ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સાગર શાહ
‘ગેટ ટુ ગેધર’ અને અન્ય વાર્તાઓ
– સાગર શાહ
પ્રિયંકા જોશી
અમદાવાદનો એક યુવાન શહેરની જાણીતી એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાંથી અભ્યાસ કરીને કમ્પ્યુટર એન્જિનિયર બને છે. પણ તેને વ્યાવસાયિક ધોરણે અપનાવતો નથી. પારિવારિક વ્યવસાયમાં પણ સ્થિર થવાને બદલે તેને પીઠબળ બનાવીને પોતાનાં સપનાં સાકર કરવાની ઇચ્છા રાખે છે. એવાં સપનાં જે તેણે બાળપણથી જોયાં છે. આર્થિક સાનુકૂળતામાં જેનો વાચન અને લેખનનો શોખ પોષાતો રહ્યો છે. અભિવ્યક્તિની આતુરતાએ જેની પાસે કિશોરાવસ્થામાં મુગ્ધ કાવ્યો લખાવ્યાં. સમયાંતરે પોતાની વાત કહેવાની આતુરતામાં કુશળતા ઉમેરાઈ. આજે આ આતુરતા વાર્તાલેખન અને એથી પણ આગળ ફિલ્મમેકિંગ સુધી પહોંચી છે. ગુજરાતી સાહિત્યની નવી પેઢીના આ જાણીતા લેખક એટલે સાગર શાહ. તા.૨૫-૦૯-૧૯૮૮ના રોજ પૃથ્વી શાહ અને બેલા શાહને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા એડવર્ટાઇઝિંગ કંપની ધરાવે છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ થયા બાદ સાગરભાઈએ પિતાની કંપનીમાં જોડાવાને બદલે સાહિત્યમાં ઝંપલાવ્યું. જો કે અભ્યાસ દરમિયાન જ તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં પગલાં માંડી ચૂક્યા હતા. સાહિત્યકાર શ્રી સુમન શાહના દિશાનિર્દેશથી ચાલતી સુ.જો.-સા.ફો.ની વાર્તાશિબિરો તેમનાં વાર્તાલેખન માટે ખરી ઉદ્દીપક બની. આ દરમિયાન ઘણા વાર્તાકાર મિત્રો મળ્યા. તેનાથી તેમની વાર્તાલેખનની પ્રવૃત્તિને વેગ મળ્યો. પોતાની રુચિને અનુસરીને તેમને ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી ભાષા સાથે અનુસ્નાતકની પદવી મેળવી. આ સમયગાળામાં વર્ષ ૨૦૧૫માં તેઓ વિનીતા ઓસવાલ સાથે લગ્નગ્રંથિએ જોડાયા. આ પ્રતિભાશાળી લેખકને તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગેટ ટુ ગેધર’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૧૮માં તૃતીય શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા તેમને યુવા ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો પરંતુ ગુજરાતી સાહિત્યની સાંપ્રત પરિસ્થિતિ અંગે ખેદ વ્યક્ત કરતાં તેમણે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો. હાલમાં તેઓ સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક રીતે એડવર્ટાઇઝિંગ અને ફિલ્મમેકિંગ સાથે સંકળાયેલા છે.
સાગર શાહનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગેટ ટુગેધર’ તેમણે પોતાનાં માતા-પિતા અને પત્ની વિનીતાને અર્પણ કર્યો છે. ચિરસ્મરણીય વાર્તાકાર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે આ સંગ્રહની વાર્તાઓને પ્રાસ્તાવિક ઉઘાડ આપ્યો છે. એક કાળા માથાના યુવાન પાસેથી પ્રાપ્ત થયેલ ‘સંબંધો અને સંવેદનોની સંકુલતાનું સૂક્ષ્મ આલેખન’ને તેમણે સુખદ આશ્ચર્યની ઘટના તરીકે આવકારી છે. સુ.જો.-સા.