૯૭૬). અનુવાદ : ‘મનુષ્ય સ્વભાવ અને સામાજિક ક્રમ’ (૧૯૩૪); ‘પરાજિત પૂર્વગ્રહ’ (૧૯૫૮); ‘મુક્તજનોની ભૂમિ’ (૧૯૬૬); ‘સુખની સિદ્ધિ’ (૧૯૬૯); ‘સફરચંદ’; ‘પડછંદ કઠિયારો’. વાર્તાકારનો યુગસંદર્ભ : વાર્તાકાર વિનોદિની નીલકંઠ ગાંધીયુગના સર્જક છે. ગાંધીજીના ભારત આગમન પછી સ્વતંત્રતા માટેની સક્રિય લડત, આઝાદીની લડતમાં લોકભાગીદારી, તત્કાલીન અમદાવાદ, ગુજરાતનાં અને ભારતનાં શહેરોનાં સંદર્ભો લેખિકાએ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પોતાની વાર્તાઓમાં ઝીલ્યાં છે. ઈ. સ. ૧૯૫૧થી ઈ. સ. ૧૯૬૫ દરમિયાન વિનોદિની નીલકંઠના ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. ગુજરાતની આઝાદી પૂર્વેની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક સ્થિતિનો ચિતાર લેખિકાની વાર્તાઓની પશ્ચાદ્‌ભૂમાંથી મળે છે. ‘ધૂમકેતુ’, રા. વિ. પાઠક, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુન્દરમ્‌, ચુનીલાલ મડિયા જેવા વાર્તાકારોનાં સમયમાં થઈ ગયેલાં વિનોદિની નીલકંઠ મહિલાઓને કેન્દ્રમાં રાખી પોતાની નોંખી રીતે વાર્તાઓ લખે છે અને નારીજગતને પોતાના યુગથી ઉપર ઊઠીને આગવી રીતે આલેખે છે.

ટૂંકી વાર્તા વિશે વિનોદિની નીલકંઠની સમજ :

વિનોદિની નીલકંઠ પોતાની આજુબાજુ બનતી ઘટનાઓમાં વાર્તાને અનુરૂપ વસ્તુ જુએ અને ખાસ તો તે મહિલાઓ સાથે સંકળાયેલું હોય ત્યારે તે પોતાની સહજ શૈલીમાં તેને વાર્તામાં ઉતારે છે. પોતાની વાર્તાઓ વિશે વાત કરતાં ‘દિલ-દરિયાવનાં મોતી’ની પ્રસ્તાવનામાં લેખિકા કહે છે, “કોઈ વાર રસ્તામાં, મોટર-બસમાં, આગગાડીમાં, રેલવે સ્ટેશન ઉપર, ઇસ્પિતાલમાં, નદી કે દરિયા કાંઠે, અગર કોઈ મેળા કે મેળાવડામાં સંખ્યાબંધ માણસોની ઠઠ જામી હોય, ત્યારે મને વિચાર આવે છે કે દરેક માનવીના હૈયામાં સુખ દુઃખની વાર્તા છુપાયેલી હશે... જીવનમાં મેં જે જોયું, જાણ્યું, સાંભળ્યું કે અનુભવ્યું, તે આ સંગ્રહમાં વાર્તાઓ રૂપે વ્યક્ત કર્યું છે.

‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’નો પરિચય :

‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ સંગ્રહમાં ‘કાર્પાસી’થી શરૂ કરીને ‘કાંકરીઓ કુંભાર’ સુધીની વીસ વાર્તાઓ સમાવવામાં આવી છે. આ સંગ્રહના આરંભે બળવંતરાય ઠાકોર જેવા વિવેચકનો સ્વાગત લેખ છે. જે લેખિકાના પ્રથમ વાર્તાસંગ્રહને સાહિત્ય-જગતમાં મળેલા પ્રવેશનો સંકેત છે. કાર્પાસી અને અનલકુમારની પ્રણયકથા અને કાર્પાસીની રાખમાંથી નર્મદા કિનારે ઊગેલા કપાસના છોડની કાલ્પનિક કથા ‘કાર્પાસી’; પોતાના ખોવાયેલા પુત્ર જેવા દેખાતા બાળકને દત્તક લીધાં પછી પોતાનો પુત્ર મળી જવા છતાં દત્તક પુત્રને જ અગ્રતા આપતી માતા ગોમતીની ‘આંગળીથી નખ વેગળાં’ કહેવતને ખોટી પાડતી વાર્તા ‘સોમ અને મંગળ’; અચાનક જ વરસાદી રાત્રે આવી ચડેલાં સ્ત્રી-પુરુષ સવાર થતાં વારાફરતી ગુમ થઈ જાય છે. તેમનું આવવું-જવું મનુષ્યના જગતમાં આવવા-જવા સાથે જોડીને કથાને જુદું પરિમાણ આપતી વાર્તા ‘અજવાળી’, છૂટાછેડા માટે કોર્ટમાં પહેલી વાર પતિને મળીને તેના પ્રેમમાં પડી, પરિવાર વિરુદ્ધ જઈ પતિને પરણવા ભાગેલી સુશીલાની વાર્તા ‘છૂટાછેડામાંથી લગ્ન’; દરિયાકિનારે રજા ગાળવા બનાવેલા બંગલામાં માળી તરીકે નોકરીએ રહેલાં વેસતાનાં પરિવારથી પણ વિશેષ કૂતરાં માટેનાં લગાવની વાર્તા ‘કુટુંબ અને કબીલો’; હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજની અસંવેદનશીલતા અને ખ્રિસ્તી ધર્મની દયાળુતાની અનાથ આશ્રમમાંથી કાઢી મુકાયેલાં કથક દ્વારા કહેવાયેલી અનુભવકથા ‘હું કોણ?’; દીકરીને દીકરા તરીકે ઉછેરી અને મરતા પતિને રાજી રાખવા દીકરો જન્મ્યો છે એમ કહી વતનથી દૂર આસામ રહી દીકરીને ઉછેરતાં દિવાળીબેન અને તેની દીકરી કાંતિની વાર્તા ‘પુત્ર-જન્મ’; પોતે પત્રવ્યવહારથી જેના પ્રેમમાં પડ્યો છે તે શ્યામમોહિનીની ડૉક્ટરને પરણવાની ઇચ્છા પૂરી કરી શકે એ માટે પોતાની બદલે ડૉક્ટર શ્રીધરને મળવા મોકલનારા, પોતાના પ્રેમનું બલિદાન આપનારા સમીરની વાર્તા ‘અપરિચિતા’; સાહ્યબી ભોગવવા માટે પોતાનાથી ત્રીસ વર્ષ મોટી ઉંમરના નૌતમલાલ શેઠને પરણેલી અને શેઠનું મૃત્યુ થતાં મુક્તિ અનુભવતી ગિરિજાની વાર્તા ‘બંધન-મુક્તિ’; પતિને અંધારામાં રાખી બીજાંના બાળકને પતિનું જ સંતાન હોવાના ભ્રમમાં રાખનારી