ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સરોજ પાઠક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સરોજ પાઠકની વાર્તાઓ

નીતા જોશી

GTVI Image 58 Saroj Pathak.png

નામ : સરોજ પાઠક, ઉપનામ : વાચા
જન્મ : ૧ જૂન ૧૯૨૯ (કચ્છ –જખૌ) – મૃત્યુ : ૧૬ એપ્રિલ ૧૯૮૯ (બારડોલી)
પિતા : નારણદાસ ઉદ્દેશી, માતા : રતનબાઈ
પતિ : રમણલાલ પાઠક, પુત્રી : શર્વરી
વ્યવસાય : અધ્યાપક (બારડોલી કૉલેજ)
(૧૯૫૬/૫૭માં આકાશવાણી સાથે સંકળાયેલાં હતાં અને ૧૯૫૭/૫૮માં સોવિયેત માહિતીસેવા સાથે સંકળાયેલાં)
સાહિત્ય સર્જન
નવલકથા :
‘નિઃશેષ’ (૧૯૮૦), ‘નાઈટમેર’ (૧૯૮૨), ‘ઉપનાયક’ (૧૯૮૬), ‘વન્સમોર’ (૧૯૮૭)
નિબંધ સંગ્રહો :
‘સાંસારિકા’, ‘અર્વાચિના’
સરોજ પાઠકની સમગ્ર વાર્તાસૃષ્ટિ :
‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ (૧૯૫૯), ‘પ્રીત બંધાણી’ (૧૯૬૧માં રમણ પાઠક અને સરોજ પાઠક), ‘મારો અસબાબ મારો રાગ’ (૧૯૬૬), ‘વિરાટ ટપકું’ (૧૯૬૬), ‘તથાસ્તુ’ (૧૯૭૨), ‘હુકમનો એક્કો’ (૧૯૮૭), ‘હું જીવું છું...!’ (૧૯૯૦ મરણોત્તર વાર્તાસંગ્રહ)
સંપાદન
‘સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ’, સંપાદન-આસ્વાદ (ડૉ. દિલાવરસિંહ જાડેજા-રમણલાલ પાઠક), શબ્દલોક પ્રકાશન, અમદાવાદ
‘સરોજ પાઠકની પ્રતિનિધિ વાર્તાઓ’, સંપાદક : રમણ પાઠક ‘વાચસ્પતિ’, ભારતી રાણે, શબ્દલોક પ્રકાશન, અમદાવાદ
‘વાર્તા વિશેષ’ સરોજ પાઠક, સંપાદન : શરીફા વીજળીવાળા, અરૂણોદય પ્રકાશન
પુરસ્કાર :
‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ વાર્તાસંગ્રહને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષક
‘વિરાટ ટપકું’ વાર્તાસંગ્રહને ગુજરાત સરકારનું દ્વિતીય પારિતોષક

પ્રયોગશીલ વાર્તાકાર સરોજ પાઠક ગુજરાતી સાહિત્યનાં નોંધપાત્ર વાર્તાકાર છે. એમણે નવલકથા, નિબંધ અને અનુવાદ પણ આપેલ છે. એમણે કેટલીક વાર્તાઓ પરંપરાથી જુદી રીતે આલેખી અને પ્રયોગ કર્યા છે એવું એમની કથનરીતિના પ્રયોગોના આધારે કહી શકાય. એમણે કરેલા શૈલીગત પ્રયોગોના કારણે એ વધુ ચર્ચિત રહ્યાં છે. પરંપરાથી હટીને, રીતિરિવાજોમાંથી બહાર નીકળી વાર્તાઓ બનાવવાનું જોખમ એ ખેડી જાણ્યાં છે. પતિ રમણ પાઠક હાસ્યકાર અને વાર્તાકાર. જે વાચસ્પતિ અને વાચા તખલ્લુસથી બન્ને ઓળખાય. સરોજ પાઠકની પ્રથમ વાર્તા ‘નહીં અંધારું નહીં અજવાળું’ ‘જીવન માધુરી’માં પ્રગટ થઈ. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ ૧૯૫૯માં મળે છે અને આ સંગ્રહને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષક મળે છે. પંદર વાર્તાઓનો આ સંગ્રહ છે જેમાંની એક વાર્તા ‘સારિકા પંજરસ્થા’ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. સ્ત્રીના શોષણ અને મનોવેદનાની વાત કરતી આ વાર્તાની નાયિકા સારિકા જેને પોતાની પસંદ અને ઇચ્છાઓ છે પરંતુ પિતા અને પતિ પોતાની ઇચ્છા થોપે છે અને એ પોતાનું આકાશ ગુમાવતી જાય છે. આખી વાર્તામાં પુરુષ વર્ચસ્વની વાત છે અને સમજદાર નારીની વિવશતા છે. આ આખી વાત આરંભથી જ પ્રતીક અને દૃશ્યના ઉપયોગથી રચાઈ છે. લખે છે –

GTVI Image 59 Prem Ghata Juk Aayi.png

‘સમુદ્રનું મોજું ઉલેચાયું... અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું ...આ તો ...એ ...પડ્યું ....એ ...પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ... ઓહ...આ તો ખડક પર પટકાયું ...ફીણ ...ફીણ ...ફીણ...!’ ‘ઓહ... મારા કપાળ પર સ્લેટ કોણે મારી? લોહી... લોહી... લોહી...’ સારિકા કપાળે હાથ ફેરવવા લાગી. ખાટલે સૂતેલી માંદી સારિકા જાણે આઠનવ વર્ષની બાળકી બની ગઈ.’ વૃદ્ધત્વ અને બાળપણને જોડવાની એમની કુનેહ સાથે ભૂતકાળ અને વર્તમાન સમય સાથે કામ લેવાની કળા પણ ગજબ છે. આરંભની આ વાર્તા છે. અને કેવળ સમસ્યા કે પરિસ્થિતિનું બયાન નથી વાર્તાકાર નાના નાના સંવેદનો બારિકાઈથી ગૂંથે છે. નારીના મનઃ સંચલનો એક અર્ધ જાગ્રત દર્દી અવસ્થાના અસ્તવ્યસ્ત ઉદ્‌ગારો વડે નિરુપિત કર્યા છે. વળી સ્ત્રીની મનોદશા સાથે ભદ્ર વર્ગના દંભી વ્યવહારો પણ સાથે સાથે જ ખૂલે છે. એક દંભી પ્રતિષ્ઠા તળે કેટકેટલા નૈતિક ભાવોનું હનન થતું હશે? એ વાત પણ અહીં પ્રયોજાય છે. વળી વાર્તાકારે પ્રતીકો પાસેથી પણ એટલું જ કામ પાર પાડ્યું છે. પીંજરું આમ તો પંખીનું જ હોય! સુરક્ષા માટે નહીં શોભા માટે. અહીં નાયિકાનું પીંજર બદલાયા કરે છે. જ્યારે એ બીમારીના બીછાને છે. દર્દી તોફાન મચાવે કે નાસભાગ કરે એવી સ્થિતિમાં હૉસ્પિટલમાં એમના પલંગ ઉપર પીંજરું ઢાળી દેવામાં આવે છે. અહીં સારિકાના પલંગ ઉપર પણ આવું પીંજરું ઢાળવામાં આવે છે પરંતુ એ તો ખાલી સ્થૂળ. સારિકા ઊડી ન શકે એટલે કેટકેટલાં પીંજરામાંથી પસાર થઈ છે એ વાત મૂકવાની કળા એટલે ‘સારિકા પંજરસ્થ’ આ વાર્તાસંગ્રહની ભૂમિકા ગુલાબદાસ બ્રોકરે વિસ્તારે લખી છે. આરંભમાં જ લખ્યું છે કે ‘આપણા ટૂંકી વાર્તાના સાહિત્યમાં હમણાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક આવકારદાયક બીના બની છે. એ છે એ ક્ષેત્રમાં થયેલું થોડી શક્તિશાળી સ્ત્રીઓનું આગમન.’ પ્રથમ વાર્તાસંગ્રહની પહેલી જ વાર્તા ‘રૂપેરી પડદો’ વિશે લખતાં ગુલાબદાસ બ્રોકર લખે છે ‘તે વાર્તાની નાયિકા બેલાની રૂપેરી પડદા ઉપરની આસમાની સૃષ્ટિનું ઘેલછાભર્યું નિરીક્ષણ કરી કરીને બહેકી ગયેલી કાલ્પનિક સૃષ્ટિની નિરર્થકતાનું, અને એ નિરર્થકતાને અંગે અનિવાર્ય બની જતી નિરાશ દશાનું નિરૂપણ લેખિકાએ જે નાજુકાઈથી સંયમપૂર્વક અને સમજણભરી રીતે કર્યુ છે તે આપણને આપણાં મોટાં મોટાં શહેરોમાં વસતી આવી અનેક બેલાઓનાં અંતરમાં સહેલાઈથી પ્રવેશ કરાવી આપે, અને તેમને જોવા-સમજવાની સમભાવભરી દૃષ્ટિ આપે એવું સમર્થ છે.’ સરોજ પાઠકની વાર્તામાં આ રૂપેરી પરદાનો પ્રભાવ ઘણી બધી વાર્તાઓમાં ઝીલાયો છે. અને એમનો ફિલ્મી ગાયનો માટેનો લગાવ પણ ગીતોની પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે –

GTVI Image 60 Preet Bandhani.png

‘તન ડોલે મન ડોલે’
‘ગોરે ગોરે બાંકે છોરે’
‘દો હંસોકા જોડા બિછડ ગયો રે’
‘પૂછો ન કૈસે મૈંને રૈન બીતાઈ’
‘જો તુમ તોડો પિયા મેં નહીં તોડું’

અને બોલી સાથેના પ્રયોગો પણ અનેક વાર્તાઓમાં જોવા મળે છે. ‘સાત સાત વર્ષે’ વાર્તામાં પ્રોફેસર પતિ અને એમની ગામડિયણ પત્નીનો ભાષા સંવાદ રમૂજ કરાવે એટલી જ વ્યથા પણ ઉપજાવે એવી રીતે રચાયો છે. ‘પણ તમને ઘરમાં ગોઠે છે જ ક્યાં? બહારથી આવો ત્યારે મોઢું હસું હસું થાય ને, ઘરને ઉંબરે પગ મૂકો કે તરત મોઢું ચઢાવીને ચોપડીમાં મોં ઘાલી રો’ અને સામે પ્રોફેસર પતિની ભાષા – ‘તું સંસ્કારી ઘરમાં રહે છે, ભણેલા પતિની તું પત્ની છે. તારે મહેમાનોનું હસતે મોંએ સ્વાગત કરવું જોઈએ. સાહિત્ય વિશે ભલે તું ન જાણે, પણ ઘરમાં આટઆટલી વાંચવાની ચોપડીઓ, નવલકથા, માસિકો, છાપાંઓ છે, તેમાં મન લગાડી રસ કેળવવો જોઈએ.’