ફો. અને કલાદ્વીપનાં સંસ્મરણો વાગોળતાં તેમણે આ વાર્તાઓની સર્જનપ્રક્રિયા વિશેની રસપ્રદ વાતો કરી છે. ‘ગેટ ટુગેધર’ની વાર્તામાં જીવનના ઉતાર-ચડાવ, અનુભવો, વિચારો, પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો અને કલ્પનોને તેમણે જે રીતે અભિવ્યક્તિ કર્યા છે તેનાથી તેમની સંવેદનશીલતા તેમ જ સર્ગશક્તિનો પરિચય મળે છે. સાગર શાહની વાર્તા આજના સમયની વાર્તા છે. યુવાવયના આ વાર્તાકારના પ્રથમ સંગ્રહની બાર વાર્તાઓમાં તેમના વિચારોની તાજગી વર્તાઈ છે. નવીન વિષયવસ્તુ સાથે બિનપરંપરાગત દૃષ્ટિબિંદુએ તેઓ વાચકને પોતે રચેલી વાર્તાસૃષ્ટિની સહેલ કરાવે છે. વાચકો માટે વાર્તાનો લોક-કાલ અજાણ્યો નથી. તેમ છતાં નવીન પરિમાણથી પ્રાપ્ત થતું દર્શન રસ નિપજાવે છે. ‘ગેટ ટુગેધર’ની વાર્તાઓમાં ઘટનાઓ, તેની પછીતે ઊભેલો લેખકનો વિચાર અને રસાળ રચનારીતિના સંયોજનથી વાચક સામે વિવિધરંગી ચિત્ર ખડું થાય છે. વાર્તાઓમાં સાંપ્રત સામાજિક પ્રવાહો, સમસ્યાઓ, કુંઠાઓ, મનોવલણો ખૂબ સાહજિક રીતે રજૂ થયાં છે. વાર્તાકારે મોટાભાગે બોલચાલની ભાષા ખપમાં લીધી છે. અંગ્રેજી મિશ્રિત ગુજરાતી(ગુજલિશ) એવી રોજીંદી ભાષાને કારણે વાચક ખૂબ સરળતાથી જોડાઈ જાય છે. વળી, સરળ ભાષા વાચકને વાર્તાના સૂક્ષ્મ ભાવ તરફ દોરી જવામાં પણ એટલી જ સહાયક નીવડે છે. આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણો જેમ કે મોબાઈલ, મેસેજીસ, ઇન્ટરનેટ જેવી ચીજો અને અમદાવાદની કેટલીક જગ્યાઓના સહજ ઉલ્લેખને કારણે યુવાવર્ગને આ વાર્તાઓ પોતીકી લાગે છે. લેખકે આજના સરેરાશ શહેરી યુવાનની વાત માંડી છે. આ યુવાનો શિક્ષિત, પૈસે ટકે સુખી અને સામાજિક રીતે સુરક્ષિત છે. તેમની પાસે ઊર્જા છે, સંપત્તિ છે અને અનેક વિકલ્પો છે. સર્વસ્વીકૃત માન્યતા મુજબ સંસારના સુખી જીવોમાં તેમની ગણતરી થાય છે. પરંતુ જ્યાં જીવન છે ત્યાં સમસ્યાઓ છે. વર્ગ, જાતિ અને સમાજ અનુસાર તેનું સ્વરૂપ જરૂર બદલાય છે. સંસારના આ ખાધેપીધે સુખી લોકોના જીવનમાં પણ સમસ્યાઓ છે. આજના સંપન્ન વર્ગના યુવાનને સામાજિક પ્રશ્નો ખાસ નડતા નથી. ખરું જોઈએ તો તેને સમાજની તમા રહી નથી. ‘લોકો શું કહેશે’ના કોચલામાંથી તો એ ક્યારનોય બહાર નીકળીને આગળ વધી ચૂક્યા છે. તેનો સંઘર્ષ આંતરિક છે. પોતાની ભાવના, લાગણી, અનિશ્ચિતતા અને અંગત સંબંધો સામે તે ઝઝૂમતો રહે છે. ‘ગેટ ટુગેધર’ની વાર્તાઓમાં આપણને આ યુવાનોના લાગણી, સંબંધો અને વિચારોના વિવિધ સ્તરે ચાલતા મનોસંઘર્ષનો પરિચય થાય છે. સંગ્રહની કુલ બાર વાર્તાઓમાંથી પાંચ વાર્તા પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી કહેવામાં આવી છે અને અન્ય વાર્તાઓમાં સર્વજ્ઞ કથનરીતિનો ઉપયોગ થયો છે. બારીક અવલોકનક્ષમતા દ્વારા લેખક વાર્તાનાં પાત્રોને જીવંત કરી શક્યા છે. પોતાની અનુભવસૃષ્ટિમાંથી પ્રગટ થયેલ ભાવને શબ્દસ્થ કરવામાં લેખકે ભાષાના ભપકાને સદંતર ટાળ્યો છે. કદાચ તેથી જ તેમની વાર્તાઓ વધુ માનવીય લાગે છે.
પ્રથમ વાર્તાસંગ્રહ ‘ ગેટ ટુગેધર’ની વાર્તાઓ :
સંગ્રહની પ્રથમ વાર્તા ‘હું અને અનિકેતભાઈ’નું મુખ્ય પાત્ર અનિકેતભાઈ કથક સાથે જિમમાં જાય છે. મધ્યવસ્યક અનિકેતભાઈને ફેમિલી બિઝનેસ છે. તેમના મનમાં એક વસવસો ઘર કરી ગયો છે કે નાની ઉંમરે ધંધો સંભાળી લીધો હોવાને કારણે તેઓ કૉલેજકાળની મજા માણી શક્યા નથી. જિમ તેમના માટે મોજમસ્તી કરવા માટેની મોકળાશ આપે છે. પરંતુ તેમની સજાતીય હરકતો અને ચેનચાળાને કારણે તે જિમમાં સૌ માટે હાંસીનું પાત્ર છે અને કથકની પરેશાનીનું કારણ પણ. તેમની સાથેની મિત્રતાને કારણે કથકને પણ મશ્કરીઓ સહન કરવી પડે છે. અકળામણને અંતે તે અનિકેતભાઈ સાથે આ બાબતે સીધી વાત કરી લેવા માગે છે. પ્રથમ દૃષ્ટિએ સજાતીય વ્યક્તિની લાગતી આ વાર્તા માનવમનના અજાણ્યા ખૂણાનો પરિચય કરાવે છે. જિમમાં આવતાં અન્ય સભ્યોની અપમાનજનક ઠઠ્ઠા-મશ્કરીમાં અનિકેતભાઈ પોતે કેમ જોડાઈ જતા હશે! સતત ચાલતી રહેતી અફવાનો જાણે-અજાણે થયેલો સ્વીકાર એટલી હદે તેમનાં વર્તનમાં દેખાવા લાગે કે અનિકેતભાઈ પોતે પણ તેને માણવા લાગે! એકલા પડી જવાના ડરથી માણસ કઈ હદે ટોળાં સામે શરણાગતિ સ્વીકારી લેતો હોય છે! અનિકેતભાઈનું વિગ વિનાનું ઉઘાડું માથું તેમની નિરાવૃત્ત સ્થિતિ દર્શાવે છે. વાર્તાના અંત ભાગમાં કથક પણ આ પ્રકારની મજાકનો ભોગ બને છે અને તેને અનિકેતભાઈનું વિગ ઉતરેલું માથું યાદ આવી જાય છે. અહીં ખૂબ સૂચક રીતે વાર્તાનું શીર્ષક સાર્થક થાય છે. આ વાર્તામાં જાતિયતાના મુદ્દે સમાજ કેટલો અસંવેદનશીલ અને સંકુચિત છે તેનું ખરું ચિત્રણ થયું છે. વાર્તા કોઈ નિશ્ચિત અંત પર પહોંચતી નથી. તે વાચકને પોતાની વિચારોની દુનિયામાં એકલો છોડી દે છે. લેખકે બોલચાલની ભાષામાં કરેલું આલેખન ઘણું વાસ્તવિક લાગે છે. સંબંધોમાં શંકા અને અસુરક્ષાની વાત ‘કાન્ટ સે’માં થઈ છે. અંશુમને તેની પત્ની રુચિના વર્તનથી તેના પર શંકા ઉપજે છે. જો કે આ શંકાનાં મૂળ તેની માતાના લગ્નેતર સંબંધમાં પડેલાં છે. અંશુમ જ્યારે રુચિને પોતાની માતા વિશે જણાવે છે ત્યારે તેના સહજ પ્રત્યાઘાતથી તે રુચિના જ વર્તનને તપાસવા પ્રેરાય છે. તેના મનમાં સવિતાબેન અને રુચિ એટલે કે તેની માતા અને પત્નીનાં પાત્રો સેળભેળ થવા લાગે છે. પોતાને અન્ય સ્ત્રી-મિત્ર સાથે સંબંધ હોવા છતાં તે પોતાની માતા કે પત્નીના પુરુષમિત્રને નિખાલસતાથી સ્વીકારી શકતો નથી. તેના આ દૃષ્ટિકોણમાં સદીઓથી ચાલી આવતી પુરુષપ્રધાન માનસિકતા રહેલી છે. પરણ્યાને દોઢ વર્ષ થઈ ગયું હોવા છતાં પત્ની સાથે નથી રહેતી, અલબત્ત તેઓ હોટલમાં મળે છે. આ વાર્તા લગ્નસંબંધોના બદલતા સ્વરૂપની સંકુલતા અને વ્યક્તિસ્વાતંત્ર્યના નવાં પરિમાણો પણ રજૂ કરે છે. દરેક ફકરાને અંતે આવતો અધ્યાહાર નાયકની અવઢવની સ્થિતિ સૂચવે છે. અહીં કશું ચોક્કસ નથી. ‘વડર્ઝ આર ઇલ્યુઝિવ’ની નાયિકા કૃપા વર્ષમાં બે-એકવાર ગોઠવતા રીયુનિયનમાં જાય છે. જૂના મિત્રોના સંગાથમાં કૃપાને શ્રીદત્ત સાંભરે છે. કૃપાના ચિત્તમાં ભૂતકાળ અને વર્તમાનની આવનજાવન થતી રહે છે. ભૂતકાળમાં પ્રેમપ્રસંગમાં થયેલ ખરાબ અનુભવ, શ્રીદત્ત સાથે થયેલ પ્રથમ મુલાકાત, મૈત્રી, પ્રેમ – કૃપા પાસે ભૂતકાળના ખાટામીઠાં સ્મરણો છે. તેને શ્રીદત્તનું લખવું યાદ આવે છે. એ કહેતો કે, ‘વડ્ર્સ આર ઇલ્યુઝિવ.’ - શબ્દો ભ્રામક હોય છે. કૃપા ક્યારેય સહમત ન થતી કારણ કે શ્રીદત્તના શબ્દો તેના માટે બહુ મૂલ્યવાન હતા. તેના શબ્દો જ તેની ગેરહાજરીમાં એને હૂંફ આપતા. પરંતુ આજે જ્યારે એમાંનો એક પણ શબ્દ તેને યાદ નથી. ત્યારે તે અનુભવે છે કે જે અનુભૂતિ એ શબ્દો સાથે બંધાયેલી હતી તે આજે મુક્ત થઈને સ્મરણરૂપે સઘળે પ્રસરી ગઈ છે. ‘થાક’ વાર્તાનું મુખ્ય પાત્ર દક્ષા એક આધેડ વયની સ્ત્રી છે. વાર્તા દક્ષાની માતા બીનાબાના બેસણાના પ્રસંગે આકાર લે છે. બધાં સગાંસંબંધીઓના મુખે બીનાબાના સંઘર્ષમય જીવનની એકધારી વાતો સાંભળીને દક્ષાના મનને જાણે ખાલી ચડી છે. કાકાજીએ કરેલી દિવંગત પિતાના બેજવાબદારીપણાની ટીકા સાંભળીને દક્ષાનું ચિત્ત રઘવાયું થયું છે. આ થાક વિવિધ સ્તરે ચાલતા તેના આંતરિક સંઘર્ષનો છે. નાનપણથી જ કુટુંબનું ભરણપોષણ કરતાં બીનાબાના કર્કશ અને ચીડિયા સ્વભાવના બળબળતા તાપમાં વચ્ચે વચ્ચે વરસી જતો પિતાનો પ્રેમ તેને હંમેશા વહાલો લાગ્યો છે. ‘લોકો માટે ભલે પૈસા કમાવાની આવડત સૌથી મોટી હોય પણ હું એવું માનું છું કે માણસને સહુથી પહેલાં પ્રેમ કરતાં આવડવું જોઈએ. ભલે એમાં હાડકાં સડી જાય.’ વાર્તાને અંતે દક્ષા બાર વર્ષના બાળક પાસે આખી જિંદગી ખાળી રાખેલી અકળામણનો ઊભરો ઠાલવી દે છે. ‘વૉટરલાઇન’ વાર્તામાં લેખકે ફ્લેશબૅક માટે ટાઇમટ્રાવેલ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. મુખ્ય પાત્ર નીલેશનું જીવન ઘર-પરિવાર અને ઑફિસની જવાબદારીઓ વચ્ચે ચાલી રહ્યું છે. સહસા એક દિવસ તે પોતાની સ્કૂલના રસ્તેથી પસાર થાય છે. ત્યાં ‘વૉટરલાઇન’ માટે ખોદકામ ચાલી રહ્યું છે. પાણી જીવનનું પ્રતીક છે, આ વૉટરલાઇન નીલેશને તેના ભૂતકાળમાં લઈ જાય છે. ત્યાં મિત્રો છે, તેમની સાથે સંકળાયેલી ઘટનાઓ છે. આ પ્રસંગોમાં નાયકના કલ્પના અને સ્મરણની સેળભેળ થતી જણાય છે. ભૂતકાળના દિવસોમાં વણઉકેલાયા પ્રશ્નો પણ છે અને હાથવગાં કારણો પણ છે. જીવનની ઘટમાળમાં ખોવાયેલો માણસ ભૂતકાળમાં ડૂબકી લગાવવાના સંજોગો શોધતો હોય છે. એ અતીતને વાગોળીને તેને સુધારવાના મનોમન પ્રયાસો કરતો રહે છે. જે વીતી ગયું છે તે બદલી શકાય તેમ નથી. એ થાકે છે, પછી કલ્પનાનો આશરો લે છે. લેખકે માનવ સ્વભાવની આ લાક્ષણિકતાઓ અહીં બખૂબી દર્શાવી છે. ‘વરસાદમાં એક ચક્કર’ વાર્તામાં સ્વકેન્દ્રી કથનરીતિનો ઉપયોગ થયો છે. એક વરસાદી દિવસે નિહાર પોતાના સહકર્મીઓ સાથે કામકાજ અર્થે બહાર નીકળે છે. આ દેખીતી આ સામાન્ય ઘટનાની સમયાંતરે નિહારના મનમાં તેના અને ઈશિતાના ટૂંકા સહજીવનની કથા ચાલે છે. આ કથામાં પ્રેમ, મૈત્રી, રોમાન્સ અને સપનાં છે. તો પારિવારિક વિરોધ અને ઓનરકિલિંગના ભયથી થયેલ વિચ્છેદની પીડા પણ છે. વાર્તાના કેન્દ્રમાં કોઈ ઘટના નહીં પણ કથકનું સંવેદન છે. અડધી-પડતી વાતો અને અધ્યાહારોમાં કથકની વિવશતા દેખાય છે. તેમ છતાં વાચક સામે પૂરેપૂરું ચિત્ર સ્પષ્ટ થાય છે. બહુધા આ વાર્તા એકોક્તિની નજીક ઊભી છે. ‘શબ’ વાર્તાનાં પાત્રો મિલિન્દ અને રીતુ અંતરંગ મિત્રો છે. મિલિન્દ માટે રીતુ તેના જીવનની સારામાં સારી અને ખરાબમાં ખરાબ ક્ષણોની સાક્ષી છે. મિત્રતાથી પણ અદકેરો તેમનો સંબંધ વિજાતીય પ્રેમના રંગે નથી રંગાયો. સગાઈ બાદ બંને મળે છે અને ડ્રગ્સ લે છે. રીતુ વિશે વિચારતા મિલિન્દને પ્રશ્ન થાય છે કે આજ સુધી રીતુ પ્રત્યે શારીરિક આકર્ષણ કેમ થયું નથી. આટલાં નિકટ એકાંતમાં પણ રીતુના અંતરમાં કોઈ સ્પંદનો જાગતાં નથી ત્યારે મિલિન્દને તેનું શરીર શબ જેવું લાગે છે. ઘણીવાર માણસ સિનેમા, કોઈ વાર્તા કે નવલકથાનાં કાલ્પનિક પાત્રોથી એટલો પ્રભાવિત થઈ જાય છે કે તેની સાથે ઊંડું જોડાણ અનુભવે છે. પોતાના જીવનની ફિલસૂફી પર તેની ગંભીર અસરો જોવા મળે છે. એ પોતાની મૂંઝવણોના સમાધાન તેમાં શોધે છે. અગત્યના નિર્ણયોમાં તેનો આધાર લે છે. ‘તસતસતું ચુંબન’ વાર્તાનો નાયક ધવલ પણ એક ગુજરાતી નવલકથાના ગળાડૂબ પ્રેમમાં છે. ધવલને નેહા પ્રત્યે કૉલેજકાળથી એકપક્ષીય આકર્ષણ હતું. પરંતુ તેનો અન્ય સાથે સંબંધ હોવાની જાણ થતાં ધવલે ભારે હૈયે તેના તરફથી મન વળી લઈને અભ્યાસ અને કારકિર્દી બનાવવામાં ઝુકાવ્યું. વર્ષો