અને પુત્રના મૃત્યુ વખતે એ ભ્રમ તૂટતાં પાગલ થઈ ગયેલા પતિ માટે દુઃખ અનુભવતી પારૂની સંકુલ માનવસંબંધોની વાર્તા ‘બાપનું હૈયું’; બદ્રીનાથની જાતરામાંથી સસરાને મળેલાં અનાથ બાળકને સગા દીકરા જેવો જ પ્રેમ આપતી વહુ અને બદ્રીના મૃત્યુ પછી પોતાને ત્યાં બદ્રી પુત્ર તરીકે જન્મે તેવી કામના કરતી ચમત્કૃતિયુક્ત વાર્તા ‘બદ્રી-કેદાર’; પોતાનાં તમિળ મા-બાપથી ચાર વર્ષની ઉંમરે છૂટી પડી ગયેલી અને ગુજરાતી પરિવારે ઉછેરીને મોટી કરેલી દીકરીની વાર્તા ‘અનામિકા’; સાચી મોતીની માળા ન ખોવાય એ માટે પતિ, પત્ની અને શેઠાણી ત્રણેયે દાખવેલી સાવચેતીમાંથી હાસ્ય નિષ્પન્ન કરતી વાર્તા ‘મોતીની માળા’; પતિએ લખેલી નવલકથાઓથી પ્રસિદ્ધ થયેલી અને પતિના મૃત્યુ સાથે સર્જકત્વ પણ ગુમાવતી લેખિકાની વાર્તા ‘લવંગલતા’; સુખથી તરબતર જીવન ત્યજીને ભવિષ્યમાં આવનારું દુઃખ સહન કરવું પડે એ માટે સંન્યાસી બનનારાં વિચક્ષણ નારીની કથા ‘વીતરાગ’; જેને બહેનપણી માની હતી તે શિક્ષિકા દ્વારા પોતાની દીકરીનું અપહરણ અને ત્યાંથી ધીરજ અને સમજદારીથી પોલીસની મદદ મેળવી માતા પાસે પરત ફરતી દીકરીની નાટ્યાત્મક વળાંકો લેતી વાર્તા ‘બ્હેનપણી’; બાર વર્ષ પછી પિયર આવી શકેલી પાર્વતી એક સાથે પોતાનાં બધાં સ્વજનોનાં મૃત્યુ વિશે અને પોતાના ભાઈએ જ બહેન સરસ્વતી પર કરેલી કુદૃષ્ટિની વાત ભાઈના અંતિમ પત્રમાંથી જાણે છે. વાર્તાના અંતે પત્રમાંથી થતો ઘટસ્ફોટ લેખિકાએ વર્ષો પહેલાં હિંમતપૂર્વક નિરૂપ્યો છે તે વાર્તા ‘બાર બાર વર્ષે’; જેને પથ્થર માની હતી તે કુટુંબને ઉજાળનાર પુત્ર સમોવડી દીકરી ડૉક્ટર પવનકુમારીની વાર્તા ‘પહાણો’; પોતાને ત્યાં એક વરસાદી તોફાનમાં આવી ચડેલા બાળકને ઉછેરી તેના દીકરા માટે વાત્સલ્ય વહાવતી સ્ત્રીની વાર્તા ‘પારકો જણ્યો’; ગાંડો બનીને બધું સહી લેતો ગોવિન્દો પોતાની વિધવા બહેનના પોષણ માટે ઓરમાન ભાઈ પાસે ભાગ માંગીને આશ્ચર્યચકિત કરે છે તેવી નાટ્યાત્મક દૃશ્યોયુક્ત વાર્તા ‘કાંકરીઓ કુંભાર’ એમ દરેક વાર્તા એક નવું ભાવવિશ્વ લઈને આવે છે. આપણી પરંપરાગત વાર્તાની સમજથી થોડી જુદી પણ વિનોદિની નીલકંઠની નિજી મુદ્રા ઉપસાવતી આ વાર્તાઓ ભાવકને આકર્ષવામાં સ્હેજ પણ ઊણી ઊતરતી નથી.