GTVI Image 61 Maro Asabab Maro Rag.png

આ વાર્તાની ભાષા પ્રયુક્તિ જેમાં ટીખળ, ઘૃણા અને પ્રેમ જેવી ભાવનાઓ આલેખી છે અને અંત પણ સુંદર આપી વાર્તાને કરુણ બની જતાં બચાવી છે. વાર્તા ‘રાવ કોને કરીએ?’માં પણ કાઠિયાવાડી લહેકાઓથી વાતાવરણ બાંધ્યું છે.

GTVI Image 62 Virat Tapakum.png

‘લાકડાં ભેગાં કરતાં વાર જ નો લાગી હોં! લાકડાં પડ્યાં જ’તાં ને, આંઈ-તંઈ, તી ભેગાં થતાંની વાર માલિકોર પલીતો ચંપાતાં વાર કેટલી? ને ...લ્યો તમતમારે, એ ....ઈ ને હોળી ભડ ભડ ચેતી ગઈ! કરો તાપણું ને શેકો તમારા જીવતર ને!’ અને ‘મારા ચરણ કળણમાં એટલે એક્‌સ્ટસી’ જેવી વાર્તામાં સંસ્કૃતનિષ્ઠ સંવાદો/વિવરણો આપ્યાં છે. જેમ કે – ‘માલિનીતટ પર આ વનશ્રી ઊભી છે. રેતાળ કિનારે હંસયુગલો લીન છે. શાંત વિશ્વસ્ત મૃગયુગલો ધનુષ ટંકારથી અપરિચિત છે. ભોળી ઋષિકન્યાઓ કૃતક પુત્રને લાડ લડાવે એમાં આ છે કમલિની – વલ્કલથી આચ્છાદિત વનકન્યકા.’ અને એવો જ બોલીનો પ્રયોગ ‘સૌગંધ’ વાર્તામાં થયો છે. જેમાં યુપી અને બિહારી ઉચ્ચારણો અને લહેકાથી એક શ્રમિક વર્ગનો માહોલ બનાવ્યો છે.

GTVI Image 63 Hum Jivu chhum.png

‘પૂરબીને ગુણી આદમીની કદર આંગન દુઆરમાં જ થઈ ગઈ કે આ ‘ભોલો’ લાલ ચુનરનો ભંવરો તો નથી જ નથી. લાડ–દુઆરમાં એક બચ્ચા જેવો, દૂધમૂહા બછડા જેવો, અને રખવાળીમાં બાઘકુત્તા જેવો. મજાલ કોઈની કે એની માલકનનું આંગન કોઈ બિના ખયાલ પાર કરે, બિના મરજી કોઈ હિલે ડૂલે યા સૂંઘે!’ ‘કિસ્સો એક કૃપાનો’ એ વાર્તામાં પણ – આ તે કેવું ઘર ને આ તે કેવો વર? જેવી કાવ્યાત્મક વાક્યરચનાઓ બનાવી વાતને રસિક બનાવે છે. આ બધી વિશેષતાઓના કારણે પણ વધુ આવકાર્ય બન્યાં છે. એમનું ભાવ વિશ્વ બહોળું છે. જેમાં નિરપેક્ષ ભાવે વાર્તાઓ કહેવાઈ છે. સ્ત્રીમાનસ કેવળ લાચારીભર્યુ નહીં પણ વિદ્રોહી અને સબળ પણ આલેખાયું છે કે પછી પુરુષ એટલે શોષક જ નહિ સંવેદનશીલ અને સ્ત્રીનો હમદર્દ પણ બની રહ્યો છે. એમની વાર્તામાં પ્રેમ, ઘૃણા, ઈર્ષા, વેર, વફા, બેવફાઈ, મનનાં ગોપનિય રહસ્યો, ઇચ્છાઓ-આકાંક્ષાઓનું વિશ્વ રચાયું છે. સાત વાર્તાસંગ્રહમાં ૧૨૨ જેટલી વાર્તાઓ આપનાર સરોજ પાઠકનો બીજો વાર્તાસંગ્રહ ‘પ્રીત બંધાણી’ રમણ પાઠક સાથે સંયુક્ત ઉપક્રમે મળે છે. જે વાર્તાસંગ્રહમાં કુલ અઢાર વાર્તાઓનો સમાવેશ છે. જેમાંની નવ વાર્તાઓ સરોજ પાઠક લિખિત છે. મનોવાસ્તવને આલેખતી અને રહસ્યોને સાચવતી વાર્તાઓ પણ છે ‘હરિનો મારગ’ સ્ત્રીની ચાતુરી, અસહાયતા કે પછી નિર્ભિકતા દર્શાવતી વાર્તા છે. આ સંગ્રહની બીજી વાર્તા ‘બબ્બુનો પ્રશ્ન’ પણ કિશોર વયની મનોભૂમિ વ્યક્ત કરે છે અને આ વાર્તાની સંવાદ કળા નોંધપાત્ર છે. જેમ કે – ‘છૂટાછેડા બીજું શું?’ બબ્બુએ મગજને તૈયાર કર્યુ. નવો શબ્દ નોંધી લીધોઃ ‘છૂ...ટા...છેડા.’ ‘ના રે ના! મેં તો સાંભળ્યું છે કે એની એ એકની એક છોકરી છે કે એની એ એકની એક છોકરી છે. બાપે હવે કો’ક ગોતી કાઢ્યો છે. ચાલચલગત છોકરીની એવી, એટલે ગમે તેવો ...પરણાવી દેશે.’