બાદ એ જ નેહાના લગ્નનો પ્રસ્તાવ આવતાં તેના મનમાં કોકડું વળી ગયેલી આશા ફરી જાગ્રત થાય છે. પરંતુ નેહાના વર્તનમાં તેને સહજતાનો અભાવ અનુભવાય છે. એ ઇચ્છે છે કે નેહા તેના પ્રેમનો પડઘો પાડે પણ નેહાના સુંદર ચહેરા પર લાગેલું કૃત્રિમ આવરણ અંતરાયરૂપ બને છે. વાર્તામાં ભૂતકાળના પ્રસંગો અને વર્તમાનની મુલાકાતો દરમિયાન ધવલના મનમાં ચાલતી મથામણો રજૂ થઈ છે. નેહાના મનનું રહસ્ય અને વાચકનો રસ અંત સુધી જળવાઈ રહે છે. ‘બાયનોક્યુલર’ વાર્તા એક વાર્તાકારની વાર્તા છે. આ વાર્તામાં પોતાની વાર્તાઓ વિશેનાં કેટલાંક અવલોકનો છે, કેટલીક કબૂલાતો પણ છે. પોતાની અંગતતાના વાડાની બહાર દૃષ્ટિ કરવાના અને તેને પોતાની વાર્તામાં લઈ આવવાના મિત્રના આગ્રહને વશ થઈને વાર્તાકાર વાર્તા માંડે છે. વાર્તામાં વાર્તાના પ્રયોગ રૂપે અહીં બે વાર્તાઓ મળે છે. આંતરિક સ્તરે વાર્તાકારનો પોતાનો સંઘર્ષ છે. અને સમાંતરે છે મંગલાનો સંઘર્ષ. પ્રેમી રાકેશથી છેતરાયેલી મંગલા એક વેશ્યા હતી. વાર્તાકાર સાથે તેનો પરિચય એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતી વખતે થયેલો. મંગલાનો સામનો રાકેશ સાથે થાય તો કેવો ઘટનાક્રમ સર્જાય તેની કલ્પનાને આધારે વાર્તા લખવાની શરૂઆત થાય છે. વચ્ચે વચ્ચે સત્યઘટનાઓના ઉલ્લેખો, વાર્તાકારની મથામણ, મિત્રની ઉઘરાણી વગેરેને કારણે વાર્તા ગતિશીલ બની છે. વાર્તાકાર અને તેના મિત્ર દ્વારા વાચકને અંતના બે વિકલ્પો મળે છે. આ બંને વિકલ્પોમાં વાર્તાકારની મનઃસ્થિતિ, મિત્રનો આશય સુપેરે વ્યક્ત થાય છે. ‘બાયનોક્યુલર’ વાપરીને વાર્તા લખવાના સંકલ્પના ભાગ રૂપે ‘સુજીની નવી વાર્તા’ની રચના થઈ છે. અહીં પણ વાર્તામાં વાર્તાની પ્રયુક્તિનો ઉપયોગ થયો છે. વાર્તા કથક અને આશાના લગ્નસંબંધ અને ઘેર-ઘેર નાસ્તો વેચવા જતાં મજુબેનના સંસાર વચ્ચે આવ-જા કરે છે. બંને વાર્તાઓ સમયાંતરે ચાલતી હોવાને કારણે વાચકની જિજ્ઞાસા જળવાઈ રહે છે. આલેખનમાં કથકનું અંગત જીવન, મનોમંથનો, વાર્તાનાં પાત્રો પ્રત્યેનો અભિગમ વગેરે સમતોલ રીતે વ્યક્ત થયું છે. સંગ્રહની શીર્ષ વાર્તા ‘ગેટ ટુગેધર’ સૌથી સશક્ત વાર્તા છે. પ્રથમ પુરુષના કેન્દ્રથી લખાયેલ આ વાર્તા કથક અને તેની પત્ની શૈલજાના સંબંધોની આસપાસ ગૂંથાઈ છે. શૈલજા બીજા શહેરમાં રહે છે. તેમનો સંબંધ અલ્પવિરામ પર છે. આખી વાર્તા કથકના મનમાં ચાલે છે. કથનમાં મનોવ્યાપાર થકી જ ભૂતકાળના પ્રસંગો, બનાવો વિશેની અટકળો મળે છે. ‘શૈલજા શું વિચારે છે?’ – આ પ્રશ્ન કેન્દ્રમાં છે. મિત્રની પત્નીની બર્થડે પાર્ટીમાં તેઓ મળવાનાં છે, મળે પણ છે. આ દરમિયાન નાયકની ભાવસ્થિતિનું આલેખન વાર્તાનું હાર્દ છે. શૈલજાના પાત્ર અને પાત્રપરિવર્તન પણ નાયક કથન દ્વારા જ પામી શકાય છે. તેથી તેના વલણ વિશે કથક જેટલી જ વિમાસણ વાચક પણ અનુભવે છે. તે આ વાર્તાની સિદ્ધિ છે. અહીં સાંપ્રત સમયમાં દાંપત્યજીવનમાં આવતી સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે વાત થઈ છે. બદલાતા સમય સાથે સમસ્યાઓ બદલાય છે, નથી બદલાતું સમસ્યાઓનું હોવું. વાર્તાનો પ્રવાહ વાચકને ખેંચી જાય છે. કથકની અસમંજસ ભરેલી મનોદશા પામીને વાચકને તેના પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. ક્વચિત્ તે અતિસંવેદનશીલ લાગે તો ઓવરથિંકિંગ કરતો પણ લાગે. ક્યારેક એવું લાગે કે અવઢવની