વિનોદિની નીલકંઠની વાર્તાકલા :

વિનોદિની નીલકંઠનાં લખાણોમાં નારી કેન્દ્રસ્થાને છે. પણ અહીં ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’માંથી પસાર થતાં અનુભવાશે કે માત્ર નારીનું મહિમામંડન જ લેખિકાને અભિપ્રેત નથી. નારીનાં સારાં-નરસાં તમામ રૂપો તટસ્થપણે વાર્તામાં નિરૂપવાનો લેખિકાનો પ્રયાસ રહ્યો છે. ઘણી ખરી વાર્તાઓ બિનજરૂરી રીતે પ્રથમ પુરુષ કથક દ્વારા કહેવાઈ છે અને એ નિમિત્તે આરંભે અને અંતે લેખિકાએ વાર્તામાં હાજરી નોંધાવી છે. કેટલીક વાર્તાઓમાં ઘટના રસપ્રદ હોવા છતાં લંબાણનો અનુભવ થાય છે, ત્યાં વાત ક્યાંથી શરૂ કરવી તેનો વિવેક ન જળવાયો હોવાનું અનુભવાય છે. તેમ છતાં દરેક વાર્તા તાજગીસભર વિષય લઈને આવે છે. ગાંધીજી, મહાદેવભાઈની જેલયાત્રાનાં વર્ણનો, અમદાવાદના વિસ્તારોના ઉલ્લેખ આ વાર્તાઓને એક નવું પરિમાણ આપે છે. કેટલીક વાર્તાઓમાં પાત્રોનાં જીવંત ચિત્રણ આકર્ષક બન્યાં છે. વાર્તાને અનુરૂપ વિશિષ્ટ ગદ્યના નમૂનાઓ ઓછા પણ અમુક અમુક જગ્યાએ ચમકારા જેમ મળ્યાં છે. વાર્તામાં ચમત્કૃતિનો વિનિયોગ લેખિકા અસરકારક રીતે કરી શકે છે. અનેક વાર્તાઓમાં નાટ્યાત્મક વળાંકો સરસ રીતે નિરૂપાયા છે. ‘બ્હેનપણી’ કે ‘કાંકરીઓ કુંભાર’ જેવી વાર્તાઓ બહુ ઓછા ફેરફારો સાથે ભજવી શકાય તેવી છે. લેખિકાનો રંગભૂમિ સાથેનો નાતો તેમને વાર્તાઓમાં પરોક્ષ રૂપે ઉપયોગી થયો છે. ભવિષ્યમાં લેખિકાની આ વિશિષ્ટ શૈલીને કારણે જ તેમની વાર્તા પરથી સરસ ફિલ્મ બનવાની છે, તેના સંકેતો આ સંગ્રહની વાર્તાઓમાં જોઈ શકાય છે. કથક અનેક વાર્તાઓના અંતે ‘આ ઘટના તો વાર્તા લખી શકાય તેવી છે’ એમ કહી વાર્તામાં પોતાની બોલકી હાજરી પુરાવે છે. જો કે વિષયવૈવિધ્યની દૃષ્ટિએ તેમ જ નારીકેન્દ્રી વિશિષ્ટ વાર્તાઓ તરીકે આ વાર્તાઓ નોંધપાત્ર છે. સમર્થ સર્જકો વચ્ચે પોતાની સહજ શૈલીમાં લખતાં વાર્તાકાર પાસે નિરાળું ભાવવિશ્વ છે, જે તેને અન્ય સર્જકોથી અલગ પાડે છે. વિનોદિની નીલકંઠની વાર્તા વિશે વિવેચકો : “વાર્તાકાર તરીકે એમણે, સહજતયા સ્ત્રીનાં સાંસારિક જીવનનાં બાળપણ, ઉછેર, કેળવણી-શિક્ષણ, પ્રેમ, લગ્ન, માતૃત્વ, વૈધવ્ય, પુનર્વિવાહ – જેવાં પાસાંને વિષયવસ્તુ તરીકે આલેખ્યાં છે.” – શરીફા વીજળીવાળા
“સર્જનાત્મક ભાષાકર્મના આગ્રહી સંપાદકો આ વાર્તાઓની વિધાયક ભાવનાસૃષ્ટિની કદર કરી શક્યા નથી.” – રઘુવીર ચૌધરી
“માનવતાવાદી અભિગમ વિનોદિનીબહેનની નવલિકાઓનું મુખ્ય લક્ષણ છે.” – રઘુવીર ચૌધરી
“એમનાં લખાણોનું મુખ્ય આકર્ષણ, તેમાં સ્પર્શાતા સૂચવાતા વિષયો ઉપરાંત, એમની શૈલી છે.” – બળવંતરાય ઠાકોર

સંદર્ભ :

૧. ‘વિનોદિની નીલકંઠની સાહિત્યસૃષ્ટિ’, નીલકંઠ, વિનોદિની; પ્રથમ આવૃત્તિ : ૨૦૦૭; પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
૨. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-૬’, સં. દવે, રમેશ ર., દેસાઈ પારૂલ કંદર્પ; પ્રથમ આવૃત્તિ : ૨૦૦૬; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.

શ્રી વીરેન પંડ્યા
કવિ
ગુજરાતીના અધ્યાપક,
ગઢડા સરકારી વિનયન કૉલેજ
મો. ૯૪૨૮૪ ૩૧૮૧૬