GTVI Image 64 Hukamnao Ekko.png

શાંતામાસી જોરથી હસ્યાં, ‘ચાલચલગત શું એમાં? એ તો પ્રેમ.’ બબ્બુ રમત વેરીને ભાગ્યો : ‘છૂટાછેડા!’ ‘ચાલચલગત!’ બાપરે! કેવા અટપટા અને અઘરા શબ્દો! ક્યાંક પોતે વધુ વાતો સાંભળે તો પેલા શબ્દો ખોવાઈ જાય, ભૂલાઈ જાય. પપ્પા તો કદાચ છેક સવારે જ આવવાના. વારંવાર કોને ઘેર જતા હતા અને તેય રાતે? કોને ત્યાં? શું પેલો શબ્દ? ‘ર’ થી શરૂ થતો હતો કંઈ! શું નામ એનું? કંઈક ‘ખાવા’ જેવું આવતું’તું. ‘રખાવા’ ‘રખાતા’ નહીં ‘રખાતા’ ના ના. ‘તો’ હશે . બરાબર ‘રખાતો’ ચાલ ઝટ, બાને જ પૂછી જોઈશ.’ કે પછી અન્ય વાર્તામાં ‘શોષણખોરી! માત્ર પેટ, આત્મા નહીં!’ જેવા વ્યંગ્ય છે.

GTVI Image 65 Saroj Pathakani Pratinidhi Vartao.png

વાર્તમાં પરિવેશ બાંધવાની કુનેહ પણ અજબ છે, એક નાના ફ્કરામાં સુખની વ્યાખ્યા આપી છે એનું ઉદાહરણ – ‘ત્યારે જીવનમાં કોઈ અસુખ નહોતું. માથે છાપરું હતું. ઊંઘ આવવામાં મુશ્કેલી ન પડે એમ બે ટંક પેટ ભરીને ભોજન સૌને મળતું હતું. માથાના ધોળા વાળ આવી જાય એવી કોઈ જવાબદારી કે ચિંતા માથે નહોતી. ભણેલી, સમજદાર, સારી અને ઘરરખ્ખુ પત્ની હતી. સરસ બાળકો હતાં. નાનકડા કુટુંબના ખોબો ભરી શકાય એટલા આનંદો હતા, મિત્રો હતા, ગૃહસ્થ તરીકેની આબરૂ હતી, પ્રતિષ્ઠા હતી. જીવનમાં શું નહોતું? ત્યારે એ નંદનવનમાં આ હોનારત ક્યાંથી? વર્ણનની તીવ્રતા દર્શાવવા માટે શબ્દ ચયન પણ સરસ રીતે પ્રયોજાયા છે.

GTVI Image 66 Varta Vishesh.png

સરોજ પાઠકની વાર્તાઓમાં સ્ત્રીની નજરે સ્ત્રી છે, સ્ત્રીની નજરે પુરુષ છે એમ સ્ત્રીની અંદર રહેલી બીજી સ્ત્રી પણ છે. ૧૯૬૬માં ‘મારો અસબાબ મારો રાગ’ જેમાંની શીર્ષકવાર્તા સ્ત્રીઓનો અપેક્ષા ભંગ કરતી વાર્તા બની છે. વાત દામ્પત્ય જીવનની જ છે. સ્ત્રીનો અહમ્‌ કે ઘર એના થકી સચવાય છે અને એ ન હોય તો પુરુષને સમજાય કે ઘર કેમ ચાલે? એ અહમ્‌નું ખંડન અહીં નાયક કરે છે પરંતુ પ્રતિશોધ કે બતાવી દેવાની ભાવનાથી નહીં, પ્રેમથી જ. આ વાર્તાથી એવું પણ ફલિત થાય કે સરોજ પાઠક સ્ત્રી અને પુરુષની સંવેદના સમાંતરે અનુભવી શકે છે. સ્ત્રીને કેવળ સહાનુભૂતિથી જોવાનું એમણે પસંદ કર્યુ નથી. એમ પુરુષની કઠોરતાને પણ અનેક વાર્તાઓથી નકારી છે. આજ વર્ષમાં ‘વિરાટ ટપકું‘ વાર્તાસંગ્રહ આપે છે જે સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર બની રહે છે. આ વાર્તા સંગ્રહની ભૂમિકા ‘સ્પોટલાઇટ’ શીર્ષકથી જયંત ખત્રી લખે છે અને વિસ્તારે લખે છે. ‘આ સંગ્રહની મોટા ભાગની નવલિકાઓમાં, પોતાનું આગવું એવું સર્જકનું દર્શન એમને સાંપડ્યું છે. અને જે સ્થિતિમાં સાંપડ્યું છે તેવું ને તેવું, બુદ્ધિપૂર્વક્ની સમજદારીની દલીલો કે પાંડિત્યના શણગારથી એને ઓપ ચડાવવાની લાલચને વશ થયા વિના રજૂ કર્યુ છે. એ સરોજ પાઠક્ની નોંધપાત્ર વિશિષ્ટતા છે. એમની આ સંગ્રહમાંની નવલિકાઓ જેવી કે, ‘વિરાટ ટપકું’, ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’, ‘દુષ્ચક્ર’ એટલી બધી આયાસહીન અને સાહજિક છે, દબદબાનો ખપપૂરતો (છતાં ય કેટલો બધો) અભાવ છે, કે આ સાહિત્યના પ્રકારમાં આ હોવું જોઈએ અને આ ન હોવું જોઈએ એવા આગ્રહના ગૂંચવાડામાં પડી ગયેલા આપણા વિવેચકો આપણા સાહિત્યમાં બેનમૂન એવી એક બે સરોજ પાઠકની નવલિકાઓની નોંધ લેતાં ચૂક્યા છે.’ ‘વિરાટ ટપકું’ આ સંગ્રહની અને આપણા નવલિકા સાહિત્યની એક બેનમૂન કૃતિ છે.’