સ્થિતિમાં તે ક્ષણના સુખને માણી શકતો નથી. એક બાજુ મિત્રોનો મેળાવડો જામ્યો છે અને બીજી બાજુ છે માનવમહેરામણમાં ખોવાઈને ફરીથી ભેગા થયેલાં બે આપ્તજનો ધવલ અને શૈલજા. ‘સુજીની સમાજસેવા’ વાર્તા આ સંગ્રહની સૌથી અલગ અને નિર્ણાયક વાર્તા છે. આ વાર્તામાં સંપન્ન વર્ગના યુવાનોમાં જાગતા સમજસેવાના અલ્પજીવી ઉભરા પર કટાક્ષ થયો છે. દલિતો અને શોષિતો પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈને નાયક સુજીને પોતાની સંપન્નતા પર તિરસ્કાર છૂટે છે. તેનાથી પ્રેરાઈને તે અભાવગ્રસ્ત લોકો માટે કશુંક કરવા ઇચ્છે છે. પરંતુ જેમણે ક્યારેય બે ટંક રોટલા માટેનો સંઘર્ષ જોયો નથી તેના માટે સમાજસેવા પણ શોખથી વિશેષ હોતી નથી. સુજી મેડિકલ કેમ્પમાં જોડાવા માટે એક ગામડામાં જાય છે. ગામડાનું વાતાવરણ તેને ફિલ્મોથી વિપરીત સાવ સામાન્ય જણાય છે. આ અનઅપેક્ષિત સત્યને તેને નિરાશ કરે છે. ત્યાર પછી તેની અકળામણ વધવા લાગે છે. દિવસો પસાર થતાં તે ઘર-પરિવારજનો અને સવિશેષ ઘરના એશ-આરામને ઝંખવા લાગે છે. પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી લખાયેલ આ વાર્તામાં પૂરેપૂરી તટસ્થતા જાળવીને સચોટ કટાક્ષ ઊભો કરવામાં લેખક સફળ રહ્યા છે. ‘ગેટ ટુગેધર’ વાર્તાસંગ્રહની આ અંતિમ વાર્તા સાગર શાહની એ પછીની પાંચ અગ્રંથસ્થ વાર્તાઓ માટે સેતુરૂપ બનેલી જણાય છે. પરિશિષ્ટના ભાગે સંગ્રહની ચાર વાર્તાઓ વિશે ગુજરાતી સાહિત્ય જગતના ચાર વરિષ્ઠ લેખકોના અભિપ્રાયો મળે છે. યોગેશ જોષીએ ‘સુજીની નવી વાર્તા’માં જાત, જીવન અને વાર્તા વિશે લેખકની સબ્જેક્ટિવિટીની સાથે ઓબ્જેક્ટિવિટીના મલ્ટિફોકલ દૃષ્ટિકોણની લીધી છે. (‘નવલેખન ગુજરાતી વાર્તાઓ’, સં. યોગેશ જોષી, નેશનલ બુક ટ્રસ્ટ). સુમન શાહ ‘વડ્ર્સ આર ઇલયુઝિવ’ને એક યુવતીના મન-હૃદયના ગૂંચવાડાને ટૂંકી વાર્તાના ફલક પર થયેલ સફળ આલેખન માને છે. (‘વાર્તા રે વાર્તા’, સં. સુમન શાહ). જયેશ ભોગયતાને ‘હું અને અનિકેતભાઈ’માં લેખકની નગરજીવનની સંવેદન-શૂન્યતાની પરિસ્થિતિ અંગેની તાટસ્થ્યપૂર્ણ નિરૂપણરીતિ નોંધનીય જણાઈ છે. (‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’, સં. જયેશ ભોગાયતા, ગુજરાતી સાહિત્ય પરિષદ). ‘સુજીની સમાજસેવા’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા મોહન પરમાર કહે છે કે વાર્તાકારે વાસ્તવનાં વિવિધ રૂપોને પ્રત્યક્ષવામાં સર્જનશક્તિનો યથોચિત ઉપયોગ કર્યો છે.
પાંચ અગ્રંથસ્થ વાર્તાઓ :
‘એતદ્’ ડિસે. ૨૦૧૮માં પ્રકાશિત થયેલી વાર્તા ‘હરતું ફરતું બ્રાન્ડિંગ’ તેમની આગળની વાર્તાઓથી ભિન્ન છે. વાર્તાકાર પોતાના આંતરિક જગતમાંથી બહાર આવીને હવે સમાજ તરફ દૃષ્ટિ કરતો જણાય છે. એક સવારે મહેશભાઈ જાગીને જુએ છે તો તેમના શરીર પર પીળા રંગનો ચળકતો મોટો અંગ્રેજી ‘M’ ઉપસી આવ્યો છે. મૂંઝવણ અને વધુ આઘાતથી તેઓ બેબાકળા બની જાય છે. અહીં પત્ની, દીકરા અને વહુના પ્રત્યાઘાતો ખૂબ સહજ રીતે વ્યક્ત થયા છે. તેમના ઘરમાં સર્જાયેલ ભય અને આશંકાના માહોલથી વાચકની જિજ્ઞાસા બળવત્તર બનતી જાય છે. અહીં માનવ સ્વભાવની લાક્ષણિકતાઓનો પ્રાસંગિક ચિતાર મળે છે. જ્યારે જાણવા મળે છે કે દેશમાં ઘણાં લોકોના શરીર પર આ રીતે જુદી જુદી કંપનીના લોગો જેવા આકાર ઉપાસવા લાગ્યા છે ત્યારે મહેશભાઈની ચિંતા થોડી ઓછી થાય છે. વાર્તાના મધ્ય ભાગમાં