GTVI Image 67 Saroj Pathakani Shresth Vartao.png

આ નવલિકા આમ તો ઘટનાલોપની કથા છે. સ્થૂળ અને સૂક્ષ્મ, લઘુ અને વિરાટ, વાસ્તવ અને અવાસ્તવ બધું જ અલગ છતાં એકમેક સાથે સંલગ્ન છે અને બધાંનો સુમેળ છે એવું એ વ્યક્ત કરે છે. વાર્તામાં અનુભૂતિની તીવ્રતા છે. ઍબસ્ટ્રેક્ટ શૈલીથી લખાયેલી પણ કહી શકાય. નવલિકાનું એક ઉદાહરણ લઈએ– ‘લાખો જન્મ જેટલો સમય ઘડિયાળને બાઝીને બેઠો છે. બચીઓ ભરું છું ઘડિયાળને પણ એની ગતિને ગરમ કરી શકાતી નથી. એક પછી એક ગાડીનો ડબ્બો પસાર થઈ જાય છે. ધક, ધક ધરતી સાથે કચડાતા છુંદાતા વિચારો શાંત થઈ જાય છે. અને ચપ ચપ કરતું ‘હું’ પાળેલ કૂતરાની જેમ આ ઓરડાની બહાર ચંપલ ઘસડતું આવીને ઊભું રહી જાય છે...’ લેખિકાને શૈલી જેટલો જ નવિનતાનો મોહ છે એટલે એ વાર્તાને પરંપરિત શૈલીથી હટીને નૂતનતા બક્ષે છે. ‘વિરાટ ટપકું’ની એકથી વધારે વાર્તા નોંધપાત્ર બની છે. ‘ન કૌંસમાં ન કૌંસ બહાર’ પણ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર વાર્તા બની છે. વાર્તાસંગ્રહના આરંભે ઉમાશંકર જોશીનો પત્રાંશ પણ મૂક્યો છે. [શ્રી ઉમાશંકર જોશીના પત્રમાંથી એક વાર્તા વિશે થોડુંક] બેન સરોજબેન, ...અને વાર્તા મળી. (ન કૌંસમાં ન કૌંસ બહાર.) વાર્તા ખરે જ મને ખૂબ ગમી. તમે બેન શુચિના મનનાં એકમેક્થી વિરુદ્ધનાં ખેંચાણો અત્યંત માર્દવપૂર્વક અને સુરેખપણે પ્રગટ કર્યા છે. અકથિતને અકથિત જ રાખ્યું છે. અને એને જ, તેમ છતાં મુખ્યતા આપી છે. ‘પ્રેત’ શબ્દ આરંભમાં કંઈક સ્થૂલ ભાસતો હતો તે કેટલા સૂક્ષ્મ અર્થ સાથે અંતમાં છતો થાય છે. એ ગઈ વાતો, પેલો માણસ જીવતો છતાં ‘પ્રેત’ જ, આ લોકમાં જ પરલોકવાસી. શુચિદેવીના આતિથ્યપ્રેમનું કારણ પણ બહુ મુલાયમ રીતે નિર્દેશાયું છે. આતિથ્યવેઠ જેમ એના જીવનમાં નથી, તેમ જીવનની બીજી બધી પણ કંઈ વેઠ છે એમ નથી. અને સાથે જ આ બધું જીવન એણે ઊભું કર્યુ છે એ પણ જૂઠ નથી. બંને જીવનવહેણોમાં જે એને માટે સત્ય છે તેની ઉપર વાર્તા પ્રકાશ પાડે છે અને ભારે સમતોલપણે એ સત્યની માવજત કરે છે. તમને આ વાર્તા માટે અભિનંદન. ઉમાશંકર જોશીના વં. મા. આ વાર્તા વિશે શરીફા વીજળીવાળાએ પણ વિસ્તારે વાત મૂકી છે જે યુ ટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત નવજીવન Talks અંતર્ગત નિયતી અંતાણીનો વાર્તાલાપ પણ સરોજ પાઠકની અનેક વાર્તાઓને ખોલી આપે છે. ‘ન કૌંસમાં ન કૌંસની બહાર’ વાર્તા વિશે વિસ્તારથી વિવેચકોએ પણ આસ્વાદ કરાવ્યો છે. આ વાર્તા એની કથનરીતિના કારણે અલગ પડે છે. વાર્તામાં નાયિકાનો ગોપનીય પ્રેમ વ્યવહારોમાં કેવી રીતે મુખર બનીને આવે છે એ વાત કુશળતાથી મૂકાઈ છે. શૂચિની એકોક્તિ એ આંતરમનનો સંવાદ છે. નાયિકાનું મનોમંથન છે. ભૂતકાળનો પ્રેમ અંદર ધરબાવીને રાખ્યો છે. પતિ અને સંતાનો સાથેના જીવનમાં વફાદાર દેખાતી શૂચિની ઝંખના કોઈ ઘટના સાથે જાગ્રત થાય છે. પણ એ પ્રતીક્ષા શબ્દો દ્વારા વ્યક્ત નથી થતી એ નાના મોટા રોજિંદા વ્યવહારોથી સ્પષ્ટ થાય છે. આમ અંદર અને બહાર બન્ને રીતે જીવતી એક નારી મનની આ કથા છે. કથન પ્રયુક્તિની નવીનતા વાર્તાને સારી બનાવવામાં મદદરૂપ છે. સરોજ પાઠકની વાર્તાઓ સામાજિક એટલી જ મનોવૈજ્ઞાનિક છે. માનવ જીવનમાં સંબંધોની ભુલભુલામણી અને રહસ્યભરેલા રહી જતા અધૂરા સંબંધોની વાતો છે. અંતરમનનો તાગ અહીં એકોક્તિ દ્વારા કે પછી નાયક/નાયિકાના વ્યવહારો દ્વારા સ્પષ્ટ થાય છે. ઘટનાલોપની વાર્તાઓ ક્યારેક વર્ણનમાં સરી જઈ વાર્તા રસ ગુમાવી દેતી પણ અનુભવાય. એક જ વાર્તામાં વર્ણનોની પ્રાચીન અને અર્વાચીન પ્રયુક્તિઓથી સ્ત્રી-પુરુષના સંબંધોની વિષમતા ‘મારા ચરણ કળણમાં એટલે એક્‌સ્ટસી’ જેવી વાર્તામાં પ્રયોજાઈ છે. જેમ કે ‘એ અનાઘ્રાત પુષ્પ, અનાવિદ્ધ, રત્ન મારે માટે હતું... પ્રભાતકાલીન નવમલ્લિકા... ચિનાંશુકની પારદર્શક મુલાયમ આભાયુકત ઉત્તુંગ વક્ષપ્રદેશ ...લલાટપટે મનઃશિલાનો ચાંદલો અનુરાગ પ્રદીપની જેમ ઝળકતો હતો... સંધ્યાકાલીન મેઘાડંબરશો કેશરાશિ... ઇત્યાદિ’ કાલિદાસીય પ્રશિષ્ટ વાગ વૈભવઃ તો સામે પક્ષે, ‘હું હડકાયા કૂતરા જેવો... અહોતો... એબનોર્મલ... નથી..તું શાહમૃગ છે, શાહુડી છે, ભૂંડણ... ભૂંડણ ...ભૂતડી ...સુવ્વરડી ...ખુદાની તોબાહ ઇત્યાદિ’ આમ એક જ ભાષામાં ગદ્યના જુદાજુદા ધ્વનિ જોડે મૂકી વિચિત્ર સંયોગ નીપજાવ્યો છે. પ્રેમમાં સ્ત્રી-પુરુષની મનોદશા, પ્રેમમાં ઈર્ષા, હતાશા, આનંદ અને નિરાશા છે. એમાં પણ જો વૈરભાવ ઉમેરાય તો પ્રેમ ઝેર સમાન સાબિત થઈ રહે છે. પછી હત્યા અને આત્મહત્યા જેવાં કાવતરાં રચાય અને જીવન છિન્નભિન્ન બની જાય એવી કરુણ કથા આ બની રહી છે. આ વાર્તા સંગ્રહની ‘દુશ્ચક્ર’ વાર્તા એક વ્યવસાય સાથે જોડાતી સંબંધની કથા છે. એક સમયે જ્યારે દરજી ઘરે બોલાવવામાં આવતા અને પૂરા પરિવારનાં કપડાં સાથે સીવાતાં આમ વ્યવસાય સાથે ઘરૈલું ભાવ સધાતો. લેખિકાએ આવા દરજીની એકપક્ષીય ભાવ આલેખતી વાર્તા માંડી છે. આમ તો આવા વિષય ઉપર ફિલ્મો પણ બની છે. પરંતુ લેખિકાએ અહીં એક દરજીના મનના તરંગો આબેહૂબ ઝીલ્યા છે. વીરજી નામે લેડીઝ ટેલર અને અવંતી નામની બાર તેર વર્ષની કન્યાનાં કપડાં સીવતાં સીવતાં જે સૂચનો થાય એનું નિરીક્ષણ આબેહૂબ છે. અવંતી તો વયથી નાની છે. પણ વીરજીને એના માટે આકર્ષણ છે. અવંતી સહજ ભાવે જે સૂચનો આપે. જેમ કે, ‘જુઓ ગળું એકદમ નીચું – એક જ બટન ભિડાય એટલું, અને બાકીના કપડાની ગાંઠ વાળવાની... અને આ ચીકનના બ્લાઉઝમાં પાછળ બટન કરો ત્યારે ઉપર અને નીચે બબ્બે બટન જેટલી જગ્યામાં ફૂમતાં કરવાનાં છે, એટલે એટલી જગ્યા ત્રિકોણાકારે ખુલ્લી રાખવાની.’ આમ સ્ત્રીઓના દરજી સાથેના સહજ સંવાદોનો પણ અહીં આ રીતે ઉલ્લેખ થાય છે. સ્ત્રીઓ તો દરજી સામે પોતાનો દેહ ધરી દે છે. પરંતુ વીરજી જેવા દરજીના મનમાં ભાવોના અનર્થભર્યા સંદર્ભો ઉત્પન્ન થવા માંડે છે અને અહીં અવંતી સાથે એ એકપક્ષીય જોડાણ અનુભવે છે. અવંતી કન્યા મટી યુવતી બને છે વીરજી જેનાં વસ્ત્રોમાંથી પમરાટ અનુભવતો હતો, હવે એ સાસરે જવાની છે અને વીરજીનું હૃદય ચૂર ચૂર છે. અવંતીનાં લગ્ન અને વીરજીનો ઉદ્વેગ. એ સાથે સમાંતરે બીજું દૃશ્ય દરજી દરજી વચ્ચેના હાસ-ઉપહાસનો છે. અંતે વીરજી લેડીઝ કામ કરવાની ના કહી અન્ય જેન્ટસ વિભાગમાં ચાલ્યો જાય છે. આ કથાબીજ આમ તો નજીકનું. પરંતુ લેખિકાએ અહીં સંવાદો અને ચરિત્રોને સુંદર રીતે પરોવ્યાં છે. સ્વ. જયંત ખત્રીએ શ્રીમતી સરોજ પાઠક પરના એક પત્રમાં ‘દુશ્ચક્ર’ વિશે વ્યક્ત કરેલા પ્રતિભાવમાંથી કેટલોક મહત્ત્વનો ભાગ નીચે ઉદ્‌ઘૃત કર્યો છે – ‘દુશ્ચક્ર’ વાર્તા વાંચ્યા પછી મારો એક પ્રકારનો (નિર્દોષ) ગર્વ ગળી ગયો. (મને એમ હતું કે વસ્તુવૈવિધ્યમાં મારા જેવું કોઈ નથી.) કોઈ પણ વાર્તા લેખકને ‘દુશ્ચક્ર’ વાંચ્યા પછી એમ થાય, ‘અરે, આ વસ્તુ પાસેથી હું હજાર વાર પસાર થયો, સરોજની જેમ મને એ કેમ ન સૂઝ્યું?’ આ વાર્તાના અંત બાબતે જયંત ખત્રીની જેમ શરીફાબહેનનાં મંતવ્યો પણ સમાન જણાય છે. કૃતિના અંતે વીરજીને જેન્ટસ ટેલરને ત્યાં નોકરી સ્વીકારતો બતાવ્યો એ હલ કે ઉકેલ વાર્તા લોઢાની મેખ જેવી ગણાવી છે.’ કહો કે ઉત્તમ વાર્તા માટે થોડી કમજોર બનાવે એવી. ‘તથાસ્તુ’ વાર્તાસંગ્રહની ‘સૌગંધ’ વાર્તા બોલી પ્રયુક્તિની વાર્તા છે. પ્રેમ અવસ્થામાં નૈતિકતાનો સૂર પ્રબળ બનાવતી વાર્તા બની છે. વાર્તા આમ તો લગ્નેતર સંબંધની છે. છતાં અહીં નાયક/નાયિકાનો લગ્નેતર પ્રેમ અનૈતિક લાગે એ રીતે લેખિકાએ ચિતર્યો નથી. સ્નેહ, ફરજ, બંધન, જવાબદારી અને દૈહિક ઇચ્છાઓનું અહીં મિશ્રણ છે. અહીં પાત્રો ઉત્તરના પૂરબિયા પ્રદેશના યા તો બિહારી છે. અને શ્રમિક વર્ગનાં છે. અહીં પણ ભાષા પ્રયોગની સભાનતા નૂતનતા લાવે છે. બન્નેનું પૂર્વ લગ્નજીવન સંતુષ્ટ નથી. એક હૂંફ અને સંભાળની તીવ્ર ઇચ્છા છે. અહીં નાયક સંબલ અપ્રામાણિક છતાં પ્રામાણિક લાગે છે. બળવાન છે, બહાદુર મર્દ છે, છતાં ભોળો અને નિખાલસ છે કોઈનેય નુકસાન પહોંચાડી કશું પામી લેવાનો ઇરાદો નથી અને છતાં આ ‘શુદ્ધ’ એટલે કે નૈતિકતાને ટકાવી રાખવા બન્ને પાત્રોની મથામણ એક આદર્શ પ્રેમની ઝાંખી કરાવે છે આમ નાયકના ‘સૌગંધ’ વાર્તાનો અંત એની અણધારી ચોટ વાર્તાને ઉત્તમ બનાવે છે અને સંબંધોને નવો સંદર્ભ આપે છે. સરોજ પાઠકે વિવિધ સંવેદનોને વાર્તામાં મૂક્યાં છે. બાળકથી લઈ વૃદ્ધોની માનસિકતા ઝીલી છે. ‘નિયતિકૃત નિયમરહિતા’ વાર્તા વૃદ્ધ દંપતીની વાર્તા છે. એક સંતાનહીન વૃદ્ધ, લાચાર દંપતી મુરલીધર અને સંતોષીના એકાકી જીવનનું વેદનાસભર ચિત્રણ કરે છે. એમને ત્રણ સંતાનો છે એવી કલ્પના કરી ભાડૂઆત સાથે સતત સંવાદ કરી જીવનનો ખાલીપો ખાળે છે. વાર્તા વયસહજ કે એકલતાની અને સંદિગ્ધ માનસિક અવસ્થાની વાર્તા બની છે. એમનો અંતિમ અને મરણોત્તર વાર્તાસંગ્રહ ૧૯૯૦માં ‘હું જીવું છું...!’ શીર્ષકથી પ્રકાશિત થાય છે. આ વાર્તાસંગ્રહની ભૂમિકા મીના મદ્રાસી અને રમણ પાઠક દ્વારા લખાયેલ છે. અને અર્પણ સુરતની નાટ્યકલા સંસ્થા રાષ્ટ્રીય કલાકેન્દ્રને કરેલ છે. ભૂમિકામાં શ્રી રમણ પાઠક લખે છે કે – આ સંગ્રહ હું મારા તરફથી મરણોત્તર મારા અધિકારની રૂએ સુરતની નાટ્યકલા સંસ્થા રાષ્ટ્રીય કલાકેન્દ્રને સાદર અર્પણ કરું છું. એ એટલા માટે કે, પ્રસ્તુત સંસ્થાની લગભગ ત્રીસ ત્રીસ વર્ષની સેવા-પ્રવૃતિમાં, સરોજ પાઠકે તન-મન-ધન આદિથી ગજા બહારની નિજી શક્તિ સમૃદ્ધિ ખર્ચી.’ આ અંગત વાતથી પ્રતીત થાય કે સરોજ પાઠક કળાને કેટલા આત્મીય ભાવે જોતાં હશે! કુલ બાવીસ વાર્તાઓનો આ સંગ્રહ છે. હતાશા, એકલતા, પીડા, હૉસ્પિટલ, બીમારી, ડીપ્રેશન, જીવન-મરણ જેવા ભાવો આલેખતી સાતથી આઠ વાર્તાઓ આ સંગ્રહમાં મળે છે. ‘હું જીવું છું’ શીર્ષક વાર્તા પણ વૃદ્ધત્વની સ્વતંત્રતા માટેના રસ્તાઓ શોધતી જ વાર્તા બની છે. અવસ્થાની મજબૂરી અને સ્વાભિમાની લડાઈ અહીં હૃદયસ્પર્શી છે. એક સંવાદથી સ્પષ્ટ કરીએ – ‘આખું શરીર અકડાઈ ગયું છે ભલે! કોઈને ખબર ન પડવી જોઈએ. નહીં તો બધા જ પોતાને ખાટલામાં તાણી બાંધશે, દયા ખાશે, ડૉક્ટર, નર્સના ધાડાં. ઉપરથી ઇંજેક્શનો ને ભલું હશે તો હૉસ્પિટલમાં ‘સારી સારવાર’ માટે ગોંધી દેશે!’ આમ અંતિમ વાર્તાસંગ્રહ વૃદ્ધત્વની અસહાયતા, એકલતા અને હતાશાને આલેખે છે. અને ખાલીપાનો સૂર પણ આ વાર્તાસંગ્રહના અંતે જયંત ખત્રી, પ્રમોદકુમાર પટેલ, ડૉ. રમણલાલ જોશી, હર્ષદ ત્રિવેદી, ડૉ. દિલાવરસિંહ જાડેજાના અભિપ્રાયો મૂક્યા છે. જેનો સરવાળે સૂર એક જ પ્રગટે છે કે સરોજ પાઠક એક સ્વાતંત્રોત્તર યુગના શક્તિશાળી આધુનિક સર્જક છે. નારીપ્રધાન વાર્તાઓ વધારે આપી છે. મનોવાસ્તવને આલેખતી વાર્તા, શૈલીના પ્રયોગોની વાર્તા અને અજાગ્રત મનની લીલાઓ વર્ણવતી વાર્તાઓ એમના સાતેય સંગ્રહોની વિશેષતા છે. એમની વાર્તાઓ ક્યારેક વધુ ક્લિષ્ટ બની જાય છે અને વાર્તાનો રસભંગ થતો પણ અનુભવાય છે. ક્યારેક વર્ણનનો અતિરેક ક્યારેક પ્રયોગશીલતાના મોહમાં સુરુચિભંગ પણ ખરો. છતાં એક સ્ત્રી લેખિકા જ્યારે સ્ત્રીના શોષણની વાતો ઉપર જ અટકેલી ન રહીને આસપાસના જગતનું બારીક નિરીક્ષણ આપી વાર્તામાં નૂતનતા લાવવાનો પ્રયત્ન કરે છે અને એ સફળ બની રહે ત્યારે ગુજરાતી વાર્તા સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ સાર્થક દિશામાં ઉમેરો થાય છે. સરોજ પાઠકની વાર્તાઓ એટલે પણ નોંધપાત્ર લાગે છે કે એ એક આધુનિક સમય કે બદલાતાં વિચાર અને જીવનશૈલીને આલેખે છે. ‘પોષ્ટમૉર્ટમ’ કે ‘વિરાટ ટપકું’ જેવી વાર્તા ઍબ્સર્ડ લાગે. કેટલીક વાર્તાઓનાં શીર્ષક પણ અટપટાં અથવા નૂતન પણ લાગે. જેમ કે ‘નિયતિકૃત નિયમરહિતા’, રાનાપીલીવાની જા’, ‘મારા ચરણ કળણમાં એટલે એક્‌સ્ટ્‌સી’, ‘આત્મને પદ ચિંતન, પરસ્મૈદ પ્રલાપ – વાઈસવર્સા’, અને પહેલાં અને પછી... પ અને...,’ ‘અવેટ્રિંગ ....ટ્રીં ...ટ્રીં...’ વળી સ્વરૂપના વિકાસની વાત થાય તો સરોજ પાઠકનું નામ ધ્યાનપાત્ર કહી શકાય એવું જ એમની વાર્તાઓમાંથી પસાર થતાં જણાય. એમના વાર્તાસંગ્રહ ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યા છે. આશરે એકસો બાવીસ જેટલી ટૂંકી વાર્તા મોટી સંખ્યામાં આપી છે. એમની વાર્તાઓના માધ્યમથી એમના વ્યક્તિસ્વાતંત્ર્ય અને પ્રતિભાનો પરિચય મળે છે. આમ સરોજ પાઠક એક આધુનિક અને પ્રયોગશીલ જ નહીં સશક્ત વ્યક્તિ તરીકે પણ એમના સર્જનના માધ્યમથી અનુભવી શકાય છે.

નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
Email : neeta.singer@gmail.com
વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’ ૨૦૨૦માં પ્રકાશિત.
૨૦૨૧માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષક જાહેર થયું હતું.
નર્મદ સાહિત્ય સભા, સૂરત ‘નંદશંકર ચંદ્રક’ ૨૦૨૦-૨૧ એનાયત થયેલ.
ટૂંકીવાર્તા ઉપરાંત એકાંકી, નિબંધ, લઘુનવલ, અનુવાદ અને ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં પરિચયાત્મક સમીક્ષા લેખ પ્રકાશિત થયા છે.