આપેલી મહેશભાઈના પૂર્વ જીવનની થોડી વિગતો દ્વારા તેમના સંઘર્ષ અને આર્થિક સ્થિતિનો અંદાજ મળે છે. સૂત્રોથી એવું જાણવા મળે છે કે કેટલીક કંપનીઓએ કરાવેલ નિયૉન મેપિંગના કારણે લોકોના શરીર પર આ પ્રકારનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે. લોકોને જાણ કર્યા વિના, તેમની સહમતી લીધા વિના બિનઅધિકૃત રીતે તેનો અંગત ફાયદા માટે ઉપયોગ કરવાના આ વલણમાં વિદેશી કંપનીઓની બજારવાદી માનસિકતા છતી થાય છે. વળી તે આ પ્રકારના પ્રયોગો કરવા માટે ગરીબ દેશોના જનધનનો ‘ગિની પિગ’ જેવો ઉપયોગ થતો હોવાની ઘૃણાસ્પદ બાબત પણ સૂચવે છે. સામા પક્ષે મહેશભાઈ તેના રોકડ વળતરને સ્વીકારી લે છે. આપણા બજારમાં કઈ રીતે વિદેશી કંપનીઓનો પ્રવેશ થાય છે તે અહીં સમજી શકાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાના સિદ્ધાંતો કે સ્વાભિમાન ટકાવી રાખવું પોષાતું નથી. મેજિક રિયાલિઝમની ટેક્નિક સાથે આ વાર્તા સોશિયલ સટાયર નિષ્પન્ન કરે છે. ‘શબ્દસૃષ્ટિ’ ઑક્ટો. ૨૦૧૯માં પ્રકાશિત થયેલ ‘પતંગિયાં અને ફૂલો’ વાર્તા પ્રિયાના દુઃસ્વપ્નથી શરૂ થાય છે. રાત્રે જોયેલું સપનું દિવસે પણ તેનો પીછો છોડતું નથી. પ્રિયાએ બે દીકરીઓના જન્મ પછી દીકરા યશને જન્મ આપ્યો છે. વાર્તામાં પ્રિયાનો ભય, આશંકા અને વિક્ષિપ્ત મનોસ્થિતિને સુપેરે આલેખી છે. સર્વજ્ઞ કથનકેન્દ્ર કહેવાયેલી આ વાર્તા બહુધા પ્રિયાના દૃષ્ટિકોણથી રજૂ થઈ છે. પ્રિયાના અનુભવો અને પ્રાસંગિક સ્મરણો દ્વારા વાચકને ભૂતકાળની વિગતો મળે છે. આ આછીપાતળી વિગતોથી પણ લેખક પ્રિયા, તેની સાસુ, પતિ અને દીકરીઓ ઉપરાંત તેની મિત્રના પાત્રને પણ સારી રીતે ઉપસાવી શક્યા છે. પતંગિયાં અને ફૂલો વાર્તા એકથી વધારે વિષયોને તાગે છે. પિતૃસત્તાક સમાજ અને પુત્રપ્રાપ્તિ માટેના દુરાગ્રહને કારણે સ્ત્રીને સહન કરવી પડતી માનસિક પ્રતાડના અને તેનાથી સર્જાતી વિક્ષુબ્ધતા અને અવસાદની સ્થિતિને લેખકે સફળતાપૂર્વક દર્શાવી છે. આ સંપૂર્ણ ઘટનાક્રમમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની સ્થિતિનો પણ અંદાજ મળે છે. લેખકે જે કહેવું છે એ સીધી રીતે ન કહેતાં પાત્રોનાં વર્તન, વલણ અને વિચાર દ્વારા તાદૃશ્ય કર્યું છે. ઝીણવટભર્યું આલેખન વાચકને પાત્રના જીવન અને અંતરમાં ડોકિયું કરવાની જગ્યા આપે છે. વાર્તાના અંતે કલ્પના, આભાસ અને વાસ્તવ વચ્ચેની સીમાઓ ધૂંધળી થઈ જાય છે. રશ્મિતા સુમન શાહ વાર્તા વર્તુળ (ફેસબુક), માર્ચ ૨૦૨૧માં પ્રગટ થયેલ વાર્તા ‘એ રાતે એવું બન્યું કે...’ પ્રકૃતિ અને માણસના સંબંધોની અગોચર વાર્તા છે. પ્રકૃતિ એટલે કે વનશ્રીનો અંશ હોવા છતાં માણસ ધીરેધીરે તેનાથી દૂર જઈ રહ્યો છે. વાર્તાનું વાતાવરણ તેને ખૂબ સુંદર ઉપાડ આપે છે. શરૂઆતે કાળા ડિબાંગ અંધકાર અને ચાંદનીના વર્ણનથી પ્રકૃતિમાં રહેલ સંતુલનનો તાગ મળે છે. કથક અને તેના મિત્રો શહેરી યુવાનો છે. જે ટ્રેકિંગ માટે તિલવાડાના જંગલોમાં જાય છે. જગન અને બુલંદ સ્થાનિક ગાઇડ છે. આ વનવાસી યુવાનોની વાતચીતમાં બનદેવીની વાત સાંભળીને કથકને તેમને જોવા, જાણવા અને સાંભળવાની ઇચ્છા થાય છે. બનદેવી વનવાસીઓને બરફના પહાડો, ધસમસતાં ઝરણાં, ઝાડ અને ક્યારેય નહીં જોયેલા પક્ષીઓની વાર્તાઓ કહે છે. આ લુપ્ત થઈ ગયેલ સજીવોની વાતો લોકોને અચંબિત કરે છે. રસબિરિયા અને પૂરો નામની રાજકુમારીની વાર્તાઓ દ્વારા જે તે સમયે સમાજમાં સ્ત્રીઓની સન્માનનીય સ્થિતિનો ખ્યાલ મળે છે. કથકને બનદેવીને સાંભળવાનો અલૌકિક અનુભવ પ્રાપ્ત થાય છે. બનદેવી દીપડાના બચ્ચાની વાર્તા કહે છે. જે પૂરમાં તણાઈને પરિવરથી છૂટું પડી ગયું હતું. પરિવારને શોધવામાં તે અન્ય પ્રાણીઓને મળ્યું. અંતે પરિવાર સાથે મેળાપ થવાની થોડી ક્ષણો પહેલાં જ તે માણસના હાથે શિકાર થઈ ગયું. બનદેવી એ વનશ્રીનું પ્રતીક છે. બનદેવી આ વાર્તા થકી જંગલમાં રહેતાં લોકોને તેમની સ્થિતિનો અંદેશો આપે છે. પોતના પ્રાકૃતિક મૂળથી વિખૂટો પડીને માણસ શહેરીકરણનો શિકાર થઈ જાય છે. વાર્તાના અંત ભાગમાં વનવાસી યુવાનો બુલંદ અને જગનને સેલ્ફી પડાવતા અને બ્લૂટૂથથી ટ્રાન્સફર કરવા માટે કહેતા દર્શાવ્યા છે. અહીં બનદેવીની છેલ્લી વાર્તાનો મર્મ ખૂલે છે. તે સાથે જ એકાએક તેમની આગળની વાર્તાઓનું દર્શન પણ ખૂલે છે અને ભાવકોની આંખો ઉઘાડી નાખે છે. વાર્તામાં વાર્તા કહેવાની શૈલીના પરિણામ રૂપે આ વાર્તા કોઈ પરીકથા જેવી લાગે છે. ‘એતદ્’ ઑક્ટો. ૨૦૨૨માં પ્રગટ થયેલ ‘સૂર્યવતી, એ અને હું’ વાર્તાનો નાયક ગુજરાતીનો પ્રોફેસર છે. એ, તેની પત્ની નિકિતા, વૈભવ અને તેની પત્ની સ્નેહા રાજસ્થાનના એક રિસોર્ટમાં ફરવા જાય છે. સહુ પોતાની રીતે વૅકેશનની મજા માણે છે. કથકની આનંદ કરવાની રીત અનોખી છે. તે નવલકથા વાંચે છે. તેમાં રાજકુમારી સૂર્યવતી અને ભાણમલની પ્રેમકથા છે. આસપાસની ઘટનાઓ અને પરિવેશ સાથે કથક પોતાની કલ્પનાઓને ગૂંથે છે. આ કલ્પનાઓમાં હૃદયમાં ગોપિત એષણાઓ ભળેલી છે. વાસ્તવ, કલ્પના, એષણા અને સૂર્યવતીની કથાના સંમિશ્રણથી વાર્તાનું ઘડતર થયું છે. મધ્યમાં લેખકે થોડાં વાક્યોમાં કથકના લગ્નસંબંધોની સ્થિતિ દર્શાવી છે. કલ્પનામાં રમમાણ રહેતી વ્યક્તિ વાસ્તવમાંથી રુચિ ખોઈ બેસે છે. સુમન શાહ સંપાદિત લિટરરી કોન્સોર્ટીયમ જૂન ૨૦૨૩માં પ્રગટ થયેલ ‘વાર્તા કહે ને’ વાર્તા સિંગલ મધર પૂજા અને તેના દીકરા અમેયની છે. પૂજા એક ત્રાસદાયક લગ્નસંબંધમાંથી બહાર આવી છે. હવે તેના જીવનમાં સાહિલ નામનો પુરુષ પ્રવેશ કરવા ઇચ્છે છે. પૂજાને પણ સાહિલ ગમે છે. પરંતુ હજુ તે મૂંઝવણમાં છે. અમેયને વાર્તા દ્વારા એ પોતાની આખી પરિસ્થતિ જણાવે છે. વાર્તાના અંતે અમેય જ તેને રસ્તો બતાવે છે. વાર્તામાં વાર્તાનો વધુ એક પ્રયોગ. વાર્તામાં થોળની આસપાસનું વાતાવરણ અને પંખીઓની સૃષ્ટિનું સુંદર વર્ણન મળે છે. લેખક સાગર શાહની વાર્તાઓમાંથી પસાર થતાં નિશ્ચિતરૂપે બે ભૂમિકાઓ સ્પષ્ટ થાય છે. આંતરિક અભિવ્યક્તિ તેમ જ સામાજિક નિસ્બત સાથે લખાયેલ તેમની વાર્તાઓ કલાની દૃષ્ટિએ પણ સદ્ધર છે. પ્રથમ સંગ્રહની વાર્તાઓમાં સતત અવઢવ વચ્ચે વિહરતી લેખિની એ પછીની વાર્તાઓમાં વધુ સશક્ત બની છે. લેખક પાસે સ્પષ્ટ ખ્યાલો છે. આલેખન થકી સાગર શાહ રેખાઓ દોરી આપે છે. તેમાંથી ચિત્ર મેળવવાની છૂટ વાચકને મળે છે. વાર્તામાં વાર્તા કહેવાની તેમની શૈલી તેમના લેખનની લાક્ષણિકતા રહી છે અને ભાષાની સાહજિકતા તેમની વાર્તાઓની ખાસિયત રહી છે, જે નોંધપાત્ર છે. આગામી સમયમાં આ યુવા વાર્તાકાર પાસેથી અનન્ય સાહિત્યકૃતિઓ મળતી રહે તેવી અપેક્ષા રહે છે.
પ્રિયંકા જોશી
બી.કૉમ., કમ્પ્યુટરમાં અનુસ્નાતક
વાર્તાકાર, કવિયિત્રી
સુગમ સંગીત તથા ફોટોગ્રાફીનો શોખ
અમદાવાદ
priyankajoshi007.mail@gmail.com,
મો. ૯૪૨૯૨ ૨૧૬૭૭